Home » પૉલિયોની રસી, શીતળાની રસી અને કૉંગ્રેસ સરકારો

પૉલિયોની રસી, શીતળાની રસી અને કૉંગ્રેસ સરકારો

by Jaywant Pandya


સબ હેડિંગ : પૉલિયોની રસી ભારતમાં ૧૯૭૦માં શોધાઈ ગઈ પણ તેને કેમ માન્યતા ન મળી? પૉલિયો નાબૂદી અભિયાનમાં ‘હૂ’એ આરએસએસની મદદ કેમ માગેલી? શીતળાની રસી ઍડવર્ડ જેનરે નહીં, ભારતના બ્રાહ્મણોએ શોધી હતી. આવી અનેક ન જાણેલી બાબતો આજના આ લેખમાં જાણવા મળશે.

તાજેતરમાં યોગ દિવસે ૮૨ લાખથી વધુ લોકોને કોરોનાની રસીનો વિક્રમ બન્યો. સ્વાભાવિક જ આના કારણે કૉંગ્રેસને મરચાં લાગ્યાં. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા ઉવાચ: મનમોહનસિંહના જમાનામાં પોલિયોની રસી ૧૭ કરોડ લોકોને અપાઈ હતી. ત્યારે મનમોહનસિંહનાં પૉસ્ટર લાગ્યાં નહોતાં.

રણદીપ સૂરજેવાલાની સ્મૃતિને કાટ લાગી ગયો લાગે છે. હરખઘેલી યુપીએ સરકારે ભારતને પૉલિયો મુક્ત દેશનું બિરુદ મળી ગયું તેની ઉજવણી ફેબ્રુઆરી ૨૦૧૪માં જ કરી નાખી હતી, જ્યારે હકીકત એ હતી કે આ બિરુદ માર્ચ ૨૦૧૪માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રમાણપત્ર દ્વારા આપ્યું હતું.

અત્યારે કોરોના સામે લડાઈ લડવામાં અગ્ર ભૂમિકા ભજવી રહેલ ડૉ. હર્ષવર્ધને તેનું દુઃખ વ્યક્ત કરતા તે સમયે કહ્યું હતું કે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યુપીએ સરકારે ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. (મોદી જ આવા કાર્યક્રમો કરી ઢોલનગારાં વગાડે છે તેમની સ્મૃતિ ટૂંકી છે.) આ કાર્યક્રમમાં ડૉ. હર્ષવર્ધનને ભૂલી જવાયા હતા. પ્રશ્ન થાય કે ડૉ. હર્ષવર્ધનને શા માટે યુપીએ સરકાર યાદ કરે?

તો તેનો જવાબ એ છે કે પૉલિયોની રસીકરણનો કાર્યક્રમ ૧૯૯૪માં ગાંધી જયંતિએ દિલ્લીમાં શરૂ કરાયો હતો ત્યારે ડૉ. હર્ષવર્ધન દિલ્લીના સ્વાસ્થ્ય પ્રધાન હતા. તે વખતે પણ એક વિક્રમ બન્યો હતો. દિલ્લીમાં ૧૨ લાખ બાળકોને એક જ દિવસમાં રસી અપાઈ હતી. આ સાથે દેશભરમાં પલ્સ પૉલિયો અભિયાનનો પ્રારંભ થયો હતો.

ડૉ. હર્ષવર્ધને તે સમયે (૨૦૧૪માં) આ અભિયાનને યાદ કરતા કહ્યું હતું કે તે પછીના વર્ષે એટલે કે ૧૯૯૫માં રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્મા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન એ. આર. અંતુલે સાથે મળીને તેમણે આ ઝુંબેશ સફળ રીતે યોજવા બધાં રાજ્યોને સામેલ કર્યાં હતાં. ડૉ. હર્ષવર્ધને આ મુલાકાતમાં કહ્યું હતું પૉલિયોની ઝુંબેશને સફળ બનાવવી સહેલી નહોતી. મોબાઇલ નહોતો અને ઇન્ટરનેટ પણ નહોતું તેવા સમયમાં, લાખો ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સરકારી અધિકારીઓ, સ્વયંસેવકો અને અન્ય કાર્યકરોના કઠોર પરિશ્રમ વગર પૉલિયો નાબૂદીનું અભિયાન સફળ રહ્યું ન હોત. ૧૯૯૪માં સોનિયા કૉંગ્રેસની કે ગાંધી પરિવારની કૉંગ્રેસની સરકાર નહોતી. આથી જ યશ આપવામાં આ અભિયાન નરસિંહરાવની સરકાર વખતે આદરવામાં આવ્યું હતું તે હકીકત કૉંગ્રેસ ચાતરી જાય છે.

વાઇરૉલૉજિસ્ટ ડૉ. ટી. જેકબ જૉનના જણાવ્યા પ્રમાણે, પૉલિયો, ડિપ્થેરિયા, ટિટેનસ, ઓરી, બાળકોમાં ટીબી વગેરેની રસીનો કાર્યક્રમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯૭૪માં શરૂ કર્યો હતો પરંતુ (સત્તા બચાવવાની લ્હાયમાં ઈન્દિરા ગાંધી કટોકટી નાખી ચૂક્યાં હોવાથી) ભારતમાં આ કાર્યક્રમ ૧૯૭૮માં મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકારમાં શરૂ કરાયો હતો જેમાં જનસંઘ (આજનો ભાજપ)નો વિલય કરાયો હતો. આમ, પૉલિયોની રસીનો પ્રારંભ બિનકૉંગ્રેસી સરકારમાં થયો અને તેની ઝુંબેશનો પ્રારંભ બિન-ગાંધી-નહેરુ પરિવારની કૉંગ્રેસ સરકારમાં થયો. વાઇલ્ડ પૉલિયો વાઇરસ – ટાઇપ ૨નો છેલ્લો કેસ ઑક્ટોબર ૧૯૯૯માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં નોંધાયો હતો. કહેવાની આવશ્યકતા નથી કે તે વખતે અટલબિહારી વાજપેયીની એનડીએ સરકાર હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડૉ. હર્ષવર્ધનને ૧૯૯૮માં ‘ડાયરેક્ટર જનરલ્સ પૉલિયો ઇરેડિકેશન ચેમ્પિયન એવૉર્ડ આપ્યો હતો (તમને ભારતમાં તમાકુ નિયંત્રણ કરવાના પ્રયાસોમાં અમૂલ્ય નેતૃત્વ માટે ‘હૂ’નો ડાયરેક્ટર જનરલ્સ સ્પેશિયલ રેકગ્નિશન એવૉર્ડ પણ ગત ૩૧ મેએ મળ્યો છે.)

વર્ષ ૨૦૧૯માં પૉલિયો રસીકરણ ઝુંબેશને ૨૫ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ડૉ. હર્ષવર્ધને રાજધાનીમાં ૧૯૯૪થી ૧૯૯૮માં પૉલિયો ઝુંબેશ સફળતાપૂર્વક ચાલ્યું તેમાં કૉંગ્રેસના ધારાસભ્યોની ભૂમિકાના વખાણ કર્યા હતા અને આરએસએસ તેમજ તેની સેવા ક્ષેત્રે કામ કરતી સંસ્થા સેવા ભારતીની ભૂમિકાને પણ પ્રશંસી હતી.

૨૦૦૨માં ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૉલિયોના કેસોમાં ઊછાળો આવ્યો હતો. ડૉ. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે, વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હૂ’)એ આરએસએસના ૨૦૦ અધિકારીઓને પૉલિયો નાબૂદીમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરતા પત્રો લખ્યા હતા. તે વખતે ડૉ. હર્ષવર્ધને અમદાવાદમાં આરએસએસના નેતાઓ સામે ૪૫ મિનિટ સુધી પોતાની રજૂઆત (પ્રેઝન્ટેશન) કરી હતી.

તે વખતે સંઘના સરસંઘચાલક કુ. સી. (કુપ્પાહાલી સીતારમય્યા) સુદર્શનને આ વાત ગળે ઉતરી ગઈ. તેમણે સમગ્ર દેશનું ભ્રમણ કર્યું અને સ્વયંસેવકોને પૉલિયો નાબૂદી કાર્યક્રમમાં મદદ કરવા જણાવ્યું. તે પછી આરએસએસની શાખાઓમાં પૉલિયો સામે જાગૃતિના પ્રયાસો શરૂ થયા હતા. (આવું ઘણું સકારાત્મક કામ આરએસએસ દ્વારા થતું હોય છે પરંતુ મોટા ભાગના મુખ્ય ધારાના મિડિયામાં તેની નોંધ લેવાતી નથી હોતી, વ્યક્તિગત લેવાય તો સંસ્થાનું નામ કાઢી નાખવામાં આવે છે. એટલો બધો દ્વેષ છે. જોકે આરએસએસે પોતાની રીતે આવાં જૂનાં કામોનું ડૉક્યુમેન્ટેશન વેબ પર સર્ચમાં મળે તે રીતે કરવું જોઈએ. નવાં કામોનું તો સેવા ભારતી દ્વારા ડૉક્યુમેન્ટેશન થાય છે.)

ડૉ. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે, “બહુ ઓછા લોકો જાણે છે કે આરએસએસના ટોચના નેતૃત્વથી લઈને સ્વયંસેવકો સુધી, સમગ્ર સંસ્થાએ પૉલિયો નાબૂદી કાર્યક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરએસએસ અને સેવા ભારતીએ તેનો ઝાઝો પ્રચાર કર્યો નથી. તેમના કાર્યકર્તાઓએ પડદા પાછળ કામ કર્યું અને તેઓ કાર્યક્રમની કરોડરજ્જૂ બની રહ્યા.” ડૉ. હર્ષવર્ધને યાદ કર્યું કે “એલ. કે. અડવાણીએ પણ પક્ષની અંદર અને ભાજપના મુખ્ય પ્રધાનોને તેમજ આરોગ્ય પ્રધાનોને આ ઝુંબેશને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.”

પોતાને “સ્વાસ્થ્ય વર્ધન” નામ અટલબિહારી વાજપેયીએ આપ્યું હતું તે યાદ કરતા ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે વડા પ્રધાન તરીકે અટલજીએ પણ અંગત રસ લીધો હતો અને ‘હૂ’, યુનિસેફ, રોટરી વગેરે સહિત વિશ્વમાં આ ઝુંબેશ ચલાવનારા અગ્રણીઓ સાથે અનેક બેઠકો કરી અને કાર્યકર્તાઓને પ્રેરણા આપી હતી. ડૉ. હર્ષવર્ધને આ ઝુંબેશ પર ‘ધ ટેલ ઑફ ટુ ડ્રૉપ્સ’ લખેલું પુસ્તક ૨૦૦૪માં પ્રકાશિત થયું હતું જેની નવી સુધારેલી આવૃત્તિ ૨૦૧૩માં પ્રગટ થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં પણ પૉલિયો સામે સફળ ઝુંબેશ ચલાવાઈ હતી. તેના લીધે ૨૦૦૭ પછી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી તેવો ગુજરાત સરકારનો દાવો છે. જોકે ૨૦૧૭માં ‘હૂ’એ તેલંગણા અને ગુજરાતને સાવધાન કર્યા હતા કે ટાઇપ-૨ પૉલિયો વાઇરસ (વીડીપી-૨) પાછો ફરી શકે છે. જોકે ગુજરાતમાં પોલિયો રસીકરણનો કાર્યક્રમ ચાલુ જ છે.

મનમોહનસિંહ સરકાર સદ્ભાગી હતી કે તેમને વિપક્ષ તરીકે ભાજપ મળ્યો હતો જે પૉલિયોની રસીને કૉંગ્રેસની રસી નહોતો કહેતો. ભલે રાજકીય રીતે સારું દર્શાવવાનો હેતુ હોય, પણ ભાજપ સરકારોએ પૉલિયોની રસીની ઝુંબેશને સફળ બનાવવા ઉત્તમ પ્રયાસો કર્યા હતા.

૨૦૧૩ની ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈજેએમઆર) આવૃત્તિમાં ઉપર ઉલ્લેખિત ડૉ. ટી. જેકબ જૉન અને એમ. વીપીન વશિષ્ઠએ લખ્યું હતું કે “પૉલિયો સંશોધન, મુખેથી લેવાની રસી અને ઇન્જેક્ટ કરવાની રસી બંનેની રીતે ભારત સ્થાપક નેતા હતું. એટલે કે પૉલિયોની શરૂઆતના સમયમાં ભારતમાં કામ થયું હતું. ભારતની અગ્રણી સ્થિતિ પછીનાં વર્ષોમાં ટૂંકી દૃષ્ટિવાળી નીતિઓ અને અચાનક બદલાતા નિર્ણયોના કારણે કથળી ગઈ હતી અને તે જાહેર આરોગ્યના આપણા ઇતિહાસમાં એક ધબ્બા સમાન છે.”

૧૯૫૫માં અમેરિકાના ડૉ. જોનસ સૉકે ઇન્જેક્ટ કરી શકાય તેવી પૉલિયો વિરોધી પ્રથમ રસી બનાવી હતી. ૧૯૬૧માં ડૉ. આલ્બર્ટ સેબિને લાઇવ ઑરલ પૉલિયો વેક્સિન (ઑપીવી) વિકસાવી હતી. ભારતમાં પણ પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ૧૯૭૦માં એટલે કે કૉંગ્રેસી શાસનમાં સ્વદેશી ઑપીવી એટલે કે મોઢા વાટે દઈ શકાય તેવી રસી વિકસાવી અને નિર્માણ કરી હતી! વાય. માધવી નામની લેખિકાએ ‘પ્લૉસ મેડિસિન’માં લખેલા એક સંશોધનપત્ર મુજબ, ઉક્ત પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટે ઓપીવી એટલે કે મોઢા વાટે આપવામાં આવતી પૉલિયો વિરોધી રસી બનાવનાર ડૉ. એ. બી. સેબિન (આલ્બર્ટ સેબિન) પાસેથી સીડ વાઇરસ લઈને સ્વદેશી રસી બનાવી હતી અને ‘હૂ’ની પણ તેને અનુમતિ હતી પણ કૉંગ્રેસ સરકારે તેના ઉત્પાદનને બંધ કરાવ્યું. કારણ એ હતું કે તેનો એક જથ્થો બહુ ખતરનાક હતો. તે પછી રસીઓ આયાત જ કરવી પડી. હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પણ સ્વદેશી રસી વિકસાવી હતી પરંતુ રહસ્યમય રીતે તેનું ઉત્પાદન પણ બંધ કરી દેવાયું.

૧૯૮૭માં કેન્દ્ર સરકારના (રાજીવ ગાંધી સરકારના) બાયૉટૅક્નૉલૉજી વિભાગે એક કામ સારું કર્યું. તેણે એક નવું સરકારી એકમ બનાવ્યું- ભારત ઇમ્યૂનૉલૉજિકલ્સ ઍન્ડ બાયૉલૉજિકલ્સ કૉર્પૉરેશન લિ. જે ભુવનેશ્વર ખાતે હતું. રશિયાના મૉસ્કો ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિયોમાયેલિટિસ ઍન્ડ વાઇરલ એન્કેફિલાઇટિસની તરફથી ટૅક્નૉલૉજી હસ્તાંતરિત થવાની હતી. રશિયાથી જથ્થામાં આયાત થનાર ઓપીવી એટલે કે મોઢેથી અપાતી પૉલિયો વિરોધી રસીના રિપેકેજિંગ પર પહેલા તબક્કાનું ઉત્પાદન આધારિત હતું (કૉરોના વિરોધી સ્પુતાનિક જેવું). પણ બીજા તબક્કામાં ઓપીવીનું ઉત્પાદન સંપૂર્ણ રીતે સ્વદેશી કરવાનું હતું. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય જુઓ. વર્ષ ૨૦૦૦ સુધી એટલે કે અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર સુધી, આયાત સાથે પહેલા તબક્કાનું ઉત્પાદન જ ચાલતું રહ્યું! વર્ષ ૨૦૦૦માં એનડીએ સરકારે આ એકમને માંદું એકમ જાહેર કરી દીધું.

મોદી સરકારે તમામ આંતરરાષ્ટ્રીય દબાણો છતાં ભારતમાં સ્વદેશી રસીઓ ઉત્પાદન કરવા પર જોર લગાવ્યું. વડા પ્રધાન મોદીએ પોતે ત્રણ- પૂણે, અમદાવાદ અને હૈદરાબાદમાં તેનું નિરીક્ષણ કર્યું. આમ છતાં, વિપક્ષી- કૉંગ્રેસ સરકારો દ્વારા રસીનો વેડફાટ, રસી વિશે ફેલાવાયેલ ભ્રમ, કૉંગ્રેસ-અખિલેશ યાદવ દ્વારા આને ભાજપની રસી કહેવી, સેક્યુલર મિડિયા દ્વારા ફેલાવાયેલા ભ્રમ, ખોટી માહિતી વગેરેના કારણે તેમજ અમેરિકામાં ડાબેરી – જૉ બાઇડનની સરકાર આવ્યા પછી, તેના દ્વારા રસીની કાચી સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ, અદાર પૂનાવાલા પર શક્તિશાળી લોકોનું દબાણ, વગેરે અનેક બાબતોના કારણે મોદી સરકારે પણ અમેરિકાની ફાઇઝર અને મૉડર્ના અને રશિયાની સ્પુતાનિક રસીઓ માટે અનુમતિ આપવી પડી! અગાઉની સરકારો હોત તો આંતરરાષ્ટ્રીય ફાર્મા લૉબી અને અમેરિકા-રશિયા જેવી મહાસત્તાઓના દબાણ સામે કદાચ સ્વદેશી કોરોના વિરોધી રસીને જ અનુમતિ ન મળી હોત.

રસીકરણનો ભારતમાં જૂનો ઇતિહાસ છે. ઈ. સ. ૧૦૦૦માં શીતળાની રસી અપાતી હતી! ‘ધ હીલર્સ, ધ ડૉક્ટર, ધેન ઍન્ડ નાવ’માં લેખક કુર્ત પૉલકે લખ્યું છે કે અન્ય પરંપરાગત જ્ઞાનની જેમ રસીકરણ પણ ભારતમાંથી ચીનમાં ગયું અને ત્યાંથી બીજે બધે. ગાંધીવાદી વિદ્વાન ઇતિહાસકાર ધર્મપાલે પાંચ ખંડોમાં ‘ઇન્ડિયન સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી એઇન્ટીન્થ સેન્ચ્યુરી’ પુસ્તક લખ્યું હતું જેની પાછળ સંશોધનમાં તેમને ત્રીસ વર્ષ લાગ્યાં હતાં! તે મુજબ, બ્રિટિશરોએ ભારતમાં ‘ટીકા’ તરીકે ઓળખાતી પરંપરાગત રીતે અપાતી રસીને બંધ કરાવી. યુરોપીયન રસી માટે બ્રિટિશરોના પ્રયાસ સામે ભારતીયોએ પ્રતિકાર પણ કર્યો હતો.

દર શીતળા સાતમ આવે છે એટલે શીતળા માતાની પૂજાના બદલે ઍડવર્ડ જેનરનો ધન્યવાદ કરવો જોઈએ તેવા હિન્દુવિરોધી સંદેશાઓ ફરતા થઈ જાય છે. આનો ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો હોય છે કે ભારતીયો-ખાસ તો શીતળા સાતમ મનાવતા ગુજરાતીઓ અંધશ્રદ્ધાળુ છે અને પશ્ચિમી લોકો જ વૈજ્ઞાનિક છે. ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા બની ગઈ હતી એટલે આ પ્રયોગશાળાને બંધ કરવા બીજી પ્રયોગશાળા છેલ્લા એકાદ દાયકાથી ચાલુ થઈ છે. હિન્દુઓને પછાત સાબિત કરી તેમને અર્બન નક્સલી બનાવી દેવાના. પરંતુ શીતળાની રસી ઍડવર્ડ જેનરે શોધી તે પહેલાં ભારતમાં શીતળાની રસી ઑલરેડી અપાતી હતી. હિન્દુવાદી આવી દલીલો કરે કે પછી વિમાન તો ‘રામાયણ’ વખતમાં હતું તેમ કહે એટલે બુદ્ધુજીવી કલમઘસુઓ કહે કે તે પછીથી વિમાનો ક્યાં ગાયબ થઈ ગયા? ગણેશજીની પ્લાસ્ટિક સર્જરી હતી તો પછી આટલાં વર્ષો સુધી તે ક્યાં ગાયબ થઈ ગઈ? અરે મૂર્ખાઓ! ભારતનો સાચો ઇતિહાસ ભણો. આખે આખું નાલંદા વિશ્વ વિદ્યાલય સળગાવી દેવાયું તે તો વિશાળ સમુદ્રના એક ટીપા જેટલી જ આપણને ખબર છે. આ સિવાય ઘણું બધું થયું હશે તેમ ધર્મપાલના લેખન પરથી લાગે છે. મૂર્તિઓની જેમ, પુસ્તકો પણ વિદેશ લઈ જવાયા હશે. આવાં બધાં આક્રમણોના કારણે જ કદાચ પહેલેથી જે દસ્તાવેજીકરણ કરવાના બદલે મૌખિક પાઠ શીખવવામાં આવતા તેમાં ક્યાંક શ્રૃંખલા તૂટી હશે અથવા જે હશે તે ગુપ્ત અથવા લૉ પ્રૉફાઇલ રહેતા હશે અથવા મોગલ-અંગ્રેજ પ્રેમી મિડિયામાં તેમને શૂન્યવત્ મહત્ત્વ મળતું હશે.

રામપાલે જે બ્રિટિશ સ્રોતને ટાંકીને લખ્યું છે તે છે- ઑપરેશન ઑફ ઇનૉક્યુલેશન ઑફ ધ સ્મૉલપૉક્સ એઝ પર્ફૉર્મ્ડ ઇન બંગાલ ફ્રૉમ રૉબર્ટ કૉલ્ટ ટૂ ડૉ. ઑલિવર કૉલ્ટ ઇન એન એકાઉન્ટ ઑફ ડિસીઝ ઑફ બંગાલ, કોલકાતા, ૧૦ ફેબ્રુઆરી ૧૭૩૧. આ સ્રોત મુજબ, સત્તરમી સદીમાં એટલે કે ઈ. સ. ૧૬૦૦થી ૧૬૯૯ વચ્ચે ભારતમાં શીતળાની રસી અપાતી હતી. (યાદ રાખજો, ઍડવર્ડ જેનરે ૧૭૯૬માં રસીને રજૂ કરી હતી.) કૉલ્ટ તે સમયે બંગાળમાં હતા અને તેમણે બંગાળમા જે જોયું તે લખ્યું હતું. તેમણે લખ્યું જેને રામપાલે ક્વૉટ કર્યું તે મુજબ બંગાળમાં બ્રાહ્મણો લોખંડની તીવ્ર સોય વડે આ રસી આપતા હતા. પરંતુ આ સમય તો ૧૭મી સદીનો હતો. પણ કૉલ્ટે લખ્યા પ્રમાણે, આ પ્રૅક્ટિસ તો ૧૫૦ વર્ષથી ચાલી આવતી હતી! તેમણે લખ્યું હતું કે ગંગાકિનારે એક નાના નગરના ચંપાનગરના એક ધન્વંતરિ (અંગ્રેજો સ્પેલિંગ બગાડી નાખતા એટલે તેનું ડુનુન્ટરી-Dununtary કરી નાખ્યું)એ પહેલી રસી આપી હતી! રસી આપવાની રીત પણ તેમણે વર્ણવી હતી, જે મુજબ, સોય વડે પરુ લઈ જે દર્દીને રસી આપવાની હોય તેને અનેક વાર સોય મારતા હતા. આ ઉપચાર પૂરો થાય તે પછી રંધાયેલા ચોખાની લેઈ (લુગ્દી) ઘા પર ચોંટાડી દેતા હતા. તેના ત્રીજા કે ચોથા દિવસે રોગીને તાવ આવતો હતો. આથી રોગીને જેટલું બને તેટલું ઠંડી જગ્યાએ રાખતા હતા અને ઠંડા પાણીને નવડાવતા હતા. ડૉ. ઑલિવર કૉલ્ટ જેમને બ્રિટિશ સરકારે શિપ સર્જન તરીકે નિમ્યા હતા જે બ્રિટનથી ભારત આવતા જહાજોમાં ગોરાઓને ચિકિત્સા આપતા હતા. તેમણે લખ્યું કે રસી આપવાનું કામ મોટા ભાગે ઉડિયા (વર્તમાન ઑડિશાના) બ્રાહ્મણો કરતા હતા. પ્રત્યેક વર્ષે નક્કી કરેલા મહિનાઓમાં આ કાર્યને તેઓ પોતાનું ઉત્તરદાયિત્વ માનીને ઘરે-ઘરે જઈ રોગીઓને શોધતા હતા. ઑલિવરે લખ્યું કે આ ચિકિત્સા પ્રણાલીનું અધ્યયન અને અનુભવ કર્યા બાદ તેઓ આ વિધિની ગુણવત્તા અને શ્રેષ્ઠતાના પ્રશંસક થઈ ગયા. ભારતથી જ આ પદ્ધતિ બ્રિટન પહોંચી હશે અને ઍડવર્ડ જેનરે તેના પરથી જ શીતળાની રસી શોધી હશે.

આજથી બે મહિના પછી શીતળા સાતમ આવે ત્યારે હવે ઍડવર્ડ જેનરના બદલે આ લેખને ફૉરવર્ડ કરજો અને દુનિયાને જણાવજો કે ભારતનું વિજ્ઞાન કેટલું આગળ હતું.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment