Home » “વો મહાનાયક હોંગે આપકે લિયે, મેરે લિયે નહીં”

“વો મહાનાયક હોંગે આપકે લિયે, મેરે લિયે નહીં”

by Jaywant Pandya


સબ હેડિંગ: નરેન્દ્ર મોદી હોય, અમિતાભ બચ્ચન કે અક્ષયકુમાર, હવે જનતા કોઈનાથી આંધળી રીતે પ્રભાવિત થતી નથી. બિહારના એક સુભાષ યાદવનો વાઇરલ ઑડિયો અને તાજેતરમાં ‘કેબીસી’, ‘બિગ બૉસ’ના બહિષ્કારના કારણે તેની નીચી આવેલી ટીઆરપી બતાવે છે કે હવે જનતાને પ્રભાવિત કરવાના માપદંડ આકરા બન્યા છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૧ નવેમ્બર ૨૦૨૦)
હમણાં એક મજેદાર ઑડિયો સૉશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. એક બિહારી ભાઈ એક ટેલિકૉમ કંપનીના કસ્ટમર કૅર પર ફૉન કરે છે. કસ્ટમર કૅરની બહેન તેને પૂછે છે કે આપ કો ક્યા જાનકારી ચાહિએ? બિહારી ભાઈ કહે છે: જાનકારી નહીં ચાહિએ, યે ફૉન કરતે હૈ તો કોરોના કા સંદેશ અમિતાભ બચ્ચન કી આવાજ મેં સૂનાઈ દેતા હૈ, હાથ ધોઈએ, સૉશિયલ ડિસ્ટન્સ રખિયે, માસ્ક પહનિયે.

પછી તે સુભાષ યાદવ નામના ભાઈ કહે છે: બતાઇયે, જો સ્વયં ઔર ઉસ કા પરિવાર કોરોના સે અપને કો બચા નહીં પાયા, વહ હમ કો સંદેશા દેગા? ઇસ સે અચ્છા હૈ કોઈ સાધારણ નાગરિક અથવા લડકી કી આવાજ મેં કોરોના સંદેશ સુનાઈએ.

સુભાષ યાદવ એમ પણ કહે છે કે તે દારૂ પીએ છે, ડ્રગ લે છે (તે વાત સાથે સંમત ન થઈ શકાય, જોકે અમિતાભની દીકરી શ્વેતાના શંકાસ્પદ વિડિયો જયા બચ્ચનના ‘થાલી મેં છેદ કરતે હો?’ નિવેદન પછી આવ્યા હતા ખરા પણ સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય), અમે બૉલિવૂડનો વિરોધ કરીએ છીએ તો તેમનાં પત્ની આવા નશેડીઓના સમર્થનમાં ઊભા રહે છે. અમિતાભ મહાનાયક તમારા અને સરકાર માટે હશે, મારા માટે નથી.

સુભાષ કહે છે કે દસ મિનિટમાં દસ કૉલ કરીએ તો દસેય વાર કોરોના સંદેશ સાંભળવા મળે છે. શું અમને ‘ગજિની’ (આમીર ખાનની ફિલ્મમાં ગજિની ભૂલકણો હતો) સમજી લીધા છે?

કસ્ટમર કૅરવાળી બહેન કહે છે કે પણ આ તો સરકારની સૂચના છે.
ફરી સુભાષ વિફરે છે. તે કહે છે, શું સરકાર? હું બિહારનો છું. બિહારમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દસ લાખ, વીસ લાખ જેટલી ભીડ પ્રચારમાં એકઠી થાય છે. તેને શું કોરોનાનો નિયમ લાગુ નથી પડતો.
કસ્ટમર કૅરવાળી બહેન પણ કંટાળે છે એટલે તે પૂછે છે: તમારે જોઈએ છે શું?
એટલે સુભાષ આપણને પેટ પકડીને હસવું આવે તેવો જવાબ આપે છે, કૂતરાનું ભાઉ ભાઉ સંભળાવો, બિલાડીનું મ્યાંઉ મ્યાંઉ સંભળાવો, એટલે સુધી કે ભૂંડનો અવાજ પણ ચાલશે પણ અમિતાભનો અવાજ તો નથી જ સાંભળવો.
સુભાષ યાદવની આ વાતચીત, તેની વાતચીતની શૈલી પરથી ભલે રમૂજી લાગતી હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે. હવે દેશનો નાગરિક જાગૃત થઈ ગયો છે. તેના માટે મહાનુભાવ (સેલિબ્રિટી) ગમે તે કરે તે હવે અનુકરણીય નથી, સહ્ય પણ નથી. તે હવે વિરોધ કરશે. આખી જિંદગી અમિતાભ બચ્ચનની ફિલ્મો જોઈ તેના ગુણગાન ગાયા હશે પણ જો અમિતાભ રામજન્મભૂમિ નિર્માણના પ્રારંભ વખતે શુભકામના નહીં પાઠવે, નિવૃત્તિની ઉંમર તો ક્યારની વિતી ગઈ છે અને તેમની આકરી મહેનત અને સારા અભિનયના કારણે કામ મળી રહ્યું છે પરંતુ હવે અમિતાભને ઇકૉ સિસ્ટમનો ડર ન હોવો જોઈએ કારણકે તેમણે ઘણું કમાઈ લીધું છે અને એટલે જ જો સુશાંતના કેસમાં રહસ્યમય મૌન ધારણ કરી લેશે, ડ્રગ કેસમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારોનાં નામ બહાર આવશે અને આ બાબત સંસદમાં આ ફિલ્મ જગતના જ મહત્ત્વના ભાગ તેમજ ભોજપુરી ફિલ્મોદ્યોગને બેઠો કરનાર સાંસદ રવિ કિશન ઉઠાવે તો જયા બચ્ચન એમ કહે કે ‘જિસ થાલી મેં ખાતે હો, ઉસી મેં છેદ ક્યોં કરતે હો?’ તો જનતા પણ તમને મહાનાયકના પદેથી ફેંકી દેશે. તમારો શૉ ‘કેબીસી’ ટીઆરપીમાં ફેંકાઈ જશે.
આવા જ હાલ સલમાન ખાનના શૉ ‘બિગ બૉસ’ના પણ થયા છે. સલમાન ખાને પણ અનેક કલાકારોને ફેંકી દીધા છે, અનેકને પ્રમૉટ પણ કર્યા છે, પરંતુ તેની દાદાગીરીના અનેક કિસ્સા છે. સોમી અલી સાથે પ્રેમમાં હતો ત્યારે તેણે સોમી અલીના માથા પર સોડાની બૉટલ ફોડી હતી. ઐશ્વર્યા રાયને પણ મારી હતી અને તે વખતે ઐશ્વર્યા ચશ્મા પહેરીને એવૉર્ડ સમારંભમાં ગઈ હતી અને તેણે પોતે બાથરૂમમાં પડી ગઈ હોવાનું કહ્યું હતું પરંતુ સમગ્ર માયાનગરી જાણતી હતી કે તેના મોઢા પર ઈજાનું કારણ ‘ભાઈ’ છે. ઐશ્વર્યા ફૉન ન ઉપાડે તો પોતાને ઈજા પહોંચાડતો. ઐશ્વર્યા પર શંકા કરતો, પણ પોતે બીજાં લફરાં ચાલુ રાખતો. (આવું ઐશ્વર્યા રાય બચ્ચને ૨૦૦૩માં તે સલમાનથી છૂટી થઈ પછી કહ્યું હતું). ધીમેધીમે નિર્માતાઓ સલમાન ખાનને પડતો મૂકવાના બદલે ઐશ્વર્યાને પડતી મૂકવા લાગ્યા કારણકે ઐશ્વર્યા શૂટિંગ કરતી હોય ત્યાં સલમાન ખાન પહોંચી જતો. વિવેક ઓબેરોયે ઐશ્વર્યાને સાથ આપ્યો, પત્રકાર પરિષદ કરી તે પછી વિવેક ઓબેરોયની કારકિર્દી પણ રોળી નાખવાનું કામ સલમાન ખાને કર્યું.
ગોવિંદાએ પણ કહ્યું છે કે ‘જુડવા’ ફિલ્મમાં તે હીરો હતો. (ડેવિડ ધવનની ફિલ્મ હોય એટલે ગોવિંદા જ હીરો હોય.) પણ સલમાન ખાને તેને આ ફિલ્મ છોડી દેવા કહ્યું. સલમાને ગોવિંદાને કહ્યું, ‘કેટલી હિટ ફિલ્મ આપીશ? આ ફિલ્મ મારા માટે છોડી દે.’ ગોવિંદાએ છોડવી પડી.
ગોવિંદા નામ લીધા વગર કહે છે કે ફિલ્મોદ્યોગમાં એવું વાતાવરણ બનાવી દેવાયું હતું કે કાં તો તેને ફિલ્મ ન મળે, ફિલ્મ મળે તો રિલીઝમાં ડખા થાય, રિલીઝનું નક્કી થાય તો થિયેટર ન મળે.
આ સલમાન ખાનના ‘બિગ બૉસ’ની ટીઆરપી આ વખતે સાવ ઓછી આવી છે. ડ્રગ કેસમાં કેટલાક લોકો ‘એસ’ પરથી અભિનેતાનું નામ હોવાનું કહે છે. પરંતુ તે ઉપરાંત ‘બિગ બૉસ’માં આ વખતે અશ્લીલતાની હદ પાર કરી દેવાઈ છે. તેની સામે પણ લોકોનો વિરોધ છે.
હવે લોકો અક્ષયકુમારની ‘લક્ષ્મી બૉમ્બ’નો વિરોધ કરી રહ્યા છે. દિવાળી પર રજૂ થનાર આ ફિલ્મ સામે લોકોના વિરોધનાં ત્રણ કારણ છે. એક, દિવાળી પર લક્ષ્મી માતાની આરાધના થતી હોય છે, પૂજા થતી હોય છે. તેમના નામની સાથે બૉમ્બ શબ્દ કેમ જોડવામાં આવ્યો? ‘ભીષ્મ પિતામહ’ અને ‘શક્તિમાન’ માટે જાણીતા અભિનેતા મૂકેશ ખન્ના કહે છે કે શું અલ્લાહ કે જિસસના નામ પાછળ આવો કોઈ શબ્દ જોડીને ફિલ્મ બનાવવાની કોઈ હિંમત કરશે? બીજું કારણ એ છે કે આ ફિલ્મ દક્ષિણની ફિલ્મ ‘કંચના’ની રિમેક છે. ‘કંચના’માં નાયકનું નામ રાઘવ છે જ્યારે ‘લક્ષ્મી બૉમ્બ’માં નાયકનું નામ આસીફ કરી દેવાયું છે. અને તેની પત્ની પ્રિયા છે. એટલે હિન્દી ફિલ્મ જગત લવ જિહાદને ઉત્તેજન આપતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્રીજું કારણ એ છે કે સુશાંત કેસમાં અક્ષયે મીંઢું મૌન રાખ્યું અને પોતાની ફિલ્મ રજૂ થવાનો વખત આવ્યો ત્યારે જ મોડેમોડે મૌન ખોલ્યું. તેથી પણ લોકો અક્ષય પર રોષે ભરાયેલા છે. અત્યાર સુધી જે અક્ષયને દેશભક્ત અને રાષ્ટ્રવાદી કહીને તેની ફિલ્મો હિટ કરનાર લોકો હવે અક્ષયને પણ ક્ષમા કરવા માગતા નથી.

પરંતુ માત્ર ફિલ્મ કલાકારો જ નહીં, હવે જનતા સૉશિયલ મિડિયા આવતાં રાજકારણીઓને પણ લપેટામાં લઈ લે છે. સુશાંત કેસમાં સત્ય ખુલ્લું પાડવા બદલ કંગના રનૌતની ઑફિસને શિવસેના શાસિત મુંબઈ મહાનગરપાલિકાએ તોડી પાડી તે વખતે મૌન રહેવા માટે, રિપબ્લિક મિડિયા નેટવર્કે પાલઘરના સાધુઓની નિર્મમ હત્યા બાબતે સોનિયા ગાંધી સામે પ્રશ્નો ઉઠાવ્યા, સુશાંત-દિશા સાલિયાન કેસમાં છેક બેબી પેંગ્વિન સુધીનું રહસ્ય છતું કર્યું, ડ્રગ કેસમાં કલાકારોને ઉઘાડા પાડ્યા એટલે મહારાષ્ટ્ર સરકાર, લુટિયન મિડિયા અને કલાકારો એમ ત્રણ મોરચેથી અર્નબ ગોસ્વામીને ઘેરવા પ્રયત્નો થઈ રહ્યા છે. અર્નબ સામે સેંકડો એફઆઈઆર થઈ, ૧૨ કલાક તેમની પૂછપરછ કરાઈ, તેમના પત્રકારોને કારણ વગર પકડી લેવામાં આવે છે, રિપબ્લિક ટીવીના સીએફઓથી માંડીને વિવિધ લોકોને પૂછપરછ માટે બોલાવાય છે, ટીઆરપીની એફઆઈઆરમાં નામ ‘ઇન્ડિયા ટુડે’નું હોવા છતાં રિપબ્લિક ટીવીનું નામ પરમવીરસિંહ નામના પોલીસ કમિશનર બોલે છે, રિપબ્લિક મિડિયા નેટવર્કના હજાર પત્રકારો સામે એફઆઈઆર થાય છે, પરંતુ આ બધામાં મોદી સરકાર મહદંશે ચૂપ રહે છે. ડિબેટમાં આવીને ગૌરવ ભાટિયા, સંબીત પાત્રા મોળું મોળું બોલે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની નિર્મમ હત્યા થાય છે તો પણ મોડે મોડે ભાજપ દેખાવો કરી, ધરપકડ વહોરી સંતોષ માની લે છે. એટલે આ બધામાં હવે મોદી સરકાર સામે પણ લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે મોદી સરકાર શું વિપક્ષ સાથે સારા સંબંધ રાખવા (અક્ષયકુમારને ઇન્ટરવ્યૂમાં મોદીજીએ મમતા બેનર્જી તેમને કુર્તા ભેટ આપતાં હોવાનું કહેલું) પોતાના નેતાઓની હત્યા થાય છે, પોતાના તરફી ચેનલ રિપબ્લિક ટીવી સામે પોલીસ કાર્યવાહી, કંગના રનૌતની ઑફિસ તોડી પાડવી વગેરે પ્રત્યે આંખ આડા કાન કરે છે?

કોરોના કાળમાં માસ્ક પહેર્યો હોય પણ સહેજ નીચે ઉતરી ગયો હોય તો પણ પોલીસ દંડ લઈ લેતી હોય છે. સામાન્ય જનતાએ નવરાત્રિ ઉજવી નહીં. ચૈત્રી નવરાત્રિ પણ ઉજવી નહીં. મંદિરો લગભગ બંધ છે. અષાઢી બીજના દિવસે થતી ભગવાન જગન્નાથની રથયાત્રા પણ અમદાવાદમાં આ વર્ષે નીકળવા દેવાઈ નહીં અને જન્માષ્ટમી પણ લોકોએ ઘરમાં જ મનાવી. આ સારી બાબત પણ છે કે કોરોના વધુ ફેલાય નહીં તે માટે આ આવશ્યક હતું પરંતુ લોકોને એ પ્રશ્ન થાય છે કે શું નિયમો માત્ર જનતા માટે જ છે? લોકોએ જોયું કે દિલ્લી સહિત અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલી દેવાઈ અને કેટલી લાઇન હતી અને તેમાં દારૂ લેવા ઊભેલા દારૂડિયાઓએ કોરોનાના નિયમોનું કેટલું પાલન કરેલું? પરંતુ દારૂથી આવક થતી હોવાથી તેમાં કોઈ વાંધો સરકારોને નહોતો.

મહારાષ્ટ્રમાં ભાજપ મંદિરો ખોલવા આંદોલન કરે છે. તે કહે છે કે મદિરાલયો ખુલ્લાં છે, પણ મંદિર નહીં. જનતા જુએ છે કે આ જ ભાજપની સરકારમાં ગુજરાતમાં મંદિરો લગભગ બંધ જેવાં છે, પણ ગુજરાતની જનતા શાણી છે. તે સમજે છે કે આ વખતે ઘરમાં પૂજા કરી લઈશું. પરંતુ સામે પક્ષે તે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓને કોરોનાના નિયમોના ઉલ્લંઘન કરીને રેલીઓ કરતા જુએ છે, બિહારની જનતા (ઉપર સુભાષ યાદવનો દાખલો આપ્યો છે તે મુજબ) પણ જુએ છે કે ચૂંટણીમાં કોરોનાના નિયમો કેટલા પળાઈ રહ્યા છે.

પરંતુ હવે જનતા કોઈથી અંજાઈ જાય તેવી નથી. જ્યાં સુધી કોઈ અમિતાભ, અક્ષયકુમારની જેમ સારા માર્ગે ચાલતું હશે ત્યાં સુધી તેને માથા પર બેસાડશે પરંતુ જો તેઓ માર્ગ ભૂલશે તો તેમને માથેથી પછાડી દેતા પણ જનતાને આવડે છે. આ વાત સરકારોને પણ એટલી જ લાગુ પડે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Ramesh Makwana 01/11/2020 - 9:02 AM

To the point. Correct👍

Reply

Leave a Comment