Home » પંગત, કંકોત્રી અને વર્ચ્યુઅલ સમાજ

પંગત, કંકોત્રી અને વર્ચ્યુઅલ સમાજ

by Jaywant Pandya

સબ હેડિંગ: હવેના પ્રસંગો ભપકાદાર જરૂર થયા છે. પાર્ટી પ્લૉટમાં ભવ્ય સાજશણગાર હોય છે. ભોજનના મેનુમાં કૉન્ટિનેન્ટલથી લઈને પંજાબી-સાઉથ ઇન્ડિયન ફૂડ હોય છે. ઘણી જગ્યાએ તો ઇ-રિક્ષા લઈને ફરીને આઇટેમ શોધવી પડે તેટલી આઇટેમ હોય છે. પરંતુ લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે તેમાં પ્રેમ અને ભાવ હોય છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૩/૨/૨૦૨૦)

તાજેતરમાં એક મિડિયા અગ્રણીએ ગામડામાં કરેલી ઉજાણીમાં જવાનું થયું. ત્યાં પંગતમાં જમવાનું હતું. પંગતમાં જમતી વખતે મેં અને મારા પત્રકાર મિત્રએ વિચારની આપ-લે કરી. મેં કહ્યું, “પંગતમાં જમવાની પ્રણાલિ કેટલી આધુનિક હતી? એક તો નીચે બેસીને નિરાંતે જમી શકાય. બીજું, વાતો પણ કરી શકાય. ત્રીજું, ભોજનસામગ્રી લાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની કોઈ ચિંતા અને કષ્ટ નહીં. ચોથું, કેટલાક ભોજનસમારંભનું સ્થળ એટલું વિશાળ હોય અને ભોજનસામગ્રી એટલી બધી હોય કે પહેલાં તો જાણવી પડે અને તેના માટે આમથી તેમ ભટકવું પડે કારણકે તેની કોઈ સૂચિ અને દિશાનિર્દેશ આપેલાં ન હોય.

વળી, બુફેમાં જમવાની થાળી હોય વજનદાર. તેમાં પાછો પ્લાસ્ટિકના પ્યાલામાં છાશ તો માંડમાંડ રહે. પાપડ જેવી હલકી સામગ્રી પણ ઉડી જવાની ચિંતા રહે. તેમાં પાછી જો જગ્યા સાંકડી અથવા જગ્યાના પ્રમાણમાં માણસો વધુ હોય, કાઉન્ટર ઓછાં હોય તો તો કોઈ ને કોઈ વ્યક્તિ તમને ભટકાઈને જાય તેવી પૂરી શક્યતા રહે. આવામાં તમારી થાળી નીચે પડી જાય, તમારાં કપડાં બગડે તેવી પૂરી શક્યતા રહે.

વળી, પંગતમાં પહેલાં પતરાળાંમાં એટલે કે વનસ્પતિનાં પાંદડાંમાંથી બનાવેલી થાળી અને વાટકાં રહેતાં. તે જમીને સીધાં કચરામાં જ જતાં. ગાય તેના સહિત એઠું ખાઈ જાય તો પણ ચિંતા નહીં. પર્યાવરણને નુકસાન નહીં. સ્ટીલનાં થાળીવાટકા હોય તો ઉટકવા માણસો રાખવા પડે. તે પણ ખર્ચ બચી જતો.

વળી, પંગતમાં પહેલાં સ્ત્રીઓને બેસાડવામાં આવતી. અને પીરસવામાં ક્યારેય મહિલાઓ ન હોય. તે સમયે ઘરનાં કામ ભલે મહિલાઓ કરતી પરંતુ પંગતમાં પીરસવામાં તેમને મુક્તિ રહેતી. એટલે સ્ત્રીઓને પુરુષો ઝૂકીને પીરસતા. (ફેમિનિસ્ટોને ગમે તેવી વાત થઈ ને, પુરુષ સ્ત્રી આગળ ઝૂકે! આહા!) વળી, પંગતની પ્રણાલિનો ફાયદો એ પણ રહેતો કે પીરસનારા કાર્યક્રમના આયોજકના સ્વજનો કે નાતીલા હોય એટલે જમવા બેસનારાને પણ ઓળખતા હોય. એટલે પ્રેમથી આગ્રહપૂર્વક જમાડે. કેટરિંગ જેવું નહીં. જેમાં ઊભી રાખી હોય સ્કર્ટ અને ટોપ પહેરીને રૂપાળી છોકરીઓ પણ તમે ભોજનસામગ્રી લેવા જાવ તો ભાવશૂન્ય ચહેરો હોય.

ટૂંકમાં, આજે આ પ્રકારના ભોજનસમારંભોમાં ભોજનસામગ્રી તો ભરપૂર હોય છે, કદાચ ભીમ જેવી પાચનશક્તિ ધરાવનાર કેટલાક લોકો જ બધી સામગ્રી ખાઈ શકતા હોય તેટલી બધી ભોજનસામગ્રી હોય પરંતુ તેનો અર્થ શું જ્યાં પ્રેમથી પીરસાય નહીં.

જોકે કેટલાક બુફેમાં આયોજક પોતે લાડુ કે બીજી કોઈ મીઠાઈની થાળી લઈને આગ્રહ કરવા નીકળતા હોય છે. પરંતુ તે પણ હવે લગભગ બંધ જેવું થઈ ગયું છે.

આજે હવે ઘરે જઈને કંકોત્રી આપવાનું તો લગભગ બંધ જ થઈ ગયું છે. કંકોત્રીની તસવીર વૉટ્સએપ કરી દેવામાં આવે છે. એક રીતે સારી વાત પણ છે કે આમંત્રણ તો આમંત્રણ જ છે. રૂબરૂ આપવામાં આવે કે વૉટ્સએપ પર, શું ફેર પડે છે? પરંતુ ના. રૂબરૂ મળીને આમંત્રણ આપવાથી એક ભાવ જોડાય છે. અને અમસ્તું પણ, કોઈ એમ તો આગ્રહ ન જ રાખી શકે કે કાર્યક્રમના આયોજકે બધાના ઘરેઘરે જઈને કંકોત્રી આપવી જોઈએ. પરંતુ હા, એક જ શહેરમાં રહેતા હોય અને પોતાના ખાસ વર્તુળમાં હોય તેમને તો કંકોત્રી આપવા ઘરેઘરે જઈ જ શકાય ને. કારણકે હવે તો દિવાળી સહિતના તહેવારોએ પણ ઘરે બેસવા જવાની પ્રથા બંધ જેવી થઈ ગઈ છે. માબાપ બેસવા જાય તો પણ છોકરાંઓને સાથે લઈ જવાનો આગ્રહ નથી રાખતા. કદાચ સંતાનો પ્રાથમિકમાં ભણતા હોય તો સાથે આવશે. પરંતુ માધ્યમિકમાં આવી ગયા પછી સાથે નહીં આવે. આનાં કારણોમાં એક તો જેન્યુઇન કારણ ભણતરનું પણ છે. જોકે તેમાં રસ્તા શોધી શકાય છે કેમ કે ભણતરનું જ કારણ હોય તો ભણતરની સાથે ફિલ્મ જોવા જવાનો, મિત્ર સાથે પાર્ટી કરવાનો સમય ક્યાંથી મળી જાય છે?

બીજું કારણ, સંતાનોને પોતાની રીતે ઘરે મજા કરવી હોય છે. તેમને મમ્મીપપ્પાના સગા બૉરિંગ લાગે છે. પેલા અંકલને ત્યાં તો મજા જ નથી આવતી. અગાઉ આપણે આવું કહેતા તો આપણા બાપુજી અને બા આવી દલીલ ચલાવતા નહોતા. આજનાં માબાપ પોતાના સંતાનોને સહન કરવાની ટેવ જ પાડતા નથી. બધી ચીજો સુલભ કરાવી દે. અને સંતાનની સંખ્યા પણ એક કે બે જ હોય. એટલે બહાર પણ કોઈ અગવડ પડે તો સંતાન ચીડિયું થઈ જાય. મોબાઇલનું ચાર્જિંગ ખાલી થઈ જાય અને ચાર્જર હાથવગું ન હોય, ડેટા પેક પૂરું થઈ ગયું હોય તો એટલો ગુસ્સો હોય કે વાત ન પૂછો. જન્મદિવસની જો તેની મરજી મુજબની પાર્ટી ન થાય તો પણ ઘરમાં ધમપછાડા કરી મૂકે. આ બધી તો આડ વાતો થઈ પરંતુ મૂળ વાત એ છે કે સંતાન મમ્મીપપ્પા સાથે બેસવા નથી જતા, તેના કારણે ખરેખર તો તેને જ નુકસાન છે કારણકે તેનું નેટવર્કિંગ નથી થતું.

પહેલાં સંતાનો બા-બાપુજી સાથે જતા તેના કારણે ઓળખાણ થતી. બાપુજીના વ્યવસાયમાં હોય તેમના ઘરે જાવ એટલે તે કાકા પણ સંતાનને ઓળખતા. તેનો ઉછેર નાનપણથી જોયો હોય એટલે ક્યારેક બાપુજી ન સમજતા હોય તો તેમને સંતાનની તરફેણમાં સમજાવતા અથવા સંતાન ન સમજતું હોય તો પારકી મા પ્રેમથી પણ કાન વિંધી શકે તે ન્યાયે તે કાકા કે માસી (હા પહેલાં, સંબંધી ચાહે તે પિતાજીની સાથે વ્યવસાયમાં સાથે હોય કે માતાજીની બહેનપણી હોય, કે પછી પડોશી હોય તો પુરુષને કાકા અને સ્ત્રીને માસી કહેતા) સંતાનનું સરસ કાઉન્સેલિંગ કરી શકતા. એ સંતાન મોટું થાય, પિતાજીનું અવસાન થાય તો તેની ઑફિસે તેને ધક્કા ન ખાવા પડતા કારણકે પિતાજીના સહકર્મચારીઓ તેને ઓળખતા હોય. તેથી કામ પતાવી દે.

મમ્મીપપ્પા સાથે આજે સંતાન કોઈના ઘરે બેસવા નથી જતું તેનું એક કારણ એ પણ છે કે આજનાં ટાબરિયાંઓને (એટલે નર્સરી-કેજીમાં ભણતા હોય તેમને પણ) તેમના વિશે મમ્મીપપ્પા ફરિયાદ કરે તે પસંદ નથી. મારી બેબી જમતી નથી કે દૂધ પીતી નથી, ભણવામાં ધાંધિયા કરે છે, આવી વાત કરે તે તેમને પસંદ નથી. એટલે આવડાં ટાબરિયા જો તેની મમ્મી કે પપ્પા ફૉનમાં પણ તેના સગા કાકા કે માસી સાથે ફૉનમાં ફરિયાદ કરતી હોય તો વચ્ચે કોઈ ને કોઈ કામ એવું કરશે કે તેના પ્રત્યે ધ્યાન આપવું પડશે અને વાત બંધ કરવી પડશે.

આનો ઉપાય શું? સંતાનને પ્રેમથી સમજાવીને તમારી સાથે તમારા વર્તુળમાં લઈ જાવ. ઓળખાણ એ મોટી ખાણ છે. બધું જ મૉબાઇલ ઍપ અને ઇન્ટરનેટથી કામ નહીં થાય. બીજું કે તેની ફરિયાદ ન કરો. આમ છતાં, તમારે તેની ફરિયાદ એટલા માટે કરવી હોય કે તમારે તેમાંથી માર્ગ જોઈએ છે તો તેની ગેરહાજરીમાં કરો.

આપણે કંકોત્રી આપવા જવામાંથી આ વાત નીકળેલી અને એ વાત પૂરી. હવે વૉટ્સએપમાં કંકોત્રી મોકલી દેવાથી ભાવશૂન્યતા આવી જાય છે. વૉટ્સએપમાં લોકો તસવીર સાથે એ લખવાની તસદી પણ નથી લેતા કે તમારે આવવાનું જ છે. માત્ર ફૉટો પાડીને મોકલી દો. જો તમે રૂબરૂ આપવા જશો તો પ્રસંગમાં મદદરૂપ બને તેવી બેચાર કામની વાત પણ તમને જાણવા મળી શકે. વળી, સામેવાળી વ્યક્તિ તે સમયે કોઈ તકલીફમાં હોય તો પણ તમને ખબર પડશે. (કોઈ વ્યક્તિ તમને સામે ચાલીને નહીં કહે કે મારો ઍક્સિડેન્ટ થયો છે કે મને તાવ આવ્યો છે.)

આ ઉપરાંત, રૂબરૂ મળવા જવાથી એક ફાયદો એ પણ થશે કે તે પરિવાર આવશે કે નહીં, આવશે તો કેટલા લોકો આવશે, તેનો અંદાજ પણ તમને મળી જશે. દા.ત. પરિવારમાં કોઈ માંદું હશે તો તેઓ કહી દેશે કે અમે બે જણ જ આવીશું. પરિવારમાં કોઈનું મરણ થયું હશે તો તેની પણ તમને ખબર પડશે અને તેના કારણે તેઓ નહીં આવી શકે તે પણ તમને ખબર પડશે.

પણ પ્રશ્ન એ થાય છે કે આ પંગત, આ રૂબરૂ કંકોત્રી આપવા જવી આ બધું કેમ બંધ થતું અથવા ઘટતું જાય છે? આનાં કારણો પણ શોધવાં પડશે. માત્ર નવી પેઢીની નિંદા કરવાથી નહીં ચાલે. આજે જ્ઞાતિના નામે આંદોલનો તો બહુ થાય છે, જ્ઞાતિને લગતા ફેસબુક પેજ, વૉટ્સએપ ગ્રૂપ પણ ઘણાં બન્યાં છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું જ્યારે કોઈના ઘરે લગ્ન કે મરણનો પ્રસંગ હોય ત્યારે આખી જ્ઞાતિ નહીં તો પણ બાપુજીના કાકા, ફઈ, બાના કાકા- ફઈ તેમજ આપણા કાકા-ફઈ અને મામા-માસી આટલા ખૂબ નજીકના કહી શકાય તેવા વીસ-પચ્ચીસ લોકો પણ ઘરનાં કામ ઉપાડી લે છે? બધાને બધા સામે ફરિયાદ છે કે ફલાણી વ્યક્તિ આપણા ઘરે જમવાના સમયે જ આવી હતી અને આટલો જ ચાંદલો કર્યો હતો એટલે આપણે પણ આવું જ કરવાનું. પરિણામે બીરબલની વાર્તાની જેમ બધાં જ સંબંધરૂપી લોટામાં પ્રેમના દૂધના બદલે અવગણના અને અસહકારનું પાણી લઈને જાય છે. આથી જ તો, કેટરિંગ, વેડિંગ મેનેજમેન્ટ જેવી પ્રૉફેશનલ સર્વિસ વધતી જાય છે. જેના કારણે જે પ્રસંગ પહેલાં સાવ ઓછા ખર્ચામાં પતી જતો હતો તે પ્રસંગ હવે લાખો રૂપિયામાં પડે છે.

સમય આવે સમાજની તાસીર બદલાય તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક બાબતો શાશ્વત-સનાતન રહેવી જોઈએ, નહીંતર વર્ચ્યુઅલ સમાજથી આનંદ ઓછો અને દુઃખ વધુ મળશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment