Home » ૩૭૦નું એક વર્ષ, ભૂમિપૂજન, શિક્ષણ નીતિ…ગેટ સેટ ગૉ

૩૭૦નું એક વર્ષ, ભૂમિપૂજન, શિક્ષણ નીતિ…ગેટ સેટ ગૉ

by Jaywant Pandya

સબ હેડિંગ: કલમ ૩૭૦ના એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં શું પરિવર્તન આવ્યું? નવી શિક્ષણ નીતિ શું કહે છે? રામમંદિર નિર્માણનો પ્રારંભ થયો એટલે હવે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી રહ્યા?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૯/૦૮/૨૦૨૦)

શ્રી રામમંદિર જન્મભૂમિ ખાતે ભૂમિપૂજન દ્વારા આખરે મંદિરનિર્માણ અને તે દ્વારા રાષ્ટ્રનિર્માણનો માર્ગ પ્રશસ્ત થયો. પાંચ સદીઓ જૂના વિખવાદનો શું આનાથી અંત આવશે? શું ભાજપનો રામમંદિરનો મુદ્દો છૂટી જતાં ભાજપ પાસે ચૂંટણીમાં હવે કોઈ મુદ્દા નહીં રહે? …

વિરોધી લોકો ભૂલે છે કે રામમંદિર જ મુદ્દો રહેશે. ભાજપ હવે મતદારોને કહેશે કે કૉંગ્રેસે ૭૦ વર્ષ જે મુદ્દા લટકાવ્યા તે અમે આ એક વર્ષમાં પૂરા કર્યા. એક તો ૩૭૦ અને બીજો રામમંદિર. બીજું કે રામમંદિર મુદ્દો એમ પૂરો થવાનો નથી. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે કહ્યું છે કે બાબરી મસ્જિદ હતી અને હંમેશાં રહેશે. હગિયા સૉફિયા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સર્વોચ્ચ ન્યાયાલયે બહુમતીને ખુશ કરવા અન્યાયી અને દમનકારી ચુકાદો આપ્યો છે. દુઃખી થવાની આવશ્યકતા નથી. પરિસ્થિતિ હંમેશ માટે ટકતી નથી.

અહીં હગિયા સૉફિયા શું છે તે સમજી લેવાની જરૂર છે. હગિયા સૉફિયા ઈ. સ. ૫૩૭માં બનાવાયેલ ગ્રીક ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ચર્ચ હતું. પૂર્વીય રોમન સામ્રાજ્યમાં તે સૌથી મોટું ચર્ચ હતું. પરંતુ ઇસ્લામી શાસક સુલતાન મેહમેદે હગિયા સૉફિયાને મસ્જિદ બનાવી નાખી. પરંતુ તુર્કીમાં સાચા અર્થમાં સેક્યુલર શાસન  આવ્યું. મુસ્તફા કમાલ અતાતુર્કના સમયમાં તે મ્યુઝિયમ બની ગઈ. વર્ષ ૨૦૧૩થી કેટલાક ઇસ્લામી જૂથો તેને મસ્જિદ તરીકે ખોલવા માગણી કરી રહ્યા હતા. તુર્કીના વર્તમાન પ્રમુખ તય્યીપ ઍર્ડોગને તેને મસ્જિદ તરીકે ખોલાવી છે અને મુસ્લિમો મોટી સંખ્યામાં ઉમટી પડીને ત્યાં નમાઝ પણ પઢવા લાગ્યા છે.

આ સંદર્ભમાં મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે ધમકી આપી છે કે તેમના સમર્થનવાળું, તેમના પ્રત્યે ઝોકવાળું કોઈ સત્તામાં આવશે તો ફરી શ્રી રામમંદિરના સ્થાને બાબરી મસ્જિદ બનાવી લઈશું. અસદુદ્દીન ઓવૈસીએ પણ આ જ પ્રકારની વાત કરી.

પાંચ ઑગસ્ટે ભૂમિપૂજનના દિવસે એક ચેનલ પર ચર્ચામાં એક સંતે સારો જવાબ આપ્યો, “જો તેઓ આમ કરવા માગતા હશે તો હિન્દુ પછી ચૂપ બેસશે? તેઓ ૩,૦૦૦ મસ્જિદો પર દાવો કરશે.” ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક મસ્જિદો કાં તો મંદિરો તોડીને બનાવાઈ છે અથવા તો ગેરકાયદે બનાવાઈ છે.

માંડ મુસ્લિમ-હિન્દુ વિવાદ કંઈક અંશે થાળે પડ્યો છે ત્યારે આવા કટ્ટરવાદીઓ ફરીથી વિવાદને જન્માવા માગે છે. એ નોંધવું જોઈએ કે નવ નવેમ્બર ૨૦૧૯ના રોજ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવ્યો ત્યારે પણ હિન્દુઓએ મર્યાદાની અંદર ઉજવણી કરી હતી. તેમણે ધ્યાન રાખ્યું હતું કે મુસ્લિમોની લાગણીને ઠેસ ન પહોંચે. મુસ્લિમોએ પણ આ ચુકાદાને આવકાર્યો હતો.

ભૂમિ પૂજનમાં ઈકબાલ અન્સારી અને ફૈઝ ખાન વગેરેને પણ આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. આમાં ઈકબાલ અન્સારી તો ઉદાહરણરૂપ કહેવાય કારણકે તેમના પિતા હાશીમ અન્સારી બાબરી મસ્જિદનો કેસ વર્ષો સુધી લડ્યા હતા અને તેમના પછી ઈકબાલ અન્સારી પણ લડ્યા. આવું કોઈ બીજા પંથવાળા કરે ખરા? કટ્ટર દુશ્મનને આમંત્રણ આપે ખરા? આનાથી કેટલાક હિન્દુઓને દુઃખ પણ થયું કે જે લોકોએ કારસેવા કરી હતી તેમને કે જેમણે બલિદાન આપ્યાં તેમના પરિવારને ન બોલાવાયા પણ જેમણે વિરોધ કર્યો તેમને બોલાવાયા.

ભૂમિ પૂજન વખતે કોરોનાના નિયમો છે એટલે પણ હિન્દુઓ ઉજવણી ભવ્ય રીતે હર્ષોલ્લાસથી કરી ન શક્યા. પોતાના ઘરે લાપસી-કંસાર બનાવી ખાધા-ખવડાવ્યા અને દીપોત્સવ કર્યો. રંગોળી બનાવી, તોરણ ટીંગાડ્યાં. ફટાકડા ન ફોડ્યા.

શ્રી રામમંદિર નિર્માણ પ્રારંભથી હવે અપેક્ષા જાગી છે કે રામરાજ્ય આવશે. અપેક્ષા સાચી પણ છે. ૩૪ વર્ષ પછી તાજેતરમાં નવી શિક્ષણ નીતિ આવી છે તે ભારતમાં ધરખમ સુધારાની બાબતમાં આવી જ અપેક્ષા જગાવે છે. તેની ખાસ ચર્ચા નથી થઈ, કારણકે આપણે ત્યાં શિક્ષણ ફીનો હોબાળો કરી સ્કૂલ સંચાલકો અને વાલીઓને સામસામે લડાવી સરકારને ઘેરવી છે. પરંતુ સાચું સમજાવવું નથી. ઝઘડામાં મજા પડે છે પણ ગંભીર મુદ્દામાં નહીં અને નવી શિક્ષણ નીતિ ગંભીર પણ ક્રાંતિકારી પહેલો લઈને આવી છે. પહેલું તો, શિક્ષણની બાબતો સંભાળતું ખાતું અત્યાર સુધી માનવ સંસાધન વિકાસ ખાતું કહેવાતું હતું. હવે તે શિક્ષણ ખાતું કહેવાશે.

મને પણ પ્રશ્ન થતો કે માનવ સંસાધન વિકાસ (એચઆરડી) કેમ? શું ભારત કોઈ કૉર્પોરેટ દેશ છે અને વિદ્યાર્થીઓ શું માનવ સંસાધન છે? કોઈ મજૂર છે? (મજૂરનું મહત્ત્વ ઓછું નથી પરંતુ અહીં શિક્ષણના સંદર્ભમાં વાત હોય ત્યારે તેની જ પરિભાષા વાપરવી પડે.) ભારતીય દૃષ્ટિએ મનુષ્ય કોઈ કારખાનાનો (માની લેવાયેલો) લાગણીહીન મજૂર નથી. એટલે કૉર્પોરેટ બાબતે પણ માનવ સંસાધન ગણવામાં આવે તે ખોટું છે. મનુષ્ય સંવેદનશીલ છે અને તે ઉત્પાદનનું સાધન નથી. એટલે નામ બદલાયું તે યોગ્ય છે.

બીજું, તેમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વળી કૉલેજમાં દરેક વર્ષે પ્રમાણપત્ર મળશે, જેથી કોઈને અનિવાર્ય સંજોગોના કારણે અભ્યાસ છોડવો પડે તો તે પ્રમાણપત્ર વગર ન રહે. કૉલેજમાં પહેલા વર્ષે સર્ટિફિકેટ, બે વર્ષે ડિપ્લૉમા અને ત્રીજા વર્ષે ડિગ્રીનું પ્રમાણપત્ર મળે. કોઈને અધવચ્ચે છોડવો પડે તો તે વિરામ પછી ફરીથી ડિગ્રી અભ્યાસ પૂર્ણ કરી શકે છે. ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ પર પણ ફી પર મર્યાદા રહેશે. (ગુજરાતમાં જેમ છે તેમ). એક વિવાદિત મુદ્દો એ છે કે વિદેશી યુનિવર્સિટીઓને અહીં શિક્ષણ આપવા આમંત્રાશે. વિવાદિત એટલા માટે કે ભૂતકાળમાં ભાજપે વિરોધ કર્યો હતો. પરંતુ આનો ફાયદો એ થશે કે વાલીઓને પોતાનાં સંતાનોને વિદેશ ભણવા મોકલવા જે જંગી ખર્ચ થતો હતો અને ત્યાં જઈને પછી ત્યાં જ રહી જતા હતા તેમજ સંસ્કૃતિની રીતે વિમુખ થઈ જતા હતા તે ન થાય. (જોકે સંસ્કૃતિની રીતે વિમુખમાં પણ બીજો પક્ષ એ છે કે ભારતમાં યુવાનો સંસ્કૃતિથી વધુ વિમુખ થાય છે, જ્યારે વિદેશમાં સંસ્કૃતિ વધુ સચવાય છે) અને સૌથી મોટી વાત એ છે કે કોઈને એન્જિનિયરિંગ સાથે ફૉટોગ્રાફી કે ડૉક્ટરની સાથે સંગીત શીખવું હોય તો તેવા વિષયો રાખી શકાશે. આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે ડૉક્ટરો પણ સારા સાહિત્યકારો હોઈ શકે છે. એટલે આ વિષય આર્ટ્સનો જ અને આ વિષય સાયન્સનો. તેવા ભેદ નહીં રહે. મનગમતા વિષયો રાખી શકાશે. માસ્ટર ડિગ્રી કર્યા પછી એમ. ફિલ. કરવાની જરૂર નથી, સીધું પીએચ.ડી. કરી શકાશે.

આ સાથે પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી કલમ ૩૭૦ અને ૩૫- દૂર કરાયાને એક વર્ષ પૂરું થયું. આ એક વર્ષમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. આ બહુ સારું થયું. આ લેખકે જમ્મુ-કાશ્મીરનો વિશદ અભ્યાસ કરી તેના પર લાંબી શ્રેણી અન્યત્ર લખી છે. અહીં અબ્દુલ્લા પરિવારે કેન્દ્રમાં કૉંગ્રેસ સાથે સારું-સારું રાખી કાશ્મીર ખીણનું ઇસ્લામીકરણ કરી નાખ્યું. વહીવટમાં કથિત ભ્રષ્ટાચાર કરી પોતાનો જ વિકાસ કર્યો. વખતોવખત કાશ્મીરને ભગવાનભરોસે (સૌથી મોટું ઉદાહરણ ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓને મારી નાખવામાં આવી રહ્યા હતા ત્યારે) છોડી લંડન ગૉલ્ફ રમવા જતા રહેવાનું. કાશ્મીરમાં અલગાવવાદને પોષણ કરવાનું. આ અબ્દુલ્લા પિતા-પુત્રને નજર કેદ રખાયા. તેમના આવા રાજકારણના કારણે બીજા કોઈ પક્ષને સત્તા મેળવવી હોય તો (પાકિસ્તાનની જેમ) અલગાવવાદીઓને થાબડભાણા કરવા પડે. કટ્ટર ઇસ્લામી લોકોને પોષવા પડે. આથી મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમનાં પુત્રી મહેબુબા મુફ્તિ પણ આવાં જ થયેલાં. મહેબુબા મુફ્તિને પણ નજર કેદમાં રખાયા. બીજા રાજકારણીઓને પણ નજરકેદમાં રખાયા છે. આના કારણે તેઓ જમ્મુ-કાશ્મીરમાં લોકોને ભડકાવી શક્યા નહીં. રાહુલ ગાંધી, ગુલામનબી આઝાદ વગેરે કૉંગ્રેસી નેતાઓ કહેતા હતા કે જો કલમ ૩૭૦ હટાવી તો કાશ્મીર ભડકે બળશે. મહેબુબા મુફ્તિ, ફારુક અબ્દુલ્લા વગેરે તો ત્યાં સુધી શેખી મારતા હતા કે તિરંગાને ઉપાડનાર કોઈ નહીં મળે. પરંતુ જે લોકો આગ ભડકાવી શકે તેમ હતા તેમને જ નજરકેદ કરી દેવાયા, તેથી હિંસા ન થઈ. આની સામે અનેક ત્રાસવાદીઓ એન્કાઉન્ટરમાં મરાયા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપૉર્ટ મુજબ, કલમ ૩૭૦ હટ્યા પછી આતંકવાદની ઘટનાઓમાં ૩૬ ટકા ઘટાડો થયો છે. નોટબંધી પછી અને ખાસ તો વિતેલા એક વર્ષમાં ન તો પથ્થરમારાની ઘટના બની છે કે ન તો પાકિસ્તાનનો કે ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો ફરકાવવાની ઘટના બની છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનના ઈશારે અલગાવવાદીઓ નિર્દોષ છોકરાઓ પાસે આવું કામ કરાવતા હતા. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૧૮૮ ત્રાસવાદી ઘટનાઓ બની જ્યારે આ વર્ષે આ આંકડો આ જ અવધિ માટે ૧૨૦નો છે. આ અવધિમાં ગયા વર્ષે ૧૨૦ ત્રાસવાદીઓ મરાયા જ્યારે આ વર્ષે આ અવધિમાં ૧૩૬ આતંકવાદીઓ હુર પાસે ગયા.

રિપૉર્ટ મુજબ, ગયા વર્ષે કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ૭૫ જવાન વીરગતિપ્રાપ્ત થયા હતા જ્યારે આ વખતે ૩૫ જવાન. ગયા વર્ષે ૨૩ સામાન્ય નાગરિકો મરાયા જ્યારે આ વર્ષે ૨૨.

સૌથી મોટું પરિવર્તન તો એ આવ્યું કે અહીં પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને નાગરિકત્વ (રાજ્યનું નાગરિકત્વ થોડું હોય, પણ આ લોકો તો જમ્મુ-કાશ્મીરને અલગ દેશ જ ગણતા હતા) મળતું નહોતું, પંજાબથી સાફસફાઈ માટે લઈ જવાયેલા દલિતોને પણ નાગરિકત્વ મળતું નહોતું. આથી તેમનાં સંતાનો ભણીને ડૉક્ટર-એન્જિનિયર થાય તો પણ તેમને રાજ્યમાં સરકારી નોકરી ન મળે. સુવિધાઓ ન મળે! પરંતુ વિતેલા એક વર્ષમાં ચાર લાખ લોકોને ડૉમિસાઇલ સર્ટિફિકેટ અપાયાં!

એટલે ભાજપ આ મુદ્દાઓને ચૂંટણીઓમાં ગણાવી શકશે. પરંતુ આનાથી રાજ્યોમાં શું મત મળશે? મહારાષ્ટ્ર અને હરિયાણાની ગત ચૂંટણી જોતાં મત તો મળે, પણ પૂરતા નહીં. સ્થાનિક વિકાસનાં કામો પણ જરૂરી છે.

પરંતુ જે લોકોને લાગતું હશે કે ભાજપ પાસે મુદ્દા ખૂટી ગયા છે તો તેમણે નોંધી લેવા જોઈએ. સાચા, દેશભક્ત હિન્દુઓ અને મુસ્લિમો અનેક મુદ્દાઓ લઈને નરેન્દ્ર મોદી-અમિત શાહ પાસે આશા રાખી રહ્યા છે તે આ મુદ્દા છે: જનસંખ્યા નિયંત્રણ, સમાન નાગરિક સંહિતા, દેશમાં દાસત્વની નિશાની સમાન શહેરો-નગરોનાં નામો, રસ્તાઓનાં નામો બદલવા. આ દેશને જાગીર માની સંસ્થાઓ, યોજનાઓ, રસ્તાઓ એક જ પરિવારના લોકોનાં નામે હોય તો તે ક્રાંતિકારીઓના-સાધુઓ-સમાજસેવકોના નામે કરવા, શિક્ષણમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિ વધે તેવા પાઠ્યક્રમો દાખલ કરવા. ન્યાયાલયોમાં ન્યાય ઝડપથી મળે તે માટે સુધારા. પોલીસ તંત્રમાં સુધારા. કાળાં નાણાંના સર્જન માટે જે કોઈ છિંડાં હોય તે પૂરવાં. વેરા ઓછા કરી, તેનું સરળીકરણ કરી, કરદાતા વધે તેમ કરવું. વહીવટમાં ભારતીય ભાષા અને આંકડા તેમજ આંકડાની ગણના પદ્ધતિ (એટલે કે ૧૦૦ કરોડના બદલે ૧ અબજ, ૧૦૦ અબજના બદલે ૧ ખર્વ) વગેરે દાખલ કરવાં. દેશને અંદરથી ખોતરી રહેલી ઉધઈ જેવા આંતરિક દુશ્મનોને ખુલ્લા પાડી તેમને સજા આપવી.

એમ કંઈ નરેન્દ્ર મોદી-અમિત શાહથી સંતોષ માનીને નાગરિકો બેસી જવાના નથી. બક અપ મોદી-શાહ!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment