Home » કોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે!

કોરોનામાં જન ધન સહિતની જૂની યોજનાઓ ગરીબોની વહારે!

by Jaywant Pandya

 

સબ હેડિંગ: ૨૦૧૪થી ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જન ધન, જાજરૂ નિર્માણ, ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને ગેસ, સ્વચ્છતા, નોટબંધી વગેરે યોજના અને અભિયાનો ચલાવ્યાં તે આજે કોરોના સામેની લડાઈમાં આશીર્વાદરૂપ બની રહી છે.

(‘સાધના’ સાપ્તાહિક, ૨૫ એપ્રિલ ૨૦૨૦, સાંપ્રત કૉલમ)

આ લખાય છે ત્યારે (૨૨ એપ્રિલે) ભારતમાં કોરોનાના ૧૫,૪૭૪ કેસો છે. ૩,૮૬૯ લોકોને રજા અપાઈ છે. હતભાગી મૃતકોની સંખ્યા ૬૪૦ છે. આની સામે કેસની રીતે અને મૃતકાંકની રીતે અમેરિકા અનુક્રમે ૮,૧૯,૧૬૪ અને ૪૫,૩૪૦ સંખ્યા સાથે પ્રથમ ક્રમે છે. મૃતકાંકમાં બીજા ક્રમે ઈટાલી ૨૪,૬૪૮ સંખ્યા સાથે છે. કેસની રીતે બીજા ક્રમે સ્પેન ૨,૦૪,૧૭૮ સંખ્યા સાથે છે. મૃતકાંકમાં ચોથા ક્રમે ફ્રાન્સ ૨૦,૭૯૬ સંખ્યા સાથે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે ભારતમાં આજે ૧,૩૯,૨૫,૯૩,૧૦૫ની વસતિ છે. એટલે કે ૧.૩૯ અબજની વસતિ અને તેમાં કોરોના વાઇરસના કારણે ઘર-વાસ કરવાનો થયો તો તે આટલો સફળ કઈ રીતે થયો? અહીં સફળતાનો માપદંડ લોકો કેટલા ઘરમાં રહ્યા અને કેટલા નહીં તેની રીતે નથી કાઢવો. તે રીતે તો છે જ પરંતુ અહીં વાત એ છે કે જે લોકો કોરોનાના દર્દી નથી પરંતુ શ્રમિકો વગેરે છે તેમની જો સરકાર, સ્વયંસેવી સંગઠનો, પોલીસ વગેરેની આટલી કાળજી લેતા હોય તેમ છતાં તેઓ મુંબઈના બાન્દ્રા કે સુરતમાં રસ્તા પર ઉતરી આવે તો જો આટલી કાળજી ન લીધી હોત તો શું થાત?

અને આટલી કાળજી લેવાનું સરકાર માટે શક્ય કેવી રીતે બન્યું તે વિચાર્યું છે?

નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારે વર્ષ ૨૦૧૪માં આવ્યા પછી શ્રમિકો અને ગરીબો તરફી જે ફટાફટ નિર્ણયો લીધા અને તેનો અમલ થયો તે ન હોત તો અત્યારે આ ઘર-વાસ સફળ ન જ થયો હોત. આમાં કોઈ શંકા નથી.

નરેન્દ્ર મોદીએ મે મહિનામાં વડા પ્રધાન બન્યા પછી ૧૫ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં જે પહેલી કેટલીક જાહેરાતો કરી હતી તેમાંની એક હતી: ગરીબોના શૂન્ય સિલક સાથે બૅન્કમાં ખાતાં ખોલાવવાં. આ યોજનાનું નામ જન ધન છે. એવું નથી કે આ પહેલાં આવી કોઈ યોજના નહોતી. સ્વાભિમાન નામની યોજનાનો હેતુ બૅન્કને ગ્રામીણ ક્ષેત્રમાં લઈ જવાનો હતો. પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. આ યોજના મોટા ઉપાડે યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ કેન્દ્રીય નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની હાજરીમાં શરૂ કરાવી હતી. પરંતુ તેના માટે નિયત અને અમલ કરાવવાની આવડત આ બંને જોઈએ.

નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પહેલા જ દિવસે ૧.૫૦ કરોડ બૅન્ક ખાતાં ખોલવામાં આવ્યાં! પહેલા સપ્તાહમાં ૧.૮૦ કરોડે આંકડો પહોંચ્યો. ૨૭ જૂન ૨૦૧૮ સુધીમાં ૩૧.૮૦ કરોડ બૅન્ક ખાતાં ખુલ્યાં. વર્ષ ૨૦૧૪માં બૅન્કનો ઉપયોગ કરતી વસતિ ભારતની કુલ વસતિના માત્ર ૫૦ ટકા જ હતી. આજે તે ૮૦ ટકા છે.

જો આ ખાતાં ન ખુલ્યાં હોત તો ખેડૂતો, ગરીબો, શ્રમજીવીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તેમનાં ખાતામાં સહાયની રકમ સીધી- કોઈ વચેટિયા વગર મળે છે તે મળત ખરી? આ ખાતાં ન હોત તો વચેટિયા અધિકારી કે ક્લાર્કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હોત?

આ સાથે આધાર કાર્ડ પાછળ સરકારે જે જોર લગાવ્યું તે પણ કારણભૂત છે. ૧.૨૫ અબજ લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં સ્માર્ટ ફૉનનું મેન્યુફૅક્ચરિંગ મેક ઇન ઇન્ડિયા યોજના દ્વારા વર્ષ ૨૦૧૪ પછીથી મોટા પાયે શરૂ થયું તેના કારણે, ફૉન સસ્તા થતાં, રિલાયન્સના જિયોએ ડેટા સસ્તો કરતાં આજે દરેક રાજ્યની માતૃભાષામાં કોરોના વિશે જાગૃતિ ફેલાવતી માહિતી લોકો પાસે પહોંચી રહી છે. આજે ૬૯ કરોડ લોકો ઇન્ટરનેટ ધરાવે છે.

આ જ રીતે નોટબંધીને કેટલાક લોકો આજે પણ વખોડે છે. નોટબંધીના કારણે કાળાં નાણાં અને ત્રાસવાદને તો ફટકો પડ્યો જ છે, પરંતુ તેના લીધે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે. આજે ઘર-વાસમાં ભીમ ઍપ, પોતપોતાની બૅન્કની મોબાઇલ ઍપ વગેરેના કારણે લોકો રોકડ ઉપાડવા જવાની માથાકૂટમાં પડ્યા વગર પેમેન્ટ કરી શકે છે. વિચારો! જો બૅન્કના એટીએમમાં કે કેશ કાઉન્ટર પર પૈસા ઉપાડવા લાઇન લાગી હોત તો? તેમાં એકબીજાથી અંતર ન જળવાયું હોત તો? કોરોના કેટલો ફેલાઈ શક્યો હોત?

આજે ૬૦ કરોડ લોકો પાસે રૂ-પે કાર્ડ છે. તેમાંથી મોટા ભાગના જન ધન ખાતાં સાથે સંકળાયેલાં છે. ભીમ યુપીઆઈ દ્વારા ૧.૨ અબજ લેવડદેવડ થાય છે.

‘જામ’ તરીકે ઓળખાતી જન ધન, આધાર અને મોબાઇલ- આ ત્રણેય બાબતોનો તત્સમયે વિપક્ષો અને સેક્યુલર મિડિયા દ્વારા મોટા પાયે વિરોધ થયો હતો. પરંતુ આજે ગરીબો અને વંચિતો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ બની રહી છે. આના વિરોધમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ કેટલી અરજીઓ થઈ હતી? કેન્દ્ર સરકારના કામમાં વિઘ્નો નાખવાં અનેક પ્રયાસો થયા હતા. પરંતુ ગણેશકૃપાએ વિઘ્નો દૂર થયા અને આજે ઘર-વાસમાં ગરીબો-વંચિતો, ખેડૂતોને અને શ્રમજીવીઓને તેનો લાભ મળી રહ્યો છે.

આ જ રીતે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને ચૂલાના બદલે ગેસ પર રાંધતી કરી મોદી સરકારે. આ યોજના પણ ૨૦૧૪-૨૦૧૯ દરમિયાન સફળ રીતે મોટા પાયે અમલી બનાવાઈ. આ યોજનાએ પણ ઉપરોક્ત યોજનાઓની જેમ મોદી સરકારને બીજી વાર ચૂંટાવવામાં તો મદદ કરી જ પરંતુ સાથે અત્યારના મહાસંકટના સમયમાં કોરોનાથી મુક્ત રાખવામાં પણ મોટા પાયે મદદ કરી.

વિચાર કરો કે આ યોજના હેઠળ ગામેગામ અને ગરીબ મહિલાઓને ગેસના ચૂલા ન મળ્યા હોત તો આજે ઘર-વાસ છોડી તેમને ઈંધણનાં લાકડાં મેળવવા ઘરની બહાર નીકળવું પડતું હોત. તો કેટલી પરિસ્થિતિ વણસી હોત?

આ જ રીતે પહેલી મોદી સરકારમાં આયુષમાન યોજનાને સફળતાપૂર્વક તરતી મૂકાઈ અને એક વર્ષમાં જ તે સફળ યોજના સાબિત થઈ. તેના લીધે આજે આ યોજના હેઠળ કોરોનાનો ટેસ્ટ અને સારવાર નિઃશુલ્ક થઈ શકે છે, નહીંતર ગરીબોને- મધ્યમ આવકવાળા લોકોને ટેસ્ટના રૂ. ૪,૫૦૦ આપવા ક્યાંથી પોસાત?

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં આવતાંવેંત જાજરૂ બનાવવા પર ભાર મૂક્યો હતો. વર્ષ ૨૦૧૯ સુધીમાં તેનો સફળ અમલ પણ થયો. ૭ ફેબ્રુઆરી ૨૦૧૯ની સ્થિતિએ ૯.૧૬ કરોડ જાજરૂ બનાવાયાં હતાં. આના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦૧૪માં સફાઈનું આવરણ ૩૮.૭ ટકા હતું તે ૯૮ ટકા કરતાં પણ વધી ગયું. શું ગામડાં કે શું શહેર, જો ઘરે-ઘરે શૌચાલય બનાવાયાં ન હોત, અને બનાવાયા પછી પણ કેટલાક બહાર જ જતા હતા તેની ટેવ બદલવા અનેક સ્તરે પ્રયાસ ન થયા હોત તો આજે કોરોના સામેની લડાઈમાં ઘર-વાસ સફળ થયો હોત?

તે જ રીતે મોદીજીએ ૨૦૧૪માં જ સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ૨૦૧૯માં ગાંધીજીની ૧૫૦મી જયંતિએ તેમને શ્રદ્ધાંજલી રૂપે સ્વચ્છ ભારત બનાવીએ. બે ઑક્ટોબર ૨૦૧૫થી તેમણે પોતે સાવરણો લઈને આ અભિયાનની શરૂઆત કરી. દશેરાએ રામલીલા પર ટિશ્યૂ પેપર ફેંકવાના બદલે કે બીજા કોઈને આપવાના બદલે પોતાના ખિસ્સામાં મૂકતા તેઓ દેખાયા. આ બધાના કારણે દેશમાં સ્વચ્છતા માટે એક વાતાવરણ બન્યું.

કોરોના સામેની લડાઈમાં સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તે હવે કહેવાની જરૂર નથી, પરંતુ વિચાર કરો કે અત્યારે તો તબલીગી જમાતને જ થૂંકવાની અને એ તો દુષ્ટ ઈરાદાથી થૂંકે છે પરંતુ સ્વચ્છતા અભિયાન શરૂ થયું તે પહેલાં કેટલા લોકોને થૂંકવાની ટેવ હતી? પોતાને કફ આવે એટલે ગળફો ગમે ત્યાં થૂંકી નાખતા. નાક સાફ ગમે ત્યાં કરી નાખતા. ગુજરાતમાં અમદાવાદમાં પણ થૂંકવા પર દંડ લગાડ્યો તેમજ તેને રોકવા મ્યુનિસિપાલિટીએ અને પોલીસે ભેગા મળી ‘જૉઇન્ટ ઍન્ફૉર્સમેન્ટ ટીમ’ બનાવી કડક અમલ કરાવ્યો.

૨૦૧૪માં જાજરૂ બનાવવાની જાહેરાત અને ૨૦૧૫માં હાથમાં સાવરણો પકડીને પોતે સાફસફાઈ કરતા નરેન્દ્ર મોદીની ખૂબ જ હાંસી ઉડાવવામાં આવી હતી, પરંતુ લોકોને હવે આ બધી જ બાબતોનું મહત્ત્વ સમજાશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment