Home » નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

by Jaywant Pandya

સબ હેડિંગ: નૂસરત જહાંની જગ્યાએ જો હિન્દુ યુવતીને પરંપરાથી હટીને વર્તવા માટે ટ્રૉલ કરાઈ હોત તો લેફ્ટ-સેક્યુલર-લિબરલો તૂટી પડ્યાં હોત, પરંતુ નૂસરત જહાંને ટ્રૉલ કરનારા કટ્ટર મુસ્લિમો હતા, તેથી સ્વરા ભાસ્કર, શબાના જેવા નારીમુક્તિના ઝંડાધારીઓએ મૌન સેવી લીધું! બીજી તરફ, બંગાળમાં મુસ્લિમોના તુષ્ટિકરણ સામે સ્વયં મુસ્લિમોએ જ અવાજ ઉપાડ્યો છે

(સાધના સાપ્તાહિક, ૦૬/૦૭/૧૯નો અંક)

પશ્ચિમ બંગાળમાંથી મુસ્લિમોમાં નવી હવા ફૂંકાઈ રહી છે. તમે તાજેતરમાં સંસદમાં નુસરત જહાં નામનાં યુવાન સાંસદને શપથ લીધા જોયાં હશે. નૂસરતે ઈશ્વરના નામે શપથ તો લીધા જ, નમસ્કાર પણ કર્યા અને છેલ્લે ‘વંદે માતરમ્’ કહ્યું અને ‘જય બાંગ્લા’ પણ કહ્યું! તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અને તે પણ મુસ્લિમ પાસેથી આ સાંભળી કોઈ પણ દેશભક્તનું હૃદય આનંદ જ અનુભવે. આનું કારણ એ છે કે ગુજરાતમાં કોઈ સંગીતનો કાર્યક્રમ હોય તેમાં પણ ઉદ્ઘોષક ગુજરાતીના બદલે હિન્દીમાં તો બોલે પણ તેમાં ઉર્દૂ પ્રચૂર શબ્દ વધારે આવે. હઝરતો ખ્વાતીન, શબ્બા ખેર, નગમા, મૌશિકી, વગેરે શબ્દો આવે. ફિલ્મ ઉદ્યોગમાં તો વર્ષોથી ‘આજા આજા મૈ હૂં પ્યાર તેરા, અલ્લાહ અલ્લાહ ઇનકાર તેરા’ જેવું હિન્દુ પાત્રોના મોઢે પણ ફિટ કરી દેવાયું હોય. આમ, ફિલ્મવાળાઓ ચોકસાઈનું બહુ ધ્યાન રાખે, પણ આ રીતે ઉર્દૂ, ઇસ્લામ થોપવાનો પ્રયાસ કરાય. ‘ઉમરાવજાન’ જેવા મુસ્લિમ પાત્રોનાં મોઢે આવા સંવાદો-ગીતો હોય તો કોઈને વાંધો ન જ હોઈ શકે.

હિન્દી ફિલ્મોના એવૉર્ડ સમારંભ હોય તેમાં, કાવ્ય પઠનના કાર્યક્રમમાં હિન્દુ કલાકારો કે કવિઓ પણ સલામ-દુઆ શબ્દો વાપરે છે અને નમસ્તે કહેવા બે હાથ જોડવાના બદલે આદાબ કરે, સ્વાગતના બદલે ઈર્શાદ કહેતા હોય છે. પરંતુ સામે પક્ષે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા નમસ્તે, પૂજા, પ્રાર્થના, ઈશ્વર, ભગવાન, કૃપા જેવા શબ્દો સાંભળવા ન મળે ત્યારે ખૂંચે. શબ્દો અને ભાષા સામે કોઈને વાંધો ન હોય. સર્વ ધર્મ સમભાવમાં સૌથી વધુ જો કોઈ માનતો હોય તો તે હિન્દુ છે. પરંતુ તાળી કે પ્રેમ એક તરફી ન થાય. સમભાવ બધાએ રાખવો પડે તો સમભાવ જળવાઈ રહે.

અને એટલે જ નૂસરત જહાંએ કરેલી ચેષ્ટા બધાંને ગમી છે. તેમના પક્ષનાં વડાં મમતા બેનર્જી મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા એ હદે હવે જવા લાગ્યા છે કે મુસ્લિમ બાળકો જે સરકારી શાળામાં બહુમતીમાં હોય તેમાં અલગ ભોજન ખંડ બનાવવા પરિપત્ર બહાર પડાયો! આવા સંજોગોમાં નૂસરત તાજી હવાની લહેરખી જેવાં છે. આજે હિન્દુ યુવતીઓ પણ લગ્ન પહેલાં કે લગ્ન પછી ચાંદલો, મંગળસૂત્ર, સેંથો પૂરવો, કાન વિંધાવવા જેવી પરંપરા સાંસ્કૃતિક અને સામ્યવાદીઓ – નારીમુક્તિવાદીઓના પ્રભાવમાં છોડી રહી છે ત્યારે નૂસરતે ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી બંને પદ્ધતિથી કર્યા અને સંસદમાં મંગળસૂત્ર, ચાંદલા અને સેંથો પૂરીને ગયાં.

જોકે તેના લીધે કટ્ટર મુસ્લિમોએ તેમને ટ્રૉલ કર્યા. સામાન્યત: જો હિન્દુ યુવતીએ હિન્દુ પરંપરાથી હટીને કંઈ કર્યું હોય અને કટ્ટર હિન્દુઓ તેની ટીકા કરે તો તે લેફ્ટ-સેક્યુલર-લિબરલ મિડિયામાં મોટી હેડલાઇન બને. તેના પર અનેક દિવસો ચર્ચા થાય. તેમાં નારીમુક્તિવાદી સહિતના લોકો તૂટી પડે કે સ્ત્રીએ શું પહેરવું-શું ન પહેરવું, કેમ ઊઠવું-બેસવું તે કહેનારા તમે કોણ? હવે તો એવું વાતાવરણ બની ગયું છે કે કેટલાક કિસ્સામાં સ્ત્રી દેખીતી રીતે ખોટી હોય તો પણ તેને ખોટી ન કહી શકાય. હમણાં મુંબઈમાં ટીવી કલાકાર કરણ ઓબેરોય સામે આવી જ એક ખોટી બળાત્કારની ફરિયાદ થઈ. તેમાં એ તો બહાર આવ્યું જ કે ફરિયાદી યુવતી સાથે કરણના સંબંધો સંમતિથી હતા, પરંતુ સાથે એ પણ બહાર આવ્યું કે એ યુવતીએ પોતે જ પોતાના પર હુમલો કરાવ્યો જેથી એમ લાગે કે કરણે હુમલો કરાવ્યો. આના કારણે ‘મી-ટુ’ની સામે ‘મેન-ટુ’ની ઝુંબેશ પણ ચાલુ થઈ. આ ઉદાહરણમાં જો હુમલાનું સત્ય બહાર ન આવ્યું હોત તો? કરણ ઓબેરોય દંડાય જાત.

લેફ્ટ-લિબરલોનું વલણ હિન્દુ અને મુસ્લિમ યુવતીના મામલે જુદું હોય છે. તેમને મુસ્લિમ મહિલાના હકો, તેમની મુક્તિની વાતો યાદ નથી આવતી! અને એટલે જ નૂસરત જહાંને ટ્રૉલ કરવામાં આવ્યા ત્યારે આ લેફ્ટ-લિબરલો શોધ્યા ન જડ્યા! સ્વરા ભાસ્કર તો સમજ્યા કે દેખીતી રીતે હિન્દુ છે. માનસિક રીતે જે હોય તે. પરંતુ શબાના આઝમીએ વર્ષ ૨૦૧૭ની નવરાત્રિમાં હિન્દુઓને સલાહ આપેલી કે ‘ચાલો, આપણે પ્રાર્થના કરીએ કે કોઈ દુર્ગાની ભ્રૂણહત્યા ન થાય, કોઈ સરસ્વતીને શાળાએ જવાથી રોકવામાં ન આવે, કોઈ લક્ષ્મીએ પતિ પાસેથી પૈસાની ભીખ ન માગવી પડે, કોઈ પાર્વતીનો દહેજ માટે બલિ ન ચડાવાય અને કોઈ કાલિને સૌંદર્ય ક્રીમ ન આપવામાં આવે.

શબાનાજી આવી સલાહ હિન્દુઓને આપી શકે છે. પરંતુ જ્યારે નૂસરત જહાં જેવી જાણીતી વ્યક્તિને ટ્રૉલ કરાય ત્યારે તેઓ મૌન રહે અને તે એટલા માટે કે ટ્રૉલ કરનાર કટ્ટર મુસ્લિમો છે ત્યારે શબાના અને તેમના જેવા લેફ્ટ-સેક્યુલર-લિબરલો પ્રત્યે લોકોને રોષ ચડે છે. બીજી આશ્ચર્યની વાત એ થઈ કે શબાના, સ્વરા જેવા કહેવાતા આધુનિક, પ્રગતિશીલો મૌન રહ્યા ત્યારે જમીયત દાવતુલ મુસલમીનના સંરક્ષક ઇસહાક ગોરા નામના ઉલમાએ નૂસરતનો બચાવ કરતા કહ્યું કે શરિયત કોઈની અંગત જિંદગીમાં દખલ દેવાની પરવાનગી આપતી નથી.

જોકે મુસ્લિમોમાં પણ હવે શિક્ષિત વર્ગ સમજી રહ્યો છે કે તેમનું તુષ્ટિકરણ ખોટું થઈ રહ્યું છે. અને આ તુષ્ટિકરણથી તેમને જ નુકસાન છે. અગાઉ કહ્યું તેમ પશ્ચિમ બંગાળમાંથી જ ક્રાંતિની હવા વહેવાની શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પર હુમલો થયો અને તે પછી મિસ ઇન્ડિયા યુનિવર્સ ઉશોષી સેનગુપ્તનો કોલકાતામાં બાઇકરોની ગેંગ દ્વારા પીછો કરી તેમને હેરાન કરવામાં આવ્યાં. ઉશોષીની ફરિયાદ લેવામાં પણ બે પોલીસ મથકોએ ચલકચલાણું કર્યું. આથી શિક્ષણશાસ્ત્રી અને વેપારી ઈમરાન ઝાકી, શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર મમૂન અખ્તર, સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક મુદર પાથરેય, ન્યૂટ્રિશનિસ્ટ હીના નફીસ, ડૉ. ઝાહીદ એચ. ગંગજી સહિત ૫૩ લોકોએ પોતાની સહી સાથે એક પત્ર મમતા બેનર્જીને લખ્યો. તેમાં લખ્યું કે તૃણમૂલ સરકારે મત બૅન્કનું રાજકારણ બંધ કરવું જોઈએ. અપરાધી મુસ્લિમ હોય તો પણ તેમને છાવરવાનું બંધ કરવું જોઈએ. આ પત્રનો મુસદ્દો લખનાર મુદર પાથરેય ક્રિકેટ અને શૅરબજારના નિષ્ણાત છે.

rediff.com વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ડૉક્ટરો પર હુમલો યોજનાપૂર્વક થયો હતો. દર્દી મૃત્યુ પામે તો તેમનાં પાંચેક સગાંને દુઃખ થાય અને તેમને ગુસ્સો આવે. બસ્સો જણાને કેવી રીતે ગુસ્સો આવે? આ એકાએક આવેલો ગુસ્સો નહોતો. યોજનાપૂર્વકનું કૃત્ય હતું.

આમાં પાછું મમતાએ કહ્યું કે ડૉક્ટરો મુસ્લિમ દર્દીની સારવાર બરાબર કરતા નથી. આ તુષ્ટિકરણ નહીં તો બીજું શું? મુદર કહે છે કે “અમને આ (તુષ્ટિકરણની) ધારણા એટલા માટે બંધાઈ કે અમારા સમુદાયના ૨૦૦ લોકોએ ડૉક્ટરો પર હુમલો કરેલો પરંતુ ધરપકડ માત્ર પાંચની જ થઈ.” ઉશોષીની છેડતીના મામલે પણ તેઓ કહે છે કે “આ પ્રકારનાં ગુંડાતત્ત્વો મુસ્લિમ હોય એટલે તેમને બક્ષી દેવા તે યોગ્ય નથી. તેઓ શું અમારી બહેન-દીકરીઓને જવા દેશે? ના.” મુદર માને છે કે મમતા ઈદના દિવસે નમાઝનું નાટક મતબૅન્ક અને ફૉટો પડાવવા કરે છે તે પણ ખોટું છે. તેમને નમાઝની બે લાઇન પણ નહીં આવડતી હોય તે મુસ્લિમો પણ સમજે જ છે.

કટ્ટર મુસ્લિમોને તો આવા સમજુ મુસ્લિમોનો વિરોધ હોવાનો પરંતુ દરેક સમજુ લોકોએ તેમના સમર્થનમાં કમ સે કમ ઊભા રહેવું જોઈએ.

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.