Home » મારા વહાલા એસએમ મિત્રો, આટલી તસ્દી તો લેવી પડશે…

મારા વહાલા એસએમ મિત્રો, આટલી તસ્દી તો લેવી પડશે…

by Jaywant Pandya

હું વાચકોનો ભરપૂર આદર કરું છું. આ એક વાત સાથે..સોશિયલ મિડિયાના (બધા નહીં પણ અમુક) વાચકો જે માગણી કરે છે તેના અનુસંધાને…

➡️કેટલાકની માગણી છે કે તમે આખો લેખ ફેસબુક કે વૉટ્સએપ પર મૂકો. માતાપિતા બાળકને જીવનભર તેડીને ન ચાલી શકે. બાળક મોટું થાય પછી મા કોળિયા ન ભરાવી શકે. ક્યારેક અપવાદ હોઈ શકે. સાચી સરકાર ગરીબોને બધું મફત આપીને પરાવલંબી ન રાખી શકે. એક સારો, સંશોધનાત્મક લેખ લખવા રાતોના ઉજાગરા થતા હોય છે. (ફે. બુ. કે મારી વેબસાઇટ પર પૉસ્ટ મૂકાયાનો સમય આ વાતની સાક્ષી આપશે.) પારિવારિક, સામાજિક અને અનેક કામો/મર્યાદાઓ વચ્ચે લખાતો હોય છે. (મારા ભાઈ કિડની હૉસ્પિટલમાં દાખલ હતા તેવા સમયે પણ સિને વિઝન કૉલમ ડેડલાઇનમાં લખી નડિયાદથી ભાવનગર મોકલી હતી). વહેલા ઊઠીને લેખ લખાતા હોય. ત્યારે એ લેખને વેબસાઇટસ્થ કરવા જરૂરી હોય છે જે લેખ કોઈ સમાચારપત્ર કે સામયિક માટે એક્સક્લુઝિવ લખાયા હોય છે. ઘણા લેખો વેબસાઇટ કે જેના હજારો સબસ્ક્રાઇબર છે, તેમના માટે વિશેષ લખાયા હોય છે. તેમાંના અનેકે આ વિશેષ લેખો માટે મારી ટહેલને માન આપી ગૂપચૂપ આર્થિક સપૉર્ટ પણ કર્યો છે. વળી લેખક તરીકે એક ઈચ્છા એ પણ હોય કે સૉશિયલ મિડિયાના કોઈ મિત્ર કોઈ લેખનો અગાઉનો ભાગ ચૂકી ગયા હોય અથવા અગાઉ કોઈ લેખની ફેસબુક પૉસ્ટ જોવાનું ચૂકી ગયા હોય અને તેના કારણે તે લેખ વાંચવાનો બાકી રહી ગયો હોય તો તે વાંચી શકે.

ફેસબુક પૉસ્ટનું આયુષ્ય બે-ત્રણ દિવસ પૂરતું જ હોય છે. જ્યારે વેબસાઇટ પર તે ચિરંજીવ હોય છે. આથી જ મેં મારા ઘણા પત્રકાર મિત્રોને તેમજ ફેસબુક પર સારું લખતા અ-પત્રકાર મિત્રોને બ્લૉગ શરૂ કરવા આગ્રહ રાખ્યો છે.

➡️આની સામે વાચકે (જો ગમે તો જ) માત્ર ક્લિક કરી વેબસાઇટ પર જવાનું હોય છે. એક લેખક વાચક પાસે આટલી તો અપેક્ષા રાખે જ. તમે કોઈ સમાચારપત્ર ખરીદો છો તો તેમાં તમને તમારો પ્રિય લેખક જે તે પાનું ખોલી તેમાં ઉપર/નીચે/વચ્ચે/ડાબે/જમણે શોધીને તેનો લેખ નથી આપતો. તે તમારે જાતે જ શોધવો પડે છે. અહીં તો લેખક તમને પર્ટિક્યુલર લિંક આપે છે. આખી વેબસાઇટની લિંક નહીં. એક વાચક કેવળ એ લિંક ખૈલવાની એટલી નાની એવી તસ્દી પણ ન લે?!

➡️ફેસબુક અને વૉટ્સએપ પૉસ્ટ લાંબી ન હોવી જોઈએ પણ સમાચારપત્ર/સામયિક/વેબસાઇટ માટે આવાં બંધનો નથી. તેમાં મુદ્દો સમજાવવા વિસ્તારથી લખવું જરૂરી હોય છે. એ લેખ ફેસબુક કે વૉટ્સએપ પર આખો મૂકાય તો વાંચવામાં સરળતા ન રહે. હું પોતે જ વાચક તરીકે કંટાળી જઉં. વૉટ્સએપ પર વારંવાર read more પર ક્લિક કરતાં થાકી જવાય.

વૉટ્સએપ કે ફેસબુક કરતાં વાંચવામાં વેબસાઇટ પર બેકગ્રાઉન્ડ અને ફૉન્ટ વધુ સુવિધાદાયક હોય છે.

ખરેખર તો લેખ વેબસાઇટ પર મૂકવામાં વધુ મહેનત પડે. હેડિંગનું અલગ ખાનું, ટેક્સ્ટ બૉડીનું અલગ ખાનું, કેટેગરી સિલેક્ટ કરો, ટેગ મૂકો, ગુજરાતી લેખ હોય તો લેખની લિંક લાંબી અૉટો ક્રિએટ થાય તેથી તેને ટૂંકી કરો, લેખ અનુરૂપ ફોટો મૂકો. એ લેખનો કેટલોક હિસ્સો અને લિંક સૉશિયલ મિડિયામાં મૂકો. આ બધું એકલા હાથે કરવાનું! સામે પક્ષે ફેસબુક કે વૉટ્સએપમાં આખો લેખ મૂકવામાં કોઈ ઝંઝટ નહીં. તમે કમ્પયૂટર/ મોબાઇલમાં જે લખ્યું છે તે અંતિમ મુસદ્દો (ડ્રાફ્ટ) કૉપી-પેસ્ટ કરો એટલે વાત પૂરી! પણ આ મહેનત લેખક-વાચક બંનેના સારા સ્વાર્થ માટે છે. વેબ પર આટલી મહેનતથી લેખ મૂકાય તો તેને શોધવો કોઈ પણ સમયે સરળ છે. ફે. બુ., વૉટ્સએપ પર એ સરળ નથી. આથી લેખોનો એક જગ્યાએ સંગ્રહ માત્ર વેબ પર જ શક્ય છે. ફે. બુ. કે વૉટ્સએપ પર એવું કોઈ ફીચર આવશે તો રીત બદલીશું.

➡️કેટલાક વાચક ફોટામાં મૂકાયેલા લેખની લિંક માગે છે. અરે વાચકરાજા! લેખનું હેડિંગ ટાઇપ કરો અને ગુગલ કરો. આજે આટલું સરળ છે. એમ ન કરવું હોય તો મારી વેબસાઇટ jaywantpandya.com, jaywantpandya.com/english-hindi, jaywantpandya.com/cine-vision પર ખાંખાખોળામાં કીવર્ડ ટાઇપ કરો.

➡️કેટલાક કહે છે કે તમે લીગલ વૉર્નિંગ કેમ મૂકો છો? મારા કેટલાક લેખોમાં ચેડા કરી કેટલાક પરોપજીવીઓ પોતાના નામે રવાના કરતા હતા. હમણાં એક લેખકનો ફેસબુક પર નામ સાથે લખાયેલો લેખ એક જણે લેખકના નામ વગર વૉટ્સએપ પર વહેતો કર્યો હતો. આવી બદમાશી સામે આ ચેતવણી જરૂરી બને છે.

➡️કેટલાક શુભચિંતકોએ કહ્યું કે તેનાથી તમારા લેખની પહોંચ ઘટશે. મેં કહ્યું, મને તેની ચિંતા નથી. જ્ઞાનપિપાસુ જ્ઞાન મેળવવા ક્યાંય પણ પહોંચી જતા હોય છે. સપ્તકના કાર્યક્રમો ઠંડીમાં મોડી રાતે પણ જાગીને સાંભળનાર હોય છે. નેટફ્લિક્સ પર વેબસિરીઝ રાતે જાગીને જોનારા હોય છે. પસંદ અપની અપની! પણ એટલું ખરું કે એટલી કસરત તો કરવી પડે અને એટલી જરા સરખી તસ્દી તો લેવી પડે. કોઈ કહે કે તમે એટલા મોટા લેખક નથી તો ભલે કહે. મારે પ્રમાણપત્ર નથી જોઈતું. એ માટે લખતો પણ નથી. હું સ્પષ્ટ માનું છું કે વાચકને ગમે તેવું નહીં, વાચકને જે આપવું જોઈએ તેવું લખવું જોઈએ. એમાં હું સાત્વિક, રાજસિક કે તામસિક એવો ભેદ નથી કરતો કે સાત્વિક જ આપવું. વાચકને જગાડવા જરૂરી હોય તો તામસિક આપવું પડે પણ સાત્વિકની સીમાની અંદર. એમાં ગાળો ન આવે. એમાં સેક્સ સંદર્ભિત ઉપમાઓ આવે તે જરૂરી નથી.

નવ રસ પણ જરૂરી પરંતુ તેમાં ‘વાહિયાત બીભત્સ’ રસ શ્રૃંગારના નામે જરૂરી નથી. રાજ કપૂર/વિધુ વિનોદ ચોપરા (પરિન્દા) અને કાન્તિ શાહમાં કોઈ ફેર ખરો કે નહીં? ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં બધી પૂર્તિઓના સહસંપાદન કે મારી ફિલ્મ કૉલમ ‘સિને વિઝન’માં તકેદારી રાખેલી કે ગૉસિપ હોય કે કોઈ ફિલ્મની વાત, કેટલાંક ધોરણો જાળવવાનાં જ. ‘દિવ્ય ભાસ્કર’ માં ‘નવરંગ’ પૂર્તિ સંભાળતો ત્યારે કોઈક સાથી કહે પણ ખરા કે ફલાણાં છાપાં તો કેવાં ** ફોટા છાપે છે. તમે તો છાપતા જ નથી. પરંતુ તેમ છતાં ત્યારનું ‘નવરંગ’ ‘દિવ્ય ભાસ્કર’ના સૌથી વધુ વંચાતા મેગેઝિન/પૂર્તિ પૈકીનું હતું.

હું ફેસબુક પર લાઇક ઉઘરાવવા કે વેબસાઇટની હિટ વધારવા નથી લખતો. અને તેમ છતાં મારી બાયલાઇન સાથે મારી કૉલમ પહેલા જ દિવસથી વિવિધ સમાચારપત્રોમાં છપાતી આવી છે. (ગુજરાત સમાચાર સહિત કેટલાંક છાપામાં એવો નિયમ છે કે શરૂઆતમાં કેટલોક સમય લેખકના નામ વગર અથવા લેખકનું નામ લેખની સૌથી નીચે હોય તેમ છપાય. છાપાના માલિક/તંત્રીને ખાતરી થાય કે આ લેખક આપણા છાપાને લાયક છે પછી તેની બાયલાઇન ટીકડીમાં એટલે કે કૉલમના નામની નીચે આવવા લાગે.)

મેં આજ સુધી સૌરાષ્ટ્રના ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘સંજોગ ન્યૂઝ’, વિકાસ વર્તુળના ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’, લિબર્ટીના લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નૉલેજ, ‘દિવ્ય ભાસ્કર’ (લગભગ તમામ પૂર્તિ વત્તા મેઇન એડિશનમાં ન્યૂઝમાં), ‘અભિયાન’માં (ન્યૂઝ બેઝ્ડ કવર સ્ટોરી, સ્ટોરી, ફિલ્મ-ટીવી કૉલમ, નવલિકા), ‘ગુજરાત સમાચાર’, એશિયાના સૌથી જૂના પ્રાદેશિક સમાચારપત્ર ‘મુંબઈ સમાચાર’, સુરતના ‘ગુજરાત ગાર્ડિયન, ‘સાધના’ સાપ્તાહિક,’ આરાધના’, ‘સંકલન શ્રેણી’, ‘ચિત્રલેખા’ વેબસાઇટ, newsofgujarat વેબસાઇટ, હિન્દી પાંચજન્ય, અંગ્રેજી અૉર્ગેનાઇઝરમાં લખ્યું/લખી રહ્યો છું. આલ્ફા ટીવી ગુજરાતી ચેનલ પર હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી આધારિત ‘કળશ’ની તેમજ આકાશવાણી પર ‘યુવવાણી’ અંતર્ગત ‘બમ બમ બોલિવૂડ’ની સ્ક્રિપ્ટ પણ લખેલી છે. ગુજરાતનાં/ગુજરાતી ભાષાનાં લગભગ મોટા ભાગનાં પ્રતિષ્ઠિત અથવા મોટાં પ્રસાર માધ્યમોમાં તેમજ પ્રિન્ટ, રેડિયો, વેબ, મોબાઇલ એપ અને ઇલેક્ટ્રોનિક તમામ પ્રકારનાં માધ્યમોમાં કામ કર્યું છે/કરી રહ્યો છું. ફિલ્મ/ટીવી, સાંપ્રત પ્રવાહો, સ્પૉર્ટ્સ, સામાજિક પ્રવાહો, કારકિર્દી, વિજ્ઞાન, બહુ ઓછું પણ હાસ્ય, કવિતા, અર્થતંત્ર/વેપાર પર લખ્યું છે જે કોઈ પણ જિજ્ઞાસુ ફેસબુક પર મારા લેખોના ફોટો આલ્બમ કે મારી વેબસાઇટ પર કેટેગરી મુજબ સર્ફ કરવાથી આ વૈવિધ્ય જોઈ શકશે. આ આપવડાઇ નથી પણ કેટલીક જાણકારી અને સ્પષ્ટતા (દર વખતે નહીં તો) ક્યારેક જરૂરી બની જાય છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Kaushik Bhatt 26/05/2020 - 12:50 PM

ઘણો વિશાળ અનુભવ અને પ્રસાર છે.

Reply
Jaywant Pandya 26/05/2020 - 2:11 PM

આભાર કૌશિકભાઈ.🙏

Reply

Leave a Comment