Home » એક્કાદિકી પોતાવુ ચિન્નિવાડા: આ તેલુગુ ફિલ્મ જોવા જેવી છે

એક્કાદિકી પોતાવુ ચિન્નિવાડા: આ તેલુગુ ફિલ્મ જોવા જેવી છે

by Jaywant Pandya

ફેસબુકમાં કોઈ વિડિયો જુઓ તો ઑટો સજેશન રૂપે નીચે બીજા વિડિયો આવવા લાગે છે. આ ક્રમમાં એક તેલુગુ ફિલ્મના એક દૃશ્યનો વિડિયો જોવા મળ્યો. તેની લિંક તો નથી મળતી હવે. એ વિડિયોના કેપ્શનમાં કોઈ નામ નહોતું ફિલ્મનું. ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે તેનું નામ એક્કાદિક્કી પોતાવુ (કે પોઠાવુ) ચિન્નીવાડા છે. અંગ્રેજીમાં સ્પેલિંગ Ekkadiki Pothavu Chinnivada છે.

સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં હવે જાતીય સંબંધનો છોછ રહ્યો નથી, ત્યારે આ ફિલ્મ ૨૦૧૬ની હોવા છતાં તેમાં આવાં કોઈ દૃશ્ય નથી. હવેના સમયમાં માત્ર ચહેરો જોઈને પ્રેમમાં પડી જાય તે વાત ગળે ઉતરે નહીં. પરંતુ આ ફિલ્મમાં નાયક અર્જુન આયેશા નામની યુવતીને બુરખામાં માત્ર મોઢું જોઈને પ્રેમમાં પડી જાય છે. આ પણ એક નવી વાત. આજકાલ હિન્દી ફિલ્મો અને વેબસિરિઝમાં મુખ્યત્વે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી જ દર્શાવવામાં આવે છે. ત્યારે આ ફિલ્મમાં આયેશા નામની યુવતી અને અર્જુન નામનો યુવક દર્શાવાયો છે. જોકે આમાં મુસ્લિમ-હિન્દુ દૃષ્ટિકોણ નથી. શુદ્ધ પ્રેમનો જ છે. બંને જણ તેમનાં માતાપિતાને કહ્યા વગર જ ન્યાયાલયમાં લગ્ન કરવાના હોય છે. પરંતુ થાય છે એવું કે તે દિવસે ન્યાયાલય બંધ થાય ત્યાં સુધી નાયિકા આયેશા પહોંચતી જ નથી. અર્જુનને છેતરાયાની લાગણી થાય છે. આજુબાજુ પડી રહેલો ભારે વરસાદ તેની આંખમાં પણ ધસી આવે છે.

થોડા સમય પછી અર્જુન તેના મિત્રના ભાઈ કિશોર જેને લગ્ન માટે કોઈ યુવતી મળતી નથી અને તેનામાં જાણે કોઈ યુવતીનો આત્મા આવી ગયો હોય તેમ વર્તે છે તેને દેખાડવા એક મનોચિકિત્સક પાસે લઈ જાય છે. અહીં કિશોરને એક સાધુ મળે છે જે તેને કેરળના મહિષાસુર મર્દિની મંદિરે જવા કહે છે. આ મંદિર ગુફાનું મંદિર છે. ઇન્ટરનેટ પર સર્ચ કરતાં જાણવા મળ્યું કે આવું મંદિર તો નથી પણ સાત મંદિરો છે જે ખડકમાંથી કોતરીને બનાવાયાં છે. આ મંદિરો ઈ. સ. ૮૦૦ પહેલાં પંડ્યા અને પલ્લવ શાસનકાળમાં બનાવાયાં હતાં. જોકે ફિલ્મનું શૂટિંગ આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં યગાંતી ગુફા મંદિરમાં કરાયું હતું જે ઉમા મહેશ્વરનું મંદિર છે. અત્યારે યૂટ્યૂબ પર વિદેશમાં ગુફા કોતરીને બનાવાયેલા આવાં ઘણાં રિસૉર્ટના વિડિયો છે, પણ આ મંદિરો તેને આંટી મારે તેવા છે. ફિલ્મમાં આ પહાડ, હરિયાળી અને નદી વગેરે સુંદર રીતે દર્શાવાયાં છે. એટલું જ નહીં, નાયક-નાયિકા જે રૂમમાં રહે છે તે પણ પહાડના એકદમ કિનારે આવેલા છે. આપણને મન થઈ જાય કે આવા રૂમમાં આપણે પણ રહીએ.

આ મંદિરમાં અર્જુન-કિશોર જે રૂમમાં રહે છે તેની બાજુમાં જ નાયિકા કમલાનો રૂમ છે. બંનેને જોતાંવેંત એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે. જાણે ભવોભવથી એકબીજાને ઓળખતા ન હોય. કમલા કહે છે કે તે તેની બહેનની સારવાર માટે તેની દાદી સાથે આવી છે. કિશોરની શુદ્ધિની સારવાર થાય છે પણ તેનામાં કોઈનો આત્મા હોતો નથી. અર્જુન મુખ્ય ચિકિત્સકને ફી વિશે પૂછે છે તો તેઓ કહે છે કે “હમારા કામ મનુષ્યોં કી કમઝોરી કો અપના વ્યાપાર બનાના નહીં હૈ. સનાતન ધર્મ હમેં ઇસ કી અનુમતિ નહીં દેતા.” યૂટ્યૂબમાં ૪૫:૨૦ મિનિટે આ દૃશ્ય જોઈ શકાશે. આ મંદિરનો ઉલ્લેખ ફિલ્મમાં જ્યારે આવ્યો ત્યારે એવું લાગતું હતું અને ગુફાને જે રીતે બતાવવામાં આવતી હતી, મુખ્ય પૂજારીના સેવકોને જે રીતે બતાવવામાં આવતા હતા તેથી હિન્દી ફિલ્મો અને વેબસીરિઝના આધારે એવો વહેમ ગયો કે નક્કી, આ લોકોની ગેંગ હશે જે લોકોને ફસાવીને તેમને લૂટતી હશે, અંગોનો વેપાર કે પછી વ્યભિચાર કરતી હશે. પરંતુ આ માન્યતા ખંડિત થઈ જાય છે.

અર્જુન-કિશોર ત્યાંથી પાછા ફરે છે અને કમલાનો સંપર્ક તૂટી જાય છે. પરંતુ અર્જુન કમલાને ભૂલી નથી શકતો. કમલાએ તે પોતે વિજયવાડાની હોવાનું કહ્યું હોય છે. આથી તે વિજયવાડા કમલાના પિતાને મળવા જાય છે. કમલાના પિતા કહે છે કે કમલા તો મરી ગઈ છે અને અર્જુન જે તસવીર બતાવે છે તે કમલા નથી. અર્જુન વધુ ચિંતામાં પડી જાય છે કે તો પછી તેને કમલા રૂપે મળી તે કોણ હતી? દરમિયાનમાં તેને એક યુવતી મળે છે જે કમલા જેવી જ દેખાતી હોય છે. તેનું નામ નિત્યા હોય છે. નિત્યા પોતે કમલા હોવાની ના પાડે છે, પણ નિત્યા થોડે દૂર જાય છે ત્યારે તેની બહેન કહે છે કે નિત્યામાં કમલાનો આત્મા આવી ગયો હતો. તે અમારી દાદી સાથે પોતાની સારવાર કરાવવા જ આવી હતી. હવે આ આત્મા તેનામાંથી નીકળી ગયો છે. થોડા સમયમાં અર્જુન નિત્યાના પ્રેમમાં પડે છે.

દરમિયાનમાં એક પાર્વતી નામની યુવતીના શરીરમાં કમલાનો આત્મા ઘૂસે છે. પાર્વતી પરિણિત હોય છે. તે અર્જુનને શોધતી શોધતી તેના ઘરે આવી પહોંચે છે. આવા ટ્વિસ્ટના કારણે ફિલ્મની રુચિનો ભંગ થાય છે. અંતે રહસ્ય ખુલે છે કે આયેશા હતી તે મૂળે કમલા જ હતી. તેને એક ગુંડો હેરાન કરતો હતો તેથી તેને આયેશા બનવું પડેલું. તે લગ્નના દિવસે કેમ ન પહોંચી શકી તે બધું જોવા તમે ફિલ્મ જુઓ તે જ વધુ સારું રહેશે.

ફિલ્મના અંતમાં મુખ્ય ચિકિત્સક ફરીથી પ્રવેશે છે અને પાર્વતીના શરીરમાંથી કમલાના આત્માને કાઢે છે. ત્યારે પણ સરસ સંવાદ છે. મુખ્ય ચિકિત્સક પાર્વતીના શરીરમાં રહેલી કમલાને કહે છે કે તું જે કરે છે તે પ્રકૃતિથી વિરુદ્ધ છે. આત્માનો છુટકારો થવો નિશ્ચિત છે. આત્માની વિદાય પછી મુખ્ય ચિકિત્સક આવી પહોંચેલા અર્જુનને કહે છે કે હું તારા પ્રેમથી તને અલગ કરવા નથી આવ્યો. પ્રેમની શોધમાં તે અહીં રહેત તો તેના આત્માને શાંતિ ન મળત જે સૃષ્ટિના નિયમથી વિરુદ્ધ છે. પ્રેમમાં શાંતિ હોવી જોઈએ. હિંસા નહીં.

ફિલ્મનાં ગીતો ઠીક છે.

ફિલ્મની શરૂઆતમાં પણ લગ્ન કરવા ઉતાવળિયો બનેલો નાયક કૉલેજની પરીક્ષામાં ઝડપથી પેપર આપી યુવાન પ્રાધ્યાપિકાને પગે લાગી જાય છે. તે સારી વાત દર્શાવાઈ છે. બાકી તો આજકાલ પ્રાધ્યાપક અને વિદ્યાર્થી, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તોછડાઈ, અપમાન અને મજાકના અને ઘણી વાર તો જાતીય સંબંધ દર્શાવાય છે. હિન્દી ફિલ્મોમાં ઇસ્લામીકરણ ડગલે ને પગલે જોવા મળે છે.

બીજું ધ્યાનાકર્ષક પાસું એ છે કે હિન્દી ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબસીરિઝોમાં કૉર્ટ, પોલીસ સ્ટેશન અને ઘરમાં બેકગ્રાઉન્ડમાં ગાંધીજી, નહેરુ, ઈન્દિરા અને રાજીવની તસવીરો જ જોવા મળે છે. આ ફિલ્મમાં તમને ન્યાયાલયમાં સરદાર પટેલ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબિ જોવા મળે છે. ફિલ્મમાં કઈ પરિસ્થિતિમાં પાત્રને કેવાં કપડાં પહેરાવવા, કેવો શ્રૃંગાર કરવો વગેરે બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રખાયું છે.

આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ રહી હતી.

ફિલ્મનો નાયક અભિનેતા નિખિલ સિદ્ધાર્થ યુવાન ઉભરતો કલાકાર છે, જેણે સફળ ફિલ્મો આપી છે. નિત્યા તરીકે મુખ્ય નાયિકા હેબાહ પટેલ ગુજરાતી પટેલ પરિવારની છે. કમલા/આયેશાનું પાત્ર ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે નિભાવ્યું છે. પાર્વતીની ભૂમિકા તેલુગુ અભિનેત્રી નંદિતા શ્વેતાએ ભજવી છે. ૨૦૧૭માં સમાચાર હતા કે આ ફિલ્મની રિમેક હિન્દીમાં બનવાની છે જેમાં અર્જુન કપૂર અને સોનાક્ષી સિંહાને લેવા નિર્દેશક વી આનંદ વિચારી રહ્યા છે. જોકે આ વાત આગળ વધી હોય તેવું જાણવા મળતું નથી.

ફિલ્મ જરૂર જોજો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment