Home » ઝિયા ખાન: મુંબઈની જાંબાઝ પોલીસે પહેલા જ દિવસે આત્મહત્યા જાહેર કરેલી

ઝિયા ખાન: મુંબઈની જાંબાઝ પોલીસે પહેલા જ દિવસે આત્મહત્યા જાહેર કરેલી

by Jaywant Pandya

સબ હેડિંગ: આદિત્ય પંચોલીએ પૂજા બેદીની કામવાળી પર બળાત્કાર કરેલો. તેના પડોશી ભાર્ગવ પટેલ સાથે તે અનેક વાર મારામારી કરી ચૂક્યો છે. તેના દીકરા સૂરજ પર ઝિયાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ છે. સલમાન ખાને પંચોલી પરિવારને હેરાન ન કરવા સીબીઆઈને કહેલું તો મહેશ ભટ્ટે ઝિયાની માતાને ધમકાવેલી…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૩/૦૯/૨૦૨૦)

(ગતાંકથી ચાલુ)

ભાગ ૧:  દિવ્યા ભારતીનો કિસ્સો કંગના રનૌતની વાત સાચી ઠરાવે છે

ગયા અંકે આપણે દિવ્યા ભારતીની વાત જોઈ. તેના શંકાસ્પદ મૃત્યુને આત્મહત્યામાં ખપાવી દેવાયું. તેનો ઉપભોગ કરનાર અને લગ્ન કર્યાનું જાહેરમાં ન સ્વીકારનાર અને છતાં અંતિમ સંસ્કારમાં હક કરનાર નિર્માતા સાજિદ નડિયાદવાલા આજે પણ જલસા કરે છે. ઝિયા ખાન ભલે દિવ્યા ભારતી જેવી સફળ અભિનેત્રી નહોતી પરંતુ તેણે આવતાંની સાથે એક સનસનાટી તો જરૂર મચાવી જ દીધી હતી.

પહેલી જ ફિલ્મ અને તે પણ અમિતાભ બચ્ચન સાથે! એ જેમણે જોઈ અને જે રીતે ફિલ્મ પૂર્વે પ્રસિદ્ધિ થઈ તે જોતાં બધા ‘નિઃશબ્દ’ થઈ ગયેલા. પોતાની બહેનપણીના પિતા સાથે પ્રેમમાં પડવાની વાર્તાએ ખળભળાટ મચાવી દીધો હતો. આ ફિલ્મ આવી ત્યારે જિયા ખાનની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. આ પછી તેને બીજી ફિલ્મ મળી તે પણ સુપરસ્ટાર આમીર ખાન સાથે…ગજિની! તેમાં જોકે મેદાન મારી ગયેલી અસીન પણ જિયાની નોંધ તો લેવાઈ જ હતી. અને તેના ખાતે વધુ એક સફળ ફિલ્મ આવી ગઈ. ત્રીજી ફિલ્મ ‘હાઉસફૂલ’ (નિર્માતા સાજિદ નડિયાદવાલા) જેમાં તેની ભૂમિકા અક્ષયકુમારની પત્નીની હતી. એ ટૂંકી ભૂમિકામાં અને ખાસ તો કામુક ગીતમાં જિયા છવાઈ ગયેલી. તેના શરીરમાં જ જાણે કે માદકતા અને સિડક્ટિવનેસ હતી. આવી અભિનેત્રીએ અચાનક ૩ જૂન ૨૦૧૩ના રોજ આત્મહત્યા કરી તેવા સમાચાર આવ્યા. (સુશાંતનું મૃત્યુ પણ જૂનમાં જ થયું.)

હિન્દી ફિલ્મ જગતમાં ગુરુ દત્તથી લઈને સિલ્ક સ્મિતા, નફીસા જોસેફ, વિવેકા બાબાજી વગેરેના અનેક કિસ્સા આવ્યા હતા જેમાં કલાકારોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે ઠરાવ્યું હતું. વિવેકા બાબાજી કામસૂત્ર કૉન્ડમની મૉડલ હતી અને તેના વિશે પણ દિવ્યા ભારતી, ઝિયા ખાન, સુશાંતની જેમ ડિપ્રેશનની થિયરી ચલાવાયેલી. પણ વિવેકાના પરિવારે કહેલું કે તે નિરાશ નહોતી. તેનું લફરું વેપાર ગૌતમ વોરા સાથે ચાલતું હતું અને બંને પરણવાનાં પણ હતાં. બંનેએ કુંડળી પણ મેળવી હતી. જોકે ગૌતમ વોરાએ પોલીસ પૂછપરછમાં પોતે અને વિવેકા માત્ર મિત્રો જ હોવાનું કહી હાથ ખંખેરી નાખ્યા હતા. છેવટે શિવસેના જેને સ્કૉટલેન્ડ યાર્ડ જેવી પોલીસ ગણાવે છે તે મુંબઈ પોલીસે આત્મહત્યા ગણાવી કેસ બંધ કરી દીધો.

એટલે ઝિયા ખાનના આત્મહત્યાના સમાચાર આવ્યા ત્યારે બધાએ સાચું માની લીધું. ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુ પર બધાએ લખ્યું કે ચમકદમકની દુનિયામાં શોષણ છે, ફિલ્મો ન મળે તો નિરાશા આવે છે અને એકલતામાં માણસ આપઘાત કરી લે છે વગેરે. પરંતુ ઝિયા ખાનની માતા રબિયા ખાન આ માનવા તૈયાર નહોતી. કેમ તૈયાર નહોતી? એ માટે તે રાતનો ઘટનાક્રમ અને ઝિયાના જીવનમાં બનેલી ઘટનાઓ જોવી પડે.

૩ જૂન ૨૦૧૩ના રોજ ઝિયા તેના ઘરમાં સાંજે ‘ધ ગેમ્સ ઑફ થ્રૉન્સ’ જોવા માગતી હતી. તેની બહેન કવિતા લંડનથી આવી રહી હોઈ તે ખૂબ જ ખુશ હતી. તે દિવસે તેણે ખરીદી કરી અને કવિતા માટે સોનાનાં ઘરેણાં ખરીદ્યાં હતાં. (દિવ્યા ભારતીનું મૃત્યુ થયું તે દિવસે તેણે પણ તેના અને સાજિદ માટે ખરીદી કરી હતી.) કવિતા સવારે ૩ વાગે આવવાની હતી. બંને એકબીજાને મેસેજ પર મેસેજ કરતા હતા. બંનેએ એકબીજાને ખૂબ જ ઇ-મૉજી મોકલ્યાં હતાં. બંને બહેનો એકબીજાને મળવા ખૂબ જ તલપાપડ હતી.

માતા રબિયા તેના મિત્રો સાથે ભોજન લેવા રાત્રે ૯ વાગે નીકળી. જિયા જુહૂમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાં માતા ગઈ તે પછી એકલી હતી. ૯.૩૭ વાગે રબિયાએ તેની દીકરીને ફૉન કર્યો અને કોઈ માતા દીકરીને સૂચના આપે તેમ સૂચનાઓ આપી, “જમી લેજે, બરાબર જમજે, હવે તો તારે નવી ફિલ્મની ભૂમિકા માટે વજન વધારવાનું છે, એટલે જે ખાવું હોય તે ધરાઈને ખાઈ લેજે.” રબિયા એ સમય યાદ કરતાં કહે છે કે “અમે આ વાત પર હસી પડ્યાં હતાં કે તેને હવે બધું જ ખાવાની છૂટ છે. તે એકદમ હળવી અને પ્રસન્ન લાગતી હતી.”

પણ બે કલાક કરતાંય ઓછા સમયની અંદર જ રબિયા પર આભ તૂટી પડ્યું. રબિયા રાતે ૧૧.૨૦ વાગે પાછી ફરી, જોયું તો ઝિયા તેના એપાર્ટમેન્ટના બૅડરૂમમાં પંખા સાથે લટકેલી હતી. તેનું શરીર સહેજ ગરમ હતું. રબિયાએ મદદ માટે બૂમ પાડવાની સાથે તેનો દેહ ઉતાર્યો. જિયા હંમેશ માટે ચાલી ગઈ હતી. જ્યારે તેની બહેન કવિતા પ્લેનમાંથી ઉતરી ત્યારે તેને ફૉન પર ફૉન આવવા લાગ્યા.

પરંતુ મુંબઈ પોલીસની બદમાશી જુઓ. હજુ તો ફૉરેન્સિક ટીમ અંદર કામ કરી રહ્યા હતા ત્યાં જ પોલીસ પત્રકારોને કહેવા લાગ્યા, આ કેસ દેખીતી રીતે જ આત્મહત્યાનો છે. બસ, લેફ્ટ લિબરલ મિડિયાનું તો ત્યારે વર્ચસ્વ હતું. કોઈ રિપબ્લિક મિડિયા નહોતું. ટાઇમ્સ નાવ પણ લેફ્ટ લિબરલ જ હતું. દેકારો ચાલુ થઈ ગયો; ઝિયાનો પ્રેમી તેને છોડી ગયો. આ નિર્દયી ફિલ્મ ઉદ્યોગમાં તે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી હતી. અહીં તો રોજ નવા ચહેરા આવતા રહે છે અને આજનો નવો ચહેરો કાલે જૂનો થઈ જાય છે. આથી ઝિયા ખાન ડિપ્રેશનમાં હતી. તે બહુ જલદી ચાલી ગઈ.

સુશાંતના કેસની જેમ ઝિયાએ પણ કોઈ આત્મહત્યાનું કારણ દર્શાવતો પત્ર લખીને છોડ્યો નહોતો. રબિયાના કહેવા પ્રમાણે, ઘટના સ્થળે રહેલા પહેલા પોલીસ અધિકારીએ કહેલું કે લટકવું શંકાસ્પદ છે. જિયાના ચહેરા અને હાથ પર ઈજાનાં ચિહ્નો છે. ડ્રૉઅરનું હૅન્ડલ તૂટેલું હતું. લોહીના ડાઘા હતા તે સમજાય તેવા નહોતા. બાલ્કનીની બારી ખુલ્લી હતી. પરંતુ બીજા જ દિવસે, બીજા જ દિવસે પોલીસ અધિકારીનું વાજું ફરી ગયું. સમય પસાર થયો તેમ મહત્ત્વના પુરાવા ગૂમ થતા ગયા. જેમાં એ સફેદ દુપટ્ટાનો પણ સમાવેશ થાય છે જે તે લટકેલી હતી ત્યારે તેના ગળે વિંટાળેલો હતો. તે મૃત્યુ પામી તેના અડધો કલાક પહેલાં તેણે ટ્રેકસૂટ પહેરેલું જે સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું તે ગૂમ હતું. પોલીસે કહ્યું કે તેમને આવી કોઈ ચીજો ઘટનાસ્થળેથી મળી જ નથી! પોલીસને તે રૂમમાં બીજા કોઈના તો છોડો, ઝિયાના ફિંગરપ્રિન્ટ પણ ન મળ્યા!

શરૂઆતમાં તો સુશાંતના પરિવારની જેમ જ રબિયા, ઝિયાના જર્મન સાવકા પિતા થૉમસ પપ્પેનડહ્લ, અન્ય બે દીકરીઓ કવિતા અને કરિશ્માએ મુંબઈ પોલીસ પર વિશ્વાસ રાખ્યો કે તે સત્ય બહાર લાવશે અને અપરાધીને પકડશે. પરંતુ તેમ થયું નહીં. જિયાએ ભલે આપઘાતનો પત્ર ન લખ્યો હોય, પણ કવિતાને ઝિયાના મૃત્યુના એક અઠવાડિયા પછી છ પાનાનો પત્ર મળ્યો જે જિયાએ પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. આ પત્ર સ્ફોટક હતો. આ પત્ર કોઈને સંબોધીને નહોતો લખાયો પણ પત્રની વિગતો પરથી સ્પષ્ટ હતું કે તે તે સમયે ૨૨ વર્ષના સૂરજ પંચોલીને ઉદ્દેશીને લખાયો છે. એ જ સૂરજ પંચોલી, જેનું નામ સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના કેસની એક થિયરીમાં કહેવાય છે.

અને એ જ સૂરજ પંચોલી જેનો પિતા આદિત્ય પંચોલી અનેક દાદાગીરી-અપરાધો માટે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે પણ દર વખતે થોડી સજા કે સજા વગર બચી જાય છે. આ આદિત્ય પંચોલીએ અભિનેતા કબીર બેદી-નૃત્યાંગના પ્રોતિમા બેદીની અભિનેત્રી દીકરી પૂજા બેદી સાથે લફરું કરેલું. અને પૂજા બેદીની ૧૪ વર્ષની કામવાળી પર બળાત્કાર કરેલો તેવા અહેવાલો આવ્યા હતા. આદિત્યએ સ્વીકારેલું કે તેણે કામવાળી સાથે સેક્સ કરેલું પણ તે બંનેની સંમતિથી થયું હતું. જોકે બાદમાં તે દોષી સાબિત થયો હતો. પૂજાએ બાદમાં આદિત્ય સાથે સંબંધ તોડી નાખ્યા. ૨૦૦૭માં કંગના રનૌતે પણ આદિત્ય તેનો બળજબરીથી પ્રેમી બની ગયો હતો અને તેને મારતો હતો તેવી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ૨૦૧૧માં તે એક વિમાનમાં ક્રૂ મેમ્બર સાથે ઝઘડી પડ્યો હતો અને મારામારી પર ઉતરી આવ્યો હતો. ઝિયા ખાનનું મૃત્યુ થયું તે ૨૦૧૩માં તે તેના પડોશી સાથે બાખડી પડેલો અને તેને મારવા લાગેલો. કારણ એ હતું કે તેના પડોશી ભાર્ગવ પટેલના ઘરમાં રિનૉવેશનનું કામ ચાલી રહ્યું હતું અને તેનાથી આદિત્યને ખલેલ પડતી હતી. આ જ વર્ષમાં ફરી એક વાર આદિત્ય પંચોલી સામે ભાર્ગવ પટેલે ફરિયાદ કરી હતી કે આદિત્ય પંચોલી અને તેનો કામવાળો તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેના નોકરને મારવા લાગ્યા હતા. ૨૦૧૩માં એક મહિલા પત્રકારે ઝિયા ખાન વિશે પૂછતાં આદિત્યએ તેની કારનો દરવાજો પત્રકારનો હાથ આવી જાય તે રીતે જોરથી બંધ કર્યો હતો અને તે મહિલા પત્રકારનો કેમેરા ઝૂંટવી લીધો હતો અને તેને તોડી નાખ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૫માં દારૂ પી ગયેલા આદિત્ય પંચોલીએ ‘બાજીરાવ મસ્તાની’ના સેટ પર ખૂબ જ ધમાલ કરી હતી. માર્ચ ૨૦૧૫માં આદિત્ય જુહૂના એક પબમાં સિક્યૉરિટી ગાર્ડ (બાઉન્સર) સાથે બાખડી પડેલો. પોલીસે તેની ધરપકડ કરી હતી. નવેમ્બર ૨૦૧૫માં સર્વોચ્ચ ન્યાયાલયે તેને ભાડે લીધેલો જુહૂનો બંગલૉ ખાલી કરીને અસલી ગૃહ સ્વામીને આપવા આદેશ કરેલો. ગયા વર્ષે જાન્યુઆરીમાં કાર મિકેનિક આદિત્ય પંચોલી પાસે બાકી રૂ. ૨.૮ લાખ માગતો હતો તો આદિત્યએ તેને ધમકાવેલો તેવી ફરિયાદ કાર મિકેનિકે કરી હતી.

આવા વ્યક્તિનો દીકરો સૂરજ પંચોલી છે. પહેલી વાત તો એ કે આવા આદિત્ય પંચોલીને કામ કેમ મળતું રહે છે? તે આટલી બધી મહિલાઓનો શોષક હોવાનો આક્ષેપ છે તો કેમ હિન્દી ફિલ્મ જગતની નારીવાદી (ફેમિનિસ્ટ) મહિલાઓ ચૂપ છે?

માની લઈએ કે પિતા જેવા પુત્ર હોય જ તેવું જરૂરી નથી. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મી શકે છે. પરંતુ સૂરજ પંચોલી વિશે જે તથ્યો છે તે જોતાં તે પણ પિતા જેવો જ લાગે છે. સૂરજ જિયાના મૃત્યુના નવ મહિના પહેલાથી તેની સાથે ફરી રહ્યો હતો. પોલીસે સૂરજને ૧૦ જૂન ૨૦૧૩ના રોજ પકડી લીધો પરંતુ મુંબઈ હાઇ કૉર્ટે તેને ૨ જુલાઈ ૨૦૧૩ના રોજ જામીન આપી દીધા. રબિયાએ મુંબઈ હાઇ કૉર્ટમાં સીબીઆઈ તપાસની માગણી કરી અને ૩ જુલાઈ ૨૦૧૪ના રોજ સીબીઆઈને તપાસ સોંપાઈ પણ ખરી. શરૂઆતમાં તો સીબીઆઈએ પણ કહ્યું કે આ આપઘાત જ લાગે છે. (તે વખતે મોદી સરકારને હજુ બે જ મહિના થયા હતા.) પરંતુ ડિસેમ્બર ૨૦૧૫માં સીબીઆઈએ સૂરજ સામે આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ લગાડ્યો. ન્યાયની અત્યંત ધીમી અને કંટાળાજનક પ્રક્રિયામાં છેવટે ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ મુંબઈની એક કૉર્ટે પણ આ આરોપ તેના સામે લગાડ્યો છે.

છ પાનાના પત્રમાં ઝિયાએ લખ્યું છે કે સૂરજના તેની સાથે બહુ ગાઢ સંબંધો હતા, પણ તે તેને મારતો હતો. માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, તેના થકી તેને બાળક રહી ગયું હતું, જેનો ગર્ભપાત જાન્યુઆરી ૨૦૧૩માં સૂરજના ઘરે કરાવી નખાયો હતો. ઝિયાના પરિવારને આની જાણ પણ નહોતી કરાઈ. એક ડૉક્ટરે આ માટે દવાઓ આપી હતી! ઝિયાએ લખ્યું હતું, “જ્યારે મારા કાળજે ઘા લાગ્યો ત્યારે મેં આપણું બાળક પડાવી નાખ્યું…આના પછી મારી પાસે જીવવા માટે કંઈ બાકી નથી રહ્યું.” ઝિયાએ લખેલો આ પત્ર આત્મહત્યાનો નહીં, પણ સૂરજથી છેડો ફાડીને ઝિયા લંડનમાં અભ્યાસ કરવા જતી રહેવાની હતી તેથી લખ્યો હતો. રબિયાએ ચાર સ્વતંત્ર ફૉરેન્સિક ઍક્સપર્ટ પણ રાખ્યા હતા જેમાં ભારતના, લંડન અને આયર્લેન્ડના ઍક્સપર્ટનો સમાવેશ થાય છે. બધાને જણાયું કે સીબીઆઈની તપાસ પણ બરાબર નહોતી. ઈચ્છીએ કે સુશાંત કેસમાં આવું ન થાય.

રબિયાએ મહેશ ભટ્ટ, જેમની સામે કંગનાના પણ ઘણા આક્ષેપો છે,ના સંદર્ભમાં કહેલું કે ઝિયાની અંતિમ વિધિમાં મહેશ ભટ્ટે તેને ધમકાવી હતી કે ‘ચૂપ થઈ જા, નહીં તો આ લોકો તને હંમેશ માટે સૂવડાવી દેશે.’ રિયાની જેમ ઝિયા સાથે મહેશ ભટ્ટ જાણે પતિ-પત્ની પડખે બેઠા હોય તેવો વિડિયો તાજેતરમાં જ બહાર આવ્યો હતો. અને ચોંકાવનારી વાત એ છે કે ઝિયાએ મહેશ ભટ્ટ સાથે એકેય ફિલ્મ કરી નથી! તે તેમની ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ કરવાની હતી પરંતુ તેમાં સ્ટ્રિપ ડાન્સરનો રૉલ હોવાથી તે વખતે તેની ઉંમરને અનુકૂળ નથીતેમ કહી તેણે નકારી દીધો હતો. રબિયા કહે છે કે મહેશ ભટ્ટ બૉલિવૂડ માફિયાના મુખપત્ર છે. રબિયાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે સલમાન ખાને સીબીઆઈ અધિકારીને કહ્યું હતું કે તે સૂરજ પંચોલીને ‘હીરો’ ફિલ્મમાં લૉંચ કરી રહ્યો છે. તેણે તેમાં ઘણાં નાણાં રોક્યાં છે. આથી સીબીઆઈએ સૂરજને કે તેના પરિવારને હેરાન ન કરવા જોઈએ.

હિન્દી ફિલ્મોના કલાકારો પોતે જ આવાં તત્ત્વોને વીણી વીણીને બહાર કાઢવાની જરૂર છે અને દર્શકોએ તેમની ફિલ્મો જોવાનું બંધ કરીને તેમને કામ વગરના કરી દેવાની જરૂર છે. હજુ પ્રત્યૂષા બેનર્જીની વાત બાકી છે. આવતા વખતે.

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment