Home » મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય

મોરારીબાપુ, સાધુ તો સાહસી હોય, ગણતરીબાજ વેપારી હોય

by Jaywant Pandya

તમારી માને ધાવણ આવતું હોય તો તમે પડોશી માસી ગમે તેટલાં દયાળુ અને કરુણાવાળાં હોય તો પણ ત્યાં ધાવવા નથી જતા. માને ધાવણ ન આવે તો બાળકને દૂધ પાવાની વ્યવસ્થા માતાપિતા જ કરશે.

મોરારીબાપુની કથા હું રાણાવાવમાં લગભગ બીજા ધોરણથી સાંભળતો આવ્યો છું. એ વખતે કેસેટ આવતી. છઠ્ઠા/સાતમા ધોરણમાં શિયાળામાં ભાવનગરના ગધેડિયા ફિલ્ડ/જવાહર મેદાનમાં કથા બેઠી હતી તે સાંભળવા વડીલો સાથે સવારમાં જતો. અગિયારમા ધોરણમાં વિજ્ઞાનમેળા નિમિત્તે બી. એમ. કૉમર્સનો શાળા પ્રવાસ મહુવા થયો ત્યારે અમે તલગાજરડા પણ ગયેલા. એ વખતે એટલી તો સૂજ હતી કે મોરારીબાપુ આદરણીય છે પણ પગે નહોતો લાગ્યો.

વર્ષ ૨૦૦૦ પછી આસ્થા અને સંસ્કાર ચેનલ શરૂ થઈ તે પછી ટીવી પર કથા જોઉં. તેમના કીર્તન પર ક્યારેક ભાવવિભોર થઈ હું અને મારો ભાણિયો ઉદિત બંને નાચતા.

પરંતુ…

પ્રશ્ન એ થાય છે કે મોરારીબાપુએ તેમના ભક્તરૂપી બાળકને ધાવવા માટે આ પડોશણ માસી રૂપી અન્ય પંથોની છાતીએ વળગાડવાનું કેમ શરૂ કર્યું? તેનો જવાબ અનુમાનિત કરવા ફ્લેશબૅકમાં જવું પડશે.

મોરારીબાપુની કથાયાત્રાને બે ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ ૧૯૯૨/૯૩/૯૪ પહેલાંની રામ કથા અને તે પછીની રામ કથા. તો મહોદયો, આ વર્ષ યાદ નથી એટલે આપણે મહત્તમ ૧૯૯૪ પકડીએ. પ્રિ નાઈન્ટી ફૉર, મોરારી બાપુ જે કથા કહેતા તે માત્ર રામાયણ અને તે પણ તુલસીદાસ રચિત રામચરિત માનસ જ હતું. તેમાં ગુજરાતી ભજનો – મહેતે લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી… આવી નરસિંહ મહેતાની પેટા કથા આવતી. માત્ર શ્રી રામ જય રામનું સંકીર્તન થતું. મંગલમૂર્તિ મારુત નંદન સકલ અમંગલ મૂલ નિકંદન આવી સુંદર સ્તુતિ ગવડાવતા. લોકાભિરામં રણરંગધીરં રાજીવ નેત્રં, મનોજવં મારુતતુલ્ય વેગં …

તો ૧૯૯૪ પછી શું થયું? ઉપર કહ્યું તેમ બરાબર વર્ષ યાદ નથી પરંતુ ૧૯૯૨થી ૧૯૯૪ આસપાસ મોરારીબાપુની દીકરીનાં લગ્ન હતાં જેમાં ધૂમ ખર્ચો કરવામાં આવ્યો હતો તેવા તે સમયના સમાચારપત્રો અને ‘અભિયાન’ સામયિકમાં સમાચાર આવ્યા હતા. મિડિયાને તેમાં પ્રવેશ નહોતો તેમ તે સમાચારથી જાણકાર વરિષ્ઠ પત્રકારો કહે છે. તે પછી આવક વેરાના દરોડા પણ પડ્યા હતા.

આ ઉપરાંત અગ્રણી કૉલમિસ્ટો સામ્યવાદથી પ્રભાવિત હોય કે ન હોય પણ રેશનાલિઝમથી તો પ્રભાવિત હતા જ. તેઓ મોરારીબાપુનો વિરોધ કરતા અને મુરારીદાસ હરિયાણી નામ સાથે જ લખતા. આમ, તે સમયનું મિડિયા મહદંશે મોરારીબાપુનું વિરોધી હતું.

યોગાનુયોગ ગણો કે ઉપરોક્ત ઘટનાઓને કારણભૂત ગણો, તે પછી ૧૯૯૮થી તલગાજરડામાં અસ્મિતા પર્વ ઉજવવાનું શરૂ થયું. ધીમેધીમે એક પછી એક સાહિત્યકારો મોરારીબાપુની છાવણીમાં આવતા ગયા. અને એ પછી યોગાનુયોગ ગણો કે ૧૯૯૮ પછી મોરારીબાપુ પડખે ચડેલા સાહિત્યકારોએ મોરારીબાપુને જે કંઈ પાઠ ભણાવ્યા હોય તે, ધીમેધીમે મોરારીબાપુની કથામાં રામાયણના બદલે વિષયો આવવા લાગ્યા. કથા બહુ ટૂંકમાં આટોપાઈ લેવાતી થઈ. માનસ રાવણ, માનસ ફલાણો…વગેરે વગેરે વિષય આવતા ગયા. સ્વામિનારાયણ પર જેમ આક્ષેપ છે કે ખરા ભગવાન બાજુ પર રહી ગયા, વ્યક્તિપૂજા મુખ્ય થઈ ગઈ તેમ મોરારીબાપુની કથામાં શ્રી રામ કથા બાજુએ રહી ગઈ.

મોરારીબાપુ કર્મકાંડનો વિરોધ કરવા લાગ્યા. પૂજાપાઠનો વિરોધ કરવા લાગ્યા. મોરારીબાપુ એક શાસ્ત્રીજીના કાર્યક્રમમાં જ્યોતિષ અને વાસ્તુનો વિરોધ કરે! પાછા ડિસ્ક્લેમર મૂકે કે હું નથી માનતો. તમારે જે સમજવું હોય તે સમજજો. મોરારીબાપુ આ બાબતે ‘રેશનલ’ થઈ ગયા. પડખે ચડેલા ઉપરોક્ત સાહિત્યકારોના કારણે? ખબર નહીં. ઋષિ પિતામહ, ઋષિ વશિષ્ઠ, ઋષિ પરાશર, ઋષિ વ્યાસ, ઋષિ અત્રિ, ઋષિ કશ્યપ, વગેરે ઋષિઓએ જ્યોતિષ શાસ્ત્ર ઘડવામાં પ્રદાન આપ્યું છે.

સૂર્ય: પિતમહો વ્યાસો વશિષ્ઠોઅત્રિ પરાશર: ।

કશ્યપો નારદો ગર્ગો મરિચિમનુ અંગિરા ।।

લોમશ: પોલિશાશચૌવ ચ્યવનો યવનો મૃગુ:।

શોનેકો અષ્ટાદશાશ્ચૌતે જ્યોતિ: શાસ્ત્ર પ્રવર્તકા।।

આ જ રીતે ભગવાન વિશ્વકર્માના વાસ્તુશાસ્ત્રને કેવી રીતે ખોટું ઠરાવી શકાય? સાંભળેલી વાત મુજબ, શ્રવણ જેવા શ્રવણને પણ ગુજરાતમાં વલ્લભીપુર (કેટલાક દાહોદ પણ કહે છે)માં પોતાનાં માતાપિતાને છોડીને જતા રહેવાનો વિચાર આવ્યો હતો. તેને પણ ત્યાં માતાપિતા બોજ લાગવાં લાગ્યાં હતાં તેવી કથા છે. ભૂમિનો પ્રતાપ હોય જ છે. મંદિરમાં વિધિવિધાન સહિત પૂજા થતી હોય ત્યાં શાંતિ કેમ મળે છે? કેટલીક જગ્યાએ પહેલી વાર જ ગયા હોઈએ ત્યારે અશાંતિ કેમ લાગે છે?

હવે વાત કરીએ મોરારીબાપુ દ્વારા વ્યાસપીઠ પર કરાવાતા અલી મૌલા અને યા હુસૈનના કીર્તનની. હિન્દુ-સનાતન ધર્મમાં પ્રથમ બે મોટા ફાંટા છે- સાકાર અને નિરાકાર. સાકારમાં બે પ્રકાર છે- દ્વૈત અને અદ્વૈત. અદ્વૈતમાં ભક્ત અને ભગવાન એક જ. દ્વૈતમાં ભગવાન અને ભક્ત જુદા. નિરાકારમાં પણ આવા બે પ્રકાર છે જ. કેટલાક લોકો પોતાને ભગવાન સાથે એક માને છે. (અદ્વૈત) અને કેટલાક લોકો ભગવાનને પોતાનાથી જુદા માને છે. (દ્વૈત). મૂળ તો નિરાકારમાં જ આપણે માનતા હતા પણ ચિત્ર શોધાયું હશે અને શિલ્પવિજ્ઞાનનો આવિષ્કાર અને વિકાસ થયો હશે પછી મૂર્તિ આવી હશે તેમ મારું અનુમાન છે. મૂર્તિ સાથે વિજ્ઞાન આગળ વધ્યું. શબ્દને અને નાદને બ્રહ્મ મનાયા. મૂર્તિ પ્રતિષ્ઠા વિધિવિધાન સાથે થવા લાગી. મંત્રો વિકસ્યા. તેના પર અભિષેક વગેરે ક્રમ વિકસ્યા. જેમ ભક્તને વસ્ત્ર-શ્રૃંગાર જોઈએ તેમ ભગવાનને પણ જનોઈ, શ્રૃંગાર અને વસ્ત્ર અર્પણ કરાવાં લાગ્યાં. ભક્તને ભોજન જોઈએ તેમ ભગવાનની મૂર્તિને પણ ભોગ લગાવવા લાગ્યા. હેતુ એ હતો કે ભક્ત પોતે જે કંઈ ક્રિયા કરે છે તે ભગવાનને અર્પણ કરે છે. જેના લીધે તેનામાં સાત્વિકતા અને નીતિમત્તા રહે. મોરારાબાપુ પોતે જ એક વિડિયોમાં કહે છે કે ભૂત-પ્રેત વાયુ સ્વરૂપ હોય છે. તો પછી જે પિતૃની કોઈ વાસના (એટલે કે ઈચ્છા) બાકી રહી ગઈ હોય તેમનું પૂજા કરીને તર્પણ કરી એ વાયુ સ્વરૂપ પિતૃ ઉપર જઈ શકે-સ્વર્ગલોકમાં તે વાતનો વિરોધ કેમ? એક બાજુ આપ કહો છો કે અમે કોઈ ઉત્તર ક્રિયામાં માનતા નથી અને એમ કહી આ ક્રિયાઓમાંથી લોકોનો વિશ્વાસ ઉઠે તેવું કરો અને બીજી બાજુ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની પેટા કથા પણ શ્રી રામ કથામાં કરો. આવું બેવડું વલણ કેમ?

તો, સનાતન ધર્મમાં અવશ્ય કેટલીક વિકૃતિઓ આવી. પરંતુ તે વિકૃતિને સુધારનારા પણ વખતોવખત સમાજમાંથી જ આગળ આવ્યા. બુદ્ધ-મહાવીર જેવા મહાપુરુષોએ અલગ પંથ વિકસાવ્યા પણ તે પછી આદિ શંકરાચાર્ય પણ આવ્યા. તેમણે સનાતન-હિન્દુ ધર્મનું ગૌરવ પુનઃ સ્થાપિત કર્યું. અહીં સુધી કોઈ વાંધો નહોતો. પરંતુ જ્યારે મધ્યપશ્ચિમ એશિયામાં (આપણે પશ્ચિમની નકલમાં મધ્ય-પૂર્વ ખોટું કહીએ છીએ.) જન્મેલા બે પંથો ઈસાઈ અને ઈસ્લામમાં માનતા લોકોનાં આક્રમમણો શરૂ થયાં. બંનેમાં કહેવાયું કે અમારા ભગવાન અર્થાત્ અલ્લાહ-મોહમ્મદ પયગંબર અને જિસસમાં માને તે જ સાચા. અન્યોને કાફિર કહેવાયા. તેમના અધિકારો પણ ઓછા. તેમના પર વેરા ઝાઝા. આ બંને પંથોને પણ ભારતે કેરળથી શરૂ કરીને અનેક રાજ્યોમાં આશ્રય આપ્યો. પરંતુ તલવારના જોરે ભારત પર આક્રમણ કરીને ચડી આવેલા વિવિધ મુસ્લિમ આક્રમણખોરોએ ન માત્ર ભારતને લૂટ્યું પરંતુ ભારતના લાખો (તે સમયની અંદાજે જનસંખ્યા)ની શ્રદ્ધાને કચડવા તેમનાં ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો. મૂર્તિઓ તોડી.

અત્યાર સુધી સનાતનમાંથી નીકળેલા પંથો (બૌદ્ધ-જૈન) સનાતન સાથે સંવાદ-વિવાદ કરતા હતા પરંતુ આવું હિંસક ઘર્ષણ જોવા મળ્યું નહોતું. જે લોકો પંથાંતરણ કરતા તેઓ તેમની માન્યતા-દલીલોથી આકર્ષાઈને કરતા. તેના માટે તલવાર કે લોભલાલચ-છેતરપિંડીનો આશ્રય લેવામાં આવતો નહોતો. જ્યારે મોગલો અને અંગ્રેજોનું શાસન હતું ત્યારે તો આ બંને પંથોની આવી પ્રવૃત્તિ ચાલુ હતી જ પરંતુ ભારત સ્વતંત્ર થયા પછી પણ સેક્યુલર (એટલે મુસ્લિમ-ખ્રિસ્તી પ્રત્યે ઝૂકી જતા પલડાવાળી) શાસનવ્યવસ્થામાં આ પ્રવૃત્તિઓ ફૂલીફાલી.

આટલાં વર્ષો દરમિયાન મુસ્લિમ-હિન્દુ એકતાના પ્રયાસો ઘણા થયા. ખ્રિસ્તી-હિન્દુનો સીધો અને હિંસક સંઘર્ષ નથી. રમખાણોનો તેમનો ઇતિહાસ નથી. જ્યારે મુસ્લિમ-હિન્દુનો હિંસાનો- રમખાણોનો ઇતિહાસ છે.

આજે પણ મોહર્રમ ટકરાતી હોય તો દુર્ગા પૂજાને પશ્ચિમ બંગાળમાં મંજૂરી અપાતી નથી. આજે પણ માત્ર હિન્દુ જ ‘રઘુપતિ રાઘવ રાજારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ગાય છે. બહુ દૂરની વાત નથી. ગત ૨૩ મેએ વૈષ્ણોદેવી મંદિરે એકાંતવાસમાં (કૉરન્ટાઇન) રહેલા ૫૦૦ મુસ્લિમોને ઇફ્તાર આપી. આની સામે વંદે માતરમ્ આખું સ્વીકારવાનો નકાર, પછી એક કડી સાથેનું વંદે માતરમ્ ગાવાનો પણ નકાર. તો ક્યાંક રાષ્ટ્રગીત ગાવાનો પણ નકાર. મસ્જિદ-મદરેસામાંથી ઉશ્કેરણીજનક ભાષણો. કાશ્મીરમાંથી, કૈરાનામાંથી હિન્દુઓને પલાયન કરવું પડે, ગુજરાતના પાટણ જિલ્લાના વારાહી ગામમાં બ્રાહ્મણો પર મુસ્લિમ સમુદાય હુમલો કરે અને તેમણે ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પાસે સંરક્ષણ માગવું પડે!

આ બધા સામે મોરારીબાપુ શિખામણના બે શબ્દો બોલ્યા હોય તેવું કંઈ ધ્યાનમાં છે? તાજેતરમાં તબલીગી જમાતના જમાતીઓએ જે ઉપદ્રવ મચાવ્યો તેની સામે તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી તેમને ડૉક્ટર-નર્સો પર હુમલો ન કરવા, ન થૂંકવા, સલાહ આપી છે? તમે વ્યાસપીઠ પર અલી-મૌલા અને યા હુસૈનનું કીર્તન હિન્દુ ભક્તો પાસે કરાવો અને પોતે કરો તેમાં શું ધાડ મારી? સનાતન ધર્મવાળા તો વર્ષોથી એકમ્ સત વિપ્રા: બહુધા વદન્તિ સૂત્રમાં માને જ છે. તેની સામે મુસ્લિમો પાસે રામનામ કીર્તન કરાવો તો કહેવાય કે આ ગંગા-જમના સંસ્કૃતિ બંને તરફથી વહે છે. એક તરફી પ્રેમને અને પ્રેમીઓને શું કહેવાય તે મનોવિજ્ઞાનના જાણકારો વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરી શકે. આપ જ નરસિંહ મહેતાના શ્રાદ્ધની કથામાં બોલ્યા છો, સાધુ સાહસી હોય છે, ગણતરી કરે તે વેપારી હોય. તો આ જમાતીઓ-કટ્ટરો સામે નહીં બોલવું અને એક તરફી અલી-મૌલા કરવામાં સાહસ તો દેખાતું નથી, ગણતરી જ દેખાય છે, બાપુ!

પરંતુ કદાચ મોરારીબાપુને જ્યાં રહેવાનું છે તે આસપાસના વિસ્તારની જનસંખ્યાનું ગણિત, જ્યાં પ્રવાસો કરવાના છે તેનું ગણિત જોતાં આ બધી ગણતરી કરવી પડે તેવું હોઈ શકે? વળી, આસપાસ જે મંડળી છે તેમના પ્રભાવમાં (તેઓ મોરારીબાપુના પ્રભાવમાં આવ્યા હોય તેવું તો લાગતું નથી, નહીંતર તેના પડઘા પડ્યા વગર ન રહે.) પણ શ્રી રામકથાથી હટીને વિવિધ કથાઓ અને આ પ્રકારનાં કીર્તનો વધ્યાં છે.

ઉપર કહ્યું તેમ સનાતન ધર્મ એટલો વિશાળ છે અને તેણે જે કેટલાક સુધારા કરવાના હતા તે કર્યા છે અને વખતોવખત કરતો રહે છે. પણ તેને કોઈ નામસ્મરણ બહારથી ઉછીનું લેવાની જરૂર નથી. વિષ્ણુ સહસ્રનામ સ્મરણ કે શિવજીનાં જ અનેક નામ છે. મોરારીબાપુ ભૂલી ગયા લાગે છે કે તેઓ જે હનુમાનજીની મૂર્તિ આગળ બેસીને શ્રી રામકથા કરે છે તે હનુમાનચાલીસામાં મોરારીબાપુ જેમના રામચરિત માનસની કથા કહીને આટલો આદર-પૂજ્ય ભાવ પામ્યા છે-આટલી શ્રીમંતાઈ પામ્યા છે તે તુલસીદાસજીએ લખ્યું છે- ઓર દેવતા ચિત ના ધરઈ, હનુમત સેઈ સર્વ સુખ કરઈ. માત્ર હનુમાનજીનાં જ કેટકેટલાં કીર્તન છે? હનુમાનચાલીસા, મંગલમૂર્તિ મારુત નંદન, સંકટમોચન હનુમાન સ્તોત્ર, બજરંગ બાણ, સુંદર કાંડ…શ્રી રામના પણ કેટકેટલા સ્તોત્ર છે? મોરારીબાપુ પહેલાં બહુ ગવડાવતા તે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, ઠુમક ચલત રામચંદ્ર, શ્રી રામરક્ષા સ્તોત્ર…આમાં પારકીમાના ધાવણની જરૂર જ ક્યાં છે મોરારીબાપુ?

મોરારીબાપુએ નીલકંઠવર્ણીનો વિવાદ કર્યો હતો અને કહ્યું હતું કે અભિષેક માત્ર નીલકંઠ પર જ થાય. એ શિવજીની કેટલી સ્તુતિ, કેટલા સ્તોત્ર છે! શિવતાંડવ, શિવમહિમ્ન, શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી, નટરાજ સ્તુતિ, શંકરાચાર્ય રચિત નિર્વાણ સ્તોત્ર, શિવ માનસપૂજા…દિવસોના દિવસો ઓછા પડે અને તો પણ એકેય પુનરાવર્તિત ન થાય તેટલું વૈવિધ્ય સનાતન ધર્મના ભગવાન-માતાજીના સ્તોત્ર-સ્તુતિમાં છે.

તમે ફિલ્મોનાં ગીતો ગવડાવો છો, તે ગીતો પણ મોટા ભાગે (પ્રમાણમાં) સાત્વિક પ્રકારનાં રહે છે અને તેનાં અર્થો તમે ભગવાન સાથે જોડો છો. તેમાં ખોટું નથી પણ તમારે સમજવું જોઈએ કે આજે તમારું જોઈજોઈને વ્યાસપીઠો પર કથાકારોમાં નમાઝ માટે કથા અટકાવી દેવાનું ચાલ્યું છે. કોઈ કથાકાર કહે છે કે હું પાકો મુસલમાન છું. કોઈ પોતાની વ્યાસપીઠ પર કેક કપાવા દે છે. તો કોઈ આઇટમ ગીત જેવું દારૂ અંગેનું ગીત ગાય છે.

મોરારીબાપુ, આપને ખબર છે તમારી આસપાસના લોકો તુલસીદાસજીના હનુમાનચાલીસાને ગપ્પા ગણાવે છે? તુલસીદાસજીએ જુગ સહસ્ર જોજન પર ભાનુ લિલ્યો તાહી મધુર ફલ જાનો-એમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કહી દીધું તે વાત માનવા તૈયાર નથી. હિન્દુ શાસ્ત્રમાંથી માત્ર શ્રૃગાંરિક વાતો જ તેમને ગમે છે અથવા તો એવી વાતો જે હિન્દુને બીજા પંથો પ્રત્યે ખેંચી જાય -દા.ત. સનાતન ધર્મ કંઈ નબળો નથી. સનાતન ધર્મ ઉદારવાદી છે, સહિષ્ણુ છે. બાપુ, જે લોકોએ વિધર્મીઓના આક્રમણોનો પ્રતિકાર કર્યો, જજિયા વેરા ભર્યા એવા અનેક શિવાજી-મહારાણા પ્રતાપ જેવા અને બાકી અનેક સામાન્ય લોકોના કારણે જ- તેમણે પંથાંતરણ ન કર્યું- તેમના સંઘર્ષના લીધે આજે આપણે શ્રીરામ કીર્તન ગાઈ શકીએ છીએ અને આપ પણ શ્રી રામકથા કરી શકો છો. બાકી શ્રીરામનું નામ બોલવાથી આજે પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી રોષે ભરાઈ શકતાં હોય, આગરાની એક ફૅક્ટરીમાં કામ કરતા દિલશેર નામના રામભક્ત મુસ્લિમને ભગવદ્ ગીતા વાંચવા માટે તેમના જ પંથના લોકો-સમીર અને ઝકીર હુમલો કરી શકતા હોય તો જ્યારે મોગલ શાસનમાં કેવી સ્થિતિ હશે? શાહીનબાગમાં શરઝીલ ઈમામ સહિતનાં લોકોનાં જે ભારત વિરોધી ભાષણો થયાં તે વિશે આપ શું કહેશો? આપના આરાધ્ય શ્રી રામજન્મભૂમિ હિન્દુઓને મળી તે અગાઉ કેટકેટલો હિંસક-કાનૂની સંઘર્ષમાંથી હિન્દુઓએ પસાર થવું પડ્યું તે આપને ખ્યાલ ન હોય તેવું માનવાને કોઈ કારણ નથી.

આનો અર્થ એવો બિલકુલ નથી કે મુસ્લિમો પ્રત્યે કડવાશ રાખવી કે તેમની સાથે પણ એવું વર્તન કરવું જેવું તેમના પૂર્વજોએ હિન્દુઓ સાથે કર્યું. આજે પણ કરી રહ્યા છે. પરંતુ ઓછામાં ઓછું તમારા જેવા આદરણીય મહાનુભાવ એક પક્ષીય પ્રેમ રાખીને હિન્દુઓમાં જ મુસ્લિમો પ્રત્યે સદ્ભાવના પેદા કર્યા રાખે જે કદાચ પંથાંતરણ તરફ પણ દોરી જઈ શકે, તે તો યોગ્ય નથી જ. આપની પાસેથી તો આ દેશને આશા હોય કે હજારો વર્ષ જૂના આ કાયમી ઝઘડામાંથી મુક્તિ માટે આપ માર્ગદર્શન આપશો અને આપની આભા, પ્રતિભા અને મોભાનો ઉપયોગ કરી અનેક મુસ્લિમોને કટ્ટરતા-આતંકવાદ તરફથી પાછા લઈ આવશો. ગઈ કાલે (પાંચ જૂને) જ ગૉ એર નામની ઍરલાઇન્સમાં કામ કરતા એક ટ્રેઇની ઑફિસર આસીફ ખાને માતા સીતા વિશે અભદ્ર ટીપ્પણી કરી છે. તે અગાઉ અકબરુદ્દીન ઓવૈસીએ પણ શ્રી રામ અને તેમની માતા કૌશલ્યા વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. આ બધા વિશે તમારી વ્યાસપીઠ કેમ મૌન રહે છે?

અને માન્યું કે આપ આ સંપ્રદાયની આ કટ્ટરતા-આતંકવાદ વિશે મૌન રહો છો કારણકે આપ કદાચ સંવાદના માણસ છો તેમ તમારી આસપાસના તમારા માનીતાઓ કહે છે (હું તેમના વિશે ઉતરતા સ્તરનો કોઈ શબ્દ નહીં વાપરું). તો પછી આપ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કેમ વિવાદ ઊભો કરી હિન્દુઓમાં વિવાદ ઊભો કરવાનું કામ કર્યું? વિષ્ણુ મૂર્તિ પર પણ અભિષેક થાય છે. ગણેશજી-માતાજી પર પણ થાય છે. માત્ર શિવજી પર જ અભિષેક થાય તેવું નથી. તો પછી નીલકંઠ વર્ણી, લાડુડી આ બધો વિવાદ ઊભો કરવાની જરૂર કેમ પડી? ત્યારે કેમ આપ મહંત સ્વામી કે અન્ય સ્વામીઓ પાસે જઈને સંવાદ ન કરી શક્યા? એવું ન હોવું જોઈએ કે મુસ્લિમ પંથ માટે સંવાદ અને હિન્દુઓના એક પંથ માટે વિવાદ! આપના એક વાક્યના કારણે ગુજરાતમાં હિન્દુઓ વચ્ચે કેટલી કટુતા અને ખાઈ ઊભી થઈ ગઈ આપ જાણો છો? દુઃખની વાત એ છે કે આજે આપની આસપાસ બધા આપની વાહવાહ કરનારા જ દેખાય છે, કોઈ ગોરક્ષનાથ (ગોરખનાથ) જેવું નથી જે કહે કે ચેત મછંદર ગોરખ આયા.

આશા છે, આ લેખને પણ આપ સંવાદની રીતે જ લેશો, કારણકે આપ અને આપના માનીતાઓ કહે છે કે આપ સંવાદના માણસ છો, વિવાદના નહીં.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

5 comments

HIREN KOTAK 07/06/2020 - 10:34 AM

Extraordinary and historical article with enormous knowledge, each and every word is true and filled with references, Mr. Morari once again back with his professional title, he’s is no more a saint or reformer.

દાઢી ઉગાડયે સાધુ કે પછી ભજન કર્યે ભગત નથી થવાતું…

Reply
Akshay J Shah 07/06/2020 - 1:13 PM

Good analysis. Every so called secular feel pride and right to slap hindu . Bapu is no exception. His personal reputation at Mahuva village is sub zero. At ground level people know the reality.

Reply
jayesh dave 07/06/2020 - 1:43 PM

જયવંત પંડ્યા લખે ત્યારે તેમાં તથ્યો અને તર્ક હોય જ, આ મુદો સંવેદનશીલ હતો છતાં એ સ્તર અને પ્રવાહિતા જાળવી રાખી તે બદલ ખાસ અભિનંદન

Reply
Jitendra Joshi 07/06/2020 - 7:09 PM

સુંદર વિશ્લેષણ

Reply
જયંત 12/07/2020 - 4:28 PM

સારું વિશ્લેષણ કર્યું છે… નિડરતા એ પત્રકારનો ગુણ હોવો જોઈએ, જે આ લેખમાં દેખાઈ આવે જેમ બાકી મંજીરા બધાના હાથમાં છે જ.. વાજુપેટીમાથી જેવી ધૂન આવે, એવી રીતે મંજીરા પણ વાગવાનું શરૂ થઈ જાય છે.

Reply

Leave a Comment