Home » ૨૩મી મે: આયેંગે તો મોદી હી!

૨૩મી મે: આયેંગે તો મોદી હી!

by Jaywant Pandya

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૯/૦૫/૧૯)

આ લેખ તમે વાંચતા હશો ત્યારે મતદાનનો છેલ્લો તબક્કો હશે. સાંજે મતદાન પૂરું થયા પછી ઍક્ઝિટ પૉલના વર્તારા આવવા લાગશે. કોની સરકાર બનશે તેનો પ્રાથમિક અંદાજ મળી જશે. ઍક્ઝિટ પૉલ કેટલા સાચા પડે છે તેનો હંમેશાં વિવાદ રહ્યો છે. જેમની તરફેણમાં પૉલનો વર્તારો આવે તેમનો દાવો હોય છે કે પૉલ સાચા પડે છે. બીજી તરફ, જેમની વિરુદ્ધમાં પૉલનો વર્તારો આવે તેમનો દાવો હોય છે કે પૉલ હંમેશાં સાચા હોતા નથી.

૨૦૧૪માં ચાણક્ય સિવાય કોઈ પૉલ મહદંશે સાચા પડ્યા નહોતા. ન્યૂઝ ૨૪ ચેનલ સાથે માત્ર ચાણક્યએ જ આગાહી કરી હતી કે ભાજપને ૨૯૧ બેઠકો મળશે. સીએનએન-આઈબીએન અને સીએસડીસી લોકનીતિએ આગાહી કરી હતી કે એનડીએને ૨૭૦-૨૮૨ બેઠકો મળશે તો ટાઇમ્સ નાવ-ઓઆરજીએ આગાહી કરી હતી કે એનડીએને ૨૪૯ બેઠકો મળશે. ઇન્ડિયા ટીવી અને સી વૉટરે આગાહી કરી હતી કે એનડીએને ૨૮૯ બેઠકો મળશે. એબીપી ન્યૂઝ અને નેલ્સને આગાહી કરી હતી કે એનડીએને એનડીએને ૨૮૧ બેઠકો મળશે.

જોકે ૨૦૦૯થી એવું જોવા મળ્યું છે કે ૭૨માંથી માત્ર ત્રણ જ ઍક્ઝિટ પૉલ કયો પક્ષ સૌથી મોટો રહેશે તે કહેવામાં ખોટા પડ્યા હતા. એટલે એક કાચો અંદાજ મળી રહે છે. આ વખતે પણ કાચો અંદાજ તો સહુ કોઈ એ જ માંડી રહ્યા છે કે આવશે તો મોદી જ. ઇવન, કૉંગ્રેસના નેતાઓ પણ અંદર ખાને કહી રહ્યા છે કે મોદી સરકાર જ બનશે. કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા જેમને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી હતી તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂટણી લડવાનો નિર્ણય લાંબા ગાળાનાં હિતોને ધ્યાનમાં રાખીને કરાયો છે. અર્થાત્ જો ટૂંકા ગાળાનાં હિતો ધ્યાનમાં રખાયાં હોત તો ભાજપને હરાવવા માટે નાના ભાઈ તરીકે સપ-બસપના ગઠબંધનમાં ગમે તેમ જોડાઈ ગયા હોત. જોકે અગાઉ અનેક વાર કૉંગ્રેસ સરકારમાં સીબીઆઈની કનડગતનો ભોગ બનીને હેરાન થનાર અને વળી, કૉંગ્રેસ વિરોધી રાજકારણમાંથી જન્મ લેનાર અને તે રાજકારણના પ્રતાપે જ સત્તા મેળવનાર સપ અને બસપ બંનેએ આ વખતે કૉંગ્રેસને બહુ ભાવ ન આપ્યો તે પણ હકીકત છે.

અર્થાત્ પ્રિયંકા ગાંધીને મેદાનમાં મોડેમોડે ઉતારવાં, તેમને વારાણસીથી ચૂંટણી ન લડાવવી આ બધું કૉંગ્રેસની લાંબા ગાળાની રણનીતિ છે. જો ભાજપને હરાવવા એટલા બધા કટિબદ્ધ હોત અને નિશ્ચિત પણ હોત તો તો કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને વહેલાં મેદાનમાં ઉતાર્યાં હોત અને તેમને ચૂંટણી પણ લડાવી હોત (અર્થાત્ પ્રિયંકાએ પોતાને જ ટિકિટ આપી હોત).

બીજી તરફ, ટાઇમ્સ મેગેઝિનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડિવાઇડર ઇન ચીફ કહીને લેખ લખીને વિવાદ જન્માવનાર પાકિસ્તાની નેતાના પુત્ર આતીશ તાસીર પણ કહે છે કે આવશે તો મોદી જ.

તો આ સંજોગોમાં ૨૩મી પછી શું થશે અને શું થવું જોઈએ તેની ચર્ચા મહત્ત્વની બની જાય છે. ૨૩મીએ આ વખતે પરિણામો સરળતાથી ઉપલબ્ધ નહીં બને. વિપક્ષોની માગણી એવી હતી કે ૫૦ ટકા ઇવીએમ અને વીવીપેટને મેળવવામાં આવે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે આ માગણી ફગાવી દીધી છે. આના લીધે દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ મતદાન કેન્દ્રો યાદેચ્છિક રીતે પસંદ કરી તેનાં ઇવીએમને વીવીપેટ સ્લિપ સાથે સરખાવવામાં આવશે. એટલે મધ્ય પ્રદેશમાં જેમ પરિણામો આવવામાં વિલંબ થયો તેવું આ વખતે પણ બની શકે છે. બીજું, કેટલાક અહેવાલોએ સૂત્રોને ટાંકીને એવું કહ્યું છે કે જો ભાજપ સૌથી મોટો પક્ષ બને તો પણ તેને સરકાર રચવા આમંત્રણ આપવામાં ન આવે તે માટે તેઓ રાષ્ટ્રપતિને મળી શકે છે કારણકે તેમની પાસે વૈકલ્પિક સરકાર રચવા આંકડા હશે.

જેમને હિન્દુ વિરોધી ગણવામાં આવે છે અને જેમના એનજીઓને વિદેશી ભંડોળ અંગે સુપ્રીમ કૉર્ટની નૉટિસ મળી છે તેવાં સુપ્રીમનાં વકીલ ઈન્દિરા જયસિંહે એક ટ્વીટ કર્યું છે તે એવો અંદેશો આપે છે કે ૨૩ મે પછી કૉંગ્રેસ અને વિપક્ષોની લડાઈ સુપ્રીમ કૉર્ટમાં હશે. ઈન્દિરા જયસિંહે ૨૫ એપ્રિલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે વેકેશન દરમિયાન ૨૩ મે પછી સુપ્રીમમાં જજ કોણ હશે? આ ન્યાયાધીશો સામે સરકારની રચના અંગે સંભવિત પડકાર હશે. આનો અર્થ સ્પષ્ટ છે કે પરિણામો સામે અથવા મોદી સરકાર રચી ન શકે તે માટે વિપક્ષોના હાથા તરીકે ઈન્દિરા જયસિંહ, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ આણિ મંડળી ક્યારનીય તૈયારી કરી રહી હશે અને જે રીતે તેઓ કર્ણાટકની ચૂંટણી પછી યેદીયુરપ્પાને બહુમતી પુરવાર કરવા માટે સમય આપવા અંગે અડધી રાત્રે સુપ્રીમ કૉર્ટને બેસાડવા ફરજ પાડી શક્યા હતા કે યાકૂબ મેમણની ફાંસી રોકાવા માટે અડધી રાત્રે સુપ્રીમ કૉર્ટને બેસાડી શક્યા હતા તેમ આ વખતે પણ સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશો પર દબાણ લેવા આ પ્રકારનું ટ્વીટ કરી રહ્યા છે.

બીજી તરફ, જો મોદી સત્તામાં પાછા ફરશે તો આ વખતનો શપથ સમારોહ ૨૦૧૪ કરતાં પણ વધુ ભવ્ય હશે. ગયા વખતે માત્ર સાર્ક દેશોના વડાઓને આમંત્રણ હતું. બની શકે કે આ વખતે મોદી તેમના મિત્ર-વડાઓ- નેતાનયાહુ, શિન્ઝો અબે, શી જિનપિંગ વગેરેને પણ આમંત્રણ આપે. છેલ્લા તબક્કાના ઇન્ટરવ્યૂ પરથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરવા સૂચના આપી દીધી છે. વડા પ્રધાને પીએમઓ, નીતિ આયોગ અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારને પ્રથમ સો દિવસનો એજન્ડા તૈયાર કરવા કહીને પોતાની નવી ઇનિંગમાં પહેલેથી ફટકાબાજી કરીને શરૂ કરવા સંદેશો આપ્યો છે. અત્યારે વડા પ્રધાન પોતાની નવી સરકાર માટે બેટિંગ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ઇન્ટરવ્યૂમાં કહે કે ૨૦૧૪માં હું નવો હતો એટલે થોડા દિવસ મેં શીખવામાં ગાળ્યા હતા. એટલે હવે પછીની સરકારમાં પહેલા દિવસથી જ ધમધોકાર કામ ચાલુ થઈ જશે. પરંતુ હકીકત એ છે કે ગયા વખતે પહેલી જ કેબિનટ બેઠકમાં કૉંગ્રેસે જે બાબત સુપ્રીમ કૉર્ટના આદેશ છતાં અટકાવીને રાખી હતી તે કાળાં નાણાં અંગે ‘સિટ’ રચવાનો નિર્ણય લેવાયો હતો. ૩૭૦ કલમ દૂર કરવા પણ હિલચાલ શરૂ કરાઈ હતી. પરંતુ આ બધી બાબતોમાં જેટલું આગળ વધવું જોઈએ તેટલું વધી શકાયું નહોતું.

સામાન્યત; કડક નિર્ણય કરવામાં આવે તો તેના આકરા પડઘા આજે જે પ્રકારનો ભ્રષ્ટાચારનો માહોલ છે તે જોતાં પડવાની શક્યતા હોય છે. કેશુભાઈ પટેલની પહેલી સરકાર વખતે શંકરસિંહ વાઘેલાનો બળવો સફળ ગયો તેનું કારણ પણ એ જ હતું કે તે વખતે તેલિયા રાજાઓથી માંડીને ઘણા ભ્રષ્ટાચારીઓ સરકારના શરૂઆતમાં આકરાં પગલાંથી એક થઈને શંકરસિંહને ટેકો આપ્યો હોવાનું કહેવાતું હતું. આ જ રીતે વી. પી. સિંહની પણ રિલાયન્સ સામેની કાર્યવાહીથી ધીરુભાઈ અંબાણીએ સરકાર ગબડાવવામાં મદદ કરી હોવાનું જે-તે સમયના મિડિયા અહેવાલોમાં આવતું હતું.

નરેન્દ્ર મોદીએ કાળાં નાણાંને નાથવામાં અસરકારક પ્રયાસો કર્યા છે. જનધન યોજના, નોટબંધી, જીએસટી, બેનામી સંપત્તિ અંગેના કડક પગલાં, આર્થિક ભાગેડુઓની સામેના પગલાં…આ બધાના કારણે હવે કાળાં નાણાં સામેની કાર્યવાહીમાં મોદી બિન્દાસ્ત રીતે આગળ વધી શકે છે. નોટબંધી પછી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભવ્ય વિજય અને હવે લોકસભામાં વિજય મળે તો મોદીને કાળાં નાણાં સામે વધુ કડક કાર્યવાહી કરતા કોઈ રોકી શકે તેમ નથી. જોકે ઉદ્યોગપતિ સહિતનો કાળાં નાણાં ધરાવનાર વર્ગ ગરીબોને-ખેડૂતોને-દલિતોને-સ્ત્રીઓ અથવા લઘુમતીને આગળ કરીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરી નરેન્દ્ર મોદી પણ ઈન્દિરા ગાંધીની જેમ કટોકટી લાદવા પ્રેરાય તેવું કરે તો નવાઈ નહીં. આ માટે આ વખતના વિજય પછી નરેન્દ્ર મોદીએ સંયમ રાખવો પડશે.

આ જ રીતે કાશ્મીર મુદ્દે હવે મક્કમ રીતે આગળ વધવું જરૂરી છે. ખરેખર તો આ પાંચ વર્ષ બીજા બધા વિષયો છોડી માત્ર કાશ્મીર મુદ્દે જ ધ્યાન આપી તેનો કાયમી ઉકેલ લાવી દેવામાં આવે તો દેશના ઘણા રૂપિયા બચી જાય તેમ છે. કાશ્મીરમાં અલગાવવાદીઓને જેલમાં પૂરેલા છે. તેમની સામે સંપત્તિ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાયેલી છે. મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં ભારતને સફળતા મળી છે. એક તરફ, હવે કાશ્મીરમાં અલગાવવાદીઓ અને ત્રાસવાદીઓને રાજકીય પીઠબળ પૂરું પાડતા ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. બીજી તરફ, પાકિસ્તાનમાં બલુચિસ્તાનથી માંડીને પાકિસ્તાને બથાવી પાડેલા કાશ્મીર, સિંધ વગેરેમાં ઑલરેડી જે અસંતોષની આગ ભભૂકી રહી છે તેને ભારતે કોઈ પણ સંકોચ વગર ખુલ્લું સમર્થન આપીને પાકિસ્તાનના જેટલા પણ વધુ ત્રણ ટુકડા કરી દેવાની જરૂર છે.

ત્રાસવાદનો કાયમી ઉકેલ લાવવા આગામી પાંચ વર્ષ ભારતે વૈકલ્પિક ઈંધણ પર જોર દેવાની સાથે ભારતની ઈંધણની જરૂરિયાત ઘટાડવા પર પણ ધ્યાન દેવું પડશે. આનું કારણ એ છે કે આપણે ઈંધણ પર મધ્ય-પશ્ચિમના ઇસ્લામિક દેશો પર આધારિત રહીએ છીએ. તેનાથી વિદેશી હુંડિયામણ તો ખર્ચાય જ છે પરંતુ સાથે આપણે મજબૂત રીતે દેશમાં સાઉદી અરેબિયામાંથી આવતા ફંડ દ્વારા આપણે ત્યાં ફેલાતા કટ્ટરવાદને અટકાવવા પૂરતાં પગલાં લઈ શકતાં નથી.

જો નરેન્દ્ર મોદી સત્તામાં આવશે (જેની પૂરી સંભાવના અત્યારે દેખાય છે) તો તેનો અર્થ એ પણ હશે કે ચાહે તે ત્રાસવાદ સામે કડક પગલાં હોય કે બાલાકોટ ઍરસ્ટ્રાઇક હોય, તેને જનતાએ સમર્થન આપ્યું છે. અર્થાત્ મોદી ચીન અને શ્રીલંકાની જેમ વધુ કડકાઈથી દેશમાં ત્રાસવાદ ભણી લઈ જતાં કટ્ટરવાદને નાબૂદ કરવા પગલાં લઈ શકે છે. મોદી જો કાશીના વિકાસ માટે મંદિરો તોડાવી શકતાં હોય તો ગેરકાયદે રહેલી મસ્જિદો-મદરેસાઓ કે પછી મસ્જિદો-મદરેસાઓમાં ફેલાવાતા કટ્ટરવાદને કેમ અટકાવી ન શકાય?

હા, એટલી સાવચેતી જરૂર રાખવી પડે કે ૧૯૭૧માં વિજય પછી ૧૯૭૪માં ઈન્દિરા છકી ગયાં હતાં અને કટોકટી લાદી દીધી હતી. તો ૨૦૦૯માં બીજી મુદ્દત માટે ચૂંટાયા પછી કૉંગ્રેસના લોકો પણ અહંકારી બનીને વર્તી રહ્યા હતા. તેવું મોદી સરકાર માટે ન થવું જોઈએ.

You may also like

1 comment

કમલેશ મહેતા 20/05/2019 - 1:48 AM

સરસ લેખ છે
પણ મોદી સુધી વાત પહોચશે? ?

Reply

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.