Home » મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય!

મોદી, રામદેવ, કંગના…: હવે ‘ઑડ મેન આઉટ’ નહીં થાય!

by Jaywant Pandya

સબ હેડિંગ: ભારતમાં દરેક ક્ષેત્રમાં ‘ઑડ મેન આઉટ’ની ગેમ રમાઈ રહી છે. વર્ષોથી કબજો જમાવીને બેસી ગયેલા લિબરલો અને સેક્યુલરો ગેંગ બનાવીને હિન્દીભાષી, નાના શહેરની હિન્દુ સંસ્કૃતિમાં માનતી વ્યક્તિને ફગાવી દેતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ આ લડતને બળ આપ્યું છે. મોદી, રામદેવ બાબા, અર્નબ, કંગના રનૌત, સોનુ નિગમ વગેરે પોતપોતાના ક્ષેત્રમાં સ્થાપિત હિતોને ચેલેન્જ આપી રહ્યાં છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૫/૦૭/૨૦૨૦)

નરેન્દ્ર મોદી, સ્વામી રામદેવ, અર્નબ ગોસ્વામી, સુધીર ચૌધરી, સોનુ નિગમ, કંગના રનૌત અને સુશાંતસિંહ રાજપૂત આ લોકોમાં સામાન્ય બાબત શું છે?  આ લોકોમાં સામાન્ય વાત એ છે કે તેઓ પોતાના ક્ષેત્રમાં ‘ઑડ મેન’ છે. તેઓ સામાન્ય (એટલે કે તેઓ જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રની બહારના) પરિવારમાંથી આવે છે. અને પેલી રમત આવે છે ને ‘ઑડ મેન આઉટ’. આવી રમત તેમની સાથે રમાતી આવી છે.

દુર્ભાગ્યપૂર્ણ રીતે સુશાંતસિંહ આ રમતમાં ખરેખર આઉટ થઈ ગયો! સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, મૂકેશ ભટ્ટ, સ્વરા ભાસ્કર, કરીના કપૂર, સોનમ કપૂર, જાવેદ અખ્તર, શબાના આઝમી, ફરહાન અખ્તર, વગેરે સેક્યુલર ગેંગ તેમના આશયમાં સફળ થઈ ગઈ. ઉપરોક્ત લડવૈયાઓમાં બીજી એક સામાન્ય વાત જોવી હોય તો એ છે કે તેમણે પોતે જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રમાં વર્ષોથી સાપની જેમ કુંડાળું મારીને બેસી ગયેલાં સ્થાપિત હિતો વિરુદ્ધ બંડ પોકાર્યું છે. કોઈ એમ પણ કહેશે કે તેમણે પોતે જે ક્ષેત્રમાં છે ત્યાં જે સગાવાદના વિરુદ્ધ સ્વર બુલંદ કર્યો છે.

આ બધું તો છે જ પરંતુ ઉપરોક્ત લડવૈયાઓમાં સૌથી મોટી વાત એ છે કે આ બધાં લોકો ચટરપટર અંગ્રેજી બોલનારા નથી. આ લોકો કૉન્વેન્ટિયા કલ્ચરના નથી. આ લોકો કૉટ-શર્ટ-ટાઇ-પેન્ટવાળી સંસ્કૃતિના નથી (અહીં માત્ર શબ્દ પર ન જતાં સંસ્કૃતિ પર જજો). આ લોકો ‘હે ગાય્ઝ! વૉઝ અપ!’ કહીને ખભા ઉલાળીને બોલનારા નથી. અઘરુંઅઘરું અંગ્રેજી બોલનારા નથી. આ લોકો ક્રિસમસ મનાવતા નથી. આ લોકો ખોટા ઊભા કરાયેલા ફેમિનિઝમની વાત નથી કરતા પરંતુ સાચા અર્થમાં સશક્ત મહિલાઓના દાખલા બતાવી જાણે છે. નરેન્દ્ર મોદીએ મહિલા અનામતથી લઈને મેટિર્નિટી રજાઓ સુધી અનેક પગલાં મહિલાઓ સાચા અર્થમાં સશક્ત થાય તેવાં લીધાં છે. રામદેવ બાબાએ અનેક સ્ત્રીઓ પાસે ‘અલી મૌલા’ ગવડાવવાના બદલે તેમને યોગ કરતી કરી છે. કંગના રનૌત તો પોતે જ સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ છે. તે બિન્દાસ્ત છે. તેણે ફિલ્મોમાં ભૂમિકાઓ પણ એવી કરી છે અને જરૂર પડે નિર્દેશિકાની ખુરશીમાં પણ બેસીને ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મો બનાવી છે.

‘મણિકર્ણિકા’ની નાયિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે રીતે સ્થાપિત હિતોની સામે- અંગ્રેજોની સામે લડાઈ લડવા મેદાને પડ્યાં હતાં તેમ આ વીર યૌદ્ધાઓ પોતાના ક્ષેત્રની ખોટી સિસ્ટમ-સ્થાપિત હિતો સામે મેદાને છે. સુશાંત ભલે જીવતાજીવ ન લડી શક્યો પરંતુ તેની આત્મહત્યાએ આ લડાઈનું રણશિંગું ફૂંક્યું છે. તે પોતાની ફિલ્મો જોવા જાહેરમાં વિનંતી કરતો હતો, તેની સાથે યશરાજે કૉન્ટ્રાક્ટ કર્યો અને તે પૂરો ન કર્યો, કરણ જોહરે અને આલિયા ભટ્ટે તેની મજાક ઉડાવી. આલિયાએ તો (ભલે મજાકમાં) એમ પણ કહ્યું કે તે સુશાંતને મારી નાખવા માગે છે! સુશાંતની આત્મહત્યા બાબતે શિવસેનાએ ટાઢાં ઢોળતું નિવેદન આપી કરણ જોહર આણિ ગેંગની તરફદારી કરી છે એટલે આ આત્મહત્યામાં કોઈ તપાસ થાય તેવું જણાતું નથી (ભાજપ સરકાર હોત તો પણ થાત કે કેમ તે પ્રશ્ન છે કારણકે કરણ જોહરને પદ્મ શ્રી મોદી સરકારે જ આપ્યો છે). એટલે સુશાંતની હત્યા હતી કે આત્મહત્યા તે ક્યારેય જાણવા નહીં મળે પણ એક વાત ચોક્કસ છે. આ ફિલ્મ ઉદ્યોગે મહાન નહીં, તો પણ એક સારી પ્રતિભાની તો હત્યા કરી જ છે.

આવી તો અનેક પ્રતિભાઓ ઊગતાં વેંત આથમી જતી હશે. કોકિલ કંઠી ગાયિકા કહી શકાય તેવી શ્રેયા ઘોષાલ ક્યાં છે? અભિજીત ભટ્ટાચાર્યએ પાકિસ્તાની ગાયકો સામે અવાજ ઉઠાવ્યો એટલે તેને નાત બહાર કાઢી મૂકાયો. ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણની પાસે કેમ ગીતો નથી ગવડાવવામાં આવતાં? એક સમયે જાણીતા કે. કે., હરિહરનના અવાજ શું ખરાબ થઈ ગયા છે? હીરો તરીકે ૫૦ વર્ષથી ઉપરના લોકો ચાલી શકતા હોય તો ગાયકો કેમ નહીં? આલોકનાથને સંસ્કારી બાબુજી કહીને કેમ ટાર્ગેટ કરાયા? સૂરજ બડજાત્યાની ફિલ્મોને સમીક્ષકો ‘સંસ્કાર’ના નામે કેમ ઉતારી પાડે છે? ભલે ને પછી એ સુપર હિટ નિવડતી હોય. એકતા કપૂરે ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં કેમ સૂરજ બડજાત્યાની અને સંસ્કારી પરિવારની મજાક ઉડાવી હતી? (સુશાંતના કારણે આ મુદ્દો ભલે હમણાં ચગ્યો હોય, આ લેખક તો અનેક વર્ષોથી આ મુદ્દે લખતો આવ્યો છે, જેમાંના ઘણા લેખ તો ‘સંજોગ ન્યૂઝ’ની આ કૉલમમાં જ છે. બે લેખ હોલિવૂડ અને બોલિવૂડમાં અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ છે તેના પર લખેલા. આ સિવાયના અનેક લેખો મારી આ વેબસાઇટ jaywantpandya.com/ પર વાંચવા મળી જશે.)

આ પણ વાંચો: હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

આ પણ વાંચો: અમેરિકામાં લિબરલોની અસહિષ્ણુતા અને દાદાગીરી!

તમે જોજો કે ઉપરના લડવૈયાઓ સામે જે-જે ટોળીઓ છે તે પાશ્ચાત્ય વિચારસરણી ધરાવનારી લુટિયન ગેંગ અને ખાન માર્કેટ ગેંગ જેવી ગેંગો જ છે. તેમને વાંધો છે તો માત્ર સનાતન ધર્મ સામે. તેમને વાંધો છે તો માત્ર હિન્દી ભાષા સામે. તેમને વાંધો છે દેશી લોકો સામે. એક ચોક્કસ સ્ટાઇલથી બેસવું જોઈએ. એક ચોક્કસ સ્ટાઇલથી હસવું જોઈએ. માત્ર છરી-કાંટાથી જ જમવું જોઈએ. ડાઇનિંગ ટેબલ પર બેસીને જ જમાય. તેમને ‘રામાયણ’નું જ્ઞાન નથી અને તે જ્ઞાન નહીં હોવા માટે કોઈ શરમ પણ નથી પરંતુ શેક્સપિયરે કઈ કઈ નૉવેલ લખી છે તેનું જ્ઞાન હશે. દુષ્યંતકુમારે કઈ કવિતા લખી છે તે ખબર નહીં હોય, કબીર, રસખાન વગેરે વિશે માહિતી નહીં હોય પણ મિર્ઝા ગાલિબ, અમીર ખુશરો વગેરેની શૅર-શાયરીઓ-ગઝલો મોઢે હશે.

તેમને કરવા ચોથ, ચાંદલો, બંગડી વગેરે આઉટડેટેડ અને જૂનવાણી લાગશે પરંતુ બુરખો, ટોપી, ટૂંકો લેંઘો, ક્રૉસ, હૉલિ વૉટર નહીં લાગે. ઉત્તરાયણ, શિવરાત્રિ, શ્રાવણ, દિવાળી એ તેમને પર્યાવરણ વિરોધી તહેવારો લાગશે પરંતુ ઈદ પર તેઓ સવાયા મુસ્લિમની જેમ મુસ્લિમ પરિવેશમાં શુભકામના આપશે. સંસ્કૃત શબ્દો સામે તેમને વાંધો હશે, પણ મોહતરમા, ખવાતિનો હઝરાત, શબ્બા ખૈર, વગેરે શબ્દો શોખથી બોલશે અને તેમાં ‘ક’નો ઉચ્ચાર ‘ક’ અને ‘ખ’ વચ્ચે ગળામાંથી કરવાનો હશે, ‘ગ’નો ઉચ્ચાર ‘ગ’ અને ‘ઘ’ વચ્ચેનો કરવાનો હશે તો કરશે. તેના અંગ્રેજી સ્પેલિંગમાં પણ (કભી ખુશી કભી ગમના સ્પેલિંગમાં Gam અથવા Gumના બદલે Gham છે) બરાબર એ જ રીતની ચોકસાઈ રાખશે પરંતુ જો સંસ્કૃત કે શુદ્ધ હિન્દીવાળા શબ્દો હશે તો રામનું રામા, યોગનું યોગા, પાંડવનું પાંડવા આ રીતે કરશે. તેના અંગ્રેજી ટ્રાન્સલિટરેટેડ સ્પેલિંગ પણ ખોટા લખાશે.

આટલું કહ્યા પછી બીજી એક વાત. આ બધી વાતથી કરણ જોહર, આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ વગેરેની ટેલન્ટ ઓછી નથી થઈ જતી. એ વાત પણ સાચી છે કે નેપોટિઝમની આ દુનિયા ભલે હોય, પણ ઉદય ચોપરા, અભિષેક બચ્ચન, તુષાર કપૂર, તનીષા મુખર્જી, શાહિન (સાયરાબાનોની ભત્રીજી) જેવાં કલાકારોને તક અવશ્ય મળી છે પરંતુ તેઓ નથી ચાલ્યા તો ફેંકાઈ પણ ગયાં છે. ( સાથે એ વાત પણ એટલી જ ખરી કે તેમને આટલી બધી તક મળી તે તેમના સ્ટાર સંતાનો હોવાના કારણે જ મળી. સ્ટાર પરિવારના બહારના લોકોને આટલી બધી તક મળે ખરી?) કરણ જોહરની ફિલ્મ એવૉર્ડના શૉમાં એન્કરિંગમાં અશ્લીલ જૉક, બીજાના અપમાન વગેરેને સ્વીકારવાની સાથે એ પણ કહી શકાય કે તે માત્ર નિર્દેશક તરીકે જ નહીં, પરંતુ નિર્માતા તરીકે, શૉ હૉસ્ટ, જજ તરીકે સફળ રહ્યો છે. તે ડાન્સ પણ સારો કરી જાણે છે. આલિયા ભટ્ટ અભિનયમાં અને નૃત્ય બંનેમાં માધુરી દીક્ષિતની યાદ અપાવે છે. મહેશ ભટ્ટનું હિન્દુ વિરોધી સ્ટેન્ડ છે અને તેના માટે તેની ટીકા થવી જ જોઈએ પરંતુ તેમણે ‘સારાંશ’, ‘અર્થ’, ‘નામ’, ‘જનમ’, ‘ડેડી’, ‘દિલ હૈ કિ માનતા નહીં’ જેવી સારી ફિલ્મો પણ બનાવી છે. ભલે, પાકિસ્તાનમાંથી કૉપી કરાયેલાં હોય, પરંતુ તેમની ફિલ્મોનાં ગીતો યાદગાર રહ્યાં છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પહેલાં પણ છાવણીઓ હતી. બૉમ્બે ટૉકિઝ, રણજીત મૂવીટૉન, ફિલ્મીસ્તાન, પ્રભાત પિક્ચર્સ, ન્યૂ થિયેટર્સ વગેરે સ્ટુડિયોઝ એક પ્રકારના કેમ્પ જ હતાં. ‘મોગલ-એ-આઝમ’માં મહારાણી જોધાની ભૂમિકા કરનાર જાજરમાન અભિનેત્રી દુર્ગા ખોટેએ હિંમત દાખવી સ્ટુડિયો સિસ્ટમને ફગાવી દીધી હતી. તે વખતે કોઈ કલાકાર એક સ્ટુડિયો (એટલે કે કંપની- તે વખતે આ કંપની તેમના સ્ટુડિયોના નામે જાણીતી હતી)માં કામ કરતો હોય તો બીજા સ્ટુડિયોની ફિલ્મમાં કામ કરી શકતો નહીં. દુર્ગા ખોટેએ સૌથી પહેલો વિરોધ કર્યો અને પ્રભાતમાં કામ કરતાં, ન્યૂ થિયેટર્સની ‘રાજરાની મીરા’ (૧૯૩૩) અને ‘સીતા’ (૧૯૩૪) કરી. તેમના કારણે પરિવર્તન એ આવ્યું કે સ્ટુડિયો માટે માસિક પગાર પર કામ કરવાનું ચલણ ૧૯૪૦માં સમાપ્ત થયું! લતા મંગેશકરે ગાયકોને રૉયલ્ટીના મુદ્દે લડત આપી હતી. લતાજીએ તો નૂરજહાં, શમશાદ બેગમ, સુરૈયા જેવાં ગાયિકાઓના જાડાં અને નાકમાંથી અવાજ સામે પાતળા અને મધુર અવાજે ગીત ગાવાની સિસ્ટમ પણ સ્થાપિત કરી. તેમણે દિલીપકુમારનો એ ભ્રમ પણ તોડ્યો કે મરાઠી હોવાથી તેઓ ઉર્દૂ શબ્દોના ઉચ્ચારણ બરાબર નહીં કરી શકે!

કહેવાનો અર્થ એ છે કે સમાન વિચારવાળા (અને તે કરતાંય એકબીજાનો સ્વાર્થપૂરક હિતવાળાં- કેમ કે સમાન વિચારવાળા લોકો વચ્ચે પણ ટાંટિયા ખેંચ હોઈ શકે છે) લોકો હોય એટલે એક જૂથ બનવાનું જ. અને એ માત્ર માનવનો જ નહીં, પ્રાણીઓનો પણ સ્વભાવ છે કે તે બહારની વ્યક્તિ આવે એટલે તેનો વિરોધ કરે. જો બહારની વ્યક્તિ નબળી હોય તો તે ભાગી જશે, પરંતુ બળુકી હશે તો તે ટકી જશે. આમાં પાછા બે રસ્તા છે. એક- બહારની વ્યક્તિ સ્થાપિત સમુદાયની સંસ્કૃતિ, સિદ્ધાંતો, અને તેઓ જે રીતે પ્રિય થાય તે રીત-રિવાજો સ્વીકારી લે. બીજો રસ્તો છે તે પોતાની શક્તિ બતાવીને પોતાનો સમુદાય સ્થાપિત કરે. શાહરુખ ખાન આમ જુઓ તો બહારની જ વ્યક્તિ. પરંતુ થિયેટર અને ટીવીમાંથી આવતો હોવાથી તેને તક મળી. પરંતુ તેની સામે આમીર ખાન અને સલમાન ખાન જેવા ફિલ્મ કિડ્ઝ (સ્ટાર સંતાન) હતા. શાહરુખે યશ ચોપરા, સુભાષ ઘઈ વગેરે નિર્દેશકોની આંગળી પકડી અને સમય આવે કરણ જોહર, જાવેદ અખ્તર, ફરાહ ખાન, આદિત્ય ચોપરા સાથે પોતાની ગેંગ ઊભી કરી. આ ગેંગ અજય દેવગન (‘જબતક હૈ જાન’ અને ‘સન ઑફ સરદારની ટક્કર યાદ કરો), સંજય લીલા ભણશાળી (‘ઓમ્ શાંતિ ઓમ્’ અને ‘સાંવરિયા’ની ટક્કર યાદ કરો, એક સમયે શાહરુખે અમિતાભ-અમરસિંહની સામે કરેલી વાયડાટી યાદ કરો) હોય, મનોજકુમાર હોય જેવા અનેક વિરોધીઓને કેવી ઉતારતા હતા તે ખબર છે પરંતુ ૨૦૧૦ પછી શાહરુખ ખાનની વધુ પડતી વાયડાટી, એકસરખા અભિનયવાળી ફ્લૉપ ફિલ્મોના કારણે શાહરુખ ફેંકાવા લાગ્યો અને સલમાન ખાનનો મજબૂત કેમ્પ બન્યો જેમાં હિમેશ રેશમિયા, સાજિદ-વાજિદ, સોનાક્ષી સિંહા, જેક્વેલીન ફર્નાન્ડિઝ, કેટરીના કૈફ વગેરે આવ્યાં.શાહરુખ-સલમાન-સૈફ અલી ગેંગ પાછી અક્ષયકુમાર-અજય દેવગન-ઋત્વિક રોશન-નીલ નીતિન મૂકેશ, સુશાંતસિંહ રાજપૂત-અરિજિતસિંહ સામે એક સંપ! ફિલ્મી એવૉર્ડ શો તો તેમના પિતાશ્રીના! તેમાં આખી ઇન્ડસ્ટ્રી સામે તેમનું અપમાન કરતી સ્ક્રિપ્ટ ભજવે. સામાન્ય રીતે દલિતો કે મુસ્લિમોની જાતિ કે પંથ પૂછાય તો એટ્રૉસિટી કે લઘુમતી અત્યાચારનો આક્ષેપ લાગે પણ શાહરુખ-સૈફ નીલ નીતિન મૂકેશની અટક પૂછે તો આવો કોઈ આક્ષેપ ન લાગી શકે!

બાબા રામદેવના પણ આ જ પ્રકારના આક્ષેપો છે. શું આ દેશમાં યોગ, આયુર્વેદ ભારતીય સંસ્કૃતિની વાત કરવી, ભગવા કપડાં પહેરવાં ગુનો છે? શું હાઇડ્રૉક્સિ ક્લૉરો ક્વીન, રેમ્ડેસિવિર વગેરે કોરોના માટે અસરકારક સાબિત થયેલી છે? હજુ તો ટ્રાયલ ચાલી રહ્યાં છે. તો પછી રામદેવ બાબાનો તો દાવો છે કે તેમણે એલોપેથિક મેડિકલ સિદ્ધાંતો પ્રમાણે ટ્રાયલ કરેલાં છે. તેને ચકાસવા જોઈએ પરંતુ તે પહેલાં જ તેમને નકારી કાઢવાં, તેમની એક આંખ ફડકતી હોવાના કારણે તેમની મિમિક્રી કરવી ( એ તો તેઓ પતંજલિ દવા અને અન્ય ચીજોના વેપારમાં મોટા પાયે આવ્યા તે પહેલાં શરૂ થઈ ગયેલી કારણ એ હતું કે તેઓ ભગવાધારી સંત હતા અને યોગ મફતમાં શીખવાડતા. શહેરે શહેરે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરતા). શું મધર ટેરેસાની કોઈ કાર્યક્રમમાં મિમિક્રી ભારતમાં ક્યારેય કરાઈ છે? મધર ટેરેસાને સૅન્ટહુડનો દરજ્જો તેઓ સ્પર્શથી દર્દીને સાજા કરી દેતા હોવાની કિવદંતીના આધારે અપાયો તેની ટીકા કરાઈ છે?

ભારતમાં દરેક ક્ષેત્રમાં હિન્દુ વિરોધી સ્થાપિત હિતોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે…હજુ ઘણું બહાર આવશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Natoo Patel 05/07/2020 - 10:55 AM

This kind of nepotism based on casteism, regionalism, institutionalism and many more is prevalent in all sectors. New trend surfacing is that people tries to bow down and isolate “deserving” person by groupism of midiocres and non performers anyhow climb to a top of ladder. E.g. In Scientific organisation, Gujaratis are in minority so they are quite often ignored for leadership

Reply
Prasad jambhekar 05/07/2020 - 4:43 PM

Fantastic and extraordinary article as usal

Reply

Leave a Comment