Home » વિચારોનો પડઘો?

વિચારોનો પડઘો?

by Jaywant Pandya

જયવંતની જે બ્બાત

ભાવનગરના જાણીતા ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં જાહેરખબર આવેલી. દેશ-વિદેશના સમાચાર માટે અનુવાદક જોઈએ છે. તે વખતે હું એમસીએ કરતો હતો. પણ આ કામ પાર્ટટાઇમ હોઈને અરજી કરેલી. જોકે એ સ્વીકારાવાની નહોતી જ કારણકે અનુવાદક તરીકે બીએ વિથ ઇંગ્લિશની ડીગ્રી હોવી જરૂરી હતી. જ્યારે મારે બી.એસ.સી.ની હતી અને એમ.સી.એ. ચાલુ હતું. આમ જુઓ તો ભાષા સાથે કંઈ લાગે વળગે નહીં. પણ ભાષા પર પકડ સારી. કારણકે તે વખતે વિકાસ વર્તુળ ટ્રસ્ટના ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’માં મારી કૉલમ વિદેશ શિક્ષણ ઑલરેડી ચાલુ હતી જેમાં માહિતીનો આધાર લેવા માટે અંગ્રેજી સારું હોય તો જ લખી શકાય, કારણકે રશિયામાં મેડિકલ અભ્યાસ વગેરેની માહિતી તો અંગ્રેજીમાં જ હોય ને. તે પછી તો ચક્ર થોડા સમયમાં જ ફર્યું. સૌરાષ્ટ્ર સમાચારમાં પૂર્તિ સંપાદક શ્રી ઉમેશભાઈ શાહે રવિવારની ફિલ્મની કૉલમ સાથે પૂર્તિ સહસંપાદક તરીકે પાર્ટ ટાઇમ નોકરીની ઑફર કરી , સાથે એમસીએ કરતો હોઈ પેજ સેટિંગ માટે પણ પાર્ટટાઇમ કહ્યું. અને તે વખતે મેનેજિંગ તંત્રી શ્રી દીપકભાઈ શાહે મારા સર્વોત્તમ કારકિર્દીના લેખો જોઈને કહ્યું કે જયવંતભાઈને પૂર્તિમાં તો રાખીએ જ, પણ સાથે પેજ સેટિંગના બદલે પીટીઆઈ (તે વખતે મુખ્યત્વે પીટીઆઈના ટેલિપ્રિન્ટર પર ઉતરતા સમાચારોનો અનુવાદ કરવાનો રહેતો હોઈ દેશવિદેશના સમાચારોના વિભાગને પીટીઆઈ કહેવાતો)માં રાખીએ. આમ, મારી પાસે ન તો પત્રકારત્વની ડીગ્રી હતી, ન તો બીએ વિથ ઇંગ્લિશની. તેમ છતાં મને એ જ કામ મળી ગયું જે મારી અરજી પરથી મને નહોતું મળ્યું. આ જ અનુભવના આધારે ૮ જૂન ૨૦૧૯ના ‘સાધના’ સાપ્તાહિકમાં મારો નોકરીમાં ડીગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને હવે વધુ મહત્ત્વનો લેખ પ્રસિદ્ધ થયો. ગૂગલ, અલીબાબા જેવી કંપની હવે ઘણી નોકરીમાં ડીગ્રી કરતાં કૌશલ્ય ને વધુ મહત્ત્વ આપે છે તેના પર મારો લેખ હતો. યોગાનુયોગ (વિચારોનો પડઘો?) ગઈ કાલે એક સમાચાર આવ્યા કે મોદી સરકાર પરિવહન વાહનો (ટ્રાન્સ્પૉર્ટ વીહિકલ)માં ડ્રાઇવર માટે જરૂરી લઘુતમ શૈક્ષણિક લાયકાત કાઢી નાખવા નિર્ણય કર્યો છે. www.business-standard.com/article/news-ani/govt-to-remove-minimum-educational-qualification-rule-required-to-obtain-driving-license-119061900107_1.html વિચારો! ઘણા લોકોને સારું ડ્રાઇવિંગ આવડતું હોય છે. પરંતુ માત્ર ભણતર ન હોવાના કારણે ઘણી વાર તેમને રોજગારીથી વંચિત રહેવું પડે છે. આવાં તો કેટલાંય કામો હશે. અમારા પત્રકારત્વમાં પણ ઘણા ડીગ્રીધારકોને સાચા બે વાક્યો લખતાય નથી આવડતા હોતા. નાગરિકશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. પરંતુ હવે પત્રકારત્વમાં પણ ડીગ્રીને કૉર્પોરેટ મીડિયા જરૂરી માનવા લાગ્યું છે. ભલું થજો, આવા મીડિયાનું.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment