Home » બોડોલેન્ડ અને બ્રુ-રિયાંગ સમસ્યાનો અંત: ઉલ્ફાનો એપ્રિલમાં સંભવ

બોડોલેન્ડ અને બ્રુ-રિયાંગ સમસ્યાનો અંત: ઉલ્ફાનો એપ્રિલમાં સંભવ

by Jaywant Pandya

સબ હેડિંગ: મિડિયામાં કાશ્મીરી પંડિતોના નરસંહારને ૩૦ વર્ષે સ્થાન મળ્યું તેમ ‘યુરેશિયન ટાઇમ્સે’ લખ્યું. કાશ્મીરી પંડિતોની આવી સ્થિતિ હોય તો ૨૩ વર્ષથી શરણાર્થી તરીકે રહેતા મિઝોરમના બ્રુ-રિયાંગ આદિવાસીઓની પીડાને કોણ બતાવવાનું હતું? પરંતુ કેન્દ્ર સરકારે મિઝોરમ અને ત્રિપુરા સરકારો સાથે મળીને આ સમસ્યા ઉકેલી. એટલું જ નહીં, બોડોલેન્ડની ૫૦ વર્ષ જૂની સમસ્યાનો પણ અંત લાવ્યો છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૨/૦૨/૨૦૨૦)

કેટલીક બાબતો એવી હોય કે જેમાં સારા અને દેશહિતના નિર્ણયો લેવાય ત્યારે તમારે નિર્ણય લેનાર પક્ષના સમર્થનમાં ઊભા જ રહેવું જોઈએ. કલમ ૩૭૦ દૂર થતી હોય ત્યારે તેનો વિરોધ કરવો કેટલો વાજબી? ત્રિતલાકને ગેરકાયદે ઠરાવાતો હોય ત્યારે તેનો વિરોધ કેટલો વાજબી? અને આ જ રીતે જ્યારે શરજીલ ઈમામ જેવા (વિડિયોના આધારે) હળાહળ દેશદ્રોહી લાગતા વ્યક્તિ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મુસ્લિમોને આસામને ભારતથી અલગ કરવાની વાત કરતા હોય એવા જ સમયે આસામના બોડો સમૂહો સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા!

ભારત સરકારે આસામ સરકાર, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડ (એનડીએફબી) અને બોડો વિદ્યાર્થીઓના સમૂહ ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન સાથે ત્રિપક્ષીય સમજૂતી કરી. આ સમજૂતીથી હવે અલગ બોડોલેન્ડ રાજ્ય બનાવવાની માગણી પડતી મૂકાઈ છે. આના લીધે ૫૦ વર્ષ જૂનો વિવાદ સમાપ્ત થયો જેમાં અત્યાર સુધી ૨,૮૦૦ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

સામાન્ય રીતે એક જવાન ત્રાસવાદીના હાથે વીરગતિ પ્રાપ્ત કરે તો આપણે ત્યાં મોટા સમાચાર બનતા હોય છે પરંતુ એક નક્સલી કે ત્રાસવાદી મરાય ત્યારે એટલી જ કૉલમના સમાચાર નથી બનતા હોતા. એમાંય જ્યારે નક્સલીઓ કે ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારી હથિયારો હેઠાં મૂકે ત્યારે તો તેનું મહત્ત્વ સાવ ઘટી જતું હોય છે. ૨૩ જાન્યુઆરીએ આવા જ એક મોટા સમાચાર આસામથી જ આવ્યા જેના પ્રત્યે સ્વાભાવિક જ મિડિયાએ આંખ આડા કાન કર્યા. આ સમાચાર હતા કે આસામમાં આઠ ત્રાસવાદી સમૂહના ૬૪૪ ત્રાસવાદીઓએ હથિયારો સાથે ગુવાહાટીમાં આત્મસમર્પણ કર્યું.

જે ત્રાસવાદી સમૂહોના ત્રાસવાદીઓએ આત્મસમર્પણ કર્યું તેમાં ઉપરોક્ત એનડીએફબી, ઉલ્ફા, રાભા નેશનલ લિબરેશન ફ્રન્ટ (આરએનએલએફ), કમતાપુર લિબરેશન ઑર્ગેનાઇઝેશન (કેએલઓ), સીપીઆઈ (માઓઇસ્ટ), નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ બંગાલી (એનએલએફબી)નો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૧૫માં મ્યાનમારમાં સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પછી ઉલ્ફાની પણ ખરાબ સ્થિતિ છે. મ્યાનમારમાં તેમને શરણ મળતું હતું પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક પછી મ્યાનમારની સેના પણ દે ધનાધન કરવા લાગી છે અને તેમના શિબિરોને ઉખાડી ફેંકવા લાગી છે. એવા સમાચાર પણ છે કે એપ્રિલમાં ઉલ્ફાનો ભાગેડુ સેનાપતિ પરેશ બરુઆ ભારત આવીને શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. બરુઆએ ગુવાહાટીની એક સ્થાનિક સમાચાર ચેનલને ઇન્ટરવ્યૂમાં મંત્રણા માટે તે તૈયાર હોવાનું જણાવ્યું છે. શક્યતા એવી છે કે મોદી સરકાર આસામના નવા વર્ષ રોંગલી બિહુની આસામને ભેટ આપી શકે છે.

મોદી સરકારનું ધ્યાન જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઈશાન ભારત પર બરાબર છે. વડા પ્રધાન બનતા વેંત નરેન્દ્રભાઈએ દિલ્લીની બહાર જે મોટા કાર્યક્રમો યોજવાના શરૂ કર્યા તેમાંનો નવેમ્બર ૨૦૧૪નો એક કાર્યક્રમ પોલીસ વડાઓની પરિષદનો હતો જે આસામમાં યોજાયો હતો. મોદીજીની ‘મન કી બાત’માં ઈશાન ભારતનો ઉલ્લેખ અવારનવાર થતો હોય છે. ઑગસ્ટમાં ‘મન કી બાત’માં તેમણે લોકોને ઈશાન ભારત અને ઉત્તરાખંડના પ્રવાસે જવા અનુરોધ કર્યો હતો. તો નવેમ્બરમાં ‘મન કી બાત’માં તેમણે આસામમાં બ્રહ્મપુત્રા નદીના કાંઠે આયોજિત એક અનોખા ઉત્સવની વાત કરી. આ ઉત્સવ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા.

આ ઉત્સવનું નામ છે પુષ્કરમ્. તેને તેલુગુમાં પુષ્કરાહુ અને કન્નડમાં પુષ્કરા કહે છે. આ ઉત્સવ ભારતમાં ૧૨ મુખ્ય પવિત્ર નદીઓના કાંઠે ઉજવાય છે. આ બાર નદીઓ છે- ગંગા, નર્મદા, સરસ્વતી, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ભીમા, તાપ્તી, તુંગભદ્રા, સિંધુ અને પ્રણહિતા. મહા કુંભની જેમ જ આ ઉત્સવ પણ ૧૨ વર્ષે એક વાર દર નદીના કાંઠે ઉજવાય છે. આનાથી મોટો મહાપુષ્કરાલુ ઉત્સવ છે જે ૧૪૪ વર્ષે યોજાય છે! (૧૨નો વર્ગ ગણો તો?) જે રીતે મહા કુંભ બૃહસ્પતિ (એટલે કે ગુરુ) ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉજવાય છે તે જ રીતે પુષ્કરમ્ ઉત્સવ બૃહસ્પતિ રાશિ બદલે તેની સાથે યોજાતો ઉત્સવ છે. આપણી સંસ્કૃતિ, આપણું જીવન નદીઓ સાથે જોડાયેલું છે. આથી જ હિન્દુ ધર્મમાં નદીને માતા કહેવાય છે. આનું મહત્ત્વ તેમજ રાષ્ટ્રીય એકતા માટે આ પ્રકારના ઉત્સવો ઉજવવાની શરૂઆત થઈ હશે તેમ કહી શકાય.

સૈફ અલી ખાન જેવા લોકો અંગ્રેજોએ જે શિક્ષણ પદ્ધતિ નાખી અને તેમનું જે વર્તુળ છે તેના લીધે ‘તાનાજી’ (તાન્હાજી ખોટો સ્પેલિંગ છે)માં કામ કરી, પૈસા લઈ લીધા પછી પોતાના સેક્યુલર-લિબરલ વર્તુળમાં ‘સૅફ’ રહેવા ભલે એમ કહે કે ભારત દેશ બ્રિટિશરો પહેલાં હતો જ નહીં, પરંતુ મહા કુંભ અને પુષ્કરમ્ જેવા ઉત્સવો બતાવે છે કે આ ઉત્સવો સમગ્ર ભારતને જોડતી કડી હતા. વિષ્ણુ પુરાણ તો તેના કરતાં પણ પ્રાચીન છે જેમાં ભૂગોળ અને ચંદ્ર સહિત ખગોળ વિજ્ઞાનની વાતો છે. તેમાં કહેવાયું છે:

उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।

वर्षं तद् भारतं नाम भारती यत्र सन्ततिः ।।

(વિષ્ણુ પુરાણ, અધ્યાય ૩, શ્લોક ૧)

સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયના દક્ષિણમાં જે ભૂમિ છે તેનું નામ ભારત છે અને તેની પ્રજા (પ્રજાનો પર્યાયવાચી સંતતિ પણ છે) ભારતી (ભારતીય) છે.

પરંતુ હવે આપણે ત્યાં મિડિયામાં વેલેન્ટાઇન્સ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, અને હવે હેલોવીનને એટલું મહત્ત્વ મળવા લાગ્યું છે કે આવા ઉત્સવોની નોંધ પણ લેવાતી નથી. (હવે તો ગુજરાતી વ્રત-તહેવારો પણ મિડિયામાં ભૂલાવા લાગ્યા છે. પોષી પૂનમ ભાઈ-બહેનનો તહેવાર પણ છે તેની વાત કેટલા મિડિયામાં આવી?) આના લીધે લોકો પણ ધીમેધીમે આપણા તહેવારો ભૂલવા લાગ્યા છે.

તો, મોદીજીએ ‘મન કી બાત’માં પુષ્કરમ્ ઉત્સવની વાત કરી અને આસામના લોકોએ શ્રદ્ધાળુઓનું જે આતિથ્ય કર્યું તેની પ્રશંસા કરી હતી. તો ૨૦૨૦ની પ્રથમ ‘મન કી બાત’માં તેમણે આસામમાં ‘ખેલો ઇન્ડિયા’ના આયોજનની પ્રશંસા કરી. ક્રિકેટ સિવાયની રમતોને પ્રાધાન્ય અને રમતવીરોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં જેમ તેમણે ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કર્યો (જોકે અધિકારીઓની ગરબડના કારણે રમતવીરોને જેટલો લાભ મળવો જોઈએ તેટલો મળતો નથી) તે જ રીતે દેશમાં વર્ષ ૨૦૧૮માં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનો પ્રારંભ કર્યો. ૨૦૧૮માં તે દિલ્લીમાં, ૨૦૧૯માં તે પૂણેમાં અને ૨૦૨૦માં તે ગુવાહાટીમાં યોજાઈ હતી. ભારતીય ક્રિકેટની સિદ્ધિની તો બધાએ મોટા પાયે નોંધ લીધી અને વિરાટ કોહલી સહિત ભારતીય ક્રિકેટરોની નાનામાં નાની નોંધ મિડિયામાં લેવાય છે જેમાં સંજય માંજરેકર અને રવીન્દ્ર જાડેજાના ટ્વિટર ઝઘડા પણ હોય છે, પરંતુ ગુવાહાટીમાં આયોજિત આ ખેલો ઇન્ડિયામાં ૮૦ વિક્રમો તૂટ્યા, તેમાં ૫૬ વિક્રમો તો કન્યા ખેલાડીઓએ તોડ્યા તેની નોંધ ન લેવાઈ. સૌથી મોખરે મહારાષ્ટ્ર અને તે પછી હરિયાણા રહ્યું.

પરંતુ ગુજરાતની રીતે પણ હર્ષની વાત તો એ બની કે હરિયાણા જે કુશ્તી વગેરે રમતોની રીતે સૌથી મોખરે હોય છે તેને તરુણોની અંડર-૨૧ વૉલિબૉલ સ્પર્ધામાં ગુજરાતા તરુણોએ હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો. (આપણા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પણ કદાચ ધ્યાનમાં હોય તેમ લાગતું નથી કારણકે તેમણે અભિનંદન પાઠવ્યા નથી!)

ઈશાન ભારતની વાત પર પાછા ફરીએ. બીજા એક સૌથી મોટા સમાચાર જેની નોંધ સીએએની લપમાં મિડિયામાં લેવાની રહી ગઈ અથવા ઓછી લેવાઈ તે છે બ્રૂ રિયાંગ શરણાર્થીઓની સમસ્યાનો અંત. હવે દેશમાં વાતાવરણ બદલાતાં ૩૦ વર્ષે હવે કાશ્મીરના કાશ્મીરી હિન્દુઓને જે રીતે યાતનાપૂર્વક નરસંહાર કરીને ખદેડી મૂકાયા અને રાતોરાત પોતાના જ દેશની ભૂમિ પર શરણાર્થી બની જવું પડેલું તે હવે મિડિયામાં આવવા લાગ્યું છે. તેના પર ‘મુદ્દા ૩૭૦’ અને ‘શિકારા’ જેવી ફિલ્મો બનવા લાગી છે. અલબત્ત, વિધુ વિનોદ ચોપડા પોતે પણ કાશ્મીરમાં આ જેહાદી માનસિકતાવાળાઓથી પીડિત છે અને તેમણે તેમની માતા સાથે કાશ્મીરમાંથી ભાગવું પડ્યું હતું, પરંતુ તેઓ ‘શિકારા’ને પ્રમૉટ કરવા એમ કહે કે હિન્દુઓ અને મુસ્લિમોએ એકબીજાને ‘સૉરી’ કહી દેવું જોઈએ અને એમ પણ કહે કે ‘આ એવું છે કે બે મિત્રો વચ્ચે મામૂલી ઝઘડો થયો પરંતુ તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને ૩૦ વર્ષ પછી તેઓ કહે કે ભૂલી જાવ.’ શું વિધુજી આ મામૂલી ઝઘડો હતો અને આ દ્વિપક્ષીય ઝઘડો હતો? જે પોતે ભુક્તભોગી હોય તે આવી વાત કરે? જોકે વિધુએ કેટલીક ખૂબ જ અદ્ભુત ફિલ્મો બનાવી છે પરંતુ સાથે તાજેતરમાં હિન્દુ ધર્મને ઉતારી પાડતી ‘પીકે’ અને સંજય દત્તને ગ્લૉરિફાય કરતી ‘સંજુ’ પણ બનાવી છે તે ભૂલવું ન જોઈએ. વળી, ‘શિકારા’ના એક લેખક રાહુલ પંડિતે ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’માં પણ સેક્યુલર બેલેન્સિંગનો પ્રયાસ કર્યો છે તેથી ‘શિકારા’માં પણ આવું હશે જ.

‘યુરેશિયન ટાઇમ્સ’માં ૧૫ જાન્યુઆરીએ પ્રસિદ્ધ એક લેખનું મથાળું જ સૂચક છે જેનો ગુજરાતી ભાવાનુવાદ આવો છે: ભારતીય મિડિયા ૩૦ વર્ષ પછી જાગ્યું અને કાશ્મીરી પંડિતોના નરસંહારની વાત કરી!

કાશ્મીરી પંડિતોની આવી સ્થિતિ હોય તો પછી બ્રુ-રિયાંગ શરણાર્થીઓની તો વાત જ શું કરવી? રિયાંગ જે ‘બ્રુ’ના નામે પણ ઓળખાય છે તેમને ૨૩ વર્ષ જે શરણાર્થી તરીકે પોતાના દેશમાં જ રહેવું પડ્યું હોય તેમની વાત તો ક્યાંથી આવે? શાહીનબાગમાં બાળક સાથે કડકડતી ઠંડીમાં કેવી રીતે મુસ્લિમ સ્ત્રી સીએએનો વિરોધ કરે છે, ૩૭૦ હટાવ્યા પછી મોબાઇલ સેવા બંધ થવાથી ત્યાંના મુસ્લિમોને કેવી તકલીફ પડી રહી છે તેની રોજેરોજ સ્ટોરી પહેલા પાંચ મુખ્ય સમાચારમાં છાપતા/બતાવતા અંગ્રેજી કે હિન્દી સેક્યુલર મિડિયાએ ક્યારેય આ બ્રુ-રિયાંગ આદિવાસી લોકો શરણાર્થી તરીકે કેવી રીતે રહે છે તે બતાવ્યું? ૧૯૯૭માં મિઝો સાથે વંશીય સંઘર્ષના કારણે આ ૩૭,૦૦૦થી વધુ બ્રુ-રિયાંગ લોકોને મિઝોરમના મામીત, કોલાસીબ અને લુંગલેઇ જિલ્લાઓમાંથી નાસીને ત્રિપુરા આવવું પડ્યું.

ત્યારથી તેઓ ત્રિપુરામાં છ રાહત છાવણીમાં રહેતા હતા. ૨૦૦૯થી મિઝો સરકાર તેમને પુનઃ વસાવવા પ્રયાસ કરતી હતી પરંતુ સુરક્ષાના કારણથી અને કેન્દ્રના અપૂરતા રાહત પેકેજના કારણે તેઓ ઈનકાર કરતા રહ્યા હતા. ૨૦૧૮માં સરકારે તેમને મિઝોરમ પાછા ફરવા પેકેજ ઑફર કરી હતી પરંતુ માત્ર ૩૨૮ પરિવારો જ મિઝોરમ પાછા ફર્યા હતા. પરંતુ હવે અમિત શાહે તેમને ૬૦૦ કરોડના પેકેજની ઑફર કરી જેના માટે તેઓ સંમત પણ થયા. આ શક્ય બન્યું તેનું એક કારણ એ પણ હતું કે મિઝોરમ અને ત્રિપુરા બંનેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની સરકારો ત્યાં છે. આ પેકેજમાં દરેક પરિવારને રૂ. ચાર લાખની એફ.ડી., ૪૦ x ૩૦ ફીટનો નિવાસી પ્લૉટ, ઘર બનાવવા રૂ. ૧.૫ લાખની સહાય, દર મહિને રૂ. ૫,૦૦૦ બે વર્ષ સુધી, બે વર્ષ સુધી નિઃશુલ્ક રેશન અપાશે.

દરમિયાનમાં, બીજા એક ખુશખબર પણ છે. પાકિસ્તાનમાં ખાલિસ્તાની ત્રાસવાદી હરમીતસિંહ ઉર્ફે હેપ્પી પીએચડી ત્યાંની સ્થાનિક ટોળી દ્વારા મરાયો છે! આ ત્રાસવાદી ડ્રગ્ઝના ધંધામાં સંડોવાયેલો હતો. ઉપરાંત આરએસએસ નેતા સહિત અનેક હિન્દુ નેતાઓની હત્યામાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત તાજેતરમાં બેંગ્લુરુમાંથી ખાલિસ્તાની ત્રાસવાદી જર્નૈલસિંહ પણ પકડાયો છે જે પંજાબમાં વાંછિત (વૉન્ટેડ) હતો! ઠીક છે, આવા સમાચારોની નોંધ થોડી લેવાની હોય? જ્યારે મોટા હત્યાકાંડ કે બૉમ્બ ધડાકાઓ થાય ત્યારે જ મોટાં મથાળાં બાંધવાનાં હોય અને ટીવી પર ઊંચા અવાજે બરાડા પાડવાના હોય ને!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment