Home » ફ્રાન્સના ચર્ચમાં લાખો બાળકોનું જાતીય શોષણ!

ફ્રાન્સના ચર્ચમાં લાખો બાળકોનું જાતીય શોષણ!

by Jaywant Pandya

સબ હેડિંગ: ફ્રાન્સના કેથોલિક ચર્ચમાં ૩.૩ લાખ બાળકોના જાતીય શોષણના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. થોડા મહિના પહેલાં કેનેડામાં એક ખ્રિસ્તી શાળામાંથી ૨૧૫ આદિવાસી બાળકોના અવશેષો મળી આવ્યા હતા. સ્વામિનારાયણના કોઈ કહેવાતા સાધુનું પાપ બહાર આવે ત્યારે બૂમરાણ મચાવતું મિડિયા આ મુદ્દે જોકે મૌન છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૧૦/૨૦૨૧)

“હું જાણે નરકની યાતનામાંથી પસાર થયો હતો.”

આ શબ્દો છે ક્રિશ્ચિયન ડુબ્રેઉઇલના. કેવી નરકની યાતના? તે જ્યારે ૧૧ વર્ષનો જ હતો ત્યારે ફ્રાન્સના કેથોલિક ચર્ચમાં તેનું યૌન શોષણ થયું હતું. ક્રિશ્ચિયન ડુબ્રેઉઇલે કહ્યું કે “તેઓ (શોષણકર્તા ખ્રિસ્તી પંથગુરુઓ) હજુ પણ આ વાત સ્વીકારતા નથી. તેઓ આને દબાવી દેવા માગે છે. મને આશા છે કે તમે (જે પંચ આની તપાસ કરી રહ્યું છે તે) તેમને આ સિન્ડ્રૉમમાંથી બહાર લાવશો.”

ક્રિશ્ચિયન ડુબ્રેઉઇલ એકલો નથી. આવા દસ-પંદર નહીં, ત્રણ લાખ ત્રીસ હજાર બાળકો છે જેમનું યૌન શોષણ ચર્ચના પંથગુરુઓએ કર્યું છે! ત્રણ લાખ ત્રીસ હજાર!

આ બાબતે એક સ્વતંત્ર પંચ રચાયું હતું. તાજેતરમાં તેનો એક અહેવાલ પ્રસિદ્ધ થયો. આ અહેવાલ ચોંકાવનારો છે. તેમાં કહેવાયું છે કે ફ્રાન્સના કેથોલિક ચર્ચમાં ૧૯૫૦થી ક્લર્જી (વિધિઓ કરાવનાર)ની હરોળના ૩,૦૦૦ જેટલા કામાંધ લોકો છે જે બાળકોનું જાતીય શોષણ કરતા હોય છે. અંગ્રેજીમાં આને ‘પીડોફાઇલ’ કહે છે.

અહેવાલમાં કહેવાયું છે કે “પરિવારો અને મિત્રવર્તુળ કરતાં કેથોલિક ચર્ચમાં જાતીય હિંસા (સેક્સ્યુઅલ વાયૉલન્સ) સૌથી વધુ થાય છે.”

આટલું જ નહીં, આ બધાની ચર્ચને જાણ હતી! પરંતુ તેણે તેની સંસ્થાને (ચર્ચને) બચાવવા માટે શોષિત બાળકો પ્રત્યેથી મોઢું ફેરવી લીધું. આ નરાધમ પાદરી- પંથ ગુરુ વગેરે સામે આંખ આડા કાન કર્યા. ઘણી વાર તો આ વાતને દબાવવા બાળકો પ્રત્યે ક્રૂરતા દાખવી તેમ પણ આ અહેવાલમાં કહેવાયું છે. આ પંચના વડા જીન માર્ક સૌવેએ કહ્યું કે આ જાતીય શોષણ છૂટપૂટ નહોતું. આ સિસ્ટમેટિક હતું!

શોષિત બાળકોના જૂથ લા પેરોલ લિબરીના વડા ફ્રેન્કોઇસ ડેવૌક્સે કહ્યું કે આ લોકો (ચર્ચના પાદરી-પંથગુરુ વગેરે) માનવતા પર કલંક છે. તેમણે વધુમાં કહ્યું કે “તમારે (ચર્ચે) આ અપરાધોની સજા ભોગવવી જ રહી. આ નરકમાં (ચર્ચમાં) દાયકાઓ સુધી અત્યાચારી અપરાધો થતા રહ્યા. એ વિશ્વાસઘાત હતો, નૈતિકતાને દગો, બાળકોને દગો, તમારા પોતાના જ લોકોની નિર્દોષતાને દગો, ગૉસ્પેલ (ઈશુના ઉપદેશ)ને દગો, મૂળ સંદેશને દગો, બધાને દગો…”

આ પંચ કેવી રીતે રચાયું? કોના કહેવાથી રચાયું? આ પંચ તો ચર્ચના કહેવાથી જ રચાયું છે પણ તેનું કારણ એ છે કે તેના પગ નીચે રેલો આવ્યો હતો. અનેક વર્ષથી આવા કિસ્સાઓ બહાર આવી રહ્યા હતા પરંતુ તેની સામે આવું કોઈ પંચ નિમાયું નહોતું.

જેમ કે, ૨૦૧૮માં ઑર્લીયન્સના પૂર્વ બિશપને બીજા બાળ શોષણ કરનાર પ્રિએસ્ટ (પૂજારી)ની જાણ ન કરવા માટે આઠ મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા અને આ પ્રિએસ્ટ પિએર્રે દે કોયેને બે વર્ષની જેલની સજા કરાઈ હતી.

આવો એક બીજો કિસ્સો છે. તેમાં ચર્ચના પ્રિએસ્ટે તો યૌન શોષણનો અપરાધ કર્યો જ કર્યો, પણ ચર્ચ તરફથી તેની સામે કેવા આંખ આડા કાન કર્યા અને સરકાર તેમજ ન્યાયાલયોએ કાનૂની આટાપાટાનો ઉપયોગ કરી તેને કેવા બચાવ્યા તે જોવા જેવું છે. બર્નાર્ડ પ્રેયનટ નામના પ્રિએસ્ટે ૧૯૯૬થી ૧૯૯૧ દરમિયાન

બૉય્ઝ સ્કાઉટ પ્રવાસ દરમિયાન ૭૫ કરતાં વધુ બાળકોનું જાતીય શોષણ કર્યું હતું! પરંતુ તેની જાણ કાર્ડિનલ ફિલિપ બાર્બેરિને ફ્રાન્સની સત્તા (પોલીસ)ને ન કરી. ફ્રાન્સમાં ગુનાની જાણ પોલીસને ન કરાય તે પણ અપરાધ છે. જોકે આ કેસમાં સરકારે ઢીલું વલણ દાખવ્યું હતું. સરકારી વકીલે કેસને પડતો મૂકવાનું નક્કી કર્યું. આ માટે ‘સ્ટેચ્યૂ ઑફ લિમિટેશન્સ’નો આધાર અપાયો. આનો અર્થ એ થાય કે કેસને અમુક વર્ષો વિતી જાય તે પછી તેને પડતો મૂકી શકાય! જોકે ૨૦૧૭માં બાર્બરિન અને છ પ્રિએસ્ટ સામે આરોપો મૂકાયા. ૨૦૧૮માં તેમની સામે ખટલો શરૂ થવાનો હતો પરંતુ મોકૂફ રખાયો! (તમે જુઓ, દરેક પગલું ધીમે-ધીમે એક-એક વર્ષે ભરવામાં આવે છે- અને આપણને એવું ઠસાવવામાં આવ્યું છે કે પશ્ચિમની ન્યાય પ્રણાલિ તો બહુ ઝડપી છે!)

પીડિતોએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો એટલે છેવટે ૨૦૧૯ના જાન્યુઆરીમાં ખટલો શરૂ થયો. થયો કરતા કહેવું જોઈએ કે કરવો પડ્યો. જોકે તેમાંય એક વર્ષ તો વિતી જ ગયું. ૭ માર્ચે બાર્બરિનને દોષી ઠરાવવામાં આવ્યો. તેને છ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા કરાઈ. અહીં પણ ન્યાયાલયે ચાલાકી કરી, કેમ કે સસ્પેન્ડેડ જેલની સજાનો અર્થ થાય છે કે દોષિતને પ્રૉબેશનનો સમય મળે છે જે આ કેસમાં છ મહિનાનો છે. તેની અંદર જો દોષિત કાયદાનો ભંગ ન કરે અને પ્રૉબેશનની ચોક્કસ શરતોને પાળે તો તેની સજા નિરસ્ત થઈ જાય છે. એટલે કે આ કેસમાં આર્કબિશપ બાર્બરિનને સજા થઈ પણ ગણાય અને ન પણ થઈ ગણાય.

જોકે તેના સાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયા! ત્યાં સુધી બાર્બરિન લિઓન શહેરના આર્કબિશપ તરીકે ચાલુ જ હતો. ૧૮ માર્ચે બાર્બરિને પૉપ ફ્રાન્સિસને પોતાનો ત્યાગપત્ર આપ્યો. પણ અહીં તમે જુઓ કે પૉપે પણ ત્યાગપત્ર સ્વીકાર્યો નહીં! તેમણે ઉલટું ચોરને જ ન્યાયાલયમાં ખટલો ચલાવવા છૂટ અપાય તેમ બાર્બરિનને છૂટ આપી કે તેમને આ કેસમાં જે પગલાં લેવાનું યોગ્ય લાગતું હોય તે પગલાં લે.

જોકે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ (વળી એક વર્ષની અવધિ પછી)ના રોજ બાર્બરિનની દલીલ સ્વીકારી લેવાઈ કે તે કાયદા હેઠળ પોલીસને આની જાણ કરવા બાધ્ય નહોતો. વળી તેણે કહ્યું કે પીડિતો હવે પુખ્ત વયના હતા અને તેણે તેમને પોલીસને ફરિયાદ કરતા નિરુત્સાહ નથી કર્યા! આ તો એવું થયું કે પોતે આ ઘટનાની જાણ કરવી જોઈતી હતી તે ન કરી, પણ પીડિતોને ફરિયાદ કરતા અટકાવ્યા નહીં તે જાણે મહાન કામ કર્યું! બાર્બરિનની આ દલીલને સ્વીકારી લેવાઈ!

એ પછી આ વર્ષે ૧૪ એપ્રિલે ફ્રાન્સના સર્વોચ્ચ ન્યાયાલયે કાર્ડિનલ ફિલિપ બાર્બરિનને બાળકોના યૌન શોષણને ઢાંકવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરી દીધા! હકીકતે, બાર્બરિનને પ્રેયનટનાં કાળાં કરતૂતોની વર્ષ ૨૦૧૦માં જાણ થઈ ગઈ હતી. ૨૦૧૪માં એક પીડિત જે હવે પુખ્ત બની ગયો હતો તે તેમને મળ્યો હતો. તેણે તેની અને તેના જેવાં બીજાં બાળકોના યૌન શોષણની વાત કરી હતી. પરંતુ તે પછી પ્રેયનટને છેક માર્ચ ૨૦૨૦માં સજા થઈ. આમ, અપરાધો બન્યા ૧૯૮૬થી ૧૯૯૧ દરમિયાન. કાર્ડિનલ બાર્બરિનને તેની જાણ થઈ ૨૦૧૦માં. ૨૦૧૪માં તેને પીડિત મળ્યો. પોલીસે આરોપો ઘડ્યા ૨૦૧૭માં. ૨૦૧૮માં ખટલો શરૂ થવાનો હતો પરંતુ શરૂ થયો ૨૦૧૯માં. ૨૦૧૯માં બાર્બરિનને સજા થઈ. સજા પણ એવી કે જે તેને ભોગવવી ન પડે. ૨૦૨૦માં બાર્બરિનની દલીલ માન્ય રાખી સજા ફેરવી તોળાઈ. ૨૦૨૧માં સર્વોચ્ચ ન્યાયાલયે તેને નિર્દોષ જાહેર કરી દીધો! નરાધમ પ્રેયનટને સજા જાહેર થઈ છેક માર્ચ ૨૦૨૦માં અને તે પણ માત્ર પાંચ જ વર્ષની! ચાલો, બાર્બરિને પોલીસને ન જાણ કરી પણ આ નરાધમ પ્રેયટનને તેના પ્રિએસ્ટના પદેથી તો હાંકી કાઢવો જોઈતો હતો, પરંતુ તેમ પણ તેણે ન કર્યું. ૨૦૧૯ સુધી એટલે કે આ બધું જાહેરમાં ન આવ્યું ત્યાં સુધી આ નરાધમ પ્રેયનટ તેના પદ પર ચાલુ રહ્યો. ૩૫ વર્ષ પછી પણ બાળકોને પૂરો ન્યાય તો મળ્યો જ નહીં.

આની સામે આપણે ત્યાં ‘પૉસ્કો’ એટલે (પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ) કાયદામાં મોદી સરકારે ૨૦૧૮માં સુધારો કરી લઘુતમ સજા ૧૦ વર્ષની હતી તે ૨૦ વર્ષ કરી છે. મહત્તમ સજા દેહાંત દંડ અથવા આજીવન કેદની છે. ફ્રાન્સમાં નરાધમ પ્રિએસ્ટ પ્રેયનટને માત્ર પાંચ જ વર્ષની સજા થઈ. બાર્બરિનને તો સજા થઈ જ નહીં.

આવા કેસો જાહેરમાં આવતાં અંતે ચર્ચે જ ઉપરોક્ત સ્વતંત્ર પંચ તપાસ માટે બેસાડ્યું. ૨,૫૦૦ પાનાંના દળદાર અહેવાલમાં આ ત્રણ લાખ ત્રીસ હજાર બાળકો વાસનાભૂખ્યા ખ્રિસ્તી પાદરી-ક્લર્જીના શોષણના ભોગ બન્યા હોવાનો આંકડો આવ્યો છે. બની શકે કે આમાં પણ ઢાંકપિછોડો થયો હોય અને આના કરતાં વાસ્તવિક આંકડો ઘણો મોટો હોય. વેટિકનમાં રહેતા કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ગુરુ પૉપ ફ્રાન્સિસે આ ઘટનાઓ અંગે શરમ વ્યક્ત કરી છે અને આવું ભવિષ્યમાં ન થાય તેનું ધ્યાન રાખવા ચર્ચના ટોચના લોકોને સલાહ આપી છે.

આવા અનેક કિસ્સાઓ ચર્ચના ઇતિહાસમાં દટાયેલા છે. પરંતુ તેની સામે કોઈ ઉહાપોહ નથી થતો. આ પહેલાં આ જ વર્ષે મે ૨૦૨૧માં કેનેડાની કમલૂપ્સ ઇન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલમાંથી ૨૧૫ આદિવાસી બાળકોના અવશેષ મળી આવ્યા હતા. આ સ્કૂલ ચર્ચ દ્વારા ચલાવાતી નિવાસી શાળા હતી. આ શાળા ૧૯૭૮થી બંધ પડી હતી. કેનેડાના ઇતિહાસમાં આ સૌથી શરમજનક ઘટના છે. જેમ ભારતના આદિવાસીઓ સહિતના હિન્દુઓનું મન બદલવા અહીં કૉન્વેન્ટ વગેરે ખ્રિસ્તી શાળાઓ શરૂ કરાઈ તેમ કેનેડામાં ત્યાંના મૂળ રહેવાસીઓનું મન બદલવા-તેમને ખ્રિસ્તી બનાવવા આ શાળા શરૂ કરાઈ હતી. ઈ. સ. ૧૮૮૩થી ૧૯૯૮માં આવી શાળાઓમાં ૧.૫ લાખ આદિવાસી બાળકોને દાખલ કરાયા હતા. ત્યાં બાળકોનું જાતીય શોષણ, બળાત્કાર, કુપોષણ અને અનેક અત્યાચારો થતા હતા. આવા તો ૪,૧૦૦ બાળકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે પણ આ એક જ શાળામાં ૨૧૫ બાળકોના અવશેષો મળી આવ્યા હતા.

આપણે ત્યાં કોઈ કહેવાતા બાબા કે કોઈ સ્વામિનારાયણના પાપી ભગવા વસ્ત્રધારીનું કાળું કર્મ બહાર આવે તો મહિના દિવસ સુધી મિડિયામાં તેના વિશે આવ્યા રાખે છે. પરંતુ આટલી મોટી બંને દુર્ઘટના વિશે ભારતીય મિડિયા જાણે કે મૌન છે! ક્યાંક ખૂણેખાંચરે સમાચાર આવી ગયા છે. કોઈ ઉહાપોહ નહીં. કોઈ ટીવી ડિબેટ નહીં.

‘આશ્રમ’, ‘સિંઘમ-૨ ’ વગેરે અનેક ફિલ્મોમાં કહેવાતા સાધુ-બાબાને ખરાબ રીતે બતાવનાર હિન્દી ફિલ્મકારો શું આટલા મોટા કૌભાંડ પર કોઈ ફિલ્મ કે વેબસીરિઝ બનાવશે? આનો જવાબ છે – નહીં. ઉલટું આપણી ફિલ્મોમાં વર્ષોથી પાદરી અને નનને તો દયાની મૂર્તિ બતાવાય છે જે અનાથને સાચવે છે, સારી રીતે ભણાવે છે. ભારતમાં પણ ખ્રિસ્તી પાદરીઓ સહિતના પંથના વડાઓ વગેરે દ્વારા જાતીય શોષણની ઘટનાઓ ઓછી નથી. ભારતની નનોના બળાત્કારના આરોપમાં ફ્રાન્કો મુલક્કલ નામના બિશપ જામીન પર છૂટા છે. જ્યારે આસારામને જામીન પણ નથી મળતા. બંને સરખા અપરાધી છે. તો બંને માટે ન્યાય કેમ અલગ? ફ્રેન્કો મુલ્લકલ વિશે પણ કોઈ મિડિયામાં આસારામની જેટલા મહત્ત્વથી કોઈ સમાચાર નથી અપાતા. ફૉલોઅપ નથી કરાતું.

કેરળના સાયરો-મલાબાર ચર્ચે તો આ ફ્રાન્કો  મુલક્કલનો ફોટો ૨૦૨૧ના સત્તાવાર કેલેન્ડરમાં રાખ્યો છે! સ્વામિનારાયણના આવા આરોપી સાધુનો ફોટો કોઈ કેલેન્ડરમાં રખાય તો? એમ તો કેરળના એક ખ્રિસ્તી અપક્ષ ધારાસભ્યએ ફ્રેન્કો મુલક્કલ સામે ફરિયાદ કરનાર નનને વેશ્યા ગણાવી હતી. ત્યાં સુધી કહ્યું કે તેણે બાર વાર મજા કરી અને તેરમી વાર તે બળાત્કાર થઈ જાય? આવું આસારામની સામે ફરિયાદ કરનાર પીડિતા સામે કોઈ ધારાસભ્યએ કહ્યું હોત તો? મિડિયા આવા સમાચારો તમારા સુધી પહોંચવા જ નથી દેતું.

કેરળની નન (સાધ્વીને ખ્રિસ્તીઓ નન કહે છે) સિસ્ટર લૂસીએ ‘કર્થાવિન્તે નામથિલ’ (ઈશ્વરના નામ પર) નામની આત્મકથા લખી છે જેમાં પાદરીઓ દ્વારા શોષણની વાત હિંમતપૂર્વક લખી છે. તેમણે આ સાંપ્રદાયિક જીવનમાં ચાર વર્ષ વિતાવ્યાં પછી તેમને ખબર પડી કે પાદરી અને બિશપ જાતીય શોષણ કરે છે. તેના વિશે ત્યાં બધાં જ જાણે છે પરંતુ તેના વિશે લોકો ચૂપ રહે છે.

હિન્દુ સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવનારી હિન્દુ, પારસી કે અન્ય પંથની સ્ત્રીઓ કે ‘કન્યાદાન’ જેવી જાહેરખબર બનાવનારાઓ, હિન્દી ફિલ્મ જગતના આલિયા ભટ્ટ, સ્વરા ભાસ્કર, જાવેદ અખ્તર, અનુરાગ કશ્યપ જેવા કલાકારો ખ્રિસ્તી બાળકો અને નનના મુદ્દે કંઈ નહીં બોલે. ‘કેબીસી’માં સોનાક્ષી સિંહા સાથે ભાગ લેનારી રાજસ્થાનની રૂમા દેવીના નામે ઘૂંઘટ પ્રથાથી ઘણી તકલીફો પડી હોવાનું બતાવાયું હતું પરંતુ આ ખ્રિસ્તી બાળકો અને નનના જાતીય શોષણ મુદ્દો દર્શાવવા સિસ્ટર લૂસી જેવી કોઈ પીડિત નનને બોલાવશે?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment