Home » ન્યૂઝીલેન્ડમાં ૭૩ વર્ષ પછી સ્વદેશી ભાવનાએ જોર પકડ્યું

ન્યૂઝીલેન્ડમાં ૭૩ વર્ષ પછી સ્વદેશી ભાવનાએ જોર પકડ્યું

by Jaywant Pandya

સબ હેડિંગ: ન્યૂઝીલેન્ડનું માઓરી લોકોના સમયનું મૂળ નામ અપનાવવા માગણી થઈ રહી છે. ભારતીય મૂળનાં ડૉક્ટર સપના સામંત માનવાધિકારની પ્રવૃત્તિ પણ કરે છે. તેના કહેવા પ્રમાણે, આ આવશ્યક અને પ્રાસંગિક પહેલ છે. આપણે ત્યાં એવી દલીલ થાય છે કે ભાજપ ચૂંટણી જીતવા આ ગતકડું કરે છે, પણ ન્યૂઝીલેન્ડના સંદર્ભમાં સપના સામંત કહે છે કે નામમાં આ પરિવર્તન દેશાહંકાર કે રાષ્ટ્રવાદ નથી. તે સામ્રાજ્યવાદમાં થયેલી ભૂલોને સુધારવાની પહેલ છે. 

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૩ ઑક્ટોબર ૨૦૨૧)

ન્યૂઝીલેન્ડમાં માઓરી નામનો રાજકીય પક્ષ છે અને તેણે માગણી કરી છે કે ન્યૂઝીલેન્ડનું મૂળ નામ ‘આઓતિએરોઆ’ હતું તે ફરી સ્થાપિત કરવામાં આવે. એટલું જ નહીં, દેશનાં બધાં નગરો, શહેરો અને વિસ્તારોનાં મૂળ નામો પુનઃસ્થાપિત કરવામાં આવે. આ વાત બતાવે છે કે માત્ર ભારત જ નહીં, ન્યૂઝીલેન્ડમાં પણ ‘સ્વદેશી’ એટલે કે ‘ડિકૉલૉનાઇઝેશન’ની ભાવના જાગૃત થઈ રહી છે.

અંગ્રેજો આપણને ભણાવી ગયા કે આર્યો બહારથી આવ્યા હતા. અને તેઓ અહીંના મૂળ નિવાસી નહોતા. કૉંગ્રેસે આ અભ્યાસક્રમ ચાલુ રાખ્યો. હવે કૉંગ્રેસી ચમચા જેવા લેખકો આ કામ કરી રહ્યા છે અને આદિવાસી જ મૂળ નિવાસી છે તેવું ઠસાવી રહ્યા છે. પરંતુ હકીકત શું છે?

હકીકત એ છે કે અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મૂળ નિવાસીઓને ખદેડી તેમને દાસ બનાવી પોતે તેમનું શોષણ કર્યું છે. પરંતુ પોતાના પર આરોપ ન લાગે એટલે ત્યાંનો ઇતિહાસ બદલી નાખવો આવું કામ મુસ્લિમ બાદશાહોએ પણ કર્યું અને અંગ્રેજોએ પણ કર્યું. જ્યારે સ્વતંત્રતા પછી ભારતમાં પ્રાચીન ઇતિહાસ ગૌરવ સાથે પુનઃ સ્થાપિત કરવાની આવશ્યકતા હતી, પરંતુ તેના બદલે જૂનો ઇતિહાસ કદાચ, તે કરતાંય વિકૃત ઇતિહાસ લખાયો. બાપ્પા રાવલ, નાગભટ્ટ, પુલકેસી, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, વગેરે અનેક હિન્દુ રાજાઓના ઇતિહાસને કાં તો અવગણી દેવાયો અથવા તો તેને વિકૃત રીતે રજૂ કરાયો, જેમ કે સમ્રાટ અશોકની વાત આવે એટલે આપણને કલિંગા યુદ્ધ અને તે પછી સમ્રાટ અશોકને પસ્તાવો થયો અને તેઓ બૌદ્ધ થઈ ગયા. તે વાતો જ યાદ આવે. પરંતુ તે પહેલાં સમ્રાટ અશોકે આસામથી ઈરાનની સીમા સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારેલું તે યાદ અપાવાતું નથી. તેના બદલે બુદ્ધુજીવીઓ એવું ઠસાવે છે કે અંગ્રેજો આવ્યા પહેલાં ભારત રાજકીય રીતે એક હતું જ નહીં અને ભારતીયો અંદરોઅંદર જ લડી મરતા હતા. પશ્ચિમને જ મહાન માનનારા આવા બુદ્ધુજીવીઓ અંદરોઅંદર લડી મરેલા પશ્ચિમી દેશોનો ઇતિહાસ ક્યારેય નહીં કહે. બાપ્પા રાવલે ગઝની પર ૧૫થી વધુ વખત હુમલો કરેલો તે ક્યારેય નહીં કહે.

જોકે આવા લોકોના દબાવ્યાથી ઇતિહાસ દબાતો નથી. એને યાદ રાખનારા લોકો જેમ ભારતમાં પડ્યા છે તેમ ન્યૂઝીલેન્ડમાં પણ છે. સમયનું ચક્ર હવે ફરી રહ્યું છે. લોકોની અસ્મિતા જાગી રહી છે. ઇંગ્લેન્ડની જેમ ન્યૂઝીલેન્ડમાં પણ લેબર પાર્ટી છે. લેબર પાર્ટી હોય એટલે શ્રમિકો તરફી હોય તે સ્વાભાવિક છે. પરંતુ શ્રમિકો તરફે રહીને પણ નીતિ દેશતરફી રાખી શકાય છે. બ્રિટનની લેબર પાર્ટી જેમ પાકિસ્તાન વગેરે મુસ્લિમ દેશો અને ત્રાસવાદીઓની ખોટી તરફેણ- આળપંપાળ કરે છે. બ્રિટનની લેબર પાર્ટી ભારતના કાશ્મીર મુદ્દે પણ ચંચુપાત કરવા જાય છે. અત્યાર સુધી આવા વિદેશી સાંસદો કે માનવાધિકાર સમૂહો ભારતની મુલાકાતે આવતા અને ભારતના લોકોની કે તેમના ભારતીય એજન્ટોની, ઘણી વાર ભારત સરકારની મહેમાનગતિ માણતા અને ભારતને જ સલાહ આપીને ચાલ્યા જતા અથવા તેમના દેશની સંસદમાં ઠરાવ પસાર કરાતો. ગયા વર્ષે આવી જ ઠાવકાઈ કરવા બ્રિટનની લેબર પાર્ટીના સાંસદો આવેલા. તેમને લીલા તોરણે પાછા મોકલાયા હતા.

ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી પણ ડાબેરી ઝુકાવવાળી છે. તેમાંથી જ નીકળેલાં નેત્રી તારિયાના તુરિયાએ માઓરી નામના રાજકીય પક્ષની સ્થાપના ઈ. સ. ૨૦૦૪માં કરી હતી. તેનાં બીજા નેતા છે પિતા શાર્પલ્સ જે શિક્ષણ ક્ષેત્રે વિદ્વાન છે. ૨૦૦૫ની ચૂંટણીમાં આ પક્ષે ચાર બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેની બેઠકમાં ચડાવ-ઉતાર થતો રહ્યો; જેમ કે ૨૦૦૮ની ચૂંટણીમાં તે પાંચ બેઠકો પર વિજયી થયો તો ૨૦૧૧ની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર અને ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો પર વિજયી થયો. પરંતુ તેના ટેકાથી રાષ્ટ્રવાદી ગણાતી ન્યૂઝીલેન્ડ નેશનલ પાર્ટી ઉપરોક્ત ૨૦૦૮, ૨૦૧૧ અને ૨૦૧૪ એમ ત્રણેય વખતે સત્તામાં આવી શકી.

સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ માઓરી પાર્ટીએ એક ઑનલાઇન પિટિશન શરૂ કરી માગણી કરી કે દેશનું નામ બદલી ‘આઓતિએરોઆ’ કરવામાં આવે. દેશનાં શહેરો, નગરો અને વિસ્તારોનાં નામો અંગ્રેજો આવ્યા પહેલાં માઓરી કાળમાં જે હતાં તે પુનઃસ્થાપિત કરવામાં આવે. સાથે એમ પણ લખાયું છે કે ‘હવે સમય આવી ગયો છે કે રિઓ માઓરીને દેશની પહેલી અને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવે. આપણે એક પૉલિનેશિયન દેશ છીએ. આપણે આઓતિએરોઆ છીએ.

આ યાચિકા શરૂ કરતાની સાથે તેને ભારે સમર્થન મળવા લાગ્યું. યાચિકા શરૂ થયાના બે દિવસમાં જ તેને પચાસ હજારથી વધુ લોકોની સહી મળી ગઈ હતી. પક્ષના એક નેતા રાવિરી વાઇતીતીએ કહ્યું કે દેશમાં આટલું સમર્થન ભાગ્યે જ બીજી કોઈ યાચિકાને મળ્યું છે. તેમણે કહ્યું કે ગઈ ચૂંટણીમાં આપણને જાણવા મળ્યું કે ૮૦ ટકા લોકો રિયો માઓરીને પોતાની ઓળખનો હિસ્સો બતાવવામાં ગર્વ અનુભવે છે.

ભારતીય મૂળનાં ડૉક્ટર સપના સામંત શોખથી માનવાધિકારની પ્રવૃત્તિ પણ કરે છે. તેના કહેવા પ્રમાણે, આ આવશ્યક અને પ્રાસંગિક પહેલ છે. આપણે ત્યાં એવી દલીલ થાય છે કે યોગી આદિત્યનાથ કે ભાજપ ચૂંટણી જીતવા આ ગતકડું કરે છે, પણ ન્યૂઝીલેન્ડના સંદર્ભમાં સપના સામંત કહે છે કે નામમાં આ પરિવર્તન દેશાહંકાર કે રાષ્ટ્રવાદ નથી. તે સામ્રાજ્યવાદમાં થયેલી ભૂલોને સુધારવાની પહેલ છે.

હવે પ્રશ્ન થાય કે આ માઓરી કોણ છે? માઓરી એક જનજાતિ અથવા આદિવાસી છે. તેઓ તાઇવાન (એશિયા ખંડ)ના હોવાનું મનાય છે. મે ૨૦૦૪માં ન્યૂઝીલેન્ડની સરકારે પણ આને આડકતરું સમર્થન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડના તાઇપેઇમાં આવેલા વાણિજ્ય અને ઉદ્યોગ કાર્યાલયે ન્યૂઝીલેન્ડમાં રહેલા તાઇપેઇ આર્થિક અને સાંસ્કૃતિક કાર્યાલય સાથે ‘સ્વદેશી મુદ્દાઓ પર સહકારની વ્યવસ્થા’ નામના દસ્તાવેજ પર સહી કરી હતી. આનાથી ન્યૂઝીલેન્ડના માઓરી અને તાઇવાનના મૂળ નિવાસી લોકો વચ્ચે સંપર્ક સ્થાપિત થશે. આમ તો, ભાષાવિદો અને પુરાતત્ત્વવિદો ૧૯૭૦ના દાયકાથી કહેતા આવ્યા હતા કે પાંચ હજાર વર્ષ પૂર્વે તાઇવાનના મૂળ નિવાસીઓ અને આજના પૉલિનેશિયનો (દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટાપુઓ હવાઈ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી વગેરેને પૉલિનેશિયા અને તેના પર રહેતા લોકોને પૉલિનેશિયન તરીકે ઓળખવામાં આવે છે.) એક જ વંશના લોકો છે. પરંતુ ગત પંદર વર્ષમાં જિનેસિટિસ્ટોએ આ વાતને અનુમોદન આપતાં આ વાતને વધુ બળ પ્રાપ્ત થયું છે.

તાઇવાન પોતાને સ્વતંત્ર ગણાવે છે પરંતુ ચીન તેને પોતાનો ભાગ માને છે. આથી ઇન્ટરનેટ પર (ખાસ તો ગૂગલ પર) આના વિશે ખૂબ જ ઊંડી અને અલગ-અલગ રીતે ખણખોદ કર્યા પછી જ આ વાત મળશે.

માઓરી લોકકથા અનુસાર, આ ટાપુને આઓતિએરોઆ નામ કૂપે નામના માઓરી યાત્રીએ આપ્યું હતું. તે તેની પત્ની કુરામારોતિની અને તેના જહાજના ખલાસીઓ એવી જગ્યાની શોધમાં નીકળ્યાં હતાં જે ક્ષિતિજની પેલે પાર હોય. તેમને સફેદ વાદળમાં લપેટાયેલો એ પ્રદેશ મળ્યો જે અત્યારે ન્યૂઝીલેન્ડ તરીકે ઓળખાય છે. સફેદ વાદળમાં લપેટાયેલો લાગતો હોવાથી કુરામારોતિની બોલી ઊઠી, “હે આઓ! હે આઓ! હે આઓતિઆ! આઓતિએરોઆ!”. અર્થાત એક વાદળ! એક વાદળ! એક સફેદ વાદળ! એક લાંબુ સફેદ વાદળ!

ડચ પ્રવાસી એબેલ તાસમાને આ ટાપુને જોયો (શોધ્યો તેમ કહેવું ખોટું છે. કૉલંબસ કે વાસ્કો દ ગામાએ પણ અમેરિકા કે ભારત શોધ્યાં તેમ કહેવું ખોટું છે. શોધવાની બાબત અમેરિકા કે સ્પેનની બાબતમાં સાચી હોઈ શકે પરંતુ તે પહેલાં તે સાવ ઉજ્જડ નહોતા જ. હવે ડિકૉલૉનાઇઝેશનની પ્રક્રિયા વિશ્વ ભરમાં ચાલી રહી છે ત્યારે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત વગેરેની પરિભાષા અમેરિકા કે યુરોપલક્ષી છે તે પણ બદલવાની આવશ્યકતા છે. દા. ત. અમેરિકા કે યુરોપ માટે સાઉદી અરેબિયા વગેરે દેશો મધ્ય-પૂર્વ હોઈ શકે પરંતુ ભારત, ચીન, જાપાન વગેરે માટે તો તે મધ્ય-પશ્ચિમ છે.) અને તેને સ્ટેટેન લેન્ડ નામ આપ્યું. તેને એમ હતું કે આર્જેન્ટિનાના ટાપુ સ્ટેટેન લેન્ડનો જ તે એક હિસ્સો છે. તે પછી હેન્ડ્રિક બ્રઓઉવરે સાબિત કર્યો કે આર્જેન્ટિનાવાળો ટાપુ નાનો છે. તેથી ડચ નકશા બનાવનારાઓએ તેને નેધરલેન્ડના પ્રાંત ઝીલેન્ડ પરથી નવું ઝીલેન્ડ એટલે કે નોવા (ગુજરાતી નવા જેવો જ શબ્દ લાગે છે ને?) ઝીલેન્ડિયા પરથી નામ આપ્યું. તેનું અંગ્રેજીકરણ થયું અને ન્યૂઝીલેન્ડ નામ થયું.

૨૦૧૯માં ન્યૂઝીલેન્ડના માઓરી લોકો પર થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ન્યૂઝીલેન્ડ માટે ઉત્તર કોરિયા અને ચીન કરતાં વધુ પડકાર અમેરિકા છે. ૬૯ ટકા લોકો માનતા હતા કે આવનારા બે દાયકામાં એશિયાના લોકો પર્યટન પર આવશે તો તેનાથી ન્યૂઝીલેન્ડ પર સકારાત્મક અસર પડશે. પરંતુ અડધા લોકો માનતા હતા કે યુવાન કિવીઓને (ન્યૂઝીલેન્ડવાસીઓને) એશિયા સાથે સંકળાવા માટે તૈયાર થવા ન્યૂઝીલેન્ડમાં કંઈ કરાતું નથી.

યુરોપીયનો, ખાસ કરીને અંગ્રેજો ન્યૂઝીલેન્ડ જીતવા આવ્યા ત્યારે સાંસ્કૃતિક રીતે તેમને બદલવા અને ખાસ તો પંથ પરિવર્તિત કરવા ઇંગ્લેન્ડથી ખ્રિસ્તી મિશનરીઓ પણ આવ્યા હતા. તેમનો મત શું હતો? તેનું એક જ ઉદાહરણ પર્યાપ્ત છે. જ્યારે સેમ્યુઅલ માર્સડેન નામના પહેલા મિશનરીએ ૧૮૧૪માં નાતાલના દિવસે ન્યૂઝીલેન્ડમાં પગ મૂક્યો ત્યારે તેમને બ્રિટિશ ધ્વજ “અંધારમય યુગમાં સભ્યતા, સ્વતંત્રતા અને પંથ (રિલિજિયન)નો ઉદય” સમાન લાગ્યો! એટલે કે તે પહેલાં તો જાણે ન્યૂઝીલેન્ડમાં અસભ્યતા, દાસતા અને નાસ્તિકતા જ પ્રવર્તતી હશે! મિશનરીઓ એવું માનતા હતા કે “આ તો સમૃદ્ધ જમીન છે જેને ક્યારેય ખેડવામાં જ નથી આવી અને સભ્ય રાષ્ટ્રો (!) સાથે તેમને બંધ બેસાડવા તેમનામાં સુધારાની જ આવશ્યકતા છે.” પરંતુ તેમનું સપનું ૧૯૩૦ સુધીમાં ચકનાચૂર થઈ ગયું. તેમને કેટલાને મત પરિવર્તિત કરી ખ્રિસ્તી બનાવ્યા તેનો રિપૉર્ટ આપવાનો હોય છે પરંતુ ન્યૂઝીલેન્ડથી એક પણ જણનું તેઓ મત પરિવર્તન કરાવી શક્યા નહોતા!

૨૦૧૮ની વસતિ ગણતરી પ્રમાણે, ખ્રિસ્તી ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો પંથ બની ચૂક્યો છે. ૧૫.૪ ટકા વસતિ પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી છે, ૧૦.૪ ટકા વસતિ કેથોલિક છે જ્યારે ૧૧.૯ ટકા અન્ય પ્રકારના ખ્રિસ્તી છે. આમ, ૩૭.૭ ટકા ખ્રિસ્તી છે. પરંતુ અડધી વસતિ ૪૮.૬ ટકા માને છે કે તેમનો કોઈ પંથ જ નથી! આની સામે ખ્રિસ્તી ઇત્તર પંથમાં માનવાવાળાની વસતિ (આવા કોઈ મિશન વગર) વધવા લાગી છે. આ વસતિમાં હિન્દુઓ (૨.૭ ટકા), માઓરી પંથો, માન્યતાઓ અને તત્ત્વચિંતન (૧.૩ ટકા), ઇસ્લામ (૧.૩ ટકા) અને બૌદ્ધ (૧.૧ ટકા) છે. એટલે કે છળ-કપટ, સેવા કે અત્યાચારો દ્વારા ખ્રિસ્તી તો બન્યા પણ તેમ છતાં બહુમતી વસતિ ખ્રિસ્તી નથી! શિક્ષણ, શાસન અને અન્ય અનેક રસ્તે માઓરીને તેમની મૂળ બાબતોથી વિમુખ કરી શકાયા નથી. તેમની ભાષાને ભૂલાવી શકાઈ નથી. આ મોટો પદાર્થપાઠ હિન્દુઓએ માઓરીમાંથી શીખવા જેવો છે.

બ્રિટનના જ ‘ધ ગાર્ડિયન’ નામના સમાચારપત્રમાં આપેલી એક માહિતી મુજબ, ૨૫૦ વર્ષ પહેલાં એટલે કે ન્યૂઝીલેન્ડમાં બ્રિટિશ પ્રવાસી કેપ્ટન જેમ્સ કૂકના આવ્યા પહેલાં માઓરી સ્વતંત્ર લોકો હતા, સ્વશાસિત લોકો હતા. તેઓ જીવનને ભરપૂર માણી રહ્યા હતા. આ જમીન વર્ણવી ન શકાય તેટલી આનંદથી ભરપૂર હતી. આ વર્ણન બીજા કોઈ નહીં પણ કેપ્ટન કૂકના સાથી સિડની પાર્કિન્સને કરેલું છે. તે આગળ વર્ણન કરે છે કે પર્વતો સુંદર ફૂલોથી આચ્છાદિત હતા. ઊંચા તાડનાં વૃક્ષોની સુગંધથી જાણે પર્ફ્યૂમની સુગંધ આવતી હોય તેમ વાતાવરણ સુગંધિત થઈ જતું હતું. વર્ષ ૨૦૧૯માં બ્રિટિશ સરકારે માઓરી લોકોની હત્યા માટે માફી માગી હતી.

૧૭૬૯માં જેમ્સ કૂક આવ્યો તે પછી છેક ૧૮૪૦માં બ્રિટન પોતાની સત્તા ન્યૂઝીલેન્ડમાં સ્થાપી શક્યું. ૧૯૦૧માં તેને ડૉમિનિયનનો દરજ્જો આપવામાં આવ્યો એટલે કે મુખ્ય સત્તા બ્રિટનની પણ તેની નીચે પ્રાંતોમાં ન્યૂઝીલેન્ડના લોકો સત્તા રચી શકે. ૧૯૪૮માં ન્યૂઝીલેન્ડના નાગરિકો ન્યૂઝીલેન્ડના બન્યા એટલે કે તે પહેલાં તેઓ બ્રિટનના નાગિરકો ગણાતા હતા. જોકે ન્યૂઝીલેન્ડ સત્તાવાર રીતે સ્વતંત્રતા દિવસ મનાવતું નથી. પરંતુ ૧૯૪૮નું વર્ષ પકડીએ તો તેની સ્વતંત્રતાના ૭૩ વર્ષ પૂરાં થયાં છે. અમૃત મહોત્સવના આરે છે અને હવે ત્યાં પણ સ્વદેશી ભાવનાએ જોર પકડી લીધું છે, ભારતની જેમ જ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment