Home » મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

મહાગઠબંધન: જેલમાં જતા બચવા માટે તકવાદી નેતાઓનું બોદું જોડાણ

by Jaywant Pandya

સબ હેડિંગ: તમિલનાડુમાં કૉંગ્રેસ-ડીએમકેનું જોડાણ છે પરંતુ ડીએમકેએ ચૂંટણીઢંઢેરામાં રાજીવ ગાંધીના સાત હત્યારાઓને જેલમાંથી છોડવાનું વચન આપ્યું છે! સપ-બસપ કૉંગ્રેસ સાથે જવા તૈયાર નથી. બિહારમાં ગઠબંધન થયું તો છે પરંતુ રાજદના પરિવારમાં જ ઝઘડા છે. રાજદના નેતાઓના વર્તનથી કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ભારે કંટાળ્યા છે…

(દિ.૧૩/૪/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ)

‘વો કહતે હૈ કિ ઈન્દિરા હટાઓ, મૈં કહતી હૂં ગરીબી હટાઓ’. ૧૯૭૧માં ઈન્દિરા ગાંધી જ્યારે પ્રચારમાં જતાં ત્યારે આ પ્રકારે સભા સંબોધતાં. ઈન્દિરા સામે પડેલાં લોકો ગરીબી વિરોધી છે તેવો પ્રચાર કરતાં. પરંતુ શું ગરીબી હટી? ના. ગરીબોને પગ ભર કરવાના બદલે ગરીબોને અને ખેડૂતોને સહાયના ટુકડા ફેંકતા રહેવાની નીતિ પર કૉંગ્રેસે પાંચ દાયકા સુધી શાસન કર્યું.

આજે ફરી રાહુલ ગાંધીને ગરીબો યાદ આવી ગયા છે. તે પણ બરાબર ચૂંટણી ટાણે જ. ગરીબોને સ્ટેન્ડ અપ, સ્કિલ ઇન્ડિયા, મુદ્રા વગેરે દ્વારા પગભર કરવાની મોદી સરકારની યોજનાઓ છે જ. ગરીબોને આયુષમાન ભારત યોજના દ્વારા મોંઘી ને જટિલ સારવાર નિઃશુલ્ક મળી રહી છે. અસંગઠિત શ્રમિકો માટે પેન્શન યોજના શરૂ કરાઈ છે. નાના ને સીમાંત ખેડૂતો માટે દર ચાર મહિને રૂ. ૨૦૦૦ એમ વર્ષે કુલ રૂ. ૬,૦૦૦ મળવાની યોજનામાં પહેલો હપ્તો મળી ગયો છે. આવાસ યોજના હેઠળ ગરીબોને બધી સુવિધાઓ સાથે ઘર મળી રહ્યાં છે. પરંતુ આ બધી યોજના ગરીબોને પગભર કરવાની છે. ખેડૂતોનાં દેવાં માફી એ કાયમી ઉકેલ નથી તેમ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી જીત્યા પછી સ્વીકારે છે. આ સ્થિતિમાં જો કંઈ કર્યા વગર ગરીબોને તેમની આવક મહિને રૂ. ૧૨,૦૦૦એ પહોંચી જશે તો તેઓ પગભર થશે કે કેટલાક ગરીબો પૈસા દારૂ-બીડીમાં વાપરી નાખે છે તેમ વાપરી નાખશે?

કહેવાનો અર્થ એ છે કે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી જીતવા માટે ગરીબોને ટુકડા ફેંકવાની યોજના પસંદ કરી છે. અને ચૂંટણી જીતવા માટે ઘાંઘા થયેલા વિપક્ષો બધું જ કરી છૂટવા તૈયાર છે. ડીએમકેએ દેશના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના સાત હત્યારાઓને જેલમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું છે અને આ ડીએમકે સાથે કૉંગ્રેસનું તમિલનાડુ અને પુડુચેરીમાં ગઠબંધન છે. આના પરથી જ ખ્યાલ આવી જાય છે કે રાહુલ-પ્રિયંકાએ તેમના પિતાના હત્યારાઓને છોડવાનું વચન આપનાર પક્ષ સાથે ગઠબંધન કર્યું તે સત્તા ને માત્ર સત્તા લક્ષી જ છે.

પરંતુ શું ખરેખર આ ગઠબંધનો માત્ર સત્તા લક્ષી જ છે? ના. આ ગઠબંધનો પોતાને જેલમાં જતા બચાવવા માટે પણ છે. કોઈ એમ કહી શકે કે એ તો નરેન્દ્ર મોદી સરકારે વિરોધીઓ સામે કિન્નાખોરી કરી છે. પરંતુ ના એવું નથી. ખરેખર જુઓ તો, મોદી સરકાર દ્વારા આ ૨૦૧૪માં તેમને મળેલા જનાદેશનું પાલન જ છે!

૨૦૧૪માં મોદી દેશભરમાં જનસભાઓ કરતા ત્યારે શું કહેતા હતા? ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ કે ન થવો જોઈએ? રૉબર્ટ વાડ્રા, લાલુપ્રસાદ યાદવ, તૃણમૂલ કૉંગ્રેસના શારદા કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ વગેરે સામે કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? આવું તેઓ જનતાને સભામાં પૂછતા અને વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ભ્રષ્ટાચારના એબીસીડી એમ આખી અંગ્રેજી વર્ણમાળા આવી જાય તેટલાં કૌભાંડો કરનાર કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોથી ત્રસ્ત જનતા મોદીને બુલંદ સ્વરે હા પાડતી. તો પછી સત્તામાં આવ્યા પછી જો કાર્યવાહી થાય તો તેને કિન્નાખોરીનું નામ કઈ રીતે આપી શકાય?

અને માનો કે, કદાચ કિન્નાખોરીનું નામ આપવું જ હોય તો એ કેસો ૨૦૧૪ પછી ઉખળ્યા હોય તો આપી શકાય. સોનિયા-રાહુલ સામેના નેશનલ હેરાલ્ડ કેસ વર્ષ ૨૦૧૨માં દાખલ થયેલો છે. કૉંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન ચિદમ્બરમ્ સામે ઍરસેલ-મેક્સિસ કેસની કાર્યવાહી પણ વર્ષ ૨૦૧૧થી ચાલે છે. શારદા કૌભાંડનો કેસ જેનો રેલો તૃણમૂલનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સુધી જાય છે તે કેસ વર્ષ ૨૦૧૩માં નોંધાયેલો છે. લાલુપ્રસાદ યાદવ સામેના કેસ વર્ષ ૧૯૯૬થી ચાલે છે અને તેઓ દોષિત વર્ષ ૨૦૧૩માં ઠર્યા હતા. તેમને બચાવવા મનમોહનસિંહ જેમની છબી તો પ્રમાણિક છે, તેમની સરકાર સુપ્રીમ કૉર્ટના આદેશને નિરસ્ત કરવા વટહુકમ લાવવાની હતી પરંતુ પોતાની છબી સુધારવા તત્કાલીન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને જાહેરમાં પત્રકાર પરિષદ બોલાવીને રદ્દ કરવાનું કહ્યું. તે પછી વટહુકમ પડતો મૂકાયો. લાલુ પર ચૂંટણી લડવા પ્રતિબંધ આવ્યો. માયાવતી સામે પણ કેસ કૉંગ્રેસના કાર્યકાળથી ચાલ્યો આવે છે. આમ આદમી પક્ષના અડધો અડધ નેતાઓ અને પ્રધાનો ભ્રષ્ટાચારના આક્ષેપોમાં જેલમાં છે. ૧૯૯૬માં જેમના ઘરમાંથી રૂ. ૩.૬ કરોડની રોકડ મળી હતી તેવા કૉંગ્રેસના જ પૂર્વ દૂરસંચાર પ્રધાન સુખરામ જેઓ કૉંગ્રેસમાંથી નીકળીને પોતાનો પક્ષ બનાવેલો તેમને રાહુલ ગાંધીએ ફરી કૉંગ્રેસમાં સ્થાન આપ્યું છે.

સ્વાભાવિક છે કે અગાઉ ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’, ‘ખાઓ ઔર ખાને દો’ તે નીતિ મોદી સરકારના ‘ખાતો નથી ને ખાવા દઈશ નહીં

’ના સૂત્રવાળા શાસનમાં બંધ થઈ અને તેથી આ બધા નેતાઓ મોદીને હટાવવા એક થયા છે. પરંતુ તેમની એકતા પણ બોદી છે.

કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને કૉંગ્રેસની સરકાર બની ત્યારે આ બધા એક મંચ પર દેખાયા હતા. તે પછી તાજેતરમાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં રેલી કરી ત્યારે પણ તેઓ એક મંચ પર જરૂર દેખાયા હતા પરંતુ તેમની વચ્ચે એકતાનો સદંતર અભાવ છે. પહેલાં તો, તેમની વચ્ચે વડા પ્રધાન કોણ બનશે તે જ નક્કી નથી.

રાહુલ ગાંધી અને મમતા બેનર્જી વચ્ચે બનતું નથી. રાહુલ ગાંધી મમતાને હિટલર જેવા સરમુખત્યાર કહે છે તો મમતા બેનર્જી તેમને ‘નાનકડા બાળક’ જેવા ગણાવે છે. રાહુલ ગાંધી મમતાની રેલીમાં ગયા નહોતા. તેના બદલે પ્રતિનિધિ તરીકે મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યા હતા. રાહુલ જાણે છે કે મમતા બેનર્જી વડાં પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. અને રાહુલે તો કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી વખતે જ પોતે વડા પ્રધાનના ઉમેદવાર હોવાનું જાહેર કર્યું હતું. આથી રાહુલ મમતાથી દૂર જ રહે છે અને આથી પશ્ચિમ બંગાળમાં રાહુલે મમતા સાથે ગઠબંધન કર્યું નથી. જોકે રાહુલ ડાબેરીઓ સાથે પશ્ચિમ બંગાળમાં ગયા ગઠબંધન કરવા પરંતુ ત્યાં પણ જોડાણ થઈ શક્યું નથી.

કરુણતા તો એ વાતની છે કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં કેજરીવાલ જે ચાલીસ-પચાસ ભ્રષ્ટ નેતાઓનાં નામ આપતા હતા કે તેમને હરાવવા જોઈએ તેમાં રોબર્ટ વાડ્રા, ચિદમ્બરમ્, શરદ પવાર, લાલુપ્રસાદ યાદવ સહિતના લોકો હતા. પરંતુ આજે એ જ કેજરીવાલ કૉંગ્રેસ સાથે જોડાણ કરવા કાકલૂદી કરે છે. પરંતુ કૉંગ્રેસે તેમને ‘લગભગ મના’ જ કરી રાખી. (ઉન્હોંને લગભગ મના કર દીયા એવું કેજરીવાલનું વાક્ય સૉશિયલ મિડિયામાં બહુ રમૂજ પ્રેરી ગયું.) દિલ્લીમાં શીલા દીક્ષિતે ના પાડી તો હરિયાણામાં ગઠબંધન કરવા ગયા ત્યાં પણ કારી ફાવી નહીં. તો શરદ પવારને મધ્યસ્થી બનાવ્યા અને ફરી ગઠબંધનનો લવલેટર રાહુલને લખ્યો. જોકે આખરે સમદુખિયાઓએ હાથ મિલાવી જ લીધા!

ઉત્તર પ્રદેશમાં સપ, બસપ અને કૉંગ્રેસનું ગઠબંધન થાય તો ભાજપને ખૂબ જ તકલીફ પડે તેવું હતું. પરંતુ બુઆ-બબુઆએ કૉંગ્રેસને સાવ દયા ખાતા હોય તેમ મા-બેટા માટે બે બેઠકો જ આપી. ખિજાયેલી કૉંગ્રેસે સામે સાત બેઠકો આ ગઠબંધનને આપી. માયાવતીના મુખ્ય પ્રહારો ભાજપના બદલે કૉંગ્રેસ પર જ હોય છે. ઉત્તર પ્રદેશમાં, આથી જ, કૉંગ્રેસે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના રૂપાળા ચહેરાને મેદાનમાં ઉતારવા પડ્યા છે. મને-કમને પ્રિયંકાએ પણ મોદીની રાહે ગંગા યાત્રા અને ‘મંદિર-મંદિર દ્વારે દ્વારે ઢૂંઢૂં મૈં મતદાતા’નું ગીત ગાવું પડ્યું છે.

કૉંગ્રેસને મહારાષ્ટ્રમાં એનસીપી અને તમિલનાડુ-પુડુચેરીમાં ડીએમકે સાથે ગઠબંધન થઈ ગયું છે. જોકે ગુજરાતમાં કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે આ લખાય છે (૨૯ માર્ચે) ત્યારે હજુ ગઠબંધન થયું નથી. થશે પણ કેવી રીતે? જેમને કૉંગ્રેસે પક્ષમાંથી જવા મજબૂર કર્યા તે શંકરસિંહ વાઘેલા એનસીપીના ગુજરાતમાં ને રાષ્ટ્રીય સ્તરે નેતા બની ગયા છે. એનસીપીએ ગુજરાતની તમામ બેઠકો પર લડવાની જાહેરાત પણ કરી દીધી છે.  

 બિહારમાં બેઠકોની વહેંચણી થતાં બહુ વાર લાગી. ૨૨ માર્ચે આ ગઠબંધનની જાહેરાત થઈ. લાલુપ્રસાદના રાજદએ ૨૦ બેઠકો પોતે રાખી, કૉંગ્રેસને નવ આપી. પરંતુ તે પછી રાજદના નેતાઓના વર્તનથી કૉંગ્રેસના નેતાઓ અકળાઈ ગયા. તેમાં તો (હવે ભાજપના પૂર્વ સાંસદ) શત્રુઘ્નસિંહાનો કૉંગ્રેસમાં પ્રવેશ ૨૮ માર્ચે થવાનો હતો તે છ એપ્રિલ સુધી અટકી ગયો. રાજદની અંદર પણ ભાઈઓ તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે ઘણા સમયથી ચાલતી યાદવાસ્થળી ટિકિટોની વહેંચણીમાં વધુ ઉછળી અને તેજપ્રતાપે રાજદના છાત્ર સંઘના પ્રમુખ પદેથી ૨૮ માર્ચે રાજીનામું આપી દીધું. બહેન મીસા ભારતી પણ દુઃખી હોવાનું બહાર આવ્યું.

તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં એનડીએમાંથી નીકળેલા ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીએ કૉંગ્રેસ સાથે ‘મહા કુટુમી’ (બિહારની વિધાનસભા ચૂંટણીમાં લાલુ-નીતીશકુમાર અને કૉંગ્રેસના ગઠબંધનને જેમ મહાગઠબંધનનું નામ અપાયું હતું તેમ) નામનું ગઠબંધન કરી જોયું. પરંતુ ચૂંટણીમાં સફળતા ન મળી તેથી ટીડીપીએ કૉંગ્રેસની સાથે ગઠબંધનનો ઈનકાર કર્યો. આમ, આંધ્ર પ્રદેશમાં પણ કૉંગ્રેસ અને ટીડીપી અલગ-અલગ લડશે.

કર્ણાટકમાં કૉંગ્રેસ અને જનતા દળ (એસ) વચ્ચે ગઠબંધન થયું તો છે પરંતુ બંને પક્ષના નેતાઓ વચ્ચે સરકાર રચાઈ ત્યારથી ભારે ખેંચતાણ ચાલે છે. મુખ્ય પ્રધાન કુમાર સ્વામી પોતે કહી ચૂક્યા છે કે તેઓ તો માત્ર ક્લાર્ક જ છે. સાચી સરકાર તો કૉંગ્રેસ જ ચલાવે છે.

આમ, તમામ રાજ્યોમાં અપવાદોને બાદ કરતાં મોદી સામેના આ ગઠબંધનમાં તકવાદ, સ્વબચાવ અને છલના સિવાય કંઈ નથી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment