Home » લવ જિહાદ : માત્ર હિન્દુઓ જ પીડિત નથી

લવ જિહાદ : માત્ર હિન્દુઓ જ પીડિત નથી

by Jaywant Pandya

સબ હેડિંગ: કેરળમાં આવેલા સાયરો મલાબાર ચર્ચે તો કહેલું છે કે કેરળમાં લવ જિહાદ એક મોટો ભય છે. તેનો ભોગ ખ્રિસ્તી યુવતીઓ પણ બની રહી છે. કેરળના કેથોલિક બિશપ્સ ચર્ચે પણ ૨૦૦૯માં કહ્યું હતું કે ઑક્ટોબર ૨૦૦૯ સુધીમાં માત્ર કેરળમાં જ ૪,૫૦૦ છોકરીઓને મુસ્લિમ યુવકોએ લક્ષ્ય બનાવી હતી. આ ચર્ચોના દાવાઓ સામે હિન્દુ વિરોધી બુદ્ધુજીવી કલમઘસુઓ અને લિબરલો ચૂપ છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૦૧/૨૦૨૧)

સર્વોચ્ચ ન્યાયાલયે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ‘લવ જિહાદ’ના કાયદા પર લગામ મૂકવાની તો ના પાડી છે પણ સમીક્ષા કરવા અવશ્ય કહ્યું છે. આ બાબતે અંગ્રેજી સમાચારપત્રોમાં પ્રેમ પર લગામ મૂકવાનું આ પગલું છે તેમ કહીને કાયદાનો વિરોધ કરવામાં આવે છે. પરંતુ સાચી વાત રજૂ કરાતી નથી. સાચી વાત શું છે?

સાચી વાત એ છે કે આ દેશે ક્યારેય પ્રેમનો વિરોધ કર્યો નથી, વિરોધ પ્રેમના નામે થતા પંથાંતરણનો છે. વિરોધ પ્રેમના નામે નિકાહ કરી પછી ત્રિ-તલાક આપી તરછોડી દેવાનો છે. વિરોધ પ્રેમના નામે લગ્ન પછી અરબ દેશોમાં વેચી દેવાનો છે. વિરોધ પ્રેમના નામે ઇસ્લામ સ્વીકારવા અને તે મુજબ વસ્ત્રો પહેરવા, રીતરિવાજો પાળવા ફરજ પાડવાનો છે. વિરોધ હિન્દુ નામ રાખી લગ્ન કરી પછી હિન્દુ પત્નીને ઇસ્લામ સ્વીકારવા ફરજ પાડવાનો છે.

યથાર્થમાં, આ દેશ પ્રેમ અને અહિંસાનો દેશ રહ્યો છે. અહીં શ્રી રામ અને સીતાજી વચ્ચે અદ્ભુત પ્રેમની ગાથા છે. શ્રી કૃષ્ણ અને રાધાજીના પ્રેમની અખૂટ ગાથા છે. દુષ્યંત અને શકુંતલા, નળ-દમયંતી, શ્રી હરિશ્ચંદ્ર અને તારામતી, સુગ્રીવ-તારા, પૃથ્વીરાજ-સંયુક્તા વગેરે અખૂટ ઉદાહરણો છે પ્રેમના. ઇતિહાસ પ્રેમ અને પ્રેમ માટે સમર્પણનાં અગણિત ઉદાહરણોથી ભરાયેલો છે. પરંતુ આપણી સમક્ષ આ ફિલ્લમવાળાઓએ પ્રેમનો વિરોધ કરતા સમાજ અને તેમાં મરી જતાં નિષ્ફળ મુસ્લિમ પ્રેમી-પ્રેમિકાઓ લૈલા-મજનુ, હીર-રાંઝા, શીરીં-ફરહાદ વગેરેના જ આપ્યા. સમાજ તો પ્રેમનો વિરોધી જ હોય. તેમાં ઘરબાર છોડવું જ પડે. ફિલ્લમવાળાઓએ માતાપિતાને તો વિલન જ ચિતરી દીધાં. પ્રેમ અને તે પછી લગ્ન બતાવ્યાં, પણ તે પછીની જિંદગી ન બતાવી. ગરીબી પર, શોષણ પર વાસ્તવિક ફિલ્મો સત્યજીત રેથી માંડીને ઘણાએ બનાવી પરંતુ લગ્ન પછીની વાસ્તવિકતા પણ બતાવવી આવશ્યકતા હતી. ખાસ કરીને લવ જિહાદવાળા લગ્ન.

આપણા દેશમાં અહિંસાનું પણ સ્થાન ભગવાન મહાવીર અને ગાંધીજીના કારણે વધુ રહ્યું. એટલે પંથાંતરણ થાય કે દીકરી મુસ્લિમને પરણી જાય તો તેમાં જે પંથાંતરણ કરે તેને મારી નખાતો નથી. દીકરીની અને જમાઈની હત્યા કરાતી નથી. ઉલટું આપણે ત્યાં જમ જેવા જમાઈને માથે ચડાવાયો છે. દીકરી પર ગમે તેવા અત્યાચાર કરે, દીકરીને ગમે તેટલી ખરાબ રીતે રાખે, તેને કંઈ નહીં કહેવાનું. બીજી તરફ, ઇસ્લામમાં આવું નથી. તેમાં કોઈ પંથાંતરણ કરે કે મુસ્લિમ દીકરી હિન્દુ કે અન્ય સાથે લગ્ન કરે તો તેમને-દીકરી-જમાઈને મારી નાખતા ખચકાતા નથી.

પણ આને લવ જિહાદનું નામ કેમ અપાયું? ઇસ્લામની તરફેણ કરનારાઓ કહે છે કે જિહાદ એટલે પોતાની અંદર રહેલા પાપ અથવા કુવિચાર અથવા દુર્ગુણો સામે લડવું. પરંતુ તેનો અર્થ કટ્ટરવાદીઓએ કાઢ્યો, ઇસ્લામ સિવાયના પંથના લોકોને યેન કેન પ્રકારેણ, તલવારના જોરે, લોભ-લાલચથી, બળાત્કારથી ઇસ્લામમાં લઈ આવવા. ત્રાસવાદીઓએ આ શબ્દનો ભારે દુરુપયોગ કર્યો. આથી જ આ શબ્દ નકારાત્મક અર્થમાં જોવાવા લાગ્યો. તેમાં એવા કિસ્સાઓ બહાર આવ્યા જેમાં હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીને ફસાવી પછી મુસ્લિમ બનાવી દે. જો જાળમાં ન ફસાય તો એસિડ ફેંકી મોઢું કુરૂપ કરી નાખે (દીપિકાની ફિલ્મ ‘છપાક’ જે સાચા કિસ્સા પરથી બની હતી તે લક્ષ્મી અગરવાલ), મારી નાખે. જો ફસાય તો મુસ્લિમ બનાવવા ફરજ પાડે. જો યુવતી ના પાડે તો ત્રિ-તલાકના શસ્ત્રથી તરછોડી દેવાય અથવા મારી સુદ્ધાં નખાય. આથી તેને લવ જિહાદ નામ મળ્યું. આવા કિસ્સા રોજબરોજ બહાર આવે છે, પરંતુ હિન્દુવાદી સંસ્થાઓ ડાબેરીઓ કે બીજા પંથના લોકોની જેમ ઇતિહાસ, વર્તમાનના દસ્તાવેજીકરણમાં હંમેશાં ઢીલી અથવા સુવ્યવસ્થિત ન હોવાથી પોતાની વાત આંકડાકીય રીતે મૂકી શકતી નથી અને લવ જિહાદને લવના નામે સમર્થન કરતા ડાબેરીઓ, ફિલ્મોમાં પણ છેલ્લા કેટલાય વખતથી મુસ્લિમ હીરો અને હિન્દુ યુવતીની કથા બતાવતા કલાકારો લવ જિહાદના કાયદા લાવનાર સરકારોને પ્રેમની શત્રુ તરીકે ચિતરે છે.

સેક્યુલર ગ્રૂપ ‘ઇન્ડિયા ટૂડે’ની વેબસાઇટ પર ગત ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ મૂકાયેલો આ કિસ્સો વાંચો. ઉત્તર પ્રદેશના સોનભદ્રાની એક ૨૩ વર્ષીય યુવતીનો માથું કપાયેલો દેહ મળી આવ્યો કારણકે તેણે પંથ પરિવર્તન કરવા ના પાડી હતી. તેની ઓળખ પ્રિયા સોની તરીકે થઈ હતી. તે પરિવારની ઈચ્છા વિરુદ્ધ દોઢ મહિના પહેલાં એજાઝ નામના મુસ્લિમ યુવકને પરણી હતી. એજાઝે તેને પોતાના ઘરમાં નહીં, પણ એક લોજમાં રાખી હતી. અને તે તેના પર ઇસ્લામ સ્વીકારવા સતત દબાણ કરે રાખતો હતો. પ્રિયાએ ન માનતાં, તેની તેણે હત્યા કરી નાખી.

અગરવાલ કૉલેજની બી. કૉમ.ની વિદ્યાર્થિની ૨૧ વર્ષીય નીકિતા તોમરનું એક મુસ્લિમ યુવક તૌફીકે અપહરણ કરવા પ્રયાસ કર્યો. તેમાં નિષ્ફળ જતાં તેને ગોળી મારી દીધી!

માત્ર જુલાઈ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં જ આવા તો ૧૬ કિસ્સા બની ચૂક્યા છે. અને તેનો ભોગ માત્ર સામાન્ય હિન્દુ યુવતી જ બને છે તેવું નથી. સંગીતકાર સાજિદ-વાજિદ પૈકી વાજિદ ખાન તો કોરોનાના કારણે નાની ઉંમરમાં ગુજરી ગયા પણ તેની પત્ની કમાલરુખે કહ્યું હતું કે વાજિદનો પરિવાર તેને ઇસ્લામ સ્વીકારવા માટે ખૂબ દબાણ કરતો હતો જેના કારણે વાજિદ અને તેના વચ્ચે પણ સંબંધ બગડી ગયા હતા. (લવ જિહાદ અને ટીપુ સુલતાનની સચ્ચાઈ માટે જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા એસ. એલ. ભૈરપ્પાની  ‘આવરણ’ નામની નવલકથા વાંચવી જોઈએ.) અભિનેત્રી પ્રીતિ તલરેજાએ પણ મુસ્લિમ પતિ પર બનાવટ કરી લગ્ન કર્યા અને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ અને માર મારવાનો આક્ષેપ કર્યો છે. તેણે પુરાવા આપ્યા છતાં મુંબઈની હિન્દુ વિરોધી સરકારની પોલીસ એફઆઈઆર નોંધતી નથી તેવો તેનો દાવો છે. પ્રીતિનું કહેવું છે કે કાનૂની દસ્તાવેજો પર તેનો પતિ અભિજીત પેટકર નામ વાપરે છે! તેના પતિનાં લફરાં પકડી પાડ્યાં તો તેના પતિએ એમ કહ્યું કે હું તો ચાર લગ્ન કરી શકું છું! તેણે ટ્વિટર પર લખ્યું કે “હું હિન્દુ તરીકે જન્મી છું. અને હિન્દુ તરીકે જ મરીશ. મારી બધાને વિનંતી છે કે તમારી દીકરીઓને છોડશો નહીં.”

મૂળ તો લૂટારા મુસ્લિમ શાસકો જ આવો વિષય લાવ્યા હતા. તેઓ યુદ્ધમાં છેતરપિંડી કરતા, નિયમો તોડતા, એટલું જ નહીં, જે પ્રજા પર આક્રમણ કરે તે રાણી-રાજકુમારીથી માંડીને સામાન્ય જનતાની યુવતી, માતા પર બળાત્કાર કરે, તેમને મારી નાખે. આવું ષડયંત્ર જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોને ખદેડવા બાબતે પણ અપનાવાયું હતું. અનેક હિન્દુ સ્ત્રીઓ મુસ્લિમ કટ્ટરવાદીઓની લંપટતા અને અત્યાચારનો શિકાર બની હત્યા પામી હતી. મુસ્લિમ શાસકો એ પણ જોતાં કે તેઓ હિન્દુ રાજકુમારીને પરણે કારણકે તેમના સંતાનનો પંથ તો પિતાનો જ ગણાય. જોધાબાઈ અકબરને પરણ્યાં અને કિવદંતી પ્રમાણે જોધાબાઈને અકબરે સારી રીતે રાખ્યાં કે ન રાખ્યાં તે અલગ વિષય કરીએ તો પણ અકબરનો વંશવેલો કંઈ હિન્દુ તો થયો નહીં, ઉલટો ઔરંગઝેબ જેવો કટ્ટર થયો, જેણે હિન્દુઓને હેરાન કરવામાં, ઉપાસના સ્થળો તોડવામાં કંઈ બાકી ન રાખ્યું.

કેરળમાં આવેલા સાયરો મલાબાર ચર્ચે તો કહેલું છે કે કેરળમાં લવ જિહાદ એક મોટો ભય છે. તેનો ભોગ ખ્રિસ્તી યુવતીઓ પણ બની રહી છે. કેરળના કેથોલિક બિશપ્સ ચર્ચે પણ ૨૦૦૯માં કહ્યું હતું કે ઑક્ટોબર ૨૦૦૯ સુધીમાં માત્ર કેરળમાં જ ૪,૫૦૦ છોકરીઓને મુસ્લિમ યુવકોએ લક્ષ્ય બનાવી હતી. આ ચર્ચોના દાવાઓ સામે (અને ઉપર વર્ણવ્યું તેવા પારસી કમાલરુખ જેવા કિસ્સાના મુદ્દે) હિન્દુ વિરોધી બુદ્ધુજીવી કલમઘસુઓ અને લિબરલો ચૂપ છે. માત્ર કેરળ જ નહીં, કેન્દ્રની હિન્દુવાદી મોદી સરકારે પણ સત્તાવાર રીતે લવ જિહાદ જેવું કંઈ ન હોવાનું જણાવ્યું છે એટલે ડાબેરીઓ-હિન્દુ વિરોધીઓ-લિબરલો ઊછળી-ઊછળીને મોદી સરકાર કે કૉર્ટને ટાંકે છે.

૨૦૧૪માં શીખ કાઉન્સિલને પણ અહેવાલ મળેલા કે બ્રિટનમાં શીખ પરિવારની યુવતીઓને લવ જિહાદની શિકાર બનાવાઈ રહી છે. લવ જિહાદ આ માત્ર હિન્દુઓનો જ ચિંતાનો વિષય નથી. પરંતુ આને માત્ર હિન્દુવાદી સંસ્થાઓ અને ભાજપ સરકારે બનાવેલા કાયદા અને તે પહેલાં યોગી સરકારે બનાવેલી એન્ટી રોમિયો સ્ક્વૉડ સાથે જોડી ડાબેરીઓ-લિબરલો-હિન્દુ વિરોધીઓ હિન્દુવાદીઓને પ્રેમીઓના ખલનાયક તરીકે ચિતરી રહ્યા છે.

મૂળ તો, લવ જિહાદના કિસ્સા જે ગામ, નગર, શહેરમાં બને છે ત્યાં આક્રોશ જન્મે છે, પરંતુ તેની સામે સમગ્ર દેશમાં સંગઠિત રીતે જે વિરોધ થવો જોઈએ તે થતો નથી. આ માટે હિન્દુવાદી સંસ્થાઓએ ખ્રિસ્તી ચર્ચો સાથે મળીને કામ કરતા પણ અચકાવું ન જોઈએ. પરંતુ હિન્દુવાદી સંસ્થાઓની તકલીફ એ છે કે કાશ્મીરના પંડિતોનો વિષય હોય કે સીએએનું સમર્થન, જ્યારે વિરોધીઓ પ્રબળ આંદોલન કરે પછી જ જાગે છે. આખા દેશમાં પોતાની વાત બરાબર પહોંચાડી શકતા નથી. (૧૯૮૯નું રામજન્મભૂમિ આંદોલન અપવાદ ગણી શકાય.) મિડિયા તો તેમની વાત દર્શાવતું જ નથી. (હવે ઝી ન્યૂઝના સુધીર ચૌધરી જેવા અપવાદ છે પણ તેના પર બ્રાન્ડિંગ થઈ જાય છે.)

બીજી વાત એ પણ છે કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી વગેરે પરિવારોમાં યુવતીઓનો ઉછેર ભારે છૂટછાટ સાથે થવા લાગ્યો છે. (હવે તો હિન્દુ નવજાત માતાપિતા પોતાનાં બાળક/બાળકીને હોઠ પર હોઠ જડીને ચુંબન કરતી તસવીરો ખેંચાવતાં થયાં છે.) આને સારી બાબત ગણવી કે ખરાબ એ ચર્ચાનો વિષય છે. પરંતુ છાપામાં છપાતી પ્રેમ કથાઓથી માંડીને ફિલ્મોની પ્રેમ કથા (એમાંય સંજય લીલા ભણશાળી જેવા ઐતિહાસિક પાત્રોની પ્રેમ કથા પર ચડીને વિકૃત નિરુપણ કરે.) યુવતીઓને માતાપિતા સામે વિદ્રોહ કરતા જ શીખવે છે. બીજી તરફ, મુસ્લિમ યુવતીઓનો ભારે બંધનો સાથે ઉછેર થાય છે. નાનપણથી જ એ માનસિકતા ઘર કરી ગઈ હોઈ તેમને બુરખો બંધન નથી લાગતો. તેમને તેમના પરિવાર કે સમાજનો સતત ભય પણ હોય છે. મુસ્લિમેત્તર સમાજમાં પ્રાઇવસી નામનું દૂષણ ભારે ઘર કરી ગયું છે. પડોશી કે કુટુંબીજનો હવે કોઈ પ્રશ્ન કરે તો તેને દખલ માનવામાં આવે છે અને પોતાના સંતાનનો બચાવ કરવામાં આવે છે. તેમના સંતાનો પણ કંઈ સારાં નથી તેવી પોતાના સંતાન સામે દલીલ કરવામાં આવે છે જેથી સંતાન વંઠી જાય છે.

તેને લાગે છે કે પોતે કરે છે તે સાચું જ કરે છે. સંતાનના મોબાઇલ (દીકરી હોય કે દીકરો)માં તેનો પોતાનો પાસવર્ડ હોય છે જે તે સતત બદલતું રહે છે. અને ટૅક્નૉલૉજીથી અજાણ માતાપિતાને ખબર જ નથી રહેતી કે સંતાન કોની સાથે, કેટલાની સાથે લફરાં કરે છે. પ્રેમ તો રૂપાળું નામ છે. પ્રેમમાં સમર્પણ હોય, ત્યાગ હોય, બળજબરી ન હોય. પંથ પરિવર્તનની ફરજ ન હોય. અને છેવટે જ્યારે દીકરી ભાગી જાય ત્યારે માબાપ હાંફળાં-ફાંફળાં બને છે. કેટલાક સમાજના ડરે પોલીસ સ્ટેશને જતાં નથી અને આપણે દીકરી હતી જ નહીં, તેમ કહી આત્મછલના કરે છે, કેટલાક લોકો પોલીસ સ્ટેશને જાય છે પરંતુ પોલીસને આવા કિસ્સા ઉકેલવામાં ઝાઝો રસ હોતો નથી. આ બધામાં મત બૅન્ક પણ કામ કરે છે કારણકે યુવક જે સમાજમાંથી આવે છે તેના મતો સંગઠિત છે. વળી, કટ્ટરવાદીઓ સંગઠિત રીતે બેંગ્લુરુની જેમ હિંસા કરી શકે છે. આથી આવા કિસ્સાઓમાં ભાજપ સરકારો પણ બહુ મચક આપતી નથી. (યોગી, શિવરાજસિંહ ચૌહાણ વગેરે અપવાદ છે.) ગુજરાતની જ વાત કરીએ. અહીં કેટલાંય વર્ષથી લવ જિહાદ સામે કાયદો બનાવવા માગણી થાય છે. હવે તો ભાજપના ધારાસભ્ય-સાંસદો મનસુખ વસાવા, રંજનબહેન ભટ્ટ વગેરે પણ માગણી કરવા લાગ્યા છે પણ હજુ તેના મુદ્દે સરકારે મગનું નામ મરી પાડ્યું નથી. કદાચ આવતી વિધાનસભા ચૂંટણી માટે મુદ્દો બાકી રાખ્યો હશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment