Home » સીતા રામ ચરિત અતિ પાવન

સીતા રામ ચરિત અતિ પાવન

by Jaywant Pandya

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૫ માર્ચ ૨૦૧૮)

આજે રામનવમી છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ભલે ૨૫ માર્ચ હોય, પણ ચૈત્ર સુદ નવમી એટલે આખું વિશ્વ તેને રામનવમી તરીકે ઉજવે. બુદ્ધુજીવીઓ ચેકમાં તિથિ લખી શકાતી નથી કે હિન્દુઓને તિથિ ખબર નથી હોતી તેમ કહીને ભલે હિન્દુઓનો ઉપહાસ ઉડાવે પરંતુ એ ભૂલી જાય છે કે તેમના આદર્શ મહાન પૉપના પ્રેરણામૂર્તિ ઈશુના પાંચ હજાર એકસો ચૌદ વર્ષ પહેલાં જન્મી ગયા હતા અને આ દુનિયા પર એવું જીવન જીવી ગયા કે કરોડો-અબજોની પ્રેરણામૂર્તિ બની ગયા. તેમના કારણે શ્રી મોરારીબાપુ આજે વિશ્વભરમાં ખ્યાત છે અને તે મોરારીબાપુની રામ કથામાં અનેક લેખકો-પત્રકારો વિશ્વ પ્રવાસે પણ જઈ શકે છે તે પ્રભુ શ્રી રામનો જ પ્રતાપ. રામનામનો પ્રતાપ.

એક સામાન્ય મોહનદાસ કરમચંદ ગાંધી જેમને બીડી પીવાનો શોખ થયો હતો, દોકડા ચોરવાની ટેવ કરનાર વિષયાંધ મહાત્મા ગાંધી બની ગયા તે પ્રભુ શ્રી રામ અને તેમના જીવનની કથા ‘રામાયણ’નો જ પ્રતાપ. મહાત્મા ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખ્યું છે:

‘જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઈ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે તેમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી. તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારું અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્યાં લગી તો આ નભ્યું. રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઈ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ધા નહોતી. પેલા વડીલ ભાઈના પ્રત્યે માન હતું તેથી અને કંઈક રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

પણ જે વસ્તુએ મારા મન પર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત. બીલેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમના વિશે એક કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બીલેશ્વરના બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઉતરતા તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યા ને કેવળ રામનામનો જાપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથા આરંભી ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું. લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઈ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઈ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણ-શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું…’

ગાંધીજી આગળ લખે છે, ‘ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્યે કંઈક અભાવ થયો. તે કાળે હાઇસ્કૂલને કોઈ ખૂણે કોઈ ખ્રિસ્તી વ્યાખ્યાન આપતા. તે હિન્દુ દેવતાઓની ને હિન્દુ ધર્મીઓની બદબોઈ કરતા. આ મને અસહ્ય લાગ્યું….જે ધર્મ અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય?’

યુવાનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદ પણ પ્રભુ શ્રી રામથી ખૂબ જ પ્રભાવિત હતા. એક વાર તો પ્રભુ શ્રી રામે પોતે સ્વામી વિવેકાનંદને ભોજન કરાવેલું. ઘટના કંઈક આવી હતી. એક વખત સ્વામી વિવેકાનંદ પ્રવાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. તેમના ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. ભૂખ્યા પેટે તેઓ તારી ઘાટના રેલવે સ્ટેશન પર બેઠા હતા. આવામાં એક વ્યક્તિ સ્વામીજીની બાજુમાં આવ્યો, બેઠો અને પોતાનો ડબ્બો ખોલી ખાવા લાગ્યો. તેને સન્યાસીની કોઈ કદર નહોતી. તેણે સ્વામીજીને કહ્યું, “જો, મારી પાસે જમવા માટે સ્વાદિષ્ટ ભોજન છે. તારે સૂકા ગળે અને ખાલી પેટે જ ગુજારો કરવો પડે છે.” સ્વામી તો સન્યાસી! કોઈ પ્રતિક્રિયા ન આપી. શાંત ભાવથી બેઠા રહ્યા. ભગવાનનું નામ લેતા રહ્યા.

એટલામાં અચાનક એક અજાણ્યો માણસ ભોજન અને પાણી લઈને વિવેકાનંદજી પાસે આવ્યો અને સ્વાજીને ભોજન ગ્રહણ કરવા પ્રાર્થના કરવા લાગ્યો. પરંતુ સ્વામીજી તો સન્યાસી. એમ કેવી રીતે ભોજન લે? પેલા આગંતુકે કહ્યું, “ગત રાત્રે મારા સ્વપ્નમાં પ્રભુ શ્રી રામ આવ્યા હતા અને તેમણે જ મને આદેશ આપ્યો છે કે તાર ઘાટ સ્ટેશન પર બેઠેલા સન્યાસીને ભોજન કરાવ.”

આ વાત સાંભળતા જ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી સ્વામીજીની આંખો ભરાઈ આવી અને તેમણે બહુ જ પ્રેમપૂર્વક તે ભોજનનો સ્વીકાર કર્યો.

સ્વામી વિવેકાનંદજી પ્રભુ શ્રી રામ વિશે કહેતા, “પ્રભુ શ્રી રામનો પ્રેમ ચાંડાળને પણ તેમની તરફ આકર્ષે છે. તેમણે હંમેશાં સારું કરવા પ્રયત્ન કર્યો. પ્રભુ શ્રી રામ યુગો યુગોથી સમસ્ત માનવ જાતના આદર્શ રહ્યા છે. તેઓ સત્ય અને નૈતિકતાની મૂર્તિ હતા. તેઓ આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ પિતા અને એ બધાથી ઉપર આદર્શ રાજા હતા. આવા રામને આપણી સમક્ષ મહાન સંત વાલ્મીકિએ રજૂ કર્યા છે. પ્રભુ શ્રી રામ અને માતા સીતા આપણા દેશના નર-નારીના આદર્શ છે.

જાણીતા અમેરિકી લેખક અને હાસ્યકાર માર્ક ટ્વૈને લખ્યું છે, “ભારત એ માનવ જાતિનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનની છે, દંતકથાની દાદી છે, અને પરંપરાની પરદાદી છે. આપણા માનવ ઇતિહાસની સૌથી કિંમતી અને સૌથી સૂચનાત્મક સામગ્રીનો ખજાનો માત્ર ભારતમાં જ રહેલો છે. (સંદર્ભ પુસ્તક: ફૉલોઇંગ ધ ઇક્વેટર)

માર્ક ટ્વૈન આ પુસ્તકમાં લખે છે, “ઘરે (મારા દેશમાં), લોકોને આશ્ચર્ય થાય છે કે ખ્રિસ્તી પંથ ભારતમાં ઝડપથી ફેલાતો કેમ નથી? તેમને સાંભળવામાં આવે છે કે ભારતીયો કોઈ પણ વાત સરળતાથી માની લે છે. તેમને ચમત્કારોમાં તો કુદરતી જ વિશ્વાસ છે…પછી તેઓ (અમેરિકાના લોકો) દલીલ કરે છે કે ભારતના લોકો સામે ખ્રિસ્તી પંથ મૂકો તો તેઓ બાઇબલમાં આપેલા ચમત્કારોમાં માનવા લાગવાના. આમ છતાં ભારતમાં ખ્રિસ્તી પંથનો ફેલાવો કેમ નથી થતો?…

સત્ય એ છે કે આપણે એટલા સુસજ્જ નથી. આ કામ એટલું સરળ નથી…મેં પ્રવચન શરૂ કર્યું તો લોકોને ઉત્સુકતા હતી, પરંતુ જેમજેમ હું આગળ બોલતો ગયો તેમ લોકોને રસ ઉડતો ગયો…એક હિન્દુ સદગૃહસ્થે મને કહ્યું કે મારી ભૂલ ક્યાં હતી. તેણે કહ્યું, “અમે હિન્દુઓ ઈશ્વરને તેમના કાર્યોથી ઓળખીએ છીએ. (અર્થાત્ તેમના ગુણોને માનીએ છીએ). તે માટે કોઈ પુરાવાની જરૂર નથી…આ વિશ્વમાં અનેક દેશો છે અને દરેક દેશને તેના પોતાના ઈશ્વર છે. આથી તેઓ બીજા કોઈ ઈશ્વરને માનશે જ નહીં, કારણકે દરેક જૂથ માને છે કે તેના ઈશ્વર સૌથી મજબૂત છે…તમારે સેમસનને જેમ અમાનવીય દિવ્ય શક્તિઓ હતી, તેમ બહુ બહુ વર્ષો પહેલાં જ્યારે અમારા પ્રભુ શ્રી રામ શ્રીલંકાના રાવણ સામે યુદ્ધ લડતા હતા ત્યારે પ્રભુ શ્રી હનુમાન હિમાલયમાંથી આખો પર્વત ઊંચકીને શ્રીલંકા લઈ આવેલા. શ્રી હનુમાન પાસે જો ઈશ્વરની તાકાત ન હોય તો તેઓ આ કામ કરી જ ન શક્યા હોત.”

કૉંગ્રેસના શાસનમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કહેવાયું હતું કે રામ સેતુ માત્ર કલ્પના જ છે. સુપ્રીમ કૉર્ટમાં કૉંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે રામ સેતુ નરી કલ્પના જ છે. પરંતુ હવે તો નાસાની સેટેલાઇટ તસવીરો અને અન્ય પ્રમાણો સાથે ભૂગર્ભ વિશેષજ્ઞ એલન લેસ્ટરે કહ્યું છે કે હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રી રામે ભારત અને શ્રીલંકાને જોડવા માટે એક પૂલ બનાવ્યો હતો. આ પ્રકારનો પૂલ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આ પ્રૉગ્રામ ડિસ્કવરી સાયન્સ ચેનલે બતાવ્યો હતો.

જાણીતા લેખક સ્ટીફન નેપ પણ શ્રી રામ માત્ર કાલ્પનિક પાત્ર નહીં, ઇતિહાસમાં બની ગયેલી ઘટના હોવાનું પૂરવાર કરે છે. તેઓ ગયા વર્ષે વિશ્વ રામાયણ પરિષદમાં ભાગ લેવા આવેલા. વર્ષ ૨૦૧૬ના ડિસેમ્બરમાં જબલપુરમાં વિશ્વ રામાયણ પરિષદ યોજાઈ ગઈ પરંતુ બ્રાઝિલના રિયો ડી જાનેરો ઉત્સવની અર્ધનગ્ન છોકરીઓના ફોટા છાપતા અને બતાવતા આપણા મિડિયામાં આ પરિષદની નોંધ જોઈએ તેવી લેવાઈ નહીં. આ પરિષદમાં વિશ્વભરમાંથી ૨૫૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. થાઈલેન્ડના બેંગ્કોકની થમ્મસત યુનિવર્સિટીના ભારત અધ્યયન કેન્દ્ર અને અન્ય અનેક વિભાગોના નિર્દેશક નોંગલુક્સાન થેપ્સાવસ્દીએ કહ્યું હતું, “થાઇલેન્ડમાં અમે રામાયણને રામકિન કહીએ છીએ. ત્યાં રામાયણને સાંસ્કૃતિક સાહિત્ય મનાય છે જે સમાજને દિશા આપે છે. દરેક ઉંમરના લોકો રામલીલા જુએ છે.”

અમેરિકાના આઈઓવાના માઇકલ સ્ટર્નફીલ્ડે કહ્યું હતું, “જ્યારે આપણે પ્રભુ શ્રી રામના જીવનનું શ્રવણ કરીને જીવન જીવવા પ્રયાસ કરીએ છીએ તો આપણો દૃષ્ટિકોણ ધર્મની સર્વગ્રાહ્યતા અને વ્યાપકતાને આત્મસાત કરીને દરેક ચરણ સાથે વ્યાપક થતો જાય છે.” દશકોથી ક્વૉન્ટમ ફીલ્ડ સિદ્ધાંત અને ભૌતિક વિજ્ઞાનના બીજાં પરિમાણો પર કાર્યરત્ વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ શાર્ફે કહ્યું હતું, “રામાયણની કથાને આંતરિક જગતના મૂળ દર્શનને જણાવનાર પણ મનાય છે. જેને આપણે વાસ્તવિક જગત સમજીએ છીએ, તે હકીકતે અત્યંત સીમિત અને અધૂરી સમજનું પરિણામ છે. આપણને આવશ્યકતા છે વધુ ઊંડી અને વ્યાપક સમજની.”

સ્ટીફન નેપે આ પરિષદમાં કહ્યું હતું, “રામાયણ આપણને જણાવે છે કે નેતૃત્વ કેવું હોવું જોઈએ. પ્રભુ શ્રી રામ અને રાક્ષસરાજ રાવણ બંનેનું ઉદાહરણ આપણી સામે છે જે બતાવે છે કે નેતૃત્વ ધારે તો વિશ્વને કલ્યાણ તરફ લઈ જાય અને ધારે તો વિનાશ તરફ.”

આમ, પ્રભુ શ્રી રામની ગાથા તો સમગ્ર વિશ્વ ગાય છે, કેટલાક બુદ્ધુજીવીઓ ન ગાઈ શકે તો તેમનાં દુર્ભાગ્ય!

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.