Home » ગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ!

ગુજરાત સ્થાપના દિને સાચી ગુજરાતીનો સંકલ્પ લઈએ!

by Jaywant Pandya

સબ હેડિંગ: હવે તો ઑનલાઇન કે મોબાઇલ એપમાં ગુજરાતી લેક્ઝિકૉન, ભગવદ્ ગોમંડળ, શબ્દકોશ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આપણી રોજિંદી બોલચાલ કે પત્રકારો દ્વારા લખાતી ભાષામાં વધીને પાંચસો શબ્દો આવે છે. શું આપણે તેની જોડણી, તેનું લિંગ યાદ ન રાખી શકીએ?

(સાધના સાપ્તાહિક, ‘સાંપ્રત કૉલમ’, ૦૨/૦૫/૨૦૨૦)

ગુજરાતના સ્થાપના દિને જો ગુજરાતીની વાત ન કરીએ તો વાત અધૂરી રહે. અહીં ગુજરાતી એટલે ગુજરાતી જાતિની- પ્રદેશમાં રહેતા લોકોની વાત નથી, ભાષાની વાત છે. ગુજરાતી મીઠી મધુરી ભાષા. બાર ગાઉએ બોલી બદલાય. મહેસાણામાં ‘કેમ’ને ‘ચ્યમ’ કહે તો સૌરાષ્ટ્રમાં શનો ઉચ્ચાર હ અને શની વચ્ચે થાય, જે અદ્દલ તેવો જ લખી ન શકાય. દક્ષિણમાં સુરતને પારસીના પ્રભાવમાં હુરટ કહે. અમદાવાદ-સુરેન્દ્રનગરમાં તો ખર્ચમાં જેમ કરકસર તેમ, બોલવામાં પણ કરકસર!

કાનાવાળા શબ્દમાં કાનો કાઢી નાખવાનો. ભાઈના બદલે ભઈ, નાહીના બદલે નહી, ખાઈ લીધુંના બદલે ખઈ લીધું, આવ્યાનું આયા થઈ જાય! ટુવાલનું રૂમાલ થઈ જાય. ક્યાંક થેપલાંમાં ગરબડ! ભાખરીને થેપલાં કહે! બટેટાવડાંને ગોટાં કહે. ભાવનગરમાં ગોટા એટલે મેથીના ગોટા જ સમજાય. રાજકોટમાં મેચ પુલિંગ થઈ જાય તો શેષ ગુજરાતમાં મેચ સ્ત્રીલિંગ રહે. ચા બાબતે પણ આવું જ. ચા પીધો કે ચા પીધી તેનો ફેર.

પરંતુ હવે સ્થિતિ એવી થઈ છે કે જે લોકોના શિરે ભાષાની પણ જવાબદારી છે તેવા પ્રસાર માધ્યમોમાં જ ભાષાની બૂરી વલે થવા લાગી છે. દુઃખની વાત છે પણ સાચી છે. ઉપર કહ્યું તેમ ચા પીધો કે પીધી તો સ્થાનિક બોલવામાં ફેર છે તેથી થાય છે પરંતુ પ્રસાર માધ્યમોમાં ભગવદ્ ગો મંડળ અને સાર્થ જોડણી કોશ-કે. કા. શાસ્ત્રી જોડણી કોશના આધારે ધ્યાન રખાવું જોઈએ તે પણ રખાતું નથી. ચેનલોનો પ્રશ્ન અલગ છે. તેમાં સમાચાર આવ્યા કે તરત ટીવી પર બતાવવા પડે તેવી ગળાકાપ સ્પર્ધા છે. બ્રેકિંગ ન્યૂઝ વખતે તો માત્ર એક જ વાક્યના સમાચાર હોય, તેનો સતત વિચાર-વિસ્તાર કરવો પડે ત્યારે કદાચ બોલવામાં ભૂલ થઈ જાય તે સમજાય.

પરંતુ મુદ્રિત માધ્યમ હોય કે વેબસાઇટનું માધ્યમ હોય ત્યાં આવી ભૂલ થાય તે સમજાતું નથી. વેબસાઇટમાં તો એક વાર અપલૉડ થઈ જાય પછી તેમાં સંપાદનની સગવડ પણ છે. ભૂલ ધ્યાને પડે તો સુધારી શકાય છે. તકલીફ એ છે કે સારાં-સારાં મુદ્રિત માધ્યમોમાં પ્રૂફ રીડર કાં તો છે જ નહીં, અથવા હોય તો તેમની ભૂલસુધારણાને ધ્યાનમાં નથી લેવાતી. વાચકને સમજાય જાય એ જ ભાષા એમ કહીને તંત્રી-સંપાદક પણ ભૂલો જવા દે અને તેમાં પણ ઘણી વાર તેમનો વાંક નથી હોતો. પેજ રિલીઝ કરવાની ડેડલાઇન આવી જાય એટલે જવા દેવું જ પડે.

આ બધાં સાચાં કારણો છે તેમ છતાં પત્રકારો ભાષાસજ્જ ન હોય તે ન જ ચાલે. આથી પત્રકારોને ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન તો આપવું જ પડે. માતા માટે ‘મા’ લખો તો હિન્દીમાં ‘માં’ એમ મા પર અનુસ્વાર આવે, ગુજરાતીમાં ન આવે પરંતુ હિન્દી ચેનલો જોઈ જોઈને અથવા હિન્દી વેબસાઇટ પરથી અનુવાદ કરતી વખતે ગુજરાતીમાં ‘માં’ લખાય તો તેનો અર્થ ‘અંદર’ થાય. હિન્દીમાં ‘કિતાબ’ સ્ત્રીલિંગ છે, ગુજરાતીમાં પુસ્તક નપુંસકલિંગ છે. તો ‘કિતાબ’નો અનુવાદ ‘પુસ્તક’ તો કરી નાખ્યો પરંતુ ક્રિયાપદ વગેરેમાં નપુંસકલિંગના બદલે સ્ત્રીલિંગ વાપરો તે ન ચાલે. આવું જ ‘મોત’નું છે. તે હિન્દીમાં સ્ત્રીલિંગ છે, ગુજરાતીમાં નપુંસકલિંગ છે.

હવે તો gujaratilexicon, bhagavadgomandalonline, shabdkosh વગેરે વેબસાઇટ ઑનલાઇન પણ ઉપલબ્ધ છે જેમાં અનેક સગવડ છે. તેમની મોબાઇલ ઍપ પણ છે. અંગ્રેજીના ગુજરાતી, ગુજરાતીનું ગુજરાતી, ગુજરાતી શબ્દોનું લિંગ, પર્યાય વગેરે અનેક સગવડો આપી છે. શું પત્રકારો એક સેકન્ડમાં થતું આ કામ ન કરી શકે? ગુજરાતી શબ્દ નાખીને લિંગ તપાસી ન શકે? હિન્દી કે અંગ્રેજી શબ્દો જેમના તેમ વાપરવાના બદલે તેના ગુજરાતી શબ્દો જ્યારે પ્રાપ્ય અને પ્રચલિત હોય ત્યારે તેને પ્રયોજી ન શકે?

મરાઠી લોકો પ્રત્યે મને તેમના ભાષાપ્રેમના કારણે ખૂબ જ માન. એક મરાઠી ભાઈએ મારું નામ પૂછ્યું ત્યારે તેમણે અંગ્રેજીમાં લખવા માટે મને સ્પેલિંગ પૂછ્યો કે ડબ્લ્યુ કરો છો કે વી? આવું કોઈ ગુજરાતીએ પૂછ્યું હોય તેવું ધ્યાનમાં નથી. તે તો વી ઠપકારી જ દે છે. બીજું કે અલગ-અલગ ક્ષેત્રમાં સારા-સારા ઉચ્ચ કક્ષાએ બેઠેલા લોકો, વિદ્વાન લોકો જયવંતના બદલે જયંત, જશવંત, જ્વલંત એવાં નામ બોલે ત્યારે કરુણા ઉપજે.

હિન્દીમાં પણ સ્થિતિ આવી જ છે. ભારતીય નામો બરાબર લખાતાં-બોલતાં નથી. ક્રિકેટર હાર્દિક પંડ્યા હોય તો તે હિન્દીમાં પાંડ્યા જ લખે છે. તાજેતરમાં જૂનાં ધારાવાહિકોનું પુનઃપ્રસારણ થવા લાગ્યું તેમાં ‘શક્તિમાન’માં જે કલાકારો, ટૅક્નિશિયનોની વગેરે નામાવલિ આવે તેમાં હેમંત પંડ્યા એવું લખાયેલું આવ્યું ત્યારે સુખદ આશ્ચર્ય થયું!

નામ બાબતે આપણે કેટલાં ઉદાસીન છીએ તેનો એક ગજબનો નમૂનો છે. એક અગ્રણી સમાચારપત્રમાં મોદી સરકારના પ્રધાનમંડળના વિસ્તરણના સમાચાર હતા. પહેલા પાનાના સમાચાર હોય એટલે સ્વાભાવિક અંગ્રેજી કે હિન્દીમાંથી ગુજરાતી થયું હોય. પરંતુ અનુવાદકે ‘રાજકોટના એમ. કે. કુંદરિયા’ એવું લખ્યું. આવું કરતી વખતે તેણે મગજ ન ચલાવ્યું કે આ તો આપણા રાજકોટના જ છે. તેનું નામ તો મોહન કુંડારિયા છે. એટલે અંગ્રેજીમાં સ્પેલિંગ Kundaria થાય અને dનો ડ અને દ બંને થાય તે સાચું પણ આ નામ જાણીતું છે. તેમાં ડ જ આવે. daનો ડ પણ થાય અને ડા પણ થાય. પરંતુ અહીં ડા જ થાય. હવે તો ગુજરાતીમાં પણ ગૂગલમાં સર્ચ થઈ શકે છે. જરા સર્ચ કરીને જોઈ લીધું હોત તો? પરંતુ આવી તસદી પણ નથી લેતા.

એક વિદ્વાન પ્રૂફ રીડર સાથે નામ બાબતે ચર્ચા થઈ હતી. વાત એમ હતી કે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ વિશે લખવું હોય તો તારક મહેતા જ લખાય, અંગ્રેજીમાં Mehta સ્પેલિંગ (ખોટો) કરવામાં આવે છે એટલે મેહતા ન લખાય. તારક મહેતા ગુજરાતી જ હતા. તેથી અંગ્રેજીવાળા ગમે તેવો ખોટો સ્પેલિંગ કરે તેનું આપણે તે સ્પેલિંગ પ્રમાણે ટ્રાન્સલિટરેશન ન કરવાનું હોય. પરંતુ તેમનો દૃઢ મત હતો કે તારક મહેતા ભલે ગુજરાતી હોય પરંતુ સ્પેલિંગ પ્રમાણે તો મેહતા જ થાય! આવું ઘણા જયલલિતા બાબતે પણ કરે છે. તમિલ લોકો અંગ્રેજી સ્પેલિંગમાં તનો ઘણી વાર th કરે છે. એટલે જયલલિતામાં Jaylalitha, શ્રીકાંતનું Srikanth કરે પણ આપણે ગુજરાતીમાં લખીએ ત્યારે અનુવાદ કરતા હો તો જયલલિથા કે શ્રીકાંથ ન લખાય.

આ તો નામ બાબતે થયું. પરંતુ જોડણી? ભાઈસા’બ! વાત ન કરશો. પત્રકારત્વમાં મહત્તમ પાંચસો શબ્દો વપરાતા હશે. સાહિત્યની જેમ અવનવા શબ્દો પ્રયોજાતા નથી; જેમ કે હરીફરીને આટલા શબ્દો તો અવારનવાર આવતા જ હશે- ઘૂસણખોરી, પરીક્ષા, પ્રદૂષણ, સુપ્રીમ….આવી યાદી બનાવી શકાય. અને તેની સાચી જોડણી એક વર્ડ, એક્સેલ કે પછી કાગળમાં ટપકાવી લખતી વખતે સામે રાખી શકાય. જે તે શબ્દ આવે એટલે ફટ દઈને તેમાં જોઈ લેવાનું.

હવે તો વિન્ડૉઝ ૧૦માં વર્ડ સૉફ્ટવેરમાં ગુજરાતીમાં લખો તો ભૂલ સૂચવે છે; અલબત્ત, હજુ તે સંપૂર્ણ નથી. અને તેમાં સુધારાને પણ અવકાશ છે. તેણે કોઈ શબ્દ નીચે લાલ રેખા કરી હોય અને તમને લાગે કે તમારો શબ્દ સાચો છે તો તમે ત્યાં રાઇટ ક્લિક કરીને તેને ડિક્શનરીમાં ઉમેરી શકો છો. શું ભાષાના વિદ્વાનો માઇક્રૉસૉફ્ટ સાથે સહકાર કરીને ગુજરાતી ભાષાની જોડણી સાચી થાય તે માટે કામ ન કરી શકે?

આ લેખક અનુવાદનું કામ મોટા પાયે કરે છે તેથી જાણે છે કે ફેસબુક વગેરે ગુજરાતી સહિતની ભાષાઓમાં અનુવાદ પૂરા પાડે છે. આ માટે તેણે ગ્લૉસરી તૈયાર કરી છે. આ ગ્લૉસરી મુજબ જ અનુવાદ થવો જોઈએ. આપણે ત્યાં ગુજરાતી તંત્રીથી માંડીને પ્રાધ્યાપકો સુધીના મહાનુભાવોમાં એક (ખોટી) માન્યતા ઘર કરી ગઈ છે કે ઉચ્ચ શિક્ષણ, ગણિત, વિજ્ઞાન, તબીબી, તંત્રકીય (ટૅક્નિકલ) આ બધી બાબતોમાં ગુજરાતી ન થઈ શકે. આ ખોટી વાત છે. મારી પાસે અનુવાદનું ઘણું કામ આવે છે જેમાં અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં સરકારી પરિપત્રો, સર્વે, વગેરેના ત્યાં રહેનારાઓની ભાષામાં અનુવાદ થાય છે.

આની સામે ગુજરાતી માધ્યમો હવે સીધાં અંગ્રેજી-હિન્દી શબ્દો જ પ્રયોજે છે. સરકારી પ્રશાસનમાં પણ અનુવાદકો આવું જ કરે છે. કોરોનામાં ‘ક્વૉરન્ટાઇન’, ‘સુપર સ્પ્રેડર’, ‘સેલ્ફ આઈસૉલેશન’, ‘લૉકડાઉન’ વગેરે શબ્દોના ગુજરાતી/હિન્દી પર્યાય સારી રીતે વાપરી શકાયા હોત. એકાંત વાસ, રોગપ્રસારક, સ્વ-એકાંતવાસ, ઘર-વાસ…તો સામાન્ય જનતા વધુ સારી રીતે રોગને સમજી શકી હોત.

ઉર્દૂ સહિતના વિદેશી શબ્દો બાબતે પણ જાગૃત થવાની જરૂર છે. કેનેડાના લેખક તારીક ફતેહ કહે છે કે ઉર્દૂ મોગલ આક્રાંતાઓની ભાષા છે. સિંધ-પંજાબ વગેરે પ્રાંતમાં તેને થોપીને પાકિસ્તાનમાંથી સિંધી-પંજાબી વગેરે ભાષાઓનો ખો કાઢી નાખવામાં આવ્યો છે. હિન્દી ચેનલો દિલ્લી આસપાસ આવેલી હોવાથી તેમાં ઉર્દૂ પ્રચૂરતા વધારે છે. પરંતુ ગુજરાતીમાં આપણે ધ્યાન રાખીએ. દુલ્હા-દુલ્હનના બદલે વર-વધૂ જેવા શબ્દો આજે પણ પ્રચલિત અને સમજાય તેવા છે. આવી યાદી બનાવીને આક્રાંતાઓની ભાષા/શબ્દો- અંગ્રેજી-ઉર્દૂ ઓછામાં ઓછી વાપરવાનો આ ગુજરાત સ્થાપના દિને સંકલ્પ લઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment