Home » લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

લાલુએ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા”

by Jaywant Pandya

શ્રી રામમંદિર પર લેખાંક ભાગ-૨

સબ હેડિંગ: રસ્તામાં ઠેરઠેર લોકો મંદિરના ઘંટ વગાડતા, થાળીઓ વગાડતા, અને રથનું સ્વાગત સૂત્રો પોકારીને કરતા. કેટલાક તો વળી રથને તિલક પણ કરતા તો કેટલાક રથના પૈડાની ધૂળ લઈ માથે લગાવતા! એવું નહોતું કે મુસ્લિમો આ યાત્રાના વિરોધમાં હતા. ૨૨ ઑક્ટોબર ૧૯૯૦ના ‘ધ હિન્દુ’માં સમાચાર હતા ‘Muslism join in big welcome to Advani’.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૪/૧૧/૧૯)

(ગતાંકથી ચાલુ)

ગયા અંકે આપણે જોયું કે વર્તમાન આંદોલનનો પ્રારંભ રાજીવ ગાંધી દ્વારા શાહબાનો કેસમાં કટ્ટરવાદી મુસ્લિમોને ખુશ કરવા બહુમતીના જોરે કાયદો પલટી નાખવા અને ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ દ્વારા મુસ્લિમ તુષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. આ જ અરસામાં અયોધ્યા (ફૈઝાબાદ) ડીએમ દ્વારા રામજન્મભૂમિ પરિસરનાં તાળાં ખોલવાનો આદેશ આવ્યો અને તે પછી જ વિહિપે શ્રી રામમંદિર બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

મંદિર માટે સ્થપતિની શોધ કરાઈ. તેના માટે અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરા પસંદ કરાયા. મંદિર માટે ભારતીય શિલ્પ શાસ્ત્ર મુજબ, અનેક ડિઝાઇન વિચારવામાં આવી. અંતે જે ડિઝાઇન પસંદ કરાઈ તે મુજબ, મંદિર ૨૭૦ ફીટ લાંબુ, ૧૩૫ ફીટ પહોળું અને ૧૨૫ ફીટ ઊંચું હશે. બે માળનું મંદિર હશે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી બંશી પહાડપુર અને બયાનામાંથી પથ્થરો લાવવાનું નક્કી કરાયું. મંદિર અષ્ટકોણીય હશે. તેમાં શ્રી રામની મૂર્તિ અને શ્રી રામ દરબાર હશે. મંદિરમાં સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગમંડપ, ગર્ભગૃહ અને પરિક્રમા માર્ગ હશે. તેમાં લોખંડનો ઉપયોગ નહીં કરાય. આ મંદિર ૨૨૧ સ્તંભ પર ઊભું હશે. તેમાં આવાગમન માટે ૨૪ દ્વાર બનાવાશે. પ્રત્યેક સ્તંભ પર મૂર્તિઓ કોતરવામાં આવી છે. મુખ્ય મંદિરની આગળપાછળ સીતાજી, લક્ષ્મણજી, ભરતજી અને શ્રી ગણેશનાં મંદિર હશે. આ મંદિર અક્ષરધામ શૈલીનું હશે. તેમાં સંતનિવાસ, સંશોધન કેન્દ્ર, કર્મચારીઓનાં આવાસ, ભોજનાલય વગેરે પણ હશે.

૨૩-૨૪ જૂન ૧૯૯૦ના રોજ હરિદ્વારમાં યોજાયેલી વિહિપના માર્ગદર્શક મંડળની બેઠકમાં મંદિરની પ્રથમ કારસેવાનો નિર્ણય લેવાયો. ઘણાને કારસેવા શબ્દ સાંભળીને નવાઈ લાગે કારણકે અત્યારે કાર એટલે મોટર ગાડી એવો જ અર્થ રૂઢ થઈ ગયો છે. પરંતુ કાર સેવા મૂળ તો સંસ્કૃત શબ્દ છે. કર એટલે હાથ થાય. પોતાના હાથ વડે કરાતી સેવા એટલે કાર સેવા. કરનું અપભ્રંશ થઈ ગયું. કારસેવા શબ્દ શીખ પંથમાં વધુ વપરાય છે. સ્વર્ણ મંદિરનું નિર્માણ કારસેવાથી થયું હતું. ૩૦ ઑક્ટોબર ૧૯૯૦ના રોજ અયોધ્યામાં કારસેવા કરવાનું નક્કી થયું.

દરમિયાનમાં, દેશનું વાતાવરણ ભારે અજંપાવાળું હતું. ૭ ઑગસ્ટ ૧૯૯૦ના રોજ વી. પી. સિંહે મંડલ કમિશનની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી હતી. આ ભલામણો અનુસાર, અન્ય પછાત જાતિ (ઓ.બી.સી.)ને નોકરીમાં ૨૭ ટકા અનામત આપવાની હતી. એમ મનાય છે કે હરિયાણાના ‘તાઉ’ તરીકે સંબોધાતા અને ઉપ વડા પ્રધાન દેવીલાલના કદને વધતું રોકવા વી. પી. સિંહે આ ચાલ ચાલી હતી. આના વિરોધમાં સવર્ણ જ્ઞાતિના યુવકો રસ્તા પર ઉતરી આવ્યા. અનામત વિરોધી આંદોલનના નેતા રાજીવ ગોસ્વામીએ તો આત્મદાહ કરી લીધું. વી. પી. સિંહના આ પગલાનો તે વખતે ભાજપે તો તેનો વિરોધ નહોતો કર્યો પણ કૉંગ્રેસે જોરદાર વિરોધ કર્યો. જોકે એ અલગ વાત છે કે તેના નેતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીએ આ અગાઉ ૧૯૮૧માં જ બક્ષી પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી હતી. આનું નામ જ રાજનીતિ. રાજ્યમાં તેનો અમલ કરવો અને કેન્દ્રમાં તેનો વિરોધ કરવો. વી. પી. સિંહ તો તે પછી સરકારમાંથી ગયા પરંતુ તેમનું આ પગલું નવી રાજનીતિને જન્મ આપતું ગયું. દલિતોની રાજનીતિ. આ રાજનીતિ પર માયાવતી, મુલાયમસિંહ, લાલુપ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન, શરદ યાદવ, નીતીશકુમાર જેવા નેતાઓએ સત્તા મેળવી અને ભોગવી.

આ પણ વાંચો:  રામમંદિર: સદ્ભાવના દર્શાવવામાં બહોત દેર કર દી મહેરબાં આતે આતે…

એમ કહેવાતું હોય છે કે વી. પી. સિંહના મંડલની સામે લાલકૃષ્ણ અડવાણીએ કમંડળની રાજનીતિ શરૂ કરી. જોકે ભાજપના ૧૯૮૯ની ચૂંટણીના વચનપત્રમાં અયોધ્યાનું વચન હતું જ. એટલે આ વાત ખોટી ઠરે છે. પણ જ્યાં સુધી રથયાત્રાની વાત છે તો બની શકે કે વી. પી. સિંહના પગલાના લીધે હિન્દુ સમાજ વિભાજિત હતો તેને એક કરવા માટે (મતોનું ગણિત પણ હોય જ) લાલજીએ રામમંદિરના સમર્થનમાં રથયાત્રા વિચારી હોય.

લોકોને અયોધ્યા ચળવળ વિશે જાગૃત કરવા માટે અડવાણીજીની રથયાત્રા ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦થી શરૂ થઈ રહી હતી. પહેલાં તો તેમણે પદયાત્રાનું વિચારેલું. સ્વ. પ્રમોદ મહાજને અડવાણીજીને સૂચન કર્યું કે પગપાળા તો કેટલી બધી વાર લાગે! અડવાણીજીએ પૂછ્યું, “તો જીપયાત્રા કેવી રહે?” તે પછી પ્રમોદ મહાજને મિની બસને રથની જેમ સજાવવાનું નક્કી કર્યું. ગુજરાતના સોમનાથથી શરૂ થઈને આ રથ મધ્ય ભારત થઈને અયોધ્યા પહોંચવાનો હતો. આ યાત્રાના આયોજકો પૈકીના એક નરેન્દ્ર મોદી પણ હતા જે અત્યારે વડા પ્રધાન છે. યાત્રાથી તેમની કુશળ સંગઠક અને આયોજક તરીકે ખ્યાતિ થઈ. રસ્તામાં ઠેરઠેર લોકો મંદિરના ઘંટ વગાડતા, થાળીઓ વગાડતા, અને રથનું સ્વાગત સૂત્રો પોકારીને કરતા. કેટલાક તો વળી રથને તિલક પણ કરતા તો કેટલાક રથના પૈડાની ધૂળ લઈ માથે લગાવતા! એ દિવસોમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલો પણ દૂરદર્શન પર આવતી હતી. ‘રામાયણ’ પહેલાં આવી ગયેલું, તે પછી ૧૯૯૦ના સમયમાં ‘મહાભારત’ આવેલું.

ભૌતિકતાનો રોગ ભારતના જનેજનને લાગ્યો નહોતો અને ઘણા હજુ ભોળા હતા એટલે ટીવીમાં પણ શ્રી રામ તરીકે અરુણ ગોવિલ આવે કે તે ક્યાંક મળી જાય તો તેને પગે લાગતા. આ રીતે દેશમાં હિન્દુત્વનું વાતાવરણ હતું. એવું નહોતું કે મુસ્લિમો આ યાત્રાના વિરોધમાં હતા. ૨૨ ઑક્ટોબર ૧૯૯૦ના ‘ધ હિન્દુ’માં સમાચાર હતા ‘Muslism join in big welcome to Advani’. ગયા અંકે જણાવ્યું તેમ અનેક મુસ્લિમો પણ શ્રી રામમાં માનતા હતા. પરંતુ કટ્ટર લોકોને અને નેતાઓને આ વાત પસંદ નહોતી અને આથી ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં રમખાણો ફાટી નીકળ્યાં.

રથયાત્રામાં નરેન્દ્ર મોદી પણ વક્તા તરીકે રહેતા હતા અને ભાજપ તરફથી રાષ્ટ્રીય પ્રસાર માધ્યમો સાથે તેઓ અધિકૃત રીતે વાત કરતા. તેમણે વી. પી. સિંહથી માંડીને મુલાયમસિંહને આ રથ રોકી બતાવવા લલકાર્યા હતા. તે વખતે તેઓ જે નિવેદનો આપતા તેમાં શ્રી રામમંદિરને સાંસ્કૃતિક ચેતના અને વારસો ગણાવતા. આ રથયાત્રા ૩૦ ઑક્ટોબરે અયોધ્યામાં સમાપ્ત થવાની હતી, પરંતુ જ્યારે રાજા નબળા હોય ત્યારે સેનાપતિઓ અને મુખીઓ માથું ઊંચકતા હોય છે. આવું જ વી. પી. સિંહ બાબતે થયું. લાલુપ્રસાદ યાદવને પોતાની મુસ્લિમ મત બૅન્ક મજબૂત કરવા માટે આમાં તક દેખાઈ.

લાલુપ્રસાદ યાદવે પોતાની આત્મકથા ‘ગોપાલગંજ ટૂ રાયસીના- માય પૉલિટિકલ જર્ની’માં લખ્યું છે કે તેઓ દિલ્લીમાં અડવાણીને રથયાત્રા ન કાઢવા સમજાવવા ગયેલા. તેમણે અડવાણીને કહેલું, “આપ દંગા ફૈલાનેવાલા યાત્રા રોક દીજિયે. બહોત પરિશ્રમ સે હમને બિહાર મેં ભાઈચારા કાયમ કિયા હૈ. અગર આપ દંગા યાત્રા નિકાલયેગા, તો હમ છોડેગા નહીં.” અડવાણીએ કહેલું કે જોઈએ કોણ રોકે છે. લાલુપ્રસાદ મુજબ, તે વખતના કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદે લાલુને યાત્રા નીકળવા દેવા સલાહ આપેલી. લાલુનો પ્રતિભાવ હતો: “આપ સબ કો સત્તા કા નશા ચડ ગયા હૈ”.

લાલુ લખે છે કે તેમને કોઈએ અડવાણીની ધરપકડ કરવા સૂચના આપી નહોતી. તેમણે પોતાની રીતે જ આ પગલું ભર્યું. પહેલાં અડવાણીની ધરપકડ સાસારામમાં કરવાની હતી પરંતુ અડવાણીજીને સમાચાર મળી ગયા અને તેમણે માર્ગ બદલી નાખ્યો. તે પછી બીજો પ્રયાસ ધનબાદમાં થયો. ત્યાં પણ તેમને સફળતા ન મળી. છેવટે સમસ્તીપુરમાં તો ધરપકડ કરવી જ તેવું નક્કી થયું.

લાલુએ આઈએએસ અધિકારી અને સમસ્તીપુરના ડીએમ આર. કે. સિંહ અને ડીઆઈજી કક્ષાના આઈપીએસ અધિકારી રામેશ્વર ઓરાઓંને તેમના નિવાસે બોલાવ્યા. મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને અન્ય સંબંધિત અધિકારીઓને પણ બોલાવ્યા. તેમને બધાને પોતાના નિવાસે જ રાખ્યા. લાલુ લખે છે, “હું જરા પણ નહોતો ઈચ્છતો કે મારી યોજના બહાર પડી જાય.” સરકારી પાઇલૉટને સમસ્તીપુર હેલિકૉપ્ટર લઈને ઉડવા કહેવાયું. વહેલી સવારે ધરપકડ કરાવાની હતી જેથી અડવાણીજીને ત્યાંથી લઈ જવાય ત્યારે લોકો હજુ સૂતા હોય.

એકદમ મોદીવિરોધી નિવેદન કરવું હોય તો એમ કહી શકાય કે જે અધિકારીએ તેમના ગુરુ અડવાણીજીની ધરપકડ કરી તેમને નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ કેન્દ્ર સરકારમાં પ્રધાન બનાવી શિરપાવ આપ્યો. પણ આ વાત સાચી નથી. આર. કે. સિંહે તો તે વખતે સરકારી નોકર તરીકે લાલુપ્રસાદ યાદવની આજ્ઞાનું જ પાલન કર્યું હોય. પરંતુ તે પછી તેઓ જ્યારે અડવાણીજી ગૃહ પ્રધાન હતા ત્યારે આર. કે. સિંહ ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ હતા. જ્યારે અડવાણીજી જ તેમની લાયકાત જોઈને તેમને પોતાના મંત્રાલયમાં રાખતા હોય અને તે પછી આર. કે. સિંહનો અનુભવ વધ્યો જ હોય, તો મોદી તેમના અનુભવનો લાભ લેવાનું મૂકે?

તે વખતે પત્રકારોની કેવી સ્થિતિ હતી? પીટીઆઈના પટના બ્યૂરોના વડા એસ. ડી. નારાયણન હતા. તે વખતે આટલું બધું મિડિયા નહીં. પીટીઆઈ, યુએનઆઈ, આકાશવાણી, દૂરદર્શન અને સમાચારપત્રો આટલાં જ મુખ્ય માધ્યમો હતાં. જે વહેલી સવારે અડવાણીજીની ધરપકડ થઈ ત્યારે નારાયણન હજુ સૂતા હતા અને તેમનો ટેલિફૉન રણક્યો. સામે છેડે સ્વયં લાલુ! લાલુએ કહ્યું, “કિતના સોતે હો?” લાલુ પોતે જ મોડા ઊઠનારા હતા. એટલે નારાયણને પૂછ્યું કે તમે કેમ વહેલા જાગી ગયા? લાલુએ પોતે જ સમાચાર બ્રૅક કર્યા, “બાબા કો પકડ લિયા.”

૨૩ ઑક્ટોબર ૧૯૯૦ના રોજ અડવાણીની ધરપકડ પહેલાં બધાં જ ટેલિફૉન ડેડ કરી દેવાયા હતા. ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે ઇન્ટરનેટ બંધ કરાયું હતું કે કલમ ૩૭૦ વખતે ઇન્ટરનેટ બંધ કરાયું ત્યારે દેકારો મચી ગયો કારણકે સૉશિયલ મિડિયા છે, પણ એ વખતે કંઈ નહોતું. સમાચાર માધ્યમો પણ મુખ્યત્વે સરકારના જ હાથમાં અને માધ્યમોમાં રહેલા પત્રકારો પણ મુખ્યત્વે સેક્યુલર-વામપંથી. પરંતુ આવી વિગતો ક્યાંય બહાર આવી?

અડવાણીજીને ત્યાંથી દુમકામાં ગૅસ્ટ હાઉસમાં લઈ જવાયા. આ સ્થળ હવે ઝારખંડમાં છે. અડવાણીજીની ધરપકડના પગલે ઉત્તર ભારતમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં અને રમખાણો પણ થયાં હતાં. તે જ દિવસે એટલે કે ૨૩ ઑક્ટોબરે ભાજપે વી. પી. સરકારને ટેકો પાછો ખેંચી લીધો. આ ઘટનાક્રમ પછી હવે રાજનીતિ દ્વિધ્રૂવીય થવાની હતી. એક તરફ ભાજપ અને બીજી તરફ ભાજપ વિરોધીઓ.

૩૦ ઑક્ટોબર ૧૯૯૦ના રોજ અયોધ્યામાં કારસેવા થવાની હતી. આ કારસેવામાં શું થયું તે આમ તો બધા જાણે જ છે, પરંતુ આ ઇતિહાસનો પુનરોચ્ચાર વિગતે કરવો એટલા માટે જરૂરી છે કારણકે તેનાથી ખ્યાલ આવશે કે વર્તમાન ચુકાદા વખતની સ્થિતિ ભલે શાંત રહી હોય, તેની પાછળની પૃષ્ઠભૂમિ રક્તરંજિત રહી છે. મત બૅન્ક માટે થઈને નેતાઓએ નિર્દોષ રામ ભક્તોનું કેવું લોહી વહેવડાવ્યું?

(ક્રમશ:)

શ્રી રામમંદિર પર લેખાંક ૧:  વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

શ્રી રામમંદિર પર  લેખાંક ૩: ‘કોઠારી બંધુઓ અમર રહે’ના નારા આકાશમાં ગૂંજી રહ્યા હતા…

શ્રી રામમંદિર પર  લેખાંક ૪:  મંદિરોમાં ઘૂસીને નિર્દોષ કારસેવકો પર ગોળીઓ ચલાવાઈ હતી!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Gopal Prafulbhai Bhatt 24/11/2019 - 3:23 PM

લેખ ખુબ જ ગમ્યો…
ભૂતકાળમાં જર્ની થઈ…
રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા મારા જેવા અનેક ને તમામ જાણકારી ન હોય તે સહજ છે…
આ લેખ થી જાણકારી મળી…

Reply

Leave a Comment