Home » વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

by Jaywant Pandya

સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે ત્યારે વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હોવા છતાં કઈ ભાષામાં વાત કરતા? વિજ્ઞાનની બાબતો સરળ ભાષામાં સમજાવવાની તેમની આવડત કેવી હતી? તેમનું વિઝન કેવું હતું? સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળતો? અંગત જિંદગીમાં તેઓ કેવા હતા? આવો જાણીએ તેમની નિકટ રહેલા પદ્મનાભ જોશી પાસેથી.

સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે ત્યારે વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હોવા છતાં કઈ ભાષામાં વાત કરતા? વિજ્ઞાનની બાબતો સરળ ભાષામાં સમજાવવાની તેમની આવડત કેવી હતી? તેમનું વિઝન કેવું હતું? સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળતો? અંગત જિંદગીમાં તેઓ કેવા હતા? આવો જાણીએ તેમની નિકટ રહેલા પદ્મનાભ જોશી પાસેથી.

(મુંબઈ સમાચાર, તા.૧૧/૦૮/૧૯)

પદ્મનાભભાઈ પૉલિટિકલ સાયન્સમાં એમ. એ. કરતા હતા ત્યારે નહેરુ ફાઉન્ડેશન તરફથી આણંદ-વિદ્યાનગર આજુબાજુનાં ગામોમાં સૉશિયોઇકોનોમિક સર્વે કરવાનો હતો. ૨૦-૨૫ વિદ્યાર્થીઓ આ સર્વે કરવા આણંદ પાસેનાં ગામડાંમાં સર્વે કરવા ગયા હતા. સર્વે કર્યા પછી આવીને રિપૉર્ટ નહેરુ ફાઉન્ડેશનમાં આપ્યો. પૂછ્યું, “કોણ કરે છે આ કામ? વિક્રમભાઈ તે વખતે એટોમિક રિસર્ચ કમિશનના ચૅરમેન હતા. નહેરુ ફાઉન્ડેશનવાળા લોકોએ કહ્યું કે આ સંસ્થા વિક્રમ સારાભાઈની છે. તેમણે આ કામ કરાવ્યું છે. પદ્મનાભભાઈએ કહ્યું, “મારે વિક્રમ સારાભાઈને મળવું છે.” તેમણે કહ્યું કે તેઓ તો મુંબઈ છે. શનિ-રવિ આવે છે.

એક શનિ-રવિમાં હું તેમને મળવા ગયો. સેક્રેટરીએ કહ્યું કે લખીને આપો કે શાના માટે મળવું છે. તે વાત ચાલતી હતી ત્યારે વિક્રમભાઈ જ ત્યાં આવ્યા. કહ્યું કે “શું વાત છે?” કહ્યું કે “સાહેબ, તમને મળવા આવ્યા છે.” પદ્મનાભાઈ કહે, “તક આપો તો વાત કરવી છે.” વિક્રમભાઈ કહે કે “ચાલો અત્યારે જ આવો.”

અમે બેઠા. વિક્રમભાઈ કહે, “શું હતું?” મેં કહ્યું, “આવી રીતે સર્વેમાં હું ગયો હતો.” તેમને બહુ જ રસ પડ્યો. તેમણે પૂછ્યું, “કયા ગામડામાં ગયા હતા?” તે બધી વાત પછી મેં કહ્યું, “મને ખબર પડી કે તમે એટોમિક રિસર્ચ કમિશન ચૅરમેન છો. તો સૉશિયો-ઇકોનોમી સર્વેને તેની સાથે શું સંબંધ?” તો તેઓ હસવા માંડ્યા.

તેમણે કહ્યું, “ભારતીય અવકાશ કાર્યક્રમ પણ હું સંભાળું છું. અમારે ભવિષ્યમાં સેટેલાઇટ દ્વારા ગામડાંઓમાં એક શૈક્ષણિક પ્રયોગ કરવાની ઈચ્છા છે. તેના માટે આ સર્વે કરાવ્યો છે. ગામડાંમાં લોકોની કેવી પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવાનો છે.” “તેઓ સેટેલાઇટ બોલ્યા ને એટલે હું થોડોક મૂંઝાઈ ગયો.” પદ્મનાભભાઈ કહે છે. 

તે વખતે તો સેટેલાઇટ વિશે થોડી માહિતી હોય? ગૂગલબાબા પણ નહોતા કે ફટ દઈને જાણી શકાય. “મને વિક્રમભાઈ કહે, સેટેલાઇટ શું છે તે હું તમને સમજાવું,” પદ્મનાભભાઈ એ દિવસોમાં સરી પડતા કહે છે, “અરીસાનો ટુકડો છત પર ચોંટાડી દો, અને પછી નીચેથી બેટરીની લાઇટ નાખો તો શું થાય? પ્રકાશ પાછો આવે. તે સેટેલાઇટ કહેવાય. આપણો ઉપગ્રહ પૃથ્વીથી ૩૫થી ૪૦ હજાર કિમી ઉપર રાખીએ અને પછી શૈક્ષણિક કાર્યક્રમ નાખીએ એટલે આખા દેશમાં જાય. હું તો ખૂબ રાજી થઈ ગયો આ સાંભળીને અને સમજીને.” સેટેલાઇટ વિશેની અઘરી વાત કેટલા સરળ શબ્દોમાં સમજાવી વિક્રમભાઈએ! થ્રી ઇડિયટ્સના ચતુર રામલિંગમની જેમ અઘરી વ્યાખ્યા બોલ્યા હોત તો સમજત? ઘણા વિદ્વાનો, ચાહે તે વિજ્ઞાનના હોય કે સાહિત્યના કે અન્ય કોઈ ક્ષેત્રના, અહીં જ માર ખાઈ જાય છે. ભાષાશાસ્ત્રીઓ ભાષા ભણાવે ત્યારે વ્યાકરણથી શરૂઆત કરીને સમજવાનું એટલું અઘરું બનાવી દે છે કે બીજા કોઈ સમજી ન શકે. પરંતુ વિક્રમભાઈની જેમ સરળ શબ્દોમાં સમજાવો તો પદ્મનાભભાઈ જેવા એમ.એ.ના વિદ્યાર્થી જેને વિજ્ઞાન સાથે સ્નાનસૂતકનો સંબંધ પણ નથી તે પણ સમજી જાય. વિક્રમભાઈએ એ પણ માહિતી આપી કે તેમના દીકરા કાર્તિકેયભાઈ અમેરિકામાં પૉલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરે છે. તે બે-ત્રણ મહિના પછી આવશે ત્યારે પદ્મનાભભાઈ ફરીથી મળવા આવે.

પદ્મનાભભાઈ તો એમ.એ.ના વિદ્યાર્થી હતા જ્યારે વિક્રમભાઈનું કામ નર્યું વિજ્ઞાનનું! કઈ રીતે મેળ બેઠો? પદ્મનાભભાઈ કહે છે, “તેમનો શૈક્ષણિક કાર્યક્રમ હતો. તેમાં તેમને સૉશિયૉલૉજી-સૉશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ જ જોઈતા હતા કારણકે એ લોકો જ ગામડાનો સર્વે કરી શકે. અને એના વિશેની માહિતી એકઠી કરી શકે. મને કહ્યું કે તું એમ. એ. થઈ જા. પછી આ પ્રયોગમાં આવી જાજે. હું તો બહુ જ રાજી હતો. હું વિચાર કરતો હતો કે આ જલદી એમ. એ. પૂરું થાય તો સારું.” પદ્મનાભભાઈ હસે છે.

આમ, વિક્રમભાઈ સાથે બંધાયા આત્મીય સંબંધો. જ્યારે અમદાવાદ આવે ત્યારે પદ્મનાભભાઈ મળતા. કોઈક વખત તેમની સાથે મહેમાન હોય તો ન મળી શકાય. નહીંતર શનિ-રવિમાં ઘરે જાય તો મળે જ કારણકે કાર્તિકેયભાઈ અમેરિકા ભણતા હોવાથી પદ્મનાભભાઈને વિક્રમભાઈનો બહુ સારો લાભ મળી ગયો. મલ્લિકાબેન પણ નાનાં હતાં. આમ, બંને ખૂબ મળતા અને ખૂબ વાતો કરતા.

તેમને બહુ જ ઈચ્છા હતી કે આપણી જે શૈક્ષણિક પદ્ધતિ છે એ આપણને જોઈએ તેવાં પરિણામો નથી આપી શકી. ઉપગ્રહ દ્વારા બહુ મોટો પ્રયોગ કરવો. એકેએક ગામડામાં ટેલિવિઝન મૂકી લોકોને શિક્ષણ આપવું. તે ઉપરાંત ખેડૂતોને ખેતીમાં નવી ટૅક્નિક બતાવી શકાય, પરિવાર નિયોજનનું સમજાવી શકાય, પશુસંવર્ધનની માહિતી આપી શકાય, આરોગ્યલક્ષી માહિતી આપી શકાય. આ માટે તેમને ખૂબ જ આશા હતી.

પદ્મનાભભાઈ એમ. એ. ના વિદ્યાર્થી અને વિક્રમભાઈ આટલા ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક. બંને વચ્ચે સંવાદ કઈ ભાષામાં થતો? પદ્મનાભભાઈ કહે છે, “ગુજરાતીમાં. સંપૂર્ણ ગુજરાતીમાં.” આ બહુ મોટી વાત છે. આપણે ત્યાં ગુજરાતમાં કે ગુજરાતીઓ સાથે એવું બને છે કે કાં તો મોટા પદ પર પહોંચે ત્યારે અથવા ગુજરાતની બહાર વસવાટ કે નોકરી માટે જાય ત્યારે પાછા ફરીને અંગ્રેજીમાં ફાંકાફોજદારી કરવા લાગે. ભલે એ અંગ્રેજી અધકચરું હોય. પરંતુ વિક્રમભાઈ આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચવા છતાં પોતાની ભાષા ભૂલ્યા નહોતા.

પદ્મનાભભાઈ બીજો એક અનુભવ કહે છે, “એક વાર રવિવારે સવારે તેમને ત્યાં ગયેલો.  બ્રેકફાસ્ટ વખતે. ત્યાં સુધી મને ખબર નહોતી પણ ત્યારે ખબર પડી કે અમદાવાદમાં તેમણે અસંખ્ય સંસ્થાઓ ઊભી કરેલી. અટીરા, આઈઆઈએમ, ઇસરો, પીઆરએલ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, નહેરુ ફાઉન્ડેશન, કમ્યૂનિટી સાયન્સ સેન્ટર, દર્પણ એકેડેમી- આ સાત આઠ સંસ્થા તો તેમણે અમદાવાદમાં જ શરૂ કરેલી. તે વખતે અમેરિકામાં જૉન. એફ. કેનેડીની હત્યા થઈ હતી. મેં તેમના વિશે એક બે ચોપડીઓ વાંચેલી. તે વાંચીને મને થયેલું કે વિક્રમભાઈની બાયૉગ્રાફી લખવી જોઈએ. આટલી મહાન વ્યક્તિ અને કોઈ જાણતું નથી તેમના વિશે!”

પદ્મનાભભાઈએ અ ડે ઇન લાઇફ ઑફ પ્રેસિડેન્ટ કેનેડીપુસ્તકની જેવા પુસ્તક માટે વિક્રમ સારાભાઈને આ માટે પૂછ્યું, તો વિક્રમ સારાભાઈએ શું કહ્યું ખબર છે? જાણીને આજના પ્રચાર અને પ્રસિદ્ધિના જમાનામાં નવાઈ લાગે પરંતુ વિક્રમભાઈ આ વિનંતી સાંભળીને હસવા લાગ્યા અને પછી કહે, “કોઈ મહાન માણસ વિશે લખજે.” આવા મહાન વ્યક્તિ હતા. જોકે વિક્રમ સારાભાઈના અવસાન પછી પદ્મનાભભાઈએ વિક્રમભાઈ પર પીએચ.ડી. જરૂર કર્યું. તે વખતે તેમણે લખેલું કે વિક્રમભાઈએ મહાન માણસ પર લખવા મને કહેલું અને આજે હું મહાન માણસ પર જ લખી રહ્યો છું. તેમને શ્રદ્ધાંજલી અને શ્રદ્ધાંજલી કરતાંય તેમની પાસેથી આપણે શું શીખી શક્યા. તેમણે આટલું કામ કર્યું….તેઓ રોજના અઢાર કલાક કામ કરતા હતા. અને તેઓ તો કરોડપતિના દીકરા હતા. તેમને નોકરી કરવાની કોઈ જરૂર નહોતી. તેના બદલે તેઓ અઢાર-અઢાર કલાક આ દેશની સેવામાં આપતા હતા. તો પછી તેમની પાસેથી આપણે શું શીખીશું? આપણી નવી પેઢીને જો આમાંથી કંઈ શીખવાનું મળે તો ભવિષ્યમાં આપણને અનેક નવા વિક્રમ સારાભાઈ મળી શકે.

વિક્રમભાઈને બહુ જ ચિંતા હતી કે ગુજરાતમાં શાળા અને કૉલેજો ગણિત અને વિજ્ઞાનને ખાસ મહત્ત્વ નથી આપતા. તેના માટે તેમણે કમ્યૂનિટી સાયન્સ સેન્ટર કર્યું. ત્યાં ગણિત અને વિજ્ઞાન ઉપરાંત પ્રયોગશાળા પણ કરી. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સમયે આવીને કોઈ પણ પ્રયોગ પોતે પોતાની રીતે કરી શકે. તેઓ માનતા હતા કે શિક્ષક તમને માત્ર સમજાવે તે ન ચાલે. પોતે પોતાના હાથે પ્રયોગ કરે તો જ તેને મગજમાં ઉતરે. ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ પ્રયોગ કરી શકે કારણકે પોતે પૈસાદાર માબાપનું સંતાન હતાં. તેઓ જે માગે તે મળતું. પણ ગરીબ વિદ્યાર્થીઓનું શું થાય? આ હેતુથી કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ઊભું કર્યું.

બંને જ્યારે મળે ત્યારે અવકાશ કાર્યક્રમની વાત થાય, ટેલિવિઝનની (એટલે અત્યારે ટીવી પર મનોરંજક કાર્યક્રમો આવે છે તેની નહીં, પણ તેના લોકશિક્ષણને લગતાં પાસાંની) વાત કરતા. તેઓ કહેતા કે “મારો અવકાશ કાર્યક્રમ દેશના સામાન્ય માણસને મદદરૂપ થાય એવું મારે કરવું છે. તે વખતે યુવાન વૈજ્ઞાનિકો ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ વગેરેને ટ્રેનિંગ માટે નાસા મોકલેલા. ત્યાંથી આવીને તે લોકોએ કહ્યું કે હકીકતે તો અમેરિકાએ શિક્ષણ માટે અલગ, ટીવી માટે અલગ, ટેલિકમ્યૂનિકેશન માટે અલગ-એમ અલગ-અલગ હેતુના ૨૦ અલગ-અલગ ઉપગ્રહો છોડ્યા છે. પ્રૅઝન્ટેશન પત્યા પછી વિક્રમભાઈએ કહ્યું, “તમારી બધી વાત સાચી છે, પણ અમેરિકા પાસે જેટલાં સંસાધનો છે તેટલાં ભારત પાસે નથી. આ બધું જરૂરી છે પણ હમણાં તે શક્ય નથી. તો તમે આ ૨૦ સેટેલાઇટ એકમાં જ આવી જાય તેવો ઉપગ્રહ બનાવો. વિક્રમભાઈની સલાહ મુજબ ભારતનો પહેલો મલ્ટિફંક્શનલ કમ્યૂનિકેશન સેટેલાઇટ ઇનસેટ-૧ છોડાયો.

તે વખતે વિક્રમભાઈ સેટેલાઇટની વાત કરે તો લોકો હસતા હતા. લોકો તો શું, જેમની પાસે આગવી સૂજ અને દીર્ઘદૃષ્ટિની કલ્પના હોય તેવા રાજકારણી પણ અંતરિક્ષ કાર્યક્રમનું અને વિજ્ઞાનનું મહત્ત્વ સમજી શકતા નહોતા. પદ્મનાભભાઈ કહે છે, “ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને ખેતીનું પાણી કેવી રીતે પહોંચાડવું તેના માટે તેમણે બહુ જ મોટો પ્રૉજેક્ટ પ્રસ્તાવિત કર્યો હતો. પરંતુ સરકારે કહ્યું, આપણી પાસે અત્યારે આટલા પૈસા નથી. તેમને આ વાતનું બહુ જ ખરાબ લાગ્યું હતું.”

આ જ રીતે એક વખત ઈન્દિરાજીને તેમને બહુ જ અગત્યના કામ માટે મળવું હતું. ઈન્દિરાજી માટે તે વખતે ચૂંટણી ખૂબ જ મહત્ત્વની હતી. તેમણે ટાળ્યું પરંતુ વિક્રમભાઈ મક્કમ હતા. ઈન્દિરાજીએ મુલાકાત ટાળવા માટે રાત્રે અઢી વાગ્યાનો સમય આપ્યો! તો વિક્રમભાઈ અને તેમની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી ગયા. ઈન્દિરાજી પણ રાતના બરાબર અઢી વાગે આવી પહોંચ્યાં! વિક્રમભાઈ અને તેમની ટીમે એ સમયે રિમોટ સેન્સિંગથી ખેડૂતોને થતા ફાયદાનું પ્રૅઝન્ટેશન કર્યું. તે પૂરું થયું એટલે ઈન્દિરાજી ઊભા થઈ, “ઓકે, વિક્રમ, ગુડનાઇટ.” તેમ કહીને ચાલ્યાં ગયાં. ત્યારે વિક્રમભાઈએ તેમની ટીમના એક સભ્યને કહેલું કે આ રાજકારણીઓને સમજાવવા બહુ જ અઘરા હોય છે. પણ તેમણે તેમનું કંઈ ન બોલવાનો અર્થ હકારાત્મક કાઢ્યો અને રિમૉટ સેન્સિંગ શરૂ કરી દીધો.

વિક્રમભાઈ કહેતા કે મારા કાર્યક્રમનું નામ જ મેં પાડ્યું છે સ્પેસ ફૉર ડેવલપમેન્ટ. વિજ્ઞાનને તેઓ વિકાસ માટેનું સાધન માનતા હતા. ચંદ્ર પર કેમ કાળો ડાઘો પડ્યો છે તે જાણવું અગત્યનું છે પરંતુ અત્યારે મારા દેશ માટે આ કશું જ અગત્યનું નથી. મારી જરૂરિયાત મારા લોકોને મારે પગભર કરવા છે.

વિક્રમ સારાભાઈની સામાન્ય માણસ તરીકેની મજાની વાત કરતા પદ્મનાભભાઈ કહે છે, “એક વાર અમે શાસ્ત્રીય સિતારના કાર્યક્રમ માટે ટાગોર હૉલ ગયેલા. તે વખતે ડિસેમ્બર એટલે ઠંડી બહુ હતી. ઉદ્ઘોષકે જાહેર કર્યું કે ઇન્ટરવલમાં કૉફી મળશે, પરંતુ ઇન્ટરવલ પહેલાં ઉદ્ઘોષકે કૉફી નહીં મળી શકે તેમ કહ્યું. એટલે વિક્રમભાઈની દીકરી મલ્લિકાએ “કૉફી તો મારે પીવી જ છે” તેમ કહ્યું. આથી ટાગોર હૉલમાંથી નીકળીને મેઇન રૉડ પર આવ્યા. તે વખતે તેની સામે સન્માન રેસ્ટૉરન્ટ હતું. વિક્રમભાઈએ મને કહ્યું કે તું પૂછ ને કે મને એક જ ગ્લાસ કૉફીનો આપો. મેં જઈને કહ્યું કે આ વિક્રમભાઈ છે. તેમને કૉફી જોઈએ છે. પણ રેસ્ટૉરન્ટવાળાએ કહ્યું કે તમારી વાત સમજું છું, પરંતુ તમે જુઓ છો કે અહીં લાઇન લાગી છે. તમને વચ્ચેથી આપીશ તો બધા બૂમો પાડશે. તમે ઘડીકવાર ઊભા રહો. વિક્રમભાઈ કહે કે ઊભા રહેવાનો ટાઇમ નથી. તેમણે મલ્લિકાને સમજાવ્યું કે અહીં બહુ લાઇન લાગી છે. તારે ઊભા રહેવું હોય તો ઊભી રહે. મલ્લિકા ખૂબ નાની હતી. તે કહે મારે તો કૉફી પીવી જ છે.

અમે ચાલવા લાગ્યા પણ મલ્લિકાએ જીદ ન છોડી. ત્યાં બ્રિજ પરથી એક રેંકડીવાળો આવતો હતો. મને કહે કે તેને પૂછ કે તેની પાસે શું છે. હું ગયો તો તે કહે, સબ ખતમ હો ગયા હૈ. મેં વિક્રમભાઈને કહ્યું, ના પાડે છે. વિક્રમભાઈ કહે, “ના શું પાડે? ચાલ, હું આવું છું.” ત્યાં ગયા તો રેંકડીવાળાએ ફરી કહ્યું કે કંઈ નથી. રગડો-પેટિસ, ચણા, બટેટાં કંઈ નથી. વિક્રમભાઈ કહે, “પુરીમાં એકલું પાણી ભરીને આપો, પણ કંઈક આપો.” અને અમે ચાર-પાંચ જણા હતા. બધાએ તે દિવસે ખરા અર્થમાં પાણીપુરી ખાધી!

વિક્રમ સારાભાઈને કુંદનલાલ સાયગલ (કે. એલ. સાયગલ)નાં ગીતો બહુ ગમતાં. વૉલ્ફગેંગ મૉઝાર્ટની સિમ્ફની ગમતી. રાતના એક વાગે ઘરે આવીને વિદ્યાર્થીના પીએચ.ડી.ના પેપર તપાસતા હોય ત્યારે લોંગ પ્લે રેકૉર્ડ મૂકી દીધી હોય. તેઓ માનતા કે રિસર્ચ જેવું અગત્યનું કામ કરતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગતું હોય તો તમારું કામ ખૂબ જ સારું થાય. ઘણી વાર તેઓ સીટી પણ વગાડતા. આવા ઉચ્ચ વિચારો ધરાવનાર છતાં સરળ વ્યક્તિ હતા વિક્રમ સારાભાઈ!

 બૉક્સ

પદ્મનાભ જોશી કોણ છે?

પદ્મનાભ કે. જોશી તરીકે જાણીતા પદ્મનાભભાઈ બહુમુખી પ્રતિભા છે. તેઓ વિક્રમ સારાભાઈ અને તેમના પરિવાર સાથે અંગત સંબંધો ધરાવે છે. તેમણે અમદાવાદ ઇસરો, આઈઆઈએમમાં કામ કર્યું છે. હાલ તેઓ અમદાવાદ સ્થિત નહેરુ ફાઉન્ડેશનમાં વિક્રમ સારાભાઈ આર્કાઇવ્સમાં ૭૫ વર્ષની ઉંમરે સાયટિકાની તકલીફ છતાં એક યુવાનને શરમાવે તેમ દસ-બાર કલાક કામ કરી રહ્યા છે. તેમણે વિક્રમ સારાભાઈની જીવનકથા પણ લખી છે. વિક્રમભાઈની જન્મશતાબ્દિની ઉજવણીમાં અતિ વ્યસ્ત પદ્મનાભભાઈએ સમય કાઢીને વિક્રમભાઈ વિશે ખાસ વાત કરી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment