Home » પતંગ: વારસામાં મળતી અદ્ભુત કળા!

પતંગ: વારસામાં મળતી અદ્ભુત કળા!

by Jaywant Pandya

સબ હેડિંગ: હિન્દુ તહેવારો સામૂહિકતાના તહેવારો છે. સમરસતાના તહેવારો છે. મકરસંક્રાંતિ, ઉત્તરાયણ કે ખીયરના નામે ઓળખાતો આ પતંગોત્સવ આરોગ્યની રીતે કેટલો મહત્ત્વનો છે તેની વાત નથી કરવી પરંતુ હિન્દુ તહેવારો સાથે જોડાયેલા અર્થતંત્ર, પતંગ ચગાવવામાં જરૂરી શરીર સંતુલન અને તેના આધારે જીવનમાં કેળવવાના સંતુલનની વાત કરવી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૨/૧/૨૦)

દરેક તહેવાર વખતે વડીલો કહેતા હોય છે, પહેલાં જેવો તહેવાર હવે નથી રહ્યો. પરંતુ આ વખતે સાચે જ એવું લાગી રહ્યું છે. આનું કારણ એ છે કે બેએક વર્ષ પહેલાં સુધી ડિસેમ્બર શરૂ થાય ત્યારથી ઓછામાં ઓછું શનિ-રવિમાં બાળકો, કિશોરો અગાશીમાં ચડીને પતંગ ચગાવતા જોવા મળતા હતા. ‘જો જાય’, ‘એ લપેટ’ જેવી ચીચીયારીઓ સંભળાતી હતી. પરંતુ આ વખતે એનો અભાવ જોવા મળ્યો છે.

આનાં ત્રણ મુખ્ય કારણો હોઈ શકે. એક, વધી રહેલો ભણતરનો ભાર. બીજું, પબજી જેવી મોબાઇલ ગેમનો વધતો ક્રેઝ. ત્રીજું, સરકાર, એનજીઓ, મિડિયા અને શિક્ષકો તરફથી ચાઇનીઝ દોરીના નામે મકરસંક્રાંતિનું મહત્ત્વ ઘટાડવા પ્રયાસ. દર ઉત્તરાયણે પક્ષી પ્રેમ જાગી ઊઠે છે. પક્ષીઓને નુકસાન થાય છે તે વાત સાચી પરંતુ તે માટે સમગ્ર તહેવારની ઉજવણીને હતોત્સાહ કરવાની જરૂર નથી. એટલી જ દરકાર સહુ કોઈને હોય તો ઝાડ કપાતાં પહેલાં તો બચાવવા જોઈએ. વિમાનોના કારણે પણ પક્ષીઓને નુકસાન થાય છે. આથી નેતાઓ અને ફાઇવ સ્ટાર એનજીઓના કર્મશીલોએ વિમાનમાં ઉડાઉડ બંધ કરવી જોઈએ. ભારત જો ખરેખર સેક્યુલર દેશ હોય તો બકરી ઈદ અને ક્રિસમસ પર પણ પર્યાવરણપ્રેમ પ્રગટ થવો જોઈએ. નહીં તો આ પર્યાવરણપ્રેમ કરતાં હિન્દુ વિરોધ વધુ કહી શકાય.

આ વખતે દિવાળી પહેલાં વિજયાદશમીથી જ મોટા ભાગનું અંગ્રેજી અને હિન્દી મિડિયા દિલ્લીના પ્રદૂષણના આંકડા વધી રહ્યા છે તેવી સ્ટૉરીઓ છાપવા લાગ્યું હતું. ટૉપ ફાઇવ સમાચારોમાં પ્રદૂષણના સમાચાર રહ્યા. દિવાળી પછી ‘દિવાળીના લીધે પ્રદૂષણમાં ખૂબ જ વધારો’ એવા સમાચાર પણ અમુક દિવસો સતત માથે મરાયા. પરંતુ આ મિડિયાનું બેવડું વલણ જુઓ. ૩૧મી ડિસેમ્બર પહેલાં ન તો કોઈ આંતરરાષ્ટ્રીય મિડિયાએ પ્રદૂષણના સમાચાર આપ્યા કે ન તો ભારતના અંગ્રેજી-હિન્દી મિડિયાએ આપ્યા. ન તો ૩૧મી ડિસેમ્બર પછી ‘૩૧મી ડિસેમ્બરે ફૂટેલા ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારા’ જેવા સમાચાર આપ્યા. આના પરથી જાણેઅજાણે હિન્દુ તહેવારોને લક્ષ્ય બનાવીને મિડિયા, એનજીઓ અને તેના પ્રભાવમાં સરકાર…આ બધાનું હિન્દુ ધર્મને મોટું નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર દેખાઈ રહ્યું છે.

આપણા તહેવારોમાં સામૂહિકતા અને મોટા ભાગે સાત્વિકતા જોવા મળે છે. બકરી ઈદ-૩૧મી ડિસેમ્બરની ઉજવણી તમે જોશો તો પિશાચી પ્રકારના મોજશોખ, વિલાસિતા અને વ્યભિચારસભર ઉજવણી બની જાય છે. ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની સાથે ન માત્ર કુટુંબ અગાશી પર ભેગું થાય છે, તે દિવસે ગૃહિણી પણ પતંગની મજા લેતી જોવા મળે છે, પતંગ ચગાવતી કે લૂટતી જોવા મળે છે. આ સાથે દોસ્તો, તેમનો પરિવાર, સગાવહાલા પણ એક અગાશી પર આવી બધું ભૂલી પતંગ ચગાવતા અને આ નિર્દોષ હરીફાઈનો આનંદ લેતા જોવા મળે છે. ફ્લેટ હોય તો અડોશીપડોશી પણ પતંગ ચગાવવાની ખુશી લે છે. આમ તો પતંગ અને દોરી દરેકને પોસાય જ, પરંતુ તેમ છતાં કોઈ પતંગ કપાઈને આવ્યો હોય તો તેને લૂટવાની મજા જ કંઈ અનેરી છે અને એ પતંગ ચગાવવાની મજા તો એનાથી પણ વધુ છે. ગરીબ-તવંગર બધાંને પોસાય તેવો આ તહેવાર છે. ઉત્તરાયણ કુદરત સાથે આપણને જોડતો તહેવાર છે. પહેલાંના સમયમાં લોકો ખુલ્લા આકાશ નીચે ખાટલા નાખીને સૂતા, હવે નભને નિરખવાનું ક્યારે બને છે? ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના બહાને આપણે શાંત-ભૂરા આકાશ સાથે જોડાઈએ છીએ.

મિડિયા ભલે ગરીબોને મદદ કરવાની સલાહ આપે, પરંતુ ગુજરાત હોય કે અન્ય પ્રદેશ, વર્ષોથી આપણે ત્યાં દાન-સખાવતની પરંપરા રહી જ છે. રાજા, નગરશેઠ કે સામાન્ય વ્યક્તિ, પોતાનો જન્મદિવસ મંદિરમાં જઈને દાન-પુણ્ય કરીને ઉજવવામાં આવતો હતો અને આજે પણ અપવાદો બાદ કરતાં ઉજવાય જ છે. તહેવારોએ પણ દાન-પુણ્યનો મહિમા કહેવાય છે અને ઘણો બધો અપયશ ખોટી રીતે બ્રાહ્મણોને ધર્મ માટે અપાય છે તો એ વાત પણ સ્વીકારવી જોઈએ કે તહેવારોએ ગાયથી માંડીને પક્ષી અને ભૂખ્યા-ગરીબ-મંદિરમાં રહી સેવા કરતા પૂજારી સહિતના લોકોને દાન કરવાનું ધર્મના નામે જોડીને સમાજમાં સંતુલન જળવાય છે જેના માટે ઋષિ-મુનિઓ-બ્રાહ્મણો-જ્યોતિષીઓને યશ મળવો જ જોઈએ.

સંતુલનની વાત નીકળી છે, તો પતંગ એ સંતુલનનો તહેવાર છે. કાનેતર કઈ રીતે બાંધવા, પવન હોય કે ન હોય, પતંગને ઠુમકા મારીમારીને દોરીને ઢીલ આપીને, ક્યારેક જરૂર પડે દોરી ખેંચી, ઉતારીને પતંગ ચગાવવો એ કળા છે અને તે સંતુલનની કળા છે. પતંગ ચગાવતી વખતે ખભાથી ઉપર કેટલો ઊંચે રાખવો, પેચ લાગે તો ઢીલ દેવી કે દોરી ખેંચવા લાગવી તે જબરદસ્ત કળા છે. તેમાંય કોઈ ફિરકી પકડનાર ન હોય તો એક હાથે પતંગ ચગાવવો અને બીજા હાથે ફિરકી પકડવી એ જેવી તેવી વાત નથી. દોરી આંગળીઓ પર લપેટવી, ફિરકીમાં ઝડપથી વીંટવી, ગાંઠ મારવી, ગૂંચ પડી હોય તો તે ઉકેલવી આ બધી અદ્ભુત કળા છે. નવરાત્રિમાં રાસ રમતા શીખવાડવાના ક્લાસ થાય છે. પરંતુ આજ સુધી ક્યાંય સાંભળ્યું નથી કે પતંગ ચગાવવાના ક્યાંય ક્લાસ યોજાતા હોય. આ એક એવી કળા છે જે બાળકને તેના પિતા તરફથી (કોઈ અપવાદરૂપ કિસ્સામાં માતા તરફથી) વારસામાં મળે છે. આમાં, ફેમિનિસ્ટોને વાંધો હોય તો પણ કંઈ થઈ શકે તેમ નથી.

તલની ચીકી, મમરાની લાડુડી, સિંગની ચીકી, શેરડી વગેરે ખાતાંખાતાં શિયાળાની હજુ સવારી ચાલુ હોય ત્યારે મસ્ત ઠંડા વાતાવરણમાં માથે ટોપી અને આંખે ગોગલ્સ પહેરીને આબાલવૃદ્ધ સહુ પતંગ ચગાવવાની મજા માણતા હોય તે દૃશ્ય મેઘધનુષ કરતાં ઓછું સુંદર નથી હોતું. આકાશની જેમ અગાશીઓ પણ ખુશીઓના અનેરા રંગથી રંગાઈ જાય છે. આમાં કેટલીક વાર આંખોના પેચ પણ લડાઈ જાય છે અને પ્રેમની ગાંઠ બંધાઈ જાય છે. સગાઈ અને લગ્ન વચ્ચે જો ઉત્તરાયણ આવતી હોય તો તો આહાહા! એ આનંદ જ અનોખો હોય જેમાં વાગ્દત્તા પોતાન વાગ્દત્તના ઘરે જઈને તેની ફિરકી પકડે અથવા પોતે પતંગ ચગાવે. ઉત્તરાયણ પર એકબીજા માટે પતંગ છોડાવવાનો આનંદ પણ જેવો તેવો નથી હોતો. તેમાં કોઈ અદેખાઈ-ઈર્ષાને સ્થાન નથી હોતું. માતા-પત્ની-બહેન આ કામ સહર્ષ કરતી હોય છે તો ઘણી વાર પિતા-પતિ-ભાઈ પણ તેમની સ્ત્રી સ્વજન માટે આ કામ સહર્ષ કરી આપતા હોય છે.

ઈસવીસનના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કેવો બેફામ દેકારો મચે છે અને રસ્તા પર કેવી ધૂમ બાઇકો અને કારો દોડતી હોય છે તે કોઈથી અજાણ્યું નથી. પરંતુ પતંગોત્સવની આગલી રાત્રે નાસ્તા સાથે પતંગને કાનેતર બાંધવાની જે સામૂહિકતામાં મજા છે અને વહેલી સવારે પાંચ-છ વાગે પતંગ ચગાવવા અગાશીએ ચડી જતા તે આનંદને શબ્દોમાં કેમ વર્ણવવો? પરંતુ હવે દિનચર્યા બદલાઈ છે એટલે લોકો થોડા મોડા ચડવા લાગ્યા છે. શિયાળો હોવાથી સામાન્યતઃ શાકભાજી ભરપૂર મળતા હોય એટલે ઊંધિયા સહિત શાકભાજીની વિવિધતા સારી જોવા મળતી હોવાથી ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી અગાશી પર ચડીને શારીરિક કસરત થતી હોવાથી ભૂખ પણ સારી લાગે છે અને એટલે ભોજનની લિજ્જત દાઢે રહી જાય તેવી હોય છે.

આ પતંગોત્સવ સૂર્ય આથમી જાય તે પછી પણ પૂરો થતો નથી કારણકે સૂર્ય આથમી જાય તે પછી પણ ફાનસનો દીવો બનાવીને ટુક્કલ ઉડાડવાની અનેરી મજા છે. અને ગુજરાતીઓ ગરબા ન ગાય, રાસ ન રમે તો તેમના આનંદના એકેય પ્રસંગ કેવી રીતે પૂરા થાય!

આપણા તહેવારોને સમાપ્ત કરવાનું ષડયંત્ર કરનારા સમજતા નથી કે આ તહેવારો સાથે અનેકોની રોજીરોટી પણ જોડાયેલી છે. આ સેક્યુલરો-એનજીઓ ગરીબોને રોજીરોટીની વાત કરશે, અર્થતંત્રની મંદીના રુદાલી આલાપ કરશે પરંતુ એ નહીં સમજે કે હિન્દુ તહેવારોનું એક અર્થતંત્ર છે અને આ તહેવારો સમાપ્ત થશે તો અર્થતંત્રને મોટો ફટકો પડશે. દા.ત. દિવાળીની ઉજવણી બંધ થશે (તેવું થવાનું નથી છતાં એક કાલ્પનિક વિચાર) તો દિવાળી પર થતી ખરીદીને ફટકો નહીં પડે? વિજયાદશમીની ઉજવણી બંધ થશે તો તે દિવસે વાહનથી લઈને પૂજા (આ કર્મકાંડનું પણ એક અલગ અર્થતંત્ર છે જ) અને રાવણદહનના કાર્યક્રમો- આ બધાં આર્થિક આયોજનોને ફટકો નહીં પડે? આ તહેવારોમાં થતાં દાન-પુણ્યને ફટકો નહીં પડે? આવું જ દરેક તહેવારના સંદર્ભે કહી શકાય.

આથી તહેવારોને બંધ કરાવવાના પ્રયાસોને જાકારો આપવો જોઈએ. હા, કેટલાંક સૂચનો જરૂર આવકાર્ય છે અને હોવાં જ જોઈએ; જેમ કે નવરાત્રિ સહિતના તહેવારોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન્યૂનતમ થાય અને રાત્રે બાર વાગ્યા પછી તો તેને બંધ કરીને રમવું હોય તો રમવું જોઈએ. હિન્દી ફિલ્મનાં અશ્લીલ, દારૂને પ્રોત્સાહનનાં ગીતો તો ન જ ચાલે. પૂજા-ઉપાસના કરતાં ભાંગનું મહત્ત્વ વધી ન જાય. જન્માષ્ટમીએ જુગાર તો ન જ ચાલે. ગણેશ ચતુર્થીએ ડીજે સિસ્ટમ અને તેમાં વાગતાં દારૂના મહત્ત્વવાળાં રૅપ ગીતો-આઇટેમ ગીતો-ડાન્સ ન જ ચાલે. એનાથી તો મોટા કાનવાળા ગણેશજીને પણ ત્રાસ થાય.

ઉત્તરાયણને- પતંગ ચગાવવાને તાત્ત્વિક દૃષ્ટિએ પણ જોવું જોઈએ. આ સંતુલનનો ઉત્સવ છે. ક્યારે ઢીલ દેવી, ક્યારે પતંગ ખેંચવો, કેટલા ઠુમકા મારવા, હાથ કેટલો ઊંચે રાખવો એ બધું સંતુલન માગી લે છે. આંખ, મગજ અને હાથ આ ત્રણેય સંતુલનમાં હોવાં જરૂરી છે. સાથે પગની હિલચાલ પણ કરવી પડે. પગમાં દોરી ન ભરાય તેનું ધ્યાન રાખવું પડે. આજુબાજુ કોઈ પતંગ ચગાવતું હોય તો ભટકાઈ ન જવાય, પતંગ ચગાવતાં અગાશી જો એ પ્રકારની હોય તો પડી ન જવાય તે ધ્યાન રાખવું પડે.

આવું સંતુલન જીવનમાં વિવિધ આયુએ અને સંબંધોમાં જરૂરી છે. બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા દરમિયાન કેટલો સમય રમવું, કેટલો સમય ભણવું, કેટલો સમય ઇત્તર પ્રવૃત્તિ કરવી અને કેટલો સમય સદવાંચન-ટીવી/મોબાઇલમાં આપવો- આ બધું સંતુલન માગી લે છે. કૉલેજ કાળમાં કૉલેજજીવનની મજા માણવાની સાથે, પ્રેમમાં પડ્યા હો તો પ્રેમી/પ્રેમિકા સાથે ફરવાની સાથે, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી પાછળ વધુ ધ્યાન આપવું પડે. નહીં તો પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે. ગૃહસ્થજીવનમાં વ્યવસાય અને પરિવાર વચ્ચે સંતુલન જરૂરી છે. નોકરી કરનાર સ્ત્રી હોય કે પુરુષ, તેણે નોકરી અને ઘર બંને વચ્ચે સંતુલન સાધવું પડે છે. આવું જ વેપારધંધો કરનારને લાગુ પડે. સગાંવહાલાં, સમાજ અને પડોશી…આ બધાંને ન્યાય આપવો પડે. પરિણીત હોય તો પુરુષે માતાપિતા અને બહેનની સાથે પત્ની અને તેના પિયર આ બધા વચ્ચે સંતુલન જાળવવું પડે છે. પત્નીએ સાસરિયાં અને પિયરિયાં વચ્ચે સંતુલન રાખવું પડે. વનપ્રસ્થાશ્રમમાં પતંગ ઉતારતા જઈ, પતંગ નવી પેઢીને ચગાવવા આપી દેવાનો છે. સંન્યાસાશ્રમમાં પ્રવેશ પછી તો નવી પેઢીને પતંગ ચગાવતા નિર્લેપ ભાવે જોઈ આનંદ માણવાનો છે. નવી પેઢી સલાહ માગે તો જ આપવાની છે.

અને હા, એક વાત ખાસ યાદ રાખવી. પતંગનો પેચ દૂરની વ્યક્તિ સાથે લાગવા કરતાં નજીકની વ્યક્તિ સાથે લાગવાની શક્યતા વધુ હોય છે! મકરસંક્રાંતિની રંગીન શુભકામનાઓ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Prasad jambhekar 12/01/2020 - 3:48 PM

Excellent article

Reply

Leave a Comment