Home » કન્યાદાનમાં કન્યાનું માન સમાવિષ્ટ જ છે

કન્યાદાનમાં કન્યાનું માન સમાવિષ્ટ જ છે

by Jaywant Pandya

સબ હેડિંગ: નબળા જીકેવાળા હિન્દી ફિલ્મ કલાકારો પાસે હિન્દુ બાબતોના જ્ઞાનની અપેક્ષા રાખવી એ કેલ્ક્યુલેટર પાસે સ્માર્ટ ફૉનની અપેક્ષા રાખવા બરાબર છે. આ લોકો સ્વૈરવિહારમાં જ માને છે. આવામાં એકબીજા માટે ત્યાગ કરવાનો, બીજાને સુખ આપવાનું, બીજાને ધર્મના માર્ગમાં પ્રવૃત્ત રાખવાના વિચાર પર સખાભાવવાળા હિન્દુ વિવાહને હિન્દી ફિલ્મી જગતવાળા લોકો કેવી રીતે સમજવાના?

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ. ૨૬/૦૯/૨૦૨૧)

સામાન્ય જ્ઞાનમાં જેને ખબર પડતી નથી તેવી આલિયા ભટ્ટની ‘માન્યવર’ નવવધૂ માટે પોશાકની જાહેરખબરમાં હિન્દુ વિવાહની સૌથી અગત્યની પરંપરા ‘કન્યાદાન’ પર પ્રશ્નો ઉઠાવાતાં હોબાળો મચ્યો છે. ૨૦૧૪ પછી જે રાજકીય લાભ ખાટવા હિન્દુવાદી બન્યા છે તેવા લોકો આલિયા ભટ્ટની તરફેણમાં છે. તેઓ આ રીતે પોતાની છબિ સુધારાવાદી હિન્દુની બતાવવા માગે છે. સામે પક્ષે હિન્દુઓ ‘કન્યાદાન’ની તરફેણમાં વાત કરી રહ્યા છે.

અગાઉ પણ આ વિવાદ થઈ ચૂક્યો છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ વેપારી વૈભવ રેખી સાથે લગ્ન કરતી વખતે ‘કન્યાદાન’ અને ‘વિદાય’ની પરંપરા ત્યજવાની જાહેરાત કરી હતી. ત્યારે આટલો હોબાળો મચ્યો નહોતો.

જોવાની વાત એ છે કે દિયા મિર્ઝાના પિતા ફ્રેન્ક હૅન્ડ્રિચ જર્મન કેથોલિક ખ્રિસ્તી હતા. માતા દીપા બંગાળી હિન્દુ છે. દિયા માત્ર સાડા ચાર વર્ષની હતી ત્યારે માતાએ છૂટાછેડા લીધા અને અહમદ મિર્ઝાને પરણી ગઈ. આમ, ખ્રિસ્તી અને મુસ્લિમ પરિવારમાં ઉછરેલી દિયા મિર્ઝામાં એ પ્રકારની રીતિનીતિ હોય તે સ્વાભાવિક છે.

આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ પણ હિન્દુ માત્ર નામના જ છે. મહેશ ભટ્ટની માતા ગુજરાતી મુસ્લિમ હતાં. સોની રાઝદાન સાથે લગ્ન કરતી વખતે મહેશ ભટ્ટે પહેલી પત્ની લોરિએન બ્રાઇટને છૂટાછેડા આપ્યા નહોતા. આથી બીજાં લગ્ન માટે મુસ્લિમ બની ગયા. એમ તો ધર્મેન્દ્ર અને કિશોરકુમાર પણ બીજા લગ્ન માટે મુસ્લિમ બની ગયા હતા પરંતુ તે માત્ર કહેવા પૂરતા. (જોકે લગ્ન વગેરેના અલગ-અલગ કાયદા હોવાથી આમ થાય છે. આથી જ સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ જેથી આ રીતે પણ પંથાંતરણ ન થાય.) મહેશ ભટ્ટ તો જોકે વિચારોથી ઇસ્લામ પંથની નિકટ જ છે. આવા પરિવારમાં અને હિન્દી ફિલ્મી જગત કે જે હવે ખ્રિસ્તી અને મુસ્લિમ પંથની ખૂબ નિકટ વિચારોવાળું બની ગયું છે તેમાં રહેવાથી આલિયા ભટ્ટ પણ હિન્દુ વિધિવિધાન અને શાસ્ત્રજ્ઞાનથી વંચિત હોય તે સ્વાભાવિક છે. વળી તે રણબીર કપૂર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. લિવ ઇન રિલેશનશિપમાં ભોગ ભોગવીને છૂટા થવા જેવું જ હિન્દી ફિલ્મી કલાકારો બાબતે વધુ હોય છે. કોઈને એકબીજાના બંધનમાં બંધાવું ગમતું નથી.

આ હિન્દી ફિલ્મ જગતવાળાઓનું સામાન્ય જ્ઞાન અને તેમાંય હિન્દુ બાબતોનું જ્ઞાન કેવું બોદું છે તેનાં અનેક ઉદાહરણો છે. સોનાક્ષી સિંહાને ‘કૌન બનેગા કરોડપતિ’માં હનુમાનજી કોના માટે સંજીવની લાવ્યા હતા તે જવાબ ખબર નહોતી. વરુણ ધવનને પણ કરણ જોહરના શૉમાં તે વખતના રાષ્ટ્રપતિનું નામ ખબર નહોતી. આવું જ ટાઇગર શ્રોફ સાથે થયું હતું. ઈશા ગુપ્તને ૧૫ ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ છે તે ખબર નહોતી! આવા લોકો પાસે ‘કન્યાદાન’નો સાચો અર્થ ખબર હોવી તેવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. તેમને રૉલ મૉડલ માનવા તે તો મૂર્ખતા જ છે. તેમને મનોરંજન કરનારાં તરીકે જ જોવાવાં જોઈએ.

હિન્દી ફિલ્મી જગત સ્વૈરવિહારમાં જ માને છે. તેઓ લગ્ન કરે, લિવ ઇનમાં રહે તો પણ તેમની ‘ઇત્તર પ્રવૃત્તિ’ ચાલુ જ હોય છે. આવામાં એકબીજા માટે ત્યાગ કરવાનો, બીજાને સુખ આપવાનું, બીજાને ધર્મના માર્ગમાં પ્રવૃત્ત રાખવાના વિચાર પર સખાભાવવાળા હિન્દુ વિવાહને હિન્દી ફિલ્મી જગતવાળા લોકો કેવી રીતે સમજવાના?

પ્રશ્ન હિન્દી ફિલ્મી જગતનો નથી. તેમના પાસે અભિનય સિવાયની કોઈ બાબતની અપેક્ષા રાખવી એ કેલ્ક્યૂલેટર પાસે સ્માર્ટ ફૉનની આશા રાખવા જેવું કામ છે. પ્રશ્ન એ છે કે આ જાહેરખબર બનાવનારાં – કૉપી રાઇટર અને નિર્દેશકો આવી હિન્દુ વિરોધી જાહેરખબરો બનાવે છે અને જે તે કંપની પૈસા દઈને આવી જાહેરખબરો બનાવડાવે પણ છે. શું આને ઍડ જિહાદ કહી શકાય? ખબર નહીં.

આ પહેલી વાર નથી. ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સીરિઝ દ્વારા તો હિન્દુ વિરોધી એજન્ડા ચાલે જ છે, પરંતુ જાહેરખબરો દ્વારા આ એજન્ડા વ્યાપક રીતે ચાલે છે અને તે ઘણી વાર ધ્યાન બહાર જતો રહે છે. આજથી છ વર્ષ પહેલાં આ લેખકે ‘સાંસ્કૃતિક આઘાત કરતી જાહેરખબરો’ (wp.me/pbuKVh-Hw પર વાંચી શકાશે) શીર્ષકથી લેખ લખ્યો હતો જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

‘માન્યવર’, ‘મેગી’, ‘રેડ લેબલ’, ‘પીયર્સ’, ‘તનિષ્ક’ અને ‘સર્ફ’ – આ બધાં વિજ્ઞાપનોમાં એક વાત સરખી છે- હિન્દુને લક્ષ્ય બનાવવો, ચાહે તે હિન્દુ વિવાહ પદ્ધતિ હોય, લિવ ઇન રિલેશનશિપ હોય, હિન્દુ-મુસ્લિમ પડોશ હોય, હિન્દુ દીકરી પોતાના પિતાના જ શહેરમાં પિતાથી અલગ રહે, હિન્દુ પરિણીત યુવતી પડોશી છોકરાના શરીર સૌષ્ઠવને જોઈ તેના આકર્ષણમાં પડે, હિન્દુ કુંવારી યુવતી પડોશી પરિણીત પુરુષના શરીર સૌષ્ઠવને જોઈ તેના આકર્ષણમાં પડે. બાળકને નવડાવતાં-નવડાવતાં દાસતા કાળના બાદશાહોનો વંશ યાદ કરાવવાનો.

જાહેરખબર જ નહીં, ન્યાય તંત્રના ચુકાદાઓ પણ આપણી સમાજ વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા તરફના હોય તેમ લાગે છે. પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયે તાજેતરમાં ચુકાદામાં કહ્યું કે જો તમે પુખ્ત હો, પરિણીત પણ હો તેમ છતાં બીજા કોઈ સાથે લિવ ઇનમાં રહેતા હો તો તેમાં કાયદાની દૃષ્ટિએ કંઈ ખોટું નથી! આવા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમી યુગલને સુરક્ષા આપવાનો આ કૉર્ટે ચુકાદો આપ્યો હતો! આની સામે પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે આવા એક પ્રેમી યુગલને સુરક્ષા આપવા નકાર્યું હતું અને તેની પાછળ સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી હતી. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયે પણ આવો જ ચુકાદો આપ્યો હતો. મધ્ય પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે પરિણીત દીકરીને પિતાના મૃત્યુ પછી કૃપાદૃષ્ટિથી સરકારી નોકરી મળી શકે તેવો ચુકાદો આપ્યો. જો પરિણીત દીકરીને નોકરીની જરૂર હોય તો પછી છૂટાછેડા પછી ભરણપોષણનો કાયદો કાઢી નાખવો જોઈએ. આવા ચુકાદાથી શું ભાઈ-બહેન વચ્ચે ઝઘડા નહીં થાય? ઉપરોક્ત લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલને સંરક્ષણ આપવાથી શું તેની પત્નીને અન્યાય નહીં થાય? વ્યભિચારને પ્રોત્સાહન નહીં મળે? ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયે એવો આદેશ આપ્યો કે તમિલ ઈશ્વરની ભાષા છે અને મંદિરોમાં અભિષેક વગેરે તમિલ ભાષામાં કરી શકાશે. આમ, સંસ્કૃત જે વિધિવિધાનોમાં બચી છે, જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમને જોડતી કડી હતી તેને સમાપ્ત કરવાનો આ એક પ્રયાસ ન કહી શકાય? આનાથી દક્ષિણ-ઉત્તરનો ભેદ વધુ મજબૂત નહીં થાય?

અમેરિકામાં પચાસ વિશ્વ વિદ્યાલયોએ ભેગા મળીને ‘ડિસમેન્ટલિંગ ગ્લૉબલ હિન્દુત્વ’ નામની ત્રિદિવસીય પરિષદનું આયોજન કર્યું હતું. જોકે વિશ્વ ભરના હિન્દુઓએ વિરોધ કરતાં તે મોકૂફ રહી છે. આમ, હિન્દુઓ જાગ્યા છે, સમૃદ્ધ થયા છે, હવે એક થઈને વિરોધ કરે છે તેથી તેમને અલગ-અલગ રીતે તોડવા માટે હિન્દુ સામાજિક જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, હિન્દુ વિવાહવિધિ વગેરે પર પ્રશ્નો ઊભા કરીને,

હવે વાત કરીએ કન્યાદાનની. આમાં વાંક હિન્દુ સમાજનો અને કર્મકાંડ કરાવતા બ્રાહ્મણોનો છે. હિન્દુ વિવાહને શૉબાજી બનાવી દેવાયા છે. પૈસાનું પ્રદર્શન. અને માત્ર જલસા કરવાના. સંગીત-નાચગાન-ખાણીપીણી-ફૉટોગ્રાફી-વિડિયોગ્રાફી. આનો વાંધો નથી, પરંતુ સૌથી મહત્ત્વ મુહૂર્ત અને વિધિનું છે. મુહૂર્ત સચવાતા બંધ થયા તેથી પણ લગ્ન તૂટવાં લાગ્યાં છે. (મુહૂર્તની વાત અંધશ્રદ્ધાની નથી, તેની વાત ફરી ક્યારેક.) હિન્દુ વિવાહવિધિ માત્ર કર્મકાંડ નથી પણ થનાર પતિ-પત્નીને વૈવાહિક જીવનની વાત સમજાવાય છે. તે મનૌવૈજ્ઞાનિક છે. કર્મકાંડી બ્રાહ્મણોએ વિવાહ પહેલાં થનાર પતિ-પત્ની સાથે બેસીને તેમને વિધિનું મહત્ત્વ સમજાવવું જોઈએ. આ વિધિ થઈ રહી હોય ત્યારે સંપૂર્ણ શાંતિ હોવી જોઈએ કે પછી ધીમા અવાજે મધૂર ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વાગતું હોય તો ચાલે. અતિથિઓ અને બંને પક્ષના લોકોએ પણ વાતચીત ન કરતાં અડધો કલાક-કલાક માટે શાંતિથી બેસી વિધિ નિહાળીને પોતાના મનમાં દૃઢીભૂત કરવી જોઈએ. કારણકે થાય છે એવું કે સંગીતના ઘોંઘાટ વત્તા લોકોના વાતચીતના અવાજમાં પડઘે જ બેઠેલા પંડિત શું બોલવા કહે છે તે સ્પષ્ટ સાંભળી શકાતું નથી અને અશુદ્ધ ઉચ્ચારણથી અનર્થ થાય છે.

કન્યાદાનના બદલે કન્યામાન શબ્દ વાપરવાની આવશ્યકતા જ નથી, કારણકે કન્યાદાનમાં જ કન્યાનું માન જાળવવાની વાત છે. હકીકતે હિન્દુઓ પણ સંસ્કૃત શીખતા નથી એટલે તેમને એક જ શબ્દના અનેક અર્થ થતા હોય અને એક શબ્દ કેટલી રીતે વાપરી શકાય તે ખબર નથી હોતી. અહીં કન્યાદાન શબ્દનો સંધિ વિગ્રહ કન્યા + દાન નથી. કન્યા આદાન છે. આદાનનો અર્થ થાય છે, લેવું, ગ્રહણ કરવું, બંધન. એટલે કે કન્યા આદાન એટલે કન્યાને એક યુવાન સાથે બંધનમાં બાંધવી. પણ માનો કે દાન શબ્દ લઈએ તો પણ દાન એટલે માત્ર વસ્તુનું જ દાન થાય અને તેથી કન્યા કોઈ વસ્તુ નથી કે તેનું દાન થાય આવી જે દલીલ ‘માન્યવર’ની જાહેરખબરમાં કરાઈ છે તે ખોટી છે. દાનને સંલગ્ન અનેક શબ્દો આપણે બોલચાલમાં વાપરીએ છીએ; જેમ કે વિદ્યાદાન, જીવનદાન, અભયદાન, દીપદાન. આમાં વિદ્યા, જીવન અને અભય (એટલે કે ભયમુક્ત) શું કોઈ વસ્તુ છે?

અને જે હિન્દી ફિલ્મી જગતમાં હિન્દુ યુવતીઓને હંમેશાં માલ, ચીઝ, પટાખા આવા હલકા શબ્દોથી ઓળખવામાં આવે છે તે ફિલ્મી જગત હિન્દુઓને કન્યાદાન અંગે સલાહ આપશે?

આ જ રીતે આ જાહેરખબરમાં આલિયા ભટ્ટ પૂછે છે કે શું આ (પિતાનું) ઘર મારું નથી? એલી બેન, મનુસ્મૃતિ જેવા હિન્દુ ગ્રંથોના જ આધારે બંધારણે હિન્દુ પરિણીત યુવતીઓને પિતાની સંપત્તિમાં હિસ્સો આપ્યો છે. બીજા કોઈ પંથોની વાત અહીં નથી કરવી. બીજું કે ઘણાં ઘરોમાં દીકરી પરણી જાય તો પણ તેનો રૂમ, તેનાં કપડાં, તેનાં ભણવાનાં પુસ્તકો, અન્ય ચીજો જેમની તેમ રાખવામાં આવે છે. એક તરફ આલિયા કહે છે કે પિતાએ બધી ઈચ્છાઓ પૂરી કરી પરંતુ ક્યારેય તેને પરાયા ધન કહેવા સામે વાંધો ન ઉઠાવ્યો. અહીં પરાયા ધનનો અર્થ છે તે સાસરે ચાલી જશે ત્યારે તેનું જીવન અલગ હશે. તે ગોત્રની રીતે પારકી થઈ જશે. શું હિન્દુ પરિવારો તેમની દીકરીઓ પરણી જાય પછી તેને પારકાની જેમ રાખે છે? અગાઉના સમયમાં તો બહુ થતું કે દીકરી વિધવા થઈ જતી તો તે પછી પોતાના ઘરે એટલે કે પિતાના ઘરે જ રહેતી. અને એવા ઘણા બધા કિસ્સા છે જેમાં વિધવા સ્ત્રીએ તેના ભાઈનાં સંતાનો ઉછેરવામાં સારો-નરસો ભાગ ભજવ્યો હોય. આવું ક્યારે બને? જ્યારે ઘરમાં તેનું ચાલતું હોય ત્યારે જ ને.

ધનનો અર્થ માત્ર નાણાં જ થાય છે તેવું નથી. આપણે ત્યાં અષ્ટલક્ષ્મી છે. આઠ પ્રકારની લક્ષ્મી. પરિવારના સભ્યની જેમ રખાતાં પશુઓને પણ ધન મનાયાં છે. જીવનધન એટલે સૌથી પ્રિય વ્યક્તિ. જ્યારે પિતા કન્યાદાન અથવા તો પાણિગ્રહણની વિધિ કરાવે છે ત્યારે તે પોતાની લક્ષ્મીરૂપિ દીકરી માટે વિષ્ણુરૂપી જમાઈ પાસે વચન લે છે કે તે તેને એ જ રીતે હથેળીમાં રાખશે જે રીતે પોતે રાખી છે. વિષ્ણુરૂપી જમાઈ આ વચનથી બંધાય છે. આમ કન્યાદાન કે વિવાહ એ પરસ્પર બંધન છે. કન્યા દ્વારા કે તેના પિતા દ્વારા એક તરફી બંધન નથી.

તે પછી આલિયા કહે છે કે મા મને પક્ષી સમજીને કહે છે કે તારું ચણ હવે બીજે છે. આમ કહી આલિયા પૂછે છે કે પક્ષીનું તો આખું આકાશ હોય છે. આલિયાને સમજાવો કે દરેક પક્ષી પણ પોતાનો માળો બાંધે છે અને જ્યારે તેનાં સંતાનોને ઉડતા આવડી જાય પછી સંતાનો માળાને છોડીને જતાં રહે છે. અને તેઓ પાછાં જીવનસાથી શોધે છે અને પોતાનો માળો બનાવે છે. પરંતુ આના માટે આસપાસના પર્યાવરણનું પણ જ્ઞાન હોવું જોઈએ.

હિન્દુ વિવાહમાં પત્નીને પતિની સખી, અર્ધાંગિની મનાયેલી છે. મહાભારત કાળમાં યુધિષ્ઠરને યક્ષે પ્રશ્ન પૂછ્યો હતો – किंस्विन मित्रं गश्हेसत:? (ઘરધણીનું મિત્ર કોણ છે?) યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો- भार्या मित्रं गृहेसत: (પત્ની.) એટલે કે હજારો વર્ષ પહેલાં આ અવધારણા હતી કે પત્ની ઉતરતી કક્ષાની નથી, મિત્ર છે. આ પછી યક્ષ પૂછે છે કે માણસનો ઈશ્વરે આપેલો મિત્ર કોણ છે? તો યુધિષ્ઠિર કહે છે, તેની પત્ની. પત્નીને સહચારિણી પણ કહેવાય છે. સહચારિણી એટલે સાથે રહેનારી, સખી, પત્ની આવા અર્થો થાય છે. જે હિન્દુ વિધિ કન્યાદાનથી બંધાઈને સ્ત્રીઓ પરણી છે તે બીજા પંથોની સરખામણીમાં સુખી જ છે. આ જ વિધિથી પરણેલી કૈકેયી પતિ દશરથ સાથે ખભેખભો મેળવીને યુદ્ધ લડી શકતી હતી. તેમને બચાવી શકતી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ લડી શકતી હતી. ગાંધારી ભગવાન શ્રી કૃષ્ણને પણ શાપ દેવાનું સામર્થ્ય ધરાવતી હતી. કવિ કાલિદાસ ગમાર હતા પણ ખૂબ જ્ઞાની હોવાના દેખાવ સાથે એક વૃદ્ધ પંડિતે તેમનાં લગ્ન કાશી નરેશની રાજકુમારી વિદ્યોત્તમા સાથે કરાવી દીધાં. વિદ્યોત્તમાનો અહંકાર ભાંગવા આ કરાયું હતું. વિવાહની રાતે જ્યારે વિદ્યોત્તમાને ખબર પડી કે કાલિદાસ તો મૂઢમતિ છે ત્યારે તેને કાઢી મૂકે છે. શું આ કલ્પના અન્ય કોઈ પંથમાં થઈ શકે? અમેરિકામાં હજુ પણ કોઈ મહિલા રાષ્ટ્રપ્રમુખ તો નથી જ બની શક્યા. કેટલી મુસ્લિમ શહઝાદીઓએ બેગમ બનીને સુખેથી રાજ્ય કર્યું? કેટલી ખ્રિસ્તી સ્ત્રીઓએ રાણી તરીકે સુખેથી રાજ્ય કર્યું?

વાંક શૉક ઍડવર્ટાઇઝિંગનો પણ છે, જે જાહેરખબર બનાવનારાઓને શીખવવામાં આવે છે. આ પ્રકારની જાહેરખબર એટલે એવી જાહેરખબર જે ઈરાદાપૂર્વક સામાજિક મૂલ્યોની વિરુદ્ધ બનાવીને દર્શકને આઘાત આપી તેનું ધ્યાન ખેંચવા માટે બનાવાય છે. એટલે કે આવી જાહેરખબરો પાછળ ખૂબ જ વિચારીને ઘડાયેલી વ્યવસ્થિત રણનીતિ હોય છે. આવું ભારતમાં જ નથી થતું. ઈટાલીની પોશાકની કંપની બેનેટને કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ગુરુ પૉપ બેનેડિક્ટ સોળમાને ઇજિપ્તના ઈમામને ચુંબન કરતા બતાવતી જાહેરખબર બનાવી હતી જેને વેટિકનના વિરોધ પછી પાછી ખેંચવી પડી હતી. પરંતુ આવો વિરોધ થાય અને ફિલ્મ કે જાહેરખબર પાછા ખેંચવા પડે ત્યાં સુધીમાં કંપની કે ફિલ્મવાળાઓનો હેતુ સરી ગયો હોય છે. આ લોકો હિન્દુઓમાં જ પોલું ભાળી ગયા છે કારણકે તેમને ખબર છે કે આ લોકો અહિંસક વિરોધ જ કરશે. કેમ તેઓ હલાલા, બુરખા વગેરે પરંપરા સામે આવી જાહેરખબરો કે ફિલ્મો બનાવવાની હિંમત નથી કરતા?

તાજેતરમાં ગુજરાતી નિર્માતા જયંતીલાલ ગડા અને નિર્દેશક હાર્દિક ગજ્જરની ‘રાવણ લીલા’નો પણ વિવાદ થયો. વિવાદ થયા પછી ફિલ્મનું નામ બદલાયું છે પરંતુ હજુ પણ પ્રતીક ગાંધી તો ટંગડી ઊંચી જ રાખે છે કે હનુમાનનું પાત્ર ભજવનારા લગ્ન ન કરી શકે તેવું થોડું હોય? એલા ભાઈ, ભારતનો ઇતિહાસ તો જો. રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીને શું બધા ધિક્કારે છે કે પ્રેમ કરે છે? શું હનુમાન બનનારા દારાસિંહે લગ્ન નહોતાં કર્યાં? તેમનો દીકરો વિન્દુ દારાસિંહ તો અભિનેતા છે.

એટલે વાંક માત્ર આલિયાનો નથી. આ જાહેરખબર અને ફિલ્મ બનાવનારાનો પણ છે. સાથે જ ૨૦૧૪ અને તેમાંય ૨૦૧૯ પછી એ જ સત્તાનું પુનરાગમન થતાં હિન્દુવાદી (દા. ત. વિવેક રંજન અગ્નિહોત્રી કે અર્નબ ગોસ્વામી) તરીકે ફૂટી નીકળેલાનો પણ છે જેમને હિન્દુ બાબતોનું કોઈ જ્ઞાન નથી. નવાઈ તો ત્યારે લાગે જ્યારે આર્ટ ઑફ લિવિંગ વાળા રવિશંકર પણ આ વાતમાં આવી ગયા અને આને નારીવાદી મુદ્દો બનાવી દીધો કે ‘કન્યાદાન’ થાય તો ‘પુરુષદાન’ કેમ નહીં. આ બધા છિછરા હિન્દુવાદીઓ છે.

આજના પાશ્ચાત્ય ભોગવાદી કે પછી મધ્ય-પશ્ચિમના કબીલા સંસ્કૃતિવાળા દૃષ્ટિકોણથી હિન્દુ કે રાધર એશિયાઈ પંથોને-તેમના સામાજિક જીવનને, પરંપરાઓને સમજવા જશે તેમને આ નહીં સમજાય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment