Home » જે. કે. એલ. એફ. ના તાર ફારુક અબ્દુલ્લાની સાથે જોડાયેલા છે!

જે. કે. એલ. એફ. ના તાર ફારુક અબ્દુલ્લાની સાથે જોડાયેલા છે!

by Jaywant Pandya

સબ હેડિંગ: જે. કે. એલ. એફ.ના સ્થાપક અમાનુલ્લા ખાનને નેશનલ કૉન્ફરન્સના નેતા મૌલાના મસૂદીએ ભણવામાં મદદ કરેલી. તો ઇંગ્લેન્ડમાં ભણતી વખતે ફારુક અબ્દુલ્લા તેમને મળેલા. એટલું જ નહીં, ફારુક અબ્દુલ્લા ઈ. સ. ૧૯૭૩માં અમાનુલ્લા ખાનના જે. કે. એલ. એફ.એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલા એક કાર્યક્રમમાં પણ ગયા હતા અને ત્યાં તેમણે કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની શપથ પણ લીધી હતી!

(દિ.૩૦/૦૩/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ)

૧૯૮૭નું એ વર્ષ હતું. જમ્મુ-કાશ્મીર (અને લદ્દાખ)માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હતી. મુસ્લિમ રાજકીય પક્ષોનો એક મોરચો મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના નામે બન્યો હતો. આ મોરચામાં ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ નામનું પણ એક સંગઠન હતું. શ્રીનગરની એક વિધાનસભા બેઠક અમીરકદલ પરથી મોહમ્મદ યુસૂફ શાહ નામનો ઉમેદવાર આ મોરચામાંથી ઊભો હતો. જેમજેમ મતગણતરી શરૂ થઈ તેમતેમ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે એ જંગી સરસાઈથી જીતી રહ્યો હતો. જોકે અંતે વિજેતા તરીકે ફારુક અબ્દુલ્લાના નેશનલ કૉન્ફરન્સના ગુલામ મોહીઉદ્દીન શાહને જાહેર કરવામાં આવ્યા. યુસૂફ શાહ સાથે ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગના એક નેતાની ધરપકડ પોલીસે કરી અને ૧૯૮૭ના અંત સુધી તેમને કોઈ પણ વિધિવત્ આરોપ વગર પૂરી રાખ્યા. ન તો તેમને કૉર્ટમાં હાજર કરાયા કે ન તો તેમની સામે ખટલો ચાલ્યો. આ ચૂંટણીમાં ભારે ગરબડો થઈ હતી. બૂથ કેપ્ચરિંગના ઘણા બનાવો બન્યા હતા. પોલીસે કોઈ પણ ફરિયાદ સાંભળવા ના પાડી દીધી હતી. ચૂંટણી પછી શું પરિણામ આવ્યું?

નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસની યુતિ વિધાનસભામાં ૬૨ બેઠકો સાથે વિજેતા જાહેર થઈ અને તેમણે સરકાર બનાવી! આ ચૂંટણીએ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદના ચાલી રહેલા છુટાછવાયા પ્રયાસોને વેગ આપ્યો. એ મોહમ્મદ યુસૂફ શાહ નામનો માણસ પછી સૈયદ સલાહુદ્દીન તરીકે ઓળખાવા લાગ્યો. તે હિઝબુલ મુજાહિદ્દીનનો વડો બન્યો અને કાશ્મીરમાં આ ત્રાસવાદી સંગઠને કેર વર્તાવી દીધો. તો તેની સાથે ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગનો જે નેતા પકડાયો હતો તેનું નામ હતું યસીન મલિક! હિઝબુલ મુજાહિદ્દીન પહેલાં જે ત્રાસવાદી સંગઠને કાશ્મીરમાં કેર વર્તાવેલો તે જે.કે.એલ.એફ.નો તે વડો હતો…

આ યાસીન મલિકે ૧૯૯૪માં હિંસાનો માર્ગ છોડી શાંતિપૂર્ણ સંઘર્ષનો માર્ગ અપનાવવાની વાત કરેલી. અને તે પછી તેણે હિંસાનો માર્ગ અપનાવ્યો નથી.

તો પછી તમે કહેશો કે તાજેતરમાં તેને કેમ મોદી સરકારે જેલમાં પૂર્યો? તેના સંગઠન જે.કે.એલ.એફ. પર કેમ પ્રતિબંધ મૂક્યો?

આના માટે ઇતિહાસ તપાસવો પડે. પાકિસ્તાન અને કાશ્મીર પ્રત્યે કુણૂં વલણ ધરાવનારા કેટલાક વિદ્વાનો ૧૯૮૭ની ચૂંટણીને કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ થવા માટેનું બિન્દુ માને છે. પરંતુ યાસીન મલિકે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, “મને સ્પષ્ટતા કરવા દો. ૧૯૮૭ની ગરબડવાળી ચૂંટણીના લીધે સશસ્ત્ર લડાઈ નથી ઉદ્ભવી. અમે તો ૧૯૮૭ પહેલાં પણ આ માર્ગ અપનાવ્યો હતો.”

એ વાત સાચી કે ૧૯૮૭ની જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ફારુક અબ્દુલ્લા-કૉંગ્રેસે ભારે ગરબડ કરીને જીતેલી. (ઇવીએમ આવ્યાં પહેલાં આ રીતે જ ચૂંટણીઓ જીતાતી આવી છે. ગુંડાઓને પૈસા આપીને બૂથ કેપ્ચર કરાવી લેવાતાં અને મતપત્રકો પર થપ્પાના થપ્પા લગાવી દેવાતા. તો ઘણી વાર મતપેટીઓ બદલાઈ જતી. તે વખતે જીપીએસ સિસ્ટમ પણ નહોતી.) તે વખતે આ ગરબડભરી ચૂંટણીનો વિરોધ માત્ર એમયૂએફ અને ભાજપે જ કરેલો. બાકી બધા પક્ષો- ડાબેરીઓ, લોક દળ, વગેરેને કોઈ વાંધો નહોતો. પરંતુ યાસીન મલિક જે ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગમાં હતો તે સંગઠન બંધારણને માનતું જ નહોતું! તે જ રીતે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પણ હિંસાના માર્ગે ચાલનાર ત્રાસવાદી સંગઠન હતું.

આ સંગઠનનો સ્થાપક હતો અમાનુલ્લા ખાન. આ અમાનુલ્લા ખાન આમ તો અભ્યાસમાં હોંશિયાર હતો. તેને નેશનલ કૉન્ફરન્સના નેતા મૌલાના મસૂદીએ શ્રીનગરની શ્રી પ્રતાપ કૉલેજમાં ભણવા માટે નાણાં સહાય કરેલી. (આખી સાંઠગાંઠ સમજાય છે? જે.કે.એલ.એફ. ત્રાસવાદી સંગઠન. તેના સ્થાપકને સ્પોન્સર કોણ કરે છે? નેશનલ કૉન્ફરન્સ. તેના નેતા ફારુક અબ્દુલ્લા છે. તેમની કૉંગ્રેસ સાથે ઘનિષ્ઠતા જાણીતી છે.) અમાનુલ્લા ખાન શૈખ અબ્દુલ્લાનો પ્રશંસક હતો અને પાકિસ્તાનનો પણ. પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનની હત્યા થઈ ત્યારે આ અમાનુલ્લાને એટલું પેટમાં દુઃખેલું કે તેણે જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો કરેલાં. (ભારતમાં આવા પાકિસ્તાન પ્રેમીઓ ઘણા છે. રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા તેમાં તાજો ઉમેરો છે. પાકિસ્તાન પર હુમલો થાય અને દર્દ આવા લોકોને થાય!) સરકાર પર દબાણ આવતાં તેને રાજ્યમાંથી તડીપાર કરાયેલો. આથી તે ૧૯૫૨માં પાકિસ્તાન જ ચાલ્યો ગયો.

તે ભલે પાકિસ્તાનને પ્રેમ કરતો હોય, પાકિસ્તાન તેને એટલું પ્રેમ કરતું નહોતું. તે રાવલપિંડીની કૉલેજમાં ઍડ્મિશન લેવા ગયો તો કૉલેજે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની યુનિવર્સિટી અમારે ત્યાં માન્ય નથી. તેથી તને અહીં પ્રવેશ ન મળે! પરંતુ આવી ઘટનાઓથી અમાનુલ્લાના પાકિસ્તાન પ્રેમમાં સહેજે ઓટ ન આવી. દસ વર્ષ પછી ૧૯૬૨ સુધીમાં અમાનુલ્લા ખાન ભારતના કાશ્મીર અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને એક કરી તેનું અલગ રાજ્ય બનાવવાનું સ્વપ્ન જોતો થઈ ગયો. સ્વાભાવિક જ આમાં પાકિસ્તાનની ભૂમિકા રહી જ હોય. કોઈ બાળકનો ઉછેર તેના માતાપિતા સિવાયના ઘરમાં થાય તો તે ઘર પ્રમાણેની જ વિચારસરણી તેનામાં આવવાની.

અમાનુલ્લા ખાન પહેલાં આઝાદ કાશ્મીર જનમત મોરચાનો મહામંત્રી બન્યો. (આ મોરચો પણ એટલા માટે બન્યો કારણકે સરદાર પટેલે જૂનાગઢ અને હૈદરાબાદ એમ ને એમ ભારતમાં ભેળવી દીધાં પણ નહેરુએ સંયુક્ત રાષ્ટ્રો જનમત સંગ્રહનો આદેશ આપે તે પહેલાં જ ૨૮ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરેલું ત્યારે ઑલ ઇન્ડિયા રેડિયો પર જનમત સંગ્રહનું વચન આપી દીધું હતું!) અમાનુલ્લા ખાને તે પછી આ સંગઠનમાંથી ૧૯૭૬ના વર્ષમાં હિંસક સંગઠન બનાવ્યું. તેનું નામ હતું જમ્મુ કાશ્મીર નેશનલ લિબરેશન ફ્રન્ટ. તે શરૂઆતમાં એનએલએફ તરીકે ઓળખાતું હતું.

અમાનુલ્લા ખાનને ભણવામાં નેશનલ કૉન્ફરન્સના મૌલાનાએ મદદ કરી તે તો આપણે ઉપર જોયું. પરંતુ અમાનુલ્લા ખાન જ્યારે લંડનમાં રહેવા ગયો ત્યારે ફારુક અબ્દુલ્લા ઇંગ્લેન્ડમાં ભણતા હતા અને તે સમયે તેઓ અમાનુલ્લા ખાનને મળેલા. ફારુક અબ્દુલ્લા ઈ. સ. ૧૯૭૩માં અમાનુલ્લા ખાનના જે. કે. એલ. એફ.એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલા એક કાર્યક્રમમાં પણ ગયા હતા અને ત્યાં તેમણે કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની શપથ પણ લીધી હતી!

૧૯૭૫માં ઈન્દિરા ગાંધીની કૃપાથી શૈખ અબ્દુલ્લા કે તેમના પક્ષના એકેય ઉમેદવાર વિધાનસભામાં નહોતા ચૂંટાયેલા તોય કાશ્મીરના મુખ્ય પ્રધાન બનેલા ત્યારે એક સરઘસ નીકળેલું. તેમાં ફારુક અબ્દુલ્લા તેમજ જે. કે. એલ. એફ. ના સાથીઓ જોડાયેલા અને ફારુકે નવું સૂત્ર આપેલું, “ચ્યોં દેશ, મ્યોં દેશ, કશૂર દેશ, કશૂર દેશ” અર્થાત્, તમારો અને મારો દેશ કાશ્મીર છે! અહીં દેશ શબ્દ પર ભાર મૂકવો જોઈએ.

એટલે પ્રશ્ન તો એ થાય કે જે. કે. એલ. એફ. પર તો પ્રતિબંધ મૂકાયો, યાસીન મલિકને પણ જેલમાં પૂરી દેવાયો, પણ આ રાજકીય પક્ષ બનાવીને ફરતા ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી તેમજ સામ પિત્રોડા જેવા લોકો સામે ક્યારે પગલાં લેવાશે?

જે. કે. એલ. એફ.ની વાત પર પાછા ફરીએ તો, તેના સહસ્થાપક મકબૂલ બટ્ટને જેલમાંથી છોડાવવા સંગઠનના લબરમૂછિયા ૧૬ વર્ષના હાસીમ કુરૈશી અને તેના પિતરાઈ અલ્તાફ કુરૈશીએ ‘ગંગા’ નામનું ઇન્ડિયન ઍરલાઇન્સ ફૉર ફ્રેન્ડશિપ વિમાન ઉડેલું તેનું અપહરણ કરેલું. તેમાં ૨૬ મુસાફરો અને ચાર ક્રુ સભ્યો હતા. તે લાહોરમાં ઉતર્યું ત્યારે પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બે અપહરણકારોને ભેટી પડેલા. તેમને કાશ્મીરના સાચા યૌદ્ધા ગણાવેલા (અને સામ પિત્રોડા કહે છે કે ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ન ગણાવાય!) અમાનુલ્લા ખાન જ્યારે પાકિસ્તાન પરત ફર્યો ત્યારે ભારતના કાશ્મીરીઓનો જુસ્સો બેવડાયો. અમાનુલ્લા ખાને વિચારી લીધું હતું કે પોતાના કામમાં ભારતના મૂળ કાશ્મીરી યુવાનોને જોડવા પડશે. તેણે ચાર માણસોને જોડ્યા. આ ચાર માણસો હતા- શૈખ અબ્દુલ હમીદ, અશ્ફાક માજિદ વાણી, જાવેદ અહેમદ મીર અને મોહમ્મદ યાસીન મલિક. તેમનું જૂથ HAJY જૂથ તરીકે ઓળખાતું. આ જૂથમાં છેલ્લું નામ મોહમ્મદ યાસીન મલિક છે તે જ યાસીન મલિક છે જેને હાલમાં નરેન્દ્ર મોદીની સરકારે જેલમાં પૂર્યો છે.

કાશ્મીરનો પ્રશ્ન વિદેશમાં ચગે તે માટે જે. કે. એલ. એફ.એ ૩ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ યુ.કે.ના બર્મિંગહામમાં ભારતીય રાજદૂત રવીન્દ્ર મ્હાત્રેનું અપહરણ કર્યું અને તેમની હત્યા કરી નાખી. તેમની માગણી મકબૂલ બટ્ટ (ખરેખર તો હિન્દુ અટક ભટ્ટ જ છે, પરંતુ મુસ્લિમ બન્યા પછી બટ્ટ લખે છે)ને જેલમાંથી છોડાવવાની હતી.  પરંતુ તે વખતે ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં. તેમણે માગણી માનવાના બદલે મકબૂલને તાબડતોબ એટલે કે ૧૧ ફેબ્રુઆરીએ ફાંસી આપી દીધી!

યાસીન મલિક અને તેમના HAJY જૂથના લોકો જે. કે. એલ. એફ.માં જોડાયા પછી કાશ્મીરી યુવકોને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શસ્ત્રોનું પ્રશિક્ષણ અપાવા લાગ્યું. મહેબૂબા મુફ્તિની બહેન અને તત્કાલીન ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબિયા સઈદના અપહરણથી દેશ ચોંકી ગયો. રૂબિયાને મુક્ત કરાવવા જેલમાંથી તેર ત્રાસવાદીઓને છોડવામાં આવેલા. જે. કે. એલ. એફ. સરકારી અને સુરક્ષા અધિકારીઓ પર હુમલા પણ કરવા લાગ્યો. આ યાસીન મલિક વાયુ સેનાના ચાર જવાનોની હત્યા માટે પણ જવાબદાર છે અને ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓને રાતોરાત ખદેડવા, તેમની પત્ની, દીકરી, બહેનોની હત્યા-બળાત્કાર માટે પણ જવાબદાર છે. પરંતુ તેની તેમજ અન્ય અલગાવવાદી હુર્રિયતના નેતાઓ સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી થતી નહોતી. થાય પણ કેવી રીતે? ફારુક અબ્દુલ્લા-મહેબૂબા મુફ્તી જેવા રાજકીય સમર્થકો હોય તો કેવી રીતે થાય? કાશ્મીર ભડકે બાળે! એટલે અત્યાર સુધી આ બધા ભારતમાં, પાકિસ્તાનમાં, વિદેશોમાં સાર્વજનિક રીતે ફરતા હતા. ભારત વિરોધી નિવેદનો અને ધમકીઓ આપતા રહેતા હતા. કાશ્મીરની પ્રજાને ભારત વિરુદ્ધ ઉશ્કેરતા રહેતા હતા.

આમ તો, ઉડી હુમલા પછી જ મોદી સરકારે હુર્રિયત કૉન્ફરન્સ પર તડાપીટ બોલાવી તેમના નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધેલી. નોટબંધી પણ તેનું જ એક પ્રકરણ હતું. સેનાને છૂટ આપી બુરહાન વાણી સહિતના ત્રાસવાદીઓને શોધીશોધીને મારવા માંડેલા. ત્યાર બાદ, પુલવામા હુમલા પછી આ કાર્યવાહી ઓર ઝડપી બનાવી. યાસીનને જેલમાં પૂરી દીધો. જમાતે ઇસ્લામી અને જે. કે. એલ. એફ. પર પ્રતિબંધ મૂકી દીધો. ઇડીએ સૈયદ સલાહુદ્દીનની સંપત્તિ પણ જપ્ત કરી છે.

હવે બાકી છે, યાસીન મલિકને ફાંસીની સજા, ફારુક અબ્દુલ્લા-મહેબૂબા જેવા રાજકીય મહોરું પહેરીને ફરતાં અલગાવવાદીઓને જેલના સળિયા ગણાવવાનું. જોઈએ, એનો સમય ક્યારે પાકે છે!

You may also like

Leave a Comment

Your donation can help this website keep running. Please donate from ₹ 10 to whatever you want.