Home » જિતિનપ્રસાદ: પિતા-પુત્રની નિષ્ઠાની કૉંગ્રેસમાં કદર ન થઈ

જિતિનપ્રસાદ: પિતા-પુત્રની નિષ્ઠાની કૉંગ્રેસમાં કદર ન થઈ

by Jaywant Pandya

જિતેન્દ્ર પ્રસાદ: નિષ્ઠાવાન નેતા

કુંવર જ્યોતિ પ્રસાદ બ્રાહ્મણ જમીનદાર હતા. તેમણે દીકરા જિતેન્દ્રને ખેડે એની જમીન કાયદો આવતા ખેડૂતનું પ્રશિક્ષણ લેવા કહ્યું. જિતેન્દ્રએ પ્રયાગરાજમાં એક સંસ્થામાં કૃષિ સ્નાતકની પદવી મેળવી. તેઓ રાત્રે ટ્રેક્ટર ચલાવતા કારણકે દિવસે તેમને ત્યાં ખેતમજૂરો તેમના આ બાબાસાહબને કામ કરવા ન દે.
જિતેન્દ્ર પ્રસાદને જો હેમવંતી નંદન બહુગુણા ન મળ્યા હોત તો કદાચ તેઓ ખેડૂત જ હોત. તેમણે જિતેન્દ્રને ૧૯૭૧ની ‘ગરીબી હટાવો’ સૂત્રવાળી ચૂંટણીમાં ટિકિટ આપી. ૧૯૭૭માં રાજકીય ગુરુ બહુગુણાજીએ જનતા પક્ષની વાટ પકડી પણ જિતેન્દ્રએ કહ્યું, “તમે કહેશો તો રાજકારણ છોડી દઈશ પણ કૉંગ્રેસ નહીં છોડું.”
રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા તે પછી યુવાન જિતેન્દ્ર પર રાજીવની પસંદ ઉતરી. તેમને ૧૯૮૫માં મહામંત્રી અને બાદમાં પોતાના રાજકીય સચિવ બનાવ્યા. જિતેન્દ્ર ગાંધી-નહેરુ નહીં, પક્ષને નિષ્ઠાવાન હતા. આથી નરસિંહરાવ સત્તામાં આવ્યા તો તેમણે પણ રાજકીય સચિવ તરીકે જિતેન્દ્ર પર જ પસંદ ઉતારી.
નરસિંહરાવ કૉંગ્રેસના અધ્યક્ષ હતા. તે સોનિયા ગાંધી અને તેમના ચમચાઓને પસંદ નહોતું. તે સમયે યાદ હોય તો સમાચારપત્રોમાં વારંવાર બૉક્સ તરીકે આઇટમ છપાતી કે નરસિંહરાવ ગયા. શરદ પવાર બળવો કરશે કે પછી અર્જુનસિંહ…એમ અલગ-અલગ નામો સાથે આવા સમાચાર પ્લાન્ટ કરાતા. તેની પાછળ કોણ હતું તે વાચકો સમજી જશે. ૧૯૯૨માં એટલે કે રાજીવની હત્યાના બીજા જ વર્ષે રાવને ઉથલાવવા યોજના બની ગઈ હતી. (અઠંગ રાજકારણીને વળી શોક શેનો?) સોનિયાના ચમચાઓએ જિતેન્દ્ર પ્રસાદને કહેવડાવ્યું: રાવને ઉથલાવવામાં અમને સહકાર આપો. ખુમારીવાળા જિતેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ ના પાડી દીધી. ૧૯૯૪માં સોનિયાના ઈશારે કૉંગ્રેસના ભાગલા થયા. અર્જુનસિંહે નારાયણદત્ત તિવારી સાથે કૉંગ્રેસ (ટી) રચી. સોનિયાને પક્ષની ધૂરા મળી પછી એ પાછા ફરેલા.
આ અર્જુનસિંહના પક્ષમાં જોડાવા જિતેન્દ્ર પ્રસાદને કહેણ આવ્યું પણ પક્ષને નિષ્ઠાવાન જિતેન્દ્ર પ્રસાદે ફરી ટટ્ટારપણું બતાવ્યું. ના પાડી. રાવ સાથે રહ્યા પણ રાવના માનીતા ચંદ્રસ્વામીને બધા ઝૂકતા પણ જિતેન્દ્ર પ્રસાદ નહીં. સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે શરદ પવાર-પી.એ. સંગ્મા અને તારીક અનવરે ૧૯૯૯માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી) રચ્યો. ત્યારે પણ પક્ષમાં જોડાવાનું પવારભાઉનું નોતરું જિતેન્દ્ર પ્રસાદે અસ્વીકાર્યું.
તેમનું સપનું કૉંગ્રેસમાં રહી કૉંગ્રેસને સુધારી તેને વિજયી બનાવવાનું હતું. એટલે જ તો અનેક લોભામણા પ્રસ્તાવો નકારી તેમણે પક્ષમાં સોનિયા સામે પક્ષ પ્રમુખની ચૂંટણી લડવાની હિંમત કરી, એ જાણતા હોવા છતાં કે આ તો નહેરુ-ગાંધીની આ કૉંગ્રેસ છે. ઓરિજનલ ગાંધી વખતે ય  મોતીલાલ નહેરુનું જ ચાલતું તો આ ડુપ્લીકેટ જેવા ગાંધી વખતે ક્યાં ચાલવાનું હતું. વળી સોનિયા સામે વિદ્રોહનો ઝંડો ઉંચકનાર રાજેશ પાઇલૉટ (સચીન પાઇલૉટના પિતા) સોનિયાને ૭૫૪૨ મત મળ્યા જ્યારે જિતેન્દ્ર પ્રસાદને કેવળ ૯૪.

જિતિન પ્રસાદ: તેમનો અવાજ કૉંગ્રેસના ગાંધી પરિવારે ન સાંભળ્યો

તે પછી સહેજ પણ કડવાશ રાખ્યા વગર જિતેન્દ્ર કૉંગ્રેસમાં રહ્યા અને તેમના પુત્ર જિતિન પણ. પરંતુ ૨૦૧૯ પછી લગભગ નેતૃત્વવિહોણી કૉંગ્રેસ, પડદા પાછળના સામંત જેવા અધ્યક્ષોને મળવું મુશ્કેલ હોય તો પોતાના પ્રશ્નો અને વ્યથા કહેવાની તો વાત જ ક્યાં આવી? આમ તો તેઓ ૨૦૧૯માં જ ભાજપમાં જોડાઈ ગયા હોત. તે વખતે તેઓ દિલ્લી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ પ્રિયંકા વાડ્રાનો ફૉન આવ્યો ને તેઓ પાછા વળી ગયા.
તેમના અને ગુલામનબી આઝાદની સાથે ૨૩ નેતાઓએ આંતરિક લોકશાહી, નેતાની પ્રાપ્યતા વગેરે માગણી કરી તો પણ સોનિયા કૉંગ્રેસના સ્વામીઓ સળવળ્યા નહીં. જિતિન પ્રસાદે આ વખતે બે દિવસ ફૉન બંધ રાખ્યો અને ફારગતીનો નિર્ણય કર્યો અને આજે ભાજપમાં જોડાઈ ગયા. પક્ષને નિષ્ઠા હોય પણ પક્ષમાં નિષ્ઠાની કદર ન હોય તો? પક્ષના નેતૃત્વને જ વારંવાર વિદેશ પ્રવાસ, પુશ અપ , સ્વિમિંગ, ખાણીપીણી પસંદ હોય તો? તે પિકનીક કહેવાય, રાજકારણ નહીં જ. કૉંગ્રેસ માટે મનમોહનસિંહ જ બહાદુરશાહ ઝફર બની રહેશે તેમ લાગે છે.
કૉંગ્રેસને બાપીકી જાગીર સમજનાર નેતૃત્વ સામે ૯૦ના દાયકામાં બળવો કરનાર માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય પછી હવે જિતેન્દ્ર પ્રસાદના દીકરા જિતિન ભાજપમાં જોડાઈ ચુક્યા છે. રાજેશ પાઇલૉટના પુત્ર સચીન એક વાર નિષ્ફળ વિદ્રોહ પછી હવે યોગ્ય સમયની તાકમાં છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment