Home » લેખાંક-૨: ઈઝરાયેલ: બાપ બાપ હોતા હૈ!

લેખાંક-૨: ઈઝરાયેલ: બાપ બાપ હોતા હૈ!

by Jaywant Pandya

સબ હેડિંગ: યહુદીઓમાં પણ વિચાર અને સંસ્કૃતિ ભિન્નતા છે. તેમ છતાં એસિરિયા, બેબિલોન, પર્શિયા, રોમનો, મુસ્લિમો સામે લડાઈઓ લડી. ઈઝરાયેલ દેશ પાછો મેળવ્યો તે પછી સતત યુદ્ધો થતાં રહ્યાં. તો પણ ત્યાં કોઈએ બોદી અહિંસાના ગુણગાન ગાયા નથી. કઈ બાબતો યહુદીઓ અને ઈઝરાયેલને શક્તિશાળી બનાવે છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૦૫/૨૦૨૧)

લેખાંક-૧: યહુદીઓએ કેવી રીતે ઈઝરાયેલ પાછું મેળવ્યું?

(ગતાંકથી ચાલુ)

યહુદીઓએ ઈઝરાયેલ મેળવ્યું તો ખરું પણ તેને ટકાવી કેવી રીતે રાખ્યું અને ભારતને મળેલી સ્વતંત્રતા પછી એક વર્ષે સ્વતંત્રતા મેળવી તો પણ તે ભારત કરતાં આગળ કેવી રીતે નીકળી ગયું?

એક તો દેખીતી રીતે યહુદીઓ પર અહિંસાનો મોટો એવો કોઈ પ્રભાવ નથી. મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન કે ગાંધીજી જેવા કોઈ ત્યાં મોટા પાયે પ્રભાવશાળી હોય તેવા અહિંસક વિચારધારાના નથી. ભારતમાં તકલીફ એ છે કે ભારતમાં અંદર ખાને હિંસા બહુ જ છે. પરંતુ બહારના સામે મિંયાની મીંદડી જેવા છીએ. ગાંધીજીની વાત નીકળી છે તો ઈઝરાયેલ સંદર્ભે પણ તેમનું મુસ્લિમ તુષ્ટિકરણ દેખાઈ આવે છે.

૨૬ નવેમ્બર ૧૯૩૮ના ‘હરિજન’માં તેમણે લખ્યું કે તેમના કેટલાક યહુદી મિત્રો દક્ષિણ આફ્રિકામાં થયા હતા. તેમની સહાનુભૂતિ યહુદીઓ સાથે છે. આમ, તેઓ જાણતા તો હતા કે યહુદીઓ પર યુગોથી અત્યાચારો થયા છે. તેઓ એમ પણ કહેતા હતા કે યહુદીઓ ખ્રિસ્તી પંથમાં અસ્પૃશ્ય જેવા છે. પરંતુ (પોતાનો જ દેશ પાછો મેળવવાની) યહુદીઓની રોકકળ મને સ્પર્શતી નથી. તેમણે લખ્યું કે જે રીતે ફ્રાન્સ ફ્રેન્ચનું, ઇંગ્લેન્ડ બ્રિટિશરોનું છે તેમ પેલેસ્ટાઇન આરબોનું છે. (આ થિયરી પાછી તેમણે સ્વતંત્રતા પહેલાંના ભારત માટે કે સ્વતંત્રતા પછી મુસ્લિમોએ પાકિસ્તાન લીધું તે બાદ રહી ગયેલા ભારત માટે લાગુ ન પાડી.) આરબો પર યહુદીઓને થોપવા તે ખોટું અને અમાનવીય છે.”

યહુદીઓની વાત પર પાછા ફરીએ. યહુદીઓએ શક્તિશાળી કઈ રીતે બન્યા? બુદ્ધિ, સાહસ અને દેશભક્તિના સુંદર સમન્વયથી! શરૂઆતથી જ સાચી નીતિ અપનાવી. જ્યારે ઈઝરાયેલ રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું ત્યારે ભારતને પણ અંગ્રેજોની ચંગુલમાંથી છૂટ્યાને એક વર્ષ થઈ ગયું હતું. ભારતે સૉવિયેત સંઘ તરફ ઢળી પડતી નીતિ અપનાવી. પરંતુ ઈઝરાયેલના પ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયને ઈઝરાયેલની વિદેશનીતિ એવી ઘડી કે તેમાં બંને મહા સત્તા પ્રત્યે સમાન ઝુકાવ હતો. તેમને લાગેલું કે કોઈ એકની કઠપૂતળી બની જવાથી ઈઝરાયેલની સુરક્ષા થશે નહીં. વળી, શરૂઆતથી જ આરબોએ યુદ્ધ થોપ્યું હોવાના કારણે ઈઝરાયેલ સુરક્ષાને પહેલી પ્રાથમિકતા હંમેશાં આપતું આવ્યું છે. જ્યારે આપણા પ્રથમ વડા પ્રધાન નહેરુ તો માનતા હતા કે સેનાની કોઈ જરૂર જ નથી. આપણી નીતિ અહિંસાની છે. આપણને કોઈ જોખમ નથી. આથી સેનાને વિખેરી નાખો. જોકે સ્વતંત્રતા પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે સેના વિખેરાતા બચી. જોકે તે પછી પણ સેનાને અને ગુપ્તચર સંસ્થાઓને મજબૂત કરવાનું નહેરુ સરકારે વિચાર્યું નહીં. તેનું પરિણામ ૧૯૬૨માં ચીન સામે પરાજયમાં આવ્યું.

ઈઝરાયેલે શરૂઆતથી જ સુરક્ષા પર ધ્યાન આપ્યું. તેને પહેલો સાથી મળ્યો સોવિયેત સંઘના રૂપમાં. ૧૯૪૮માં સ્વતંત્રતા પછી આવી પડેલા યુદ્ધમાં સોવિયેત સંઘે જ ઈઝરાયેલી ગેરિલાઓને શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં. તે પછી બીજો દેશ હતો ફ્રાન્સ. ત્રીજો દેશ હતો અમેરિકા. (આપણે ત્યાં સામ્યવાદીઓના પ્રભાવના કારણે આપણે અમેરિકાને હંમેશાં સૂગથી જોતા રહ્યા. જોકે પ્રભાવથી કે માનથી જોવાની પણ આવશ્યકતા નથી. પરંતુ સ્વાર્થ સાધવા માટે સાથે રાખવો પડે.) ૧૯૬૭ના યુદ્ધ પછી ઇજિપ્ત, સિરિયા અને ઈરાક જેવા આરબ દેશો સોવિયેત સંઘ તરફ વળ્યા. આમેય, સામ્યવાદ અને ઈસ્લામ બંને હાથમાં હાથ મેળવીને ચાલનારા છે. સામ્યવાદીઓ ક્યારેય મુસ્લિમ દેશોમાં પોતાનો ચંચુપાત નહીં કરે. સરમુખત્યારો ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે, સામંતવાદીઓ હોય તો પણ ત્યાં ગરીબ-અમીરના સંઘર્ષને નહીં ભડકાવે. મુસ્લિમ સ્ત્રીઓ પર ગમે તેટલો અત્યાચાર થાય ત્યાં નારીવાદ (ફેમિનિઝમ)ને નહીં ઉત્તેજન આપે. ભારતમાં ક્યારેય સામ્યવાદીઓને બુરખા, ત્રિ-તલાક કે હલાલા જેવી અમાનુષી પ્રથા સામે આંદોલન ચલાવતા ભાળ્યા? ક્યારેય મસ્જિદમાં સ્ત્રીઓના પ્રવેશ પર તેમણે આંદોલન કર્યું?

આરબ દેશો સોવિયેત તરફ વળ્યા એમાં આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ સંતુલિત કરવા અમેરિકા ઈઝરાયેલ તરફ વળ્યું. જોકે, ઈઝરાયેલે તો પણ પોતાની વિદેશ નીતિ સંતુલિત રાખી જ છે. તે અમેરિકા જેટલું જ મહત્ત્વ ચીનને અને રશિયાને આપે છે.

યહુદીઓ ત્રણ પ્રકારના છે. સમુદ્ર કિનારે રહેતા યહુદીઓ મોટા ભાગે વેપાર અને કૂટનીતિ તરફ ઝુકાવવાળા છે. ઉત્તરીય ક્ષેત્રમાં રહેતા લોકો લડાયક અને ખેડૂતો છે. દક્ષિણ જેરુસલેમના નિવાસીઓ લડાયક ભરવાડ જેવા છે.) તમને થશે કે યહુદીઓ એકમત જ હોય છે. તેવું નથી. હિન્દુઓની જેમ જ યહુદીઓ અલગ-અલગ મતના હોય છે. જેમ હિન્દુઓ વિશે કહેવાતું હતું કે કોઈની અંતિમ યાત્રા હોય ત્યારે જ હિન્દુઓ સાથે આવે, તેમ યહુદીઓ વિશે એક કહેવત છે, “Show me two Jews and I will show you three opinions.” અર્થાત્ મને બે યહુદીઓ બતાવો અને હું તમને ત્રણ મત બતાવીશ.

યહુદીઓમાં દેખીતા બે ભાગ છે. એક એવા યહુદીઓ જે વર્ષોથી ઈઝરાયેલ અલગ-અલગ વિદેશીઓના શાસન હેઠળ પરાધીન હતું ત્યારે ત્યાં રહેતા હતા અને બીજા એવા જે ૧૯મી સદીમાં પોતાનો દેશ પાછો મેળવવા વિદેશોમાંથી સ્થળાંતર કરીને ઈઝરાયેલ પાછા આવ્યા. બંને પ્રકારના યહુદીઓમાં તફાવત એટલો પડે કે મૂળ ઈઝરાયેલમાં રહેતા યહુદીઓની સંસ્કૃતિ અને તે બાબતે વિચાર તેમજ વિદેશોથી આવેલા યહુદીઓની સંસ્કૃતિ અને તે બાબતે વિચાર થોડા ભિન્ન હોય. પરંતુ બંને હોય પ્રખર દેશભક્ત.

યહુદીઓમાં તેમના આ અભિપ્રાયોની ભિન્નતા દેશહિતને આડે નથી આવી. તેનું કારણ છે શાળાનું શિક્ષણ.

યહુદીઓ (ઈઝરાયેલ) શાળાના શિક્ષણમાં નાગરિકશાસ્ત્ર પર ભાર મૂકે છે. ઇતિહાસ યહુદીઓની દૃષ્ટિએ (એટલે કે સાચો ઇતિહાસ, આપણી જેવું નહીં કે બાબરથી લઈને ઔરંગઝેબોના ગુણગાન ગવાતા રહે અને રાણા પ્રતાપ-શિવાજીને નીચા દેખાડાય) જ ભણાવાય છે. ઈઝરાયેલમાં આરબો પણ રહે જ છે. (તેઓ પણ ઈઝરાયેલનો સ્વતંત્રતા દિવસ ઉજવતા નથી. તેના બદલે તે શોક દિવસ મનાવે છે.) પરંતુ શાળાના શિક્ષણમાં નાગરિકશાસ્ત્ર ભણાવીને પ્રયત્ન કરાય છે કે યહુદીઓ અને આરબો એક જ ઓળખથી ઓળખાય. (ભારતમાં જેમ અલગ-અલગ પંથના લોકોને ભારતીય તરીકે ઓળખાવાનું શીખવાય છે તેમ.)

ધોરણ ૧થી ૬માં નાગરિકશાસ્ત્ર શીખવવામાં નથી આવતું. જોકે ધોરણ બેથી ચારમાં ‘હૉમલેન્ડ ઍન્ડ સિક્યૉરિટી’ નામથી નાગરિકશાસ્ત્રનાં કેટલાંક પાસાં જરૂર શીખવવામાં આવે છે. પરંતુ જુનિયર હાઇ સ્કૂલ સ્તરે એટલે કે ધોરણ સાતથી નવમાં નાગરિકશાસ્ત્ર ભણાવાય છે. સાત અને આઠ ધોરણમાં નાગરિકશાસ્ત્ર અઠવાડિયામાં એક કલાક ભણાવાય છે. માધ્યમિક શાળા સ્તરે નાગરિકશાસ્ત્ર ફરજિયાત છે. ૧૧મા કે ૧૨મા ધોરણમાં નાગરિકશાસ્ત્ર ફરજિયાત છે. ત્યારે સપ્તાહમાં ત્રણ કલાક નાગરિકશાસ્ત્ર ભણાવાય છે. આપણે ત્યાં નાગરિકશાસ્ત્ર પર ખાસ ભાર નથી મૂકાતો. ઈઝરાયેલમાં સૈનિક શિક્ષણ ફરજિયાત છે. આથી ત્યાંના વિદ્યાર્થીઓ જે ભાવિ નાગરિક છે તેમાં દેશભક્તિ, શિસ્ત અને નાગરિક તરીકેની ફરજોનું આરોપણ થાય છે. આપણે ત્યાં તો શિક્ષણમાં શિસ્ત નીકળી ગઈ છે. એટલે જ પછી લાઇનમાં ઊભા રહેવું, વચ્ચે ઘૂસવું નહીં, ગમે ત્યાં થૂંકવું નહીં, ટ્રાફિક નિયમોનું પાલન વગેરે નાગરિક ફરજો ભૂલાઈ ગઈ છે. માત્ર અધિકારો જ યાદ રહ્યા છે. અને હવે તો બાળકો પાસે જાજરૂ તો શું, વર્ગ ખંડ પણ સાફ કરાવાય તો વાલીઓ તો હોબાળો કરે, મિડિયા પણ વાલીઓના પક્ષે ગાજે છે. દેશભક્તિ માત્ર ૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી, ક્રિકેટ મેચ, ફિલ્મો અને સૉશિયલ મિડિયા પૂરતી સીમિત છે.

યહુદીઓનો માતૃભાષા પ્રેમ પણ ગજબનો છે. સ્વતંત્રતા પહેલાં બધાં ઈઝરાયેલમાં ભેગા થયા ત્યારથી મૃત:પ્રાય હિબ્રુને જીવંત કરવા હિબ્રુ જ વાપરવાનું શરૂ કરી દીધું. ભદ્રંભદ્ર જેવી કોઈ મજાક નહીં. ભારતમાં કાળા અંગ્રેજોએ અંગ્રેજી થોપી દીધી. ઈઝરાયેલમાં ‘હટ કે’ (આઉટ ઑફ બૉક્સ) વિચાર પદ્ધતિને પણ પ્રોત્સાહન અપાય છે. આ વિચારસરણીને પ્રોત્સાહન અપાય છે અને ફરજિયાત પણ છે. ઈઝરાયેલમાં સ્ટાર્ટ અપ કંપનીઓ ખૂબ જ સફળ છે. (આ સંદર્ભમાં ડાન સેનર અને સૌલ સિંગર લિખિત ‘સ્ટાર્ટ અપ નેશન’ નામનું પુસ્તક વાંચવા જેવું છે.) વર્ષ ૨૦૦૯માં ઈઝરાયેલની ૬૩ કંપનીઓ નાસડેકની સૂચિમાં હતી જે કોઈ પણ (અમેરિકા સિવાયના) દેશની કંપનીઓ કરતાં વધુ હતી. ત્યાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં શોધોને મહત્ત્વ અપાય છે. સંશોધન અને વિકાસ (આર ઍન્ડ ડી) પાછળ સરકાર વધુ નાણાં ફાળવે છે. ટપક સિંચાઈ વગેરેને અપનાવી રણમાં પણ લીલીછમ ખેતી કરાય છે. આપણે ત્યાં રાજકારણીઓએ ખેડૂતોને હંમેશાં સરકાર પર નિર્ભર અને રોતાં જ રાખ્યા છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવનારા સુખી છે પરંતુ કેટલા ટકા ખેડૂતો?

ઈઝરાયેલની સેના પણ સંશોધનમાં પડેલી છે. તેની વેઝ (waze) ઍપ ગૂગલ મેપની જેમ વપરાય છે. ડેલ, ફેસબૂક, ગૂગલ, વૉર્નર બ્રધર્સ, ડન્કિન ડુનટ્સ, વગેરે યહુદીઓની કંપની છે. તો અમેરિકામાં પણ યહુદીઓ ઉચ્ચ હોદ્દાઓ પર છે; જેમ કે બેન બ્રનેક ૨૦૦૬થી ૨૦૧૪ સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ (આપણી આરબીઆઈની જેમ મધ્યસ્થ બૅન્ક)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રહમ ઇમેન્યૂએલ વ્હાઇટ હાઉસમાં ચીફ ઑફ સ્ટાફ હતા. ઈઝરાયેલનો પ્રશ્ન આવે એટલે આ યહુદીઓ (લૉબી) અમેરિકા પર દબાણ લાવે છે. યહુદીઓ વિશ્વમાં ક્યાંય પણ હોય પણ ઈઝરાયેલની બાબતે હંમેશાં અગ્રેસર થઈ તેના સમર્થનમાં વલણ લે. ભારતના કેટલાક લોકો વિદેશમાં જઈ મોજશોખમાં ડૂબી જાય કે પછી કેટલાક શીખો ખાલિસ્તાનને સમર્થન આપે તેવું નહીં. જોકે, હવે વિદેશમાં રહેતા હિન્દુઓ એકસંપ થઈ રહ્યા છે. હિન્દુ દેવી-દેવતાનું અપમાન હોય કે પોતે જ્યાં રહેતા હોય તે દેશનું ભારત વિરોધી વલણ, તે બાબતોમાં પ્રબળ વિરોધ નોંધાવે છે. હવે તો રાજકારણમાં ઝંપલાવી ઉચ્ચ હોદ્દાઓ પર પણ પહોંચી રહ્યા છે.

ઈઝરાયેલમાં દુશ્મનોને પાઠ ભણાવવા માટે કોઈ પણ સ્તરે જવાની છૂટ છે. તેની સેનાના-મોસાદનાં પરાક્રમોની વિશાળ ગાથા છે. તેઓ તેમના પર હુમલો કરનાર પર તેના કરતાં કદાચ છ ગણો હુમલો કરી જડબાતોડ જવાબ આપે છે અને પછી શાંતિ મંત્રણામાં પીછેહટ કરતું નથી. ભારત હુમલાનો જવાબ આપે છે પણ જે કંઈ યુદ્ધ થયાં તેના પછીની શાંતિ મંત્રણામાં ભારતે પીછેહટ જ કરી. ભારતમાં અસંખ્ય ત્રાસવાદી હુમલાઓ થઈ શક્યા, કારણ ગુપ્તચર સંસ્થાઓ નબળી બનાવી દેવાઈ. છદ્મ સામ્યવાદી જેવા આઈ. કે. ગુજરાલે ઘડેલા ગુજરાલ ડૉક્ટ્રાઇનમાં પાકિસ્તાન અને ચીન સાથે શાંતિ સ્થાપવા પાકિસ્તાનમાં ભારતની જાસૂસી સંસ્થા ‘રૉ’ની કામગીરી બંધ કરી દેવાઈ! તેના લીધે જ કારગિલ યુદ્ધ થયું પણ હંમેશની જેમ જાસૂસી નિષ્ફળતા માટે એ જ વિપક્ષોએ અટલ બિહારી વાજપેયી સરકાર પર માછલાં ધોયાં જેને સત્તામાં આવે એક વર્ષ જ થયું હતું.

ભારતમાં કોઈ પણ સરકાર હોય, વિદેશોના દબાણમાં આવી જાય છે. હમણાં રસીને વેડફી પછી રસીની તંગીની બૂમરાણ પાડીને વિદેશથી રસી ખરીદવા વિપક્ષોએ દબાણ કર્યું. મોદી સરકાર તેમની જાળમાં આવી ગઈ. જયશંકર અમેરિકા દોડી ગયા. મોદીએ રશિયાના પ્રમુખ પુતીન સાથે વાત કરી સ્પુતનિક રસી ભારતમાં બનાવવા અને કેટલીક આયાત કરવાનું નક્કી કરી નાખ્યું. જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને હુમલો કરી અડધું કાશ્મીર પચાવી પાડ્યું ત્યારે પણ નહેરુ સંયુક્ત રાષ્ટ્રો દોડી ગયા હતા. ઈઝરાયેલ યુનો-ફૂનો કોઈનું સાંભળતું નથી. તેને જ્યારે યુદ્ધ વિરામ કરવો હોય ત્યારે જ કરે છે. તેના વિરોધી અલ ઝઝીરાની ઑફિસને પણ તોડી પાડે છે.

જોકે તેને ત્યાં જે કોઈ શાસક પક્ષ હોય, તેને વિપક્ષો અને મિડિયાનો પણ ભરપૂર સાથ મળે છે. ઈઝરાયેલમાં ત્રણ મુખ્ય પક્ષો છે- લિકુડ, કદિમા અને લેબર. લિકુડ એ જમણેરી પણ સેક્યુલર પક્ષ છે. કદિમા મધ્ય વિચારવાળો ઉદારવાદી પક્ષ છે. લેબર નામ પ્રમાણે જ સમાજવાદી-લોકતાંત્રિક પક્ષ છે. આ સિવાય પણ ઘણા બધા પક્ષો છે. એટલે રાજકીય અસ્થિરતા સર્જાતી રહે છે. બે વર્ષમાં ઈઝરાયેલમાં ચાર સામાન્ય ચૂંટણીઓ થઈ ચૂકી છે. હમાસે હુમલાઓ કર્યા તે પહેલાં પણ બેન્જામીન નેતાનયાહૂ બહુમતી પૂરવાર કરવામાં સફળ રહ્યા નહોતા. રાજકીય અસ્થિરતા જ હતી. નેતાનયાહૂ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા. (આ બધા વાવંટોળ વચ્ચે કોરોના વાઇરસને પણ હંફાવ્યો અને રસીકરણ ઝુંબેશ પણ સફળ બનાવી!) તો પણ હમાસના હુમલાઓ સામે બધા પક્ષો એક થઈ ગયા. નેતાનયાહૂના નેતૃત્વમાં ઈઝરાયેલે હમાસને જડબાતોડ જવાબ આપ્યો તો પણ કદાચ હવે યારી લેપિડ નામના નેતા સરકાર બનાવે તેવી વકી છે! આમ, થોડા ઘણા મતભેદો સાથે ત્યાં રાજકીય પક્ષો પેલેસ્ટાઇન-આરબો બાબતે એક સૂર આલાપતા હોય છે. ચૂંટણી જીતવા માટે નરમ નીતિ અપનાવતા નથી.

ઈઝરાયેલનું મિડિયા દેશ પ્રથમની નીતિમાં માને છે. હમાસના હુમલા વખતે મિડિયાએ ખોટા સમાચાર ફેલાવ્યા કે ઈઝરાયેલી સેના સરહદે એકઠી થઈ છે. પાકિસ્તાનીઓની જેમ હમાસના ઇસ્લામી ત્રાસવાદીઓ પણ હોય તો ડરપોક. સુરંગમાં છુપાઈ ગયા. ઈઝરાયેલને આ જ જોઈતું હતું. તેનાં વિમાનો આકાશમાં ગર્જ્યા અને સુરંગ પર બૉમ્બમારો કરી હમાસના અનેક લોકોને મારી નાખ્યા.

ઈઝરાયેલ તેનો વિરોધ કરનારને સાંખી લેતું નથી, પછી તે સ્ત્રી કે બાળક કેમ ન હોય. તાજેતરમાં ઈઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શનમાં પેલેસ્ટાઇની અભિનેત્રી મૈસા અબ્દ એલ્હાદી પણ હતી. ઈઝરાયેલી પોલીસે એક ગોળી તેના પગમાં ઠોકી દીધી! વિરોધી દેશની હોવા છતાં ઈઝરાયેલ સાંખી નથી લેતું અને ભારતમાં અરુંધતી રોયો, કન્હૈયા કુમારો, ઉંમર ખાલિદો, શરજિલ ઈમામો, મૌલાના સાદ, ખાલિસ્તાન સમર્થકો, અર્બન નક્સલીઓ વગેરેને કંઈ થતું નથી. તેમને બૌદ્ધિક સંરક્ષણ મળે છે. સરકારોને કોરોના બાબતે ખખડાવી નાખતાં ન્યાયાલયો પણ આવા દેશદ્રોહીઓને જામીન પર છોડી દે છે. કેસો ચાલ્યા કરે છે.

ઈઝરાયેલની વેપાર અને સૈન્ય બંને તાકાતથી જ ઇજિપ્ત, જૉર્ડન સાથે સામાન્ય સંબંધો છે. સાઉદી અરેબિયા, યુએઇએ ઈઝરાયેલ સાથે મૈત્રી કરી લીધી છે. માત્ર તુર્કી (તેના અવળચંડા પ્રમુખ રિકેપ તય્યીપ ઍર્ડૉગનના કારણે) અને ઈરાન (૧૯૭૯માં કટ્ટર ખોમૈની આવ્યા પછી) સાથે દુશ્મની છે. હવે જે નવી વૈશ્વિક વ્યવસ્થા રચાશે તેમાં ચીન સાથે ઈઝરાયેલ પણ મહા સત્તા હોય તો નવાઈ નહીં.

આખો દેશ શિસ્તબદ્ધ હોય, નવીન વિચારવાવાળા હોય, વેપાર હોય કે દુશ્મન પર હુમલા, સાહસિકતાથી ભરપૂર હોય અને દેશના વિદેશમાં સ્થાયી થયેલા નાગરિકો પણ દેશને ટેકો આપે ત્યારે ઈઝરાયેલ ઈઝરાયેલ બને છે. અને એટલે જ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના પંથ મૂળ તો યહુદીમાંથી ઉતર્યા છે અને ઈઝરાયેલ દર વખતે આરબો-પેલસ્ટાઇનીઓને બતાવી દે છે કે

બાપ બાપ હોતા હૈ!

(સમાપ્ત)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment