Home » સંગઠિત હો એટલે દાદાગીરી કે અપરાધનું લાઇસન્સ મળી જાય?

સંગઠિત હો એટલે દાદાગીરી કે અપરાધનું લાઇસન્સ મળી જાય?

by Jaywant Pandya

સબ હેડિંગ: કોઈ દાદાગીરી કરે કે અસભ્ય વર્તન કરે અને તેની સામે પોલીસ કે બીજા નાગરિક કાર્યવાહી કરે તો તેની મદદે જો ભીડ આવી જાય તો શું દાદાગીરી કરનાર સાચી ઠરી જાય? આ જ પ્રકારની વાત પુરવાર કરતા ત્રણ કિસ્સા અને તેમાંથી ઉઠતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ.

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૬/૧૯)

આ કિસ્સા વાંચો.

પહેલો કિસ્સો. ૧૬ જૂનની રાત. દિલ્લીમાં એક ડ્રાઇવર ટેમ્પો લઈને જાય છે. પોલીસનું વાહન તેની સાથે ટકરાય છે. બંને વચ્ચે બોલાચાલી થાય છે. ડ્રાઇવર ટેમ્પોમાંથી તલવાર કાઢે છે. ડ્રાઇવરનો ૧૫ જ વર્ષનો દીકરો તેને સમજાવી, ઢસડીને પાછળ લઈ જાય છે. તે પછી પોલીસવાળા ડંડા લઈને પિસ્તોલ લઈને આવે છે. ટેમ્પો સુધી પહોંચે છે. ફરી ડ્રાઇવર તલવાર સાથે ઝનૂનથી નીકળી જાય છે. પોલીસવાળા પાછળ હટી જાય છે. પરંતુ એક સાદા વેશમાં રહેલા પોલીસભાઈ ડ્રાઇવરને પાછળથી પકડી લે છે. ડ્રાઇવર પોતાને છોડાવવાની કોશિશ કરે છે.

એક વાર તે પોલીસના હાથમાંથી છટકી પણ જાય છે પરંતુ પછી પોતાના રસ્તે જવાના બદલે સાદા ડ્રેસમાં રહેલા પોલીસને મારવા લાગે છે. એટલે ફરી વાત વણસે છે. સાદા ડ્રેસવાળો અને ડ્રાઇવર બંને મારામારી કરતાં રસ્તાની પેલે પાર પહોંચે છે. રસ્તા પર ટ્રાફિક પણ જામ થાય છે. પોલીસવાળા તેને મારવા આવે છે હવે દીકરો દૂર ઊભેલો પોતાનો ટેમ્પો લઈને રસ્તે વળાંક લઈ પોલીસવાળાની સાથે ટેમ્પો ટકરાવે છે.

આ જોઈ પોલીસવાળા ઓર ભડકે છે. હવે તેઓ ડ્રાઇવરના દીકરાને પણ મારવા લાગે છે. આ ઘટનામાં કોઈ વચ્ચે પડવા તૈયાર નથી. કોઈક વિડિયો પણ ઉતારી રહ્યું છે. વિડિયોના કારણે જ આપણને સાચી માહિતી મળે છે. ૧૭ જૂને રાત્રે એક સમુદાયના લોકો આ મુખર્જી નગર પોલીસ સ્ટેશનને ઘેરી વળે છે. તેમની માગણી છે કે જેમણે જેમણે પેલા ડ્રાઇવરને માર માર્યો તે તમામ પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવે!

બીજો કિસ્સો. ૧૦ જૂનની રાત્રે પશ્ચિમ બંગાળની નીલ રતન સિરકાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક ૭૫ વર્ષીય દર્દી મોહમ્મદ શાહીદનું મૃત્યુ થાય છે અને દર્દીનાં સગાં બે ઇન્ટર્નને મારે છે. ગંભીર ઈજા થાય છે. મોહમ્મદ શાહીદના સગાંઓનો આક્ષેપ છે કે ડૉક્ટરોએ બેદરકારી દાખવી. એટલું જ નહીં, મૃતદેહ સોંપવામાં પણ વિલંબ કર્યો. આ લડાઈના કારણે પરિબાહા મુખોપાધ્યાય નામના એક ડૉક્ટરને માથામાં ખૂબ જ વાગ્યું. તે પછી પશ્ચિમ બંગાળના ડૉક્ટરો હડતાળ પર ઉતરે છે. આખા દેશના ડૉક્ટરો પણ તેમની સાથે જોડાય છે.

ત્રીજો કિસ્સો. અમદાવાદના નિકોલની પંચામૃત શાળાની એક સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પટકાતાં તેમાંથી એક બાળકીને ગંભીર ઈજા થઈ. આના કારણે તંત્ર સફાળું જાગ્યું. ૧૮ જૂને રાજ્યભરમાં આરટીઓ દ્વારા વાનની તપાસ કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી. પરંતુ ૧૯ જૂને અમદાવાદ અને વડોદરાના સ્કૂલ વર્ધીના વાહનચાલકો આરટીઓ અને પોલીસની કામગીરીના વિરોધમાં બે દિવસની હડતાળ પર ઉતરી ગયા! તેમનો પોલીસ પર આક્ષેપ વાહનો જપ્ત કરવાના અને ખોટી રીતે હેરાનગતિ કરવાનો છે.

આ કિસ્સાઓ પરથી તમે શું તારણ પર પહોંચ્યા?

એ જ કે જો તમારી પાછળ ભીડનો ટેકો હોય તો તમે ગમે તે કરી શકો. પહેલા કિસ્સામાં કોઈને ખબર ન પડત, જો મિડિયામાં શીખ ડ્રાઇવર સામે આ કૃત્ય કરાયાનું બહાર ન આવ્યું હોત. પરંતુ પછી તેમાં રાજકારણ પણ ભળ્યું. અને શીખોનો એક બહોળો વર્ગ ઉમટી પડ્યો. જોકે સદ્નસીબે પોલીસમાં પણ શીખ હતા. પણ આવી ઘટનાઓ ખાલિસ્તાનના ભૂતને પાછું ધૂણાવી શકે તે કેમ મિડિયાને સમજાતું નહીં હોય? હેડિંગમાં કે સમાચારમાં પંથ, જ્ઞાતિનો ઉલ્લેખ કરવો તે પત્રકારત્વની મર્યાદામાં આવે છે. પરંતુ તે મર્યાદા જળવાતી નથી. મોટા ભાગના ઝઘડા કે અપરાધ જ્ઞાતિ-પંથના આધારે થતા નથી. વ્યક્તિગત કે પારિવારિક દુશ્મનીના આધારે જ થાય છે. પણ આ રીતે તેને પંથ કે જ્ઞાતિનું સ્વરૂપ આપી દેવાથી વાત વણસી શકે છે.

શીખોએ પણ વિચારવું જોઈએ કે પોલીસ સામે આ રીતે તલવાર ઉગામવી સારી વાત હતી? જનૂનમાં એ તલવારથી કોઈની હત્યા થઈ ગઈ હોત તો? તેના દીકરાએ પણ ટેમ્પો ભટકાડ્યો ન હોત તો? પોલીસનો પણ વાંક કહેવાય કે તેમણે સત્તાવાર કાર્યવાહીના બદલે રસ્તા પર જ બદલો લેવાનું યોગ્ય સમજ્યું. ૧૫ વર્ષના દીકરાને પણ માર્યો.

વળી, આ ડ્રાઇવર સરબજિતસિંહ પણ દૂધનો ધોયેલો નહોતો. તેની પત્નીએ વર્ષ ૨૦૦૬માં પોલીસને ફરિયાદ કરેલી કે તેનો ધણી તેને મારે છે અને ગાળો બોલે છે. તે પછી બુરારીમાં તેની અટકાયત કરવામાં આવી હતી. તે પછી ૨૦૧૧માં તેણે તિમરપુરમાં તેણે બીજા કેટલાક લોકો સાથે મળીને ધમાલ મચાવી હતી. ડેઇલી ડેરી એન્ટ્રીમાં નોંધવામાં આવ્યું હતું કે જ્યારે પોલીસ તેમને કંટ્રૉલ કરવા ગઈ ત્યારે સરબજિત આક્રમક થઈ ગયો હતો. તેની અને બીજા કેટલાક લોકોની સીપીસી હેઠળ અટકાયત કરાઈ હતી. આ બધામાં રાજકારણ પણ ભળ્યું. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહ પણ ભળ્યા. તેમણે પોલીસની કાર્યવાહીને વખોડી નાખી. કેજરીવાલને તો પોલીસ સાથે નહાવા-નીચોવાનું નથી કારણકે હજુ તેમના હેઠળ પોલીસ આવતી નથી. પણ અમરિંદરસિંહને પ્રશ્ન કરવાનું મન થાય કે શું તમારા રાજ્યમાં આ પ્રકારના કોઈ શીખ અપરાધી નહીં હોય? તેમની સામે કાર્યવાહી નહીં કરતા હોય?

અપરાધીઓની પડખે ભીડ ચડી જાય ત્યારે શું અપરાધી સાચા ઠરી જાય? આ રીતે તો પોલીસની કોઈ કિંમત જ ન રહે. માન જ ન રહે.

બીજા કિસ્સામાં પણ ભીડ જ હતી કે જેણે ડૉક્ટરો પર હુમલો કર્યો. સામાન્ય રીતે કોઈ પણ પંથ હોય કે જ્ઞાતિ હોય, તેમાં આવા લોકો હોય છે જે હુમલો કરી બેસે છે. સામાન્ય રીતે કાં તો ગરીબ, કાં તો જેને પછાત કહેવાય તેવી જ્ઞાતિના લોકો કેટલીક વાર આવું કરી બેસતા હોય છે. જો ભીડ ન હોત તો આવો હુમલો કોઈ એકલદોકલે કર્યો હોત?

પરંતુ સામે પક્ષે ડૉક્ટરોની એ સંગઠિત તાકાત જ હતી કે જે વિરોધમાં હડતાળ પર બેસી ગયા. ડૉક્ટરોની વાત કરવા જેવી નથી. ઘણા ખરાબ અનુભવો સમયાંતરે બહાર આવતા હોય છે. સિનિયર ડૉક્ટર રાઉન્ડ મારીને ચાલ્યા જાય પછી હૉસ્પિટલ જુનિયર ડૉક્ટરોના ભરોસે હોય છે. તેઓ પોતાની વાતોમાં મશગૂલ થઈ જાય છે. દર્દીને નપુંસકલિંગથી સંબોધતા હોય છે. પેશન્ટ આવ્યું…વગેરે. ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ કે ‘વૉન્ટેડ’ ફિલ્મમાં ડૉક્ટરોની સંવેદનહીનતાના કિસ્સા દેખાડાયા છે. પૈસા વગર કામ નથી થતું. કેટલાક કિસ્સામાં તો પૈસાના અભાવે મૃતદેહ સોંપતા નથી. ૧૯ ડિસેમ્બર ૨૦૧૧ના સમાચાર મુજબ, મુંબઈની ભીંવડીની પ્લેટિનમ હૉસ્પિટલે દર્દીના સગાને સર્જરીની ફીના અભાવે મૃતદેહ સોંપ્યો નહોતો. સામાજિક કાર્યકર ઉષા દામાણીના કહેવા મુજબ, દર્દીના સગા લાલચંદ પોતાના વતનની સંપત્તિ વેચી દે તો પણ સર્જરીના અડધા પૈસા એટલે કે રૂ. ૨ લાખ ચૂકવી શકે તેમ નહોતો.

આ કિસ્સામાં વકીલનું કહેવું છે કે આઈપીસી કે સિવિલ કાયદા અનુસાર, આ રીતે મૃતદેહ ન સોંપવો એ ગુનો નથી! પરંતુ સાથે એમ પણ વાત છે કે જો દર્દીના સગા પૈસા ન ચુકવી શકે તો હૉસ્પિટલ દર્દી સામે કૉર્ટ કેસ કરી શકે છે, પરંતુ આ રીતે મૃતદેહ ન સોંપવો એ નૈતિક નથી.

ચૂંટણી દરમિયાન પાંચ મેએ સમાચાર આવ્યા હતા કે અમેઠીમાં સંજય ગાંધી હૉસ્પિટલ કે જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ટ્રસ્ટી છે, તે હૉસ્પિટલે આયુષમાન ભારત યોજના હેઠળ સારવાર આપવાની ના પાડી તેથી દર્દી નન્હેલાલ મિશ્રાનું મૃત્યુ થયું. આવા કિસ્સામાં નન્હેલાલ મિશ્રાના સગાંઓએ ડૉક્ટરો પર હુમલો ન કર્યો. પરંતુ છ મેએ અમેઠીમાં લોકસભાની ચૂંટણી મતદાન હતું. પરિણામ એ આવ્યું કે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હારી ગયા!

કેટલાક એવા કિસ્સા પણ બહાર આવ્યા છે જેમાં દર્દીનું મૃત્યુ થયા પછી પણ હૉસ્પિટલમાં પૈસા ઉસેડવા માટે સારવાર ચાલુ રખાઈ હોય. બહુ દૂરની વાત નથી. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સમાચાર આવેલા કે અમદાવાદમાં સીઆઈએમએસ હૉસ્પિટલે કશ્યપ કોટક નામના ફરિયાદની પત્નીના મૃત્યુ પછી પણ સારવાર ચાલુ રાખેલી! ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ તેમનાં પત્ની વંદનાબહેનને સ્વાઇન ફ્લુ માટે દાખલ કરાયેલાં. તેમનું ૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ અવસાન થયેલું. કશ્યપભાઈનો આક્ષેપ છે કે તેમનાં પત્નીનું અવસાન ૬ માર્ચે જ થયું હતું. પરંતુ ડૉક્ટરો તેમની સારવાર કરતા રહ્યા અને લોહી પણ ચડાવતા રહ્યા. તેમને આઈસીયુમાં દાખલ કરાયા ત્યારથી ડૉક્ટરોએ તેમને દર્દીને મળવા ન દીધા અને એક કે બીજું કારણ બતાવી ગેરમાર્ગે દોરતા રહ્યા.

શું હૉસ્પિટલોમાં દર્દીને સવારે દસ વાગ્યે રજા ડૉક્ટર દ્વારા અપાઈ હોય તો પણ ત્યાંથી કાગળિયા કામ પતાવીને ઘરે જતાં સાંજ નથી પડી જતી? શું મેડિક્લેઇમ પહેલાં હૉસ્પિટલો આટલા રૂપિયા લેતી હતી? શું એ વાત સાચી નથી કે ભારતમાં વિદેશોમાં પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરાય છે? શું ફાર્મા કંપનીઓ ડૉક્ટરોની વિદેશ ટુર સ્પૉન્સર નથી કરતી કે બીજા કોઈ લાભ નથી આપતી? આમાં બધા ડૉક્ટરોની વાત નથી પણ જે લોકો આવું કરે છે તેમને સાચા ડૉક્ટરોએ તો સવાલ કરવા જ જોઈએ કે તમારા લીધે આપણો વ્યવસાય બદનામ થાય છે.

હવે આ ડૉક્ટરો હડતાળનું શસ્ત્ર ઉગામે ત્યારે કેટલાંય મૃત્યુને ભેટે, કેટલાયને પીડા સહન કરવી પડે. દર્દીઓની આ હાલાકી માટે કોણ જવાબદાર? પરંતુ સામે પક્ષે એ પ્રશ્ન પણ છે કે મમતા બેનર્જીએ તેમને બંગાળ બહારના ન કહ્યા હોત તો? તેમની પીડા જાણી હોત તો?

ત્રીજા કિસ્સા પર આવો. સ્કૂલ વાનમાં ઠસોઠસ બાળકો ભરેલા હોય તે પોલીસને આ ઘટના પછી જ દેખાયું? સ્કૂલ વાન પચાસથી સાઇઠની સ્પીડે જતી હોય છે અને આડેધડ ચલાવતી હોય છે. બીજા વાહનચાલકોને પણ લાગે કે જો આ વાન ભટકાઈ કે પલટી મારી ગઈ તો મોટો અકસ્માત થશે. પરંતુ કંઈ થઈ શકતું નથી. કેટલાક ડ્રાઇવરોનો સ્વભાવ પણ ખરાબ હોય છે. ગાળાગાળી કે મારામારી પર ઉતરી આવે. વાલીઓને પણ કોઈ છુટકો નથી હોતો. પોતે મૂકવા ન જઈ શકતા હોય ત્યારે જ આવા ડ્રાઇવરો ચલાવી લેવા પડે ને. પરંતુ વાલીઓએ પણ જાગવું પડશે.

હવે આ બનાવ પછી તો પોલીસે અને આરટીઓએ જાગવું જ પડે ને. પરંતુ તે પછી સ્કૂલવર્ધીના ચાલકો હડતાળના નામે દાદાગીરીનું શસ્ત્ર અજમાવે તે કેવું?

આ તમામ કિસ્સામાં પ્રશ્ન એ જ છે કે સંગઠિત હો એટલે અપરાધ અને દાદાગીરી કરવાનું લાઇસન્સ મળી જાય?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Kamlesh 23/06/2019 - 10:16 AM

આમ તો જે ખરેખરા પ્રશ્નો હોય છે તેના કોઇ સમાધાન હોતા જ નથી ….આદર્શવાદ રુપે કયારેક કોઇ લેખક -ચિંતક લેખ દ્વારા મુકતા હોય છે… તમારે પણ કોશિસ કરવિ જોઇએ ….

આનો ઉકેલ ઉપર લખવુ જોઇએ

Reply

Leave a Comment