Home » મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: હમણાં બે મોટા સમાચાર મિડિયાના ધ્યાનમાં ઓછા આવ્યા. એક તો કર્ણાટકમાં મુસ્લિમ ઉદ્યોગપતિ મન્સૂર ખાન દ્વારા હજારો મુસ્લિમ મધ્યમ વર્ગીય લોકોને છેતરતું ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ અને બીજું પશ્ચિમ બંગાળના ૫૩ મુસ્લિમોએ મમતા બેનર્જીને લખેલો પત્ર. આ પત્રમાં તેમણે કહ્યું કે મુસ્લિમોનું તુષ્ટિકરણ હવે બંધ કરો.

 

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૦૬/૧૯)

પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડના આરોપી મેહુલ ચોકસીના પ્રત્યર્પણ માટે એન્ટીગુઆ માની ગયું. ભારતમાંથી ભાગી ગયેલા ગુનેગારો ભારતને પાછા મળે તેવું બહુ ઓછું બનતું હોય છે. જોકે તે માટે મોદી સરકારની કૂટનીતિને કોઈ સંકોચ વગર વખાણવી જોઈએ. પરંતુ અપવાદોને બાદ કરતાં આના પર ખાસ મિડિયાનું ધ્યાન ગયું નથી.

આવું જ કર્ણાટકના એક આર્થિક કૌભાંડનું છે. postcard.news વેબસાઇટના સ્થાપક મહેશ વિક્રમ હેગડેએ ટ્વીટ કર્યું તે મહત્ત્વનું છે. તેમણે લખ્યું:

નીરવ મોદીએ કૉંગ્રેસ નેતાઓ સાથે પાર્ટી કરી

પરંતુ તે જ્યારે ભારત છોડી ભાગી ગયો ત્યારે કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દોષનો ટોપલો (હવે ખબર નહીં કેમ, ગુજરાતીમાં આવા શબ્દો હોવા છતાં હિન્દીના બેઠા શબ્દો ગુજરાતી પત્રકારો લખી નાખે છે કે ઠીકરું ફોડ્યું) ઢોળ્યો.

વર્ષ ૨૦૧૮માં આરબીઆઈએ કૉંગ્રેસ-જનતા દળ (એસ)ની કર્ણાટક સરકારને પત્ર લખી મન્સૂર ખાનના આઈએમએ સમૂહની તપાસ કરવા માગણી કરતો પત્ર લખેલો પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવ્યાં.

હવે ૧,૫૦૦ કરોડનું ઇસ્લામિક બૅન્કિંગ કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે કોઈ કૉંગ્રેસ પર દોષારોપણ નથી કરી રહ્યું.

વાત સાચી પણ છે. આટલા મોટા કૌભાંડની કર્ણાટક બહાર ક્યાંય ચર્ચા નથી. ગઈ ૧૧ જૂનના રોજ બેંગ્લુરુમાં આઈ મોનેટરી એડ્વાઇઝરી (આઈએમએ) જ્વેલ્સના શિવાજીનગર ઑફિસની બહાર કંપનીના ૪,૦૦૦ મુસ્લિમ રોકાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધમાં ભલે માત્ર ૪,૦૦૦ લોકો જ જોડાયા હોય (આમેય જ્યાં ખરેખર અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં મુસ્લિમો હોય કે હિન્દુ કે અન્ય લોકો, ક્યાં અવાજ ઉઠાવે છે), એક અનુમાન મુજબ, ૪૦ હજાર મધ્યમ વર્ગીય મુસ્લિમ રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યા છે.

આનું કારણ શું હતું?

આ એક વધુ પૉન્ઝી સ્કીમ હતી. મન્સૂર ખાને વર્ષ ૨૦૦૬માં આઈએમએ સ્થાપી હતી. પરંતુ તે પ્રકાશમાં ૨૦૧૫માં આવી. આરબીઆઈ, આવકવેરા વગેરે દ્વારા તેની સામે ચેતવણી અપાઈ હતી. આમાં મુસ્લિમ રોકાણકારો વગર વરસાદે નવાઈ ગયા તેનું કારણ એ હતું કે મુસ્લિમ ધર્મગુરુઓએ ફતવો પણ બહાર પાડેલો! તેમાં કહેવાયેલું કે આઈએમએમાં રોકાણ કરવું નૈતિક એટલે કે હલાલ છે. મુસ્લિમોએ ઘેટાંની જેમ ફતવાનું પાલન કર્યું. કેટલાકે પોતાની દીકરીનાં લગ્ન માટે રોકાણ કર્યું તો કેટલાકે પોતાનાં બાળકોના શિક્ષણ માટે. કેટલાકે ભવિષ્યની બચત માટે કર્યું. આ કંપની સોનાના વાયદાનો (ગૉલ્ડ બુલિયન ટ્રેડિંગ) કરતી હતી. તેમાં રોકાણકારો ભાગીદાર બનતા હતા, મૂડી થાપણધારકો નહીં.

૭૦ વર્ષના એક મુસ્લિમ રોકાણકાર મોહમ્મદ અક્રમના કહેવા મુજબ, મુસ્લિમ રોકાણકારો આ યોજનામાં એટલા માટે પણ લલચાયા કે મોહમ્મદ મન્સૂર ખાન વિવિધ કાર્યક્રમોમાં રાજકીય નેતાઓની સાથે દેખાતો હતો. જ્યાં સુધી કોઈ કૌભાંડમાં કે અપરાધમાં નામ બહાર ન આવે ત્યાં સુધી રાજકારણીઓ, પોતે જાણતા હોય તો પણ જે-તે લોકો સાથે દેખાતા હોય છે. એટલે કોઈ વ્યક્તિ એવો ફાંકો મારે કે ફલાણા મોટા નેતા સાથે મારે ઉઠકબેઠક છે કે તેના પુસ્તકના વિમોચનમાં મને બોલાવ્યો હતો તો સાવચેત થઈ જવું. કોઈ મોટી વ્યક્તિના કાર્યક્રમોમાં હાજર રહેતા હોય કે પછી કોઈ મોટી વ્યક્તિના ડાબા-જમણા હાથ હોય અથવા કોઈ મોટી વ્યક્તિ જ કેમ ન હોય, સત્તર ગાળણે ગાળી આવી વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈએ. માત્ર તસવીરો કે વિડિયો જોઈ પ્રભાવિત ન થઈ જવું.

આ તો ‘ટિપ ઑફ આઇસબર્ગ’ માત્ર છે. બેંગ્લુરુમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોકાણ પર ભારે વળતરની લાલચે મધ્યમ વર્ગના મુસ્લિમોને લક્ષ્ય બનાવતી અનેક કંપનીઓના આવી યોજનાઓ પડી ભાંગી છે. તેમાંથી પકડાયા કેટલા તે અલગ પ્રશ્ન છે. આઈએમએ જ્વેલ્સના માલિકનો એક ઑડિયો બહાર આવ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે તે નેતાઓ અને અધિકારીઓને લાંચ આપીને થાકી ગયો છે. આ આરોપી ભાગી ગયો. પરંતુ આના પડઘા સંસદમાં ક્યાંય સંભળાયા હોય તેવું ધ્યાનમાં નથી. ઝારખંડમાં એક મુસ્લિમ ચોરની પીટાઈ (અનેક જગ્યાએ આ રીતે ચોરની પીટાઈ થતી હોય છે) બાદ તેનું મૃત્યુ થયું તેનો અવાજ કૉંગ્રેસના રાજ્યસભાના નેતા ગુલામનબી આઝાદે ઉઠાવ્યો અને સેક્યુલરોએ આને મૉબ લિંચિંગ સાથે સાંકળી દીધો (પણ સિફતપૂવર્ક મથુરામાં પવિત્ર રમઝાનમાં ફ્રી લસ્સી ન આપનાર ભરત યાદવની મુસ્લિમ ટોળા દ્વારા હત્યાને ભૂલી જવાની કે રમઝાનમાં દિલ્લીમાં બેફામ કાર ચલાવનાર કાર ડ્રાઇવરના વાંકે દિલ્લીની સરકારી બસ પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો ભૂલી જવાનો) પરંતુ આઈએમએ જ્વેલ્સ કૌભાંડની વાત ન ઉઠાવાઈ. કૉંગ્રેસના લોકો તો ન ઉઠાવે કારણકે તેની જ સરકારમાં આ કૌભાંડ આચરાયું છે, પરંતુ ભાજપના સાંસદો દ્વારા પણ ન ઉઠાવાઈ!

ઉક્ત ઑડિયો ક્લિપમાં મન્સૂર ખાને કૉંગ્રેસના સાંસદ રોશન બેગ પર આક્ષેપ કર્યો છે કે બેગે તેમની પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા (!) લીધા હતા પરંતુ વિધાનસભામાં ટિકિટ ન મળ્યા પછી આ પૈસા તેમને પાછા આપ્યા નથી!

હવે આવી જાવ પશ્ચિમ બંગાળમાં. અહીંના પણ એક અગત્યના સમાચાર પર બહુ ઓછા મિડિયાનું ધ્યાન ગયું છે.

કોલકાતાના અગ્રણી મુસ્લિમ નાગરિકોએ રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પત્ર લખી અનુરોધ કર્યો કે તેઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ બંધ કરે. બોલો! આવા મોટા સમાચારને જેટલું મહત્ત્વ મળવું જોઈએ તેટલું ન મળ્યું. આ પત્ર ડૉક્ટરો પર મુસ્લિમ ટોળા દ્વારા હુમલા અને પૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ ઉશોષી સેનગુપ્તનો કોલકાતામાં બાઇકરોની ગેંગ દ્વારા પીછો અને તેને સતાવવાની ઘટના પછી લખાયો છે. પરંતુ તમે આ પત્ર વિશે ક્યાંથી જાણો? ઉશોષી સેનગુપ્તની ઘટનાને જ મિડિયામાં ઓછું મહત્ત્વ અપાયું છે.

ઉશોષી સેનગુપ્તને બાઇકરોએ તો સતાવી જ (સેફલી કહી શકાય કે આ બાઇકરો મુસ્લિમ જ હશે કારણકે તો જ મુસ્લિમો અગ્રણીઓએ મમતાને પત્ર લખ્યો હોય) પરંતુ તે પછી મમતા બેનર્જીની પોલીસે પણ ઓછી હેરાન ન કરી. ઉશોષી મૈદાન પોલીસ સ્ટેશન ગઈ તો ત્યાંના અધિકારીઓએ કહ્યું કે તેમના અધિકાર ક્ષેત્રમાં આ વાત નથી આવતી. તે પછી તે દક્ષિણ કોલકાતાના ચારુ માર્કેટ પોલીસ મથકે ગઈ તો ત્યાંના અધિકારીઓએ પણ આવી જ વાત કરી. ઉશોષીએ આ વાત સૉશિયલ મિડિયા પર મૂકી એટલે કોલકાતાના નાગરિકો ગુસ્સે થઈ ગયા.

એટલે હવે મુસ્લિમ વિદ્વાન લોકો જ મમતા બેનર્જીને કહી રહ્યા છે કે બહુ થયું અમારું તુષ્ટિકરણ. આ બંધ કરો. આ પત્ર પર કોણેકોણે સહી કરી? શિક્ષણશાસ્ત્રી અને વેપારી ઈમરાન ઝાકી, શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર મમૂન અખ્તર, સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક મુદર પાથરેય, ન્યૂટ્રિશનિસ્ટ હીના નફીસ, ડૉ. ઝાહીદ એચ. ગંગજી સહિત ૫૩ લોકો સહી કરનારામાં છે. ૫૩નો આંકડો નાનોસૂનો ન કહેવાય.

આ પત્રનો મુસદ્દો ઘડ્યો હતો મુદર પાથરેયએ. તેઓ ભારતના ક્રિકેટના સારા લેખક મનાય છે. હવે તેઓ શેરબજાર પર સારી ટીપ્પણી કરે છે. મુદર માને છે કે તૃણમૂલ કૉંગ્રેસ સરકારે (મમતા સરકાર વાંચો) મત બૅન્કનું રાજકારણ બંધ કરવું જોઈએ. અપરાધીઓ સામે કડક પગલાં લેવા પણ અનુરોધ કર્યો જેથી અપરાધીઓને છાવરવામાં આવે છે કે તેમનું તુષ્ટિકરણ કરાય છે તેવી ધારણા દૂર થાય.

મુદર પાથરેય એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે “અમને આ ધારણા એટલા માટે બંધાઈ કે અમારા સમુદાયના ૨૦૦ લોકો હૉસ્પિટલે ગયા, ફરજ પર રહેલા ડૉક્ટરોને માર્યા અને માત્ર પાંચની જ ધરપકડ કરવામાં આવી”

તેઓ કહે છે કે “દુઃખની વાત એ છે કે ધીમેધીમે મુસ્લિમ હોવાની ઓળખ અમને શરમમાં મૂકી રહી છે. જ્યારે હુમલાખોરો બચી જાય છે, ત્યારે સામાન્ય ધારણા બંધાય છે કે પોલીસને રાજ્ય સરકારે જ તેમના પ્રત્યે કૂણા રહેવાની સૂચના આપી હશે.”

મુદર પાથરેયનું કહેવું છે કે કોલકાતામાં એક જાહેર રહસ્ય (ઑપન સીક્રેટ) છે કે જ્યારે અપરાધીઓ મુસ્લિમ હોય છે ત્યારે તેઓ કાં તો સાવ બચી જાય છે અથવા તેમને મામૂલી સજા જ થાય છે. અમે મુસ્લિમો જ્યારે આ સાંભળીએ છીએ ત્યારે તે અમને પણ નથી ગમતું. એવું નથી કે જે બાઇકરોએ ઉશોષીની છેડતી કરી તે અમારી દીકરીઓ કે બહેનો હશે તો તેઓ મુસ્લિમ છે તેથી તેમને છોડી દેશે. તેઓ તો ગમે તે યુવતી કે સ્ત્રીની છેડતી કરવાના છે. દુઃખદ વાસ્તવિકતા એ છે કે છેલ્લા એક દાયકાથી કોલકાતામાં આવું બનવા લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતાની સરકાર આઠ વર્ષથી છે. એટલે આ પ્રકારે મુસ્લિમ અપરાધીઓને છાવરવાનું તેમના જ શાસનમાં વધુ ઉભર્યું છે.

મુદર પાથરેય એક એવી વાત પણ કરે છે જે આંખ ઉઘાડનારી છે. ઘણી વાર ઈમરાન હાશ્મી કે પત્રકારને હિન્દુ વિસ્તારમાં ઘર ન મળે ત્યારે હોબાળો થતો હોય છે પરંતુ આ વાત મુસ્લિમ વિસ્તારોમાં પણ લાગુ પડે છે. મુદર પાથરેય કહે છે કે મુસ્લિમ સમુદાયમાં રસપ્રદ અલગાવ છે. પડોશમાં કોણ ક્યાંથી આવે છે અને કોણ કેવા આર્થિક સ્તરનું છે તે જોવામાં આવે છે. ગુનેગારોને ન પકડવાના કારણે પડોશમાં કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન કરનારા લોકો રહે ત્યારે તકલીફ થાય છે. આ વર્ગની સમસ્યા છે, પંથની નહીં.

મમતા બેનર્જીએ ડૉક્ટરો પર મુસ્લિમો દ્વારા હુમલા પછી કહ્યું હતું કે આ ડૉક્ટરો દર્દી મુસ્લિમ હોય ત્યારે તેમની સારવાર બરાબર કરતા નથી. મુદર પાથરેય કહે છે કે “ડૉક્ટરો વ્યાવસાયિક અને સારા લોકો છે. બંગાળમાં વાસ્તવિકતા એ છે કે ડૉક્ટરો ભારે દબાણ હેઠળ કામ કરે છે. તેમની સંખ્યા પૂરતી નથી. તેઓ તેમનાથી બનતું બધું કરવા પ્રયત્ન કરે છે. તેમને કામ કરવાનું વાતાવરણ બરાબર ન મળે ત્યારે ક્યારેક કંઈક ખોટું થઈ શકે છે. ડૉક્ટરો પર આવો હુમલો પહેલી વાર નથી થયો.

આ (હુમલો) એકાએક ગુસ્સો આવવાના કારણે ન થયો હોઈ શકે? મુદર બરાબર તર્કબદ્ધ રીતે કહે છે કે દર્દી મૃત્યુ પામે તો તેના પાંચેક સગા હોય તેમને ગુસ્સો આવે. બસ્સો જણાને નહીં. આ એકાએક આવેલો ગુસ્સો નહોતો, પણ યોજનાપૂર્વકનું કૃત્ય હતું.

મુદર પાથરેય કહે છે કે “મમતાએ કહેલું કે “જો ગાય દૂધ આપે તો તમારે તેની લાત માટે પણ તૈયાર રહેવું પડે.” મમતા મુસ્લિમોને ગાય કહે છે અને તેઓ તેમને ખુશ કરવા આવું કહે છે. અમને મુસ્લિમો તરીકે આ શરમજનક લાગે છે. અમારે તેનો વિરોધ કરવો જોઈતો હતો, પણ અમે ન કર્યો. આ પ્રકારના તુષ્ટિકરણથી મુસ્લિમોને ખરેખર મળ્યું શું? શિક્ષણ બરાબર મળતું નથી. ઉર્દૂ માધ્યમની શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. મમતા ઈદની નમાઝ દરમિયાન આવ્યાં અને માથા પર દુપટ્ટો નાખ્યો અને નમાઝ પઢતા હોય તેવું કર્યું પરંતુ મુસ્લિમોને ખબર પડે છે કે આ તો ફૉટો પાડવાનું નાટક છે. તેમને નમાઝની બે લાઇન પણ બોલતા નહીં આવડતી હોય.”

લાગે છે કે પશ્ચિમ બંગાળ એ ક્રાંતિકારીઓનો પ્રદેશ રહ્યો છે અને મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

H. P. Bhatt 30/06/2019 - 3:41 PM

નવી માહિતી માટે આભાર….

Reply
H. P. Bhatt 30/06/2019 - 3:42 PM

નવી માહિતી માટે આભાર..

Reply

Leave a Comment