Home » શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

by Jaywant Pandya

સબ હેડિંગ: મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ રાજકારણીઓના મનમાં કેમ પેદા થઈ ગઈ છે? આ રાજકારણીઓ હોંશેહોંશે ઈફ્તાર પાર્ટીમાં જતા હોય છે. ત્યાં મુસ્લિમ ટોપી અને ખેસ જેવું વસ્ત્ર પહેરશે. ઉર્દૂમાં ઈદની શુભકામના આપશે. પરંતુ શ્રી રામથી દૂર ભાગશે.

(સાધના સાપ્તાહિક, દિ.૧૫/૬/૧૯નો અંક)

શું જય શ્રી રામ એ ગાળ છે?

આવો પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કે છેલ્લા થોડા મહિનાથી પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામ બોલનારાને ગાળો બોલનારા કહી રહ્યા છે. જી હા, માનવામાં ન આવે તેવી વાત છે, પરંતુ ટીવી પર અને વૉટ્સએપમાં મમતાદીદીનાં આ દૃશ્યો હવે જાણીતાં છે; જેમ કે, ૩૦ મેના પીટીઆઈના સમાચાર અનુસાર, મમતા બેનર્જી નૈહતીમાં તેમના પક્ષના કાર્યકરો સામે હિંસા માટે ધરણા કરવા જઈ રહ્યાં હતાં. તેમના રસ્તામાં કેટલાક માણસો ઊભા હતા અને તેમણે ‘જય શ્રી રામ’નો સૂત્રોચ્ચાર કર્યો.

આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે સેક્યુલરિઝમનું ગાણું ગાનારા નેતાઓ પૈકીના એક એવાં મમતા બેનર્જીને આ સૂત્રોચ્ચારથી એટલો ગુસ્સો આવી ગયો કે ન પૂછો વાત! તેમણે પોતાની મોટરશ્રૃંખલા રસ્તામાં રોકાવી, પોતે નીચે ઉતર્યાં અને લોકો પર તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

ગુસ્સામાં તેમણે કહ્યું કે “તમે તમારી જાતને શું સમજો છો? તમે લોકો બહારના રાજ્યમાંથી આવેલા છો, અહીં રહો છો અને અમને ગાળો આપો છો? હું આ નહીં ચલાવી (ટૉલરેટ- આ શબ્દ એટલા માટે આપ્યો કે હિન્દુઓને સહનશીલતાના પાઠ આ જ નેત્રી સહિતના લોકોએ અખલાકના બનાવ પછી ભણાવ્યા હતા અને પોતે સૂત્રોચ્ચાર સહન નથી કરી શકતા) લઉં. તમારી હિંમત કેમ થઈ મને ગાળો આપવાની? તમારા બધાનાં નામો અને વિગતો નોંધવામાં આવશે.”

ત્યાંથી આગળ જઈ ધરણામાં ભાષણ કરતાં મમતાદીદી ઉવાચ:

“કેટલાક ભાજપના કાર્યકર્તાઓ મારી કાર સામે આવ્યા અને મને અપશબ્દો કહ્યા. શું આ લોકશાહી છે?”

‘જય શ્રી રામ’ના સૂત્રોચ્ચારને અપશબ્દોનું નામ આપી દેવું અને ભાજપના કાર્યકર્તાઓનું કૃત્ય કહી દેવું અને છેલ્લે પાછું આ લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે તેમ કહેવું…વાહ, આનાથી મોટી અને ખોટી તુષ્ટિકરણની નીતિ કઈ હોઈ શકે?

‘જય શ્રી રામ’નું સૂત્ર અપશબ્દ ક્યાંથી થઈ ગયું? લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ક્યારથી થઈ ગયું? ભગવાન શ્રી રામનું નામ લેતાંલેતાં તો સીતાજીને શ્રી રામ પાછા મળ્યા. રાવણની કેદમાંથી છૂટકારો મળ્યો. ભગવાન શ્રી રામનું નામ લેતાં લેતાં હનુમાનજી પોતે મહાન ભગવાન થઈ ગયા. વિભીષણને રાજ્યગાદી મળી. ભગવાન શ્રી રામના નામના કારણે તુલસીદાસજી મહાન સંત બની શક્યા. મોરારીબાપુ આટલા વિશ્વ વિખ્યાત સંત બની શક્યા. શું શ્રી રામનું નામ આ દેશમાં ન લઈ શકાય? શું આ દેશનું બંધારણ હિન્દુઓના ભગવાનને પૂજવાની, તેમનાં નામ લેવાની ના પાડે છે? શું આ દેશમાં હિન્દુઓનું, તેમની આસ્થાનું કોઈ સ્થાન અને માન નથી?

મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ રાજકારણીઓના મનમાં કેમ પેદા થઈ ગઈ છે? આ રાજકારણીઓ હોંશેહોંશે રમઝાનમાં ઈફ્તાર પાર્ટીમાં જતા હોય છે. ત્યાં મુસ્લિમ ટોપી અને ખેસ જેવું વસ્ત્ર પહેરશે. ઉર્દૂમાં ઈદની શુભકામના આપશે. પરંતુ શ્રી રામથી દૂર ભાગશે. શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર બનાવવાની વાત આજકાલની નહીં, અંદાજે અઢીસો વર્ષથી ચાલી આવે છે. અંગ્રેજોથી ભારત મુક્ત થયું, પરંતુ માનસિક દાસત્વમાં હજુ પણ સપડાયેલું છે.

આથી જ તો, શ્રી રામ જન્મભૂમિ અંગેના કેસમાં વારંવાર મુદ્દતો પડી રહી છે.

આજે આપણે જેમની ૧૫૦મી જયંતી ઉજવીએ છીએ તે મહાત્મા ગાંધીજી પણ રામરાજ્યની વાત કરતા હતા. રામરાજ્યનો અર્થ છે કલ્યાણકારી રાજ્ય, ન્યાયી અને દુષ્ટ તત્ત્વોથી મુક્ત રાજ્ય. રામાયણ અને શ્રી રામ-સીતા-હનુમાનનાં પાત્રો અને તેમની પૂજા વિશ્વના અનેક દેશોમાં થાય છે.

એક વાત એ પણ છે કે વિપક્ષી રાજકારણીઓ શા માટે જય શ્રી રામનું સૂત્ર ભાજપનું હોવાનું માની લે છે? શા માટે વંદે માતરમ્ અને ભારત માતા કી જય એ માત્ર ભાજપના કે સંઘ પરિવારના લોકો જ બોલે તેમ માને છે? શું આ સૂત્રો પર કોઈનો ઈજારો છે? હકીકતે તો સ્વતંત્રતાની ભાવના આ સૂત્રોમાંથી જન્મી અને તેના બળ પર સ્વતંત્રતાની લડાઈ થઈ હતી. આ સૂત્રો પર ક્રાંતિકારીઓ હસતાંહસતાં ફાંસીના માંચડે ઝૂલી જતા હતા.

મમતા બેનર્જીના જય શ્રી રામ સામેના વિરોધના કારણે સમગ્ર દેશવાસીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો. મુંબઈ, ગુજરાત તમામ રાજ્યોમાંથી અને નગરોમાંથી લોકોએ જય શ્રી રામ લખી, મમતા બેનર્જીના સરનામા સાથે કાગળો મોકલવાના ચાલુ કરતાં ટપાલ કચેરીના કર્મચારીઓને આટલા બધા પત્રોના કારણે તકલીફ પડી ગઈ!

જય શ્રી રામના સૂત્ર સામે મમતા બેનર્જીએ પ્રાદેશિકવાદ છેડ્યો છે. તેમણે ‘જય હિન્દ’ અને ‘જય બાંગ્લા’નાં સૂત્રો આપ્યાં છે. ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ આના જવાબમાં એમ કહ્યું કે અમે જય હિન્દ, જય બાંગ્લા અને જય શ્રી રામ પણ બોલીશું. બહુ સારી વાત છે કે જય હિન્દ અને જય બાંગ્લાનો વિરોધ ભાજપને નથી. પહેલાં દેશ, પછી રાજ્ય અને પછી જે-તે શહેર કે ગામ, આ ચિંતન બરાબર જ છે. પરંતુ મમતા બેનર્જીએ પ્રાદેશિકવાદને છેડવા કોશિશ કરી છે અને એ પણ એ પશ્ચિમ બંગાળમાં જ્યાંના લોકો ક્રાંતિકારી, વિચારકો, દાર્શનિકો અને ચિંતકો પાક્યા છે. જ્યાંના લોકો વૈશ્વિક વિચાર કરતા હતા. તેમણે સામ્યવાદીઓને પણ વર્ષો સુધી પસંદ કર્યા અને સામ્યવાદીઓ માટે તો દેશ કરતાં વિશ્વની વાત વધુ રહેતી હતી. આવા પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિકવાદ ચાલે? ન જ ચાલે.

મમતા એટલા બધાં ગુસ્સે ભરાયાં છે કે ન પૂછો વાત. હમણાં તેમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને ખખડાવી નાખ્યા. કારણ એ હતું કે સિંગૂરમાં તૃણમૂલને હાર મળી હતી. એ સિંગૂર, જ્યાં આંદોલન કરીને મમતાએ સામ્યવાદીઓના ત્રણ દાયકાના શાસનને ઉખાડી ફેંક્યું હતું. સિંગૂર હૂઘલી લોકસભા બેઠકનો એક ભાગ છે જેના પરથી ભાજપનાં ઉમેદવાર અને બંગાળી ફિલ્મ અભિનેત્રી લોકેટ ચેટર્જી જીત્યાં છે.

મમતાએ આ બેઠક પર ભાજપ જીત્યો તેના માટે પક્ષના કાર્યકર્તાઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે પક્ષના કાર્યકર્તાઓએ જનતા સાથે સંપર્ક ગુમાવી દીધો છે. જે આક્ષેપ ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતા હતા તેનો પણ આડકતરો સ્વીકાર કરતા હોય તેમ મમતાએ પક્ષના કાર્યકર્તાઓ પર રાજ્ય સરકાર દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેના માટે લાંચ લેવાનો આક્ષેપ કર્યો.

જો મમતા બેનર્જી આ વાત જાહેરમાં સ્વીકારતા હોય તો તેમણે ઇવીએમને દોષ દેવાના બદલે પોતાના પક્ષના કાર્યકર્તાઓ વિશે આત્મચિંતન કરવું જોઈએ. ખાટલે મોટી ખોડ તો ત્યાં જ છે. ડાબેરીઓ સામે લડીને સાદગીની મૂર્તિ બની ગયેલાં મમતાના પક્ષના કાર્યકર્તાઓ જ જો જનતા પાસેથી લાંચ લઈને સરકારી સેવાઓ પૂરી પાડવા સહિતનાં કામો કરતાં હોય તો હાર નિશ્ચિત જ છે.

ચૂંટણીમાં તૃણમૂલ અને વિપક્ષોની આટલી મોટી હાર પછી અને ભાજપના ભવ્ય વિજય પછી પણ મમતાએ કોઈ પદાર્થપાઠ ભણ્યો હોય તેમ જણાતું નથી. તેનો પુરાવો એ છે કે આગામી ૧૫ જૂને નીતિ આયોગની બેઠકમાં પોતે ભાગ નહીં લે તેમ મમતા બેનર્જીએ કહી દીધું છે! મમતાએ કહ્યું કે આ તો ખોટી કવાયત છે! નીતિ આયોગ પાસે નાણાં સંબંધી અધિકાર નથી. તેની પાસે રાજ્યોની યોજનાઓને સહાય કરવા માટે પણ અધિકાર નથી.

આના જવાબમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે “અમે મમતાદીદીને સસન્માન આમંત્રિત કર્યા હતા. મને આશા છે કે તેઓ મારા વ્યક્તિગત નિમંત્રણનો સ્વીકાર કરશે અને ૧૫ જૂને બેઠકમાં હાજર રહેશે. તેમજ સુધારા માટે પોતાના વિચારો અમને જણાવશે.”

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી આયુષમાન ભારત સહિતની કેન્દ્રની યોજનાઓનો અમલ પશ્ચિમ બંગાળમાં કરવા દેતા નથી. તે ઉપરાંત સીબીઆઈના અધિકારીઓના પ્રવેશ પર પણ તેમણે પ્રતિબંધ મૂક્યો છે.

૨૩ માર્ચે લોકસભાનાં પરિણામો આવ્યા પછી નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હૉલમાં એનડીએના નેતાઓની હાજરીમાં ભાજપના સાંસદોને સંબોધતાં કહ્યું હતું કે ભાજપને સ્પષ્ટ બહુમતી છતાં તેઓ ગઠબંધનને સાથે લઈને જ ચાલશે અને સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે પોતાના અને પારકા હવે કોઈ નથી. રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા અને પ્રાદેશિક અપેક્ષાઓ (National Ambition-Regional Aspirations) ‘નારા’નો ‘નારો’ આપતા તેમણે કહ્યું કે પ્રાદેશિક અપેક્ષાઓની ઉપેક્ષા કરવી દેશ માટે હાનિકારક છે.

આમ છતાં, ૩૦ માર્ચે નવી સરકારના શપથવિધિમાં મમતાએ પહેલાં હાજરી આપવા તૈયારી બતાવી, પરંતુ પછી ના પાડી દીધી. કારણ એવું આપ્યું કે ભાજપ શપથવિધિમાં પણ રાજકારણ રમે છે. એનડીએ હોય કે યુપીએ, દરેક ગઠબંધનમાં વાતેવાતે રિસાઈ જવાની ટેવવાળા મમતાને મોદી સરકારના શપથવિધિમાં વાંધો એ પડ્યો કે પશ્ચિમ બંગાળમાં જે ભાજપના કાર્યકરોની હત્યા થઈ હતી તેમના પરિવારજનોને શપથવિધિમાં આમંત્રિત કરાયા હતા!

મમતા બેનર્જી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેવું-કેવું રાજકારણ રમે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment