Home » મુસ્લિમો સમક્ષ મોહનજીના ચર્ચા જગાવનારા ભાષણના સૂચિતાર્થો

મુસ્લિમો સમક્ષ મોહનજીના ચર્ચા જગાવનારા ભાષણના સૂચિતાર્થો

by Jaywant Pandya

સબ હેડિંગ: મોહનજીએ કહ્યું કે “હું આ વાતો કરી રહ્યો છું તો હિન્દુ સમાજમાં તેના પર વ્યાપક ચર્ચા થવાની છે. એક મોટો વર્ગ મારી વાત સાથે સંમત થશે અને એક વર્ગ અસંમત થશે. પરંતુ અસંમત થનાર વર્ગ પણ ખોટો નથી, સારા લોકો છે…” આ અસંમતિની જ કેટલીક વાતો અહીં કરી છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૧/૦૭/૨૦૨૧)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (પ્રમુખ) ડૉ. મોહન ભાગવતજીએ તાજેતરમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ડૉ. ખ્વાજા અહમદ ઇફ્તિખારના પુસ્તક ‘વૈચારિક સમન્વય-એક વ્યાવહારિક પહલ’ પુસ્તકનું વિમોચન કર્યું. આ કાર્યક્રમમાં મોહન ભાગવતજીએ આપેલા ભાષણ પર દેશભરમાં સારો એવો ખળભળાટ થયો. ટીવી પર ચર્ચા થઈ.

મોહનજીએ કહ્યું કે “હું આ વાતો કરી રહ્યો છું તો હિન્દુ સમાજમાં તેના પર વ્યાપક ચર્ચા થવાની છે. એક મોટો વર્ગ મારી વાત સાથે સંમત થશે અને એક વર્ગ અસંમત થશે. પરંતુ અસંમત થનાર વર્ગ પણ ખોટો નથી, સારા લોકો છે કારણકે ભૂતકાળમાં ઘા એવા મળ્યા છે. તે ઘાને ભરવામાં સમય લાગશે.”

એટલે જ મોહનજીની કેટલીક વાતો પર ચર્ચાની આવશ્યકતા છે. મધ્ય-પશ્ચિમમાં જન્મેલા પંથો અસહમતિની છૂટ નથી આપતા પણ હિન્દુ ધર્મ અસહમતિની છૂટ આપે છે. તમે ઈશ્વરમાં માનો તો પણ સ્વીકાર, ન માનો તો પણ સ્વીકાર, ઈશ્વરમાં માનો પણ સાકારમાં માનો તો પણ સ્વીકાર અને નિરાકારમાં માનો તો પણ સ્વીકાર, સાકારમાં તમે સૂર્યને માનો તો પણ સ્વીકાર અને મૂર્તિને માનો તો પણ સ્વીકાર, મૂર્તિમાંય પુરુષ -શિવ કે વિષ્ણુને માનો તો પણ સ્વીકાર અને શક્તિને માનો તો પણ સ્વીકાર છે. બાળ સ્વરૂપને માનો તો પણ સ્વીકાર. અને ભગવાન શંકરાચાર્ય પણ શાસ્ત્રાર્થ કરતા, નચિકેત અને જનક રાજા પણ સંવાદ દ્વારા-પ્રશ્નોત્તરી દ્વારા સમસ્યાનું-સંશયોનું નિરાકરણ લાવતા.

મોહનજીએ કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોના ડીએનએ એક છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં રહેનારા બધા હિન્દુઓ જ છે. તમે તેને ભારતીય પણ કહી શકો છો. આ બંને બાબતોમાં વિરોધાભાસ દેખાય છે. જો હિન્દુઓ અને મુસ્લિમોના ડીએનએ એક છે તેમ કહો તો તેનો અર્થ મુસ્લિમો હિન્દુ નથી. તો પછી ભારતમાં રહેનારા બધા હિન્દુઓ ક્યાંથી થયા? વળી, હિન્દુ રાષ્ટ્રની વાત કરતા તમે હવે હિન્દુ શબ્દ ન ગમતો હોય તો, ભારતીય શબ્દ મુસ્લિમ સમાજ સ્વીકારી લે તેમ કહો છો તો આ પણ એક તુષ્ટિકરણ જ થયું ને. તો પછી ગાંધીજી કે કૉંગ્રેસનું તુષ્ટિકરણ શું ખોટું હતું? આ તો એક શરૂઆત છે. આના પછી ઉર્દૂ ભાષા, વંદેમાતરમ્ અધૂરું, ગો હત્યાને અનુમતિ, લવજિહાદ વગેરે મુદ્દા પણ પડતા મૂકવામાં આવશે? મોહનજીએ અથવા સંઘે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.

મોહનજીએ કહ્યું કે “મનુષ્યોં કો જોડને કા કામ રાજનીતિ સે હોનેવાલા નહીં હૈ….રાજનીતિ ઇસ કામ કા ઔજાર નહીં બન સકતી. ઈસ કામ કો બિગાડને કા હથિયાર બન સકતી હૈ.” સંઘ ભાજપ સાથે છે અને છતાં નથી. પ્રારંભથી જ સંઘ પ્રત્યક્ષ રાજકારણથી દૂર રહ્યો છે. તે હંમેશાં નકારે છે કે ભાજપમાં તેની કોઈ દખલ નથી. તેનું કામ રાજકારણનું નથી. લોકોને જોડવાનું છે. સંઘના આર્ષદૃષ્ટા અગ્રણીઓ પ્રારંભથી જાણતા હતા કે રાજકારણ એ સત્તા, પદ અને ભ્રષ્ટાચારનું માધ્યમ છે. એટલે તેનાથી દૂર રહેવું હિતાવહ છે. સંઘ આર્થિક પ્રવૃત્તિઓથી પણ એટલે જ દૂર રહે છે. અર્થ આવે છે ત્યાં વિખવાદ થવાની શક્યતા રહે છે. એટલે સંઘમાં જોડાવા માટે કોઈ ફી નથી. કોઈ વ્યાપારિક પ્રવૃત્તિ સીધી રીતે તે કરતો નથી.

જોકે રાજનીતિ જોડવાનું કામ ન કરી શકે તે વાત સાથે અસંમત! પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ અને બાદમાં અડવાણીજીના નેતૃત્વમાં નીકળેલી રામ જન્મભૂમિ આંદોલન હેઠળની રથયાત્રાએ હિન્દુ સમાજને એક કરવાનું કામ કર્યું હતું. ૧૯૯૦ અને ૧૯૯૨ની કારસેવાએ હિન્દુ સમાજને જોડવાનું કામ કર્યું હતું. એ વાત અલગ છે કે પોતાની ચાદર સ્વચ્છ રાખવા કે પછી મત બૅન્ક માટે જર્જરિત ઢાંચાના ધ્વંસ પછી અટલજી-અડવાણીજી આંસું સારવા લાગ્યા હતા. મોટા નેતાઓનાં આવાં નિવેદનોના કારણે સેક્યુલરોના નેરેશનને મોટું બળ મળી જતું હોય છે.

લોકોને જોડવાનું કામ કરનારો સંઘ રમખાણો અટકાવી શક્યો નથી, પણ રાજનીતિના કારણે જ ૨૦૦૨ પછી ગુજરાતમાં કોઈ રમખાણો થયાં નથી. ૨૦૦૨, અને ૨૦૦૭ની ચૂંટણીમાં પણ હિન્દુઓએ એક થઈને ગુજરાતમાં અને ૨૦૧૪ની ચૂંટણીમાં ભારતમાં મતદાન કર્યું હતું તે પણ ન ભૂલવું જોઈએ. અને ૨૦૧૪ની એ રાજનીતિના પ્રતાપે જ પાંચ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ દૂર થઈ તે દિવસે અને તે પછી કોઈ હિંસા થઈ નહીં. એ રાજનીતિના પ્રતાપે જ નવ નવેમ્બર ૨૦૧૯ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે શ્રી રામજન્મભૂમિ અંગે ચુકાદો આપ્યો તો તે દિવસે અને તે પછી કોઈ હિંસા નથી થઈ. ત્રિ-તલાકનો ખરડો પસાર થયો તે દિવસે અને તે પછી પણ તેના વિરોધમાં કોઈ હિંસા નથી થઈ.

જો રાજનીતિ અને લોકોને જોડવાની નીતિ સાથેસાથે ચાલે તો મુસ્લિમો પણ તમારી સાથે આવવાના જ છે. હકીકતે, મુસ્લિમોમાં એક વર્ગ છે જે હિન્દુઓ સાથે સંપીને રહેવા માગે છે. તેમાંના ઘણા લોકો કદાચ ફરી હિન્દુ પણ બનવા માગતા હશે. આ લોકો ઘણા રીતરિવાજોમાં હિન્દુપણું છોડ્યું નથી. તેમની પણ ઈચ્છા થાય કે તેઓ ગુજરાતી, હિન્દી, વગેરે ભાષાઓ બોલે પરંતુ તુષ્ટિકરણ અને માનસિક દાસતા હિન્દુઓના મનમાં એટલી ઘૂસી ગઈ છે કે મુસ્લિમને જુએ એટલે આદાબ, સલામ, ઉર્દૂવાળી ભાષા, વગેરે ચાલુ થઈ જાય. મોહનજીને જ જુઓ. તેમણે પણ સમારંભમાં ‘તહઝિબ’ અને ભાષણના અંતે શાયરી ટાંકી. અહીં ભાષાનો વિરોધ નથી પણ મુસ્લિમોને જોઈને આપણા અર્ધચેતન મનમાં ક્યાંક ભય છે તે આ કરાવે છે. સાચું તો એ જ કહેવાય કે એ ભલે ઉર્દૂમાં બોલે, પોતાનો પરિવેશ જાળવી રાખે, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે, પરંતુ હિન્દુ તેમની સાથે સંવાદ કરતી વખતે પોતાની ભાષા, પોતાનો પરિવેશ, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે. સંઘે ઉતિષ્ઠ, ઉપવિશ વગેરે આજ્ઞાઓ કેમ સંસ્કૃતમાં રાખી છે? કદાચ તે સમયે આ જ કન્સેપ્ટ હશે કે પોતાનાપણું જાળવી રાખવું. આજના સમયમાં સંઘ સ્થપાયો હોત તો? ખબર નહીં. ભાષા પ્રત્યે કદાચ આટલો દૃઢાગ્રહ ન પણ હોત.

મોહનજીએ કહ્યું કે યદિ હિન્દુ કહેતા હૈ કિ યહાં એક ભી મુસલમાન નહીં રહેના ચાહિએ તો હિન્દુ હિન્દુ નહીં રહેગા…ડૉક્ટર સાહબ (સંઘ સ્થાપક ડૉ. હેડગેવાર) કે સમય સે ચલતી આ રહી વિચારધારા હૈ. આ વાત સાચી છે. ભલે, સંઘની સ્થાપનાની પૃષ્ઠભૂમિ મુસ્લિમો દ્વારા થતાં રમખાણો પણ (ફરી વાર કહું, પણ શબ્દ બે વાર વાંચવો) હોય, પરંતુ સંઘ વિરોધ કે પ્રતિક્રિયામાંથી નથી જન્મ્યો. તેનો હેતુ કોઈનો વિરોધ નથી. તેનો હેતુ હિન્દુઓનું સંગઠન કરી તેમનું જાગરણ અને પુનરુત્થાન કરી રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરી વિશ્વ ગુરુ બનાવવાનો છે.

પરંતુ સી. પી. ભિસકર લિખિત ‘કેશવ: સંઘનિર્માતા’ની એ વાતને પણ અવગણી શકાય નહીં. તેમાં ‘અસહયોગ આંદોલન મેં’ પ્રકરણમાં પૃષ્ઠ ૧૧ પર લખાયું છે કે “ડૉક્ટરજી ઇસ ધારણા કા હી વિરોધ કરતે થે કિ હિન્દુ-મુસ્લિમ એકતા કે બિના સ્વરાજ્ય કી પ્રાપ્તિ અસંભવ હૈ. ઉન કી રાય મેં મુસલમાનોં કો હી અલગ કર ફિર ઉનકા અનુનય કરતે રહને કી રાજનીતિ અન્તતોગત્વા દેશ કે લિયે હાનિકારક સાબિત હોગી.”

આપણે ઉપર જોયું કે મોહનજીએ કહ્યું કે જે હિન્દુ એમ કહે કે મુસ્લિમ અહીં ન રહેવો જોઈએ તે હિન્દુ હિન્દુ નથી. પરંતુ આ પ્રશ્નના મૂળની વાત મોહનજીએ કેમ ન કરી? જોકે ૩૪ મિનિટના ભાષણમાં બધા મુદ્દાઓ આવરી લેવા શક્ય નથી હોતા તે વાત સાથે સંમત પરંતુ આ અંગે અછડતી વાત એટલા માટે કરવાની જરૂર હતી કારણકે તેમના આ ભાષણમાં આવી વાતોથી ખોટો સંદેશ બંને પક્ષે ગયો છે. પહેલી વાત તો એ કે, મોગલ અને અન્ય મુસ્લિમ શાસકોના શાસનમાં હિન્દુઓ પર જજિયા વેરાથી માંડીને હિન્દુ સ્ત્રી પર બળાત્કાર, હિન્દુ પ્રજાની હત્યાઓ, બ્રાહ્મણોને મારીને તેમની જનોઈ એકઠી કરવી, મંદિરો તોડવાં, વગેરે અનેક અન્યાયો થયા. તે પછી પણ હિન્દુ પ્રજા મુસ્લિમો સાથે હળીભળીને રહેતી હતી.

૧૮૫૭માં પણ હિન્દુઓ મુસ્લિમો સાથે મળીને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા. તે વખતે તો એવી શક્યતા પણ હતી કે જો કદાચ અંગ્રેજો સામે જીત મળી ગઈ હોત તો ફરી એક વાર મુસ્લિમોનું શાસન પાછું ફરત. તો પણ હિન્દુઓએ સાથ આપ્યો. અથવા મંગલ પાંડે રૂપમાં, રાણી લક્ષ્મીબાઈ વગેરેના રૂપમાં આગેવાની લીધી. તે પછી વંદેમાતરમ્નો પ્રશ્ન થયો. તેના ટુકડા થયા. તિરંગામાં પંથ પ્રમાણે રંગો નક્કી કરાયા. આ બધું હિન્દુઓએ સહ્યું. પંથના આધારે અલગ પાકિસ્તાન જેમાં તે વખતે બાંગ્લાદેશનો સમાવેશ થતો હતો તેનો પણ સ્વીકાર કર્યો. તેમાં અનેક હિન્દુઓ રાતોરાત ઘરવિહોણા બની ગયા. ટ્રેનોની ટ્રેનો લાશો સાથે પાકિસ્તાનથી આવતી હતી. અનેક ધનવાન હિન્દુઓ ગરીબ બની ગયા. અનેક હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર પણ થયા. આ પણ સહ્યું. અને પંથના આધાર પર ભાગલા થયા હોય તો પણ સ્વતંત્ર ભારતમાં જે મુસ્લિમોને રહેવું હતું તેમને રહેવા દેવાયા અને એટલું જ નહીં, તેમની જનસંખ્યા ૧૯૫૧માં ૩.૫ કરોડ હતી જે આજે પ્યુ રિસર્ચ સેન્ટર મુજબ, ૨૧.૩ કરોડ છે. બીજી તરફ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને શીખોની વસતિ કેટલી ઘટી ગઈ છે? અને આ ઘટવાનું કારણ બધા જાણે છે તેમ બળજબરીથી પંથાંતરણ અને હિન્દુ-શીખ કન્યાઓને મુસ્લિમ બનાવી તેના લગ્ન કરાવી દેવા છે.

ભારતમાં જ્યારે રાજકીય પ્રભાવમાં આવીને કે પોતાના પંથ પર પોતાની પકડ રાખવા મુસ્લિમો વંદેમાતરમ્ ગાવાની ના પાડે, છૂટાછેડા વગેરે બાબતે તેના અલગ કાયદા હોય, તેને વિશેષ લાભો મળે, ભારતમાં પંથાંતરણ કરવામાં આવે, ભારતમાં રહીને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવવામાં આવે, શ્રી રામમંદિર સામે સતત વિરોધ કરી ન્યાયાલયમાં અડચણો ઊભી કરવામાં આવે કે પછી સાબરમતી ઍક્સ્પ્રેસના એસ-૬ ડબ્બાને સળગાવી નિર્દોષ કારસેવકોને મારી નાખવામાં આવે, પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓની કડી ભારતમાં ખુલે, ગોહત્યા કરવામાં આવે, દુર્ગા પૂજાનો વિરોધ થાય, તબલીગી જમાતીઓ દ્વારા ડૉક્ટરો-નર્સો પર થૂંકવામાં આવે, રેસ્ટૉરન્ટમાં કામ કરનારો મુસ્લિમ ભોજનની વાનગીમાં થૂંક ભેળવે, કોઈ મુસ્લિમ કૌશલ્યા કે સીતા માતા વિશે અભદ્ર વાત કરે, શરજીલ ઈમામ જેવાઓ ચીકનનેકથી ભારતના ટુકડા કરવાનું કહે ત્યારે હિન્દુ કદાચ આક્રોશિત થઈ બોલી ઊઠે છે કે “હે મારા મુસ્લિમ ભાઈ! જો તને એટલો જ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ હોય તો ત્યાં જ રહેવા ચાલ્યો જા ને.” અને આ વાત આખા સમુદાય માટે નથી હોતી. જે વ્યક્તિ આવું કરે કે બોલે તેના માટે જ હોય છે.

એટલે મોહનજીએ આ કાર્યક્રમમાં આ બધું જે કરતા હોય તે મુસ્લિમ ભાઈઓને આ બધું બંધ કરવા સલાહ આપવાની આવશ્યકતા હતી. આ બંધ થશે તો કોઈ હિન્દુ આવું નહીં બોલે. હિન્દુને તો આમ પણ હળીભળીને રહેવું પસંદ છે. બાકી, પાકિસ્તાન, સિરિયા, યમન, સાઉદી અરેબિયા વિ. ઈરાન વગેરેમાં મુસ્લિમોના ફાંટાઓ વચ્ચે જ અંદરોઅંદર થઈ રહેલી હિંસા જોઈ લેવી જોઈએ.

મોહનજીએ કહ્યું કે “લોગોં કો પતા ચલે ઇસ ઢંગ સે ઇસ્લામ ભારત મેં આયા…જો ઇતિહાસ દુર્ભાગ્ય સે ઘટા હૈ વો લંબા હૈ, જખ્મ હુએ હૈ, ઉસ કી પ્રતિક્રિયા તીવ્ર હૈ. સબ લોગોં કો સમજદાર બનાને મેં સમય લગતા હૈ..” પરંતુ મોહનજી, આ ઇતિહાસની વાત નથી. હિન્દુ ઇતિહાસ તો સમયે-સમયે ભૂલી જ જાય છે. એટલે જ ૧૯૪૭માં જે થયું તેને થોડાં વર્ષોમાં ભૂલી ગયો હતો. અયોધ્યામાં જર્જરિત ઢાંચાના ધ્વંસનો બદલો લેવા દેશભરમાં રમખાણો થયાં તે હિન્દુ ભૂલી ગયો છે. ૨૦૦૨નાં સાબરમતી ઍક્સ્પ્રેસ કે ૨૦૧૩ના મુઝફ્ફરનગરનાં રમખાણો પછી હિન્દુ ભૂલી ગયો છે. આટલી લવજિહાદો થાય, લેન્ડ જિહાદ થાય તો પણ હિન્દુ બાંગ્લાદેશ કે પાકિસ્તાન જેવી હિંસા કરતો નથી. ફિલ્મોમાં ઇસ્લામીકરણનો એજન્ડા ચાલે તો પણ હિન્દુ હિંસા કરતો નથી. એટલે હિન્દુને સમજદાર બનાવવાની આવશ્યકતા નથી. આરએસએસ પહેલાં પણ હિન્દુ સમજદાર હતો અને રહેશે.

તેમણે લિંચિંગ કરનારા હિન્દુ માટે આતતાયી શબ્દ વાપર્યો. પરંતુ એ વાત ન કહી કે મુસ્લિમ શા માટે હિન્દુની ગાય પ્રત્યેની ભાવનાની કદર નથી કરતા. અને ગાય પ્રત્યે માત્ર હિન્દુને જ પ્રેમ છે તેવું તો નથી. અનેક મુસ્લિમો પણ ગાયને પાળે છે. ગોભક્ત છે. મોહનજીના  આ વિધાનથી લિંચિંગ વિરુદ્ધ સેક્યુલરોએ જે દેકારો કર્યો હતો તેમને ચોક્કસ બળ મળી ગયું છે. અને એ રીતે તો અર્જુન પણ હિન્દુ ન કહેવાય કારણકે તેણે પણ ગો રક્ષા માટે વિરાટ નગરીના રાજકુમાર ઉત્તર સાથે પોતાનું મૂળ સ્વરૂપ છતું થઈ જવાનો ભય હોવા છતાં યુદ્ધ કર્યું હતું.  મોહનજીએ પાલઘરથી માંડીને અનેક જગ્યાએ હિન્દુઓનું જે લિંચિંગ થાય છે તેની, ગો રક્ષા કરવા જતાં જેઓ વીરગતિને પ્રાપ્ત થાય છે તેમની વાત કરવાની પણ આવશ્યકતા હતી. બિહારના પોલીસ અધિકારી અશ્વિનીકુમાર, પ્રશાંત પૂજારી, પંકજ નારંગ, રિંકૂ શર્મા, નીતુ વગેરેનું લિંચિંગ શું લિંચિંગ નહોતું?

જોકે આરએસએસમાં ઊંડા ચિંતન પછી જ કોઈ વાત-કોઈ નીતિવિષયક નિર્ણય લેવાતો હોય છે. હિન્દુ-મુસ્લિમ એકતાનો આ લેખક પણ વિરોધી નથી, પરંતુ જ્યાં સુધી કટ્ટર મુસ્લિમો હિન્દુ વિરોધી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ નહીં છોડે, ત્યાં સુધી આ શક્ય નથી. એક હાથે ક્યારેય તાળી ન પડે. આ ચોખ્ખું સત્ય છે. ગાંધીજી તેના માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા પણ આ શક્ય બન્યું નથી. બાય ધ વે, મોહનજીના ભાષણને તાળીઓ દ્વારા મળેલા પાંખા પ્રતિસાદને ખાસ નોંધજો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment