Home » રોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના

રોતે રોતે પીટના શીખો, પીટતે પીટતે રોના

by Jaywant Pandya

સબ હેડિંગ: આરટીઇ કાયદો કોને લાગુ નથી પડતો? કેરળની ડાબેરી સરકારે ચર્ચોના વિરોધના કારણે કયો ખરડો પડતો મૂક્યો હતો? મૌલાના આઝાદે પશ્ચિમી પાકિસ્તાનમાં હિન્દુઓના રહેવા વિશે શું કહેલું? દિલ્લી હાઇ કૉર્ટે દિલ્લી પોલીસને એફઆઈઆરમાં કયા ૩૮૩ શબ્દો વાપરવા સામે લાલ આંખ કરી? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા હોય તો આ લેખ વાંચવો રહ્યો…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૯/૧૨/૧૯)

ઘણાં ઘરોમાં આવું જોવા મળતું હશે. નાનો ભાઈ તોફાની અને બળુકો હોય. મોટાની સળી કરીકરીને ભાગી જાય. પછી બહુ થાય એટલે મોટો નાનાને પકડીને ખાલી ધમકાવે ત્યાં તો નાનો રોવા લાગે. ગાંગરીને બોલાવી વડીલોને ભેગાં કરે. મોટો મને મારે છે તેવું રોતાંરોતાં કહે. માતાપિતા તરત જ કહે, “મોટા થઈને નાનાને મારતા શરમ નથી આવતી? છોડ એને.” મોટો છોડી દે એટલે નાનો પછી રોતાંરોતાં મોટાને મારે. મોટો કંઈ કરી ન શકે કારણકે કરે તો માતાપિતા તેને મોટા હોવાનું કહી જતું કરવાનું કહે. આમ, નાનો રોતો જાય અને મોટાને માતાપિતાની હાજરીમાં મારતો જાય.

કટ્ટર મુસ્લિમો વર્ષોથી આવું જ કરતા આવ્યા છે. તુર્કીના ખિલાફત આંદોલનને ગાંધીજીએ ટેકો જાહેર કર્યો અને કેરળના માલાબારમાં બ્રિટિશરો સામેનાં રમખાણોમાં અનેક હિન્દુઓ મર્યા. પહેલાં કહ્યું કે અમને અહીં ભારતમાં અન્યાય થશે. એટલે અમને અમારો દેશ આપો. આ માટે ઝીણાએ ડાયરેક્ટ ઍક્શનનો આદેશ આપ્યો. મોટા પાયે રમખાણો થયાં. ભારે હૈયે પોતાના અંગના કટકા કરતું હોય તેમ, ભારતે પોતાનો એક ટુકડો કરી આપ્યો. રાતોરાત પોતાના દેશમાં જ લાખો લોકો નિર્વાસિત થઈ ગયા! અનેકોની હત્યા થઈ, બળાત્કાર થયા, સંપત્તિ લૂટાઈ. રઝાકારોએ (જેના વડા સૈયદ કાસીમ રિઝવીએ જ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એમઆઈએમની રચના કરી હતી) પણ હિન્દુઓમાં આતંક મચાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. અનેક હિન્દુઓની હત્યા કરી, અનેક હિન્દી સ્ત્રીઓ પર બળાત્કારો કર્યા. હિન્દુ બાળકોની સુન્નત કરી નાખી.

હિન્દુઓના ડીએનએમાં જ બિનસાંપ્રદાયિકતા હોવાથી તેમણે ભારતને સેક્યુલર રાખ્યું. બંધારણમાં સેક્યુલર શબ્દ ઉમેર્યો નહોતો તો પણ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણમાં દરેકને પોતાની માન્યતા પ્રમાણે ઉપાસના કરવાની છૂટ અપાઈ. તેના પ્રચારની પણ છૂટ અપાઈ (જેનો આજે ખૂબ જ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.) પરંતુ બીજી તરફ નાના ભાઈએ પોતાના ઘર (પાકિસ્તાન)માં તેને અનુકૂળ નીતિનિયમો નક્કી કર્યા. અર્થાત્ પાકિસ્તાન અને તેમાંથી છૂટા પડેલા બાંગ્લાદેશમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીએ રહેવું હોય તો દ્વિતીય કક્ષાના નાગરિક થઈને રહેવાનું. ઈસ્લામ વિરુદ્ધ સહેજ પણ ઘસાતો શબ્દ બોલે તો ઈશનિંદા એટલે કે બ્લાસ્ફેમીમાં કાં તો હત્યા થઈ જાય અથવા તો કૉર્ટ સજા કરે!

ભારતમાં ઇસ્લામ વિરુદ્ધના કથિત કૃત્યની સજા પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને મળે; જેમ કે ૧૯૯૨માં વણવપરાતો ઢાંચો તોડી પડાયો તો પાકિસ્તાનમાં ૩૦ મંદિરો પર હુમલા થયા. બાંગ્લાદેશમાં હિન્દુઓનાં મંદિરો, દુકાનો અને ઘરો પર હુમલા થયા. તેમને સળગાવી દેવાયાં. ભારતની વિમાન સેવા ઍર ઇન્ડિયાની ઢાકામાં આવેલી ઑફિસને તોડી નખાઈ! દસ લોકોની કરપીણ હત્યા કરાઈ.

શું ભારતમાં રામમંદિર તોડીને બાબરે મસ્જિદ બનાવી ત્યારે તેના આવા પ્રત્યાઘાતો પડ્યા હતા? જમ્મુ-કાશ્મીરમાં અનેક મંદિરો તોડી પડાયાં હતાં, તેનો બદલો જમ્મુ-કાશ્મીરના નિર્દોષ મુસ્લિમો કે બીજાં રાજ્યોના મુસ્લિમો સામે કે કોઈ મસ્જિદ તોડીને લેવાયો હતો?

કટ્ટર મુસ્લિમોના વિરોધના કારણે અધૂરું વંદે માતરમ્ સ્વીકારાયું. તો અધૂરું ગાવા પણ ઈનકાર! ધ્વજમાં વિવિધ પંથોના પ્રતીક એવા રંગ અને નિશાન સ્વીકારાયા. સ્વતંત્રતા પછી અનેક ઇસ્લામિક રાષ્ટ્રો જેવું ભારત હિન્દુ રાષ્ટ્ર થઈ શક્યું હોત પરંતુ જે હિન્દુએ કેરળમાં વિશ્વની સૌથી જૂની મસ્જિદ ચેરામન જુમા મસ્જિદ બનવા દીધી અને તેને આજે પણ અખંડ સાચવી રાખી છે, જે હિન્દુએ દુનિયાથી પીડિત યહુદી, પારસીને આશ્રય આપ્યો તે હિન્દુએ પોતાના માટે હિન્દુ કૉડ બિલ થોડા વિરોધ પછી સ્વીકારી લીધું, જેમાં મૃતકની વિધવા, પુત્રી અને પુત્રને સંપત્તિમાં સમાન અધિકાર મળતો હતો, હિન્દુ પુરુષ એક જ સ્ત્રીને પરણી શકવાનો હતો.

આ હિન્દુ સંહિતા ખરડો પસાર કરતી વખતે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કહેલું, “આ કાયદાને અમે એટલું બધું મહત્ત્વ આપીએ છીએ કે અમારી સરકાર તેને પસાર કર્યા વગર સત્તામાં રહી જ ન શકે.”

સામે પક્ષે નાના ભાઈએ તો કહ્યું, “અમે તો અમારો જ કાયદો માનીશું.” તો મુસ્લિમોના કાયદા જુદા રહ્યા. તેઓ એક કરતાં વધુ પત્ની રાખી શકે! તીન તલાક અને હલાલા ચાલુ રાખી શકે! પર્સનલ લૉ મુજબ, જો વારસાના કાયદા પણ જુદા રહ્યા. ખ્રિસ્તીઓના કાયદા પણ જુદા રહ્યા. મંદિરો પર અને તેમાં આવતાં દાનરૂપી નાણાં પર સરકારનું નિયંત્રણ. પરંતુ મસ્જિદો અને ચર્ચો પર સરકારનું નિયંત્રણ નહીં!

ગરીબ બાળકો માટે યુપીએ સરકાર આરટીઇ કાયદો લાવી. સારું કામ કર્યું, પણ આ કાયદો મદરેસાઓને લાગુ ન પાડ્યો! આ કાયદો આવ્યો ત્યારે જમિયત ઉલેમા એ હિન્દ (જેનો અર્થ થાય છે ઇસ્લામિક વિદ્વાનો)ના મહેમૂદ મદનીએ તેને મુસ્લિમ પંથીય શાળાઓ માટે જોખમ ગણાવેલો! ઇસ્લામિક વિદ્વાનો જ ગરીબ બાળકોના શિક્ષણના વિરોધી!

સ્વતંત્રતા પછી ‘સેક્યુલર’ ભારતે કલમ ૩૦ દ્વારા લઘુમતીઓને તેમની પસંદની શિક્ષણ સંસ્થાઓ ચલાવવાનો અધિકાર આપ્યો! આના લીધે કોઈ પણ લઘુમતી શાળાઓને સરકારની માન્યતાની જરૂર નહીં! ખ્રિસ્તી શાળાઓ હિન્દુ વિદ્યાર્થિનીઓએ ચાંદલો કર્યો હોય, બંગડી પહેરી હોય, હિન્દુ વિદ્યાર્થીએ તિલક કર્યું હોય તો તે કઢાવી શકે, પરંતુ હિન્દુ શાળામાં લઘુમતી વિદ્યાર્થીને તેમના વિશેષ પરિવેશમાં આવવાનો અધિકાર છે!

નાના ભાઈએ પોતાના દેશમાં તો મોટા ભાઈ થઈને પણ પોતાની મનમરજી મુજબ અધિકારો રાખ્યા જ પરંતુ ભારતમાં પણ તેણે ગમે ત્યાં નમાજ પઢી શકે, લાઉડ સ્પીકર પર મોટા અવાજે બેસૂરી અઝાન ગાઈ શકે તેવા અધિકારો વગર બંધારણે લઈ લીધા. ૧૯૯૯માં જેને હિન્દુવાદી સરકાર કહી કહીને ભાંડવામાં દેશ-વિદેશનાં મિડિયા, સેક્યુલરો, લિબરલોએ કોઈ કસર બાકી નહોતી રાખી એ અટલજીની સરકાર વખતે, હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીના બરાબર ટાણે જ, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ગુરુ પૉપ જૉન પૉલ દેશની રાજધાની દિલ્લીમાં અંદાજે ૭૦,૦૦૦ ખ્રિસ્તીઓની માસ (સમૂહ પ્રાર્થના) રાખી શકે! અને એ પૉપ પોતાના ‘હૉમિલી’ (પંથીય પ્રવચન)માં પાછા કહી પણ શકે કે “પહેલી સહસ્રાબ્દિમાં કેથોલિક ચર્ચે યુરોપમાં જડ જમાવી, બીજીમાં આફ્રિકામાં અને ત્રીજીમાં એશિયા ખંડમાં જડ જમાવવાની છે.” અને એ પછી માતા મેરીને પ્રાર્થનામાં એમ કહે, “આપણે એશિયાના ધર્મગુરુઓ અને ચર્ચોને જવાબદારી સોંપીએ છીએ… તેમનામાં (બિનખ્રિસ્તીઓને) વટલાવી શકવાના મહાન કામ માટે ઉત્સાહ જગાડ અને ટકાવી રાખ.” શું આ ખરેખર સેક્યુલર ભારત છે? કે પછી ઇસ્લામિક એન્ડ ક્રિશ્ચિયન રિપબ્લિક ઑફ ઇન્ડિયા છે?

એ ખ્રિસ્તીઓની અંગ્રેજી ભાષા આપણા વહીવટની ભાષા બનાવી દેવાઈ! ૧૩૦ કરોડના દેશમાંથી માત્ર ૧૨.૫ કરોડ લોકો જ અંગ્રેજી બોલી શકે છે. અને ઓછું હોય તેમ, સમગ્ર દેશનાં રાજ્યોની વહીવટની ભાષા ફારસી-ઉર્દૂ મિશ્રિત સ્થાનિક ભાષા રહી!

‘સેક્યુલર’ મિડિયાએ દિલ્લી હાઇ કૉર્ટના એક ચુકાદા પરથી કુશળતાપૂર્વક આપણું ધ્યાન હટાવી દીધું. ટીકા પણ ન કરી! ટીકા કરે તો નેગિટિવ રીતે પણ ધ્યાન જાય ને! આ ચુકાદામાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી. એન. પટેલે દિલ્લી પોલીસને એફઆઈઆરમાં તેમનું ઉર્દૂ અને પર્શિયન જ્ઞાન ન દર્શાવવા અને લોકો સમજી શકે તેવી સાદી અને સરળ ભાષા વાપરવા આદેશ આપ્યો! તેમણે કહ્યું કે પોલીસ સામાન્ય માણસ માટે કામ કરે છે. ઉર્દૂ કે પર્શિયનમાં ડૉક્ટરેટની ડિગ્રી લેનાર વિદ્વાનો માટે નહીં! હાઇ કૉર્ટે આવા ૩૮૩ શબ્દો પરત્વે ધ્યાન ખેંચ્યું! આથી પોલીસે પરિપત્ર બહાર પાડ્યો કે આ ૩૮૩ શબ્દો ન વાપરવા. પછી દિલ્લી હાઇ કૉર્ટે ૧૦૦ એફઆઈઆર તપાસવા આદેશ આપ્યો કે તેમાં આ શબ્દો વપરાયા તો નથી ને!

આ મોટા ભાઈની ઉદારતા એટલી કે ધર્મને અફીણ માનતી ડાબેરીઓની સરકાર સબરીમાલામાં લાખો હિન્દુઓની શ્રદ્ધાનો છેદ ઉડાવીને, તેમાં માસિક ધર્મમાં આવતી હોય તે ઉંમરની સ્ત્રીઓને પ્રવેશની, સર્વોચ્ચના આદેશ પછી, પોલીસની સુરક્ષામાં છૂટ અપાવી શકે પણ જ્યારે લોકસભાની ચૂંટણી પહેલાં માર્ચમાં ચર્ચોના વહીવટમાં પારદર્શિતાનો ખરડો લાવે તો અનેક ખ્રિસ્તી સંગઠનોના હોબાળાને વશ એ ખરડો પડતો મૂકે! આ જ ખરડો કોઈ ભાજપ સરકાર લાવી હોત તો? લઘુમતી વિરોધી સરકાર સામે મિડિયામાં કેટલાય ઑપ-ઍડ તેમજ ઍડિટ પાના પર અનેક લેખો લખાયા હોત. પરંતુ ડાબેરી વર્ચસ્વવાળા મિડિયામાં આના વિશે થોડી ઘણી નોંધ લઈ વાત પૂરી કરી દેવાઈ.

વિભાજન બાદ ગાંધીજી અને ઇવન, નહેરુને પણ ખ્યાલ આવ્યો કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખો (પારસી, જૈન, બૌદ્ધો, ખ્રિસ્તીઓની તેમણે વાત નહોતી કરી. એટલી ઉદારતા તો કથિત હિન્દુવાદી મોદી સરકારે જ દાખવી છે)ની સ્થિતિ સારી નહીં રહે. એટલે ગાંધીજીએ ૭ જુલાઈ ૧૯૪૭ના રોજ કહેલું કે હિન્દુઓ અને શીખોને ત્યાંથી પાછા આવવું હોય તો તે આવી શકે છે.” ગાંધીજીએ શરત નહોતી મૂકી કે પાકિસ્તાનમાં મુસ્લિમોના અત્યાચાર થાય તો જ હિન્દુઓ અને શીખો ભારત આવી શકે. એ શરત તો કથિત હિન્દુવાદી મોદી સરકારે જ મૂકી! આ શરતની જરૂર નહોતી.

મૌલાના આઝાદએ તો કહેલું, “પશ્ચિમી પાકિસ્તાનના લોકો ત્રાસવાદી જેવા સ્વભાવના છે. જો હિન્દુઓ ત્યાં રહેવા માગશે તો પણ તેઓ ત્યાં ટકી નહીં શકે. તેમણે ત્યાંથી ભાગવું પડશે.” મૌલાના આઝાદની આ ટીપ્પણી યાદ અપાવી કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને! આરીફ ભાઈ કહે છે, “નહેરુએ પણ ત્યાંથી હિન્દુઓ અને શીખોને અહીં પાછા આવે તો સ્વીકારવા તૈયારી બતાવી હતી, તેનું કારણ એ હતું કે તેમણે કંઈ ભારતનું વિભાજન માગ્યું નહોતું. તેઓ તો વિભાજનના પીડિત હતા!”

હવે સરકારી સંપત્તિમાં તોડફોડ-આગજની દ્વારા, પોલીસને નિર્દયી પથ્થરો મારીને, પોલીસ કાર્યવાહી કરવા આવે તો દેખાવમાં કુમળી લાગતી પરંતુ ભૂતકાળમાં ભયંકર કટ્ટર સૉશિયલ મિડિયા પૉસ્ટ કરનાર લદીદા સખલૂન અને આયેશા રેન્નાને ઢાલ બનાવીને, નાના કટ્ટર ભાઈઓ કહેવા માગે છે કે તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, બૌદ્ધ, પારસી, શીખ, જૈન અને ખ્રિસ્તી પીડિતોને નાગરિકત્વ ન આપો.

રાજકીય આકાઓએ ઠસાવ્યા પછી એનઆરસી આવશે તો આવું થશે ને તેવું થશે તેવું કાલ્પનિક ચિત્ર ઊભું કરીને આ ગુંડાગીરી દ્વારા તેમણે એક ધમકી પણ આપી દીધી કે ખબરદાર! અમારા કોઈ પણ ભાઈ, ભલે ને તે બાંગ્લાદેશી હોય, તેને ઘૂસણખોર તરીકે દેશમાંથી કાઢ્યા છે તો. અને વડા પ્રધાન મોદીએ પણ સ્પષ્ટતા કરવી પડી કે હમણાં એનઆરસી નથી આવવાનું. આવશે તો હિન્દુસ્તાનની માટીના મુસ્લિમને કાઢી નહીં મૂકાય. વાત સાચી છે પરંતુ ઘૂસણખોરોને કાઢવાની વાત આવશે અને તે એમ કહેશે કે અમે તો આ માટીના જ છીએ ત્યારે આ જ કટ્ટર નાના ભાઈઓ આવાં જ તોફાનો કરશે તો?

અને મોટા ભાઈને તો પહેલેથી (રાષ્ટ્ર)પિતાએ અહિંસાની જન્મઘૂટ્ટી પીવડાવી છે, આપણે જતું જ કરાય. અહિંસાની વાત સાચી પરંતુ કેમ પાકિસ્તાનથી આવેલા પીડિત હિન્દુઓ જામિયાના પ્રદર્શનકારીઓ સામે પોલીસની ઢાલ બનવા ન ગયા? કેમ કહેવાતા હિન્દુવાદીઓ સ્વયંસેવકોએ સીએએના વિરોધમાં કટ્ટરોના પ્રદર્શન પહેલાં સમર્થનમાં દેખાવો ન કર્યા? કેમ આ પ્રદર્શનકારીઓને લંગરમાં જમાડનાર શીખ બંધુઓએ તેમને ન સમજાવ્યા કે તમે જેનો વિરોધ કરો છો તેમાં અમારા પાકિસ્તાનના પીડિત શીખ ભાઈઓ પણ છે, તમે વિરોધ ન કરો?

રઘુપતિ રાઘવ રાજા રામ…ઈન કો સન્મતિ દે ભગવાન…

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment