Home » ભારતની લડાઈ માત્ર કોરોના વાઇરસ સામે નથી

ભારતની લડાઈ માત્ર કોરોના વાઇરસ સામે નથી

by Jaywant Pandya

સબ હેડિંગ: ચીને ગત એપ્રિલમાં કહી દીધું કે જેટલું આપ્યું તેમાં ખુશ રહો. ડાબેરી-મધ્ય વિચારસરણીવાળા બાઇડન પ્રમુખ બન્યા પછી અમેરિકા પણ આડોડાઈ કરવા લાગ્યું છે. રશિયાએ પણ ભારતનું નાક દબાવવા પ્રયાસ કર્યો. દેશમાં શાહીનબાગ-ખેડૂત આંદોલન-ખાલિસ્તાન સમર્થકો-નક્સલીઓના ટેકાથી થયાં. કોરોના વકર્યો એટલે સંગ્રહખોરો-કાળા બજારિયા-હિન્દુ વિરોધી મિડિયાને ખુલ્લું મેદાન મળી ગયું.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૬ મે ૨૦૨૧)

એક પ્રખ્યાત જોક છે. ૨૦૨૧ના વર્ષની શુભકામના આપનારને લોકો શોધી રહ્યા છે. જોક પૂરો. ૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં પણ વધુ કપરું સાબિત થઈ રહ્યું છે. કોરોના વાઇરસે તો વિનાશ વેર્યો જ છે. પરંતુ ભારતની લડાઈ માત્ર કોરોના વાઇરસ સામે જ નથી. આંતરિક અને બાહ્ય ગીધડાઓ સામે છે.

ભારતની લડાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન સાથે અને હવે અમેરિકા સાથે પણ છે. આનું કારણ એ છે કે ચીને તો ગયા વર્ષે આ સમય આસપાસ ઘૂસણખોરી કરી જ હતી. આ વાઇરસ પણ તેની જ ઉપજ છે જે અમેરિકાના ચીનના પ્રભાવમાં નહીં આવેલા તે વખતના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ છાતી ઠોકીને કહી ચૂક્યા છે. તે પછી ડૉનાલ્ડ ટ્રમ્પની વિદાય પણ થઈ. હવે અમેરિકાના ચીન સામેના સૂર મંદ પડી ચૂક્યા છે, તે નોંધવું જોઈએ.

ફેબ્રુઆરીમાં ચીનની સેના પાછળ હટવા તૈયાર થઈ ગઈ હતી. કેટલીક જગ્યાએથી પાછળ હટવા પણ લાગી હતી. પરંતુ ગત એપ્રિલમાં કોરોના સહિત અન્ય જે કંઈ અંધાધૂંધી થઈ (અને તેના કારણે દેખીતી રીતે જ કેન્દ્રને અથવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમ વાંચો, લોકોનું સમર્થન ઘટ્યું તેથી) ચીને ૧૮ એપ્રિલની બેઠકમાંથી બીજી જગ્યાએથી પાછા હટવા ના પાડી દીધી. જેટલું મળ્યું છે તેમાં ભારત આનંદ અનુભવે તેમ ચીને કહી દીધું!

આ જ એપ્રિલમાં રશિયાએ પણ મોકો જોઈને ચીમકી ઉચ્ચારી હતી કે તે પાકિસ્તાનને શસ્ત્ર વેચવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનો રોષ વ્હોરી લઈને પણ ભારત રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલનો સોદો કરી રહ્યું છે.

તો, એક બનાવ જે માત્ર કોરોનાની બૂમરાણમાં મિડિયાએ નોંધ ન લીધી તે એ છે કે હિન્દ મહાસાગરમાં ભારતને જણાવ્યા વગર અમેરિકી નૌ સેના એપ્રિલના પહેલા સપ્તાહમાં ઘૂસી આવી હતી. જોકે અમેરિકાનો દાવો છે કે તેણે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જ લક્ષદ્વીપ દ્વીપસમૂહની પશ્ચિમે લગભગ ૧૩૦ સમુદ્રી માઇલ દૂર નૌપરિવહન અધિકાર અને સ્વતંત્રતા અભિયાન શરૂ કર્યું હતું. આ બતાવે છે કે ડાબેરી-મધ્ય વિચારસરણીવાળા ડેમોક્રેટ પક્ષનું શાસન આવ્યું એટલે તે ભારતની સળી કરતા જ રહેવાના. એમાંય જ્યારે ચૂંટણીમાં ભારતે (નરેન્દ્ર મોદીએ) ડૉનાલ્ડ ટ્રમ્પને સાંકેતિક રીતે પણ પ્રગટ રીતે ટેકો આપ્યો હોય ત્યારે તો ખાસ.

અને એટલે જ, ભારતને રસી બનાવવા કાચી સામગ્રી અમેરિકાથી આયાત કરવાની હતી તે અમેરિકાએ અટકાવી દીધી હોઈ શકે. હનુમાન જેવા સંકટમોચક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકાના તેમના સમકક્ષ જેક સુલિવાન સાથે વાત કરી અને તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ જૉ બાઇડન સાથે વાત કરી. તે પછી ત્રણ દિવસે બાઇડને મોઢું ખોલ્યું. ટ્વીટ કરી કહ્યું કે સંકટના સમયમાં ભારત અમેરિકાની પડખે ઊભું હતું. હવે અમેરિકા ભારતની પડખે ઊભું રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતે ગયા વર્ષે કોરોનાના પ્રતિકાર માટે હાઇડ્રૉક્સી ક્લૉરો ક્વિનાઇનની નિકાસ અમેરિકા સહિતના દેશોમાં કરી મદદ કરી હતી. કેટલાક વિરોધીઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી અજાણ એવી ટીપ્પણી કરતા હોય છે કે ભારતે ખૈરાત કરી પણ એ કરવી પડે. પડોશી હોય કે સગા-વ્હાલા તેમની સાથે એકપક્ષી સંબંધ જેમ ન રાખી શકાય તેમ દેશ તરીકે પણ તમારે લેતી-દેતીનો વ્યવહાર રાખવો પડે. ખાસ કરીને પડોશમાં. એટલે જ પડોશી દેશોમાં રસીની મદદની ભલે ટીકા થાય પણ ચીન જે રીતે ભારતના પડોશીઓને પોતાના તાબામાં લેવા મથામણ કરે છે તે જોતાં ભારતે વેક્સિન ડિપ્લૉમસી કરવી અનિવાર્ય હતી. અને ગત મહિને જ્યારે ભારતની સ્થિતિ કફોડી થઈ ગઈ (જેનાં અનેક કારણો છે) ભૂતાન-બાંગ્લાદેશ જેવા દેશો સહાય આપે કે તેનો પ્રસ્તાવ કરે તેનાથી કંઈ ભારત ભીખારી નથી થઈ જતો. ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના મોદી સરકારના પ્રયાસ ચાલુ જ છે જેમાં નવીનતમ નિર્ણય બેટરી સ્ટૉરેજનું ઉત્પાદન ભારતમાં કરવાનો નિર્ણય છે. આવા જેટલા જેટલા નિર્ણય થશે તેનાથી જે-જે વિદેશી ઉદ્યોગને ફટકો પડશે તે આ દેશમાં મોદી સરકારને ઉથલાવવા પ્રયાસો વેગવાન બનાવશે. અરાજકતા ફેલાવશે. તે પણ ધ્યાન રાખવું જોઈએ.

આ જ રીતે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વાત કરીને સ્પુતનિક રસી મોકલવા મનાવી લીધા. ભારતમાં જ તેનું ઉત્પાદન શરૂ થશે.

દરમિયાનમાં, ભારત-પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યુ છે? કહેવાય છે કે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે. જે કંઈ હોય તે પરંતુ હમણાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ એક એવું નિવેદન આપી દીધું જેના કારણે એવી ગંધ આવે કે ભારત-પાકિસ્તાન વચ્ચે કદાચ આવનારા સમયમાં કાશ્મીર મુદ્દો ભૂતકાળ બની જશે. કુરેશીએ કહ્યું કે ૩૭૦ કલમ રાખવી કે દૂર કરવી એ ભારતનો આંતરિક મામલો છે. જોકે તેમણે આ પાણી કેટલું ઊંડું છે તે માપવા કાંકરીચાળો કર્યો હોય તેમ બની શકે. તેમના આમ કહેવાથી બંને દેશમાં શું પ્રત્યાઘાત આવે છે તે જોવાની ચેષ્ટા હોય. તેમના આમ કહેવાથી સ્વાભાવિક જ પાકિસ્તાનમાં વિપક્ષો ઉકળી ઊઠ્યા. એટલે ઈમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપવો પડ્યો. આમેય ત્યાં હવે કટ્ટર મુસ્લિમો જોરમાં છે. ફ્રાન્સે મોહમ્મદ પયંગબરના કાર્ટૂન મુદ્દે ફ્રાન્સના કટ્ટર મુસ્લિમો સામે નમતું નથી જોખ્યું તેનું તેમને પેટમાં દુઃખે છે. આથી પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ તહેરીક-એ-લબાયક જેવા કટ્ટરવાદી પક્ષે સર્જી દીધી. એટલે હવે ઈમરાન ખાને મુસ્લિમ દેશોને અપીલ કરી કે યુરોપીય દેશો જો ઈશનિંદા વિરોધી કાયદો ન બનાવે તો તેમના માલસામાનનો બહિષ્કાર કરવો જોઈએ.

પરંતુ ભારતમાં આંતરિક રીતે પણ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. વિચાર કરો, ગત વર્ષે ફેબ્રુઆરીમાં ડૉનાલ્ડ ટ્રમ્પ આવવાના હતા તેના બરાબર પહેલાં ડિસેમ્બરમાં સોનિયા ગાંધીના ઉશ્કેરવાથી (જાહેર ભાષણ છે, પડદા પાછળનો ખેલ નથી) શાહીનબાગ ધરણા શરૂ થયા અને પછી તો ભારતના ઈશાન ભાગને પશ્ચિમ બંગાળના સિલિગુડીથી અલગ થવાની શરજીલ ઈમામ જેવાની યોજના પણ બહાર આવી. (હવે સમજાય છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી કોરોના છતાં કેમ મહત્ત્વની હતી? અને કોરોના છતાં અમેરિકા કે જ્યાં સૌથી વધુ જાનહાનિ-કેસો થયા છે છતાં ત્યાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, શ્રીલંકામાં સંસદીય ચૂંટણી યોજાઈ હતી, લંડનમાં સ્થિતિ હળવી થતાં મેયરની ચૂંટણી યોજાઈ છે એટલે ભારતમાં સત્તાભૂખના કારણે ચૂંટણી કોરોના છતાં યોજાઈ તેમ કહેવું એ મોદીનું નહીં, લોકશાહીનું અપમાન છે.) ટ્રમ્પ દિલ્લીમાં હતા ત્યારે જ હિન્દુ વિરોધી હિંસા થઈ. તેમાં આમ આદમી પાર્ટીના નગર સેવક તાહિર હુસૈનની સંડોવણી બહાર આવી, તો તેના અમાનતુલ્લાહ ખાને ઉશ્કેરણીજનક ભાષણ આપેલું.

કોરોના પછી પોલીસે બળજબરીથી શાહીનબાગ ધરણા સમાપ્ત કરાવ્યા પછી ખેડૂતોના આંદોલનના નામે દિલ્લી જેવી ભારતની રાજધાનીને બાનમાં લેવાનો પ્રયાસ થયો. ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસા થઈ. આમાં અર્બન નક્સલીઓ અને ખાલિસ્તાન સમર્થકો ભળી ગયા. વિદેશમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો. કહેવાતી પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગે તો ટૂલકિટ (ઇન્ટરનેટ પર ટૂલ કિટ એટલે કેવાં અને ક્યારે ટ્વીટ કરી તેનો ટ્રેન્ડ બનાવવાનો છે તે- તેનાથી મિડિયા નોંધ લેતું હોય છે) જાહેર કરી. પૉર્ન સ્ટાર મિંયા ખલીફા અને પૉપ સ્ટાર રિહાના પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા. આની પાછળ ખાલિસ્તાનને સમર્થન આપતી પીઆર પેઢી પૉએટિક જસ્ટિસ ફાઉન્ડેશન બહાર આવી. રિહાનાને ૨૫ લાખ ડૉલર (અંદાજે ૧૮ કરોડ રૂપિયા) ચૂકવાયા હોવાના અહેવાલો પણ આવ્યા. સમજાય છે, ભારતને અસ્થિર કરવાનાં દેશ-વિદેશનાં ષડયંત્રો? આ ખેડૂત આંદોલનના રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરોધી રેલી કરી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલા પણ ન તો તેની તસવીર છપાઈ, ન તો તેનાથી કોરોના ફેલાશે તેવું કહેવાયું. કોરોના તો માત્ર વડા પ્રધાન મોદીની રેલીથી જ ફેલાય ને.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી બોમ્બમારા સહિત અભૂતપૂર્વ હિંસા થઈ. એટલે સુધી કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળોને ઘેરી લેવા ઉશ્કેરણી કરી. તેના એક નેતા શૈખ આલમે તો ત્યાં સુધી કહ્યું કે જો ૩૦ ટકા મુસ્લિમો એક થઈ જાય તો વર્તમાન ભારતમાંથી ચાર પાકિસ્તાન બની શકે! આને દેશદ્રોહી જો કહીએ તો લિબરલ ગેંગ તરત જ બચાવમાં ઉતરી પડશે કે ભાજપ વિરોધીઓને દેશદ્રોહીનું બિરુદ આપે છે. અને ચૂંટણી જીતી ગયા તો પણ મમતાએ શપથ ન લીધા ત્યાં સુધી ન માત્ર ભાજપ, પણ ડાબેરી અને કૉંગ્રેસી કાર્યકર્તાઓ સામે તૃણમૂલના ગુંડાઓએ ભયંકર હિંસા અને બળાત્કારનો નગ્ન નાચ કર્યો જેને લિબરલ મિડિયા ક્ષુલ્લક સમાચાર હોય તેમ અવગણતું રહ્યું. કેટલાકે તો તૃણમૂલના કાર્યકરોની ઉજવણીના ફોટા નીચે કોરોના ફેલાશે તેવી કોઈ ફોટોલાઇન લખવાના બદલે જાણે મહાન કામ કરતા હોય તે રીતે લખ્યું. વિચારો કે જો તૃણમૂલ હારી હોત તો કેવી હિંસા થાત અને આખા દેશને વિપક્ષો કેવી રીતે માથા પર લેત? વળી આ હિંસાથી મોદીના ચુસ્ત સમર્થકો ભડક્યા તે અલગ કારણકે તેમને દુઃખ એ છે કે કાર્યકર્તાઓનાં હિંસામાં મૃત્યુ છતાં મોદી રાષ્ટ્રપતિશાસન કેમ નથી લગાવતા? રાષ્ટ્રપતિ શાસન લગાવે તો પણ ન્યાયતંત્રથી માંડીને વિપક્ષો બધા જ સક્રિય થઈ જાય તે તેમને સમજાતું નથી.

અને કોરોનાના નામે તો કેજરીવાલ-ઉદ્ધવ ઠાકરે-અશોક ગેહલોત-અમરિન્દરસિંહે જે અંધાધૂંધી ફેલાવી તેન વાત થાય તેમ નથી. થોડા દિવસ પહેલાં લૉકડાઉનની જરૂર નથી તેવા ફાંકા મારતા કેજરીવાલ થોડા દિવસ પછી લૉકડાઉન કરે, તે જ રીતે બીજાં રાજ્યોમાં અછત હશે, અમારી પાસે પૂરતો ઑક્સિજન છે તેવા બણગા ફૂંકતા કેજરીવાલ કેન્દ્ર પાસે ઑક્સિજન માગે, અને આના કારણે દિલ્લીનું ઉચ્ચ ન્યાયાલય કેન્દ્રને આંધળા કહે. મહારાષ્ટ્રમાં ચૂંટણી કે ક્રિકેટ મેચ નહોતી અને લૉકડાઉનના કારણે શરૂઆતમાં કેસ ઘટ્યા તો તરત સુપ્રીમથી માંડીને મિડિયા સુધી બધા મુંબઈ મૉડલના વખાણ કરવા લાગ્યા, પરંતુ ૧૧ મેએ લૉકડાઉન હોવા છતાં મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૪૦ હજાર કેસો આવ્યા અને ૭૯૩ મૃત્યુ નોંધાયાં.

દિલ્લીમાં પણ લૉકડાઉન છતાં ૧૨ મેએ નવા ૧૩,૨૮૭ કેસ બહાર આવ્યા અને ૩૦૦ મૃત્યુ થયાં. જેના વખાણ કરતાં લિબરલ મિડિયા થાકતું નથી તે ખોબા જેવડા કેરળમાં પણ પાંચ મેએ ૪૧,૯૫૩ જેટલા કેસ બહાર આવ્યા અને એટલે જ આઠ મેથી ૧૬ મે સુધી લૉકડાઉન જાહેર કરવું પડ્યું! તોય વામપંથીઓ કા કેરલ મહાન! (ગુજરાતમાં તો લૉકડાઉન નથી છતાં કેસો ઘટવા લાગ્યા છે, તોય ગુજરાત અને ગુજરાતીઓ ભોટ. કવિતાઓ લખાય!)

આ બધામાં રેમડેસિવિર-ઑક્સિજનના કાળા બજાર-સંગ્રહખોરીમાં આપના, કૉંગ્રેસના લોકોની સંડોવણી બહાર આવે. તે સિવાય સામાન્ય જનતાના લોકો પણ નાળિયેરથી લઈને કપૂર, મોસંબી, લીંબુ વગેરેના ભાવ વધારી દે, હૉસ્પિટલો ચાર્જ વધારી દે, વીમા કંપનીઓ વીમો ન ક્લિયર કરે, એમ્બ્યુલન્સવાળા નજીકના અંતર માટે પણ રૂ. ૨૫,૦૦૦થી લઈને એક લાખ સુધીનો ભાવ લે. રસીના અભાવે રસી નહીં અપાય તે સહિતના ખોટા સમાચારો પ્રતિષ્ઠિત ગણાતા મિડિયા ફેલાવે. નેગેટિવિટી તો પ્રચંડ રીતે ફેલાવે. સ્મશાનના એક-એક ફોટા પચ્ચીસ-પચ્ચીસ હજારમાં વેચાય! (માત્ર સ્મશાનના જ, કબ્રસ્તાનના તો પાડવા પણ ન જાય. હિન્દુ ધાર્મિક મેળાવડા-કુંભ કે સાણંદની ઘટના જોરશોરથી બતાવાય પણ રમઝાન કે બદાયૂંમાં કાજીના જનાજામાં ઉમટતી ભીડના સમાચાર બ્લેક આઉટ કરી દેવાય.) આ બધું ભારતીયો માટે નીચા જોણું છે. ભારતના રાજકારણીઓ માટે પણ ખરું, જેઓ આ અનેક બાજુઓથી-દેશની બહાર અને અંદરથી આવેલા સંકટોના સમયે પણ રાજનીતિ કરી રહ્યા છે. અલબત્ત, ડૉક્ટર, નર્સથી લઈને પોલીસ અને અંબાણી, અદાણી, ટાટા, જિંદાલ જેવા ઉદ્યોગપતિઓ, અક્ષયકુમાર, અજય દેવગન, સોનુ સૂદ જેવા કલાકારો અને આરએસએસ, સેવા ભારતી, વિહિપ, સદવિચાર પરિવાર, સ્વામિનારાયણ મંદિરો, વગેરે સહિત વ્યક્તિગત રીતે મદદ કરનારા કે નારાયણ દાભડકર જેવા સંઘ સ્વયંસેવક જેમણે પોતાની ખરાબ સ્થિતિ છતાં પોતે વૃદ્ધ હોઈ અને જિંદગી જીવી લીધી હોઈ યુવાન માટે પોતાનો હૉસ્પિટલ પ્રવેશ જતો કર્યો અને ત્રણ દિવસમાં મૃત્યુ પામ્યા, તેવા અનેક લોકોએ માનવતાની જ્યોત પ્રગટાવેલી રાખી છે.

વિચારવાનું દરેકે છે કે આપણે આ અનેક સંકટોની ઘડીમાં માનવતાની કઈ તરફ છીએ? દાનવ પક્ષે કે માનવ પક્ષે?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment