Home » એ દંભ નથી, ભારતીયો દંભી નથી

એ દંભ નથી, ભારતીયો દંભી નથી

by Jaywant Pandya

ઘણા બુદ્ધુજીવીઓ, મનોરંજન જગતના લોકો પોતાના અપલખણોને જસ્ટિફાય કરવા વાતેવાતે બોલતા અને લખતા હોય છે કે ભારતીયો દંભી છે. ભારતીયો સેક્સના નામથી સૂગ ધરાવે છે પણ ધડાધડ બાળકો પેદા કરે છે. ભારતીયોની આંખમાં સાપોલિયા હોય છે. હવસ હોય છે. ના, આ વાત ખોટી છે. અપવાદને નિયમ ન બનાવી શકાય.

દંભ અને પારદર્શિતા બંને ક્યાં વ્યવહારુ હોય અને ક્યાં નહીં તે ધ્યાન રાખવું પડે. વહીવટમાં પારદર્શિતા હોય તે સારી વાત છે. પણ રાજકારણ હોય કે ખેલ, અભિનય હોય કે સામાન્ય માનવીનું જીવન, આદર્શની વાતો જરૂરી છે કારણકે તે આપણને આદર્શ સાથે બાંધી રાખે છે.  બધા સાધુ નથી હોતા. એટલે વિચલન અને સ્ખલન તો રહેવાનું પણ તેનો અર્થ એ નથી કે તેને ગર્વ સાથે કહેતા ફરીએ.

રાજકારણમાં બધા જ જાણે છે કે સ્વતંત્રતા પછીની દરેક ચૂંટણીમાં ધાંધલધમાલ થઈ છે. મતપેટીઓ કબજે કરાઈ છે. મતપત્રકો પર થપ્પા લાગ્યા છે. તમે જાવ તે પહેલાં તમારા નામનો સિક્કો વાગી ચૂક્યો હોય. આથી ઘણા મતદારોએ પછી કાયમ માટે મત આપવાનું જ બંધ કરી દીધું હતું. અત્યારે ઇવીએમ છે તો પણ દરેક પક્ષ નાની મોટી ધાંધલી કરે જ છે. વહીવટમાં પણ વહાલા-દવલા થાય જ છે. અને જો રાજકારણીઓ-સત્તાધીશો આ જાહેરમાં કહેવા લાગે તો? રાજકારણની લક્ષ્મણ રેખા પોતે ભલે ઓળંગે પણ દરેક રાજકીય પક્ષ સામે વાળાને લક્ષ્મણ રેખા સાથે બાંધવા મથે છે.

આવું જ ખેલ ક્ષેત્રમાં પણ છે. સારું રમતો અને જીતાડતો ખેલાડી દંભ છોડી એમ કહેવા લાગે કે બાપુ, આપણા કારણે જ ભારત જીતે છે તો? તેના મનમાં આમ ચાલતું હોય તો પણ તે તેમ ન કહી શકે.

રૂપ-સૌંદર્ય બાબતે પણ આવું જ હશે. ઘણા મનમાં પરણતા ને મનમાં જ વિધૂર/વિધવા થતા હશે. પણ દરેકને કહેવા જઈ શકે? બાળકો પેદા કરવાનું વિજ્ઞાન જાણતા હોય (વાય ક્રૉમોઝોમના આકારના લીધે પુરુષ વાયડો છે તેવી ઉપજાવી કાઢેલી વાત ન કહેતા હોય) તે જાણે છે કે વર્ષમાં એક વાર સમાગમ કરવાથી પણ બાળક થઈ શકે અને વર્ષમાં ૩૬૫ દિવસ સમાગમ કરો તો પણ બાળક ન થાય તેવું ગર્ભનિરોધક સાધનના સમયમાં થઈ શકે છે. આથી વસતિ વિસ્ફોટ હોય એટલે ભારતીયો કામી છે અને દંભી છે તેવું સર્ટિફિકેટ ફાડવું રહેવા દેવું જોઈએ. સેક્સ સંબંધોમાં ઉન્મુક્તતા અને સ્વચ્છંદતા પશ્ચિમના મુક્ત દેશોમાં વધુ છે તો પણ ત્યાં બળાત્કારો-જાતીય સતામણીઓ કેમ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે?

વ્યક્તિ થોડી સમજણી થાય એટલે શૌચ-મૂત્રત્યાગ-સ્નાન વગેરે ક્રિયાઓ જાહેરમાં ન કરે. સમાગમ પણ ન કરે. તાજેતરમાં જર્મનીમાં જ સૂર્યસ્નાન વખતે ટૉપલેસ થયેલી મહિલા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરેલી. એટલે પશ્ચિમના દેશોમાંય ઉન્મુક્તતાનાં અમુક બંધનો છે જ. ત્યાં ફેમિનિઝમ અને ઉન્મુક્તતા કેમ આવી તેના વિશે મેં અલગ લેખ લખેલો છે. પરંતુ પશ્ચિમી દેશોનો આધાર લઈને ભારતને કુખ્યાત કરવાનો પ્રયાસ જ મોટો દંભ છે, મોટી અપ્રમાણિકતા છે, મોટી અપારદર્શિતા છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment