Home » ભારતના જમણેરીઓએ અમેરિકા અને ચીનના જમણેરીઓમાંથી ધડો લેવા જેવો છે

ભારતના જમણેરીઓએ અમેરિકા અને ચીનના જમણેરીઓમાંથી ધડો લેવા જેવો છે

by Jaywant Pandya

સબ હેડિંગ: એવું કેમ બને છે કે સળી કરનારા ડાબેરી હોય છે પરંતુ જમણેરી પીડક ગણાઈ જાય છે? એવું કેમ બને છે કે ડાબેરીઓ હંમેશાં કંઈક નવું કરે છે? તેઓ કેમ સર્જનાત્મક હોય છે? જમણેરી કેમ હંમેશાં પ્રતિક્રિયાવાદી હોય છે? અમેરિકા અને ચીનના જમણેરીઓમાંથી ભારતના જમણેરીઓ શું શીખી શકે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૯/૧/૨૦૨૦)

શું તમને ખબર છે કે જેએનયુમાં વર્તમાન હિંસાનો ભયાવહ ભૂતકાળ પણ છે? જેએનયુમાં ૧૯૮૩માં આ જ ડાબેરી વિચારધારાના લોકોએ ઉપકુલપતિને ઑફિસમાં પૂરી ભયંકર ઉત્પાત મચાવ્યો હતો. તેઓએ પ્રાધ્યાપકોના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં પ્રાધ્યાપકો પણ નિવાસ કરતા હોય તેવી વ્યવસ્થા કરાઈ છે.

આવી સુંદર યુનિવર્સિટી, જ્યાંથી નિર્મલા સીતારમણ સહિત અનેક બુદ્ધિજીવી અને મહાનુભાવો નીકળ્યાં છે, સારા પદ પર છે તેવી દલીલ ડાબેરીઓ અને તેના સમર્થકો કરે છે, તે યુનિવર્સિટીને બદનામ કોણે કરી?

પરંતુ જેએનયુના વિદ્યાર્થીઓ જ જવાબદાર છે તેવું નથી. ત્યાં ઘણા પ્રાધ્યાપકો પણ આવી જ ટુકડે ટુકડે ગેંગની માનસિકતાના છે અને એટલે જ તો વિદ્યાર્થીઓ આવા તૈયાર થતા હોય ને. જેએનયુના એક પ્રાધ્યાપિકા નિવેદિતા મેનને ૨૦૧૬ આસપાસ એવું કહ્યું હતું કે કાશ્મીર ઇન્ડિયન ઑક્યુપાઇડ છે. અર્થાત્ કાશ્મીરને ભારતે પચાવી પાડ્યું છે! (આ નિવેદનની વિરુદ્ધમાં દલીલ આપીને આપણે અહીં વધુ જગ્યા નથી લેવી કારણકે કાશ્મીર પર લેખોમાં આ વાત અગાઉ સ્પષ્ટ થઈ ચૂકી છે કે મહારાજા હરિસિંહે જમ્મુકાશ્મીર અને લદ્દાખ ભારતમાં ભેળવવા તૈયારી બતાવી હતી.)

આઈશી ઘોષ, જેએનયુ છાત્રસંઘની પ્રમુખ, જેની ઈજા સાથેની તસવીરો સાથે ભલભલાનાં હૃદય કાંપી ઊઠ્યાં કે આવો હુમલો કરાય? ટીવી ડિબેટ કરતા એન્કરો પણ માનતા હતા કે અભાવિપના છાત્રો તો ગુંડા છે. એક અખબારે પણ અભાવિપને હિંસક ચીતરી દીધી, ગુજરાતમાં એનએસયુ સાથે થયેલા સંઘર્ષ માટે. પ્રશ્ન એ થાય કે આવી તટસ્થતા કેમ? અથવા તો આવો પૂર્વગ્રહ કેમ? શું હિંસક અને ટુકડે ટુકડે ગેંગ, ભારત વિરોધી સૂત્રોચ્ચાર, ફ્રી કાશ્મીરનાં પૉસ્ટરો, ભારત-ઑસ્ટ્રેલિયાની મેચમાં પણ સફેદ ટી-શર્ટ પહેરીને ત્યાં પ્રદર્શન કરી વિદેશીઓ સમક્ષ ભારતની આબરૂના કાંકરા કરવા પ્રયાસ કરવો, બેંગ્લુરુમાં એક ચર્ચની દીવાલ પર ‘ફ્રી કાશ્મીર’નું લખાણ મળી આવવું, આ બધાં તાણાવાણાં આવા તટસ્થ લોકોને નહીં સમજાતા હોય?

જ્યારે ભારત વિરોધ થતો હોય- ચાહે તે ત્રાસવાદીઓ દ્વારા હોય કે અલગતાવાદીઓ દ્વારા અને સામે કોઈ પણ નાનામોટા રાષ્ટ્રપ્રેમી હોય તો પક્ષ કોનો લેવાનો હોય? શું આ તટસ્થ લોકોએ ૧૯૮૩માં જ્યારે ડાબેરી વિદ્યાર્થીઓએ મચાવેલા ઉત્પાત વખતે ઈન્દિરા ગાંધીની સરકારના હેઠળમાં આવતી દિલ્લી પોલીસે ૩૦૦ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી ત્યારે આ ડાબેરી વિદ્યાર્થીઓનો પક્ષ લીધો હોત?

પરંતુ સીએએ હોય કે જેએનયુ, રામમંદિર હોય કે કલમ ૩૭૦, એવું કેમ બને છે કે જમણેરીઓ પોતાનો વિચાર લોકો સુધી પહોંચાડી શકતા નથી? એક સમયે રામમંદિર માટે સાથે હોય તે જ વખત જતાં વિરોધીની પંગતમાં કેમ આવી જાય છે? જમણેરીઓ હંમેશાં પ્રતિક્રિયાવાદી જ કેમ હોય છે?

ડાબેરીઓ-સેક્યુલરો-લિબરલો કેમ વધુ ક્રિએટિવ હોય છે? તેઓ વિરોધની અવનવી રીત કેમ શોધી નાખે છે? તેનો જવાબ આપતી વખતે જમણેરીઓ કેમ તેમની પ્રતિકૃતિ જેવા બની જાય છે? જેએનયુની અફઝલ ગુરુની ફાંસીના કાર્યક્રમમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારની ઘટના પહેલી વાર બહાર આવી ત્યારથી એવું બનતું આવ્યું છે કે આ લોકો સળી કરીને બેસી જાય છે અને તેની નોંધ ડાબેરી-સેક્યુલર-લિબરલોના વર્ચસ્વવાળા મોટા ભાગના મિડિયામાં નેગેટિવ રીતે લેવાતી નથી, પરંતુ તેના જવાબમાં જમણેરીઓ ગુસ્સામાં એલફેલ બોલી બેસે છે, પાકિસ્તાન ચાલ્યા જવાનું કહે છે (પણ મોકલી શકવાની ત્રેવડ નથી તેય હકીકત છે- એવું હોત તો ભારતના ભાગલા જ ન થયા હોત, કાશ્મીરમાંથી હિન્દુઓનું પલાયન જ ન થયું હોત અને પલાયન થયા પછી તેના ગાંધી ચીંધ્યા માર્ગે પડઘા દેશભરમાં ન પડ્યા હોય તેવું ન બને.) તેનાથી આ મિડિયા પછી તેમને નેગેટિવ રીતે ચીતરી દે છે. સરવાળે વાડા પર બેસેલો વ્યક્તિ આ પણ ખરાબ અને પેલો પણ ખરાબની માનસિકતામાં આવી જાય છે.

ડાબેરી પ્રકારની માનસિકતાવાળી વ્યક્તિ ટીવી ડિબેટ હોય કે ઇન્ટરવ્યૂ- એટલું ચીપીચીપીને એકદમ શાંત અવાજે હસતાં હસતાં પણ વિરોધી પ્રશ્નોનો જવાબ આપશે. તેમના પર ટીવી પત્રકાર આક્ષેપોનો મારો કરશે તો પણ તે પોતાને પીડિત (વિક્ટિમ) બનાવીને રજૂ કરશે. (અરવિંદ કેજરીવાલ યાદ છે? કન્હૈયાકુમારના પણ ઇન્ટરવ્યૂ કે ટીવી ડિબેટ જોઈ લેવી.) વળી, ડાબેરી-સેક્યુલર-લિબરલનું હૉમવર્ક પણ સારું હોય છે. જ્યારે જમણેરીઓમાં સુધાંશુ ત્રિવેદી જેવા બહુ ઓછા અભ્યાસુ છે. સંબિત પાત્રા પહેલાં હતાં પરંતુ મોદી સરકારની પહેલી મુદ્દ્તમાં જ તેમને સત્તાની હવા લાગી ગઈ હતી. તેમનો કન્હૈયાકુમાર જેવા છોકરડા સામેની ડિબેટ કેટલી બોદી હતી!

ડાબેરી હંમેશાં કંઈક નવું કરવા વિચારતા રહે છે. તેમનો ઝુકાવ કલા-સંસ્કૃતિ પ્રત્યે રહે છે. અથવા તો તેનું ઉલટું એમ પણ કહી શકાય કે એન્ટોનીયો ગ્રામસ્કી અને જ્યોર્જી લુકાસે કલ્ચરલ ટેરરિઝમની થિયરી શોધી કાઢી પછી લિબરલ આર્ટ્સ, કલ્ચરલ સ્ટડી, ડ્રામા, એક્ટિંગ વગેરે કળાઓમાં ડાબેરી પ્રાધ્યાપકો જ વધુ હોય છે. તેથી તેમાંથી નીકળતા વિદ્યાર્થીઓ પણ તેવા જ હોય.

આની સામે યુનિવર્સિટીમાં જમણેરી વિચારધારાના પ્રાધ્યાપકો નથી હોતા તેવું નથી. પરંતુ તેઓ ભીરુ પ્રકારના હોય છે. વિચારધારા પોતાના પૂરતી મર્યાદિત રાખે છે. જો કોઈ ખાસ જમણેરી વ્યક્તિ આગળ તે ખુલે ત્યારે જ સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે લે, આ પ્રાધ્યાપક પણ જમણેરી જ છે. પરંતુ તે ક્યારેય વિદ્યાર્થીઓમાં પોતાની વિચારધારા રોપવાનો પ્રયાસ નહીં કરે (જે એક સદ્ગુણ પણ છે અને અત્યારે જે રીતે ડાબેરી વિદ્યાર્થીઓ વધુ બહાર નીકળી રહ્યા છે તે જોતાં અવગુણ પણ લાગે).

એટલે કંઈક નવું કરવા હંમેશાં વિચારતા હોવાથી ડાબેરીઓ પ્રમાણમાં વધુ ક્રિએટિવ – સર્જનાત્મક હોય છે. તેમનો એજન્ડા તેમની કળાકૃતિઓમાં ઝળકતો જ રહે છે. જાવેદ અખ્તરનો અંજના ઓમ કશ્યપ દ્વારા ‘સાહિત્યક એજન્ડા’ કાર્યક્રમ જોઈ લો. તેમાં જેને મોદીભક્ત પત્રકાર લેખવામાં આવે છે તે અંજનાએ માત્ર મોદી સરકાર, કટોકટી, બોલવાની સ્વતંત્રતા આ બધા આસપાસ જ પ્રશ્નો પૂછ્યા જેમાં ક્યાંય સાહિત્ય ઝળક્યું જ નહીં. જાવેદ અખ્તરે તેના પર મોદી સરકાર તરફ ઝુકાવ હોવાનો આક્ષેપ કર્યો તેનો પણ હસતાહસતાં જવાબ ટાળી દીધો. (આ સ્મૃતિના આધારે લખ્યું છે તેથી તેમાં વત્તાઓછા વાત હોઈ શકે પરંતુ અંજનાનું વલણ આવું જ હતું. તે પોતાને તટસ્થ દેખાડવા પ્રયાસ કરતી હતી.) ટૂંકમાં, દરેક વાતને રાજકારણના રંગથી રંગી નાખવાની. પરંતુ જો જમણેરી આવું કરે તો તેના પર આક્ષેપ કરવાનો.

ડાબેરી ક્રિએટિવ અને કંઈક નવું કરી શકે છે તેનું એક કારણ એ પણ છે કે તેઓ હંમેશાં પરંપરાથી વિરુદ્ધ કંઈક કરવામાં માને છે. વળી, તમે ડાબેરી ઇકો સિસ્ટમમાં તો જ ચાલી શકો જો તમે પોતાને બળવાખોર દેખાડી શકો. પછી ભલે તમે સોનિયા ગાંધીની પરોક્ષ સરકાર વખતે એનએસીમાં હો કે પછી બીજી કોઈ રીતે સરકારી લાભ મેળવતા હો. આની સામે જમણેરી પરંપરા પર ચાલનારા હોય છે. તેઓ નવું વિચારી શકતા નથી. તેઓ માને છે કે આપણો સુવર્ણ ઇતિહાસ આપણે યાદ રાખવો જોઈએ. આથી તેને સતત વાગોળતા રહે છે (જે સારું છે) પણ તેના લીધે તેઓ આ સુવર્ણ ઇતિહાસને ફરી કેવી રીતે લાવી શકાય, પોતાના વર્તુળની બહાર કેવી રીતે તેને પહોંચાડી શકાય તેવા પ્રયાસો નવીન રીતે કરી શકતા નથી.

ઉલટાનું, અગાઉ કહ્યું તેમ, ડાબેરી-સેક્યુલર-લિબરલોનો વિરોધ કરતાં કરતાં જમણેરીઓ કેટલીક બાબતમાં તેમની પ્રતિકૃતિ જ બની ગયા છે. દા.ત. જેએનયુમાં કાશ્મીરના અલગતાવાદીઓ પાસેથી ઉધાર લેવાયેલું ‘હમેં ચાહિએ આઝાદી…’ સૂત્ર ડાબેરીઓએ ચલાવ્યું. તેની સામે અભાવિપ કે બીજા કોઈ રાષ્ટ્રવાદી પોતાનું નવું સર્જનાત્મક સૂત્ર આપી શક્યા? જમણેરીઓમાં માત્ર એક નરેન્દ્ર મોદી જ છે જે ડાબેરી-કૉંગ્રેસી શું કરશે અને શું વિચારશે તે વિચારી શકે છે અને તેથી તેઓ દર વખતે નવાં સૂત્રો- નવા કાર્યક્રમો-નવા ફંડા આપતા રહે છે, નવી ટૅક્નૉલૉજી અપનાવતા રહે છે.

હકીકતે ભારતના જમણેરીઓએ અમેરિકા અને ચીનના જમણેરીઓમાંથી શીખવા જેવું છે. અમેરિકામાં ૧૯૫૪માં ડાબેરી વિરુદ્ધ કાયદો બનાવાયો! આ કાયદા દ્વારા અમેરિકાની કમ્યૂનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધ લાદી દેવાયો! તેના જો કોઈ સભ્ય બને તો તે અપરાધી પ્રવૃત્તિ ગણાતી. તેના પર દસ હજાર ડૉલરનો દંડ અથવા તો પાંચ વર્ષની જેલ અથવા તો બંને લાદી શકાતું. નવાઈની વાત એ પણ છે કે અમેરિકાના લિબરલોએ પણ આ કાયદાને સમર્થન આપેલું! દેશની વાત આવે ત્યારે શું લિબરલ, શું કન્ઝર્વેટિવ! પરંતુ શું આ કાયદા વિરુદ્ધ અમેરિકામાં જેએનયુ બ્રાન્ડ દેખાવો થયા? ના. અમેરિકન માર્ક ઝુકરબર્ગ ફેસબુક શોધી શકે છે અને દરેક દેશને બે ભાગમાં વર્ચ્યુઅલી વિભાજીત કરી શકે છે અને મૂંગા મોઢે તમાશો જોઈ શકે છે અને ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે!

ચીનમાં આવું ન થાય તે માટે તે પોતાનું બાયડુ નામનું સર્ચ એન્જિન બનાવી શકે છે. તેને ખબર છે કે ગૂગલ પોતાને પસંદ પડે તેવાં શોધ પરિણામો બતાવે છે. તે પોતાનું વિકિપિડિયા બનાવી શકે છે. પોતાનું સૉશિયલ મિડિયા બનાવી શકે છે. એટલી હદે કે ટિકટૉકથી આજે અમેરિકા ડરે છે! તેના લીધે અમેરિકા તેની સામે સુરક્ષા તપાસ શરૂ કરે છે!

પરંતુ ભારતના ડાબેરી જો પોતાને દેશવિરોધી ગણાવવા ન માગતા હોય અને માત્ર સરકારનાં પગલાંના જ વિરોધી હોય તો શા માટે આવી શોધો નથી કરતા જે બીજા દેશોને પણ પ્રભાવિત કરી જાય? જેનાથી આપણા દેશની સુરક્ષા અખંડિત રહે? અને ભારતના જમણેરી તો પોતાને દેશપ્રેમી ગણાવે જ છે, તો પછી તેઓ કેમ આવી કોઈ શોધો નથી કરતા? એ માની લીધું કે મહાભારત વખતે સંજયદૃષ્ટિના રૂપમાં દૂરદર્શન હતું, રામાયણમાં પુષ્પક હતું, એ પણ માન્યું કે અલાઉદ્દીન ખિલજીએ નાલંદા વિશ્વ વિદ્યાલયને બાળી નાખ્યું તેમાં ઘણાં પુસ્તકો ભસ્મીભૂત થઈ ગયાં, અંગ્રેજો-જર્મનો જેવા અનેક લઈ ગયાં, પરંતુ હવે જે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી છે તેના આધારે કેમ નવીનવી શોધો નથી કરી શકતા?

ફિલ્મ-ટીવી-ક્રિકેટ-ઑલમ્પિક-એથ્લેટિક્સ-સ્વિમિંગ-બૅડમિન્ટન-ટેબલ ટેનિસ વગેરેમાં કેમ અમેરિકા, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા છવાયેલા રહે છે? કેમ ભારતના ઉદ્યોગો બહુરાષ્ટ્રીય કંપની બનીને ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ નથી કરી શકતા? અને સૌથી મોટી વાત એ છે કે આ બધું કરી વખતે પોતાની સંસ્કૃતિ-પોતાની ભાષા યાદ રાખવી અને જ્યાં જઈએ ત્યાં રખાવડાવી બહુ જરૂરી છે. અમેરિકા વર્ષોથી આ કરતું આવ્યું છે અને આજે ચીન પણ આ જ કરી રહ્યું છે. ભારત ક્યારે આવું કરશે?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment