Home » મમતાના રાજમાં વિપક્ષી મુસ્લિમ નેતાઓ પણ સુરક્ષિત નથી!

મમતાના રાજમાં વિપક્ષી મુસ્લિમ નેતાઓ પણ સુરક્ષિત નથી!

by Jaywant Pandya

સબ હેડિંગ: મમતાના રાજમાં ડૉક્ટરો પર મુસ્લિમો હુમલાઓ કરે છે. મુસ્લિમ નેતાના પક્ષના કાર્યકર્તાઓને સાર્વજનિક રીતે ધમકી અપાય છે અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ પર બળાત્કાર-મારપીટ જેવા અપરાધ થઈ રહ્યા છે. અગમ્ય કારણોસર દિલ્લી સ્થિત બંગાળી જજો પણ મમતા વિરુદ્ધના કેસોમાંથી નામ પાછું ખેંચી રહ્યા છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૭/૦૬/૨૦૨૧)

પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે તેની કદાચ ગુજરાતમાં બેઠા કોઈના સુધી ખબર પહોંચતી નથી. સેક્યુલરો મૌન છે. જો આ જ બાબતો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ કે કર્ણાટકમાં થઈ રહી હોત તો સેક્યુલરોએ ગામ ગજવી નાખ્યું હોત.

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાને તો માનો કે રાજકીય પક્ષની લડાઈ સમજી લેવામાં આવે. પરંતુ વાત એના પૂરતી સીમિત નથી. જોકે કેટલાક વિશ્લેષકો એમ કહે છે કે સામે પક્ષે ભાજપ પણ જવાબ આપે છે. પણ એવા દાખલા ક્યાંય જોવા મળતા નથી. માની લઈએ કે ભાજપ પણ જવાબ આપે છે તો તે બચાવ યોગ્ય નથી. એનાથી તૃણમૂલ દ્વારા હિંસાની શરૂઆત થાય છે તે વાત પર પડદો નાખી શકાશે નહીં. આ એ જ વિશ્લેષકો છે જે ગોધરા કાંડને ભૂલીને તે પછીનાં રમખાણોમાં માત્ર મુસ્લિમોનાં જ મૃત્યુ થયાં હોવાનું ગાણું ગાતાં હતાં.

વાત માત્ર રાજકીય હિંસા પૂરતી સીમિત નથી. તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓ દ્વારા ચૂંટણી પછીના નગ્ન નાચમાં મહિલાઓ પણ શિકાર બની છે અને અંગ્રેજી સાપ્તાહિક ‘ઑર્ગેનાઇઝરે’ આવી કેટલીક મહિલાઓની હૃદયદ્રાવક ગાથા આલેખી છે. અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય પંચ સમક્ષ રાજ્યના ઉત્તર પરગણાની એક પિંકી બાજ (૩૪) નામની મહિલાએ બે મેના રોજ જ્યારે મમતા બેનર્જી શપથ લેવાના હતા તે દિવસની ઘટના વર્ણવી છે.

પિંકીએ કહ્યું કે બે મેએ રાત્રે ૭.૩૦ વાગ્યા આસપાસ મુઝફ્ફર બૈદ્ય, મહાબુર બૈદ્ય, અખર ભાગી, અજા મુલ્લાહ, લબાવાલી ગાઝી અને અન્ય સહિત તૃણમૂલના ૫૦ ગુંડા ઘરમાં ઘૂસી આવ્યા. તેઓ તેની (પિંકી) સાથે ગંદી ભાષામાં વાત કરવા લાગ્યા. તેમણે ઘરના લોકોને વાંસની લાકડીઓ, લોઢાના સળિયા, તેમના હાથ જે સાધન હતાં તેના વડે મારવા લાગ્યા. ઘરમાં રહેલી ચીજોની તોડફોડ કરી અને ત્રણ લાખ રૂપિયાની ચીજો લૂટી ગયા. પિંકીને તેમણે કહ્યું કે જેવી રીતે તમારી કાલી માતા નગ્ન છે તેવી રીતે તને પણ નગ્ન કરીશું. તેમણે તેના પર બળાત્કાર કરવાની ધમકી આપી. કાલી માતા અને ભગવાન રામને પણ ગાળો દીધી.

આ પહેલી વાર નહોતું. બે મે પહેલાં ૧૭ એપ્રિલે ચૂંટણી બૂથમાં હાજર પિંકીને તૃણમૂલના ગુંડાઓએ જાતિવાદી ગાળો આપી હતી. સામાન્ય સંજોગોમાં આવી ગાળો આપે એટલે એટ્રૉસિટીની ફરિયાદ થઈ જતી હોય છે, પરંતુ આ કેસમાં કંઈ ન થયું. તૃણમૂલના ગુંડાઓએ તેમનો પક્ષ સત્તામાં આવ્યા પછી તેના પર બળાત્કાર કરવાની અને બંદૂકથી મારી નાખવાની ધમકી આપી.

પિંકી બાજ અને તેનો પુત્ર આવી સતામણીથી ભાગી ગયા. આથી તેના પતિ સાધન બાજે મુઝફ્ફર બૈદ્યની સમક્ષ મામલો પતાવવા કહ્યું તો મુઝફ્ફર બૈદ્યએ નફ્ફટાઈની સીમા વટાવી વાહિયાત માગણી મૂકતા કહ્યું કે તેણે પહેલાં તેની પત્નીને તેની (મુઝફ્ફર) પાસે મોકલવી પડશે. પછી જ તે તેને ગામમાં પરત આવવા દેશે.

પિંકી પર બળાત્કાર થયો કે નહીં તે તેણે ફરિયાદમાં નથી લખાવ્યું, પિંકી ભાજપની કાર્યકર્તા છે પણ તેનાથી ગુનાની ગંભીરતા ઓછી નથી થઈ જતી. ભાજપની અન્ય કાર્યકર્તા અપર્ણા દાસ પર તૃણમૂલના ગુંડાઓ દ્વારા બળાત્કાર પણ થયો અને તેને ઝેર પણ આપવામાં આવ્યું. બે જૂને મુસ્લિમ સમુદાયના કેટલાક ગુંડાઓ તેની પાસે આવ્યા અને તેને ઘર છોડી જતા રહેવા કહ્યું. તે રાત્રે તેના ઘરની પાસે બૉમ્બ ફોડવામાં આવ્યો. બીજા દિવસે બીજો બૉમ્બ તેમણે ફોડ્યો. તે પછીની રાત્રે દસ વાગે તેઓ તેના ઘરમાં ઘૂસી આવ્યા. અપર્ણાએ તેની પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધી. તેમણે તેના પર બળાત્કાર કરવા બહાર કાઢવા માગણી કરી! અપર્ણાએ તેના પગમાં પડી તેને છોડી દેવા આજીજી કરી. છેવટે તેઓ જતા રહ્યા અને જતા-જતાં કહ્યું કે તેઓ બીજા દિવસે પાછા આવશે.

ગભરાઈ ગયેલી અપર્ણાએ પડોશીઓની સાથે વાત કરી તો તેમણે પુત્રવધૂને સુરક્ષિત સ્થળે મોકલી દેવા સલાહ આપી. અપર્ણાએ પુત્રવધૂને એક પડોશીના ઘરે મોકલી દીધી. પાંચ જૂને અપર્ણાના ઘરે ગુંડાઓ આવી દરવાજો ધમધમાવવા લાગ્યા. અપર્ણાને લાગ્યું કે દરવાજો ખોલવો હિતાવહ નથી. એટલે તેણે દરવાજો ન ખોલ્યો. ગુંડાઓએ દરવાજો લાત મારી તોડી નાખ્યો અને ઘરમાં ઘૂસી આવ્યા. જ્યારે તેમને તેની પુત્રવધૂ ન મળી તો નીચ ઉસ્માન નામના ગુંડાએ અપર્ણા પર બળાત્કાર કર્યો. અપર્ણાએ કહ્યું કે તે તેની માતા જેવી છે. પરંતુ ઉસ્માનના મનમાં અલ્લાહ ન વસ્યા. બળાત્કાર પછી તેમને લાગ્યું કે તે ફરિયાદ કરશે. એટલે તેમણે અપર્ણાનું મોઢું બળજબરીથી ખોલાવ્યું અને તેમાં ઝેર રેડી દીધું! અપર્ણા બેભાન થઈ ગઈ. તેને ખબર ન રહી કે તેને કોણે બચાવી. બીરભૂમની ૨૧ વર્ષીય દિયા ગુહા પર તૃણમૂલના નેતા મમુલ શૈખ અને તેની સાથે મુસ્લિમ સમુદાયના તૃણમૂલના ૧૦-૧૨ ગુંડાઓ આવ્યા અને દિયાના પિતાની સામે તેમની દીકરી પર સામૂહિક બળાત્કાર કર્યો. આવા તો અનેક કિસ્સા છે. પરંતુ તેની કોઈ ચર્ચા ક્યાંય નથી. સેક્યુલર મિડિયાએ પણ આંખ આડા કાન કરી લીધા છે.

પેલેસ્ટાઇનના હુમલાના જવાબમાં ઇઝરાયેલ જવાબ આપે તો તેમાં નષ્ટ થયેલા ઘરની પાસે નાની બાળાને રમાડતા યુવાનની તસવીર ઝડપી સહાનુભૂતિ જગાવતા ફૉટોગ્રાફરો કે પછી ગુજરાતનાં રમખાણોમાં આજીજી કરતા મુસ્લિમ યુવાનની તસવીર ઝડપનારા ફૉટોગ્રાફરોએ પ. બંગાળની હિંસા અને બળાત્કારોના પીડિતોની વેદનાને (પીડિતાના ફૉટા દર્શાવી શકાતા નથી પરંતુ આ ફૉટોગ્રાફરો કઈ રીતે વેદના દર્શાવી શકાય તે દર્શાવવામાં કુશળ હોય છે) કુશળતાથી દર્શાવી શક્યા હોત.

પશ્ચિમ બંગાળમાં માત્ર ભાજપના કાર્યકર્તાઓ જ પીડિત છે તેવું નથી. હરીફ પક્ષના મુસ્લિમો પણ સુરક્ષિત નથી. સમાચાર ચેનલ ‘આજ તક’ના ડેપ્યુટી ડિરેક્ટર અનુપમ મિશ્રાએ ૧૫ જૂને એક વિડિયો ટ્વિટર પર મૂક્યો હતો. આ વિડિયો અનુસાર, તૃણમૂલ કૉંગ્રેસના પંચાયત પ્રધાન દક્ષિણ ૨૪ પરગણાના ભંગાર (આ નામ છે)માં અબ્બાસ સિદ્દિકીના નેતૃત્વવાળા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તાઓને ધમકાવે છે કે જો તેઓ તે પક્ષ છોડી તૃણમૂલમાં નહીં આવી જાય તો તેમને કામ પર જવા નહીં દેવામાં આવે. આ ધમકી આપતી વખતે બાજુમાં તૃણમૂલના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરબુલ ઈસ્લામ બેઠા છે. મમતાએ કેવા ગુંડાઓને હવાલે માત્ર રાજ્ય નહીં, તેમનો પક્ષ પણ કરી દીધો છે તેનું ઉદાહરણ આ ઈસ્લામ જેવા નેતાઓ છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઈસ્લામને ટિકિટ નહોતી મળી તો તેમના સમર્થકોએ તૃણમૂલની ઑફિસમાં તોડફોડ કરી તેને સળગાવી દીધી હતી. આ તો ભસ્માસુર જેવું છે. આવા નેતાઓને હિંસા વગેરેની છૂટ આપો તો તે પોતાના પક્ષની સામે પણ કરશે.

પશ્ચિમ બંગાળમાં ગુંડાઓને પૂરતી છૂટ મળી ગઈ છે. ૨૦૧૯માં પણ કોલકાતામાં નીલરતન સિરકાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા મુસ્લિમ દર્દીના સગાઓએ ડૉક્ટર પર હુમલો કર્યો હતો. બે વર્ષ વિતી ગયા પછી પણ તે ઘટનામાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી. ગત નવ જૂને હૂગલી જિલ્લાની પંડુઆ ગ્રામીણ હૉસ્પિટલમાં ૨૮ વર્ષના શૈખ ઇસ્માઇલ નામના દર્દીના મૃત્યુ પછી તેના સગાઓએ ડૉક્ટર પર ક્રૂર હુમલો કર્યો હતો.

પરંતુ બંગાળની કથા માત્ર હિંસા અને બળાત્કાર પૂરતી સીમિત નથી. હિંસાની વાત હવે એટલે સુધી આગળ વધી ચૂકી છે કે હવે તો દિલ્લીમાં બેઠેલા બંગાળી જજો (કદાચ તેમના પરિવારો પશ્ચિમ બંગાળમાં હોવાના કારણે) બંગાળના મમતા બેનર્જીના અત્યાચારી શાસનના વિરુદ્ધના કેસો હાથમાં લેતા ડરવા લાગ્યા છે.

રાજ્યમાં થયેલી ચૂંટણી હિંસાને લગતા એક કેસમાં સર્વોચ્ચનાં મહિલા ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જીએ કેસથી પોતાની જાતને અલગ કરી લીધાં (એટલે કે કેસ સાંભળવાની ના પાડી દીધી) અને કહ્યું કે તેને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે. આ જ રીતે લાંચના નારદ સ્ટિંગ ઑપરેશન કેસની સુનાવણીમાંથી સર્વોચ્ચના બંગાળી ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝે પોતાની જાતને અળગી કરી લીધી.

આના પરથી સ્પષ્ટ છે કે આ ન્યાયમૂર્તિઓના પરિવારને કાં તો પશ્ચિમ બંગાળમાં અસુરક્ષાની ધમકી મળી ગઈ હોવી જોઈએ, કાં તો અન્ય કોઈ રીતે ન્યાયમૂર્તિઓ પર દબાણ લાવવામાં આવ્યું હોય. પ્રશ્ન એ છે કે જો ન્યાયમૂર્તિઓના પરિવારની સુરક્ષાનો પ્રશ્ન હોય તો જો ન્યાયમૂર્તિઓના પરિવારો સુરક્ષિત નહીં હોય તો સામાન્ય માનવી કેવી રીતે આ રાજ્યમાં સુરક્ષિત હોઈ શકે? બીજું કે આ ન્યાયમૂર્તિઓ કેસથી પોતાની જાતને અળગી શા માટે કરી રહ્યા છે તેનાં નક્કર કારણો તેમણે આપવાં જોઈએ. કોરોના કાળમાં અને અન્ય કેસોમાં આપણે જોયું કે સરકારો, સરકારી તંત્રની પાસે દરેક વાતનાં કારણ આ ન્યાયમૂર્તિઓ માગતા હોય તો તેમણે પણ કારણ આપવા જોઈએ. અમુક કેસની યાચિકા ઝડપથી સ્વીકારી તેના પર ઝડપથી અવલોકન કે ચુકાદા આપતા આ ન્યાયમૂર્તિઓ પ. બંગાળની ચૂંટણી હિંસાના એક મહિના પછી પણ કેમ તેના કેસમાં ત્વરિતતા દાખવતા નથી? પ. બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી કોરોનાની તીવ્ર લહેર છતાં થઈ તો ચૂંટણી પંચ સામે હત્યાનો કેસ થવો જોઈએ તેવી તીખી ટીપ્પણી કરનાર (તે પણ બંગાળી ન્યાયમૂર્તિ જ હતા- સનીબ બેનર્જી) ન્યાયમૂર્તિઓ ચૂંટણી હિંસામાં કેમ આવી તીખી ટીપ્પણી તો છોડો, સુનાવણી કરતા ખચકાય છે? બીજો પ્રશ્ન એ થાય છે કે દીપક મિશ્ર મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને તે પછી રંજન ગોગોઈ હતા ત્યારે સેક્યુલરોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મહત્ત્વના કેસો તેમની પાસે જ કેમ જાય છે? તો પ્રશ્ન એ પણ થવો જોઈએ કે બંગાળના કેસો બંગાળી ન્યાયમૂર્તિઓ પાસે જ કેમ જાય છે? અહીં પ્રદેશવાદ ઉઠાવવાનો પ્રશ્ન નથી પરંતુ રામમંદિર કે લઘુમતીને લગતા કેસમાં લઘુમતી જજ રાખવામાં આવે છે કે સબરીમાલા જેવા કેસમાં મહિલા જજ પણ હોય તે ધ્યાન રખાય છે તેમ બંગાળને લગતા કેસો હવે તો કમ સે કમ સર્વોચ્ચમાં સેવા આપતા બંગાળી જજો પાસે ન જ જવા જોઈએ કારણકે બની શકે કે તેમના પરિવારોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય. તેઓ પોતાની જાતને ઉક્ત ઉદાહરણોની જેમ કેસથી અલગ કરી નાખે અને કેસની સુનાવણીમાં વધુ એક અવધિ પડે.

પશ્ચિમ બંગાળ જાણે અલગ દેશ હોય તેવું મમતા બેનર્જી સરકારના કારણે લાગે છે કારણકે ત્યાં ન તો કેન્દ્રની યોજનાઓ લાગુ થાય છે, ન તો તે ન્યાયાલયોને ગાંઠે છે. આ વાત વિપક્ષોની સરકારોને પણ લાગુ પડે છે. દા. ત. માર્ચ ૨૦૨૦થી જે બાળકો અનાથ થયાં તેની માહિતી પૂરી પાડવા સર્વોચ્ચ ન્યાયાલયે મે મહિનામાં કહ્યું હતું. પરંતુ પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને દિલ્લીની કેજરીવાલ સરકારે ન્યાયાલયો તો કહ્યાં રાખે તે પ્રકારે નફ્ફટ વલણ અપાવ્યું. આથી સર્વોચ્ચે ગત સાત જૂને આ બંને સરકારોને માહિતી પૂરી ન પાડવા બદલ આકરો ઠપકો આપવો પડ્યો. જોકે આમાં પણ ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ જ હતા તે નોંધ લેવી જોઈએ.

૧૧ જૂને સર્વોચ્ચ ન્યાયાલયે પ. બંગાળને એક દેશ, એક રેશન કાર્ડની યોજના લાગુ કરવા આદેશ આપવો પડે તે પણ કેવું! અને આવું પહેલી વાર નથી થયું કે મમતાએ સરકારી યોજના લાગુ ન કરી હોય. ખેડૂતોને લાભની યોજના હોય કે આયુષમાન યોજના હોય, મમતાએ કેન્દ્રને જશ ન મળે તે માટે આવી યોજનાઓથી રાજ્યના ખેડૂતો, ગરીબો વગેરેને વંચિત રાખ્યા છે.

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, વગેરે વિપક્ષ શાસિત અનેક રાજ્યોએ સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સીબીઆઈએ પ્રવેશ કરવો હોય તો પહેલેથી અનુમતિ લેવી પડે. આ પશ્ચિમ બંગાળમાં શારદા કૌભાંડમાં પોલીસ કમિશનર હતા ત્યારે રાજીવ કુમાર સહકાર નહોતા આપતા, આથી સીબીઆઈના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા ત્યારે પોલીસે કેવો વ્યવહાર કરેલો તે વાચકો જાણે છે. તે વખતે તેમને સીબીઆઈને ન સોંપવા પડે તેથી મમતા રાજીવ કુમાર સાથે ધરણા પર બેસી ગયાં હતાં. તે પછી મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કેન્દ્ર સરકારે દિલ્લી બોલાવી લીધા તો અલપન ત્યાં ઉપસ્થિત જ ન થયા. સ્વાભાવિક છે કે મમતાના પીઠબળે જ આવું ઉદ્દંડ પગલું તેમણે લીધું હોય.

આ બધા વચ્ચે પ્રશ્ન એ થાય છે કે મોદી સરકાર શેની રાહ જોઈ રહી છે? મમતાના રાજમાં પશ્ચિમ બંગાળનું લગભગ ઇસ્લામીકરણ થઈ ચૂક્યું છે. ડૉક્ટરો સુરક્ષિત નથી. મૉડલ સુરક્ષિત નથી. મુસ્લિમ ગુંડાઓને છૂટો દોર છે. વિપક્ષી મુસ્લિમ નેતાઓ પણ સુરક્ષિત નથી. તો પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં શેની રાહ છે? દેશભરમાં મમતા વિરુદ્ધ વાતાવરણ બને તેની? એ તો સેક્યુલર મિડિયા બનવા નહીં દે. અન્ય વિપક્ષો પણ આંખ મિચામણા કરશે, ભલે ને તેમના (કૉંગ્રેસ અને સામ્યવાદીના) કાર્યકર્તા મરે. સામાન્ય રીતે દલિતનું મૃત્યુ થાય તો સેક્યુલર પક્ષના મમતા-કેજરીવાલ-માયાવતી-રાહુલ-પ્રિયંકા-સીતારામ યેચુરી સહિતના નેતાઓ પૉલિટિકલ પિકનિક કરવા પહોંચી જતા હોય છે. હૈદરાબાદના વિદ્યાર્થી રોહિત વેમુલા કે ઉનાની ઘટનામાં આવું થયું હતું, પરંતુ કોઈ હજુ સુધી પશ્ચિમ બંગાળ ગયું નથી. વર્ષ ૨૦૧૩નાં મુઝફફરનગરનાં રમખાણો પછી તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી પણ રમખાણપીડિતોને મળવાં ગયાં હતાં તો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ કેમ હજુ સુધી પશ્ચિમ બંગાળના હિંસાપીડિતો જે તેમના પક્ષના કાર્યકર્તા પણ છે તેમને મળવા નથી ગયા? કાર્યકર્તા થકી પક્ષ ઉજળો છે, વિજયી થાય છે તેમ ગૌરવગાન કરતા આ બંને મહાનુભાવો આવા હિંસક વાતાવરણની વચ્ચે તૃણમૂલના ગુંડાઓ વચ્ચે રહી પક્ષનું કામ કરતા કાર્યકર્તાઓનું મનોબળ નીચું પાડી રહ્યા છે, ભાજપને એક ધડાકે ત્રણમાંથી ૭૭ બેઠકે પહોંચાડનાર જનતાને પણ મમતાના અત્યાચારી શાસનમાંથી છોડાવવાની જવાબદારી પણ મોદી સરકારની જ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment