Home » આઈએમએના વડા: એલોપેથીની આડમાં ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર

આઈએમએના વડા: એલોપેથીની આડમાં ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર

by Jaywant Pandya

ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન: લોપેથીની આડમાં ખ્રિસ્તી પંથ ફેલાવાનો આક્ષેપ તેમના પર થયો છે

સબ હેડિંગ: સ્વામી રામદેવ વિરુદ્ધ વિવાદ ઊભો કરનાર ઇન્ડિયન મેડિકલ એસો.ના વડા ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન જયલાલ ખ્રિસ્તી પંથને દાક્તરીથી ઉપર મૂકે છે. તેઓ સારવાર કરતી વખતે ખ્રિસ્તી બાબતોનો પ્રચાર કરે છે. તેઓ એમ પણ કહે છે કે કોરોનામાં માત્ર ચર્ચોએ જ ગરીબોની સેવા કરી છે!

(સાંપ્રત, સાધના સાપ્તાહિક, ૧૨/૦૬/૨૦૨૧)

સ્વામી રામદેવે કોરોનાની એલોપેથી પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવ્યા. તેમાં તેમણે તેને સ્ટુપિડ સાયન્સ કહી દીધું. આથી તેમના વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પડ્યું. ક્ષમા માગવા પણ કહ્યું અને તેના ઉત્તરાખંડ એકમે માનહાનિની નૉટિસ આપી. બંગાળમાં એફઆઈઆર નોંધાઈ. તો રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે અલવરમાં પતંજલિની ફૅક્ટરી પર દરોડો પાડ્યો. આ બધાનાં તાંતણા મેળવી જુઓ તો કૉંગ્રેસ, એલોપેથીના નામે દર્દીઓને લૂટતા અને એલોપેથીના નામે દર્દીઓને ખ્રિસ્તી બનાવવા પ્રયાસ કરવાનું આખું કુચક્ર દેખાશે જેને આપણે ઇકૉ સિસ્ટમ પણ કહી શકીએ છીએ.

સ્વામી રામદેવ સામે રોષ એટલા માટે છે કારણકે તેઓ ભગવાં કપડાં પહેરે છે, નિઃશુલ્ક યોગ શિબિર કરે છે અને આયુર્વેદનો પ્રચાર કરે છે. આ શિબિરોમાં ભારતીય સંસ્કૃતિ, વેદ-પુરાણ, ગીતા, રાષ્ટ્રભક્તિની વાત પણ કરે છે. આયુર્વેદ ભારતની પ્રાચીન પદ્ધતિ છે જે આપણી દિનચર્યા સાથે વણાયેલી છે. ગળો-ગોખરુ, આમળાં, ભૃગુ, હળદર, તજ, લવિંગ, મરી, જીરું, રાય, તમાલપત્ર, આદુ, સૂંઠ…આ મસાલાથી જ નાની તકલીફોનું શમન થઈ જાય છે. પરંતુ તેના પર પ્રહાર તો જ થાય જો ડૉક્ટરોને ઉશ્કેરી આયુર્વેદ વિરુદ્ધ એલોપેથી એવા બે ભાગલા પાડવામાં આવે. એલોપેથીની પોતાની મહત્તા છે. હૃદય, ફેફસા, કિડની વગેરે મોટા રોગમાં એલોપેથી સિવાય છુટકો જ નથી. પરંતુ કોરોના સંદર્ભે એમ નહીં કહી શકાય કે એલોપેથી એક માત્ર ઈલાજ છે કારણકે તેમાં પણ છાશવારે બદલાવ આવ્યા કર્યા છે. તેનું કારણ એ છે કે તેની કોઈ નિશ્ચિત દવા જ શોધાઈ નથી.

ગયા વર્ષે હાઇડ્રૉક્લૉરોક્વિનની બૂમ હતી જે ભારતે અમેરિકા સહિતના દેશોને પૂરી પાડી હતી. આ વર્ષે અચાનક પ્લાઝમા થેરેપી, રેમડેસિવિર, સ્ટીરૉઇડ અને ટોસિલિઝુમેબની માગ ઊભી થઈ કે કરવામાં આવી. પરંતુ જોવાની વાત એ છે કે આ બધી થોડા જ સમયમાં ઉપયોગી નથી અથવા તેની આડ અસરો ખૂબ જ ગંભીર થાય છે તેમ પણ ‘હૂ’ અને મેડિકલ નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું. આવામાં મેડિકલ ક્ષેત્ર સામે પણ પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. એનો અર્થ એવો નથી થતો કે આખી એલોપેથી પદ્ધતિને જ નકારી દેવી.

પરંતુ આઈએમએ એટલા જોરશોરથી કૂદી પડ્યું કે આયુર્વેદ વિરુદ્ધ એલોપેથીની ચર્ચા થઈ ગઈ. જોકે, એ સારું જ થયું કારણકે આયુર્વેદ વિરુદ્ધ એલોપેથીની તંદુરસ્ત ચર્ચા થઈ. પરંતુ તે સાથે એ પણ સારું થયું કે આઈએમએ અને આઈએમએના વડા ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન જયલાલની સચ્ચાઈ બહાર આવી.

દિલ્લીના એક વકીલ વિષ્ણુ શર્માએ આ જયલાલ સામે એફઆઈઆર કરી છે અને તેમાં આરોપ લગાવ્યો છે કે જયલાલ ખ્રિસ્તી પંથનો પ્રચાર કરે છે અને લોકોનું પંથાંતરણ કરવાના પ્રયાસો કરે છે.

આ વાતનો તાળો જયલાલના પોતાના ઇન્ટરવ્યૂમાંથી મળે છે.

જૉનરૉઝ જયલાલ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે એલોપથી અને ક્રિશ્ચિયાનિટીનું તંદુરસ્ત મિશ્રણ હોવું જોઈએ. ભારતીય ચિકિત્સાઓ તો ઉતરતી કક્ષાની છે. જો જૉનરૉઝના બદલે કોઈ જયેશ અગ્રવાલે આવું નિવેદન આપ્યું હોત કે એલોપેથી અને હિન્દુત્વનું તંદુરસ્ત મિશ્રણ હોવું જોઈએ તો કેટલો ઉહાપોહ મચ્યો હોત અને તે પણ સેક્યુલર હિન્દુઓ તરફથી જ.

પરંતુ જૉનરૉઝ આટલેથી નથી અટકતા. તેઓ તો પોતાના પંથને પોતાની દાક્તરીથી પણ ઉપર મૂકે છે. તેઓ ખ્રિસ્તી બાબતોને ચિકિત્સા સાથે જોડવા માગે છે. તેમાં તેમને કંઈ ખોટું નથી લાગતું! તેમના કહેવા પ્રમાણે, “જ્યારે હું ખ્રિસ્તી ડૉક્ટર તરીકે કામ કરતો હોઉં ત્યારે મારી મુખ્ય નિસબત એ જોવાની હોય છે કે મારી પાસે વ્યક્તિની માનસિક સુખાકારી અને આધ્યાત્મિક (ખ્રિસ્તી એમ વાંચો) ઉપચાર વિશે વાત કરવાનો સમય હોય.” શું કોઈ ડૉક્ટર ખ્રિસ્તી કે મુસ્લિમ કે હિન્દુ હોઈ શકે ખરો? ડૉક્ટર તરીકે સુશ્રુષા કે ઉપચાર કરતી વખતે તેમણે ભૂલી જવાનું હોય કે તેઓ કયા પંથના છે અને દર્દી કયા પંથનો છે. બીજો પ્રશ્ન. પુરાવા આધારિત તબીબી વિજ્ઞાનમાં માનતા (અને એટલે હિન્દુ શ્રદ્ધા, યોગ, આયુર્વેદને નકારતા) આ ડૉક્ટર (ખ્રિસ્તી) આધ્યાત્મિક ઉપચાર વિશે (દર્દી બીજા પંથના હોય તો પણ) વાત કરે તે ચાલે?

તેઓ ઈચ્છે છે કે, “સેક્યુલર સંસ્થાઓ, મિશનરી સંસ્થાઓ અને મેડિકલ કૉલેજોમાં વધુ ને વધુ ખ્રિસ્તી ડૉક્ટરો કામ કરે.”

આ ભાઈ જ્યાં ભણાવે છે ત્યાં પણ ખ્રિસ્તી પંથના પ્રચારનું કામ કરે છે! તેઓ જાહેરમાં જ કહે છે, “હું એક મેડિકલ કૉલેજમાં સર્જરીના પ્રાધ્યાપક તરીકે ભણાવું છું. તેથી મારા માટે ક્રિશ્ચિયાનિટીના સિદ્ધાંતો અમલમાં મૂકવાની આ (ભણાવવું) સારી તક છે.”

કોરોનામાં જાતિ-પંથથી ઉપર ઊઠીને ઘણાએ સેવાનું કામ કર્યું પણ આ પંથાંધ ભાઈ માને છે કે કોરોનામાં ભારતીય ગરીબોના તારણહાર તરીકે માત્ર ક્રિશ્ચિયનાટીએ જ કામ કર્યું! ‘ક્રિશ્ચિયાનિટી ટુડેટને ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “મોટા ભાગના દર્દીઓ મધ્યમ અથવા ટોચના વર્ગના હતા પરંતુ નીચલા વર્ગ માટે – હા તે સમસ્યા હતી, પરંતુ માત્ર ચર્ચો જ તેમની કાળજી લઈ રહ્યાં હતાં. સરકાર તેમની મદદ કરવા આગળ આવી નહોતી.” (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે શ્રમજીવી ટ્રેનો શું હતી?)

‘ક્રિશ્ચિયાનિટી ટુડે’એ તેમનો ઇન્ટરવ્યૂ ૩૦ માર્ચ ૨૦૨૧ના રોજ છાપ્યો છે તેનું મથાળું છે, An Indian Christian Doctor Sees Covid-19’s Silver Linings’. પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ભારતીય લખવું પર્યાપ્ત હતું, ભારતીય ખ્રિસ્તી એવું કેમ લખવું પડ્યું? બીજું કે આ મેગેઝિન છુપાવતું નથી. તે સ્પષ્ટ લખે છે કે આ ડૉક્ટર જૉનરૉઝને કૉરોનાની આવી પડેલી આપત્તિમાં (વટાળ પ્રવૃત્તિનો) (કુ)અવસર દેખાય છે.

આ ઇન્ટરવ્યૂમાં પહેલા જ ફકરામાં આ સામયિકે એક સત્ય સ્વીકાર્યું છે કે પશ્ચિમમાં લોકો કોરોનાથી આવી પડેલા ઘર-વાસ (લૉકડાઉન) અને નિયમોના કારણે ચર્ચોથી દૂર જતા જાય છે, પરંતુ ભારતીય ડૉક્ટર જૉનરૉઝ માટે તેવું નથી. તેઓ માને છે કે ચર્ચો તો ગરીબોને મદદ કરે છે, ચર્ચ હૉસ્પિટલો ખ્રિસ્તી સમુદાયની મોટા પાયે સેવા કરે છે, અને ખ્રિસ્તી ફિઝિશિયન કોરોના વાઇરસગ્રસ્ત વિસ્તારોમાં સ્વેચ્છાએ સેવા આપી રહ્યા છે. અહીં પહેલા વાક્ય વિશે તો આપણે અગાઉ વાત કરી ગયા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને સેવા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ મંદિરો, અંબાજી મંદિર, સોમનાથ મંદિર વગેરે અનેક હિન્દુ સંગઠનો અને મંદિરોએ દાનથી લઈને ભોજન અને પોતાના પરિસરમાં કોરોના વૉર્ડ બનાવીને મદદ કરી જ છે. રિલાયન્સ સહિત અનેક ઉદ્યોગોએ પણ મદદ કરી છે. વ્યક્તિગત રીતે અજય દેવગન, અક્ષયકુમાર, સોનુ સુદ વગેરે કલાકારોએ પણ પોતપોતાની રીતે મદદ કરી છે. પરંતુ ડૉક્ટર જૉનરૉઝને માત્ર ચર્ચોએ જ મદદ કરી છે તેમ દેખાય છે અને તે એવું સાબિત કરવા માગે છે. પરંતુ બીજું વાક્ય જે તેમણે કહ્યું તે ખ્રિસ્તી મિશનરીઓના દાવા પર પ્રશ્નાર્થ ઉઠાવે છે. ડૉક્ટર જૉનરૉઝે કહ્યું કે ચર્ચ હૉસ્પિટલો ખ્રિસ્તી સમુદાયની મોટા પાયે સેવા રે છે. આપણે ત્યાં હૉસ્પિટલોમાં નાત-જાત કે પંથ જોવાતો નથી. તો શું ચર્ચ હૉસ્પિટલો માત્ર ખ્રિસ્તી સમુદાયની જ સેવા કરે છે?

આમ, આઈએમએ જેવી સંસ્થાના વડા હોવા છતાં આ ડૉક્ટર શબ્દ ચોર્યા વગર ખ્રિસ્તી પંથનો પ્રચાર દાક્તરીની સાથે કરતા હોવાનું કહે છે જેની સામે ભારતના મિડિયા મૌન છે! જો આવી વાત સ્વામી રામદેવ કે બીજા કોઈ સંતે કરી હોત તો આ મિડિયાએ કલાકોના કલાકો, પાનાંનાં પાનાં ભરીને તેમના વિરુદ્ધ લખ્યું હોત-બતાવ્યું હોત. નવાઈની વાત એ છે કે એકાદ ડૉક્ટરને બાદ કરતાં આ સંસ્થાના સભ્ય ડૉક્ટરો પણ જૉનરૉઝની આ કુપ્રવૃત્તિ સામે મૌન છે. જોકે ડૉક્ટર જિતેન્દ્ર નાગરે જૉનરૉઝનો ત્યાગપત્ર માગતા કહ્યું છે કે એક તરફ તેઓ પુરાવા આધારિત એલોપેથી પર ગર્વ કરે છે તો સાથે જ બીજાની જેમ આપણા પૂર્વજોની મહાન વૈદિક વિરાસત આયુર્વેદનું પણ સમ્માન કરે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે આઈએમએના વડા ખ્રિસ્તી પંથાંતરણના એજન્ડાનો પ્રચાર-પ્રસાર કરવામાં લાગેલા છે. આવામાં જ્યાં સુધી તેઓ સ્વચ્છ થઈને બહાર ન આવે ત્યાં સુધી તેમણે પોતાના પદેથી ત્યાગપત્ર આપવો જોઈએ.

તેમણે પત્રમાં લખ્યું કે કોઈ વ્યક્તિ આઈએમએ જેવી શીર્ષ સંસ્થાના પદ પર બેસીને ખ્રિસ્તી પંથાંતરણના કુએજન્ડાને કઈ રીતે ઉત્તેજન આપી શકે? આવા આક્ષેપોએ આઈએમએની પંથનિરપેક્ષ અને સંપ્રભુ છબિને નુકસાન પહોંચાડ્યું છે. એક ચિંતાનો ભાવ પેદા કર્યો છે. હું આઈએમએના રાષ્ટ્રીય પદાધિકારીઓને અનુરોધ કરું છું કે ડૉ. જૉનરૉઝ ઑસ્ટિન જયલાલ સામે લાગેલા આરોપોની તપાસ માટે એક સમિતિ બનાવે.

આઈએમએ સંસ્થાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. આઈએમએએ સ્વામી રામદેવનો વિરોધ કર્યો તેવું મથાળું વાંચીને કે આઈએમએ એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવું વાંચીને-સાંભળીને એમ થાય કે ડૉક્ટરોની સત્તાવાર સંસ્થા હવે સ્વામી રામદેવ સામે પડી છે, પરંતુ તેવું નથી. આઈએમએ કોઈ સત્તાવાર સંસ્થા નથી. સત્તાવાર સંસ્થાનું નામ તો મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા હતું જે હવે બદલાઈને નેશનલ મેડિકલ કમિશન અથવા રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ થયું છે. તો પછી આઈએમએ કઈ સંસ્થા છે?

વાસ્તવમાં આઈએમએની સ્થાપના બ્રિટિશ સમયમાં થઈ હતી. તે ફિઝિશિયનોની સ્વૈચ્છિક સંસ્થા છે. એક પ્રકારની એનજીઓ. તેની સ્થાપના ૧૯૨૮માં થઈ હતી. તે વખતે તેનું નામ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન હતું. ૧૯૩૦માં તેનું વર્તમાન નામ પડ્યું. તેના ત્રીસ લાખ ડૉક્ટરો સભ્ય હોવાનું કહેવાય છે. મેડિકલ ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓનું સંગઠન ઇન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન એ આઈએમએની પાંખ છે.

સ્વામી રામદેવ સામે આઈએમએનું નામ બહાર આવ્યું તે સાથે આઈએમએ સામે એક પ્રશ્ન એ પણ ઊઠ્યો કે અલગ-અલગ ટીવી-પ્રિન્ટ જાહેરખબરોમાં એમ કહેવામાં આવે છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રમાણિત. આ જાહેરખબરમાં કોઈ પણ નવોદિત અભિનેતા કે અભિનેત્રીને ડૉક્ટરનો વેશ પહેરીને ઇન્ડિયન મેડિ. એસો. દ્વારા પ્રમાણિત કહી દેવાં આવે છે અને સૉશિયલ મિડિયાના આગમન પહેલાં લોકો સાચું માની પણ લેતા. પરંતુ હવે પ્રશ્ન થઈ રહ્યો છે ટૂથપેસ્ટ, તેલ, પેન્ટ, ત્યાં સુધી કે એલઇડી બલ્બને પણ આવું પ્રમાણિત કરે છે. એક એન્ટી માઇક્રૉબિયલ એલઇડી બલ્બને પણ તેણે પ્રમાણપત્ર આપ્યું જેમાં ૮૫ કૃમિઓને મારવાનો દાવો છે. સાથે ચેપ ફેલાવતા ૯૯ ટકા બૅક્ટેરિયાને બે કલાકમાં મારવાનો દાવો કરતા એક પેન્ટને પણ તેણે પ્રમાણપત્ર આપ્યું! આ માટે તે પ્રૉસેસિંગ ફી લે છે. જોકે તેની રકમનો ઘટસ્ફોટ કરાયો નથી. તે માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવાય છે, કયા પ્રકારની તપાસ થાય છે તે અંગે કોઈ પારદર્શિતા નથી. વિજ્ઞાન કહીને આ રીતે કોઈ પણ પ્રૉડક્ટને પ્રમાણપત્ર આપીને લોકોને ડૉક્ટરોની એક જવાબદાર સંસ્થા દ્વારા પ્રમાણપત્ર છે એટલે તે ઉત્પાદન સારું જ હશે તેમ ઠસાવવું કેટલું વાજબી? હવે તો જાહેરખબરોના નિયમો પણ કડક થયા છે ત્યારે આ સંસ્થાના પ્રમાણપત્ર સામે પણ સરકારી રાહે કે પછી ન્યાયપાલિકાની રાહે કાર્યવાહી થવી જ જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment