Home » હાથરસ વિ. બારાં: માત્ર હાથરસ કેમ દેશ-વિદેશનો મુદ્દો બની ગયો?

હાથરસ વિ. બારાં: માત્ર હાથરસ કેમ દેશ-વિદેશનો મુદ્દો બની ગયો?

by Jaywant Pandya

સબ હેડિંગ: આ મુદ્દો એટલા માટે ચર્ચવો છે કે ૨૦૦૨ રમખાણો, દલિત પર અત્યાચાર, સ્ત્રીઓ પર અત્યાચાર, લઘુમતી પર અત્યાચાર (અને આ અત્યાચારો પાછા રાજ્યમાં કોની સરકાર છે તે જોઈને નક્કી કરવાનું), હિન્દુ કથિત બાબાનાં કાળાં કૃત્યો વગેરે બાબતોને સેક્યુલર મિડિયા ઉછાળે છે તેના લીધે દેશની છબિ ખરાબ થાય છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૧/૧૦/૨૦૨૦)

બળાત્કાર એ બળાત્કાર જ છે. તેમાં કોઈ ભેદ ન હોઈ શકે. પરંતુ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં બળાત્કાર થાય તો

’આજ તક’, ‘ઇન્ડિયા ટુડે’, ‘એનડીટીવી’ ત્યાં જતા નથી. કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ત્યાં નથી જતાં. રાજસ્થાનના બારાંમાં બે-પાંચ દિવસના અંતરમાં બે બળાત્કારની ઘટનાઓ બને છે. પહેલી ઘટનામાં બે સગીરા બહેનો છે. તેના વિશે મુખ્ય પ્રધાન અશોક ગહલોત કહે છે કે “તેઓ તો ફરવા ગઈ હતી.” જો આવું વિજય રૂપાણી કે મનોહર ખટ્ટર બોલ્યા હોત તો? તો રાષ્ટ્રીય સ્તરે આખો વિષય ગૂંજી ગયો હોત.

રોહિત વેમૂલા, અખલાક, કે ભાવનગરના ટીંબી ગામનો પ્રદીપ રાઠોડ હોય, કેમ આખા દેશમાં અને વિદેશમાં તેના મુદ્દે ચર્ચા થાય છે? હૈદરાબાદની ડૉ. પ્રિયંકા રેડ્ડી પણ એક મહિલા જ હતી. દિશા સાલિયાન નામની સુશાંતની મેનેજર પણ એક મહિલા હતી. ઉગતી આશાસ્પદ અભિનેત્રી ઝિયા ખાન પણ એક મહિલા હતી. દિવ્યા ભારતી પણ આવી જ ઉગતી, સફળ અને આશાસ્પદ અભિનેત્રી હતી. પ્રત્યૂષા બેનર્જી પણ સફળ ટીવી કલાકાર હતી. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા આજથી બે-ત્રણ વર્ષ પહેલાં થઈ હતી. શું એ માણસ નહોતા? શું તેમને દલિતનું બિરુદ નહોતું લાગેલું એટલે તેમની હત્યા આખા દેશમાં નહીં ગૂંજે?

તકલીફ ત્યાં જ થાય છે કે અપરાધ- ખાસ કરીને બળાત્કાર અને હત્યા, તેને સરકાર, પછી જાતિ અને પછી લિંગ એટલે કે પુરુષ/સ્ત્રી વગેરે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જો ભાજપના શાસનમાં ઘટના બને તો કૉંગ્રેસ, સપ, તૃણમૂલ કૉંગ્રેસ, રા.કૉ.પ. (એનસીપી), રાજદ, આઆપ, ડાબેરી પક્ષો વગેરે બધા જ તૂટી પડશે. તે પહેલાં શરૂઆત તો માધ્યમોથી જ થશે. માધ્યમો જ શોરબકોર કરવા લાગશે. રવીશકુમાર ભલે ગોદી મિડિયા કહીને તેમના સિવાય બધાં દલાલ મિડિયા છે તેમ કહે, પણ સત્ય તો એ જ છે કે ઝી ટીવી, ઇન્ડિયા ટીવી, આજ તક, ઇન્ડિયા ટુડે, વગેરે ચેનલો અને અંગ્રેજી સમાચારપત્રો બધાંમાં ભાજપના નેતાઓની નાની એવી ટીપ્પણી હશે તો પણ મોટી જગ્યામાં દેખાડાશે/છપાશે. પરંતુ અહમદ પટેલને ત્યાં ઇડીના દરોડા પડે કે નેશનલ હેરાલ્ડનું કૌભાંડ આવશે તો તેની વિગતો અપાશે નહીં અને અપાશે તો કૉંગ્રેસની તરફેણમાં અપાશે.

શું મિડિયા આજે પણ કૉંગ્રેસથી ડરે છે? એમ કહેવાય છે કે બાળપણમાં ક્યારેક માતાપિતા તોફાન કરતા બાળકને મારી દે તો પછી આખી જિંદગી ભલે પછી માતાપિતા તેને મારે નહીં, પણ ડર સતત રહેતો હોય છે. નહેરુ કાળથી લઈને રાજીવ ગાંધી અને તે પછી સોનિયા (મનમોહનકાળ)માં માધ્યમોની સ્વતંત્રતા પર જે અંકુશ મૂકાયા અને એમાંય ખાસ કરીને કટોકટી વખતે જે રીતે સેન્સરશિપ આવી ગઈ તેના લીધે એવું લાગે છે કે આજે પણ મિડિયા કૉંગ્રેસથી ડરે છે.

થોડા સમય પહેલાં ભાજપના યુવા મોરચાના નેતા ડૉ. ઋત્વિજ પટેલ અને આઈટી સેલના લોકોએ મિડિયા વિરુદ્ધ ટ્વીટ કર્યાં. તે મુદ્દે બધાં તૂટી પડ્યાં. પરંતુ તે જ દિવસે એક ડિબેટમાં કૉંગ્રેસ પ્રવક્તાએ એક ચેનલના એન્કરને દલાલથી માંડીને ન કહેવા જેવા શબ્દો કહ્યા. કૉંગ્રેસના કેટલાક પ્રવક્તાઓ તો રીતસર ડિબેટમાં એન્કરોને ધમકાવી નાખતા હોય છે. એક નેતાએ તો પોતાના સગાના અપરાધના કેસમાં મહિલા એન્કરને ગુંડા જેવી ભાષામાં સખત ધમકાવી નાખી હતી. એક રાજકીય વિશ્લેષક સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. આમ છતાં, તેની સામે કોઈ ઉહાપોહ થતો નથી.

અહીં બચાવ ભાજપનો કરવો જ નથી. વાત સંતુલનની છે. અને આ સંતુલન ન જળવાતું હોય તો મિડિયાએ આત્મમંથન કરવા જેવું છે જ કારણકે આમાં મિડિયાની વિશ્વસનીયતા દિવસે ને દિવસે ધોવાઈ રહી છે. ૨૦૦૨નાં રમખાણોથી લઈને મૉબ લિંચિંગમાં જુજ અપવાદો સિવાય મેઇન સ્ટ્રીમ મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઊભા થયા છે. સાથે ભાજપે પણ જો લાંબો સમય શાસન કરવું હોય તો વિચારવું રહ્યું કે તે વિરોધીઓ સામે નેરેટિવ બનાવવામાં કેમ નિષ્ફળ નિવડે છે?

ગુજરાતમાં કોરોનાના કેસ વચ્ચે વધ્યા ત્યારે કોઈ અંગ્રેજી દૈનિકે આઠ કૉલમ હેડલાઇન કરી હતી. પરંતુ આજે કેરળને કોરોના સામેની લડતમાં સફળ મૉડલ તરીકે પ્રસ્થાપિત કરાયા પછી ત્યાં કેસો એટલા વધે કે તે સીધું ચોથા ક્રમે એક્ટિવ કેસની દૃષ્ટિએ આવી જાય અને ત્યાં કલમ ૧૪૪ લાગુ કરવી પડે અને પાછું નાનું રાજ્ય, પરંતુ તેની કોઈ ચર્ચા નહીં. આટલા શિક્ષિત રાજ્યમાં કોરોનાના લીધે ઘર-વાસ દરમિયાન ચાઇલ્ડ પૉર્નોગ્રાફીના સેંકડો કેસ નોંધાય તો તેની કોઈ ચર્ચા નહીં. કેરળમાંથી ત્રાસવાદીઓ પકડાય તો કોઈ ચર્ચા નહીં. કેરળમાં સોનાની દાણચોરી કમ ત્રાસવાદી દૃષ્ટિકોણવાળો કેસ ઝડપાય અને તેનાં મુખ્ય આરોપી પૈકીના એક સ્વપ્ના સુરેશની ત્યાંના મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)માં વગ હોય તેની કોઈ ચર્ચા ન થાય.

કૉંગ્રેસના ધારાસભ્ય ત્યાગપત્ર આપે તો પ્રજાદ્રોહ, પણ ગુલામનબી આઝાદ, કપિલ સિબલ, મનીષ તિવારી, જિતિનપ્રસાદ સહિત ૨૩ નેતાઓ કૉંગ્રેસની આંતરિક ચૂંટણીની વાત કરે તો તે સમાચારને મહત્ત્વ આપવાના બદલે સોનિયા ગાંધીએ ત્યાગપત્ર આપવાની દરખાસ્ત કરી આવા સમાચાર બને! અમિત શાહના સ્વાસ્થ્ય કે તેમની સામે નરેન્દ્ર મોદીએ કથિત ષડયંત્ર કર્યું હોય તેવી ચર્ચા કરનારા સેકયુલરોએ સોનિયા ગાંધીને એવી કઈ રહસ્યમય બીમારી છે  જેના માટે અમેરિકા વારંવાર જવું પડે છે તેની ચર્ચા કરી? અમિત શાહ પછી તરત જ દિલ્લી આઆપ સરકારના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કોરોના પૉઝિટિવ આવ્યા અને તેમની તકલીફ વધી ગઈ તો તેમાં ષડયંત્રનો કોણ (ખૂણો) શોધ્યો?

ઠીક છે. સેક્યુલર મિડિયાની વિશ્વસનીયતા સતત ધોવાતી જઈ રહી છે. અને છેલ્લાં ઓગણીસ વર્ષમાં નરેન્દ્ર મોદી મિડિયાના વિરોધના કારણે વધુ મજબૂત બનતા ગયા છે. પરંતુ આપણે મથાળામાં જે મુદ્દો લખ્યો – હાથરસ વિ. બારાં- તે એટલા માટે ચર્ચવો છે કે આ જે ૨૦૦૨ રમખાણો, દલિત પર અત્યાચાર, સ્ત્રીઓ પર અત્યાચાર, લઘુમતી પર અત્યાચાર, હિન્દુ કથિત બાબાનાં કાળાં કૃત્યો વગેરે બાબતોને એનજીઓ વગેરે સાથે મળીને સેક્યુલર મિડિયા ઉછાળે છે તેના લીધે દેશની છબિ ખરાબ થાય છે. કોઈ કહી શકે કે પણ આવા અપરાધો થાય છે તેનાથી શું દેશની છબિ સારી થાય છે? તો ઉત્તર છે ના. સામે પક્ષે એ વાત પણ સમજવી પડશે કે અપરાધ અપરાધ જ હોય છે. તકલીફ ત્યારે જ થાય છે કે ઉપર કહ્યાં તે શ્રેણીના અપરાધને ફરિયાદના સમયગાળાથી જ અપરાધ ગણી આરોપીને દોષિત (કૉર્ટ દ્વારા કન્વિક્ટેડ હોય) માની લેવામાં આવે છે અને પ્રિયંકા રેડ્ડી, પ્રશાંત પૂજારી, કિરીટ જોશી, કાશ્મીરના હિન્દુઓ- આ બધા કેસમાં જ્યારે સેક્યુલર મિડિયા અને રાજકીય પક્ષો કૂદતા નથી. અને આથી વિશ્વમાં ભારતની છબિ માત્ર ચોક્કસ કારણસર ખરડાય છે. તાજેતરમાં હાથરસ બાબતે સંયુક્ત રાષ્ટ્રોના ભારત ખાતેના પ્રતિનિધિએ ટીકા કરી. સંયુક્ત રાષ્ટ્રો તો આમ પણ હવે ચીનનું વાજિંત્ર બની ગયું છે (અગાઉ અમેરિકાનું હતું ત્યારે પણ આવું જ થતું).

હવે વાત ભાજપની કરીએ. ભાજપ અને તેના સમર્થકો કોઈ વિરોધી ઘટના બને એટલે વિપક્ષના નેતા, એનજીઓ, ડાબેરીઓ, ટુકડે ટુકડે ગેંગ વગેરેની વાત લઈ આવે છે. સમર્થકોને થાય છે કે ભાજપ બિચારો છે. બધા તેને જ નિશાન બનાવે છે. પણ પ્રશ્ન ભાજપને પૂછાવો જોઈએ કે  પ્રદીપ રાઠોડથી લઈને હાથરસ સુધી કેમ દર વખતે ભાજપ રાજ્યની ઘટના જ દેશવિદેશમાં ચર્ચાનું કારણ બને છે? ભાજપ સિવાયના સંઘ પરિવારમાં કરોડો સભ્યો છે. ભાજપ વિશ્વમાં સૌથી મોટો પક્ષ છે. તેના કરોડો સભ્યો છે. આ સિવાય શુભેચ્છકો-સમર્થકોની સંખ્યા લાખોમાં તો હશે જ. તો જ સરકાર આવી હોય. તો પછી આ સંઘ પરિવાર અને ભાજપને બારાં અને તે મુદ્દે અશોક ગહલોતની વાહિયાત ટીપ્પણીને ચર્ચાનું કેન્દ્ર બનાવતા કોણ રોકે છે?

પશ્ચિમ બંગાળ અને કેરળમાં સંઘ અને ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓની હત્યા થઈ. જમ્મુ-કાશ્મીરમાં થઈ. બીજા બધા મુદ્દા છોડો, પોતાના જ નેતાઓ અને કાર્યકરોની હત્યાઓ સામે અવાજ ઉઠાવતા ભાજપને કોણ રોકે છે? (જોકે તાજા સમાચાર પ્રમાણે, બંગાળમાં ભાજપે આજે રેલી મોડે મોડે કાઢી છે ખરી.) શાહીનબાગ સામે પણ ભાજપના લોકો મોડામોડા જાગ્યા હતા. કેમ એ જ દિવસે તેની સામે જ ત્યાં સીએએના સમર્થનમાં ન બેસી ગયા? (આ મુદ્દો આ કૉલમમાં શાહીનબાગ ધરણા વખતે લખાયો હતો)

એક કારણ એ છે કે સંઘ પહેલેથી મિડિયાથી દૂર રહેવામાં માને છે. તેમાં પ્રચાર પ્રમુખનું પદ બહુ મોડું ઊભું કરાયું. પોતે દર વખતે સાચા જ હોય તેમ માનીને મિડિયા સાથે વાર્તાલાપ કરતી વખતે ઘણી વાર ટકરાવ થઈ જાય છે. એનજીઓ અને ઈસાઈ મિશનરી જેવી મિડિયા સાથે સંબંધ વિકસાવવાની કળા આવડતી નથી. બીજું, પોતાનું મિડિયા છે, પણ લગભગ બધાં સાપ્તાહિક છે. આજે તો રોજેરોજ ઘટના બને છે અને તેના તાત્કાલિક વિશ્લેષણની આવશ્યકતા હોય છે.

ત્રીજું, ભાજપમાં મોદી રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ છે. મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, તેજસ્વી સૂર્ય, સુબ્રમણિયમ સ્વામી જેવા કેટલાક નેતાઓ બરાબર મુદ્દા ઊભા કરી શકે છે અને જવાબ આપી શકે છે. ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓને તો વિરોધી પક્ષોવાળાં રાજ્યોમાં શું ઘટના બને છે તે ખબર પણ નથી હોતી. તેમને સંઘ પરિવાર દ્વારા પ્રકાશિત સાપ્તાહિકોનાં નામ પણ નહીં ખબર હોય. ડિબેટમાં ઘણી વાર તો એમ ને એમ હાથ ઉલાળતા આવી પહોંચે છે અને સ્ટુડિયોમાં આવીને વિષય જાણે છે. તેમને ખબર છે કે વચ્ચે કૉંગ્રેસ-ગાંધી પરિવાર વિરોધી એકાદ મમરો મૂકશું એટલે ઉગ્ર બોલાચાલીમાં વિષય સમાપ્ત થઈ જશે. (આવી સ્થિતિ કૉંગ્રેસની પણ છે જ. તેમાં પણ અભ્યાસુ પ્રવક્તાઓને આગળ નથી કરાતા. તું-તારી કરે તેવા પ્રવક્તાઓને રાષ્ટ્રીયથી લઈને પ્રાદેશિક કક્ષાએ આગળ કરાય છે.) આથી પ્રજા બંને પક્ષોથી કંટાળતી જાય છે જેની સાબિતી બધાં જ રાજ્યોમાં ‘નૉટા’ના વધી રહેલા મતો છે.

ચોથું કારણ જૂથવાદનું હોઈ શકે. યોગી આદિત્યનાથ ઝડપથી એક પછી એક નિર્ણય અને ગુંડાઓના એન્કાઉન્ટરમાં મૃત્યુના કારણે લોકપ્રિય થઈ રહ્યા છે. આવો વિરોધી જુવાળ ઊભો થવા દઈ તેમનું કદ વેતરવાનો પ્રયાસ હોઈ શકે. એટલે જ ગુજરાતમાં કંઈ થાય તો મધ્ય પ્રદેશના ભાજપના નેતાઓ નહીં બોલે. મહારાષ્ટ્રમાં કંગના સામે આટલો ઉહાપોહ થયો, એ વાત પણ જવા દો, જે મુદ્દે ભાજપ ચૂંટાય છે તે હિન્દુત્વ-હિન્દુ સાધુઓની હત્યા પાલઘરમાં થઈ, ગુજરાતના કેટલા ભાજપના નેતાઓએ આ વિષય પર ફૉલોઅપ કરતા આ સાધુઓ માટે સૉશિયલ મિડિયામાં લખ્યું?

પાંચમું કારણ સંઘ પરિવાર અને ભાજપ વચ્ચે સંકલનનો અભાવ. સત્તામાં આવ્યા પછી ભાજપ સંઘના લોકોની ઉપેક્ષા કરવા લાગે છે. બીજી તરફ, ભાજપના ઘણા લોકોને એમ લાગે છે કે સંઘ હજુ જૂની ઢબથી ચાલે છે. અમારી વ્યવહારિક મુશ્કેલી સમજી શકતો નથી. આથી ભાજપનો પ્રશ્ન (ભલે હોય હાથરસ જેવો સામાજિક પણ રાજ્ય ભાજપનું હોવાથી ભાજપનો પ્રશ્ન) હોય ત્યારે સંઘના લોકો વેગળા રહે છે; સિવાય કે શ્રી રામમંદિર, સબરીમાલા જેવા હિન્દુત્વને સ્પર્શતા વિષય હોય.

છઠ્ઠું કારણ બુદ્ધિજીવીઓનો સાથ. સંઘ પરિવાર કે ભાજપ જેમનો સાથ લે છે તેમાંના ઘણા ખરેખર બુદ્ધિજીવી નહીં, બુદ્ધુજીવી હોય છે. જે માત્ર મોદી કે રૂપાણીના કે સંઘના વ્યક્તિગત નેતાના વખાણ કરતા રહે એટલે એમ લાગે કે આ પ્રસિદ્ધ બુદ્ધિજીવી આપણી સાથે છે. પરંતુ વાસ્તવમાં તે બુદ્ધુજીવી સ્વદેશી, સામાજિક રીતિઓ, હિન્દુ શાસ્ત્રો વગેરે અનેક મુદ્દે રોજેરોજ હિન્દુત્વ વિરોધી નેરેટિવ બનાવતા હોય તે આ અતિ વ્યસ્ત લોકોને ખબર નથી હોતી અને જો હોય તો તે ખરેખર મૂર્ખામી જ કહેવાય. બીજી તરફ, અખલાક હોય કે હાથરસ, લેખકો-હિન્દી ફિલ્મના કલાકારો, પ્રાધ્યાપકો વગેરે અનેક લોકો જો રાજ્યમાં વિપક્ષની સરકાર હોય તો મોદી સરકાર અને જો ભાજપની યોગી સરકાર હોય તો તેના પર તૂટી પડે છે. પરિણામે, અખલાક અને હાથરસ રાષ્ટ્રીય તો ખરા જ, સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દા બની જાય છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment