Home » આપણો દેશ તાળીઓ પાડનારાઓનો દેશ બની ગયો છે?

આપણો દેશ તાળીઓ પાડનારાઓનો દેશ બની ગયો છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: એક બાર ઝોરદાર તાલિયાં હો જાયે…શું ટીવી શૉ કે શું કથા કે શું કોઈ સેમિનાર? ઉદ્દેશ્યથી વિરુદ્ધ વાત થાય કે તમારા રાજ્ય કે દેશનું અપમાન થાય તેવી રમૂજ કે કોઈ મુદ્દો છેડાય ત્યારે કેમ વિરોધ નથી થતો? શા માટે શ્રોતાઓ અને દર્શકો જાણે વશીભૂત થઈ ગયા હોય તેમ બેસી રહે છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૧/૦૭/૨૦૨૦)

સીન-૧

“ઔર મેરે કોઈ દોસ્ત જો ઇસ કલાકાર સે કુછ પૂછના ચાહતા હૈ?”

“…જી, મૈં આપ કી ઔર …કલાકાર કી બહોત બડી ફેન હૂં. મૈં સ્ટેજ પર એક બાર ઇસ કલાકાર સે ડાન્સ કરના ચાહતી હૂં.”

“ક્યા આપને કભી અપના મુંહ દેખા હૈ આઈને મેં દેખા હૈ?”

સીન-૨

“આપ ક્યા ગાઓગે?”

“સર, મૈં યે કાલી કાલી આંખે…”

(વચ્ચેથી જ કાપતા) “અચ્છા, ગાઓ.”

સ્પર્ધક ગાવા લાગે છે પણ સૂર ખરાબ લાગે છે.

બે નિર્ણાયક એકબીજા સાથે સ્પર્ધકની ઉડાડે છે. ત્રીજો નિર્ણાયક ગુસ્સે થાય છે. અધવચ્ચે જ બંધ કરાવી દે છે. અને સ્પર્ધક નિરાશ થઈને નીકળી જાય છે.

સીન-૩

“ઔર યે હૈ રમનકુમાર કી મમ્મી…મમ્મી કા યે હૈ સપના…”

અને પછી નાના બાળકની મમ્મીનું તેના પતિની હાજરીમાં એક નિર્ણાયક સાથે ફ્લર્ટિંગ…

સીન-૪

(તાળીઓ સાથે શૉની શરૂઆત…)

હૉસ્ટની એન્ટ્રી પર તાળીઓ…

હૉસ્ટે કહેલા દરેક જૉક પર તાળી…

નિર્ણાયક ફાલતુ શાયરી કહે તો તેના પર પણ તાળી…

હૉસ્ટ જે મહેમાનનો પરિચય કરાવે તેની વાત પર…એક બાર ઝોરદાર તાલિયાં હો જાયે…

મહેમાન કોઈ વાત કહે તેના પર તાળી…

હૉસ્ટ મહેમાનની કોઈ વાતને વખાણે તો …એક બાર ઝોરદાર તાલિયાં હો જાયે…

સીન-૫

કોઈ કૉન્સર્ટ છે.

એનાઉન્સર આવીને કોઈ શાયરી ફટકારે છે…તેના પર તાળી…

ગાયક કલાકારને બોલાવે…ઇન કે લિયે તાલી હો જાયેં

ગાયક કલાકાર વળી એનાઉન્સર માટે તાલી હો જાયે કહે…

ગાયક કલાકાર ગાય પછી હૉસ્ટ કહે…વાહ ક્યા બાત હૈ…ઇસ શાનદાર પર્ફૉર્મન્સ કે લિયે તાલી હો જાયેં…

સીન-૬

કોઈ સેમિનાર છે. એનાઉન્સર બધાનો પરિચય કરાવે છે. દરેક પરિચય વખતે તાળીઓ ઉઘરાવે છે. વક્તા બોલવા ઊભા થાય ત્યારે તાળીઓ પડાવે છે. વક્તા વચ્ચે બોલે ત્યારે તાળીઓ પડે છે. વક્તા બોલી લે પછી ફરી તાળીઓ પડાવે છે.

સીન-૭

રાજકારણીની જનસભા…

મંચ પર તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ, નગર સેવક, ચૂંટણીના ઉમેદવાર, રાજ્ય એકમના મહા મંત્રી અને મુખ્ય વક્તા કોઈ નેતા છે. કોઈ ભાડૂતી રૂપાળી એનાઉન્સરને લાવવામાં આવી છે. તેને પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. દરેક જણ બોલવા ઊભું થાય એટલે એનાઉન્સર તાળી પડાવે છે. દરેક જણ ઊંચા અવાજમાં જુસ્સાભેર બોલે છે. વચ્ચે તાળીઓ પડે છે. પૂરું થાય એટલે ફરી તાળી પડે છે. જો સભાની મેદની તાળી ન પાડે તો મંચ પર બેઠેલા બીજા નેતાઓ પોતે તાળી પાડી ઈશારો કરે છે. એટલે જનતા તાળી પાડે છે.

ઉપરનાં દૃશ્યો વાસ્તવકિતા છે. સેમિનાર, નેતાની જનસભા, ટીવીની ડિબેટમાં બોલાવાતું ઑડિયન્સ હોય કે રિયાલિટી કે કૉમેડી શૉના દર્શકો….શું આપણો દેશ માત્ર રૂપાળા/રૂપાળી એન્કરો, એનાઉન્સરો, ઉદ્ઘોષકો, હૉસ્ટના એક આદેશ પર તાળી પાડનારો દેશ બની ગયો છે? શું દર્શકો રિમૉટવાળી કઠપૂતળી છે કે એન્કરો વૉઇસ કમાન્ડ આપે એટલે તાળીઓ પાડવા લાગે છે?

એ તો ઠીક, પણ રિયાલિટી શૉમાં તો દેખાવના આધારે અપમાન કરવામાં આવે છે. એવા પ્રશ્ન પૂછાય છે જેના જવાબમાં દર્શક પત્ની શૉમાં હાજર પોતાના પતિનું અપમાન કરતી વાત કરે છે. “ઉન્હોં ને મુઝસે કહ દિયા યા મુઝે (પતિ) કો પસંદ કરો, યા કામવાલી કો. મૈંને કામવાલી કો પસંદ કર લિયા.” દર્શક પત્ની પતિની હાજરીમાં બોલે છે, “મૈં કૉલેજ મેં થી, તબ એક લડકા મુઝે પસંદ થા ક્યોકિં વો લડકા આપકે (સેલિબ્રિટી) જૈસા હી દિખતા થા. મુઝે એક બાર આપ કે સાથ એક ચુમ્મા તૂ મુઝકો ઉધાર દઈ દે ગીત પર ડાન્સ કરના હૈ…” આના પર હૉસ્ટ તરત હા નથી પાડતો. એટલે દર્શક પત્ની લળીને બોલે છે, “પ્લીઝ…” હજુ હૉસ્ટ સેલિબ્રિટી સામે જુએ છે. એટલે દર્શક પત્ની ફરી આજીજી કરે છે, “પ્લીઝ…” નિર્ણાયક કહે છે, “અરે, બુલા લે ઇસ કો…મત તડપા..” અને પછી હૉસ્ટ ઉપકાર કરતો હોય તેમ દર્શક પત્નીને બોલાવે છે અને સેલિબ્રિટી સાથે ડાન્સ કરાવડાવે છે. વચ્ચેવચ્ચે કેમેરા દર્શક પતિના ચહેરા પર ફરતો રહે છે. તે હસે છે પણ કૃત્રિમ હસતો હોય તેવું લાગે છે. દરમિયાનમાં દર્શક પત્ની ઘેલી થઈ જાય છે અને સેલિબ્રિટી સાથે થોડી વધુ નિકટ થવા જાય છે…એટલે હૉસ્ટ વચ્ચે પડે છે…”બસ, બસ…આપ કે પતિ બૈઠે હૈ…વો ક્યા કહેંગે?” માઇક દર્શક પત્નીના પતિ પાસે જાય છે. “સર, આપ કુછ કહેંગે? આપ અપની પત્ની સે દુઃખી તો નહીં?” પતિ જાહેર શૉમાં ઑન કેમેરા શું કહે? “આજ તો સબ કુછ માફ હૈ…” એટલે હૉસ્ટ વળી પાછો દીવાસળી ચાંપતો કહે છે, “ભાભીજી, આપ આજ ઘર પર જાઈએ…આજ આપ કી ક્લાસ લગનેવાલી હૈ.”

માન્યું કે કેટલીક હદે આ રિયાલિટી શૉ, જનસભાઓ વગેરેમાં ભાડૂતી દર્શકો હોય છે. પરંતુ પૈસા માટે થઈને ગમે તે હદે જવાનું? આ દેશની જનતાએ તેનું ખમીર ગુમાવી દીધું છે? પોતાના શહેરમાં કોઈ મોટો અભિનેતા કે અભિનેત્રી આવવાની હોય તો તો સમજ્યા, પણ બી ગ્રેડની ફિલ્મોના સી ગ્રેડ અભિનેતા-અભિનેત્રી આવવાની હોય તો પણ લોકો ઉમટી પડે છે. પાસ માટે પડાપડી કરે. ઓળખાણ લગાવે. કોઈ મૉલમાં ઇવેન્ટ રાખી હોય તો તેમાં પહોંચી જાય છે. ત્યાં અચાનક જાહેરાત થાય છે. કિરણ નામની જેટલી પણ છોકરીઓ હોય તે સ્ટેજ પર આવે કારણકે ફિલ્મના નામમાં કિરણ છે. કેટલીક ઘેલી કિરણો પહોંચી જાય છે. એક-બેને એનાઉન્સર પોતે જાણતો હોય અથવા તો કિરણોની બાજુમાં બેઠેલી વ્યક્તિઓને તેમને સ્ટેજ પર પહોંચવા કોણી મારતો જોઈ જાય તો, એનાઉન્સર જાહેરમાં તેમને બોલાવી લે છે, “યૂ બ્યુટીફૂલ લેડી…આપ આ જાઈએ સ્ટેજ પર. ઇસ મેં ક્યા શર્માના…” અને પછી કેટલીક ભાડૂતી કિરણો હોય તેમને સેલિબ્રિટી ગાલ પર ચુંબન કરે કે ભેટે. જે ભાડુતી ન હોય તેવી કિરણો સંસ્કારના કારણે આમ કરતાં ખચકાય તો અભિનેતા તેને એવી રીતે શરમમાં મૂકે કે “ઇસ મેં ગલત ક્યા હૈ? ક્યા આપ અપને પતિ કો હગ નહીં કરતી હૈ? આપ અપને પતિ કો કિસ નહીં કરતી હૈ?” સ્ટેજ અને ઑડિયન્સમાં વાતાવરણ જ એવું હોય એટલે પેલી અસલ કિરણ કહી ન શકે કે “સર, વો મેરે પતિ હૈ. આપ પતિ નહીં હૈ.”

આપણે દર્શક તરીકે બધી વાત સાંભળી કેમ લઈએ છીએ? કોઈ સેમિનાર ગુજરાતમાં યોજાયો હોય અથવા ઉપર કહ્યું તેમ સેલિબ્રિટી આવી હોય અને ગુજરાતને ઉતારી પાડતી રમૂજ કરે અથવા કોઈ કવિ ગુજરાતીઓને વિદેશમાં પણ થેપલા ખાખરા લઈ જાય તેવી રમૂજ કરે તો કેમ કોઈ શ્રોતા ઊભા થઈને વિરોધ નથી કરતો/તી? દર્શકો સ્ટેજ પર બેસેલી વ્યક્તિનું માન જાળવે તે અપેક્ષિત અને આવકાર્ય બાબત છે પણ આવી કોઈ રમૂજ કે વાત કરાય તો તેની સામે તેનું બોલવાનું પૂરું થાય ત્યારે નમ્રતાપૂર્વક અવાજ કેમ કોઈ ઉઠાવતું નથી? ગુજરાતમાં એક પરિસંવાદમાં એક વક્તા આવીને અગાઉના વક્તા સાથે અસંમતિ વ્યક્તિથી પોતાની વાત શરૂ કરીને ગુજરાતના ખોટા આંકડા આપીને દલિતો પર અત્યાચાર વગેરે વાત કરી રહ્યા હતા. વક્તા રાષ્ટ્રીય ટીવી પરનો ચહેરો હતા અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ સાંભળતા રહ્યા. જાણે વશીકરણ ન થઈ ગયું હોય. વક્તાનું બોલવાનું પૂરું થયા પછી એક પ્રશ્નકર્તાએ પોતાની વાત નમ્રતાપૂર્વક મૂકી કે મહોદય, કેટલીક ખોટી ફરિયાદોના કારણે આંકડા વધુ આવે છે. અનેક લોકોએ કાર્યક્રમ પત્યા પછી પ્રશ્નકર્તાની પીઠ થાબડી. પ્રશ્ન એ છે કે પીઠ થાબડનાર લોકો કેમ આવી હિંમત ન દાખવી શક્યા?

તમે સ્પર્ધક તરીકે તમારી પ્રતિભા દાખવવા રિયાલિટી શૉમાં જાવ છો. તમે પાછળથી કોઈ બબાલ ન કરો તે માટે તમારી સાથે કૉન્ટ્રાક્ટ કરીને તમારા હાથ બાંધી લેવામાં આવે છે. પરંતુ તમે પૈસા માટે થઈને ગમે તેવો કડક નિયમોવાળો કૉન્ટ્રાક્ટ સાઇન કરી કેમ લો છો? પછી ત્યાં જઈને ગ્રૂમિંગના નામે તમારી બાળકીને કે કિશોરીને ટૂંકા કપડાં પહેરાવવામાં આવે, તેને સમજ ન પડતી હોય તો પણ સિડક્ટિવ પ્રકારનાં ગીત ગવડાવવામાં આવે અને તેના પર નિર્ણાયકની કૉમેન્ટ આવે કે “સુર તો બરાબર હતા પણ ઍક્સ્પ્રેશન બરાબર ન હતાં!” શું ધૂળ ઍક્સ્પ્રેશન આવે? એ બાળકી કે કિશોરીની ઉંમર તો જુઓ! એ વખતે કેમ બાળકીનાં માતાપિતા મોં વકાસીને બેઠાં રહે છે અથવા નિર્ણાયકની હામાં હા મિલાવે છે. “અગલી બાર ધ્યાન રખેંગે સર” એવું કહે છે? શું ચરિત્ર કે સ્વમાન જેવી કોઈ ચીજ રહી જ નથી આ દેશમાં?

પ્રેમ પર વાર્તાલાપ છે. તેમાં એક યુવાન પ્રશ્ન પૂછે છે, “હું જે યુવતીને ચાહું છું તે યુવતીને બીજો કોઈ પણ ચાહે છે. મારે શું કરવું?” વક્તા પહેલા નજરથી યુવાન દેખાવ, તેનું ચહેરા-શરીર-કપડાં પરથી છલકતું સ્ટેટસ માપી લે છે. પછી તે કોઈ નુકસાન નહીં કરી શકે કે વિરોધ નહીં કરી શકે તેમ જાણીને  તેની મજાક ઉડાવતા કહે છે, “તમારે તો ગૌરવ કરવું જોઈએ કે તમે જેને ચાહો છો તે એવી વ્યક્તિ છે જેને બીજા કોઈ પણ ચાહે છે.” અને વક્તા સાથે બીજા શ્રોતાઓ પણ હસી પડે છે. ત્યારે કેમ પ્રશ્નકર્તા કે બીજા કોઈ એમ નથી પૂછતું કે આવું તમારી સાથે બન્યું હોય તો તમારી પ્રેમિકાનું આવી બને ને? કે અહીં પ્રેમની વાત થાય છે, વાસનાની નહીં.

કોઈ કથા-કીર્તનમાં જાવ છો ત્યારે તેનો ઉદ્દેશ સ્પષ્ટ જાણીતો જ હોય છે. આમંત્રણ પત્રિકામાં પણ લખાયું હોય છે. ત્યાં અચાનક ‘અલી મૌલા’ જેવું સેક્યુલર કીર્તન થવા લાગે કે ‘શ્રી કૃષ્ણ ટોટલ ફેઇલ’ જેવી ભગવાનનું અપમાન થાય તો લોકો કેમ ત્યાંથી ચાલતી નથી પકડતા? ચાલુ કાર્યક્રમે ચાલતી ન પકડો તો કંઈ નહીં, પણ કાર્યક્રમ પતે ત્યારે ઊભા થઈને તો વિરોધ કરો, બીજા દિવસે તો ન જાવ. તમે કોઈ વર્ગમાં ભણી રહ્યા છો, તમને કંઈ સમજાતું નથી અને તમે પ્રશ્ન પૂછો છો પરંતુ શિક્ષક કે પ્રાધ્યાપક તમને ઉડાઉ જવાબ આપે છે ત્યારે તમે કેમ ચાલતી નથી પકડતા? અને તમારી સાથે આખો વર્ગ કેમ ચાલતી નથી પકડતો?

કહેવાય છે કે ભીડની માનસિકતા ખતરનાક હોય છે, પરંતુ આવા કાર્યક્રમો પૂરતું મને લાગે છે કે ભીડની માનસિકતા ખરીદેલા દાસ જેવી હોય છે. તેમને જે કહે તે કરવા તૈયાર થઈ જાય છે. દાસત્વ આપણા મનની અંદર બરાબર મૂળ જમાવીને બેસી ગયું છે.

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment