Home » ઝીણાને ભગાડનાર છોટુરામ જીવતા રહ્યા હોત તો ભારતનું વિભાજન ન થાત?

ઝીણાને ભગાડનાર છોટુરામ જીવતા રહ્યા હોત તો ભારતનું વિભાજન ન થાત?

by Jaywant Pandya

ઝીણાની મુસ્લિમ લીગ દ્વારા ડાયરેક્ટ ઍક્શનની ઘોષણા પછી કોલકાતામાં થયેલા ભીષણ હિન્દુ નરસંહારની એક ડરામણી તસવીર.

૩ જૂન ૧૯૪૭.

આજના દિવસે આજથી ૭૪ વર્ષ પહેલાં ભારત પર થોપાયેલા વાઇસરૉય માઉન્ટ બેટને (લૉર્ડ-બૉર્ડ એમના ઘરે, આપણે શેના એમને લૉર્ડ કહેવાના?) વિભાજનની યોજનાનો ઢાંચો પ્રસ્તુત કર્યો હતો.

આ વિભાજન પાછળ મુખ્યત્વે મોહમ્મદ અલી ઝીણાને ખલનાયક તરીકે પ્રસ્તુત કરાય છે અને વિભાજન પહેલાંના છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમની ભૂમિકા નિઃસંદેહ ખલનાયક તરીકેની હતી જ. પરંતુ ઝીણા ખલનાયક બન્યા કોના કારણે?

ઝીણા વિશે જેઓ પણ આ બીજો પક્ષ રજૂ કરવા ગયા છે તેઓ પણ ભારતમાં હિન્દુત્વની રાજનીતિમાં ફેંકાઈ ગયા છે. ચાહે તે લાલકૃષ્ણ આડવાણી હોય કે જસવંતસિંહ. પરંતુ તેમ છતાં આ બીજો પક્ષ રજૂ કરવા જેવો એટલે છે કે ખબર પડે કે ગાંધી-નહેરુની જોડીએ આ દેશને કેટલું નુકસાન કર્યું.

શરૂઆતમાં મોહમ્મદ અલી ઝીણા (અંગ્રેજો ભારતીય નામોના સ્પેલિંગ તેઓ જે ઉચ્ચાર કરે તે પ્રમાણેે કરતા, એટલે મોહમ્મદ અલીના પિતા પૂંજાલાલ હિન્દુ હતા. પરંતુ તેમને શરીર પ્રમાણે ઝીણા કહેતા. તેથી તેમની અટક ઝીણા પડી ગઈ જે તેમણે મુસ્લિમ થયા પછી પણ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ તેનું જિન્નાહ કર્યું અને ભારતીય કાળા અંગ્રેજો અને ઇવન ગુજરાતી લેખકો પણ જિન્નાહ અથવા જિન્ના લખે છે.) સાચા અર્થમાં દેશભક્ત હતા. પંથથી ઉપર ઊઠીને ભારતને પ્રથમ મૂકનારા દેશભક્ત.

૧૯૨૫માં સેન્ટ્રલ એસેમ્બલીમાં તેમણે કહેલું કે હું ભારતીય છું. પહેલાં, બાદમાં પણ અને અંતમાં પણ. તેમણે તુર્કીમાં ખલીફાનું શાસન અંગ્રેજોએ ઉથલાવી નાખ્યું તેના વિરુદ્ધમાં ભારતમાં ખિલાફત આંદોલનને ગાંધીજીએ ટેકો આપ્યો તેને ગાંધીનો પાખંડ કહ્યો હતો. તેમણે કૉંગ્રેસની ભરી સભામાં કહ્યું હતું કે “મિસ્ટર ગાંધી, તમે તરત જ સત્યાગ્રહ દ્વારા અભણ હિન્દુસ્તાનીઓને ભડકાવવાનું કામ બંધ કરી દો.” સલાહ સાચી હતી તેનાથી ગાંધી ચમચાઓ ઉકળી ઊઠ્યા અને તેમણે મુદ્દો અલગ બનાવી દીધો. તેમણે કહ્યું કે મિસ્ટર ગાંધી નહીં, મહાત્મા ગાંધી બોલો. ઝીણા રામરાજ્ય શબ્દના પણ વિરોધી હતા તો સાથે ખિલાફત આંદોલનને સમર્થનના પણ. તેમણે ગાંધીજીને ચેતવણી આપી હતી કે બ્રિટિશ શાસન સામે લોકોને એકઠા કરવા પંથવાચક કહેવતોનો ઉપયોગ કરવાથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાગલા પડશે અને તેનાથી ભારતની એકતા ખંડિત થશે. કદાચ એ વખતે ઝીણાને પણ ખબર નહીં હોય કે આગળ જતાં તેઓ પણ ગાંધીજીની સાથે આ એકતા ખંડિત કરવામાં મોટું નિમિત્ત બનવાના છે.

તેમણે મુસ્લિમોના અલગ મતદાન અને ચૂંટણી ક્ષેત્રનો પણ વિરોધ કર્યો હતો. ગાંધીજી પહેલાં કૉંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા તરીકે લોકમાન્ય તિલક સ્થાપિત હતા. તિલક પર રાજદ્રોહનો કેસ થયેલો ત્યારે બે વાર ઝીણા તેમના પક્ષે લડેલા.

મુંબઈના ગવર્નર વિલિંગ્ટનનું પૂતળું મુંબઈમાં ઊભું કરવાનું હતું ત્યારે ઝીણાએ પૂરજોશમાં લોકોનું નેતૃત્વ કરી વિરોધ કરેલો. ૧૯૩૪માં મુંબઈની ચૂંટણીમાં તેમણે કહેલું કે તેઓ પહેલાં ભારતીય છે અને મુસ્લિમ પછી છે.

વિભાજન પછી મુસ્લિમોનો અલગ દેશ પાકિસ્તાન બન્યો પણ તેનું નામકરણ કરનાર ચૌધરી રહમત અલી હતા. પંજાબ (P), અફઘાન (ઉત્તર-પશ્ચિમ સરહદી રાજ્ય) (a), કાશ્મીર (k), સિંધ (S), બલોચિસ્તાન(tan) એ રીતે નામ પાડેલું. તેમણે પાકિસ્તાન દેશ માટેની ચળવળ શરૂ કરેલી. તેનો નકશો તૈયાર કરેલો અને ‘અત્યારે નહીં તો ક્યારેય નહીં’ (Now or never) નામનું ચોપાનિયું પણ તૈયાર કરાવેલું. તેમાં તેમણે ત્રણ કરોડ મુસ્લિમોને અન્ય ભારતવાસીથી અંતર કરી પોતાના દેશ માટે લડવા આહ્વાન કરેલું. જોકે એ અલગ વાત છે કે તેમને પાકિસ્તાનમાં સ્વીકારાયા નહીં. તેઓ પાકિસ્તાનને કલ્યાણકારી રાષ્ટ્ર બનાવવા માગતા હતા પણ તેમને પાકિસ્તાનમાં ક્યાંય માન ન મળ્યું. તેમણે અંતિમ શ્વાસ ઇંગ્લેન્ડમાં લીધો.

તે વખતે મુસ્લિમો શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલીને પોતાના નેતા માનતા હતા જે કટ્ટરવાદી અને અલગતાની ભાષા બોલતા હતા. કૉંગ્રેસમાં વર્ષોથી સત્રના પ્રારંભે વંદેમાતરમ્ ગવાતું હતું. તેનો વિરોધ ૧૯૨૩ થી થવા લાગ્યો.

૧૯૨૩માં કાકીનાડા ખાતે કૉંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલી વંદેમાતરમ્ ગવાતું હતું ત્યારે મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. આ અપમાનને ગાંધીજી સહિત સમગ્ર કૉંગ્રેસે સહી લીધું. મોપલા રમખાણોમાંય ગાંધીજીનો મોળો અભિગમ રહ્યો.

ધીમેધીમે મહત્ત્વાકાંક્ષી ઝીણાને સમજાઈ ગયું કે મુસ્લિમોના નેતા બનવું હોય તો કટ્ટર બનવું પડશે.

જ્યારે ગાંધીજી ઝીણા સાથે ભારતનું વિભાજન ન થાય તે માટે મંત્રણા કરતા હતા. ગાંધીજી તેમને કાયદે આઝમ કહીને સંબોધતા તો ઝીણા તેમને મિસ્ટર ગાંધી. ૧૯૪૪માં પંજાબના હિન્દુવાદી અને કૉંગ્રેસ નેતા (જી હા, તે વખતે કૉંગ્રેસમાં આ શક્ય હતું) સર છોટારામ અથવા છોટુરામે ગાંધીજીને લાંબો પત્ર લખી ઝીણા સાથે કોઈ મંત્રણા ન કરવા અનુરોધ કરેલો.

આ છોટુરામ પણ ગજબનું પાત્ર છે જેના વિશે ક્યાંય કોઈ લખાયું નથી કે ફિલ્મ નથી બની. તેઓ એક જાટ ખેડૂત નેતા હતા. તેમણે યુનિયનિસ્ટ પાર્ટી બનાવી હતી જે પંજાબમાં પ્રાંત (રાજ્ય) સરકાર તરીકે ૧૯૩૫માં જીતી હતી. ભાખડા નાંગલ બંધ બનાવવાનો શ્રેય ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને જાય છે, પરંતુ છોટુરામ પહેલા હતા જેમણે પંજાબ સરકારમાં આ યોજનાને અનુમતિ આપી હતી. તેમણે બિલાસપુરના મહારાજા જેમના પ્રદેશમાં સતલજ નદીનું પાણી આવતું હતું અને પંજાબ સરકાર વચ્ચે સંધિ કરાવી હતી.

છોટુરામ- ભારતના એ ગૂમનામ સ્વતંત્રતા સેનાની જેઓ ઝીણા પર ભારે પડ્યા હતા.

તેમના રહેતા પંજાબમાં ઝીણાની કારી ફાવી ન હોત કારણકે તેમણે પંજાબમાંથી ઝીણાને ભગાડી મૂક્યા હતા અને તે પણ પંજાબના મુખ્ય પ્રધાન ખિજર હયાત ખાં પર દબાણ નખાવીને. ઝીણા જ્યારે લાહોર પહોંચ્યા હતા તો છોટુરામના નિર્દેશ પર ખિજર હયાત ખાંએ ૨૪ કલાકની અંદર ઝીણાને પંજાબ બહાર જતા રહેવાનો આદેશ આપ્યો હતો. તેમને પંજાબ બહાર તગેડી મૂકાયા તો પણ પંજાબના મુસ્લિમોમાં કોઈ રોષ નહોતો વ્યાપ્યો અને ન તો તેમણે તેનો વિરોધ કર્યો હતો. છોટુરામ પંજાબના મુસ્લિમોમાં લોકપ્રિય હતા. ઉલટું, ઝીણાને પંજાબ બહાર કાઢી મૂક્યા પછી છોટુરામને મુસ્લિમોએ રાહબરે આઝમનો ખિતાબ આપ્યો હતો.

પશ્ચિમ પંજાબ (જે હાલ પાકિસ્તાનાં છે)માં મુસ્લિમોની સંખ્યા વધુ હોવાના કારણે ૧૯૪૪માં ઝીણાએ પાકિસ્તાન બનાવવાની સંભાવનાથી ત્યાં જઈ ભાષણ આપ્યું કે “પંજાબના મુસ્લિમો, આપણે અલગ દેશ બનાવવાનો છે, જેના આપણે પોતે સ્વામી હોઈશું. છોટુરામ હિન્દુ છે અને તે આપણો ક્યારેય ન થઈ શકે. તેનું નામ પણ છોટુ છે, કદ પણ નાનું છે અને પંથ પણ નાનો છે. તેનો સાથ દેવો આપણને શોભા નથી દેતો.”

છોટુરામ રોહતક હતા. તેમને આનો જવાબ આપવા બોલાવાયા. તેમણે કહ્યું, “ઝીણા સાહેબ પોતાને મુસ્લિમોના નેતા કહે છે, મુસ્લિમ પંથના હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાયેલા છે, અંગ્રેજી દારૂ પીવે છે, ડુક્કરનું માંસ ખાય છે, પોતાને ભણેલાગણેલા કહે છે પરંતુ તેમને તો એટલું પણ જ્ઞાન નથી કે પંથ બદલવાથી લોહી નથી બદલાતું. આપણે જાટ છીએ. આપણે હિન્દુ-મુસ્લિમ, શીખ-ખ્રિસ્તી, બૌદ્ધ, બિશ્નોઈ અને આર્ય સમાજી બધા પંથોથી ઉપર છીએ.”

આમ કહેવાથી પંજાબની મુસ્લિમ જનતા ઝીણા પાછળ એવી પડી કે તેમને રાતોરાત લાહોર છોડી જવું પડ્યું અને જ્યાં સુધી આ ચૌધરી (છોટુરામ) જીવતા હતા ત્યાં સુધી તેઓ પંજાબ કે લાહોર આવી ન શક્યા. તેમનો એવો પ્રભાવ હતો કે કાશ્મીરમાં તેમના ઈશારે શૈખ અબ્દુલ્લા જેવાએ પણ ઝીણાને સોપુર પંથકમાં જૂતાંનો હાર પહેરાવડાવી દીધો જે પછી ઝીણા ક્યારેય કાશ્મીર ગયા નહીં અને મુંબઈ જઈને નિવેદન કર્યું કે કાશ્મીર તો એક દિવસે સફરજનની જેમ તેમના ખોળામાં આવી પડશે.

તેમનું અવસાન ૯ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ થયું. એમ કહેવાય છે કે તેમને ભોજનમાં ઝેર આપી છેતરપિંડીથી મારી નાખવામાં આવ્યા. એમ મનાય છે કે જો તેઓ જીવિત રહેત તો દેશ વિભાજનથી બચી જાત.

પરંતુ દેશના ભાગ્યમાં વિભાજનની અતિ દુર્ભાગ્યપૂર્ણ ઘટના લખાયેલી હતી. છોટુરામે ગાંધીજીને પત્ર લખેલો કે તમે ઝીણાની વાતોમાં ન આવતા. તેમને સંયુક્ત પંજાબ અને કાશ્મીરના મુસ્લિમો ફગાવી ચૂક્યા છે. ગાંધીજીએ આ પત્રનું શું કર્યું તે ખબર નથી પણ તેમણે ભારતનું વિભાજન ટાળવા અખંડ ભારતના વડા પ્રધાન બનાવવા પ્રસ્તાવ મૂકેલો જેને સ્વાભાવિક જ અંગ્રેજી મિશને પણ ફગાવેલો (તો તેમની ભાગલાની યોજના કેવી રીતે સાકાર થાય?) અને નહેરુએ પણ.

ઝીણાના ડાયરેક્ટ ઍક્શન પ્લાન હેઠળ રમખાણોમાં અનેક હિન્દુઓ માર્યા ગયા. ૭૨ કલાકમાં છ હજારથી વધુ લોકો માર્યા ગયા. ૨૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. એક લાખથી વધુ લોકો બેઘર થયા હતા. ઝીણાની મુસ્લિમ લીગે કરેલી ડાયરેક્ટ ઍક્શન ડેની ઘોષણાનું જ આ પરિણામ હતું.

ગાંધીજીએ અનેક વાર ઈચ્છ્યું હતું કે સીધી કે આડકતરી રીતે બ્રિટિશ શાસન ચાલુ રહે. પહેલાં તેઓ આંશિક સ્વરાજના હિમાયતી હતા. મતલબ કે પ્રાંતોમાં સ્વદેશી સરકારો હોય પણ મુખ્ય સત્તા બ્રિટનની હોય. તે પછી ક્વિટ ઇન્ડિયા એટલે કે ભારત છોડો આંદોલન વખતે તેમના નેતૃત્વવાળી કૉંગ્રેસનો પ્રસ્તાવ હતો કે બ્રિટિશ સેના અને અમેરિકી સેના ભારતના રક્ષણ માટે અંગ્રેજો ભારત છોડી જાય તો પણ રહે જેથી અંગ્રેજોના દુશ્મનથી ભારત બચે. પણ સમજવા જેવું એ છે કે જે દેશો બ્રિટન સામે લડતા હતા તેમનો વિરોધ બ્રિટન સામે જ હતો. ભારત સામે નહીં. ઉલટું જાપાન તો સુભાષ ચંદ્ર બોઝના નેજા હેઠળ ભારતને સ્વતંત્ર થવામાં મદદ કરતું હતું. અને ત્રીજી વાર જ્યારે ડાયરેક્ટ ઍક્શન હેઠળ રમખાણો થયાં ત્યારે ગાંધીજીએ પહેલાં તો માઉન્ટબેટનને બરાબર સંભળાવ્યું કે તમારી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સફળ રહી છે પરંતુ પછી તેમણે એવું પણ કહી દીધું કે સ્થિતિ એટલી ખરાબ છે કે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અંગ્રેજી રાજ જ ચાલતું રહે અથવા ભારત રક્ત સ્નાન કરે.

કોલકાતામાં મુસ્લિમ લીગના ડાયરેક્ટ ઍક્શન પ્લાન હેઠળ હિન્દુઓની થયેલી પિશાચી હત્યાનું એક દૃશ્ય.

અંગ્રેજોની તાકાત જુઓ. કોલકાતામાં થયેલા ભીષણ હિન્દુ નરસંહારના સમાચાર પંદર દિવસ સુધી બાકીની દુનિયા આગળ પહોંચ્યા નહીં! અને વિધિની વિચિત્રતા જુઓ, જે મુસ્લિમોએ આ નરસંહાર અંગ્રેજો અને અંગ્રેજોના પીઠ્ઠુ બની ગયેલા ઝીણાના પ્રભાવમાં કર્યો તે ગરીબ, અશિક્ષિત, ભડકેલા મુસ્લિમોની જૂની પેઢી સ્વાભાવિક જ હિન્દુ હતી.

વિભાજન-સ્વતંત્રતા પૂર્વે તો આ રમખાણો થયાં જ પરંતુ સ્વતંત્રતા વખતે- વિભાજન વખતે પણ મોટા પાયે રમખાણો થયાં. લાખો લોકો રાતોરાત પોતાના જ દેશમાં વિદેશી થઈ ગયા! તેમને સંપત્તિ કાં તો છોડવી પડી કાં તો છિનવાઈ ગઈ. ભારતમાંથી ગયેલા મુસ્લિમો ત્યાં મોહાજીર બની ગયા જેમને ત્યાંના મુસ્લિમો મુસ્લિમો ગણતા જ નથી. અહીં આવેલા હિન્દુ શરણાર્થીઓની સ્થિતિ પણ ખરાબ હતી. જેનું ખૂબ જ હૃદયદ્રાવક વર્ણન ‘બુનિયાદ’ અને ‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે’ એ બે ધારાવાહિકોમાં કરવામાં આવ્યું છે.

આ વિભાજનના સૌથી મોટા દોષિત કોણ? ઉપરનો લેખ વાંચીને નક્કી કરજો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment