Home » સ્થાનિક ચૂંટણીમાં અનેક ભ્રમના ભુક્કા નીકળી ગયા

સ્થાનિક ચૂંટણીમાં અનેક ભ્રમના ભુક્કા નીકળી ગયા

by Jaywant Pandya

સબ હેડિંગ: જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો કારમો પરાજય થયો અને ભાજપનો જ્વલંત વિજય. આ ચૂંટણીએ અનેક ભ્રમના ભાંગીને ભુક્કા કરી નાખ્યા છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૭/૦૩/૨૦૨૧)

છ મહાનગરપાલિકા પછી ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો. ૩૧એ ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ પૈકી ૧૯૬ તાલુકા પંચાયત અને ૮૧ પૈકી ૭૫ નગરપાલિકામાં જીત મેળવી. કૉંગ્રેસનો સ્પષ્ટ સફાયો થયો. અનેક જગ્યાએ વિપક્ષને લાયક બેઠકો પણ ન મળી. આ ચૂંટણીમાં આઆપ, ઓવૈસીના પક્ષ ‘મિમ’ અને માયાવતીના બસપને પણ જનતાએ આવકાર્યા છે. આ ચૂંટણીએ અનેક ભ્રમ ઊભા પણ કર્યા અને અનેક તોડ્યા પણ છે. આ ભ્રમ કયા અને તેની સચ્ચાઈ શું છે તે જોવું જોઈએ.

ભાજપ શહેરી પક્ષ છે: કેટલાક વાંકદેખુ વિશ્લેષકો એમ કહેતા હતા કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં તો ભાજપ એટલે જીતે છે કે તે શહેરી પક્ષ છે. જે ગામમાં તે જીતી નથી શકતો તેને નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ભેળવી દે છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજયે વાંકદેખુઓના આ ભ્રમને તોડી નાખ્યો છે.

આઆપ અને મિમ તો ભાજપની બી ટીમ છે: કોઈ પણ રાજકીય પક્ષ રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આવતો. તેને ક્યાંય પણ સારું પરિણામ મળે તો તે તેનું ફલક વિસ્તારવાનો જ. જ્યારે ભાજપ કે તે પહેલાં તેના પૂર્વાવતાર ભારતીય જન સંઘ નવોસવો હતો ત્યારે તે પણ અલગ લડતો તો વિપક્ષના મત વહેંચાતા જ. ગઠબંધનનો યુગ તો ૧૯૬૭ પછી આવ્યો. અને મહા ગઠબંધન તો ૧૯૭૭માં જનતા પાર્ટીના રૂપમાં થયું જ્યારે ઘણા પક્ષો જનતા પાર્ટીમાં વિલીન થઈ ગયા હતા. તે પછી ૧૯૮૯માં થયું, જ્યારે ભાજપ, ડાબેરીઓ, કૉંગ્રેસમાંથી નીકળેલા વી. પી. સિંહના જનતા દળ વગેરેએ ગઠબંધન કર્યું. એક વર્ષ પછી આ બધા છૂટા પડી ગયા. તેનો લાભ કૉંગ્રેસને થયો. નરસિંહરાવના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર આવી. રામવિલાસ પાસવાન અને ચંદ્રાબાબુ નાયડુના પક્ષો નીકળી જતાં એન.ડી.એ. તૂટતાં ૨૦૦૪માં કૉંગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ.ની સરકાર આવી. ૨૦૦૯માં પણ આ પુનરાવર્તન થયું.

બસપએ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી તે પછી પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક વગેરે જગ્યાએ તેનો પણ પગપેસારો થયો છે. અત્યાર સુધી શરદ પવારની એન.સી.પી.ને ભાજપની બી ટીમ કહેવાતી હતી, પરંતુ કૉંગ્રેસ ચૂંટણી સમજૂતી ન કરી શકે તો તેમાં ભાજપનો શું વાંક? પોતાના જોરે બહુમતી ન મેળવી શકે તો ભાજપનો શું વાંક? આ વખતે આઆપ અને મિમે ચૂંટણી લડવા જાહેરાત કરી એટલે કૉંગ્રેસ પ્રેમીઓ કહેવા લાગ્યા કે આઆપ અને મિમ તો ભાજપની બી ટીમ છે.

આઆપનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે પહેલી સરકારમાં તો કૉંગ્રેસે સામે ચાલીને ટેકો આપ્યો હતો. જે કૉંગ્રેસની સામે, શીલા દીક્ષિતની સામે આઆપ લડી તેને ટેકો આપી દીધો! જો બી ટીમ જ ગણવી હોય તો આ રીતે તો આઆપ કૉંગ્રેસની જ બી ટીમ ગણાય. ૨૦૧૪ પછીથી કૉંગ્રેસ વિરોધી આઆપ માત્ર મોદી અને ભાજપનો વિરોધ કરવા લાગ્યો. બિહારમાં ભ્રષ્ટાચારના આક્ષેપ માટે જેલની સજા પામનાર લાલુપ્રસાદ યાદવને ગળે મળતાં ‘પ્રમાણિક’ અરવિંદ કેજરીવાલને ક્ષોભ ન થયો. એ ગળે મળવાની ઘટના મહા ગઠબંધનના નેતાઓની હાજરીમાં જ થયેલી. પંજાબમાં આઆપના કારણે વિપક્ષી મતો વહેંચાયા અને કૉંગ્રેસની કેપ્ટન અમરિન્દરસિંહની સરકાર આવી. સ્થાનિક ચૂંટણીઓમાં પણ કૉંગ્રેસનો પંજો છવાયો. શું ત્યાં આઆપ કૉંગ્રેસની બી ટીમ ગણાય? આવું જ ઓવૈસીના મિમ સંદર્ભે કહી શકાય.

ગામડાંમાં ભાજપનું ન ચાલે: ગ્રામીણ મતદારો હવે બદલાઈ રહ્યા છે. હકીકતે બદલાઈ ગયા છે. મોબાઇલ અને ઇન્ટરનેટના કારણે ત્યાં પણ જીવનશૈલી બદલાઈ રહી છે. ગામડાં અને નગરપાલિકાઓના વિસ્તારોમાં વસતા લોકોની આકાંક્ષા વધી છે. વાગ્દત્તાની બહેન હીના અને વાગ્દત્તના પિતા વચ્ચેની વાતચીત બતાવે છે કે હવે ગામડાં કે નાનાં શહેરમાં વસતા લોકોને મોંઘા અને બ્રાન્ડેડ ફૉનની અપેક્ષા જાગી છે. વળી, ગામડાંના લોકોનું શહેરીકરણ એ સામાજિક સમસ્યા છે. ગામડાંમાં સુવિધાનો અભાવ (દેસલપર સહિત કેટલાંક ગામોએ પ્રાથમિક સુવિધાના અભાવમાં મતદાનનો બહિષ્કાર કર્યો તે ચિંતાજનક છે જ) હોય કે ભણતર/વ્હાઇટ કૉલર જૉબની ઈચ્છા, તરુણો કે યુવાનો શહેર તરફ પ્રયાણ કરે છે. આનાથી ગ્રામવાસી હોય કે આદિવાસી, તે શહેરમાં વિકાસ જુએ છે અને તેની વાત ગામડામાં પણ પહોંચે છે કારણકે આ ઝડપી કમ્યૂનિકેશનનો યુગ છે. વિજય રૂપાણીની સરકારે ગ્રામોદ્ધાર માટે લીધેલાં પગલાં; જેમ કે જમીન પચાવી પાડવા વિરુદ્ધ કાયદો, જમીનનું કામ તલાટીના બદલે કલેક્ટરને સોંપાયું, ગુંડા વિરોધી કાયદો, દારૂબંધી વિરુદ્ધ કાયદો વધુ કડક બનાવવો, ડિજિટલ સેવા સેતુથી સરકારી સેવાઓ ઘરે બેઠાં મળે તેવી પહેલ, ભાવનગરના બુધેલ ખાતે ૩૭૬.૧૯ કરોડના ખર્ચે નર્મદા તેમજ મહીપરિએજ યોજના દ્વારા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ૬૧૨ ગામો અને ૨૦ શહેરો માટે પાણી પહોંચાડવા માટે ખાતમુહૂર્ત જેવાં અનેક વિકાસલક્ષી કામો, ગરીબોને સુવિધાવાળાં પાકાં મકાનો, ૫૦૦ ગામડાંઓમાં ખેલકૂદનાં મેદાનો વિકસિત કરવાની શરૂઆત, કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી, ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે જામનગરની બાલાચડી પછી બીજી સૈનિક શાળાની જાહેરાત, તાપી-કરજણ સિંચાઈ પાણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત, ઝાલોદમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ, ગીર સોમનાથના બાદલપરા ગામમાં લાઇબ્રેરી ક્રીડાંગણનું લોકાર્પણ,  કોરોના કાળમાં ગરીબો, વિધવાઓ અને દિવ્યાંગોને સહાય, ખેડૂતોને ધિરાણ ચૂકવવાની સમય મર્યાદામાં વધારો, સરપંચો સાથે સંવાદ વગેરે જેવાં માત્ર સરકારી પ્રસાર માધ્યમોમાં નોંધ લેવાતાં અનેક કામો કર્યાં અને તેનું જ આ પરિણામ છે.

વિજય રૂપાણી મોદી જેવા કડક નથી: નિઃશંક વિજય રૂપાણીની છબી મોદી જેવા કડક નેતાની નથી. મોદીની જેમ શરૂઆતમાં તેમની સામે નીતિન પટેલ, વડોદરાના ત્રણ ધારાસભ્યોનો બળવો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અસંતોષ જેવા અનેક પડકારો તો આવ્યા પરંતુ તેની સામે કુનેહપૂર્વક કામ લીધું. નીતિન પટેલ સાથે તેમની જોડી જામી ગઈ. ધીમેધીમે તંત્ર પર પણ પકડ મેળવી લીધી.

મોદી જ વિજય અપાવી શકે, રૂપાણી નહીં: ૨૦૧૫ વખતે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપની હાર પછી ભાજપની સ્થિતિ અને કાર્યકરોનું મનોબળ ખરાબ હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાષ્ટ્રીય સ્તરે જતાં અહીં જાણે કે શૂન્યાવકાશ વ્યાપી ગયો હતો. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીનાં આંદોલનોથી ચર્ચા વ્યાપી હતી કે ગુજરાત મૉડલ ખુલ્લું પડી ગયું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ જ જીતશે. પરંતુ વિજયભાઈના નેતૃત્વમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ભાજપે જીતી. વિજયભાઈ મુખ્ય પ્રધાન બન્યા પછી આવેલી દરેક ચૂંટણી ચાહે તે રાજ્યસભાની હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી; ભાજપે ઉત્તરોત્તર સફળતા જ મેળવી છે. પહેલાં પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી અને પછી સી. આર. પાટીલ સાથે તેમણે સારો મેળ બેસાડી લીધો.

સી.આર. પાટીલ અને રૂપાણીનું જામશે નહીં: સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા તે પછી કહેવાતું હતું કે તેમની અને વિજય રૂપાણી વચ્ચે ઠંડું યુદ્ધ ચાલે છે. પરંતુ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી, મહાનગરપાલિકાઓ અને પંચાયત-નગરપાલિકા ચૂંટણીમાં સ્પષ્ટ જીત સાથે આ વાત ખોટી પડી છે.

પાટીલ અભિમાની, તોછડા છે: સી. આર. પાટીલ વિશે કહેવાતું હતું કે તેઓ અભિમાની અને તોછડા છે. પરંતુ તેઓ આવતાં વેંત ગુજરાતમાં ચારેકોર ફરી વળ્યા હતા. કાર્યકરો અને નેતાઓને જ નહીં, પરંતુ હારેલા ઉમેદવારોને પણ મળ્યા. સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા. પાર્લામેન્ટરી બૉર્ડમાં પણ ફેરફાર કર્યા. કાર્યકરોમાં જોશ ભરી દીધું. જોકે કોરોના સંબંધી નિયમો નહીં પાળવાના કારણે તેમની યથાર્થ ટીકા પણ થઈ. પાટીલ પોતાના મતવિસ્તારમાં હાજર ન રહી વારાણસીમાં નરેન્દ્ર મોદીને જિતાડવા જતા હતા અને તો પણ વિક્રમજનક રીતે જીતતા હતા. તેમણે ટૅક્નૉલૉજીનો પણ સુંદર ઉપયોગ કર્યો. પેજ પ્રમુખ અને પેજ સમિતિને મહત્ત્વ આપ્યું. ઉમેદવારોની પસંદગી માટે ૬૦ વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં, સગાઓને ટિકિટ નહીં, ત્રણ મુદ્દતથી વધુ મુદ્દતથી ચૂંટાનારને ટિકિટ નહીં જેવા નિયમો કર્યા. કડક રીતે તેનો મહદંશે અમલ કર્યો. તેના પરિણામે આ ભવ્ય વિજય મળ્યો.

મજબૂત વિપક્ષ ન હોય તે કેમ ચાલે?: ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થાય એટલે આ રાગ આલાપાય છે અને તેમાં કંઈ ખોટું નથી. પરંતુ શું વિપક્ષની ફરજ માત્ર ચૂંટાયેલી સંસ્થા-લોકસભા, વિધાનસભા, પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકા પૂરતી જ છે? નહેરુના વખતમાં પણ વિપક્ષોની સંખ્યા ઓછી જ હતી. ઈન્દિરા ગાંધીની હત્યાના કારણે તે પછી થયેલી ચૂંટણીમાં તો વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. ભાજપને માત્ર બે જ બેઠક મળી હતી. ત્યારે કેમ મિડિયા કે રાજકીય સમીક્ષકોને વિપક્ષ નથી તેવી ચિંતા ન થઈ? તેનાં પાંચ વર્ષમાં જ ભાજપે ૮૫ બેઠક પ્રાપ્ત કરી મજબૂત પુનરાગમન કર્યું. વિપક્ષ (એટલે રાજકીય સમીક્ષકો માટે કૉંગ્રેસ એમ વાંચો) પણ ૨૦૨૬માં આવું પુનરાગમન કરી જ શકે છે.

જણનારીમાં જોર ન હોય તો…: લુટિયન્સ મિડિયા, રાજકીય સમીક્ષકો તો કૉંગ્રેસને ખૂબ જ સમર્થન અને સહાય કરે છે, પરંતુ ભાજપ જીત્યા જ રાખે છે. કૉંગ્રેસના અગસ્તા વેસ્ટલેન્ડથી માંડીને અનેક કૌભાંડો બાબતે સોનિયા ગાંધી, અહેમદ પટેલ વગેરેનું નામ લખતાં પણ ખચકાય છે. કૉંગ્રેસ પ્રવક્તાના દીકરાની પરીક્ષામાં કથિત ચોરી હોય કે પાટીદારોને શ્વાન સાથે સરખાવવાનું નિવેદન હોય, કર્ણાટકમાં મધ્યમ વર્ગી મુસ્લિમો સાથે છેતરપિંડીનું આઈએમએ જ્વેલ્સ કૌભાંડ હોય, કેરળમાં સોનાની દાણચોરીમાં મુખ્ય પ્રધાન કાર્યાલયની સંડોવણી હોય કે પંજાબમાં કૉંગ્રેસના પ્રધાનો, સાંસદોનો આંતરવિગ્રહ હોય કે પછી ગુલામનબી આઝાદના નેતૃત્વમાં જી-૨૩નો રાહુલ ગાંધી સામે બળવો હોય, મિડિયા આજે પણ આ બધા સમાચારો ઢાંકી દે છે. ધ્યાન ન પડે તેમ છાપે છે. તેના પર લેખો લખાતા નથી. ચર્ચા થતી નથી. આની સામે ભાજપ સરકારો, પ્રદેશ પ્રમુખોની ઝીણામાં ઝીણી ચેષ્ટા, કેમેરામાં કેદ થતી ક્ષણો વગેરે ટીકા-ટીપ્પણીને પાત્ર બને છે. આનો લાભ અલબત્ત, ભાજપને જ થાય છે કેમ કે ભાજપ આ ટીકાઓને ગંભીરતાથી લઈ સુધારાનાં પગલાં લે છે. પરંતુ કૉંગ્રેસમાં કોઈ સુધારા થતા નથી. આમ, દાયણ ગમે તેટલી સારી હોય, જણનારીમાં જ જોર ન હોય તો દાયણ શું કરે?

ભાજપ તેનાં કામોથી નહીં, ચૂંટણી મેનેજમેન્ટથી જીતે છે: વાત આંશિક રીતે સાચી છે પરંતુ શું આ માત્ર ૧૯૯૫ પછી જ થઈ રહ્યું છે? કૉંગ્રેસના સમયમાં ગામોમાં મતો દેવા જવા દેતા હતા? બૂથો કબજે કરી મતપત્રકો પર થપ્પા નહોતા લગાવાતા? મતગણતરીમાં શું ખોટું નહોતું થતું? શું કૉંગ્રેસના હરીફ ઉમેદવારના નામેરી, દા.ત. નરેન્દ્ર દામોદરદાસ મોદી હોય તો નરેન્દ્ર દામોદરચંદ મોદીને ઊભા રખાવી મતદારોમાં ભ્રમ ઊભો નહોતો કરાતો? હરીફ ઉમેદવાર જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિના અન્ય ઉમેદવારને ઊભા નહોતા રખાતા? નાણાં-દારૂ-સાડી-ધોતિયાં નહોતાં વેચાતાં? જે તે જ્ઞાતિના આગેવાનને પોતાના તરફી કરી લઈ સામૂહિક મતદાન નહોતું કરાવાતું કે ઈમામ પાસે ફતવા બહાર નહોતા પડાતા?

આ વખતે તો ભાજપની હાર નિશ્ચિત જ છે: છેલ્લાં અનેક વર્ષથી લુટિયન્સ મિડિયા અને રાજકીય સમીક્ષકોને આવું કહેતા-લખતા આપણે જોઈએ છીએ. ૨૦૦૨માં ભાજપનો આંતરિક અસંતોષ, ૨૦૦૭ અને ૨૦૧૨માં જીપીપી ભાજપને હરાવશે. ૨૦૧૭માં રાહુલ ગાંધીનો જાદુ ચાલશે. હાર્દિક પટેલનો પાટીદાર પાવર કામ કરી જશે. ૨૦૧૪માં ૨૦૧૩ની જેમ અરવિંદ કેજરીવાલ સારું પ્રદર્શન કરી ત્રીજા મોરચાના વડા પ્રધાન બનશે. ૨૦૧૯માં ફરી કૉંગ્રેસની સરકાર બનશે. ૨૦૨૧માં મહાનગરપાલિકામાં તો ભાજપ જીતશે (ચાલો, એટલું સ્વીકારતા તો થયા) પણ પંચાયતોમાં કૉંગ્રેસ સારો દેખાવ કરશે.

ગુજરાતમાં સગાવાદ ચાલશે: કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર, અર્જુન મોઢવાડિયા અને પરેશ ધાનાણીના ભાઈઓ, વિક્રમ માડમ, પૂજા વંશ, અનિલ જોષીયારા અને નિરંજન પટેલના પુત્રો, પૂનમ પરમારના ભત્રીજા, બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર વગેરે હારી ગયા. ગુજરાતમાં માત્ર સગા હોય એટલે તે ચૂંટણીમાં ટિકિટ મેળવી લે અને જીતી જાય તે શક્ય નથી.

સ્થાનિક ચૂંટણીમાં હિન્દુત્વ ન ચાલે: કૉંગ્રેસના નેતા વિક્રમ માડમે દીકરી લગ્ન કરે તો આપણે શું કરી શકીએ તેમ મુસ્લિમો વચ્ચે મસ્જિદ પ્રાંગણમાં કહ્યું તેનો વિવાદ થયો. તેમણે આડકતરી રીતે લવજિહાદને સમર્થન આપ્યું. બીજી તરફ, વિજય રૂપાણીએ મહાનગરપાલિકા અને પંચાયત ચૂંટણી પ્રચારમાં લવજિહાદ વિરુદ્ધ કાયદો લાવવા આશ્વાસન આપ્યું. શ્રી રામમંદિર નિર્માણની વાતો પણ થઈ. કલમ ૩૭૦ નાબૂદીની પણ વાત થઈ. જો ચીન, મોંઘવારી, ખેડૂત આંદોલન જેવા રાષ્ટ્રીય મુદ્દા આ સ્થાનિક ચૂંટણીમાં ઊઠી શકે અને કેટલાક રાજકીય સમીક્ષકોના મતે તે અસર કરી શકે તો પછી શ્રી રામમંદિર, લવજિહાદ, કલમ ૩૭૦ નાબૂદી કેમ નહીં? ગુજરાતની જનતા આમ પણ રાષ્ટ્રવાદને વરેલી છે. આથી જ અહીં પ્રાદેશિક પક્ષો નથી ફાવતા.

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Kamlesh thakkar 07/03/2021 - 8:28 PM

સરસ ,અભ્યાસપૂર્ણ લેખ , કોંગ્રેસ માટે આરસી

Reply
Kamlesh thakkar 07/03/2021 - 8:30 PM

સરસ ,અભ્યાસપૂર્ણ લેખ ,કોંગ્રેસ માટે આરસી

Reply

Leave a Comment