Home » રાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ, પાત્રો જ બદલાય છે…

રાજ્યસભાની ચૂંટણીની ત્રીજી રિમેક: કથા એની એ જ, પાત્રો જ બદલાય છે…

by Jaywant Pandya

૨૦૧૭માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો અકબંધ રહે તે માટે કૉંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરુના રિસૉર્ટમાં જલસા કરતા હતા

આપણે હિન્દી ફિલ્મોમાં રિમેક જોતા રહીએ છીએ. પહેલાં કુંદનલાલ સહગલની ‘દેવદાસ’ આવી. પછી દિલીપકુમારની ‘દેવદાસ’ આવી પછી શાહરુખ ખાનની ‘દેવદાસ’ આવી. અને છેલ્લે અભય દેઓલની ‘દેવ ડી’ આવી. કથા મોટા ભાગે એક સરખી જ રહે છે. શાહરુખની ‘દેવદાસ’માં સંજય લીલા ભણશાળી ચંદ્રમુખી અને પારોને સાથે નૃત્ય કરાવે તે જુદી વાત છે. તેઓ ગમે તે કરી શકે. ગાંધીજી પર ફિલ્મ બનાવે તો કસ્તૂરબા અને મીરાબેનને સાથે નૃત્ય કરાવે તેવું અનુમાન ‘બાજીરાવ મસ્તાની’ના ‘પિંગા’ ડાન્સ પછી કહી શકાય. એ અલગ વાત છે. મૂળ વાત એકની એક કથા પર બની રહેલી ફિલ્મોની છે.

રાજકીય પટલ પર, ખાસ તો ગુજરાતના રાજકીય પટલ પર આવી જ રિમેક છેલ્લાં કેટલાંક વર્ષોથી જોવા મળતી આવી છે. ૧૯૯૪ની રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા. કૉંગ્રેસમાં પક્ષ આદેશ વિરુદ્ધ મતદાન થયું હતું. તે પછી મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલનું (અનુમાનિત રીતે એ તણાવના કારણે) હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. વર્ષ ૨૦૧૭માં રાજકીય પટલ પર કલાકાર એના એ જ રહ્યા. શંકરસિંહ વાઘેલા. અહમદ પટેલ રાજ્યસભામાં ફરી જવા માટે કૉંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. સામે પક્ષે દિગ્ગજોમાં ભાજપના પક્ષ પ્રમુખ અમિત શાહ તેમજ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની હતા. શંકરસિંહ વાઘેલા તે સમયની પરિસ્થિતિના કારણે મુખ્ય પ્રધાન બનવા થનગનતા હતા. શંકરસિંહે સંમેલનો કરી અને અન્ય નિવેદનો દ્વારા અનેક સંકેતો આપ્યા હતા. એમ મનાય છે કે જો હાઇ કમાન્ડે તેમને છુટો દોર આપ્યો હોત તો કદાચ…કદાચ કૉંગ્રેસ આવે છે, નવસર્જન ગુજરાત આ સૂત્રો સાચાં પણ પડ્યાં હોત. પરંતુ…કૉંગ્રેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી આવેલી વ્યક્તિને મુખ્ય પ્રધાનનો ચહેરો કેવી રીતે બનવા દે? કૉંગ્રેસ કહેતી રહી કે કચરો સાફ થતો હોય તો થવા દો. જેને જવું હોય તે ભલે જાય.

શંકરસિંહ વાઘેલા ગયા અને તેમની પાછળ-પાછળ આશરે તેરેક ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં. બનાસકાંઠામાં પૂર આવ્યું હતું. પૂરગ્રસ્તોની સેવા કરવાના બદલે ત્યાંના ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિતના કૉંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુના (કર્ણાટકમાં એ વખતે જદ-એસ અને કૉંગ્રેસની મિશ્ર સરકાર હતી.)ના રિસૉર્ટમાં લઈ જવાયા. ગોવાભાઈએ ટીવી કેમેરા સામે કહ્યું, “અમે અહીં એન્જૉય કરવા આવ્યા છીએ.” પરંતુ ટૅક્નિકલ બાબતોમાં ભાજપ માર ખાઈ ગયો. તે વખતે કૉંગ્રેસના ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ પટેલે મતપત્રક કૉંગ્રેસના એજન્ટ શક્તિસિંહ ગોહિલને બતાવ્યા પછી ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહને પણ બતાવ્યું હતું. આથી શક્તિસિંહજીએ વાંધો ઉઠાવ્યો. બે છેક કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ મોડી રાત સુધી ચાલેલી ભાંજગડ બાદ એ મતપત્રકો રદ્દ જાહેર કરાયા. અહમદ પટેલનો વિજય જાહેર કરાયો. અલબત્ત તેની સામે ગુજરાત હાઇ કૉર્ટમાં હજુ કેસ ચાલે છે.

૨૦૧૯ની રાજ્યસભાની પેટા ચૂંટણી વખતે પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા નામના બે ધારાસભ્યોએ ક્રૉસ વૉટિંગ કર્યું હતું. અલ્પેશે પણ લોકસભાની ચૂંટણી આસપાસ કૉંગ્રેસ સામે બળવાના સૂર ઉચ્ચાર્યા. કૉંગ્રેસે ગણકાર્યું નહીં. સામે પક્ષે અલ્પેશની મહત્ત્વાકાંક્ષા પણ વધુ હતી તે પણ સ્વીકારવું પડે. કૉંગ્રેસે તેમને બિહારના સહ પ્રભારી અને તે પણ પીઢ અને અનુભવી શક્તિસિંહની નીચે બનાવ્યા હતા. આટલી ઝડપથી એટલે કે માત્ર ત્રણ-ચાર વર્ષની રાજકીય કારકિર્દીમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચી જવું એ કંઈ નાનીસૂની વાત નથી. પરંતુ કૉંગ્રેસ-અલ્પેશ બંનેના નસીબ ખરાબ.

અત્યારે ૨૦૨૦માં પણ આ જ સ્થિતિ છે. પહેલાં ૨૬ માર્ચે યોજાવાની રાજ્યસભાની ત્રણ બેઠક માટેની ચૂંટણી હવે કોરોનાના લીધે ૧૯ જૂને યોજાશે. ૧૫ માર્ચ ને રવિવારે વીટીવી પર મારી ડિબેટ ચાલતી હતી. તે ડિેબેટ દરમિયાન કૉંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની બાઇટ આવી. તેમણે કંઈક આવું કહેલું કે સ્થાનિક સહકારી મંડળીના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરે છે. (આ બાઇક કોઈક કારણસર આ વિડિયોમાં જોવા નથી મળતી) જો તેમની સામે કેસ કરાય તો ચોક્કસ હું ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં મત આપીશ. બોલો! ટીવી પર ખુલ્લી ઑફર. મારા સાથી પેનલિસ્ટ અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલે કહ્યું કે વિપક્ષમાં તો તમારે આંદોલન કરીને ડિરેક્ટરને બરખાસ્ત કરવા, તેની સામે પગલાં લેવાની ફરજ પાડવાની હોય. એના બદલે આ ભાઈ ચોખ્ખી ઑફર આપે છે. મેં પણ કહ્યું કે રાજનીતિમાં આ સૌથી ખરાબ-કાળો દિવસ છે કે હવે ટીવી પર આ રીતે ઑફર આપવા લાગ્યા છે.

કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો રાજીનામા-પત્ર.

૩૧ જાન્યુઆરીએ ‘ગુજરાત સમાચાર’માં સમાચાર આવેલા કે વડોદરા જિલ્લા પંચાયતમાં જૂથબંધી હતી અને તેમાં એક તરફ અક્ષય પટેલ-દિલીપ ભટ્ટનું જૂથ હતું તો બીજી તરફ જશપાલસિંહ પઢિયારનું જૂથ હતું. આજે અક્ષય પટેલનો રાજીનામાનો જે પત્ર છે તેમાં તેમણે લખ્યું છે કે કૉંગ્રેસે આંતરિક જૂથબંધીના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરોની અવગણના કરી છે. કૉંગ્રેસની જૂથબંધીના પ્રતાપે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. આ વાત સાચી છે. ૨૦૧૫માં કૉંગ્રેસને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારે સફળતા મળી હતી પરંતુ આંતરિક જૂથબંધીના કારણે અનેક જિલ્લા પંચાયતો-તાલુકા પંચાયતો-નગરપાલિકાઓમાં શાસન ગુમાવવાનો વારો આવ્યો.

તો વાત એમ છે કે અક્ષય પટેલે ૧૫ માર્ચે સંકેત આપેલો. તે પછી આજે અઢી મહિના થઈ ગયા. આ અઢી મહિના દરમિયાન કૉંગ્રેસ તેમને ન મનાવી શકી તો કોનો વાંક? રાજનીતિ ક્રિકેટ મેચ જેવી છે. બધા જીતવા રમે છે. કૉંગ્રેસે પોતે પક્ષપલ્ટા, રાષ્ટ્રપતિ શાસન વગેરે કુટિલનીતિ દ્વારા જે નિયમો વર્ષોથી સ્થાપ્યાં છે તે બીજા પક્ષો પણ રમવાના જ. અને આજે જે ભાજપ કરે છે તે આવતી કાલે કોઈ નવો પક્ષ કરશે. ક્રિકેટ મેચ રમતા હો તો એવી આશા ન રાખી શકાય કે બૉલર શૉર્ટ પિચ બૉલ જ નાખે. તે તો યૉકર નાખવા, આઉટ સ્વિંગ, ઇન સ્વિંગ કરવા પ્રયત્ન કરશે. તેમાં આઉટ થાવ તો બૉલર પર આંગળી ચીંધો તો કેટલું યોગ્ય? કે અરે રે! આ બૉલર તો કેટલા ફાસ્ટ બૉલ નાખે છે? દેખાતા ય નથી? યોકર નાખે છે. એમાં રમવું કેમ?

આ જ રીતે ૨૦૧૯ની રાજ્યસભાની પેટા ચૂંટણી લડનાર અને વલસાડ કૉંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ ગત માર્ચમાં ટ્વીટ કરીને કહેલું કે ભાજપના ઉમેદવાર નરહરિ અમીન (જેઓ પહેલાં કૉંગ્રેસમાં હતા)ના ઘણા ચાહકો કૉંગ્રેસમાં છે. કૉંગ્રેસના ધારાસભ્યોની માગણી છતાં કૉંગ્રેસે કોઈ પાટીદાર ઉમેદવારને ટિકિટ નથી આપી. તેથી નરહરિ અમીન કૉંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થશે. પરંતુ બે મહિનામાં કૉંગ્રેસ જાગી નહીં. વલસાડ જિલ્લાના કપરાડાના આદિવાસી ધારાસભ્ય જિતુ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું. વાંક કોનો?

 

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment