Home » આંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો છે?

આંતરજ્ઞાતીય લગ્ન અને ટિકટૉક સામે સમાજોને કેમ વાંધો છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: ચાણસ્માના ૮૪ કડવા પાટીદાર સમાજે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર સાથે વ્યવહાર કાપી નાખવા નિર્ણય કર્યો છે. આ સાથે કેટલાક સારા નિર્ણયો પણ કર્યા છે; જેમ કે લગ્નમાં થતો ખર્ચ ઘટાડવો. વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું. આ જ રીતે લાખણી તાલુકાના ઠાકોર સમાજે ટિકટૉક પર અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રશ્ન એ છે કે આ પ્રતિબંધો કેમ?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૫/૦૩/૨૦૨૦)

શું સમાજ દ્વારા થતા નિર્ણયને પડકારી શકાય? જવાબ છે, હા. જો તે સમાજના લોકોને વિરોધ હોય, અન્યથા નહીં. આનું કારણ એ છે કે ભારતમાં વિવિધ સમાજના અગ્રણીઓ તો છે પરંતુ જે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ છે તેમાં આ રીતે સમાજના આગેવાનો નક્કી કરે તે નિર્ણય માન્ય નથી ઠરતો, પરંતુ ગુજરાતની રીતે જોઈએ તો પટેલ, ઠાકોર, જૈન, વગેરે કેટલાક સમાજ એવા છે જેના લોકોએ તેના નિર્ણય માનવા પડે છે, નહીંતર સમાજની બહાર ફેંકાઈ જવાનો ડર રહે છે. આથી સમાજના અગ્રણીઓ કેટલાક નિર્ણય કરતા હોય છે જે સમાજને બંધનકર્તા નિવડે છે અને તે હકારાત્મક કે નકારાત્મક રીતે ચર્ચામાં આવે છે.

આજે આપણે માનીએ કે ન માનીએ, પોલીસ અને ન્યાયતંત્ર સ્વીકારે કે ન સ્વીકારે, દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તે સહુ માતાપિતા માટે અને સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે અને તેમાં ઘણા અંશે લવજિહાદ પણ કારણભૂત હોય છે, તો કેટલીક વાર માતાપિતા તેમની દીકરીના પ્રેમ લગ્નની નિષ્ફળતા વિશે ચિંતિત હોય છે.

આને આવાં માતાપિતાની દૃષ્ટિએ સમજીએ. માધ્યમિક શાળા-કૉલેજમાં આવતાવેંત છોકરા-છોકરીમાં શારીરિક પરિવર્તન આવવા લાગે. આ ઉંમરમાં પ્રેમ થાય, ગુસ્સો આવે, વિદ્રોહની ભાવના જાગે. આ બધા પ્રકારની અથવા કોઈ એક પ્રકારની લાગણી ઉત્કટ રીતે થઈ શકે. આપણી આસપાસ ચારે તરફ, હવે નિર્દોષતાનું વાતાવરણ જતું રહ્યું છે. આજે ઋષિકેશ મુખર્જી કે બાસુ ચેટર્જી પ્રકારની સૂક્ષ્મ રમૂજવાળી કે વ્હી. શાંતારામ, સોહરાબ મોદી, મહેબૂબ ખાન, રાજ કપૂર, ગુરુ દત્ત, દેવ આનંદ (૬૦ના દાયકા)ની ફિલ્મો પ્રકારની ફિલ્મોની કલ્પના થઈ શકે? આજે આજુબાજુ જે કંઈ છે તે ‘ઍડલ્ટ’ સામગ્રી જ છે. સવારે વર્તમાનપત્ર ઉઘાડો તો હિન્દી ફિલ્મના સમાચાર, વિશ્વના સમાચારમાં કેટલાક ‘ઑહ માય ગૉડ’ પ્રકારના સમાચાર, તસવીરોમાં ‘ઍડલ્ટ’ સામગ્રી જોવા મળશે. ટીવી ખોલશો તો સમાચારની ચેનલમાં પણ ફિલ્મના સમાચાર/ગીત જોવા મળશે અથવા તેની વચ્ચે કૉન્ડોમ કે એવી સ્પ્રે વગેરેની ઉત્તેજક જાહેરખબર જોવા મળશે. પારિવારિક મનોરંજનની ચેનલ જુઓ તો તેમાં પણ વધતા-ઓછા અંશે આ જ પ્રકારની સામગ્રી જોવા મળી રહી છે.

ઇવન, કોઈ વેબસાઇટ ખોલો તો તેમાં ઑટોમેટિક આવી જતી ગૂગલ ઍડ, મોબાઇલ ઍપમાં આવી જતી ઍડ…આ બધાં પર કોઈ નિયંત્રણ નથી. યૂટ્યૂબમાં કોઈ વિડિયો જુઓ તો સર્ચમાં કે ઑટોસજેશનમાં ટપકી પડશે.

અને આ વિશ્વની પણ ફિનોમિના છે કે હવે છોકરીઓ પહેલાં કરતાં નાની ઉંમરમાં માસિકમાં આવી રહી છે. આથી શારીરિક ફેરફારો તો થવા લાગે પરંતુ હજુ અનુભવ અને બુદ્ધિની રીતે એટલી પરિપક્વતા નથી હોતી. સામા પક્ષે છોકરામાં તો છોકરી કરતાં મોટી ઉંમરે પરિપક્વતા આવતી હોય છે.

એટલે શાળા-કૉલેજમાં કોઈ વિજાતીય પાત્ર ગમવા લાગે તો તેમાં ટીવી-ફિલ્મ-જો વાંચવાનો શોખ હોય તો નવલકથા/વાર્તા વગેરેની રીતે ફૅન્ટસી ભળે. ગિફ્ટની આપ-લે થાય. લેકિન છુપ છુપ કે મિલને સે મિલને કા મઝા તો આયેગા…તેમાં પોતાના પાસવર્ડ/ગૅસ્ચર પ્રૉટેક્ટેડ મોબાઇલમાં, જેને માબાપ પણ ન જોઈ શકે, તેમાં અનેક જાતની મેસેજિંગ ઍપ પર ચેટ કરવાની, વિડિયો કૉલ કરવાની અને એ કૉલમાં સર્વસ્વ દેખાડી દેવાની વિનંતી થાય, ‘સોનુ, તને મારા પર ભરોસો નહીં કે?’ આવી લાગણીશીલ અપીલ થાય એટલે વિડિયો કૉલમાં દિશાનાં વસ્ત્રો ધારણ થઈ જાય. સામે પક્ષે મોબાઇલમાં હવે સ્ક્રીન રેકૉર્ડર હોવાથી વિડિયો કૉલ રેકૉર્ડ થઈ જાય અને જો સિરિયસ પ્રેમ ન હોય તો તેના આધારે બ્લેકમેઇલિંગ ચાલુ થઈ જાય.

માનો કે સિરિયસ પ્રેમ હોય તો પણ, હજુ સુધી બંને એકબીજાને જે પ્રેમ કરે છે તે શારીરિક દેખાવના આધારે, અપાતી ગિફ્ટના આધારે જ કરે છે. હજુ સુધી એકબીજાને ઇમ્પ્રેસ કરવા કે વહાલા થવા સારી-સારી વાતો કરે છે. પરંતુ સાચી ખબર ત્યારે પડે જ્યારે બંને ખરેખર પ્રેમ લગ્ન કરીને સાથે રહેવા લાગે. હિન્દી ફિલ્મમાં કહે છે તેમ ‘આટે દાલ કા ભાવ પતા ચલ જાતા હૈ’. અને પછી કમાણી, એકબીજા સાથે-એકબીજાના પરિવાર સાથે અનુકૂલન સાધવાની વાત ચાલે.

બંને જો સમજદાર હોય તો તો કોઈ પ્રશ્ન આવે નહીં અને ઘણાં પ્રેમ લગ્ન સફળ થયાં છે. પરંતુ અહીં આપણે વિચાર માબાપની દૃષ્ટિએ કરવાનો છે. બંનેની જ્ઞાતિ અલગ-અલગ હોય અને લગ્ન પછી સાસુ-સસરા કે દીકરીના સાસરિયા કે જમાઈની જ્ઞાતિવાળા કહે કે આમ તો કરવું જ પડે. તે કરતાં ન આવડે એટલે “તમારી જ્ઞાતિમાં આમ હોય પણ અમારે ત્યાં આવું ન ચાલે,” તેમ કહી સાસરિયાં દીકરીને સંભળાવે. ૨૫-૩૦ વર્ષ સુધી ચોક્કસ નીતિ-નિયમો પાળીને કે નીતિ-નિયમોને ફગાવીને મોટી થયેલી દીકરીને આ બધું આકરું લાગે એટલે કાં તો ઘરે પાછી આવે અને પછી સમાધાન થાય. જો તેમ ન થાય તો છૂટાછેડા લેવાની વાત આવે. તેમાંય જો દીકરી સેન્સિટિવ હોય કે દીકરો સેન્સિટિવ હોય તો વળી, જૂના જમાનામાં કહેતા તેમ, ‘કૂવા પૂરવાની વાત સુધી પણ મામલો પહોંચી જાય.’

ઘણી વાર તો એક જ જ્ઞાતિ હોય પણ તેમાં પેટા જ્ઞાતિ બદલાઈ જાય તો પણ રીતરિવાજ બદલાઈ જતા હોય છે અને તેમાં સમસ્યા ઉદ્ભવતી હોય છે. તો આ તો સાવ જુદી જ જ્ઞાતિ. માતાપિતાને દીકરીના પ્રેમ સામે નહીં, પણ દીકરીનાં પ્રેમલગ્ન પછી થનારી ઉપરોક્ત સ્થિતિ સામે વાંધો હોય છે. કયાં માતાપિતા પોતાની દીકરીને દુઃખી થતા જોઈ શકે? ફરી એક વાર, આનો અર્થ એવો નથી કે આંતરજ્ઞાતીય લગ્ન કે પ્રેમલગ્ન ન જ થવાં જોઈએ કે તેમાં મુશ્કેલી જ આવે અથવા તેમાં જ મુશ્કેલી આવે. અગાઉ કહ્યું તેમ હવે તો મેરેજબ્યુરો, જ્ઞાતિની ચોપડી કે પછી સગાસંબંધી દ્વારા ચીંધાતા પાત્ર સાથે માતાપિતાની સંમતિથી થતા એક જ્ઞાતિના લગ્નમાં પણ સમસ્યા આવી રહી છે. આનું કારણ પણ માનીએ ન માનીએ, મોટી ઉંમરે થતાં લગ્ન છે અને બીજું, દીકરો હોય કે દીકરી, માતાપિતા અનુકૂલન સાધતા હવે શીખવાડતા નથી.

બીજું કે ભાગીને કરાતાં લગ્નમાં માતાપિતાને જે ધક્કો લાગે છે, કોઈ વાતની ઓચિંતા જાણ થાય તેનો આઘાત પચાવવો અઘરો હોય છે અને તેમાં આસપાસના લોકો- પડોશીઓ- ઑફિસ સ્ટાફ, સમાજના લોકો, ઈર્ષા કરનારા લોકો. આ બધા ક્યાંક સહાનુભૂતિના નામે તો ક્યાંક ટોણાંના રૂપે, “કાં? અમે નહોતા કહેતા? દીકરીને બહુ છૂટ ન દેવાય?” કે પછી “કેમ? અમારો દીકરો બીજી જ્ઞાતિની વહુ લાવ્યો ત્યારે તો તેં અમને બહુ સંભળાવ્યું હતું, તારી સાથે પણ આવું જ થયું ને?” આ પ્રકારની વાતો સંભળાવતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વાર માતાપિતાને તો ઘરની બહાર નીકળવું ભારે પડી જાય છે. પરંતુ કેટલાંક માતાપિતા આવી સ્થિતિનો મજબૂત રીતે સામનો કરી લે છે અને પરિસ્થિતિ સ્વીકારી લે છે. તો કેટલાંક પોતાના દીકરા કે દીકરી સાથે સંબંધ તોડી બેસે છે.

૩ માર્ચના સમાચાર મુજબ, પાટણ જિલ્લાના ચાણસ્માના ૮૪ કડવા પાટીદાર સમાજે નક્કી કર્યું કે સમાજની દીકરીઓ આંતરજ્ઞાતીય લગ્ન કરે તો તેમની સાથે વ્યવહાર રાખવો નહીં. તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ઠાકોર સમાજે ટિકટૉક પર પ્રતિબંધ મૂક્યો. વાવનાં ધારાસભ્ય અને ઠાકોર સમાજનાં અગ્રણી ગેનીબહેન ઠાકોરે કહ્યું કે ટિકટૉક વિડિયોથી ઘણી વાર યુવતીની સગાઈ તૂટી જતી હોય છે.

પરંતુ તેમાં સાથે તેમણે એમ પણ કહ્યું કે ટિકટૉકથી વર્ગવિગ્રહ પણ થઈ શકે છે.

ગેનીબહેનની વાત થોડાક અંશે સાચી હતી કેમ કે તાજેતરમાં કથિત ટિકટૉક વપરાશકાર કીર્તિ પટેલની ધરપકડ કરાઈ તેની અને રઘુ ભરવાડ વચ્ચે જે રીતે ટિકટૉક પર હાકલાપડકારા ચાલ્યા અને તેમાં પોતપોતાના સમાજને પણ જોડવાની નિષ્ફળ કોશિશ થઈ તે જોતાં એવું લાગે કે ક્યારેક સાચે જ આનાથી વર્ગવિગ્રહ ફેલાઈ શકે છે.

ટિકટોક એ ચીનની ઍપ્લિકેશન છે અને તેનાથી માત્ર ઠાકોર સમાજ ચિંતિત છે તેવું નથી. તેનાથી દરેક જાગૃત માતાપિતા આજે ચિંતિત છે. પરંતુ નાનપણમાં બાળક તોફાન ન કરે અને પોતાને કામ કરવા દે તે માટે મોબાઇલની ટેવ પાડવાથી કે સંતાન કિશોરાવસ્થામાં હોય તો તેના સહાધ્યાયીઓની દેખાદેખીમાં તેને સ્માર્ટ ફૉન લઈ દેવાથી ટિકટૉક, પબજી ગેમ, વૉટ્સએપ વગેરેનાં દૂષણો આવી જાય છે. પછી જ્યારે માતાપિતાને ખબર પડે ત્યારે વાત તેમના નિયંત્રણ બહાર ચાલી જાય છે.

નવાઈ લાગશે પણ અમેરિકા પણ રાષ્ટ્રીય સુરક્ષાના લીધે ટિકટોકથી ચિંતિત છે. આઈ ફૉન લાવનાર સ્વ. સ્ટીવ જૉબ્સ, કમ્પ્યૂટર ક્રાંતિના જનક મનાતા બિલ ગૅટ્સ, અમેરિકન ઉદ્યોગપતિ માર્ક ક્યુબન પોતાનાં બાળકોને કાં તો સ્માર્ટ ફૉનથી દૂર રાખતા/રાખે છે અથવા મર્યાદિત સમય જ વાપરવા દેતા/દે છે. ‘ટાઇટેનિક’ સ્ટાર કેટ વિન્સ્લેટ કહે છે કે “માતાપિતા સ્માર્ટ ફૉન અને સૉશિયલ મિડિયાના લીધે પોતાનાં બાળકો પર નિયંત્રણ ગુમાવી રહ્યાં છે.” પૉપસ્ટાર મેડોના જેણે પોતાની યુવાનીમાં તમામ નિયમોને ફગાવી દીધા હતા તેને હવે સત્ય સમજાયું છે. તે માને છે કે તેણે તેનાં બાળકો જ્યારે ૧૩ વર્ષનાં હતાં ત્યારે મોબાઇલ ફૉન અપાવીને ભૂલ કરી છે. તેના લીધે તેનાં બાળકો હવે મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે અને તેથી તે તેનાથી દૂર થઈ ગયાં છે.”

સામે પક્ષે પ્રશ્ન એ પણ છે કે આજે બધું જ ઑનલાઇન થઈ ગયું છે. શાળા હોય કે ટ્યૂશન, બધી જ સૂચના વૉટ્સએપમાં આવે છે. તો શું કરવું? માતાપિતા પોતાની પાસે મોબાઇલ રાખી શકે, પરંતુ બાળકોને મોબાઇલની જેટલી બને તેટલી ટેવ ઓછી પાડે તે બાળકોને આંખના નંબરથી લઈને તેમને ડિપ્રેશન, યાદશક્તિ ઘટવી, ચીડિયા થવું, એકલપંડા થવું, આ બધાં દૂષણોથી બચાવવા માટે સારું છે. સંપર્ક માટે મોબાઇલ આપવો જ પડે તો સાદો ફૉન આપી શકાય.

ફરી આપણે સમાજ એટલે કે જ્ઞાતિ દ્વારા અને તેમાંય ખાસ કરીને તાલુકા કે ગ્રામીણ કક્ષાએ લેવાતા નિર્ણયની વાત પર પાછા ફરીએ તો, આ લોકો પોતાની વાત સમજાવવા કદાચ તર્ક સારી રીતે આપી શકતા નથી, કારણકે બોલવું કે લખવું તેમને ઓછું આવડતું હશે. પરંતુ તેનાથી તેમની ચિંતા ઓછી ગંભીર નથી થઈ જતી. શહેરમાં રહેતા હોવાથી અને આપણે પુખ્ત વયના હોવાથી આપણી વિવેકબુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી શકતા હોઈશું પરંતુ તેનાથી આ જ્ઞાતિઓ દ્વારા લેવાયેલા નિર્ણયોને વખોડીને તેમને તેનાથી પાછા ફરવા માટે બાધ્ય કરવા દબાણ લાવવું અયોગ્ય છે. હા, માત્ર દીકરી માટે જ કોઈ પણ બંધન રાખવું તે અતાર્કિક, અન્યાયી અને ગેરવાજબી જ છે. તે જ રીતે આંતરજ્ઞાતીય લગ્ન માટે દીકરા-દીકરી બંનેને મૂછનો દોરો ફૂટવા લાગે, માસિક ધર્મમાં આવવા લાગે ત્યારે બેસીને શાંતિથી સમજાવવા એ વધુ જરૂરી છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment