Home » દશેરાએ દહન કરવાના બાકીના ચાર દુર્ગુણો કયા?

દશેરાએ દહન કરવાના બાકીના ચાર દુર્ગુણો કયા?

by Jaywant Pandya

સબ હેડિંગ: ગયા અંકે આપણે દશેરા પર દહન કરવાના દસ દુર્ગુણો પૈકી છ દુર્ગુણો જોયા. આ વાત લાંબી હોવાથી ચાર દુર્ગુણોને આપણે બાકી રાખ્યા હતા. આજે બીજા ચાર દુર્ગુણોને જોઈએ. અને દશેરા ભલે ચાલ્યા ગયા, પરંતુ છ દુર્ગુણો પછી હવે આ ચાર દેશવિરોધી દુર્ગુણોને પણ દહન કરવાનો સંકલ્પ લઈએ.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૩/૧૦/૧૯)

(ગતાંકથી આગળ)

ગતાંકે આપણે ૧. અસ્વચ્છતા, ૨. ધર્મના નામે ઉપાસનાનું જાહેર-બીજા નાગરિકોને હેરાન કરતું પ્રદર્શન, ૩. જાતિવાદ, ૪. પ્રાંતવાદ/ભાષાવાદ, ૫. જાહેર સંપત્તિને નુકસાન અને ૬. સમયપાલનની વાત કરી હતી. બીજા ચાર દુર્ગુણો કયા છે, તેની વાત કરીએ.

દેશવિરોધી કૃત્ય: કોઈ પણ એવું કૃત્ય જેનાથી દેશને હાનિ પહોંચી શકે તેમ હોય, જેનાથી દેશની છબિ ખરડાય, જેનાથી દેશની એકતા-અખંડિતતા જોખમમાં મૂકાય તેવા કૃત્યને દેશવિરોધી કૃત્યમાં ખતવી શકાય.

કોઈ દેશવિરોધી તાકાત દેશના લોકોમાં રાજ્યના નામે, ભાષાના નામે, જાતિના નામે, વિખવાદ ઊભો કરવા પ્રયત્ન કરે ત્યારે કેટલાક દિવસ થોભી જવાનું. વિચારવાનું કે આ વિખવાદ ક્યાંથી જન્મ્યો? કોણે તેને હવા આપી? જેણે હવા આપી તેનો કોની સાથે સંબંધ છે? હવે તો સૉશિયલ મિડિયામાં તેની છઠ્ઠી નીકળી આવે છે. તો તે જોઈ જવાનું. કોઈ નેતા બનવા માગતું હોય તો તેની પાછળપાછળ આંખ મીચીને ઉશ્કેરાઈને જાહેર સંપત્તિને સળગાવવા, રેલવે ટ્રેનો રોકવામાં, બસો પર પથ્થરમારો કરવામાં, જોડાઈ નહીં જવાનું. વિરોધ કરવાના હજાર બીજા રસ્તા છે. તે કરી શકાય છે.

આપણે તો દેશવિરોધી કૃત્યમાં ન જ જોડાઈએ પરંતુ આપણી આસપાસ પણ દેશવિરોધી કૃત્ય થતું હોય તેને રોકીએ, તેનો વિરોધ કરીએ.

કાયદાનો ભંગ: અંગ્રેજો હતા ત્યારે જુદી વાત હતી કે કાળા કાયદાનો વિરોધ ગાંધીજી જેવા લોકો પણ કરતા હતા. પરંતુ તે પછી ઈન્દિરા ગાંધી જેવા વડાં પ્રધાનોના શાસનને બાદ કરતાં મોટા ભાગે એવા શાસન રહ્યા જેમાં કાયદાનો ભંગ થાય તેને સજા ન થાય. કેટલીક વાર હળવી થાય. તો કેટલીક જગ્યાએ કાયદો પણ પાછો ખેંચી લેવાય. કૉર્ટ, પોલીસ વગેરે બધી જગ્યાએ પણ પૈસા દેતા પકડાયા તો પૈસા દઈને છૂટી જવાની રીત ચાલી.

સો મેં સે અસ્સી બેઇમાન, ફિર ભી મેરા ભારત મહાનની ઉક્તિ ચાલી. પરંતુ એ વિચાર્યું કે ભ્રષ્ટાચારની તાળી એક જ હાથે પડે છે? નવરાત્રિના ફ્રી પાસ લેવામાં પણ કરગરતા લોકો હોય છે. સ્વમાન અને સ્વાવલંબન શા માટે તડકે મૂકવામાં આવે છે? અને શા માટે કાયદાનો ભંગ કરવો ગમે છે? કઈ રીતે ફલાણા કાયદાની છટકબારી પોતે શોધી કાઢી તે કહેવામાં મજા શા માટે આવે છે? નોટબંધી વખતે પણ આવું થયેલું અને ટ્રાફિકના નિયમો માટે પણ આવું થયેલું. જો આપણે કાયદાનું બરાબર પાલન કરીશું તો આપણે અધિકારપૂર્વક સરકાર-તંત્રના કાન પણ આમળી શકીશું કે તમે આ બરાબર નથી કરી રહ્યા. હવે તો સૉશિયલ મિડિયા છે. અને આપણે એવા વિડિયો જોયા છે જેમાં પોલીસને પણ કાયદાનું પાલન કરવા જાગૃત નાગરિકોએ ફરજ પાડી છે. આના વિશે ટ્રાફિક કાયદા પરના લેખમાં વિસ્તૃત લખેલું એટલે વધુ લખતો નથી.

વિદેશી કંપની/વિદેશી ભાષા: ગત દશેરાએ પ્રવચનમાં ફરી એક વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી સ્વદેશીની વ્યાખ્યા સ્પષ્ટ થઈ. સ્વદેશી પર સંઘનો ઠેકો નથી, પરંતુ સ્થિતિ એવી છે કે અત્યારે માત્ર સંઘ જ સ્વદેશીની વાત કરે છે. તે પહેલાં પણ વર્ષોથી આ વ્યાખ્યા સ્પષ્ટ જ હતી. લોકમાન્ય તિલકે શરૂઆત કરી. ગાંધીજીએ પણ તે અપનાવ્યું. સ્વદેશી એટલે જેટલી બને તેટલી ચીજો સ્વદેશમાં નિર્મિત અને સ્વદેશી લોકોએ બનાવી હોય તે ખરીદવી. વિદેશી કંપનીઓને કમાણી ન કરાવવી. તેનું કારણ છે કે તેની કમાણીમાંથી ક્યારેક તેનો ઉપયોગ વટાળ પ્રવૃત્તિ માટે, દેશ તોડવા માટે થતો હોય છે. તેમ ન થાય તો પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો દુ:સ્વપ્ન સમાન ભૂતકાળ આપણી નજર સમક્ષ છે જ. એટલે આપણે ત્યાં ન મળતી હોય તેવી ચીજો, ટૅક્નૉલૉજી નાછુટકે વાપરીએ પરંતુ સાબુ, ટૂથપેસ્ટ, કપડાં વાનગીઓ, વગેરેમાં આપણે વિદેશી કંપનીનો મોહ જતો ન કરી શકીએ? કેટલાક બુદ્ધુજીવીઓ સ્વદેશની વાત આવે એટલે ‘વિદેશી મોબાઇલ/કમ્પ્યૂટર પર સ્વદેશીનો પ્રચાર કરતી પૉસ્ટ’ એમ લખીને સ્વદેશીનો અર્થ વિકૃત કરીને સ્વદેશીના આંદોલનને ઉતારી પાડે છે.

આવું જ વિદેશી ભાષા બાબતે પણ છે. આપણે ત્યાં દાસત્વનાં હજારો વર્ષોના કારણે પારકી ભાષાના કેટલાક શબ્દો ઘૂસી ગયા છે. એટલે માતૃભાષા કે રાષ્ટ્રભાષાનો આગ્રહ રાખીશું તો ભદ્રંભદ્ર, આ શબ્દનો પર્યાય શું લાવશો વગેરે દ્વારા ભાષાપ્રેમીઓના પ્રયાસોને બુદ્ધુજીવીઓ ઉતારી પાડતા હોય છે. બને ત્યાં સુધી જે ભાષામાં લખતા હોય તે શુદ્ધ લખવાનો પ્રયત્ન કરવો. વિદેશી ભાષા પણ શીખવી જ. જો આપણને તે આવડતી હશે તો જ તેના સાહિત્યને આપણે સમજી શકીશું અને ક્યારેક જરૂર પડે તો તે ભાષામાં જ તેમનો વિરોધ કરી શકીશું. પરંતુ આ બધું આપણી ભાષાના ભોગે તો કદાપિ નહીં. આપણે આપણી ભાષાના શબ્દો ભૂલી ગયા હોઈએ તો ભગવદ્ ગો મંડળ હવે ઑનલાઇન પ્રાપ્ય છે. તે ખોલીને રોજ એક નવો શબ્દ શીખીએ. ગુજરાતી લેક્સિકૉન રોજ એક નવો શબ્દ મૂકે છે. અંગ્રેજીમાં બહુ ટૂંકા સમયાંતરે નવા-નવા શબ્દો (દા.ત. બ્રૅક્ઝિટ) આવતા રહે છે. ગુજરાતીમાં સમાચારપત્રો-ન્યૂઝ ચૅનલોથી માંડીને સાહિત્યમાં કયા નવા શબ્દો આવ્યા? અથવા જૂનાને ફરી અલમારીમાંથી કાઢીને ચમકીને વપરાયા? બ્રિટન + ઍક્ઝિટ પરથી બ્રૅક્ઝિટ બન્યો તો ગુજરાતીમાં બ્રિટન + વિદાય પરથી આપણે બ્રિદાય જેવો નવો શબ્દ બનાવીને કેમ વાપરી ન શકીએ? ગૂગલ એક કંપનીનું નામ છે, તે વેબસાઇટ પરથી સર્ચ કરાય છે, પરંતુ અંગ્રેજીમાં ગૂગલ ઇટ એટલે કે શોધો તેવો શબ્દ પ્રયોગ કેટલાંક વર્ષોથી થવા લાગ્યો છે. ગૂગ્લ્યું જેવા નવા ક્રિયાપદ કેમ ન પ્રયોજી શકીએ?

વિદેશમાં ભારતની છબી: વિદેશ જતી વખતે તો ખાસ ધ્યાન રાખવું. વિદેશમાં તમે સ્વતંત્ર ઓળખ લઈને નથી જતા, તમારા દેશની ઓળખ લઈને જાવ છો. અત્યાર સુધી અમેરિકામાં ભારતીયોને એશિયનોમાં ખતવી નખાતા હતા. ૨૦૦૧માં ન્યૂ યૉર્કમાં ત્રાસવાદી હુમલા પછી ભારતીયો પ્રત્યે હૅટ ક્રાઇમ વધ્યા હતા. તેનું કારણ એ હતું કે ત્યાંના લોકોને ખબર જ નહોતી કે ભારતીયો એ પાકિસ્તાની નથી. તેમને ખબર જ નહોતી કે બધા દાઢીવાળા લાદેન (ત્રાસવાદી) પ્રજાતિના નથી હોતા. એટલે શીખોને પણ મારતા હતા, હત્યા કરતા હતા.

પરંતુ વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેમણે મેડિસન સ્ક્વૅર ખાતે અને વર્ષ ૨૦૧૯માં વડા પ્રધાન બન્યા પછી હ્યુસ્ટનમાં કાર્યક્રમો (અને આ જ રીતે દરેક વિદેશમાં ભારતીય સમુદાયના કાર્યક્રમો) કરીને ત્યાં વસતા ભારતીય મૂળના અને ભારતીય સમુદાયના લોકોને ગૌરવાન્વિત કર્યા. ભારતની સિદ્ધિઓ વર્ણવીને ત્યાં ભારતીય લોકોમાં પણ ગૌરવ ભરવાનું કામ કર્યું. એટલે તો હ્યુસ્ટનમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે, ભલે ચૂંટણી જીતવાના ઈરાદે તો તેમ પણ, આવવું પડ્યું. અને હવે ભારતીયોની અલગ છાપ વિદેશોમાં ઊભી થઈ છે. તેમને એશિયનોમાં ખતવવામાં આવતા નથી. ઉલટાનું પાકિસ્તાનીઓ હવે પોતાને ભારતીયોમાં ગણાવવાનું પસંદ કરવા લાગ્યા છે.

એટલે જ ભારતીયો વિદેશી ટૂર પર બહુ જતા હોય કે ત્યાં ભણવા, નોકરી કરવા, ધંધો કરવા જાય, ત્યાં કાયમ માટે રહી જાય તો પણ તેના માથે એક જવાબદારી છે કે તે પોતાનો વ્યવહાર એવો કરે જેથી ભારતની છબિ બગડે નહીં. અમેરિકામાં વીમાના ખોટા દાવા કરવામાં કે પછી બીજાં ગુનાઓમાં કેટલીક વાર ભારતીયોનું નામ આવતું હોય ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય. ગેરકાયદે ત્યાં ઘૂસવાના પ્રયાસો પણ ભારતીય તરીકે ન કરવા જોઈએ. જેમ બાંગ્લાદેશીઓ ગેરકાયદે ઘૂસી આવે તે આપણને પસંદ નથી પડતું તો અમેરિકાના મૂળ (જોકે તેઓ પણ મૂળ નિવાસી તો નથી જ પરંતુ વર્ષોથી વસતા હોય તેમને) નિવાસીઓને પસંદ ન જ પડે.

ઑસ્ટ્રેલિયામાં ૨૦૦૯ની આસપાસ ભારતીય વિદ્યાર્થીઓ પર બહુ હુમલા થવાની ઘટનાઓ બની હતી ત્યારે પણ મેં ‘અભિયાન’ સામયિકમાં લખેલું કે સામાન્ય વાતચીત પણ મોટા અવાજે કરવાની ટેવ, ક્રિકેટ મેચ હોય તો ભારતનો પક્ષ લેવાની ટેવ વગેરે તેમને પસંદ ન પડે.

હમણાં જૂન મહિનામાં બાલી ખાતે એક ભારતીય પરિવાર હૉટલમાંથી ટુવાલ, રૂમ શણગારનો સામાન વગેરે ચોરતો પકડાયો હતો. આનાથી માત્ર તેમની છબિ જ બગડે છે? ના. આવી ઘટનાઓ જો ઝાઝી બને તો તેઓ એવું જ વિચારવાના કે ભારતીય લોકો ચોર હોય છે.

આ જ રીતે આપણા રાજ્યની છબિ પણ આપણી સાથે જ આવે છે. હમણાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે બિહારીઓ દિલ્લીમાં આવીને રૂ. ૫૦૦માં ઈલાજ કરાવી જાય છે. આપણો દેશ અલગ-અલગ રાજ્યો છતાં એક જ છે. પરંતુ એ પણ વિચારવું પડે કે ઉત્તર પ્રદેશ-બિહારના લોકો માટે કેજરીવાલ, શિવ સેના, રાજ ઠાકરે, ગુજરાતમાં અલ્પેશ ઠાકોર વગેરે કેમ આવાં નિવેદનો કરે છે? શું આના માટે માત્ર રાજનીતિ જ જવાબદાર છે? આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ગુજરાતીઓ પ્રત્યે કોઈક ખૂણે કડવાશ કેમ છે? રાજ્યનું ગૌરવ બાજુએ મૂકીને ઠંડા કલેજે વિચારીએ કે બધા ગુજરાતીઓ ખરાબ નથી હોતા, તો બધા સારા પણ નથી હોતા. પરંતુ એ સારા ન હોય તેમના કારણે છબિ ભૈયા-બિહારીઓની-ગુજરાતીઓની ખરાબ થાય છે. એટલે હંમેશાં જ્યાં જઈએ ત્યાં સારું વર્તન કરીએ. આપણી સંસ્કૃતિ, આપણી ભાષાને જાળવીને ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ભાષા, ત્યાંના પહેરવેશને અપનાવીએ.

મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ જે રીતે ધારાપ્રવાહ મરાઠી બોલતા હોય છે, કે ગુજરાતમાં મહારાષ્ટ્રીય લોકો જે રીતે અસ્ખલિત ગુજરાતી બોલતા હોય છે, નામ પરથી ન કળીએ તો ખ્યાલ પણ ન આવે કે આ બીજા રાજ્યમાંથી આવીને વસ્યા છે. પરંતુ ગુજરાતમાં હવે જે કોઈ ઉત્તર ભારતથી આવે છે તે આવો પ્રયાસ નથી કરતા. વળી અપરાધોમાં પણ ઉત્તર ભારતીયોનાં નામ આવી રહ્યાં છે. તેથી જે કડવાશ હતી તેને અલ્પેશ ઠાકોરના આંદોલન દ્વારા હવા મળી હતી અને દુઃખદ રીતે તેણે હિંસક રૂપ લીધું હતું.

ગયા અઠવાડિયે અસ્વચ્છતાની વાત કરતા જણાવ્યું હતું કે આપણે ત્યાં ભદ્ર લોકોના મનાતા ગઝલના કાર્યક્રમમાં કહેવાતા ભદ્ર લોકો પણ સિંગના ફોતરા, મોટે મોટેથી હાહાહીહી, વાતોના તડાકા મારતા હોય છે. આની સામે વર્ષ ૨૦૧૪ના ફિફા વિશ્વ કપમાં જાપાન બેલ્જિયમ સામે હારી ગયું. ભારત કે પાકિસ્તાન જેવા દેશના લોકો શું કરે? આપણને ખબર છે કે ક્રિકેટમાં શું થાય છે. હાર્યા પછી બૉટલો ફેંકાય, સામેના ક્રિકેટરોને ગાળો ભાંડવામાં આવે વગેરે થતું હોય છે. પરંતુ એ ફિફા વિશ્વ કપમાં જાપાન હારી ગયા પછી તેના પ્રેક્ષકોએ શું કર્યું?

કોઈના કહ્યા વગર તેઓ સ્ટેડિયમ સાફ કરવા લાગ્યા. જાપાનના ખેલાડીઓએ હારીને પણ પ્રશંસા મેળવી પરંતુ જાપાનના નાગરિકોએ તો અન્ય દર્શકોનાં હૈયાં જીતી લીધાં.

એટલે આપણી બોલચાલ, આપણી વેશભૂષા, આપણું વર્તન વગેરે આપણા જ વ્યક્તિત્વનો નહીં, આપણા રાજ્ય અને આપણા દેશનો પણ પરિચય આપતું હોય છે.

તો, ગત અંકમાં ગણાવેલા છ અને આ અંકના ચાર એમ દસ દુર્ગુણોનું દહન પાકું ને?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment