Home » “મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

“મેં જે રીતે અબ્દુલ રાશીદ અને જનરલ ડાયરને માફ કરી દીધા તેમ તમે પણ…”

by Jaywant Pandya

સબ હેડિંગ: “મેં તે સમયે પણ માત્ર સ્વામી શ્રદ્ધાનંદની જ ટીકા કરેલી. કેટલાંક માતાપિતા મોટા ભાગે પોતાના દીકરાનો બહારના સાથે ઝઘડો થાય તો પોતાના સંતાનને જ ઠપકો આપતા હોય તેવું કદાચ તે વખતે મેં કરેલું. તે વખતે મૌલાના અબ્દુલ બારીએ તો ફતવો બહાર પાડેલો જે મુસ્લિમો હિન્દુ બન્યા છે તે ત્રણ દિવસમાં ફરીથી મુસ્લિમ બની જાય, નહીં તો તેમની હત્યા કરી નાખવામાં આવશે, પરંતુ મેં તેમની ટીકા ન કરી.”

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૯/૦૬/૧૯)

 સ્થળ: સ્વર્ગ

જ્યેષ્ઠ સુદ બીજ, વિ.સં.૨૦૭૫

પ્રિય દેશવાસીઓ,

આજે કોઈ ગાંધીજયંતી નથી કે ગાંધીનિર્વાણ દિન પણ નથી. તો પછી તમને થશે કે હું આ કાગળ તમને કેમ લખી રહ્યો છું? હું પોતે પત્રકાર રહ્યો છું પણ અમારા વખતમાં આવું પત્રકારત્વ નહોતું. કે પંચાંગ જોઈને જેનો જન્મદિન હોય કે કયો દિવસ છે તેના પર લખવું. અમે લોકો વિચારમાં માનનારા હતા અને વિચારને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરનારા હતા.

આ કાગળ હું લખું છું તેની પાછળનું કારણ એ છે કે હમણાંહમણાં મને બહુ યાદ કરવામાં આવે છે. તેથી મને હેડકી ઉપડે છે. મને પણ નવાઈ લાગે છે કે મને કેમ યાદ કરવામાં આવે છે? પછી મેં મહાદેવભાઈને પૂછ્યું તો ખબર પડી કે મારી ૧૫૦મી જયંતી ઉજવાઈ રહી છે. તેથી મને યાદ કરવામાં આવે છે. પણ તે કરતાંય મારા નામે જે બેફામ વાણીવિલાસ થઈ રહ્યો છે તેમાં મને વધુ સ્મરવામાં આવે છે.

કમલ હાસન જેવા કેટલાક લોકો ગોડસેને ખોટી રીતે યાદ કરે છે તો સાધ્વી પ્રજ્ઞા જેવા કેટલાંક લોકો તેની તરફેણમાં કૂદી પડે છે ને વળી કેટલાક બીજા લોકો આ તરફેણવાળાની વિરુદ્ધમાં કૂદી પડે છે. અને કહે છે કે આ ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહે છે. તેને પગે લાગે છે. તેનાં મંદિરો બનાવે છે. આ કેવી વાત છે! હમણાં આઈએએસ અને મુંબઈ મહાનગરપાલિકાની કમિશનર દીકરી નિધિ ચૌધરીના ટચુકડા લખાણે વિવાદ જન્માવ્યો એટલે મને થયું કે મારે હવે કંઈક કહેવાની જરૂર છે.

મને પ્રશ્ન થાય છે કે મારી વિચારધારા, મારાં લખાણો કે મારું જીવન આ કહેવાતા ગાંધીતરફી લોકોએ વાંચ્યું જ નથી. સમજવાની વાત તો દૂર રહી. જો વાંચ્યું હોત તો તેઓ ગોડસેનો વારંવાર તિરસ્કાર ન કરત.

એક સ્વામી શ્રદ્ધાનંદ કરીને આર્યસમાજી હતા. તેમણે પણ મારી જેમ સ્વતંત્રતાની લડાઈ લડી, પરંતુ મારા ગયા પછી મારું ને નહેરુનું જ નામ રહી ગયું. લોકોના મનમાં તો એવું ઠસાવી દેવાયું કે અમે બે જ જણાએ જાણે આઝાદી અપાવી. એમાંય પ્રદીપ જેવા રાષ્ટ્રવાદી કવિ પણ લખી ગયા કે દે દી હમેં આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ. વળી આ કૉંગ્રેસે પોતે જ સ્વતંત્રતાની લડાઈ લડી હોય તેમ ગાણું ગાયે રાખ્યું. પણ આવા તો કેટલાય અગણિત અનામી લોકો હતા. સ્વામી શ્રદ્ધાનંદે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડાઈ તો લડી જ પરંતુ સાથે આર્ય સમાજ સાથે જોડાઈને સમાજ સુધારણા અને શિક્ષણના ઉત્થાન માટે પણ કાર્ય કર્યું. તેમણે પશ્ચિમી પદ્ધતિની જગ્યાએ વૈદિક શિક્ષા પ્રણાલિ ગુરુકૂળ પ્રારંભ કરીને શિક્ષણ માટે ઘણું કાર્ય કર્યું. સ્વામીજીએ અસહાય, લાચાર અને ગરીબોને ગળે લગાડ્યા અને વિધવાઓ તથા દલિતોને તેમનો હક અપાવ્યો.

આપણા કેટલાક માર્ગ ભટકેલાઓએ વિધર્મી બની ગયેલા હિન્દુઓને પાછા હિન્દુ બનાવવા સામે આત્મહત્યાની ચીમકી આપી તેનું પરિણામ આપણે કાશ્મીર સહિત અનેક જગ્યાઓએ જોયું. પણ સ્વામી શ્રદ્ધાનંદ વિધર્મીઓને પાછા હિન્દુ બનાવતા હતા. હમણાંહમણાં તમે એને ઘરવાપસી કહેવા લાગ્યા છો. પરંતુ આ કાર્ય છતાં અનેક મુસ્લિમો તેમને આદર આપતા હતા. ૪ એપ્રિલ ૧૯૧૯ના રોજ મુસલમાનોએ સ્વામી શ્રદ્ધાનંદને પોતાના નેતા માનીને ભારતની સૌથી મોટી ઐતિહાસિક જામા મસ્જિદના બિમ્બ પર બેસાડીને તેમનો ઉપદેશ સાંભળીને તેમનું સન્માન કર્યું હતું.

હા, એ વાત સાચી કે લઘુમતી પ્રત્યે મારા વિચારો અને આચારોના કારણે તેમને મારી સાથે મતભેદ થયા અને તેમણે કૉંગ્રેસમાંથી ત્યાગપત્ર આપી દીધો. તેમ છતાં દેશની સ્વતંત્રતા માટે તેમણે કાર્ય બંધ નહોતું કર્યું.  

સ્વામીજીના આ શુદ્ધિકરણ કે ઘરવાપસીના આંદોલનની મુસ્લિમ સમાજમાં તીવ્ર પ્રતિક્રિયા પડી. જમાયત-ઉલ-ઉલેમા નામની સંસ્થાએ ૧૮ માર્ચ ૧૯૨૩ના રોજ બેઠકમાં સ્વામી શ્રદ્ધાનંદ અને તેમના શુદ્ધિ આંદોલનની ટીકા કરી નિંદા પ્રસ્તાવ પસાર કર્યો. વાત એટલી વણસી કે કેરળના માલાબાર, પંજાબના મુલ્તાન, કોહાટ, અમૃતસર, સહારનપુર વગેરેમાં રમખાણો થયાં.  તેમાં અનેક હિન્દુઓની હત્યા થઈ, તેમની સંપત્તિ છિનવી લેવાઈ અને હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરાયા. તેના માટે મુસ્લિમ નેતાઓએ દુઃખ વ્યક્ત કરવાના બદલે સ્વામીજી દ્વારા ચલાવાયેલા શુદ્ધિઆંદોલનને જવાબદાર ગણાવ્યું! સ્વામીજીના હાથમાં તે જ સમયગાળા દરમિયાન ખ્વાજા હસન નિજામીનું લખેલું પુસ્તક ‘દાઇ ઇસ્લામ’ (ઇસ્લામના મિશનરી) આવ્યું. આ પુસ્તક ચોરીછુપીથી મુસલમાનોમાં વહેંચવામાં આવતું હતું. તેમાં અપીલ કરાઈ હતી કે મુસલમાનો સારાનરસા ગમે તે રસ્તે હિન્દુઓને મુસલમાન બનાવે. હિન્દુઓના ઘર-શેરીઓમાં જઈને સ્ત્રીઓને બંગડી વેચીને, વેશ્યાઓને ગ્રાહકોમાં, કેશકર્તનકારો દ્વારા વાળ કાપતી વખતે ઇસ્લામનો પ્રચાર કરવા અને મુસલમાન બનાવવા કહેવાયું હતું. ખાસ કરીને છ કરોડ દલિતોને મુસ્લિમ બનાવવા કહેવાયું હતું. સ્વામીજીએ તેનો હિન્દીમાં અનુવાદ કર્યો.

૧૯૨૩માં કૉંગ્રેસનું કાકીનાડામાં અધિવેશન થયેલું. તેમાં પ્રમુખ હતા મૌલાના મોહમ્મદ અલી. તેમણે તો છ કરોડ અસ્પૃશ્યોને હિન્દુઓ અને મુસ્લિમોમાં વહેંચવાની વાત કરી દીધી હતી. જોકે તે પછી તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી દીધેલો. આજે મને વિચાર આવે છે કે તે સમયે રાષ્ટ્રવાદી એવા મોહમ્મદ અલી ઝીણા જેવા મુસ્લિમોના વિરોધ છતાં તુર્કીના ખિલાફત આંદોલનને ટેકો આપીને મેં ભૂલ તો નહોતી કરી ને? ઝીણાએ તો કહેલું કે ભારતીય મુસ્લિમોને તુર્કીના મુસ્લિમો સાથે કંઈ લાગતું-વળગતું નથી. પરંતુ મને લાગ્યું કે તેનાથી ભારતના મુસ્લિમો સ્વતંત્રતા આંદોલન સાથે જોડાશે. થયું ઉલટું. મુસ્લિમોમાં ભારત કરતાં ભારતની બહારના મુસ્લિમો સાથે ઐક્ય સાધવાની ખોટી દૃષ્ટિ વિકસી.

મેં તે સમયે પણ માત્ર સ્વામી શ્રદ્ધાનંદની જ ટીકા કરેલી. કેટલાંક માતાપિતા મોટા ભાગે પોતાના દીકરાનો બહારના સાથે ઝઘડો થાય તો પોતાના સંતાનને જ ઠપકો આપતા હોય તેવું કદાચ તે વખતે મેં કરેલું. તે વખતે મૌલાના અબ્દુલ બારીએ તો ફતવો બહાર પાડેલો જે મુસ્લિમો હિન્દુ બન્યા છે તે ત્રણ દિવસમાં ફરીથી મુસ્લિમ બની જાય, નહીં તો તેમની હત્યા કરી નાખવામાં આવશે, પરંતુ મેં તેમની ટીકા ન કરી. મેં કહ્યું કે કુરાન તો અહિંસાનો ઉપદેશ આપે છે. તેથી આ ફતવો મને સમજાતો નથી. મને હવે લાગે છે કે આના કારણે કટ્ટર મુસ્લિમોનું મનોબળ વધતું ગયું અને બીજી તરફ હિન્દુઓને તે વખતે રમખાણોના કારણે જે માર પડી રહ્યો હતો તેના કારણે કેટલાક હિન્દુઓમાં મારા પ્રત્યે રોષ વધી રહ્યો હોઈ શકે.

હા, એક વાત કહેવાની રહી ગઈ. ખિલાફત આંદોલન વખતે કેરળના માલાબારમાં જે હિંસા થઈ હતી તેમાં મુસ્લિમોએ બ્રિટિશરોને તો નિશાન બનાવ્યા જ પરંતુ સાથોસાથ હિન્દુઓની પણ હત્યા કરેલી. અમેઠીમાં હારના ડરથી નહેરુની દીકરીના પૌત્ર રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડ્યા તે વાયનાડમાં ખિલાફત સલ્તનત સ્થાપેલી. તે વખતે પણ મેં જે લેખ લખેલો તેમાં ૫૦૦ મોપલા (મુસ્લિમો) મરી ગયેલા તેમ લખેલું પરંતુ હજારો હિન્દુઓ માર્યા ગયા હતા અને બ્રિટિશરો વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસા હિન્દુઓ વિરુદ્ધની હિંસામાં પરિણમી તે મેં ન લખ્યું. કદાચ, લિબરલ મિડિયાનો હું ભીષ્મ પિતામહ ગણાઉં.

મોપલા મુસ્લિમો દ્વારા આ ઘૃણિત હિંસાની ટીકા કરવાના બદલે કૉંગ્રેસના નેતા (જે બાદમાં સામ્યવાદી પક્ષ-સીપીઆઈના સ્થાપકો પૈકીના એક બન્યા) મૌલાના હસરત મોહાનીએ મોપલાઓનાં બલિદાનની પ્રશંસા કરી હિન્દુઓના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હતુંતેના સંદર્ભમાં મેં એક પત્રમાં જવાબ આપતાં મૌલાના હસરત મોહાનીની પીઠ થાબડીને તેમને બહાદુર ગણાવ્યા. મેં લખ્યું કે “અંગ્રેજી સરકાર અને અંગ્રેજો સામેની તેમની અગણિત નફરતમાં તેમને મોપલા મુસ્લિમોએ જે કર્યું તે ખોટું લાગતું નથી. મૌલાના માટે યુદ્ધ અને પ્રેમમાં બધું જ ચાલે. તેમણે નક્કી કરી લીધું છે કે મોપલા મુસ્લિમો મઝહબ માટે લડ્યા છે….મને ખબર છે કે ઇસ્લામમાં તે ઉચિત નથી. મેં ઘણા વિદ્વાન મુસલમાનો સાથે વાત કરી છે. તેઓ હસરત મૌલાનાના અભિગમનો બચાવ કરતા નથી. હું મારા માલાબારના મિત્રોને કહું છું કે મૌલાનાની વાતને દિલ પર ન લે. તેમના મઝહબ અંગે જે કંઈ વિચારો હોય પરંતુ તેમનાથી મહાન રાષ્ટ્રવાદી કે હિન્દુ-મુસ્લિમ એકતાના મહાન પક્ષકાર બીજું કોઈ નથી…”

બ્રિટિશ ઇતિહાસકાર ફ્રાન્કિસ રોબિન્સને ‘સેપરેટિઝમ એમોંગ ઇન્ડિયન મુસ્લિમ્સ: ધ પૉલિટિક્સ ઑફ ધ યુનાઇટેડ પ્રૉવિન્સિસ’ પુસ્તકમાં લખ્યું છે: “અબ્દુલ બારી જે હિન્દુ મુસ્લિમ એકતાના મહાન પક્ષધર હતા, તેઓ અચાનક ધર્માંધતાની વાત કરવા લાગ્યા. તેમણે મુસ્લિમોને હિન્દુઓની લાગણીની પરવા કર્યા વગર ગાયોની કત્લ કરવાની અપીલ કરી. તેમણે જાહેરાત કરી: આપણે ઇસ્લામના દરેક દુશ્મન સાથે અસહકાર કરવા કટિબદ્ધ છીએ.” આ અબ્દુલ બારીના ફિરંગી મહેલમાં હું ઘણી વાર ઉતરતો. તેઓ મારી સરભરા કરવા બ્રાહ્મણ રસોઈયો રાખતા.

જોકે શ્રદ્ધાનંદના પક્ષે એક વાત કહેવી પડશે કે તેમણે પણ ખિલાફત આંદોલનને ટેકો આપેલો અને તેમની હત્યા અબ્દુલ રાશિદે કરી ત્યારે માત્ર હિન્દુઓ જ નહીં, મુસ્લિમો પણ રસ્તા અને બાલ્કનીમાં લાઇન લગાવીને ઊભા હતા. સ્વામી શ્રદ્ધાનંદની હત્યા કેવી રીતે થયેલી? તેમને ભયંકર ન્યુમોનિયા થયેલો અને તેઓ પથારીવશ હતા, ત્યારે મઝહબી ઝનૂનવાળા અબ્દુલ રાશીદે તેમની હત્યા કરેલી. તે સમયે મેં શું કરેલું? મેં કૉંગ્રેસના ઈ. સ. ૧૯૨૬ના અધિવેશનમાં ઠરાવ પસાર કરાવેલો જેમાં મેં કહેલું કે “મેં અબ્દુલ રાશીદને ભાઈ કહ્યો છે અને હું ફરી વાર કહીશ. હું તેને સ્વામીજીની હત્યા માટે દોષી નથી માનતો. દોષી એ લોકો છે જેમણે એકબીજા સામે નફરતની લાગણીને ઉત્તેજના આપી છે.” આ અબ્દુલ રાશીદને ભાઈવાળી વાતથી પણ ઘણા હિન્દુઓ ઉશ્કેરાયેલા.

મેં અબ્દુલ રાશીદને જેમ માફ કરવા કહ્યો તેમ જનરલ ડાયરને પણ માફ કરી દીધેલા. જી હા, એ જ જનરલ ડાયર જેમણે જલિયાંવાલાં બાગમાં શીખોના મહત્ત્વના તહેવાર બૈશાખીને ઉજવવા ગામડેગામથી લોકો ભેગા થયેલા અને સભા પણ હતી, તેના પર ગોળીઓની વર્ષા કરીને સેંકડો નિર્દોષોના જીવ લીધેલા. મારી સલાહ પર કૉંગ્રેસે તેમની સજાની માગણી ન કરી. મારા મનમાં તેમના પ્રત્યે કોઈ દુર્ભાવ નહોતો. (કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, અંક-૬૮, પૃષ્ઠ ૮૩)

જોકે ગોડસે જેવા કેટલાક લોકોને લાગ્યું કે તો પછી મેં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની ફાંસી કેમ ન રોકાવી?

હું માનતો હતો કે પાપને ધિક્કારો, પાપીને નહીં. આથી જ હું તમને સહુને પણ વિનંતી કરું છું કે જેમ મેં સ્વામી શ્રદ્ધાનંદના હત્યારાને માફ કરી દીધો, જેમ મેં જનરલ ડાયરને માફ કરી દીધા, જેમ નહેરુના વંશજોએ રાજીવ ગાંધીના હત્યારાને માફ કરી દીધા તેમ તમે પણ હવે ગોડસેને માફ કરી દો.

બાપુના આશીર્વાદ

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment