Home » સિદ્ધુના અલગાવવાદી સલાહકારો મુદ્દે ગાંધી પરિવારનું મૌન!

સિદ્ધુના અલગાવવાદી સલાહકારો મુદ્દે ગાંધી પરિવારનું મૌન!

by Jaywant Pandya

સબ હેડિંગ: નવજોતસિંહ સિદ્ધુ પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે ત્યારે તેમના સલાહકારો કાશ્મીરને દેશ ગણાવે છે, પંજાબને સ્વાયત્તતાની માગણી આડકતરી રીતે કરે છે તાલિબાનનું સમર્થન કરે છે અને પાકિસ્તાનની ટીકા નહીં કરવા કહે છે. આ બધી બાબતોમાં ગાંધી પરિવારનું મૌન શું સૂચવે છે?

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૦૪/૦૯/૨૦૨૧)

પંજાબ કૉંગ્રેસમાં નવજોતસિંહ સિદ્ધુને અધ્યક્ષ બનાવ્યા પછી, એમ લાગતું હતું કે હવે બધું શાંત થઈ જશે. પરંતુ તેવું થયું નથી. સામાન્ય રીતે પક્ષના પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય પ્રમુખ પોતાની સરકારની યોજનાઓના પ્રચારનું કામ કરીને મુખ્ય પ્રધાનને યશ અપાવવાનું કાર્ય કરતા હોય છે. પરંતુ સિદ્ધુને મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા છે. અમરિન્દરસિંહ સાથે તેમને ઊભાય નથી બનતું. કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી તેમની સાથે હુંસાતુંસી વધી ગઈ છે. તેઓ પોતાના પક્ષની જ સરકાર સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

શેરડી પકવતા ખેડૂતોને ભાજપ શાસિત રાજ્યોમાં વધુ ભાવ મળે છે તેવું ભાજપના નેતાઓ દાવો કરે તો સમજાય પણ સિદ્ધુ પોતે જ આવું કહે છે અને આ રીતે તેમણે પોતાના જ મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહને ઝપાટામાં લીધા. સિદ્ધુએ કહ્યું કે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં શેરડી પકવતા ખેડૂતોને પંજાબથી વધુ ભાવ મળી રહ્યા છે. આ વાત દિલ્લીની સરહદ રોકીને આંદોલન કરતા ખેડૂતોને કોણ સમજાવે? કારણકે પંજાબ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તરીકે હટ્યા પછી સુનીલ જાખડે જ પોતાની સરકારની પોલ ખોલી દીધી હતી.

તેમણે કહ્યું કે ખેડૂતોનો ગુસ્સો તો પંજાબ સરકાર સામે હતો. પણ ચાલાક મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે તેમને દિલ્લી તરફ (કેન્દ્ર સરકાર વિરુદ્ધ) વાળી દીધા. આનો સીધો અર્થ એ થયો કે કૉંગ્રેસે જ ખેડૂતોને મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરવા પ્રેર્યા.

પરંતુ સિદ્ધુએ એક નિવેદન આપ્યું તેમાં ખેડૂતો ખુશ થવાના બદલે દુઃખી થઈ ગયા. સિદ્ધુએ અહંકારી ભાવથી પોતે સુપર સીએમ હોય તેમ ખેડૂતોને કહ્યું કે પ્યાસા કૂએં કે પાસ જાતા હૈ, કુઆં પ્યાસે કે પાસ આતા નહીં. મૈં આપ કો બુલાવા દેના ચાહતા હૂં કિ મુઝે મિલો. આમ કહીને સિદ્ધુએ ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું પણ ખેડૂતો રોષે ભરાઈ ગયા. તેમણે સિદ્ધુને અહંકારી ગણાવ્યા. બઠિંડા કિસાન યૂનિયનના જિલ્લા પ્રધાન શિંગારાસિંહ માને કહ્યું કે ખેડૂતો માટે સિદ્ધુની ભાષા યોગ્ય નથી. તેઓ એ ખેડૂતોને તરસ્યા ગણાવે છે જેમણે ઉગાડેલું ધાન્ય તેઓ ખાય છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા રાજિન્દરસિંહ વાલાએ કહ્યું કે સિદ્ધુને અહંકાર માથા પર ચડી ગયો છે. તેઓ વીરગતિ પ્રાપ્ત કરનાર ખેડૂતોને તરસ્યા ગણાવી રહ્યા છે. સિદ્ધુ કોઈ બંધારણીય પદ પર નથી. પક્ષના અધ્યક્ષ કંઈ ન કરી શકે. આમ કહી, ખેડૂતોએ સિદ્ધુને પોતાની મર્યાદા બતાવી દીધી.

સિદ્ધુ વીર ભગતસિંહના ગામ ખટકડકલાં પહોંચ્યા અને ત્યાં ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી શીશ ઝુકાવ્યું તો ત્યાં પણ સંયુક્ત કિસાન મોરચાના ખેડૂતો વિરોધ કરવા પહોંચી ગયા અને મુખ્ય માર્ગને રોકી દીધો. ખેડૂત નેતાઓએ કહ્યું કે વર્તમાન સમયમાં ખેડૂતોની જે અવદશા છે તે કૉંગ્રેસની ખોટી નીતિઓના કારણે છે. જોયું મિત્રો? આ વાત કોઈ મિડિયાએ બતાવી? આના પર ચર્ચાઓ કરી?

પરંતુ મિડિયા આનાથી ખૂબ મહત્ત્વનો મુદ્દો હળવો બનાવી ચાતરી ગયું તે છે સિદ્ધુના સલાહકારનું અલગાવવાદી વલણ. સિદ્ધુના સલાહકાર મલવિન્દરસિંહ માલીએ કરેલી ફેસબુક પૉસ્ટ છે. આ પૉસ્ટમાં તેમણે લખ્યું કે “કાશ્મીર એ કાશ્મીરી લોકોનો એ જ રીતનો દેશ છે જેવા ભારત અને પાકિસ્તાન. યુનોમાં આ પ્રશ્ન ગયો ત્યારથી તે દેશ બે ભાગમાં વહેંચાયેલો છે. જેમાં એક ભાગ પાકિસ્તાન પાસે છે અને એક ભાગ ભારતે ગેરકાયદે પચાવી પાડેલો છે! જો કાશ્મીર ભારતનો બીજાં રાજ્યોની જેમ ભાગ હોય તો મહારાજા હરિસિંહે ૧૯૪૭માં ભારત સાથે કરેલી સમજૂતી શું હતી? ભારતના બંધારણમાં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ અને ૩૫-એ શું હતી? કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રોમાં શા માટે લઈ જવાયો અને કયો ઠરાવ કરાયો જેનો અમલ કરવા ભારત-પાકિસ્તાન બંને સંમત થયા? જમ્મુ-કાશ્મીરમાં પોતાનું બંધારણ, ધ્વજ હોય તેને કેટલાં વર્ષો થયાં અને આપણા વડા પ્રધાનનો દરજ્જો શો હતો? જ્યાં સુધી કાશ્મીરની વિધાનસભા આપણા કેન્દ્રીય કાયદાઓને અનુમતિ ન આપે ત્યાં સુધી કોઈ કાયદો ત્યાં લાગુ થતો ન હતો.” આનાથી અટકતા નથી. સિદ્ધુના આ સલાહકાર અલગાવવાદી કેટલા છે તે તેમણે દર્શાવી દીધું છે.

યુનોની વાત તો લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ પણ કરી હતી અને કૉંગ્રેસના પદ વગરના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કલમ ૩૭૦ મુદ્દે પાકિસ્તાન ખુશ થાય તેવું નિવેદન આપ્યું હતું પરંતુ મલવિન્દરસિંહ માલી તો તેમના બધાથી ચડી ગયા. કાશ્મીરને અલગ દેશ કહી દીધો!

માલીએ લખ્યું કે જેમ જમ્મુ-કાશ્મીર માટે વિશેષ દરજ્જો માગ્યો તે જ રીતે આનંદપુર પ્રસ્તાવ પણ પંજાબ માટે અધિકાર માગવા માટે કરાયો હતો, જે આજે પણ કેટલાક લોકો માગે છે. આટલાથી તેઓ અટકતા નથી. પાકિસ્તાનની ભાષા બોલતા તેઓ લખે છે કે આજે લાખો સૈનિકોને મોકલીને જમ્મુ-કાશ્મીરને કેટલા સમયથી ખુલ્લી જેલમાં બદલી નખાયું છે. બોલો! તેમને જમ્મુ-કાશ્મીર જેલ જેવું લાગે છે. તો ૩૭૦ હતી ત્યારે શું હતું? જ્યાં હિન્દુઓ શાંતિ અને સુરક્ષિત રીતે રહી શકતા નહોતા? સ્વાતંત્ર્ય દિન મનાવી શકાતો નહોતો, ભારતીય તિરંગો ફરકાવી શકાતો નહોતો. પાકિસ્તાનના અને આઈએસઆઈએસના ઝંડા ફરકાવાતા હતા. પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા કરવાની વાત કરાતી હતી, જ્યાં થિયેટરો પર પ્રતિબંધ હતો, સંગીત પર પ્રતિબંધ હતો. તે શું ખુલ્લી જેલ જેવું ન કહી શકાય? પણ મલવિન્દરસિંહ માલીને અત્યારે ખુલ્લી જેલ જેવું લાગે છે.

આ માલી એક જ પૉસ્ટમાં પોતાના મગજમાં રહેલું દેશવિરોધી ઝેર ઓકતા નથી. બીજી પૉસ્ટમાં તો તેમણે કૉંગ્રેસની જ એ વ્યક્તિ સામે ઝેર ઓક્યું જેમની સામે બોલવું એ મહા પાપ છે અને બોલનારની કારકિર્દી સમાપ્ત થઈ જાય. માલીએ ટ્વિટર પર એક પૉસ્ટ મૂકી જેમાં ૧૯૮૯ના પંજાબી સામયિક ‘જન તક પૈગામ’ના મુખપૃષ્ઠની તસવીર છે. તેમાં આજુબાજુ માનવ ખોપડીઓ પડી છે અને ઈન્દિરાજી હાથમાં બંદૂક લઈને ઊભાં છે. તેમની બંદૂક પર પણ ખોપડી લટકેલી છે. આ તસવીરમાં લખાયેલું છે કે ‘હર જબર દી યહી કહાની, કરના જબર તે મુંહ દી ખાની’ અર્થાત્ દમન કરશો તો જબરદસ્ત પછડાશો. સ્વાભાવિક છે કે ઈન્દિરા ગાંધીએ ભીંદરાનવાલે સામે સુવર્ણ મંદિરમાં સેના મોકલી અને તે પછી રાજીવ ગાંધીના મૂક સમર્થન સાથે ઈન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા શીખોનો જે નરસંહાર કૉંગ્રેસના ગુંડાઓએ કર્યો તેના સંદર્ભમાં જ આ સામયિકનું મુખપૃષ્ઠ છે. એ સમયે આ સામયિકના સંપાદક મલવિન્દરસિંહ માલી જ હતા.

જો આ જ કામ અન્ય પક્ષના કોઈએ કે સામાન્ય વ્યક્તિએ કર્યું હોત તો કૉંગ્રેસીઓએ હિંસક પ્રદર્શન કર્યું હોત. કેટલીય એફઆઈઆર થઈ ગઈ હોત. સોનિયા ગાંધીનું સાચું નામ બોલવા માટે અર્નબ ગોસ્વામી સામે કેટલી એફઆઈઆર થઈ હતી અને તેમની પોલીસમાં ૧૨ કે ૧૬ કલાક સામાન્ય ગુનેગારની જેમ પૂછપરછ થઈ હતી. પરંતુ નવજોતસિંહ સિદ્ધુના આ સલાહકાર સામે ગાંધી પરિવાર ચૂપ રહ્યો.

મલવિન્દરસિંહ માલીએ અન્ય એક પૉસ્ટમાં તાલિબાનોને પણ આવકાર્યા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તામાં આવવાથી દક્ષિણ એશિયામાં શાંતિ થશે! તાલિબાનોએ હિન્દુઓ અને શીખોની સુરક્ષાની જવાબદારી લીધી છે. તાલિબાનો આ વખતે જિહાદ નહીં કરે. બોલો! મલવિન્દરસિંહ સમાચાર જ નહીં જોતા હોય? હિન્દુઓ અને શીખો તાલિબાનોના આવ્યા પછી કેમ ભાગી-ભાગીને ભારત આવી રહ્યા છે? શા માટે નરેન્દ્રસિંહ ખાલસા નામના અફઘાનિસ્તાનના સાંસદ અહીં આવીને આપવીતી વર્ણવતા રડી પડ્યા?

આ મલવિન્દરસિંહને સિદ્ધુએ જ પોતાની નજીક નથી રાખ્યા. અગાઉ અમરિન્દરસિંહે અને અકાલી દળ-ભાજપની સરકારમાં પણ તેઓ જનસંપર્ક અધિકારી હતા.

માલવિન્દરસિંહ હજુ ઓછા પડતા હોય તેમ સિદ્ધુના પ્યારેલાલ ગર્ગ નામના બીજા સલાહકારે મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહને સલાહ આપી કે પાકિસ્તાનની બહુ ટીકા ન કર્યા રાખો, કારણકે તે પંજાબના હિતમાં નથી. બોલો! પાકિસ્તાનની ટીકા પંજાબના હિતમાં કેમ નથી? શું પાકિસ્તાનથી ડરીને તેની ટીકા નહીં કરવાની? પાકિસ્તાનનો ભય કેમ ફેલાવાય છે?

આ બતાવે છે કે સત્તાધીશો નજીક કેવા ડાબેરીઓ કે અલગાવવાદી માનસિકતાવાળા ગોઠવાઈ જાય છે! સત્તાધીશોએ બહુ વિચારીને પોતાની નજીકના મહત્ત્વના પદ કોઈ વ્યક્તિની નિમણૂંક કરવી જોઈએ. તાજેતરમાં ઉત્તરાખંડના તત્કાલીન મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતના મિડિયા સલાહકાર તરીકે એનડીટીવીના પત્રકાર દિનેશ માનસર નિમાઈ ગયા હતા, વિરોધ થયો એટલે નિયુક્તિ પાછી ખેંચાઈ.

જોકે આની સામે કૉંગ્રેસમાં જબરદસ્ત વિરોધનો વાવંટોળ ઊઠ્યો. સિદ્ધુને પક્ષમાંથી કાઢવાની માગણી થઈ. કૉંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારીએ કહ્યું કે પક્ષમાં આવા લોકો હોવા જોઈએ કે નહીં તેના વિશે આત્મમંથન થવું જોઈએ. કૉંગ્રેસ નેતા અને દિલ્લીનાં પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે કહ્યું કે સિદ્ધુએ પોતાની સીમામાં રહેવું જોઈએ.

પણ વાત માત્ર સલાહકારોની જ નથી. સિદ્ધુ પોતે પણ કૉંગ્રેસમાં આવીને (જૈસા દેશ વૈસા ભેસની જેમ) પાકિસ્તાન પ્રેમી થઈ ગયા છે. જ્યારે દેશના પૂર્વ વડા પ્રધાન અટલજીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા અને દેશ તેમને ચોધાર આંસુએ શ્રદ્ધાંજલી પાઠવી રહ્યો હતો ત્યારે ભારતના જન્મજાત શત્રુ દેશ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં હાજરી આપવા હરખપદુડા થઈને દોડી ગયા હતા! બની શકે કે ક્રિકેટર તરીકે ઈમરાન સાથે સિદ્ધુના વ્યક્તિગત સંબંધ હોય પણ જ્યારે ઈમરાન પાકિસ્તાનના ટોચના પદે શપથ લેતા હોય અને સિદ્ધુ પણ રાજનેતા હોય ત્યારે તેમણે વિચારવું જોઈએ કે ત્યાં જવાય કે નહીં અને એમાંય અટલજીનું મૃત્યુ થયું હોય ત્યારે ક્યાં હાજર રહેવું તે પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ કેમ કે સિદ્ધુ એક સમયે ભાજપમાં હતા. સિદ્ધુ ભૂલી ગયા કે એ અટલબિહારી વાજપેયીજી જ હતા જેમના એક કૉલ પર સિદ્ધુએ અમૃતસર લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે દરેક રેલીમાં સિદ્ધુ પોતાને ‘વાજપેયી સાબ દા સિપાહી’ ગણાવતા હતા. ૨૦૦૭ની લોકસભા પેટા ચૂંટણીમાં અટલજીએ સિદ્ધુના સમર્થનમાં પોતાનું અંતિમ ભાષણ આપ્યું હતું. સિદ્ધુ આ બધું ભૂલીને પાકિસ્તાનને વહાલા થવા (જેમ મણિશંકર અય્યરે મોદીને ઉથલાવવા પાકિસ્તાનનું સમર્થન માગ્યું હતું તેમ કદાચ મુખ્ય પ્રધાન બનવા) પાકિસ્તાન પહોંચી ગયા અને ત્યાં તેના સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળ્યા હતા. તે વખતે તેમની સામે ખૂબ જ વિરોધ થયો હતો. વીરગતિ પ્રાપ્ત સૈનિકોના પરિવારોએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માગણી કરી હતી પરંતુ જેના માથા પર રાહુલ ગાંધીનો ‘વરદ’ (!) હસ્ત હોય તેની સામે કોઈ કાર્યવાહી થાય ખરી?

લોકસભામાં કૉંગ્રેસના પૂર્વ નેતા મલ્લિકાર્જુન ખડગેની જેમ સિદ્ધુએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે અંતર થાય તેવું નિવેદન આપ્યું હતું જેમાં તેમનો પાકિસ્તાન પ્રેમ પણ નિર્દિષ્ટ થતો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ક્યાંય પણ જાવ, ત્યાં ન તો ભાષા બદલાય છે, ન તો ખાણીપીણી બદલાય છે કે ન તો લોકો બદલાય છે. જ્યારે દક્ષિણ ભારતમાં જાવ તો ત્યાં ભાષાથી લઈ ખાણીપીણી સુધી બધું જ બદલાઈ જાય છે. પરંતુ સિદ્ધુ ભૂલી ગયા કે પાકિસ્તાનમાં તલવારના (એટલે કે બળના) જોર પર આ બધું થયું છે. પાકિસ્તાનના પંજાબમાં પંજાબી જ બોલાતી હતી. સિંધમાં સિંધી. પરંતુ ત્યાં મુસલમાનોની ગણાતી ઉર્દૂ ભાષા થોપવામાં આવી છે. ખાણીપીણી પણ થોપવામાં આવી છે. ભારતમાં ગોમાંસનો વિરોધ થાય છે તો કેરળમાં આ જ કૉંગ્રેસના નેતા જાહેરમાં ગાયની હત્યા કરી તેનું માંસ રાંધીને ખાય છે! ભારત એ વિવિધતાસભર દેશ છે અને આ વિવિધતામાં એકતા રહેલી છે.

હમણાં પાકિસ્તાનમાં પંજાબના એક સમયના મહારાજા રણજીતસિંહની મૂર્તિ તોડવામાં આવી. આના પર નવજોતસિંહ સિદ્ધુ ચૂપ રહ્યા. ભાજપના પંજાબ અધ્યક્ષ અશ્વિની શર્માએ આ અંગે પૂછ્યું કે રણજીતસિંહની મૂર્તિ ત્રીજી વાર તૂટી તો સિદ્ધુ કેમ ચૂપ છે? શું તેની પાછળ સિદ્ધુની ઈમરાન ખાન અને જનરલ બાજવા સાથેની મિત્રતા તો કારણ નથી ને? કે પછી તેઓ કટ્ટરપંથીઓની તરફેણ કરે છે?

પરંતુ એક સમયે ગાંધીજી, સરદાર પટેલની કૉંગ્રેસ અત્યારે શતમુખ વિનિપાત ભણી છે. ચાહે તે જેએનયુમાં અફઝલ ગુરુનો ફાંસીનો દિવસ મનાવીને ભારત વિરોધી સૂત્રોચ્ચારનો કાર્યક્રમ હોય કે સીએએના વિરોધમાં શાહીનબાગ ધરણા હોય, આવી દરેક ભારત વિરોધી બાબતને રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતાઓ સમર્થન કરતા હોય તો પછી પોતાના માનીતા નવજોતસિંહ સિદ્ધુ અને તેમના સલાહકારોને કેવી રીતે રોકી શકે?

(નોંધ: આ લેખ લખાયા પછી સમાચાર આવ્યા હતા કે મલવિન્દરસિંહ માલીએ પોતાના પદેથી ત્યાગપત્ર આપ્યો છે પરંતુ પ્યારેલાલ ગર્ગ વિશે આવી કોઈ માહિતી મળી નથી.)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Harish 04/09/2021 - 6:56 PM

👍🏻

Reply

Leave a Comment