Home » પંજાબથી લઈને કેરળ: કૉંગ્રેસમાં ચારેકોર વિદ્રોહનો દાવાનળ

પંજાબથી લઈને કેરળ: કૉંગ્રેસમાં ચારેકોર વિદ્રોહનો દાવાનળ

by Jaywant Pandya

સબ હેડિંગ: જિતિનપ્રસાદ જેવા તેજસ્વી નેતાને ગુમાવ્યા પછી કૉંગ્રેસનું સત્તાવાર નિવેદન આવે છે કે કચરો ગયો. દિગ્વિજયસિંહ કલમ ૩૭૦ પુનઃ લાગુ કરવા વચન આપે છે. વરિષ્ઠ અને યુવાન નેતાઓ વચ્ચેની લડાઈ ચાલુ છે. સંગઠનના કોઈ ઠેકાણાં નથી. કૉંગ્રેસની આવી ખરાબ દશા ક્યારેય નહોતી.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૨૬/૦૬/૨૦૨૧)

કૉંગ્રેસની પડતી ચાલુ જ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બહેનજી પ્રિયંકા ગાંધી વાડ્રા ધૂણી ધખાવીને ઉત્તર પ્રદેશમાં પડ્યાં રહે છે ત્યાં જિતિનપ્રસાદ જેવું મોટું માથું કૉંગ્રેસમાંથી નીકળીને ભાજપમાં આવી ગયું. આ જિતિનપ્રસાદ એ જ છે જે યુપીએ કેબિનેટમાં પ્રધાન હતા. તેઓ રાહુલ ગાંધીની નજીક મનાતા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પછી આ બીજો યુવાન ચહેરો છે જે ભાજપમાં આવ્યો છે. આના પરથી પ્રશ્ન થાય છે કે રાહુલ ગાંધી તેમના નિકટના ગણાતા માણસોને સાચવી નથી શકતા તો દેશને કેવી રીતે સાચવી શકશે?

રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભાની બે-બે ચૂંટણી હાર્યા પછી કૉંગ્રેસમાં આંતરિક લોકશાહી અને આંતરિક ચૂંટણીની માગ ગુલામનબી આઝાદના નેતૃત્વમાં ઉઠવા લાગી. આ નેતાઓ ૨૩ હતા. તેમને જી-૨૩ એટલે કે ૨૩ લોકોનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં પત્ર લખીને અને પછી કૉંગ્રેસ કાર્યકારિણીમાં આ નેતાઓએ માગ ઉઠાવી. તેમની એક ફરિયાદ એ છે કે સોનિયા ગાંધી ભલે વચગાળાનાં રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે હોય પરંતુ એક એવી વ્યક્તિ જોઈએ જેની પાસે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની વાત સાંભળવા સમય હોય.

રાહુલ ગાંધી તો બિહાર જેવી અગત્યની ચૂંટણી સમયે પહેલાં બહેન પ્રિયંકાના ઘરે સિમલા અને ચૂંટણી પતે ત્યારે જેસલમેર- ઈટાલી વેકેશન માટે જાય છે તેવા તેમના સાથી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા શિવાનંદ તિવારી કહે છે. અને રાહુલ ગાંધીની દેશ-વિદેશની યાત્રાનો રેકૉર્ડ જોશો તો વાત સાચી લાગશે. કેરળમાં પણ તેઓ તરણ અને દંડ-બેઠક કરતા નજરે પડ્યા હતા.

નેતૃત્વ એવું હોય જે પોતે પરિશ્રમની પરાકાષ્ઠા કરે અને કાર્યકર્તાઓમાં જોશ ભરી દે. ઈન્દિરા ગાંધી આવાં નેત્રી હતાં પરંતુ રાહુલ ગાંધી આવાં નેતા થઈ શકતા નથી. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની વેદના આ જ છે. એક પછી એક ચૂંટણીમાં હારના લીધે કૉંગ્રેસ હવે કેટલાંક ગણ્યાંગાંઠ્યા રાજ્યો પૂરતી જ સીમિત રહી ગઈ છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સત્તાની બહાર રહેવાના કારણે હતાશ થઈ ગયા છે. એક પછી એક પક્ષ છોડી જવા લાગ્યા છે. આંતરિક કલહને થાળે કેમ પાડવો તેનું શીર્ષ નેતૃત્વ તરફથી કોઈ માર્ગદર્શન નથી.

જિતિનપ્રસાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી ભાજપમાં જોડાવા દિલ્લી જઈ રહ્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાનો ફૉન તેમના પર ગયો અને તેઓ પાછા ફરી ગયા. તેઓ કૉંગ્રેસમાં એવી આશાએ રહી ગયા કે પરિસ્થિતિ બદલાશે, ઉત્તર પ્રદેશમાં પણ અને કેન્દ્રીય સ્તરે પણ. પરંતુ એવો કોઈ ચમત્કાર થયો નહીં. ઉલટું, જે જી-૨૩ના નેતાઓએ ગાંધી પરિવાર સામે બળવો પોકાર્યો હતો તેમને જ હાંસિયામાં ધકેલવાનું શરૂ થઈ ગયું. પરિણામે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લઈ લીધો.

નહીંતર જિતિનપ્રસાદ અને તેમના પરિવારની કૉંગ્રેસ નિષ્ઠા કેવી હતી તેનો નમૂનો એ વાત પરથી મળશે કે રાજીવ ગાંધી સમયે જિતેન્દ્રપ્રસાદ તેમની નજીક મનાતા હતા. તેમના રાજકીય સચિવ બન્યા હતા. નરસિંહરાવ સરકારમાં પણ તેઓ નરસિંહરાવના રાજકીય સચિવ હતા. નરસિંહરાવ પક્ષના અધ્યક્ષ હતા તે વાત સોનિયા ગાંધીને ખટકતી હતી. સોનિયાના ચમચાઓએ જિતેન્દ્રપ્રસાદને વિદ્રોહમાં સાથ આપવા કહ્યું પણ પક્ષ પ્રત્યે નિષ્ઠા હોવાના કારણે જિતેન્દ્રપ્રસાદે ના પાડી દીધી. તે પછી અર્જુનસિંહે સોનિયાના ઈશારે અલગ પક્ષ કૉંગ્રેસ (ટી) રચ્યો. તેમાં જોડાવા પણ જિતેન્દ્રપ્રસાદે ના પાડી દીધી. સોનિયા જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે પક્ષની ચૂંટણીમાં ઊભાં રહ્યાં ત્યારે જિતેન્દ્રપ્રસાદે તેમની સામે ઊભા રહેવા હિંમત કરી હતી. પરંતુ તેમની હાર થઈ. તે પછી પણ તેમણે પક્ષ છોડ્યો નહીં અને તેમના પુત્ર જિતિનપ્રસાદ પણ પક્ષમાં જ રહ્યા. આવી નિષ્ઠાની કૉંગ્રેસમાં કદર ન થઈ.

જિતિનપ્રસાદ હોય કે સચીન પાઇલૉટ, દરેક કૉંગ્રેસી નેતાની આ જ હૈયાવરાળ છે. તાજેતરમાં સચીન પાઇલૉટ દિલ્લીમાં ગાંધી પરિવારને મળીને અશોક ગેહલોત તેમના જૂથના લોકોને મહત્ત્વ ન આપતા હોવાની ફરિયાદ કરવા ગયા હતા. યાદ હોય તો, રાજસ્થાનની ચૂંટણી પહેલાં સ્ટેજ પર રાહુલ ગાંધીએ આંખ મારી સચીન પાઇલૉટને અશોક ગેહલોત સાથે હાથ મેળવવા ઈશારો કર્યો હતો કે ચૂંટણી છે તો કમ સે કમ, એક હોવાનો દેખાડો તો કરો. તે પછી ગયા વર્ષે સચીન પાઇલૉટના નેતૃત્વમાં ધારાસભ્યોએ વિદ્રોહ કર્યો હતો. તે પછી ગાંધી પરિવારે જે કંઈ ગોળી આપી હોય તેના કારણે સચીન પાઇલૉટ સમસમીને પક્ષમાં જ રહ્યા હતા. પરંતુ એક વર્ષ પછી સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા હવે ફરી ધારાસભ્યો ઊંચા-નીચા થઈ રહ્યા છે. અશોક ગેહલોતની સૂચનાથી ધારાસભ્યોના ફૉન ટેપ થઈ રહ્યા છે તેવો આક્ષેપ પણ થઈ રહ્યો છે. અત્રે એ યાદ અપાવવું ઉચિત ગણાશે કે એક સમયે રાજીવ ગાંધીએ પોતાની જાસૂસી થતી હોવાના આક્ષેપથી ચંદ્રશેખર સરકારને ટેકો પાછો ખેંચી થોડા જ મહિનામાં સરકારને ઉથલાવી દીધી હતી. પરંતુ પોતે કરે તે સારું અને બીજા કરે તે પાપ એવું ન હોવું જોઈએ.

છત્તીસગઢમાં પણ ટી. એસ. સિંહદેવ ઊંચા-નીચા થઈ રહ્યા છે. એમ કહેવાય છે કે મોવડીમંડળ (ગાંધી પરિવાર એમ વાંચો)એ એમ કહીને ભૂપેશ બઘેલ અને ટી. એસ. સિંહદેવ વચ્ચે સમાધાન કરાવ્યું હતું કે બઘેલ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન રહેશે અને તે પછી ટી. એસ. સિંહદેવ. ઉત્તર પ્રદેશમાં આ ફૉર્મ્યુલા બસપ અને ભાજપની યુતિ સરકાર વખતે જોવા મળી હતી. યુતિ સરકાર હોય ત્યાં આવી ફૉર્મ્યુલા હોય તે તો હજુ પણ સમજાય પરંતુ પક્ષની અંદર જ આવી ફૉર્મ્યુલા કરવી પડે?! અને હવે તેનું પાલન ન થતાં સિંહદેવનો ઉકળાટ છે.

આવો જ ઉકળાટ પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને પણ છે. ભાજપમાંથી કૉંગ્રેસમાં સિદ્ધુ આવ્યા હશે ત્યારે જે વચન-વાયદા આપ્યા તેનું પાલન થયું નથી. પંજાબ સરકારમાં સિદ્ધુને પ્રધાન બનાવાયા પરંતુ સિદ્ધુને તેનાથી સંતોષ ન થયો. સિદ્ધુ ગાયબ છે તેવાં પૉસ્ટરો પણ તેમના મતવિસ્તારમાં લાગ્યા. વચ્ચે એક ટ્રેન અકસ્માતમાં તેમનાં પત્ની નવજોત કોર સિદ્ધુનું નામ પણ આવેલું. અત્યારે સિદ્ધુ ફરી અમરિન્દરસિંહ સામે શિંગડાં ભેરવી રહ્યાં છે. બંનેને સાંભળવા કૉંગ્રેસની એક સમિતિ રચાયેલી. તે પછી નિર્ણય થયો કે પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી તો કેપ્ટન અમરિન્દરસિંહના નેતૃત્વમાં જ લડાશે. સિદ્ધુને ઉપ મુખ્ય પ્રધાનનું પદ આપવાનો પ્રસ્તાવ છે પણ સિદ્ધુને તે પણ માન્ય નથી. સિદ્ધુ પછી સરકારમાં પૂર્વ પ્રધાન પ્રતાપસિંહ બાજવાએ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગયા મે મહિનામાં તેમણે અમરિન્દરસિંહને ૪૫ દિવસની અવધિ આપી હતી. તેમણે બાદલ પરિવાર પર કાર્યવાહી, ડ્રગ્સ માફિયાને સમાપ્ત કરવાની (જેના લીધે જ પંજાબમાં સત્તામાં કૉંગ્રેસનું પુનરાગમન થઈ શક્યું) અને પક્ષના નેતાઓ સામે કાર્યવાહી ન કરવા માગણી કરી છે.

આ બાજુ કેરળ કૉંગ્રેસમાં પણ ભારે અસંતોષ અને ધૂંધવાટ છે. અહીંથી ગાંધી પરિવારના નિકટના મનાતા પી. સી. ચાકો (જેમણે દિલ્લીના ત્રણ-ત્રણ વાર મુખ્ય પ્રધાન બનેલાં શીલા દીક્ષિતને ખૂબ હેરાન કરેલાં અને શીલા દીક્ષિતે તેમના અંતિમ સમયમાં સોનિયાજીને આની સામે પત્ર પણ લખેલો પણ ગાંધી પરિવારે કોઈ પગલાં ન લીધા અને શીલાજીનું મૃત્યુ થઈ ગયું) એનસીપીમાં ચાલ્યા ગયા. તે પછી પણ કેરળ કૉંગ્રેસમાં આંતરિક કલહ છે. કેરળ કૉંગ્રેસના એક વર્ગનું માનવું છે કે પક્ષમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાયા છે અને મોવડીમંડળ પણ તેમની ઉપેક્ષા કરી રહ્યું છે.

એ તો સર્વવિદિત છે કે અત્યારે કૉંગ્રેસમાં રાષ્ટ્રીયથી માંડીને રાજ્ય સુધી વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ યુવાન નેતાઓની લડાઈ ચાલી રહી છે. વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધીની નજીક છે. જ્યારે યુવાન નેતાઓ રાહુલ ગાંધીની નજીક. હકીકત એ છે કે પક્ષની જે કંઈ થોડીઘણી પણ સ્થિતિ સારી છે તેની પાછળ વરિષ્ઠ નેતાઓ જ છે, દા. ત. અશોક ગહલોત અને કમલનાથ. પરંતુ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીએ પક્ષની બેઠકમાં આ બંને તેમજ પી. ચિદમ્બરમ્ સહિતના વરિષ્ઠ નેતાઓને ખખડાવેલા અને તેમને કહ્યું કે તેમણે પુત્રમોહને પક્ષથી ઉપર રાખ્યો. જોકે આ ફરિયાદ તો વરિષ્ઠ નેત્રી સોનિયા સામે પણ થવી જોઈએ જે આટલી હાર પછી પણ પુત્રમોહ છોડી બીજા કોઈને તો છોડો, પ્રિયંકાને પણ પક્ષનું સુકાન આપવાની હિંમત કરી શકતાં નથી. પરંતુ વાઘને કોણ કહે કે તેનું મોઢું ગંધાય છે?

એટલે વરિષ્ઠ વિરુદ્ધ યુવાન નેતાઓની આ લડાઈ છે. ગયા વર્ષે જૂનમાં થયેલી રાજ્યસભા સાંસદોની બેઠકમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. તેમાં કપિલ સિબ્બલે હાર પર આત્મનિરીક્ષણ કરવા માગણી કરી હતી તો યુવાન નેતા અને હવે સ્વર્ગીય રાજીવ સાતવે ગાંધી પરિવારની તરફદારી કરતા કહ્યું હતું કે આત્મનિરીક્ષણ સ્વયંથી કરવું જોઈએ.

આ સ્થિતિ કેરળ કૉંગ્રેસમાં પણ છે. અહીં વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય રીતે એક વખત ડાબેરી મોરચો અને બીજી વખત કૉંગ્રેસનો વિજય થાય છે. પરંતુ આ વખતે પહેલી વાર ડાબેરી મોરચો સતત બીજી વાર જીત્યો. આ પછી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી એ. રામચંદ્રનને હટાવી દેવાયા હતા. વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાને પણ હટાવી દેવાયા છે. ચેન્નિથલા સમર્થકોનું કહેવું છે કે તેમને ભલે હટાવી દેવાયા પણ તેમની વિદાય સમ્માનજનક થવી જોઈતી હતી. તેમના સમર્થકોનું કહેવું છે કે રમેશ ચેન્નિથલાએ સોનિયા ગાંધીને મળવા સમય માગ્યો તો સમય આપ્યો નહીં. નવોદિત હાર્દિક પટેલને દિલ્લીમાં મુલાકાત માટે સમય મળી જાય છે પરંતુ આવા વરિષ્ઠ નેતાઓને સમય અપાતો નથી.

હાર્દિકની વાત નીકળી છે તો હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ તો બનાવી દેવાયા પરંતુ તેમણે પણ મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે પોતાની પાસે કોઈ કામ ન હોવાનું અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. બીજી તરફ ઑક્ટોબર ૨૦૧૯માં ગુજરાત કૉંગ્રેસ સંગઠનનું માળખું વિસર્જિત કરી દેવાયું હતું તે પછી બે વર્ષનાં વહાણાં વિતી ગયાં છતાં નવું સંગઠન જાહેર થઈ શક્યું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ત્યાગપત્રો આપી દીધા છે પરંતુ તેને પણ ત્રણ મહિના થવા છતાં નવા પ્રમુખ અને વિપક્ષ નેતા જાહેર કરાયા નથી. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ રાજકીય પક્ષોમાં ચાલુ થયો છે પણ કૉંગ્રેસમાં હજુ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના જ ઠેકાણાં નથી. કાર્યકર્તાઓમાં મૂંઝવણ છે કે કોની આગળ માર્ગદર્શન માગવું, કોની આગળ પોતાની હૈયાવરાળ ઠાલવવી? પરંતુ કદાચ જે પૂર્વ પ્રમુખો છે તેમને પણ આ જ મૂંઝવણ છે કે અમારે હૈયાવરાળ કોની આગળ ઠાલવવી?

જિતિનપ્રસાદ જેવા જે તેજસ્વી નેતાઓ છોડીને જાય છે તેમના માટે પણ પાછા આવવાના કોઈ દરવાજા ખુલ્લા રાખવામાં નથી આવતા. મધ્ય પ્રદેશના કોઈ વ્યક્તિગત નેતાનું નહીં પણ પ્રદેશ કૉંગ્રેસનું સત્તાવાર નિવેદન ટ્વિટર પર હતું કે “જિતિનપ્રસાદના જવાથી કૉંગ્રેસ ખુશ છે. આ એક કચરો કચરાપેટીમાં નાખવા જેવી સામાન્ય પ્રક્રિયા છે.” આ રીતે તેણે જિતિનપ્રસાદને કચરા સાથે સરખાવી દીધા. એક તરફ, માર્ગદર્શન માટે અને પ્રેરણા માટે કોઈ નેતા ન હોય અને બીજી તરફ જે લોકો છોડીને જાય તેમને કચરા સાથે સરખાવવામાં આવે તો કાર્યકર્તાઓ-નેતાઓની કેવી સ્થિતિ થાય? આવામાં દિગ્વિજયસિંહ જેવા નેતાઓ પાકિસ્તાનના પત્રકારની હાજરીમાં કૉંગ્રેસ સત્તામાં આવે તો કલમ ૩૭૦ પુનઃસ્થાપવાની હૈયાધારણા આપે છે! આના પરથી ખ્યાલ આવે છે કે કૉંગ્રેસનો શતમુખ વિનિપાત થઈ રહ્યો છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Kamlesh thakkar 26/06/2021 - 10:20 PM

સરસ ,માહિતીપ્રચુર લેખ

Reply

Leave a Comment