Home » કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ

કૉંગ્રેસીઓએ રાજીવ ગાંધીનાં આ ચાર પ્રવચનો અચૂક સાંભળવાં જોઈએ

by Jaywant Pandya
રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. આજે તેમના ચાર ભાષણોની વાત કરવી છે જે દરેક કૉંગ્રેસીએ સાંભળવા જોઈએ- ખાસ તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ.
૧૯૮૫ સ્વતંત્રતા દિન: વડા પ્રધાન તરીકે પ્રથમ ભાષણ
૧૯૮૫માં વડા પ્રધાન તરીકે તેમના પહેલા સ્વતંત્રતા દિવસ પર રાજીવ ગાંધી ભાષણ આપતી વખતે થોડા નર્વસ દેખાતા હતા. સ્વાભાવિક છે કે દસ મહિના પહેલાં જ તેમની માતા અને ભારતનાં વડાં પ્રધાન ઈન્દિરાજીની હત્યા થઈ હતી. આથી કાચના બૉક્સમાં ઊભા રહી તેમણે પ્રવચન આપ્યું હતું. આ દસ મહિનામાં તેમણએ શું કર્યું તેની ઝલક આપતા તેમણે કહ્યું હતું:
– એક વર્ષમાં પક્ષાંતર વિરોધી કાયદો બનાવ્યો.
– રાજકીય પક્ષોને ડોનેશન આપવાની છૂટ આપી.
-લોકપાલ બિલ લાવવાનું છે.
-ગંગાને સાફ કરવા વચન આપ્યું હતું. તે પૂરું કરીશું.
– આજે ભારતનો નાગરિક દુનિયાની આંખમાં આંખ નાખીને જોઈ શકે છે.
આ ભાષણ સાંભળવા આ લિંક પર ક્લિક કરો: www.youtube.com/watch?v=Wv4iNHWugcM
૧૯૮૯ સ્વતંત્રતા દિન: વડા પ્રધાન તરીકે તેમનું છેલ્લું ભાષણ…
આમાં તેઓ આત્મવિશ્વાસસભર દેખાય છે. સુરક્ષાવાળા બૉક્સમાંથી તેઓ પ્રવચન નથી આપતા. તેમને સોનિયા ગાંધી કે મનમોહનસિંહની જેમ વાંચીને ભાષણ નથી આપવું પડતું. તેમનું હિન્દી પણ પહેલાં કરતાં વધુ સુધરેલું અને ઉચ્ચારો ખૂબ જ શુદ્ધ જણાય છે. અત્યારે કૉંગ્રેસમાં આવા કેટલા નેતા? મનમોહન, ચિદમ્બરમ્, શશી થરૂર, અધીર રંજન ચૌધરી, મલ્લિકાર્જુન ખડગે શું બોલે છે તે તેઓ જ કદાચ સમજી શકતા હશે. રાહુલ ગાંધીમાં છબરડા વળે છે. પ્રિયંકા તૈયારી કરે તો આશાજનક ગણી શકાય. રાજીવ ગાંધીએ આ ભાષણમાં કહ્યું હતું:
– ગાંધીજીના સિદ્ધાંતો નવા નહોતા. આપણા ઇતિહાસમાંથી અને આપણી સંસ્કૃતિમાંથી જ કાઢ્યા હતા. તેમને ફરી આપ્યા હતા.
– રાજીવ ગાંધી પણ વિકાસની વાત કરે છે. પંડિતજી (નહેરુ) જીવતા હોત તો ખેડૂતોની, મહિલાઓની, બાળકોની, ઉદ્યોગોની સ્થિતિ જોઈને તેમને ગૌરવ થાત.
– આજે પણ દરેક વ્યક્તિના આંસું આપણે લૂછી નથી શક્યા. આજે પણ આરામનો સમય નથી.
– મોરારજી દેસાઈની જનતા પક્ષ-જનસંઘની સરકાર માટે સત્તાના દલાલ શબ્દ વાપરે છે તે ખોટું છે.
– દેશદ્રોહી ખુલ્લામાં ફરી શકે છે. તેઓ સંસદમાં પણ હોઈ શકે છે.  (વિરોધીઓ માટે સત્તાના દલાલ અને દેશદ્રોહી શબ્દ વાપરવો કેટલો યોગ્ય ગણાય તેવો પ્રશ્ન ત્યારે આ લેફ્ટ-લિબરલોએ ઉઠાવ્યો હશે?)
-આર્થિક વિકાસ સાથે ભારતના ચરિત્રમાં પણ એટલો જ વિકાસ થાય. ગમે તેટલો વિકાસ થાય પરંતુ ભારતની સભ્યતા-સંસ્કૃતિ-પરંપરા ખોવાઈ જાય તે ન ચાલે.
ત્યારે પણ ક્ષુલ્લક ભૂલો જોતા વાંકદેખુ પત્રકારો ‘હમેં દેખના હૈ’ તકિયાકલામની મજાક ઉડાવી રાજીવ ગાંધીને હાસ્યને પાત્ર બનાવતા. જે આજે મોદીના ‘ભાઈઓ-બહેનો’ અને ‘મિત્રોં’ને બનાવે છે.
આ ભાષણ સાંભળવા આ લિંક ક્લિક કરો: www.youtube.com/watch?v=WLSGqmSvhrE
૧૯૯૧માં કૉંગ્રેસની પ્રચાર રેલી…
– લાલકૃષ્ણ અડવાણીની શ્રી રામજન્મભૂમિ રથયાત્રાના સંદર્ભમાં “ત્યારે તમે ક્યાં હતા? તબ સીપીએમ કહાં પે થા- તબ જનતા દલ કહાં પે થા?” આવો પ્રશ્ન રાજીવ ગાંધી પૂછે છે. જે  ૭:૧૫ મિનિટની આસપાસ જોઈ શકાય છે. (અત્યારે નરેન્દ્ર મોદી કે ભાજપના લોકો “ત્યારે તમે ક્યાં હતા?” તેવું પૂછે તો તેની વિરોધીઓ ટીકા કરે છે.)
-આર્થિક નીતિ બદલવાનું શ્રેય મનમોહનસિંહને મળે છે પણ આ રેલીમાં રાજીવ ગાંધીએ ઉદ્યોગો પરનાં ખોટાં નિયંત્રણો હટાવવાની વાત કરી હતી.
આ ભાષણ સાંભળવા આ લિંક ક્લિક કરો: www.youtube.com/watch?v=3pVSBDN26bg
અને આ તો ખાસ સાંભળવું…
જ્યારે પણ ભારતની સામે પડકારો આવ્યા છે ત્યારે ભારતના લોકો તેની સામે ઊભા રહ્યા છે. આ સમય છે કે આ પડકાર સામે આપણે ઊભા થઈએ અને તેનો સામનો કરીએ. આપણે જિજ્ઞાસાવૃત્તિ નિર્માણ કરવી પડશે. આત્મનિર્ભર સંશોધનો કરવાની ભાવના નિર્માણ કરવી પડશે. એ ભાવના જે ભારતમાં પ્રવર્તતી હતી. આપણા સોને કી ચિડિયાના દિવસોમાં. એ સમય જ્યારે સમગ્ર વિશ્વના લોકો ભારત આવવાનો રસ્તો શોધતા હતા. આપણા સોનેરી દિવસોમાં આપણે ટોચ પર હતા- કળા અને તત્ત્વજ્ઞાનમાં, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં, સંસ્કૃતિના વિકાસમાં, સભ્યતાના વિકાસમાં. આપણે તે વિકાસ તરફ ભારતને પાછું લાવવું જ પડશે. આપણે તે કર્યું હતું અને આપણે તે ફરી કરી શકીશું. અત્યારે જે આવશ્યક છે તે એ છે કે સ્વામી વિવેકાનંદનો સંદેશ સાંભળવો. આ સંદેશ લગભગ એક સૈકાથી ભારતમાં સંભળાતો રહ્યો છે- ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યપ્રાપ્તિ ન કરો ત્યાં સુધી મંડ્યા રહો.
આ ભાષણ સાંભળવા આ લિંક ક્લિક કરો: www.youtube.com/watch?v=Ah8hNYL-VQc

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

M. M. Lalsetta 11/06/2020 - 2:45 PM

Very much informative.

Reply

Leave a Comment