Home » ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની રેવડી કરી નાખી

ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની રેવડી કરી નાખી

by Jaywant Pandya

સબ હેડિંગ: ચૂંટણી દરમિયાન અને તે પછી પિકનિક કરનાર રાહુલ ગાંધીની તો ઘર આંગણે ટીકા થતી જ હતી પણ લિબરલ ગણાતા ઓબામાએ તો સ્પષ્ટ રીતે રાહુલની ટીકા કરી છે અને મોદીના વખાણ.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૨ નવેમ્બર ૨૦૨૦)

ભારતના લેફ્ટ લિબરલો વિદેશના લેફ્ટ લિબરલ શાસકોને પસંદ કરતા હોય છે. વિદેશમાં પણ સીએનએનથી માંડીને ઘણાં માધ્યમો લેફ્ટ લિબરલો (કૉંગ્રેસમાં કોઈ પણ અધ્યક્ષ બને અથવા વડા પ્રધાન, તો ભારતનું લુટિયન મિડિયા તેને મહાન ચિતરવા માંડી જાય તેમ, ડેમોક્રેટિક પક્ષના કોઈ પણ)ની તરફદારી કરવાની અને જમણેરી એવા રિપબ્લિકનોને ઉતારી પાડતા હોય છે.
આથી જ કેનેડાના જસ્ટિન ટ્રુડો સાથે ખાલિસ્તાન સમર્થક ભારત આવે તો તે હકીકત છુપાવી દેવાની.
બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા દિલ્લી, મુંબઈ, બેંગુલુરુ જ્યાં પણ જાય, ત્યાં કેમેરામેનો સાથે રિપૉર્ટરો ગિદડી કરી નાખે. એમને પ્રશ્નો પણ સૉફ્ટ પૂછાય. અને હિન્દી ફિલ્મના ઘણા કલાકારો તો સેક્યુલર, હવે જાણીતું છે તેમ એન્ટી નેશનલ. પણ બિલ ક્લિન્ટન, બરાક ઓબામા વખતે અભિનેત્રીઓ વધુ ને વધુ શરીર દેખાય અને પુરુષો વધુ ને વધુ શરીર ઢંકાય તેવાં વસ્ત્રોમાં સજ્જ હોય. એમાં પાછા બરાકભાઈ પંક્તિ બોલે, “બડે બડે દેશો મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈ ‘ એટલે શાહરુખ ખાન અને એના અંધ ખખડી ગયેલા બોદા અવાજ કરતા ‘ફેનો’ નાચવા લાગે.
આ એન્ટી નેશનલ કલાકારોએ ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુ આવ્યા ત્યારે તેમના પંથને પોતાના દેશ કરતાં ઉપર મૂકેલો. કારણકે જો દેશને મૂકે તો તો ઇઝરાયેલ વર્ષોથી ભારતને છુપી અને મોદી રાજમાં સત્તાવાર સંબંધો સ્થપાયા પછી ખારા પાણીને મીઠું કરવા સહિત સંરક્ષણ ટૅક્નૉલૉજીની સમજૂતી કરી છે એટલે તેમની આગતા સ્વાગતા કરવી જોઈએ, પણ એમ કરે તો પાકિસ્તાન અને દુબઈમાં બેઠેલા તેમના સ્વામીઓ તેમની ગર્ભનાળ કાપી રઝળતા મૂકી દે. જોકે એ અલગ વાત છે કે હવે તો યુએઈ ઇઝરાયેલનું ગાઢ દોસ્ત બન્યું છે.
આ લેફ્ટ લિબરલ ફિલ્મ કલાકારો, સાહિત્યકારો, પ્રાધ્યાપકો બરાક ઓબામા અને મનમોહનસિંહની દોસ્તીનાં ગાણાં ગાતાં થાકતા નહોતાં. અને ૨૦૧૩માં જ્યારે મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા તે પછીથી કુપ્રચાર ચાલુ કર્યો હતો કે વિદેશ નીતિમાં મોદી સૌથી મોટું ગોથું ખાશે. તેમની ઓળખ તો ગુજરાત બહાર પણ નથી. ૨૦૦૫માં મોદીને વિઝા નહોતા મળ્યા એટલે હજુ પણ તેમનો આંતરરાષ્ટ્રીય જગત બહિષ્કાર કરશે.
પણ આ કુપમંડુકો વિચારે તેવું થતું નથી હોતું. (કેટલાક બુદ્ધુજીવી લેખ કે ભાષણમાં પણ આવું કરે. શ્રી રામમંદિર, કાશ્મીરમાં પીડીપી સાથે સ્ટ્રેટેજિક ગઠબંધન કરી ૩૭૦ વિશે જાણી લેવું, વગેરે વિષયમાં ઊંડા અભ્યાસનો સમય ન હોય એટલે પોઠિયાને પોઇન્ટ તારવવા કહે. એ પણ એના જેવો જ હોય એટલે કામચોરીનો ગુણાકાર થાય અને પછી છબરડા વળે ત્યારે લાજવાના બદલે ગાજવાનું.)
મોદી વડા પ્રધાન પદના દાવેદાર જાહેર થયા ત્યારે સૌથી પહેલાં બ્રિટને સંબંધ સુધારવા હાથ લંબાવેલો. અમેરિકાની રાજદૂત નાન્સી પોવેલ લુટિયન મિડિયા વાંચી અને જોઈને છેક સુધી ટડમાં રહ્યાં. છેવટે અમેરિકાએ તેમને પાછાં બોલાવી તેમનું નાક વાઢી લીધું. એ જ મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં ભાગ લેવા મુખ્ય અતિથિ તરીકે આવેલા બરાક ઓબામાને ‘માય ફ્રેન્ડ ઓબામા’ કહે. ટ્રમ્પ સાથેની તેમની દોસ્તી પણ જાણીતી છે. જિનપિંગ જ્યાં સુધી દોસ્ત રહ્યા, મોદીએ દોસ્તી નિભાવી, હવે તેઓ ભાવ પણ ન આપે.
આ બરાક ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’ લખી છે જેણે ભારતમાં નહેરુ-ગાંધી પરિવારન્ ચમચા અને લેફ્ટ લિબરલોમાં ખળભળાટ મચાવી દીધો છે.
બિહારની ચૂંટણી વખતે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના શિવાનંદ તિવારીએ કોંગ્રેસીઓના અને લુટિયન મિડિયાના લાડીલા યુવરાજ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો કે શહઝાદા તો ચૂંટણી વખતે બહેનના શિમલાના ફાર્મ હાઉસમાં પિકનિક મનાવતા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકા વાડ્રાએ પણ એક પણ રેલી ન કરી. અને એવા લોકોને પ્રચારમાં મોકલ્યા જેમને અહીંના વિશે કોઈ ગતાગમ નહોતી. પણ ચૂંટણી દરમિયાન પિકનિક ઓછી પડતી હોય તેમ યુવરાજ રાહુલ ગાંધી ચૂંટણી પછી જેસલમેર બીજી પિકનિક મનાવવા ગયા! સોનિયા ગાંધી પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે, પણ ચૂંટણી રેલી વગેરે દોર તો મુખ્યત્વે રાહુલ જ સંભાળે છે. એવામાં જ્યારે સુકાની જ અધવચ્ચે પક્ષને ભગવાન ભરોસે છોડી દે તો પક્ષના નેતાઓ અને કાર્યકર્તા નિરાશ થવાના જ. અને કૉંગ્રેસનું પરિણામની દૃષ્ટિએ ખરાબ પ્રદર્શન થયું.
આ પછી કપિલ સિબલે ફરી આત્મમંથનની વાત કરી, કૉંગ્રેસમાં કાર્યકારી સમિતિમાં ફેરફારની વાત કરી એટલે પહેલાં અશોક ગહલોત અને પછી સલમાન ખુર્શીદે (જેમણે કહેલું કે બાટલા હાઉસમાં ત્રાસવાદીના મૃત્યુ પર સોનિયા ગાંધી રોયાં હતાં.) કપિલ સિબલની ટીકા કરી.
આ બધું તો ભારતની અંદર થઈ રહ્યું હતું પણ મા-બેટાની રહી સહી છબિને જબરદસ્ત ધક્કો લાગ્યો બરાક ઓબામાના ઉપરોક્ત પુસ્તકથી!
ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની છબિના આંતરરાષ્ટ્રીય ધજાગરા ઉડાડ્યા છે. તેમણે લખ્યું કે “રાહુલ ગાંધી એવા વિદ્યાર્થી છે જેણે કૉર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા ઉત્સુક પણ રહે છે પણ આ વિષય (રાજકારણ)માં નિપુણતા પ્રાપ્ત કરવા યોગ્યતા નથી અને ધગશની પણ ઉણપ છે.” ટૂંકમાં, એ ભાઈ રાજકારણને લાયક નથી.
મોદીની ઈચ્છાશક્તિના લીધે ભારતની વીર સેનાએ ઉડી ત્રાસવાદી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે કૉંગ્રેસીઓ કહેવા લાગ્યા હતા કે અમારા શાસનમાં પણ સર્જિકલ સ્ટ્રાઇકો થતી. પણ ઓબામાએ કૉંગ્રેસ અને ‘સિંહ ઇઝ કિંગ’ મનમોહનની પણ પોલ ખોલી છે. તેમણે પુસ્તકમાં દાવો કર્યો છે કે મનમોહનસિંહે ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ ત્રણ દિવસ થયેલા ત્રાસવાદી હુમલા પછી કોઈ કાર્યવાહી કરવા માગતા નહોતા. અહીં તેમને બીક હતી કે મુસ્લિમ વિરોધી ભાવના વધી રહી હતી જેનાથી ભાજપની તાકાત વધી રહી હતી. વિચાર કરો! દેશના વડા પ્રધાને દેશનું વિચારવું જોઈએ કે ભાજપની તાકાત વધી રહી હતી તેનું? જો તેમણે હિંમતપૂર્વક પગલાં લીધાં હોત તો તેમની છબિ સુદૃઢ બનત, કૉંગ્રેસનું ૨૦૧૪માં સત્તામાં પુનરાગમન થયું હોત.
સોનિયા ગાંધીએ મનમોહનસિંહને કેમ વડા પ્રધાન બનાવ્યા તેનું કારણ અર્થશાસ્ત્રી તરીકે તેમની ખ્યાતિ જવાબદાર નહોતી. ઓબામા કહે છે કે મનમોહનનો એક તો કોઈ જનાધાર નહોતો. બીજું, તેઓ (મનમોહન) તેના યુવરાજ રાહુલ ગાંધી માટે ભયરૂપ નહોતા. ટૂંકમાં, કઠપૂતળી વડા પ્રધાન.
ઓબામા મોદી વિશે શું લખે છે? મોદી સુધારક વડા (રિફૉર્મર-ઇન-ચીફ) છે. જે પરિવર્તન અહીંના નહેરુ-ગાંધી પરિવારના અંધ ચમચાઓ નહોતા જોઈ શકતા તે ઓબામા જોઈ શકે છે. ભારતના મોદી વિરોધીઓ એ હકીકત હજુ પચાવી નથી શક્યા કે એક ચાવાળો વડા પ્રધાન બની જાય! પણ ઓબામા આ હકીકતને ટાંકીને લખે છે કે આ વાત ભારતની ગતિશીલતા અને ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોદી વધુમાં વધુ લોકોની મદદ માટે સમર્પિત છે. તેમણે મોદીએ ગરીબી મટાડવા જે પગલાં લીધાં, શિક્ષણ વ્યવસ્થા સુધારવા જે પગલાં લીધાં, છોકરીઓ અને સ્ત્રીઓને સશક્ત કરવા જે પગલાં લીધાં, આબોહવા પરિવર્તનનો સામનો કરીને ભારતની આર્થિક શક્તિ વધારવા દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો તેની પ્રશંસા સાથે તેમણે મોદીના યોગ પ્રેમના પણ વખાણ કર્યા.
ભારતના સેક્યુલરોને બર્નોલની જરૂર પડે તેવી એક વાત તેમણે એ કરી કે તેમનું બાળપણ ઇન્ડોનેશિયામાં વિત્યું હતું જ્યાં તેમને રામાયણ અને મહાભારતના શ્લોકો સાંભળવા મળતા હતા. યાદ રહે, ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી દેશ છે. પણ ત્યાં આપણી જેમ કટ્ટરતા એવી ફેલાવાતી નથી કે મુસ્લિમો તેમના શ્રી રામ અને શ્રી કૄષ્ણને ભૂલી જાય.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment