Home » ૧૧મી ડિસેમ્બર કોના માટે લાભદાયક રહેશે?

૧૧મી ડિસેમ્બર કોના માટે લાભદાયક રહેશે?

by Jaywant Pandya


(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૯-૧૨-૨૦૧૮)
૧૧ ડિસેમ્બરે એટલે કે પરમ દિવસે પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામો છે. નરેન્દ્ર મોદીની ૨૦૧૪ની સરકાર બની ત્યારથી દર ચૂંટણી તેમની લોકપ્રિયતાની લહેરની કસોટી બની રહેશે તેમ સેક્યુલર મિડિયા ગણાવતું આવ્યું છે. પરંતુ દિલ્લી અને બિહાર જેવાં અમુક રાજ્યોને બાદ કરો તો મોટા ભાગે આ લોકપ્રિયતાની કસોટી પર ન માત્ર નરેન્દ્ર મોદી, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી પછી મોદીના ભરોસે નિયુક્ત અમિત શાહ પણ ખરા ઉતર્યા. આ જોડી અજેય માનવા લાગી. જોકે આ બધામાં એક વાત એ પણ નોંધવા લાયક છે કે જે રાજ્યોમાં વિજય મળ્યો તેમાં ગુજરાતને બાદ કરતાં મોટા ભાગે વિપક્ષ અથવા કૉંગ્રેસની સરકાર હતી. હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા વગેરેમાં કૉંગ્રેસની સરકાર, નેશનલ કૉન્ફરન્સની સરકાર અથવા સામ્યવાદી સરકાર સામે ભારે અસંતોષ હતો.

હરિયાણામાં ભૂપેન્દ્ર હુડા, મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ, હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહ વગેરેની સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા અને તેમાંય કૉંગ્રેસનું મા-બેટાનું નેતૃત્વ હતું જેની સામે પણ આરોપો થઈ શકતા હતા. પરંતુ ગુજરાત અને ગોવામાં થોડા ઘટાડા સાથે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કબજો જમાવી રાખી શક્યા છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે જરૂર ઉભર્યો પરંતુ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યો. આની સામે પંજાબ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં તે ખાસ કાઠું કાઢી ન શક્યો. પંજાબમાં અકાલી દળ સાથેની મિશ્ર સરકારનો ખરાબ દેખાવ નડી ગયો. કેરળમાં ખાતું ખૂલ્યું. પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો મેળવી શક્યો. તમિલનાડુમાં ખાતું ખૂલ્યું નહીં.

આ ઉપરાંત પેટા ચૂંટણીઓમાં પણ ભાજપે હાર મેળવી છે. વર્ષ ૨૦૧૪માં જીતેલી આઠ બેઠકો તેણે ગુમાવી દીધી. તો ૨૭ બેઠકો વિપક્ષ પાસેથી ખૂંચવી લેવામાં પણ તે નિષ્ફળ રહ્યો છે.

આવું કેમ બન્યું? તેનાં કારણો જાણીએ અને પછી વાત કરીએ ૧૧ ડિસેમ્બરે આવનારાં પાંચ રાજ્યોનાં પરિણામોની. પહેલી વાત તો એ કે ભાજપને સામે મુખ્ય હરીફ તરીકે કૉંગ્રેસ હોય એટલે મજા આવે છે. કૉંગ્રેસના સાઇઠ-સિત્તેર વર્ષનો શાસનનો ખરડાયેલો ભૂતકાળ ભાજપ માટે કારગત નિવડે છે. વળી, લઘુમતીના તુષ્ટીકરણનો કૉંગ્રેસ પર આક્ષેપ છે તે હજુ પણ ભૂંસાય તેમ નથી. ઉલટું તેલંગણાના મુસ્લિમો લક્ષી ચૂંટણી ઢંઢેરાથી ઓર મજબૂત બન્યો છે. ભ્રષ્ટાચાર અંગેના કૉંગ્રેસ સામેના આક્ષેપો અગણિત છે. તેમાં ઑગસ્તા વૅસ્ટલેન્ડ વીવીઆઇપી ચૉપર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન માઇકલના પ્રત્યર્પણથી આ આક્ષેપો ઓર પ્રબળ બનશે. કૉંગ્રેસમાં જૂથવાદ પ્રબળ છે. તેથી બહુ ઓછાં રાજ્યોમાં પહેલેથી મુખ્ય પ્રધાનના ઉમેદવાર નક્કી હોય છે. જ્યાં નક્કી હતા તે પંજાબમાં કૉંગ્રેસે વિજય મેળવ્યો છે. પરંતુ બીજી જગ્યાએ તેમ થતું નથી. સૌથી મોટું પાસું રાહુલ ગાંધી પોતે બને છે. તેમના પિછત્તીસ હજાર કે સાડે તીન લાખ પચાસ હજાર જેવાં છબરડાઓ થતા રહે છે. તેમનાં ભાષણો લખનાર સારું હૉમ વર્ક કરતા નથી. સંશોધન કરતા નથી. રાજ્યોમાં પણ નરેન્દ્ર મોદી સરકારને રાફેલ, નોટબંધી, જીએસટી જેવા મુદ્દા ઊછાળતા રહે છે. બીજી તરફ વચનોમાં પણ ખેડૂતોના દેવા માફી જેવી ઘસાયેલી રેકૉર્ડ જ વાગે છે. જોકે મધ્ય પ્રદેશમાં ગોશાળા જેવી પહેલ જરૂર કરી છે.

આની સામે નરેન્દ્ર મોદી રાજ્યલક્ષી મુદ્દા ઊછાળે છે, જેમ કે તેમણે કોટાને સ્માર્ટ સિટી બનાવવું જોઈએ તેમ કહ્યું. આના લીધે નેગેટિવ પ્રચારની સાથે પક્ષનો પૉઝિટિવ પ્રચાર પણ થાય છે. આથી જ ભાજપ કૉંગ્રેસ સામે બળવત્તર સાબિત થાય છે. પરંતુ…જ્યાં સ્થાનિક પક્ષોની વાત આવે ત્યાં ભાજપે પોતાની ક્ષમતા હજુ ઉત્તર પ્રદેશ સિવાય ક્યાંય બતાવી નથી. ઉત્તર પ્રદેશમાં લોકો મુલાયમસિંહ અને માયાવતીના વારાફરતી શાસનથી જબરદસ્ત કંટાળેલા હતા અને તેમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ભળી. નરેન્દ્ર મોદીનાં ભાષણો અને અમિત શાહની રણનીતિ રંગ લાવી. ઉત્તર પ્રદેશમાં એકલે હાથ ભાજપને બહુમતી મળી. પરંતુ દિલ્લી, બિહાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર વગેરેમાં ભાજપ સ્થાનિક પક્ષોને પછાડી શક્યો નથી. એ અલગ વાત છે કે બિહારમાં નીતિશ અને લાલુને ડખા થયા તેમાં ભાજપને સત્તા મળી ગઈ અને જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી મોહમ્મદ સઈદ અને બાદમાં મહેબૂબા મુફ્તી સાથે સમજૂતી કરવાથી સત્તાનાં ફળ ચાખવાં મળી શક્યાં. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ વિધાનસભા ચૂંટણીમાં ચાલુ રહ્યો છે. તમિલનાડુમાં જયલલિતાનો જાદુ હતો. હવે અન્ના દ્રમુક અને દ્રમુક બંનેમાં અંદર-અંદર ભારે સંઘર્ષ છે. કમલ હાસને નવો પક્ષ રચ્યો છે. આથી ત્યાં પણ ભાજપનો ગજ વાગ્યો નથી.

આ સ્થિતિમાં ૧૧ ડિસેમ્બરે જે પાંચ રાજ્યોનાં પરિણામો આવશે તે મહત્ત્વનાં બની રહેશે કેમ કે આ રાજ્યો ભાજપનો ગઢ ગણાતાં રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં ભાજપનું પંદર વર્ષથી શાસન છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા છે, પરંતુ સામે કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહનો વિભાજિત પડકાર છે. વિભાજીત એટલે કે તેમની વચ્ચે ડખા છે. વળી, બસપ કે સપએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી. આ સંજોગોમાં અહીં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખશે તેમ એક કાચો અંદાજ મૂકી શકાય. મધ્યપ્રદેશ વિશે એવું કહેવાય છે કે જે માળવા જીતે તે મધ્ય પ્રદેશ જીતી શકે. બીજી તરફ, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાની સામે પક્ષની અંદર અસંતોષ છે. તેને એકબાજુએ મૂકીએ પરંતુ રાજસ્થાનનો ઇતિહાસ એવું કહે છે કે જે મેવાડ જીતે તે રાજસ્થાન જીતી શકે.

વર્ષ ૨૦૧૩માં મધ્ય પ્રદેશમાં માળવા અને રાજસ્થાનમાં મેવાડમાં ભાજપનું મોજું ફરી વળ્યું હતું. મધ્ય પ્રદેશના માળવા અને મધ્ય ક્ષેત્રમાં ભાજપે પચાસ ટકાથી વધુ મતો મેળવ્યા હતા. માળવા પ્રદેશની ૫૦ બેઠકોમાંથી ભાજપે ૪૫ બેઠકો કબજે કરી હતી જ્યારે કૉંગ્રેસના ભાગે ચાર બેઠકો જ આવી હતી. અહીં ભાજપને ખેડૂતોનું આંદોલન અને સવર્ણોની નારાજગી નડી શકે છે. માળવાની ઓળખ ધાર્મિક કેન્દ્ર તરીકે પણ છે. આ પ્રદેશમાં ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર આવે છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, અમિત શાહ અને રાહુલ ગાંધી એ બધા જ મહાકાળ બાબાના દર્શન કરી આવ્યા છે.

તો રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૩માં મેવાડ અથવા ઉદયપુર પ્રદેશની ૨૮માંથી ૨૫ બેઠકો ભાજપે પ્રાપ્ત કરી હતી. કૉંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. રાજસ્થાન વિશે એમ કહેવાય છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. ગયા વખતે કૉંગ્રેસની સરકાર હતી તે પછી હાલ ભાજપની સરકાર છે. આ વખતે મતદારો કોની સરકાર લાવશે? તે તો ૧૧ ડિસેમ્બરે જ જવાબ મળશે પરંતુ આ સરકાર દર પાંચ વર્ષે બદલાવાનું કારણ મેવાડની જનસંખ્યા છે. અહીં ૭૦ ટકા વસતિ આદિવાસીઓની છે. તેમનો પ્રભાવ ૧૬ બેઠકો પર છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આદિવાસીમાં મુખ્યત્વે ભીલ વર્ગ છે. તે પછી મીના જનજાતિ વધુ છે. અહીંના મતદારો સરકારના કામકાજ પર મતદાન કરે છે. તેમને લાગે કે સરકારે પોતાનાં વચનો પૂરાં કર્યાં નથી તો તે સરકાર બદલી નાખે છે.
મેવાડની કહેવત છે, “પૂરી છોડ ને આધી ખાની, પણ મેવાડ છોડને કઠેઈ ન જાની’. અર્થાત્ ભલે અડધી રોટલી ખાવી પડે તો ખાવી, પરંતુ મેવાડ છોડીને ક્યાંય ન જવું. પદ્માવતીના પતિ રતનસિંહ, મહારાણા પ્રતાપ, રાણા સાંગા જેવા બહાદુર રાજાઓનો અહીં શૌર્યનો ઇતિહાસ સચવાયેલો છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત અહીંથી જ કરી હતી. એક માન્યતા એવી છે કે જ્યારેજ્યારે તેમણે અહીંથી ચૂંટણી પ્રચાર આરંભ્યો ત્યારેત્યારે તેઓ સત્તામાં પાછાં આવી શક્યાં છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સવર્ણોને જીતવા રાહુલ ગાંધીએ બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું છે અને પોતાનું ગોત્ર દત્તાત્રેય હોવાનું જાહેર કર્યું છે, પરંતુ બ્રાહ્મણો મૂર્ખ નથી. તેમને ખબર છે કે પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ખ્રિસ્તી હોય અને રાજીવના પિતા ફિરોઝ ગાંધી પારસી હોય (કે એક અફવા પ્રમાણે મુસ્લિમ હોય) તો ગોત્ર દાદીમાનું ન આવે. વળી, એક માન્યતા પ્રમાણે, દત્તાત્રેય આજીવન બ્રહ્મચારી હતા. તેથી તેમનો વંશ હોઈ શકે જ નહીં. આથી, જેમણે પણ રાહુલ ગાંધીને આ માહિતી શોધીને આપી છે તેમણે રાહુલ ગાંધીને ભોંઠા પાડવા જેવું કામ કર્યું છે. રાહુલે પોતે પણ અવિચારી રીતે આ માહિતી સ્વીકારી લઈ ભોપાળું વાળ્યું છે. આ બધી વાતોમાં પડવાના બદલે શાસક વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની જરૂર હતી, પરંતુ કૉંગ્રેસ ગુજરાતની ચૂંટણી હોય કે કર્ણાટકની, કે પછી રાજસ્થાનની, જાતિવાદના સહારે ચૂંટણી જીતવા જાય છે અને જીતની બાજી હારમાં પલટાવી દે છે.

આ જ રીતે છત્તીસગઢમાં ભાજપ, કૉંગ્રેસ અને માયાવતી-અજિત જોગીનો ત્રિકોણીયો જંગ છે. માયાવતી-જોગીની યુતિ બહુ ચમત્કારિક કાઠું ન કાઢે તો અહીં ભાજપની ફરીથી સરકાર બનશે. જ્યારે તેલંગણામાં ટીઆરએસ સત્તા જાળવી રાખશે તેમ મનાય છે કારણકે એવી ખાસ સત્તાવિરોધી લહેર નથી.

ડિસેમ્બર મહિનો આમ પણ નરેન્દ્ર મોદી માટે લાભદાયક સાબિત થતો રહ્યો છે. ગુજરાતની ચૂંટણી મોટા ભાગે ડિસેમ્બરમાં યોજાતી રહી છે. ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યર્પણથી મોદી અને ભાજપના બાવડામાં નવું જોર તો આવી જ ગયું છે. જોવાનું રહે છે કે ૧૧ ડિસેમ્બરનાં પરિણામો વધુ જોર આપે છે કે નહીં?

(લ.દિ.૦૫-૧૨-૨૦૧૮)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment